Monday, April 1, 2019

Morning Mushing 1st April 2019 to 30th Sept 2019

Flowing Water Shining Sun Full HD Nature Background Wallpaper For Laptop Widescreen


Morning Mushing 1st October 2018 to 31st March 2019 Link:


1st April 2019
Morning Musings...
કોઈને પ્રેમ કરવાનો મતલબ એને સમજવાનો નથી. એ બંને અલગ બાબત છે. એ એક ભ્રમ છે કે આપણે જેને પ્રેમ કરીયે છીએ તેને સમજીએ છીએ અને જેને સમજીએ છીએ તેને પ્રેમ કરીયે છીએ. કોઈને સમજવું એ અટપટી બાબત છે. લોકો ફિક્સ્ડ જીવ નથી. એમનાં વ્યક્તિત્વમાં બદલાવ આવતો રહે છે. આપણે વ્યક્તિને નહીં, પ્રેમના અહેસાસને પ્રેમ કરીયે છીએ. પ્રેમને જાદુઈ ફીલિંગ એટલા માટે કહેવાય છે કારણ કે એ મગજના અમુક પાર્ટને ઉત્તેજિત કરે છે, જ્યાં એવા અનુભવો એકઠા થયેલા છે. એટલે જ, તમે સાવ અજનબી, જેના વિશે તમને કોઈ જ સમજણ નથી, તે વ્યક્તિના પ્રેમમાં પણ પડી શકો છો. હકીકતમાં, 'કોઈ મને સમજે' એ આગ્રહ ખુદની સ્વીકૃતિ થાય અને સમર્થનનો સ્ટેમ્પ વાગે તે માટે હોય છે. જે તમને સમજીને પ્રેમ કરે છે, એ તમારા દોષ કાઢવાનું શરૂ કરે ત્યારે જોજો, સમજદારીને પ્રેમ કેવો હવા થઈ જાય છે!

2nd April 2019
Morning Mushing: 
પેલેસ્ટાઈન સ્ટેટ પાસે આવેલા બિલિન નામના ગામમાં, એક મહિલાએ, ઈઝરાયલી સૈન્યએ ફોડેલા ટીયર ગેસના ગ્રેનેડમાં ફૂલોના છોડ વાવ્યા છે. ઇઝરાયલી અને પેલેસ્ટાઈનીન સૈનિકો વચ્ચેની લડાઈ દરમ્યાન ઉપયોગમાં લેવાયેલા ગ્રેનેડને બગીચામાં ભેગા કરીને આ મહિલાએ આ રીતે આ અંતહીન હિંસાનો વિરોધ ફૂલો ની ખૂશ્બુ નો ઉછેર કરી અને કરે છે. આજ નું યુધ્ધ કાલની શાંતિ માટે કરવામાં આવે છે જેનો ક્યારેય અંત નથી. મોરલ ઓફ ધ સ્ટોરી એ જ છે કે પરિણામ અને પરિસ્થિતિ જાણતા અને સમજતાં હોવા છતાં મારો ધર્મ અને મારું કર્મ સારું કરવા માટે થયો છે અને હું કરીશ.

3rd April 2019
Morning Mushing: 
વર્ષ ૧૯૦૨માં, એક પ્રોફેસરે એના વિદ્યાર્થીને પૂછ્યું: સંસારમાં જે કંઈ છે, તે ઈશ્વરે સર્જ્યું છે?
વિધાર્થી: યસ
પ્રોફેસર: શયતાનનું શું? એને પણ ઈશ્વરે સર્જ્યો છે?
વિધાર્થી થોડીવાર ચુપ થઇ ગયો, અને પછી બોલ્યો: હું કંઈ પૂછ્યું? પ્રોફેસરે હા પાડી. 
વિધાર્થી: ઠંડીનું અસ્તિત્વ હોય છે? 
પ્રોફેસર: યસ, ડીયર. આપણને એનો અનુભવ થાય છે ને.
વિધાર્થી: આપની વાત ખોટી છે. ઠંડી જેવું કશું હોતું  નથી. એ ગરમીનો અભાવ છે. 
એણે ફરી પૂછ્યું: અંધકારનું અસ્તિત્વ છે?
પ્રોફેસર: યસ, ડીયર. 
વિધાર્થી: તમે ફરી ખોટા પડ્યા, સર. અંધારા જેવું કશું હોતું નથી. એ તો પ્રકાશની ગેરહાજરી છે. સર, આપણે કાયમ પ્રકાશ અને ગરમીનું ભણીએ છીએ, પણ ઠંડી અને અંધકારનો અભ્યાસ નથી કરતા. બસ, એ જ રીતે શયતાનનું અસ્તિત્વ નથી, એ તો પ્રેમ, શ્રદ્ધા અને ઈશ્વરમાં માન્યતાની ગેરહાજરી છે. 
એ વિદ્યાર્થીનું નામ હતું આલ્બર્ટ આઇન્સ્ટાઇન...!

4th April 2019
Morning Mushing:
(ઉપર એક કળાકારની નજરે ૧૮ માર્ચ ૧૯૨૨ની કોર્ટ ટ્રાયલનું દ્રશ્ય)

રાષ્ટ્રપ્રેમ બળજબરીથી પેદા ના કરી શકાય....
રાજદ્રોહનો કાનુન અંગ્રેજ સરકાર સામે થઇ રહેલા વિદ્રોહને ડામવા માટે ૧૮૭૦માં ઇન્ડિયન પીનલ કોડમાં સામેલ કરવામાં આવ્યો હતો. આ જરીપુરાણા કાનુનનો સદુપયોગ કરતાં દુરપયોગ વધુ થઇ રહ્યો છે, એ વાત આજકાલની નથી. પત્રકારો-લેખકો અને સામાજિક-રાજકીય કાર્યકરોને એમના કથિત સરકાર વિરોધી વલણ બદલ, આ કાનુન હેઠળ પરેશાન કરવામાં આવ્યા છે. એનું સૌથી મોટું ઉદાહરણ મહાત્મા ગાંધી છે. 

ગાંધીજીએ એમના સાપ્તાહિક 'યંગ ઇન્ડિયા'માં ત્રણ લેખ લખ્યા હતા, જે અંગ્રેજ સરકારની નજરમાં 'મહામહિમ સરકાર સામે અસંતોષ ભડકાવનારા' હતા. ગાંધીજી સામે આઈપીસીની કલમ ૧૨૪-એ નીચે રાજદ્રોહનો ગુનો નોધવામાં આવ્યો હતો. 

૧૮ માર્ચ, ૧૯૨૨ના દિવસે અમદાવાદના સર્કીટ હાઉસમાં કોર્ટ બેસાડવામાં આવી હતી, અને ૨૦૦ લોકોની માર્યાદિત હાજરી વચ્ચે ગાંધીજી કોર્ટ સમક્ષ ઉપસ્થિત થયા હતા. એમની સાથે 'સહઆરોપી' 'યંગ ઇન્ડિયા'ના તંત્રી, મુદ્રક અને પ્રકાશક શંકરલાલ ઘેલાભાઈ બેન્કર હતા. સરોજીની નાયડુ ત્યાં હાજર હતાં. એ યાદ કરીને લખે છે, " કાનુનની નજરમાં ગુનેગાર અને અપરાધી! પણ મહાત્મા ગાંધી જેવા અંદર આવ્યા, એમના સન્માનમાં આખી કોર્ટ સહજ રીતે ઉભી થઇ ગઈ." 

ગાંધીજી સામે આરોપો સંભળાવવામાં આવ્યા. એમણે અને બેન્કરે અપરાધનો સ્વીકાર કર્યો. સજા સંભળાવતાં પહેલાં, સેસન્સ જજ આર.એસ. બ્રુમ્સફિલ્ડે ગાંધીજીને સજા અંગે કંઈ કહેવું હોય, તો પરવાનગી આપી હતી. ગાંધીજી બોલ્યા, "મારે કાં'તો એ વ્યવસ્થા સામે સમર્પણ કરવું પડે, જેણે મારા દેશનું બહુ અહિત કર્યું છે, અથવા લોકોના આવેશનું  જોખમ ઉઠાવવું પડે, જેમને મારી સચ્ચાઈની ખબર છે. હું જાણું છું કે મારા લોકો કયારેક ઝનૂની થઇ ગયા છે. હું એના માટે દિલગીર છું, અને એટલા માટે હું સૌથી કડક સજા માટે તૈયાર છું. મને હળવી સજા ફરમાવવામાં ના આવે."

ગાંધીજીએ ત્યાં એક નિવેદન પણ વાંચી સંભળાવ્યું હતું. એમાં કલમ ૧૨૪-Aને 'ઇન્ડિયન પીનલ કોડના રાજકીય અનુચ્છેદમાં મુગટ સમાન' ગણાવીને ગાંધીજી કહ્યું હતું, "પ્રેમ કુત્રિમ રીતે પેદા કરી ના શકાય કે ના તો કાનુનથી એનું નિયમન થાય. કોઈને કોઈ વ્યક્તિ કે વ્યવસ્થા પ્રત્યે પ્રેમ ના હોય, તો એને એ અસંતોષ વ્યક્ત કરવાની પૂરી છૂટ હોવી જોઈએ. માત્ર એમાં હિંસા ભડકવાનો ભાવ ના હોવો જોઈએ. પણ મને અને શ્રી બેન્કરને જે કાનુન નીચે અપરાધી માનવામાં આવ્યા છે, મેં એના બીજા કેસોને અભ્યાસ કર્યો છે, અને ભારતના અમુક સૌથી વહાલા દેશભક્તોને એની નીચે દોષિત ઠેરવવામાં આવ્યા છે. મને એ જ ધારા હેઠળ અપરાધી ઠરવાનું ગૌરવ છે." 

૧૦૦ મિનીટમાં ટ્રાયલ પૂરી થઇ. જજ આર.એસ. બ્રુમ્સફિલ્ડે ગાંધીજી અને બેન્કરને છ મહિનાની કેદ ફરમાવી. એમને સાબરમતી જેલમાં લઇ જવાયા. 

-લાઇવમિન્ટમાંથી.

5th April 2019
Morning Musings...
સોશ્યલ મીડિયા હોય કે સોસાયટી..પર આ ખાસ જોજો. આપણે કોઈની ટીકા કરીએ છીએ, ત્યારે એમાં આપણને એ જ આનંદ આવે છે, જે એની કુથલી કરવામાંથી આવે છે. ફર્ક એટલો જ છે કે, ટીકા-ટિપ્પણને આપણે રચનાત્મક આલોચના ગણીએ સારું ફીલ કરીએ છીએ, એટલે એ જાહેરમાં હોય છે, અને ગોસીપને ગંદુ ગણીને શરમ અનુભવીએ છીએ, એટલે એ પીઠ પાછળ હોય છે. બંનેમાં આપણે ખુદને બીજા કરતાં બહેતર અને ઉપર ગણીએ છીએ, અને એની જ મઝા આવે છે. આપણું આત્મસન્માન ઝીરો-સમ ગેઈમ જેવું છે; એ કોકની સરખામણીમાંથી જ આવે-બીજો ખરાબ હોય, તો જ હું બહેતર હોઉં. રચનાત્મક અથવા તંદુરસ્ત ટીકાનું પણ કટાક્ષ જેવું જ છે. સામેવાળાને ના ગમે તો 'હું તો મજાક કરતો હતો' એવું કહીને છૂટી જવાય, અને આપણું 'કામ' પણ થઈ જાય.

6th April 2019
Morning Mushing:
અને હવે ટૂંકી વાર્તાનું વેન્ડીગ મશીન...
એક જમાનામાં તમે ટ્રેન કે બસની મુસાફરીમાં ગુલશન નંદા કે મહેશ મસ્તફકીરને વાંચતા હતા. સ્માર્ટફોને આવા વાંચનની કતલ કરી નાખી છે. એક ફ્રેંચ કંપની, શોર્ટ એડીશને, લોકોને યાત્રા દરમ્યાન વાર્તા વાંચતા કરવા માટે, લંડનની ટ્યુબ ટ્રેન પર આવેલા કેનરી વાર્ફ સ્ટેશને ત્રણ વેન્ડિંગ મશીન મૂક્યાં છે, જેમાં બટન દબાવતાં જ પાંચ-સાત મિનીટની ટૂંકી વાર્તા બહાર આવે છે. વર્જીનિયા વુલ્ફ, ચાર્લ્સ ડિકન્સ અને એન્થની હોરોવિત્ઝ જેવા વર્તમાન અને ભૂતકાળના જાણીતા લેખકોની આ વાર્તાઓ ઇકોફ્રેન્ડલી પેપર સ્લિપ પર પ્રિન્ટ થયેલી હોય છે. 

આમ તો આ આઈડિયા સાવ જ નવો નથી. જાણીતી પ્રકાશક કંપની પેન્ગ્વીનના સ્થાપક અલેન લાને, ૧૯૩૭માં લંડનના ચરિંગ ક્રોસ સ્ટેશન પર, 'પેન્ગ્વીનક્યુબેટોર' સ્લોટ-મશીન મુક્યું હતું, જેમાંથી પેન્ગ્વીનની ચોપડીઓ મળતી હતી. ત્યારે લંડનના લેખકો આવા 'ફાલતુ' આઈડિયાથી ઘા ખાઈ ગયા હતા. 

ટૂંકી વાર્તાનું વેન્ડિંગ મશીન બનાવનાર શોર્ટ એડીશન કંપનીનું રીસર્ચ કહે છે કે, બ્રિટનમાં વર્ષે ૫ કરોડ પુસ્તકો અડધાં વંચાયા વગર પડી રહે છે, કારણ કે લોકો પાસે હવે છેલ્લા પ્રકરણ સુધી જવાનો સમય નથી. રીસર્ચ પ્રમાણે છેલ્લા ૧૨ મહિનામાં ૩૬ ટકા લોકોએ એટલીસ્ટ એક પુસ્તક વાંચવાનું જતું કર્યું છે, જયારે ૩૦ લોકોએ કહ્યું હતું કે એમણે કોઈ એક પુસ્તક પૂરું કર્યું હોય તેને છ મહિના થઇ ગયા.

7th April 2019
Morning Musings...
काममय एवायं पुरुष इति। स यथाकामो भवति तत्क्रतुर्भवति।
यत्क्रतुर्भवति तत्कर्म कुरुते। यत्कर्म कुरुते तदभिसंपद्यते॥  (बृहदारण्यकोपनिषद)
અર્થાત; તમે એ જ છો, જેવી તમારામાં ઊંડે કામના છે. જેવી તમારી કામના છે, તેવી તમારી ઈચ્છા છે. જેવી તમારી ઈચ્છા છે, તેવાં જ તમારાં કર્મ છે, અને એવી જ તમારી નિયતિ છે. 
સાર: ચાર સાઇકોલોજિકલ ડ્રાઇવની વાત ઉપનિષદ પણ કરે છે; શારીરિક, ભાવનાત્મક, બૌદ્ધિક અને આધ્યાત્મિક--ભૂખ્યો આહાર શોધે, ક્રોધિત હોય તે શાંતિ શોધે, બૌદ્ધિક હોય તે જ્ઞાન શોધે અને અધ્યાત્મિક હોય તે જીવનનો અર્થ અને હેતુ શોધે.

8th April 2019
Morning Mushing:
સત્ય ગોપિત રાખવાના કૃત્યને 'આવરણ' કહેવાય. અસત્યનો પ્રસાર કરવાના કૃત્યને 'વિક્ષેપ' કહેવાય. જો કોઈ વ્યક્તિ આવાં કૃત્યો કરે તો એ કૃત્યોને 'અવિદ્યા' કહેવાય અને સમષ્ટિ કરે તો 'માયા' કહેવાય. વેદાંતીઓએ આપેલી આ વિભાવનાઓ સાથે બૌદ્ધ દાર્શનિકો પણ સહમત છે.

- કર્ણાટકના પ્રતિષ્ઠિત લેખક એસ. એલ. ભૈરપ્પાની નવલકથા 'આવરણ'ની પ્રસ્તાવનાનો પ્રથમ ફકરો.

9th April 2019
Morning Musings...
જેમાં વાચકને પોતાનો પરિચય થાય એ લખાણ મહાન કહેવાય. જેમાં લેખક ઠસોઠસ ભરેલો હોય, અને વાચક માટે જગ્યા ન હોય, તે ટાઈમપાસ મનોરંજન કહેવાય. માણસ એટલા માટે વાંચે છે જેથી એ બીજી વ્યક્તિ (પાત્રો), ઘટના કે વિચાર સાથે તાદાત્મ્ય કેળવી શકે, અને એમાં જે રીતે જીવનની મુસીબતોનો ઉકેલ આવે છે, તેવી રીતે વાચક પોતાની જિંદગીનાં સમાધાનો લાવી શકે. એમાં લેખકની ભૂમિકા ટોર્ચ ફેંકવાની છે; ખુદની ઉપર નહીં, સામે ઉબડખાબડ રસ્તા ઉપર.

10th April 2019
Morning Musings...
માણસની નજરનું તો એવું છે કે, એનું કામ જ જોવાનું છે. પશુઓ પણ એવું જ કરે છે. પણ જેના તરફ ધ્યાન ખેંચાય છે તે આવશ્યક કે આકર્ષક, એ બે વચ્ચે બહુ મોટો ભેદ છે, અને એ ભેદને સમજવામાં જ ખરી સમજદારી છે. એટલા માટે જ અસમંજસ એને કહેવાય, જયારે તમને એ ખબર ના પડે કે તમારે આવશ્યક છે તેના પર ફોકસ કરવું કે જે આકર્ષક છે તેના પર. મોટાભાગના લોકો દુ:ખી એટલે જ હોય છે કે આવશ્યકને મહત્ત્વ આપવુ જોઈએ એ જાણતા હોવા છતા આકર્ષક(ઘણીવાર લોંગટર્મ સ્વાર્થ) ને પ્રાધાન્ય આપે. પછી બાવાના બેઊ બગડે એટલે માથુ કૂટે.

11th April 2019
Morning Mushing:
ટેલિસ્કોપના વૈશ્વિક નેટવર્કનો ઉપયોગ કરીને, ખગોળશાસ્ત્રીઓએ પહેલી વાર બ્લેક હોલની તસ્વીર પાડી છે- બ્લેક હોલ એક એવો રાક્ષસી તારો છે, જે આજુબાજુની પૂરી 'દુનિયા' ગળી જાય છે. બ્રહ્માંડમાં આવાં અનેક સુપરનોવા છે, જેની કલ્પના વર્ષોથી કરવામાં આવી હતી. આ એનો પહેલો પુરાવો છે. બ્લેક હોલ પદાર્થનું એક એવું વિપુલ માત્રાનું ચુંબકીય વાતાવરણ છે, જે આજુબાજુમાંથી પ્રકાશ સહિતનું બધું જ અંદર ખેંચી લે છે, અને ત્યાં ખાલી અંધારું હોય છે. ચુંબકીય તાકાતના કારણે એની આસપાસ પ્રકાશ ગડી વળે છે, અને એક રીંગ બનાવે છે. એક સદી પહેલાં આલ્બર્ટ આઇન્સ્ટાઇને પ્રકાશમાં ગડી પડે છે, તે પુરવાર કર્યું હતું. પૃથ્વી અને અને એની આજુબાજુના ગ્રહો, આવા જ કોઈ એક બ્લેક હોલમાં થયેલા બીગ બેન્ગ (મહા વિસ્ફોટ)માંથી પેદા થયા હતા, એવું મનાય છે.

(ખગોળશાસ્ત્રીઓએ પહેલીવાર બ્લેક હોલની તસ્વીર ખેંચી છે)

12th April 2019
Morning Mushing: આપણે ત્યાં આવી મૃત્યુનોંધ કેમ લખાતી નહીં હોય? અમેરિકાના મિડવેસ્ટર્ન રાજ્ય આયોવાના એક ભાઈ, ૬૩ વર્ષીય ટીમ શ્રેન્ડ્ટ, ૨૯ માર્ચે કેન્સરના દર્દમાં અવસાન પામ્યા. યુએસ સૈન્યમાંથી નિવૃત થયેલા ટીમને, સ્થાનિક ચર્ચના કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યા. તે પછી ટીમના પરિવારે, અંત્યેષ્ટિગૃહની વેબસાઈટ પર આ પ્રકારે ટીમના સ્વર્ગવાસની જાહેરાત કરી હતી.

13th April 2019
Morning Mushing: 
લોકો જેને હાર તોરા કરતાં થાકતા નથી, તે બ્લેક હોલની ઐતિહાસિક તસ્વીર પાછળ, MITની 29 વર્ષીય કોમ્પ્યુટર સાયન્ટિસ્ટ, કેટી બાઉમેનની ભૂમિકા પણ તારીફનો વિષય બની છે. ઇવેન્ટ હોરાઈઝન ટેલિસ્કોપ પ્રોજેક્ટની સદસ્ય, કેટીએ, ત્રણ વર્ષ પહેલાં એના પોસ્ટ ગ્રેજ્યુએશન દરમ્યાન એક અલગોરિધમ બનાવ્યું હતું, જેની મદદથી બ્લેક હોલની પહેલી તસ્વીર શક્ય બની હતી. દુનિયાભરમાં ગોઠવાયેલાં રેડીઓ ટેલિસ્કોપમાંથી જે ડેટા એકઠો થયો હતો, તેમાંથી આ અલગોરીધમે બ્લેક હોલની તસ્વીર સર્જી હતી. નીચે તસ્વીરમાં, એના કોમ્પ્યુટર સ્ક્રીન પર બ્લેક હોલની તસ્વીર ઉભરી, ત્યારે કેટી કેવી રાજીની રેડ થઈ ગઈ હતી તે દેખાય છે. આ ખુશી મેહનત અને લગન થી કરેલા કામની સફળતા પછી જ મળી શકે.

14th April 2019
Morning Musings...
ના, લીયો તોલ્સટોયની વાત ખોટી સાબિત થઈ રહી છે. જે બાબત એક પરિસ્થિતિમાં ગલત છે, તે અન્ય પરિસ્થિતિમાં સહી થઈ જાય છે. નૈતિકતા ઓબ્જેક્ટિવ નથી હોતી. દરેક સદાચાર સંજોગો આધારિત હોય છે. હત્યા કરવી ગલત છે, પણ બહુમતી લોકો યુદ્ધ કરે તો સામુહિક હત્યા જાયજ બની જાય છે. એક વ્યક્તિ કે એક સમાજ જેને સહી ગણે, તે બીજી વ્યક્તિ કે સમાજ માટે ગલત હોઈ શકે. ભારતમાં બહુમતી લોકોને ગાંધીજી ગલત લાગે, તો એનું કારણ ગાંધીજી નહીં, પણ આજે તમે જે પરિસ્થિતિમાં જીવો છો, તે છે. દુનિયામાં અમુક સામાજિક-રાજકીય સમસ્યાઓ હલ નથી થતી, તેનું કારણ આ માનવીય વિરોધાભાસ છે. શું સાચું અને શું ગલત છે, તે સંજોગો નક્કી કરે છે. અને એ જ માણસની ટ્રેજેડી છે.

15th April 2019
Morning Mushing:
યુએસ-મેક્સિકો સરહદ પર તલાશી લેવાઈ રહેલી હોન્ડુરાસની મહિલા, સાન્દ્રા સાંચેજની, રડતી દીકરી યનેલાની આ તસવીરને, ૨૦૧૯ની વર્લ્ડ પ્રેસ ફોટો સ્પર્ધાનું પ્રથમ ઇનામ મળ્યું છે. ગેટી ઈમેજના ફોટોજર્નાલીસ્ટ જોહ્નન મૂરે આ તસવીર લીધી હતી. કુલ ૭૮,૮૦૧ તસવીરોમાંથી આની પસંદગી થઇ હતી. ૧૨ જૂન, ૨૦૧૮ના દિવસે, હોન્ડુરાસની સાન્દ્રા યુએસમાં રક્ષણ લેવા આવી હતી, ત્યારે ટેક્સાસમાં મેકલીન સીમા પર યુએસ સીમા સૈનિકોએ એની એવી ખરાબ રીતે જડતી લીધી હતી કે, એની 2 વર્ષની દીકરી યનેલા ડરીને રડવા લાગી હતી. આ ફોટો ટ્રમ્પ વહીવટીતંત્રની વિવાદસ્પદ ફેમીલી સેપરેશન પોલીસીનો પ્રતિક બની ગયો હતો, અને ખુબ વાઈરલ થયો હતો.

16th April 2019
Morning Mushing:
શું પાવરફુલ પિક્ચર છે...સુદાનીસ પ્રેસિડેન્ટ ઓમર અલ બશીરના જોહુકમીવાળા શાસનનો અંત લાવવા આ સ્ત્રી રાજધાનીમાં વિરોધ પ્રદર્શનોની આગેવાની લઈ રહી છે. એનું નામ હજુ ખબર નથી પડી, પણ એણે સફેદ 'ટોબે' પહેર્યું છે, જે ઓફિસોમાં કામ કરતી મહિલાઓનો ડ્રેસ છે. એણે કાનમાં સોનાનાં મોટાં એરિંગ પહેર્યાં છે. એટલે એ એક વર્કિંગ વુમન છે. સુદાનમાં અત્યારે જે વિરોધ થઈ રહ્યો છે, તેમાં ત્રીજા ભાગની સ્ત્રીઓ સામેલ છે. આ સ્ત્રી વિરોધનો સિમ્બોલ બની ગઈ છે..અદભુત ... વર્તમાન સમયમાં આપણે ત્યાં  આ ભૂમિકા ઓછી જોવા મળે છે. મોટાભાગની સ્ત્રીઓ જાણવા છતાં સૈદ્ધાંતિક વિરોધ પણ નોંધાવતી નથી.

17th April 2019
Morning Mushing: 
તમારી કોઈ ઈર્ષ્યા કરે, ટ્રોલ કરે, તો કેવો રિસ્પોન્સ અપાય...
"મને શરમ આવે છે...ગલી બોયના પરફોર્મન્સમાં પોંખવા જેવું છે શું...એ જ મુંહ ફટ્ટ છોકરી, બોલીવુડની જોશીલી છોકરી, મહિલા સશક્તિકરણ અને ઉત્તમ એક્ટિંગ...મને માફ કરો આ શરમમાંથી. મીડિયા આ ફિલ્મી બચ્ચાઓને બહુ ચડાવી મારે છે. બકવાસ કામને પંપાળવાનું બંધ કરો, ગુણવતાની વ્યાખ્યા ઉંચી કયારે જશે." -કંગના રાણાવત, બોલિવુડલાઈફ ડોટ કોમમાં

"હું કંગનાના કામની ઈજ્જત કરું છું, અને એના અભિપ્રાયને પણ માન આપું છું. એને આવું લાગ્યું હોય, તો એના માટે એની પાસે કારણ હશે. હું તો એ યાદ રાખું છું કે, રાઝી પછી એણે મારા કામના બહુ વખાણ કર્યા હતાં. હું તો મારા કામ પર ફોકસ કરીશ. શક્ય છે હું મહેનત કરીશ, તો એ બીજી વાર કદર કરશે." -આલિયા ભટ્ટ, બોલીવુડ હંગામામાં એક ઈન્ટરવ્યુમાં

મહત્વનું એ નથી કે કોણ સાચું છે. આપણા માટે મહત્વનું એ છે કે, આવું આપણી સાથે થાય, તો આપણે કેવો રિસ્પોન્સ આપવો? તમે કંગનાને નીચ કહીને બે ગાળ વધુ આપી શકો, અથવા એના મંતવ્યને પ્રણામ કરીને કામે લાગી જાવ.

18th April 2019
Morning Mushing:
થાઇલેન્ડના સમુદ્રમાં ઓઈલ રીગ કંપનીના કામદારોએ આ શ્વાનને પાણીમાં દોરડું નાખીને બચાવ્યો, ત્યારે એના હોશ ઠેકાણે નોહતા-એ જીવતા રહેવા માટે ૨૨૦ કિલોમીટર (૧૩૫ માઈલ) દુરથી તરીને આવ્યો હતો. રીગ કામદારોની નજર ના પડી હોત, તો ખબર નહીં, એ કેટલે દુર તરતો રહી શક્યો હોત. ૧૨ અપ્રિલની બપોરે આ શ્વાનને બચાવનાર વિતિસાક પેયલવ નામના કામદારે CNNને કહ્યું હતું, "ખબર નથી ક્યાંથી આવ્યો છે, કદાચ કોઈક માછીમાર નૌકામાંથી પડી ગયો હશે, પણ મેં જોયો ત્યારે એની આંખોમાં એટલી પીડા હતી, જાણે કહેતો હોય, પ્લીઝ મને બચાવી લો." દોરડામાં લપેટાયા પછી પણ, થાકના કારણે, એ વહાણ ચડવા સમર્થ ન હતો, અને વારંવાર લપસી પડતો હતો. એને ખવડાવ્યા-પીવડાવ્યા પછી, રીગ કામદારોએ એને આ અસંભવ તરણસ્પર્ધા સફળતાપૂર્વક પૂરી કરવા બદલ હારતોરા કર્યા હતા. કદાચ આંખો માં પીડા/દર્દ વંચાય જાવુ એને જ ઈન્સાનીયત કેહવાય.

19th April 2019
Morning Mushing: 
પેરિસમાં 856 વર્ષ જુનું અને ફ્રેન્ચ ગોથિક શૈલીનું ઇતિહાસ પ્રસિદ્ધ નોત્રે ડેમ કેથેડ્રલ ભયાનક આગમાં સળગી ગયું, અને જે રીતે દુનિયા એનો માતમ મનાવી રહી છે, તેના પરથી એક એ વિચાર આવે છે કે આપણે આપણા સાંસ્કૃતિક અને રાષ્ટ્રીય પ્રતિકો પ્રત્યે કેટલા ઇમોશનલ છીએ કે, આખા ને આખા જંગલો આવી રીતે આગમાં બળી જાય છે, પણ આપણું રુવાડું ય ફરકતું નથી. એમાં ય, જેના કારણે આગ લાગી હતી તે ઓકના ઝાડમાંથી બનેલો કેથેડ્રલનો એ ભાગ  'ધ ફોરેસ્ટ' તરીકે ઓળખાય છે, અને 1160 અને 1170 વચ્ચે કાપવામાં આવેલા જંગલમાંથી એનું બાંધકામ થયું હતું. સદીઓ પહેલાં માણસ જંગલ માટે રડતો હતો. એ આંસુ હવે આવાં પ્રતિકો માટે વહે છે.

20th April 2019
Morning Musings...
તમને મળેલા માણસો ગૂંચવાડાવાળા છે એવું નથી. તમારામાં ગૂંચ એટલી છે કે સરળ માણસ પણ અટવાઈ જાય છે. બીજા માણસો નકામા છે એવું નથી, તમારામાં એમના કામનું કશું નથી. બીજા માણસો ખરાબ છે એવું નથી, તમારામાં કશું સારું એમને ના દેખાયું. આપણે સતત બીજા લોકોનું વિશ્લેષણ કરતા રહીયે છીએ, પણ ખુદને જોતા નથી. આપણે બીજામાં એ જ ત્રુટીઓ જોઈએ છીએ, જેનાથી આપણે ખુદ ત્રસ્ત છીએ. એટલે જ એ આપણને પહેલાં દેખાય છે.

21st April 2019
Morning Musings...
કોઈ વ્યક્તિની વાત પર કોમેન્ટ ત્યારે જ ઓથેન્ટિક ગણાય, જયારે તમે એ જ વાતને, એ વ્યક્તિ કરતાં પણ વધુ ઉત્તમ રીતે રિપીટ કરી શકો. એનાથી એ પુરવાર થાય કે તમે એ વાત બરાબર સમજ્યા છો. બીજું, તમે ક્યા મુદ્દા પર સહમત છો એ પણ એટલા જ ભાર સાથે કહેવું પડે, જેથી એ સાબિત થાય કે તમને એ વાતમાંથી કશુંક તો નવું શીખવા મળ્યું છે. એ પછી જ તમે તમારો ભિન્ન મત વ્યક્ત કરો તો એ પ્રમાણિક લાગે.

22nd April 2019
Morning Mushing: 
પેરીસનું નોત્રે ડેમ કેથેડ્રલ સળગી જવાના ૨૪ કલાકમાં, ફ્રેંચ ધનપતિઓ અને કંપનીઓએ એને પાછું બેઠું કરવા માટે, પાંચ હજાર કરોડ રૂપિયાનું દાન આપવાની જાહેરાત કરી છે. યુરોપિયન કાઉન્સિલના પ્રમુખે પણ સદસ્ય દેશોને દાન આપવા અપીલ કરી છે. આ બહુ સારી વાત છે, નોત્રે ડેમ બહુમુલ્ય લેન્ડમાર્ક છે. પણ એમાં એક વાત સમજવા જેવી એ પણ છે કે, શ્રીમંત લોકો અગર ચાહે (અને અહી અગર શબ્દ ઓપરેટીવ છે), તો કેટલી સરળતાથી દુનિયાની સમસ્યાઓનો ઉકેલ લાવી શકે છે. શ્રીમંતો ચાહે તો જ. 
અશ્વિની ભટ્ટની ફાંસલો નવલકથામાં ગોવિંદ ભંડારી નામના પાત્રના મોઢે થોડાક વાક્યો લખાયેલ/બોલાયેલ છે.... 

‘‘ક્રાંતિની શરુઆત ધનિક વર્ગમાંથી, મહેલોમાંથી જ થાય તો ક્રાંતિ થઇ શકે બાકી એક ઝૂંપડીથી બીજી ઝુંપડી સુધી જાય તો હુલ્લડ કહેવાય’’ 

બધી બાબતોને કદાચ આ વાત લાગુ પડે છે.

23rd April 2019
Morning Musings...
આપણે અણુનું રહસ્ય સમજી ગયા છીએ, પણ યુનિવર્સનું ડહાપણ ભૂલી ગયા છીએ. દુનિયાએ  વિવેક વગરની બુદ્ધિમતા અને  અંતરાત્મા વગરનો પાવર મેળવ્યો છે. આપણે ન્યૂક્લિયર દિગ્ગજો અને  નૈતિક વહેંતિયાઓની દુનિયા છીએ. આપણને શાંતિની ઓછી અને યુદ્ધની વધુ ખબર છે. આપણને જીવવાની ઓછી અને મરવાની વધુ ખબર છે. -ઓમર બ્રેડલી,  યુએસ જનરલ ઓફ આર્મી, દ્વિતીય મહયુદ્ધ.

24th April 2019
Morning Musings...
બીજાને સાંભળો છો એવી રીતે ખુદને પણ સાંભળો તો, બીજાની વાતોને ફેસ વેલ્યુ પર નથી લેતા તેવી રીતે ખુદના બોલવાને પણ શબ્દશઃ ના લો તો, અને બીજાની વાતો પાછળના ગર્ભિત અર્થ કાઢો છો તેમ ખુદની વાતોને બીટવીન ધ લાઇન્સ સમજો તો, જેમ તમને બીજાની વાતોમાં શંકા પડે છે, તેવી રીતે તમને પણ તમારી ઘણી બધી વાતોમાં વિશ્વાસ નહીં રહે.

25th April 2019
Morning Musings...
"જ્યાં એવા લોકો ભેગા થયા હોય, જેમનામાં તેઓ જ સાચા છે, એવો ભ્રમ લગીરે ના હોય, ત્યાં મને બોલાવજો," એવું આલબર્ટ કામુએ કહ્યું હતું. અસલમાં જ્ઞાની લોકોમાં સાચા હોવાનો અહંકાર ના હોય. અધકચરા લોકો જ બીજાની ભૂલો બતાવીને ખુદની ગુરુતા સાબિત કરવા પ્રયાસ કરે. આપણે બીજા લોકોને એમની ખરાબી વીણી વીણીને બતાવીએ છીએ, અને આપણી વાત આવે ત્યારે 'મારો તો ઇન્ટેનશન બહુ સારો છે" એવી દુહાઈઓ આપીએ છીએ. ભૂલ બતાવવી અને ભૂલ સુધારવી એ બંને વચ્ચે પાતળી ભેદરેખા છે. એકમાં અભિમાન અને બીજા માં ગુરુતા નો ભાવ છે.

26th April 2019
Morning Musings...
મોટાભાગના લોકો બહુમતી લોકોના અથવા સમાજના વિચારો, અભિપ્રાયો, માન્યતાઓ અને નિયમોમાં કેદ હોય છે. એ બીજા વર્તે અથવા વિચારે એમ જ કરે છે, પણ ભ્રમ એવો પોષે છે કે તેઓ એમની સ્વતંત્ર ઇચ્છાશક્તિથી એ કરે છે, અને એ તમામ વિચારો અને માન્યતાઓ તેમની પોતાની છે. આપણે એક વ્યક્તિ નથી. આપણી અંદર ઘણી બધી વ્યક્તિઓ આપણી પર કબજો કરીને બેઠી છે. મૌલિકતાના નામે આપણે બીજાઓનું વિચારેલું જ રિપીટ કરતા રહીએ છીએ. કાયમ.

27th April 2019
Morning Musings...
કામનું હોય, કે ના હોય, આપણું વિચારવાનું ઓટોમેટિક છે, અને સતત છે. આપણે ઊંઘમાં પણ વિચારીએ છીએ.  આપણી અંદર એક ઇકો ચેમ્બર છે, જેમાં આપણને આપણો જ અવાજ સંભળાય છે. આપણને એની મઝા પણ આવે છે. સતત અને બેમતલબ વિચારવું એ વૈશ્વિક મહામારી છે. યુનિવર્સીટી ઓફ મિશિગનનો અભ્યાસ કહે છે કે, ૨૩ થી ૩૫ વર્ષના ૭૩ ટકા યુવાઓ સૌથી વધુ વિચારે છે. પુરુષો (૪૩ ટકા) કરતાં સ્ત્રીઓ (૫૭) ઓવરથીંકીંગ કરે છે.

“We are dying from overthinking. We are slowly killing ourselves by thinking about everything. Think. Think. Think. You can never trust the human mind anyway. It's a death trap.”
-Anthony Hopkins

(Above, Thomas Lerooy's sculpture at Petit Palais in Paris.)

28th April 2019
Morning Musings...
તમારી તકલીફ માટે તમે જ્યાં સુધી બીજી વ્યક્તિ, સ્થિતિ કે સમાજને દોષી ઠેરવતા રહેશો, તો એ પીડામાંથી મુક્ત થવાનો રસ્તો બંધ રહેશે. જે લોકો પોતાના પ્રેમમાં હોય, પોતાને સંસારની સર્વશ્રેષ્ઠ વ્યક્તિ ગણતા હોય, દુનિયા તેમની આસપાસ ચક્કર મારે છે એવું માનતા હોય, અને આસપાસની દરેક વ્યક્તિની ફરજ છે કે તે તેમની જરૂરિયાતોને સમજીને પુરી કરે, એવો આગ્રહ રાખતા હોય, તેમના માટે પીડામાંથી મુક્ત થવાનું અસંભવ છે.

29th April 2019
Morning Musings...
આપણે જેને માણસનો વિકાસ કહીએ છીએ, તે હકીકતમાં ટેકનોલોજીનો વિકાસ છે. માણસ તો આજે પણ એના પાડોશી વિશે એવું જ વિચારે છે, જેવું તે બે લાખ વર્ષ પહેલાં એના પાડોશી ગુફાવાળા વિશે વિચારતો હતો. ફરક એટલો જ છે કે, ત્યારે તેણે ગધેડાના હાડકાને ઘસીને અણી કાઢી રાખી હતી, અને આજે એની પાસે બંધુક છે. પથ્થરથી અણુ બૉમ્બની જ અસલી પ્રગતિ છે. મગજ તો એનું એ જ પ્રાગૈતિહાસિક છે. આપણે મરવા-મારવામાં વધુ સ્માર્ટ થયા છીએ એટલું જ.

30th April 2019
Morning Musings...
To understand your relationships, you must first learn about yourself.
बहुत आसाँ है औरों को परखना, 
ज़रा ख़ुद को भी थोड़ा आज़मा लें..

1st May 2019
Morning Mushing: 
શાયર જાવેદ અખ્તર સાહેબે ભલે કહ્યું હોય કે " પંખી , નદીયાં, પવનકે ઝોકે , કોઈ સરહદ ના ઇનહે રોકે " પરંતુ , માણસ ની વાત જુદી છે , અને એમાં પણ શિયાસત ની વાત જુદી છે. મુંબઈ રાજ્ય માથી મહારાષ્ટ્ર અને ગુજરાત જુદા પડ્યા ત્યારે એક રેલ્વે સ્ટેશન ના ભાગલા કેમ પડ્યા એ જુઓ ! ટિકિટ બારી એક રાજયમાં હોય અને એના ટિકિટ લેનારાનીલાઇન  બીજા રાજયમાં હોય એવું તો આ દેશમાં જ બને હો ! નવાપુર રેલ્વે સ્ટેશન આનો નમૂનો છે ! એક સ્ટેશન આ રીતે બે ભાગમાં  વહેચાઈ ગયું છે ! 
જય જય ગરવી ગુજરાત  અને હા, જય મહારાષ્ટ્ર !

2nd May 2019
Morning Musings...
જિંદગીને પોતાની શરતો પર જીવવી એટલે બેપરવાઈમાં, જીદમાં કે અહંકારમાં જીવવું તે નહીં. બે વ્યક્તિની જિંદગી સરખી નથી હોતી. એ પરિવાર, એ ઉછેર, એ વાતાવરણ, એ આદતો, એ સમાજ કે એ સમુદાય જેમાં એ રહે છે, અને એ કન્ડિશનિંગ અલગ હોય છે, અને એ પરિબળો પ્રમાણે તેણે એડજસ્ટમેન્ટ કરવું પડે છે. આપણે જેમ બીજા કોઈને જોડો પહેરીને ચાલી નથી શકતા, તેવી રીતે બીજા કોઈની રીત પણ આપણને ફીટ થતી નથી. આપણે આપણી સાઈઝ પ્રમાણે જીવવું પડે. એ સાઈઝ એટલે જિંદગીને એની શરતે જીવવી તે. મોટાભાગના સંબંધો નિષ્ફળ જાય છે અથવા એનું સત્વ ગુમાવી દે છે, તેનું કારણ આપણે સતત બીજાને આપણી 'રીત'માં વટલાવવા પ્રયાસ કરીએ છીએ. પોતાની શરતે જીવતો માણસ દુનિયાનો સૌથી વિવેકશીલ, પ્રેમાળ અને જટિલતાઓથી આઝાદ ઇન્સાન હોય છે.

3rd May 2019
Morning Mushing: 
આ માહિતી રસપ્રદ છે. યુએન સુરક્ષા પરિષદે જૈશે મોહમ્મદના મસૂદ અઝહરને 1999માં ઇન્ડિયન એરલાઇન્સની ફ્લાઈટ IC-814 હાઇજેક કરવા માટે, અલ કાયદા, ઓસામા અને તાલિબાન સાથે સંપર્કો રાખવા માટે અને અફઘાનિસ્તાનમાં જેહાદ માટે લોકોને જોડાવાની અપીલ કરવા માટે વૈશ્વિક આતંકવાદી જાહેર કર્યો છે. એની સામેના આરોપોમાં કાશ્મીર કે પુલવામાનો કોઈ રેફરન્સ નથી. મૂળ દરખાસ્તમાં આ ઉલ્લેખ છે. યુએસ વિદેશમંત્રી માઇક પોમ્પૅઓએ આજે એક ટ્વિટમાં આ સફળતા માટે અમેરિકાને અભિનંદન આપ્યા, તેનું રહસ્ય હવે સમજાયું. માઈકે એ ટ્વિટમાં, અઝહરને સફળતા પૂર્વક આતંકવાદી જાહેર કરવા પાછળ યુએનમાં અમેરિકાની ટીમનાં વખાણ કર્યાં હતાં. સવાલ એ છે કે, અઝહરને આતંકવાદી જાહેર કરવા માટે જે આંતરરાષ્ટ્રીય દબાણ હતું, તેમાં ચીન એ શરતે તૈયાર થયું હતું કે, આરોપોમાંથી કાશ્મીરનો ઉલ્લેખ પડતો મુકવામાં આવે?  ભારત માટે મસૂદ આતંકવાદી જાહેર થાય એ મહત્વનું હતું. જેનાથી પાકિસ્તાન ને FATF માં વૈશ્વિક આતંકવાદીઓ ને સાચવવાના કેસમાં બળ મળે. પાકિસ્તાન ને  ફાઈનાન્સીયલી તોડવા માટે આ વધુ જરૂરી છે. આંતરરાષ્ટ્રીય ડિપ્લોમસીમાં જે દેખાય તે જ દાંત ચાવવાના નથી હોતા.

4th May 2019
Morning Musings...
દેશપ્રેમી અને મહાન સમાજ હૉવાનો અનુભવ મેન્યુફેક્ચર કરતા રહેવાના આપણા તમામ પ્રયાસો છતાં, એક સાદી હકીકત એ છે કે સીમા પર દેશ માટે લડતા સૈનિકને ચણામમરા મળે છે, જ્યારે એ જ સૈનિકનો રોલ કરનાર એક્ટરને કરોડો રૂપિયા મળે છે. તમે જ્યારે સમૃદ્ધ થઈ જાઓ, ત્યારે અસ્તિત્વ ટકાવી રાખવાના સંઘર્ષનું મૂલ્ય ઘટી જાય, અને શું ગમે છે તેનું મૂલ્ય વધી જાય. આપણે એક સૈનિક કરતાં એક એક્ટરની વેલ્યુ વધુ કરીયે છીએ, એ દેખીતું તથ્ય છે.

5th May 2019
Morning Mushing: 
'ફાની' વાવાઝોડું ઓડીશામાં ભરપુર તારાજી ફેલાવી ગયું છે, પણ નોધપાત્ર રીતે જાનહાનીનો આંકડો બહુ નાનો રહ્યો છે. ઘણાં લોકોને એનું મહત્વ નહીં સમજાય, પણ અગાઉથી વૈજ્ઞાનિક ચેતવણી અને લોકોને સલામત સ્થળે ખસેડવાની અસરકારક કામગીરીની વિશ્વએ નોંધ લીધી છે. આવાં શક્તિશાળી વાવાઝોડામાં સામાન્ય રીતે કોઈ વ્યવસ્થા કામ આવતી નથી, પણ ઓડીશાએ દાખલો બેસાડ્યો છે. બ્રેવો!


6th May 2019
Morning Musings...
ગરીબી એ નથી કે તમારે આર્થિક સુખ માટે બીજા લોકો પર આધાર રાખવો પડે છે. ગરીબી એ છે કે સમર્થન માટે, સરાહના માટે અને સત્કાર માટે તમારે બીજા પાસે હાથ ફેલાવા પડે છે. એ 'ખોરાક' આપવામાં ના આવે તો તમે ભૂખથી તડપવા લાગો છો અને તરસથી સુકાઈ જાવ છો. અસલી ગરીબી આ છે.

7th May 2019
Morning Mushing: 
ભારતમાં બે પ્રકારના લોકો છે; એક, ભગવાનના ભરોસે અને બીજા, બેંકના ભરોસે. બેંકના ભરોસે છે તેમને વરસાદની ચિંતા નથી અને ભગવાનના ભરોસે છે તેમની ચિંતા ફક્ત વરસાદની છે.

8th May 2019
Morning Musings...
'હેલ્લો શેખર, ઉઠ. ગિલ્ટી ફીલ કરવાનો સમય થઈ ગયો. '
‘શાના માટે?'
'એથી શું ફર્ક પડે છે? કોઇ પણ બાબત માટે?' 
'પણ મારે કોઇપણ બાબત માટે શા માટે ગિલ્ટી ફીલ કરવું જોઈએ?'
'કારણ કે તને એની ટેવ પડેલી છે.'
'એમ?'
(શેખર કપૂરની ટ્વીટ)
जानामि धर्मं न च मे प्रवृत्तिर्जनाम्यधर्मं न च मे निवृत्तिः | 
केनापि देवेन हृदि स्थितेन यथा नियुक्तोऽस्मि तथा करोमि || (गर्गसंहिता, अश्वमेध०५० | ३६)

9th May 2019
Morning Mushing: 
ગૂગલ જાણે મારા બીજા માળે કામ કરતું હોય, તેવી આત્મીયતાથી વાતો કરતાં ભારતીય મીડિયા માટે આ ઉંધા સમાચાર છે: જે ઉઠ્યા તે ગૂગલની નોકરીના લેબલને કપાળે ચોંટાડીને ફરે છે તેવામાં, ૧૦ વર્ષની સમાયરા મહેતા એ, ગૂગલની નોકરી ઠુકરાવી દીધી છે. સમાયરાએ 'કોડર બન્નીઝ' નામની કોડીંગ બોર્ડ ગેઈમ બનાવી છે, જે છેક ચાર વર્ષની ઉમર સુધીનાં બાળકોને કોમ્પ્યુટર કોડીંગ શું કહેવાય અને એ કેવી રીતે કામ કરે, તે શીખવાડે છે. સમાયરા કોડર બન્નીઝ સ્ટાર્ટ-અપ કંપનીની સીઈઓ પણ છે. અત્યારે સમાયરાની સિલિકોનવેલીમાં ધૂમ મચી છે. એ ટેક કંપનીઓમાં વર્કશોપ આપે છે. એના પિતા રાકેશ મહેતા ઇન્ટેલ, સન માઈક્રોસિસ્ટમ અને ઓરેકલમાં એન્જીનીયર છે. સમાયરા હજુ ભણે છે, અને એના ખિસ્સામાં ગૂગલની ચીફ કલ્ચર ઓફિસર, સ્ટેસી સલીવન, તરફથી નોકરીનો ઓપન લેટર છે.સમાયરા ગૂગલમાં વર્કશોપ કરી આવી છે. સમાયરાએ સ્ટેસીને કહ્યું હતું, "નોકરી નથી કરવી. આન્ત્રપ્રેન્યોર બનવું છે." શ્રીમતી ઓબામા પણ સમાયરાની પ્રશંસા કરી ચુકી છે, અને ફેસબુક તેમજ માઈક્રોસોફ્ટની નજર પણ સમાયરા પર છે.

10th May 2019
Morning Musings...
માણસ જ્યારે પણ એની કોઈ એક મુસીબતનું  સમાધાન શોધે છે, ત્યારે એ સમાધાનમાંથી ચાર બીજી મુસીબતો પેદા કરે છે. આ ત્યાં સુધી ચાલતું રહેશે જ્યાં સુધી માણસને એ સમજણ નહીં પડે કે એની મુસીબતોના ઉપાયો અંદર છે, બહાર નહીં. જબરદસ્ત ભૌતિક વિકાસ પછી પણ માણસની બુનિયાદી સમસ્યાઓ જૈસે થે રહી છે, તેનું કારણ આ જ છે. દરેક નવો વિકાસ એની સાથે નવી સમસ્યા લાવે છે, અને આપણે એ વિષચક્રમાંથી છૂટી શકતા નથી.

11th May 2019
Morning Musings...
ફિલોસોફીનું કામ છાકો પડી જાય તેવા જવાબો આપવાનું નથી, જીવનના બુનિયાદી સવાલો પરની ધૂળની સાફસફાઈ કરવાનું છે. કોઈપણ બાબતનો જવાબ તો જ મળે, જો સાચો સવાલ પૂછતાં આવડે. જવાબ સવાલમાં જ છે. ગણિતમાં જવાબ તો દાખલામાં જ છે, પણ સ્ટેપ્સ મૂકતાં આવડવું જોઈએ. મોટાભગના ચિંતકો નિષ્ફળ જાય છે, તેનું કારણ જ એ છે કે, તેઓ રેડીમેડ જવાબ આપીને તેમની હોંશિયારી સાબિત કરવા માંગતા હોય છે. સાચો ચિંતક એને સાંભળનાર, વાંચનારને સવાલો પૂછવા હોંશિયાર બનાવે તો ફિલોસોફી સાર્થક કહેવાય.

12th May 2019
Morning Musings...
દરેક વ્યક્તિને બીજા કોઈકની લડાઈમાં બહાદૂરી બતાવવાનું બહુ સરળ લાગે. બીજા ના ખભા ઉપર બંદૂક મુકી ફોડવામાં કશું ગુમાવાનું ના હોય, ત્યારે માણસમાં બહુ સાહસ આવે. દોસ્તને એના પરિવાર સામે કે બોસ સામે લડી લેવાની ચાનક ચઢાવવાથી લઈને દેશ વતીથી યુદ્ધની વ્યૂહરચનાઓ ઘડવા પાછળ મોટાભાગે આવી જ બહાદૂરી હોય છે.

13th May 2019
Morning Musings...
તમારા અભિપ્રાય તમને બહેતર ઇન્સાન તરીકે પુરવાર નથી કરતા. મોટાભાગના લોકો એવું માનતા હોય છે કે, હું જેટલા વધુ અભિપ્રાય આપીશ, તેટલી મારી ઈજ્જત વધશે. ઇન ફેક્ટ, એ હાસ્યાસ્પદ છે. મને-બધી-ખબર-પડે-છેની કેટેગરીમાંમાં ત્રણ પ્રકારના જોકર્સ હોય છે: 

1 મને-બધી-ખબર-પડે-છે વાળા એક જોકરને એ ખબર જ નથી પડતી કે એ જે બોલી રહ્યો છે, તે વાસી છે.

2.મને-બધી-ખબર-પડે-છે વાળા બીજા જોકરને એ ખબર છે કે એ જે બોલી રહ્યો છે, તે ભંગાર છે.

3. મને-બધી-ખબર-પડે-છે વાળા ત્રીજા જોકરને એ ખબર જ નથી પડતી કે એ જે બોલી રહ્યો છે, તેનાથી લોકો તેનાથી દૂર થઈ રહ્યા છે.

14th May 2019
Morning Mushing: 
આ એક જ માણસનો આભાર માનો એટલો ઓછો...
૪૦ ડીગ્રી ગરમીમાં શેકાતા લોકોને, એર કંડીશનિંગથી મોટો કોઈ 'ભગવાન' નહીં લાગતો હોય. ઉપર જે ફોટો છે, તે ભાઈ આ 'ભગવાન'ના ય ભગવાન છે. વિલ કેરિયર એમનું નામ, અને એમણે જ આધુનિક એર કંડીશનિંગની શોધ કરી હતી. તેમના પ્રતાપે જ, આખી દુનિયા આજે કાળઝાળ ગરમી સામે ઝીંક ઝીલે છે. મૂળ ન્યુયોર્કમાં જન્મેલા અને કોર્નેલ યુનિવર્સીટીમાંથી એન્જીનીયરીંગમાં ગ્રેજ્યુએટ થયેલા કેરિયરે, ૧૯૦૨માં પહેલીવાર ડ્રોઈંગ બનાવ્યું હતું, જેમાં હવાને ભેજવાળી અને ભેજ વગરની (હીટીંગ અને વેન્ટીલેશન) બનાવવાની વ્યવસ્થા હતી. કેરિયર, ન્યુયોર્કની બફેલો ફોર્જ હીટીંગ કંપનીમાં  (૧૦ બક્સ, હજારેક રૂપિયામાં)કામ કરતા હતા, ત્યારે બ્રુકલિનની એક પેપર કંપનીમાં, પૂર્વી કિનારાની ભેજવાળી હવાના કારણે, પેપર સંકોચાઈ જતું હતું અને ફોર-કલર પ્રિન્ટીંગનું રજીસ્ટ્રેશન બેસતું ન હતું, તે પ્રોબ્લેમને ઉકેલવા તેમણે હ્યુમીડીટી કંટ્રોલર બનાવ્યું હતું. આજે એ જ ડિઝાઈન એર કંડીશનિંગમાં વપરાય છે.

15th May 2019
Morning Musings...
તમારા દ્રષ્ટિકોણ અને વાસ્તવિકતા વચ્ચે તાલમેલ ના હોય, તો વિવેકબુદ્ધિ વાસ્તવિકતા સામે બાંયો ચઢાવવામાં નહીં, પણ સ્ટુપીડ દ્રષ્ટિકોણને પડતો મૂકીને જાત પ્રત્યેના વધુ પડતા મહત્વને માપમાં રાખવામાં છે. સચ્ચાઈને તમે કોણ છો અને શું માનો છો, એને સાથે કોઈ લેવાદેવા નથી.

16th May 2019
Morning Mushing:
જે લોકોને ઉત્ક્રાંતિમાં વિશ્વાસ ના હોય (અને 'જે કંઈ, જેવું પણ છે, તે ઈશ્વરનું નક્કી કરેલું છે,' તેવું માનતા હોય) તેમણે પ્રકૃતિના આ કોયડોનો જવાબ આપવો જોઈએ: મનુષ્ય સિવાયના જીવોમાં પણ ત્રીજી જાતિ કેમ છે? હા, અમુક જીવ-જંતુઓમાં નર-માદા બંને જાતિ હોવાના દાખલા છે, ખાસ કરીને પતંગિયા, કંસારી જેવાં જીવોમાં. તેને ગ્યાનડ્રોમોર્ફ કહે છે; ગ્રીક ગ્યાને (માદા), અનેર (નર) અને મોર્ફે (સ્વરૂપ). ઉપર ફોટામાં દેખાય છે તેમ, તેની એક બાજુ નર અને બીજી બાજુ માદા હોય છે, અને એની મૂંછનો આકાર અલગ હોય છે (ડાબે નર છે). તમે જો 'લોલિતા' નામની ઇન્સેસ્ટુઅસ સંબંધની બદનામ નવલકથાનું નામ સાંભળ્યું હોય, તો તેના રશિયન લેખક, વાલ્દિમીર નાબોકોવે (જે ખુદ એક બહેતરીન પ્રકૃતિપ્રેમી હતા), 'સ્પીક, મેમરી' નામની આત્મકથામાં બચપણમાં એક બાજુ નર અને બીજી બાજુ માદા હોય તેવાં પતંગિયા પકડ્યાનું લખ્યું હતું. બહુ અલભ્ય છે, પણ માણસોની જેમ, પતંગિયામાં પણ ગર્ભની રચનામાં ગડબડ થાય છે, અને 'નર અને માદા' એક સાથે પેદા થાય છે. સમજવાનું એટલું જ છે કે, ત્રીજી જાતિ પ્રાકૃતિક અને કુદરતી છે અને નહીં કે પાછલા જનમનું પાપ કે શ્રાપ..

17th May 2019
Morning Mushing: 
તમે બ્રિજેન્દ્ર કુમાર સીન્ગાલ નું નામ સાંભળ્યું છે? તે ભારતમાં ઈન્ટનેટ અને ડેટા સર્વિસના 'ફાધર' છે. ભારતમાં જાહેર જનતા માટે ઈન્ટરનેટની શરૂઆત વિદેશ સંચાર નિગમ લીમીટેડે ૧૪ ઓગસ્ટ ૧૯૯૫ ના રોજ કરેલી, અને સીન્ગાલ ત્યારે નિગમના ચેરમેન હતા. તેમની સાથે ટીમમાં જે બીજા લોકો હતા, તેમાં ટેકનોલોજી નિષ્ણાત કાનાકસબાપથી પાંડ્યન, નિગમના ટેકનોલોજી ડિરેક્ટર અમિતાભ કુમાર, મુંબઈના અન્ય કોર્પોરેટ વડાઓ, અને હિન્દી સિનેમાના 'યાહુ મેન' શમ્મી કપૂર. 

ભારતમાં ઈન્ટરનેટનો ઈતિહાસ શરુ થાય છે ૧૯૮૬થી, જયારે એજ્યુકેશન રીસર્ચ નેટવર્ક (ERNET) શરુ કરવામાં આવ્યું હતું, પણ તે શૈક્ષણિક અને રીસર્ચના કામો કરતા વર્ગ સુધી માર્યાદિત હતું, અને ફક્ત સરકારી વિભાગો વચ્ચે જ ઉપલબ્ધ હતું. 

બાય ધ વે, શમ્મી કપૂર વિશે બહુ ઓછો ખ્યાલ હશે, પણ ભારતમાં વીએસએનએલ ઇન્ટરનેટ લાવ્યું તે પહેલાંથી, શમ્મીએ સ્ટેવ જોબ્સના એપલ (ઈ-એપલ) પાસેથી ઈન્ટનેટનું કેનેક્શન લીધું હતું. શમ્મીએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું, "વીએસએનએલની લાઈન ત્યારે મળતી ન હતી, પણ બ્રિટીશ ટેલિકોમે અમને વાયા વીએસએનએલ લાઈન આપી હતી. અમારી તો આંખો ખુલી ગઈ હતી...એ (ઈન્ટનેટ) તદ્દન નવું જ હતું. અને ભારતમાં ઈન્ટરનેટ આવ્યું, ત્યારે તો હું એનો ઘોડો દોડાવી રહ્યો હતો. ઓલરેડી સબ કુછ દેખ લિયા થા." 

શમ્મી કહે છે, "રાજજી (રાજ કપૂર) નું અવસાન થયું, ત્યારે દિલ્હીથી મારી ભત્રીજી આવી હતી. એની પાસે એક નાનકડું એપલ મેક એસઈ હતું, અને એ કશુંક ટાઈપ કરતી હતી. મે આ પહેલાં કોઈ કોમ્પ્યુટર જોયું ન હતું. મે એને પૂછ્યું કે આ શું છે? એણે કહ્યું, 'અહીં આવો, કશુંક ટાઈપ કરો.' અને પછી તો જોવાનું જ શું હતું! થોડા વખત પછી હું મારા ભાઈ શશી કપૂરની ફિલ્મ 'અજુબા' માટે વાયા લંડન રશિયા જતો હતો. ત્યાં લંડનમાં હેરોડ્સ સ્ટોરની સામે મે એપલનો સ્ટોર જોયો. એમાં હું અને મારી પત્ની આખો દિવસ રહ્યા.' 

દેશમાં ઈન્ટનેટ યુઝર્સ કોમ્યુનિટી ઓફ ઇન્ડિયા (IUCI) ચાલે છે, તેની સ્થાપના શમ્મીએ કરી હતી, અને એથિકલ હેકર્સ એસોસીએશન ઉભું કરવામાં મદદ કરી હતી. નેવુંના દાયકામાં એક એવાર્ડ સમારંભમાં એક પત્રકારે પૂછેલું કે, નિવૃત થયેલા એકટરો મોટાભાગે શરાબ અને સુંદરીઓની આદતમાં ડૂબી જાય છે, તમે કોમ્પ્યુટરમાં ક્યાંથી ઘુસી ગયા?

ત્યારે શમ્મી એ કહેલું, "મારો વિશ્વાસ કરજો. મારા સમયમાં મે એ બેઉનો ભરપુર ઉપયોગ કર્યો હતો. એટલે મે નક્કી કર્યું હતું કે કશુંક નવું અને જુદું કરવું. અને આ કોમ્પ્યુટર અને ઈન્ટરનેટ ફેન્ટાસ્ટિક છે. તમને લોકોને આની સંભાવનાની ખબર નથી, ખાસ કરીને ઈન્ટરનેટની. તમે જોજો, એ કેવી સરસ રીતે દુનિયાને જોડે છે."

When the Yahoo Company came in India, its founder Jerry Yang called Shammi to the inaugural function in Mumbai, and they sang Yahoo song from Junglee. Yang later said that the Junglee song motivated him. Shammiji even said in an interview that he has been so associated with the word Yahoo in India that he is often asked if he owns the yahoo company!

18th May 2019
Morning Musings...
માનસિક રીતે, ભાવનાત્મક રીતે અને આધ્યાત્મિક રીતે તમે કેટલા સાબૂત છો, એનો જો સીધો પુરાવો જોઈતો હોય, તો તમારી આજુબાજુના લોકો સાથેના તમારા સંબંધોમાં કેટલી ગડીઓ પડેલી છે, કેટલા ચીરા પડેલા છે, કેટલા ગોબા પડેલા છે, તે ગણી લેવા. જીવનમાં જો એવા લોકો અને એવા સંબંધોની સંખ્યા ઉત્તરોત્તર વધતી જ રહેતી હોય, તો સમજવું કે તમે ક્ષતિગ્રસ્ત છો. ટૂંકમાં, તકરાર અને એકરારનો રેશિયો, તમારા સ્વાસ્થ્યનું બેરોમીટર છે.

19th May 2019
Morning Mushing:
ઉપર જે ભાઈનો ફોટો છે, તેમનું નામ કારોન રાવન્સ્લે છે. એ આઈરીશ છે. ૭૦ વર્ષની ઉમર છે. લોકો તેને 'પાગલ સાબ' કહીને બોલાવે છે. છેલ્લા પાંચ વર્ષથી તે જોધપુરની પ્રસિદ્ધ વાવો અથવા બાવડીઓને સાફ કરવાનું કામ કરે છે. જોધપુરમાં સેંકડો બાવડીઓ છે. રાવન્સ્લેના પ્રયાસથી અત્યાર સુધીમાં દસ બાવડીઓ સ્વચ્છ થઇ ચુકી છે. ૧૯૫૦ સુધી જોધપુરવાસીઓને બાવડીઓમાંથી પાણી મળતું હતું. રાવન્સ્લે અહીં ૨૦૧૪માં આવ્યો હતો. તેના દાદા ગાયકવાડની બોમ્બે-બરોડા રેલ્વે લાઈનના બાંધકામ વેળા ચીફ એન્જીનીયર હતા. એ નિવૃત થઈને પાછા ઈંગ્લેંડ ગયા, ત્યારે ભારતીય સંસ્કૃતિ માટેનો પ્યાર લઈને ગયા હતા. એની અસરમાં પરિવાર પણ આવ્યો. ૧૯૮૮માં રાવન્સ્લે પાકિસ્તાન ગયો, અને ત્યાં બે દાયકા સુધી, કોઈ જ સરકારી સહાય વગર, સાર્વજનિક શિક્ષણ અને પર્યાવરણ માટે કામ કર્યું.

ત્યાં બને છે તેમ, રાવન્સ્લેનું જીવવાનું ભારે થઇ પડ્યું અને જાતભાતના ત્રાસથી તેણે પાકિસ્તાન છોડી દીધું. ભારતમાં તેણે પ્રથમ છ મહિના, ૮૦ દેશોમાં ગામડાઓમાં પીવાના સાફ પાણી પૂરું પાડતી, બેરફૂટ કોલેજ માટે કામ કર્યું. રાવન્સ્લે એમાં ગામે ગામ જતો અને છેવટે જેસલમેર નજીક હાડા ગામે આવ્યો. ત્યાં તેણે વૃક્ષારોપણ માટે કામ કર્યું, તે પછી એ જોધપુર આવ્યો, અને બાવડીઓનો પરિચય થયો. 

ગંદી-ગંધાતી, અવાવરું બાવડીઓ અને એના ઈતિહાસને જોઇને, રાવન્સ્લે એને સાફ કરવાનું કર્યું. શરૂઆત એકલા હાથે જ કરી હતી, પણ હવે તેને મેહરાનગઢ મ્યુઝીયમ ટ્રસ્ટ તરફથી સ્વયંસેવકોની મદદ મળી રહી છે. ૭૦ વર્ષનો આ ડોસો હવે તો બાવડીઓમાં પાવડા-તગારાં લઈને કામ કરતો હોય, તે દ્રશ્ય સામાન્ય થઇ પડ્યું છે. રાવન્સ્લે એક પરિવારના વરંડામાં રહે છે. પૈસા બચાવેલા છે, એટલે ગુજારન ચાલી જાય છે. 

સ્થાનિક લોકો રાવન્સ્લના સફાઈના આ 'વિચિત્ર' ઓબ્સેસીવ કમ્પલ્સિવ ડીસઓર્ડરને જોઇને તેને 'પાગલ સાબ' કહે છે.

20th May 2019
Morning Musings...
કોઈપણ ગૌરવ, ચાહે પ્રદેશનું હોય, ધર્મનું હોય, જાતિનું હોય, સમુદાયનું હોય કે પ્રતિષ્ઠાનું હોય, એ માણસોને અરસપરસ તોડે છે, જોડતું નથી. ગૌરવને એન્જોય કરવા માટે ગુરુતાગ્રંથી હોવી જરૂરી છે. અને એ ગુરુતા, વ્યક્તિ કે એક સમાજમાં, અલગાવ પેદા કરે છે, અંતર ઉભું કરે છે. ગૌરવ હંમેશા બીજી વ્યક્તિલક્ષી જ હોય. તમે જંગલમાં એકલા ગૌરવ મહેસુસ ના કરી શકો.

21st May 2019
Morning Musings...
આપણને એવા લોકો જ પસંદ પડે, જે આપણા જેવું વિચારતા હોય. અને આપણે વિચારીએ છીએ એ જ સૌથી 'સારું' છે, એટલે આપણી સાથે મળતા આવતા ના હોય તો, એ વિચારો 'ખરાબ' હોય. આપણા વિચારો સાથે સંમત હોય, તેની સાથે આપણી દોસ્તી વધુ હોય. આનો અર્થ એ થયો કે, આપણે સબ-કોન્સિયસલી એ તમામ વિચારોને ખારીજ કરીયે છીએ, જે આપણી ધારણાઓ માટે જોખમી હોય. એટલે જ, લાઈક માઇન્ડેડ લોકોને આપણે 'સારા'ના લિસ્ટમાં રાખીએ છીએ, અને આપણાથી જુદા હોય તેમને 'ખરાબ' ગણીને સતત ટીકા કરતા રહીએ છીએ.

22nd May 2019
Morning Mushing:
સેલ્ફીનું અંદર-બહાર...
'હું કેવો અથવા કેવી દેખાઉં છું' એનો આધાર જોવાવાળા મને આકર્ષક માને છે કે નહીં તેના પર છે. આપણા દેખાવ અંગે આપણે નબળા ન્યાયાધીશ છીએ. આપણા બાથરૂમમાં, બેડરૂમમાં, કબાટમાં, પર્સમાં, કારના રીઅર વ્યુમાં કાચ ફીટ કરેલા છે, અને દુનિયા સમક્ષ પેશ થતાં પહેલાં આપણે પેન્ટ-શર્ટની ક્રીઝથી લઈને મોઢા પરના ખીલની 'પોઝીશન' જોઈ લઇએ છીએ. વાળ બરાબર ગોઠવેલા છે? ત્વચા બહુ સુકી છે? આંખ નીચેનાં કુંડાળા દ્રશ્યમાન છે?  આ 'સામાજિક સેલ્ફ' છે, જે આપણે બીજા લોકોની નજર માટે કપડાંની જેમ પહેરીએ છીએ. આપણું આત્મસન્માન, આપણું વજૂદ, આપણો અહંકાર લોકો આપણને કેવી રીતે જુવે છે તેની પર નિર્ભર છે.

 આપણને બધું જ પરફેક્ટ જોઈએ છીએ-પરફેક્ટ દેખાવ, પરફેક્ટ વ્યવહાર, પરફેક્ટ પાર્ટનર, પરફેક્ટ કેરીઅર, પરફેક્ટ જીવન વિગેરે. આપણે એવા ભ્રમમાં છીએ કે, આપણે પરફેક્ટ નહીં હોઈએ, તો બીજા લોકોની નજરમાંથી આપણે રીજેક્ટ થઈશું. નાનપણથી જ આપણને 'બીજાની નજરો'નો અહેસાસ થઇ જાય છે, અને આપણે જીવનભર આપણને ફોટોશોપ કરતા રહીએ છીએ. આપણે એ ભૂલી જઈએ છીએ કે, પર્ફેક્શન પોતે જ એક અસંભવ લક્ષ્ય છે,

એક નાનું બાળક ઘુટણભેર ચાલતું ચાલતું તડકામાં જઈ ચડ્યું. તડકામાં એને પહેલીવાર એનો નાચતો પડછાયો દેખાયો. બાળક જેવું હાલે કે પડછાયો પણ ડોલે. બાળકને મઝા પડી ગઈ. એણે એ પડછાયાનું માથું પકડવા મહેનત શરુ કરી. પ્રોબ્લેમ. જેવું એ માથું પકડવા આગળ વધે કે પડછાયો દુર જતો રહે. બાળક સતત આગળ વધતું જાય, પણ પડછાયો હાથમાં જ ના આવે. થાકીને એ રડવા લાગ્યું. અવાજ સાંભળી એક ભિક્ષુક દરવાજે આવ્યો. એણે જોયું કે, બાળક રડે છે. ભિક્ષુકે એને છાનું રાખવા માથે હાથ મુક્યો. બાળકે જોયું કે, પડછાયાનું માથું પકડમાં આવી ગયું હતું. એ રડવાનું બંધ કરી હસવા લાગ્યું. 

 'સેલ્ફી'નો મતલબ એટલો જ છે કે, દુનિયા સામે જે 'સેલ્ફ' છે એ તો પડછાયો છે, જે ક્યારેય કોઈ 'સેલ્ફી'થી પકડી નહીં શકાય. એની પાછળ જે દોડે છે તે રડે છે. એને પકડવા માટે અંદર જે 'સ્વ' છે (આત્મા) તેની પર હાથ મુકવાની જરૂર છે. આધુનિક સંસારની સૌથી મોટી ટ્રેજેડી પોતાને નહીં જોઈ શકવાની છે, અને એમાંથી જ સેલ્ફીનો જન્મ થયો છે. તમે એને પડછાયો નહીં પકડી શકવાના ઉદાહરણ રૂપે પણ જોઈ શકો.

સવાલ એટલો જ છે કે, એ 'સેલ્ફ' બહાર છે કે અંદર?

23rd May 2019
Morning Musings...
વિજેતાની યાદદાસ્ત અલગ હોય છે. એ જ લડાઈને પરાજીત પણ જુદી રીતે યાદ રાખે છે. સહિયારી યાદદાસ્ત એટલે શું? ઇતિહાસ એટલે શું? વિજયમાં જો એટલી શિષ્ટતા ના હોય કે એના ગૌરવમાં એ પરાજયને સમાવી શકે, અને પરાજયમાં એટલી કૃપા ના હોય કે હારમાં પણ એ વિજયનું મહિમા મંડન ના કરે, તો પછી 'આપણે' હોવાનો શું અર્થ?

24th May 2019
Morning Musings...
પીડાથી પરમેશ્વર સુધી અને પ્રેમ થી સમાધિ સુધીની વાતો કરી શકે તેવી બે વ્યક્તિ દિલકશ સંવાદ કરે, ત્યારે એ ખુદની (હું આમ અને હું તેમ) વાત કરવાનું વિસરી જાય. સૌથી દિલચસ્પ લોકો સારા શ્રોતા હોય છે. પોતાને ભૂલીને, બીજી વ્યક્તિને સાંભળવી એ સહ-અનુભુતિનો પહેલો ગુણ છે. એટલે જ, જિજ્ઞાસુ લોકો બહેતર સંબંધ બનાવી શકે છે.

25th May 2019
Morning Mushing:
સુરતની મહાકરૂણ આગ દુર્ઘટના અંગે દાખલા ટાંકવાનો કોઇ અર્થ નથી. પરંતુ, આટલાં બધાં તેજસ્વી બાળકો એક સાથે હોમાઇ જાય, ત્યારે કહ્યા વિના રહી શકાતું નથી.. આ ટ્રેજેડી ફાયર-સેફટીની નથી. આ ટ્રેજેડી શિક્ષણને ધંધો બનાવી દેવામાં આવ્યું છે, તેની છે. સુરતમાં ત્રણ માળની ઈમારતની ટેરેસ કવર કરીને ચલાવવામાં આવતા કોચિંગ ક્લાસમાં લાગેલી આગમાંથી, જાન બચવવા કુદી પડેલા ૧7-18 વિધાર્થીઓ, હરીફાઈ અને મહત્વાકાંક્ષાની દોડમાં હારી ગયેલું ભવિષ્ય છે. આમાં સમાજ, સરકાર અને ધંધો કરતાં શિક્ષણવીરો એક સરખા આરોપી છે. 

લગભગ 17-18 છોકરાં કુદીને મરી ગયાં અને લોકો જોતા રહ્યા, એ આધુનિક શહેરી જીવનની ક્રૂર વાસ્તવિકતા છે. દુઃખદ તો એ હતું કે આસપાસ ઉભેલા લોકોને વિડિયો બનાવતા હતા પણ કોઈને એવા વિચારો ના આવ્યા કે ટોળું બની નીચે ઉભા રહે નજીક માથી ગાદલા સોફા ગોદળા વગેરે ભેગું કરી કુદતા બચ્ચાઓને જીલી લે તો જે ૨-૪ જણાની જીંદગી બચી શકે.  ન્યુયોર્કના ટ્વીન ટાવર્સમાં આતંકી હુમલામાંથી બચવા લોકો કુદીને મરે કે કોચિંગ ક્લાસની આગમાંથી બચવા છોકરાં કુદે, એમાં શું ફરક છે? જીવન તો બંને જગ્યાએ સસ્તું જ સાબિત થયું ને.

બહુમાળી બિલ્ડિંગમાં દર મહિને ફાયર સેફ્ટીના નિયમિત ટેસ્ટ થવા જોઈએ અને એ અનુભવીએ ત્યારે, માનવ જીવનનું મૂલ્ય નગરપાલિકા સહિતનાં તંત્રને મન કેટલું બહુમૂલ્ય હોય છે એ સમજાય. પણ અહીં જીંદગી ની કિંમત ૪લાખ નક્કી કરવામાં આવી.

જે બિલ્ડીંગ માં એક્સીડન્ટ થયો ત્યાં બધા જ પ્રકાર ના વ્યવસાય ચાલે છે. દૂધ ની ડેરી થી લઈને ટ્યુશન કલાસ સુધી. ઘણા લોકો એ ફાયર ફાઈટરો ને ગાળો આપી સમયસર ન પહોંચી શક્યા એના માટે, સરકારે ટ્યુશન વાળા ઓ ને આપી. અને લોકો એ ગાળો ને સહર્ષ સ્વીકારી લીધી.

આ બધા પાછળ ની હકીકત તો અલગ જ છે. પણ ખરેખર આ જ હકીકત છે? તો બીજી હકીકત શુ હોઈ શકે છે એવો સવાલ વિચારીએ તો એક જ વાત ધ્યાન માં આવે કે વાંક તો બીજા કોઈનો છે અને બીજા પર ઢોળવામાં આવે છે. આખરે બધા દોષારોપણ માં તેજસ્વી તારલાઓ ની જીંદગી હારી ગઈ.

26th May 2019

Morning Mushing: 22nd May,19 Mushing નુ heading હતુ સેલ્ફી નુ અંદર-બહાર
આજે ૨ દિવસ પહેલા નો કિસ્સો છે.. તેની વાત કરું તો heading  સેલ્ફી નુ ઘેલું જ સુજયુ: 

આ સેલ્ફી માટેની ખતરનાક કવાયત છે. દુનિયાના સૌથી ઊંચા શિખર, 8,848 મીટરના માઉન્ટ એવેરેસ્ટ પર, છેલ્લા બે દિવસથી 'ટ્રાફિક જામ' થયો છે. નેપાળ અને ચીન તરફથી, શિખર સર કરવા જઈ રહેલા અંદાજે 200 પર્વતારોહીઓ, માર્ગમાં બે પર્વતારોહીઓના મોતના પગલે ફસાઈ પડ્યા છે. ગુરુવારે ૫૫ વર્ષનો અમેરિકન ડોનાલ્ડ કેશ, ફોટા પાડતી વખતે ફસડાઈ પડ્યો હતો, જયારે ૫૫ વર્ષની ભારતીય, અંજલી કુલકર્ણી, નીચે ઉતરતી વખતે, પર્વતારોહીઓની એ ભીડના કારણે, ગબડી પડી અને મોતને ભેટી હતી. નેપાળમાં પર્વતારોહણ એક વ્યવસાય બની ગયું છે. આ વખતે ત્યાં રેકોર્ડ ૩૩૧ પરમીટ આપી છે, જેનો દરેકનો ખર્ચ 70, 000 રૂપિયા છે. આ સિઝનમાં અહીં 4 મોત થયાં છે અને મુખ્ય કારણ સેલ્ફી જ જાણવા મળ્યું.

27th May 2019
Morning Mushing: 
વિજયનો ઉન્માદ અને પરાજયના કટાક્ષ એવા પણ ના હોવા જોઇએ કે હત્યા થઈ જાય. અમેઠીમાં સ્મૃતિ ઇરાનીના નજદીકી અને પૂર્વ ગ્રામ પ્રધાનની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. કારણ તો સમયે બહાર આવશે પણ તંદુરસ્ત હરીફાઈ જ્યારે અંગત સિધ્ધિઓના માપદંડ બની જાય, ત્યારે દરેકને બીજાને હરાવવાનું જ ઝનૂન હોય. એમાં જ જીવન પણ હારી જાય છે.

28th May 2019
Morning Mushing: 
કોલકત્તાનું ધ ટેલિગ્રાફ સમાચારપત્ર માત્ર નરેન્દ્ર મોદીના રાજકારણની હેડલાઈન માટે જ જાણીતું નથી (અને જીવન ખાલી રાજકારણની ઇર્દગીર્દ જ નથી ફરતું). ટેલીગ્રાફ દિલચસ્પ સ્ટોરી માટે પણ પ્રચલિત છે. આ તેનો નમુનો. દક્ષિણ પરગણાની સ્કુલમાં ઈંગ્લીશના શિક્ષક, ૩૦ વર્ષીય સૂર્યકાંત બારીકે, એનાં ભાવી સાસરિયાંને અગાઉથી જ કહી રાખ્યું હતું કે એ કોઈ દહેજ નહીં સ્વીકારે. ૧૪ મેના રોજ, સંગીતની છેલ્લા વર્ષની વિધાર્થીની, ૨૧ વર્ષીય પ્રિયંકા બેજને પરણવા, બારીક જયારે પૂર્વ મિદનાપોરમાં આવ્યો, તો એના માટે એક સરપ્રાઈઝ હતું-બીજના પરિવારે દહેજના બદલે રૂપિયા 1 લાખનાં પુસ્તકો ભેટ આપવા માટે તૈયાર રાખ્યાં હતાં (ઉપર). બીજે દહેજનો ઇન્કાર કર્યો હતો, ત્યારથી પ્રિયંકાનો પરિવાર મુંઝવણમાં હતો કે 'સૂર્યકાન્ત કુમારને કોરા હાથે જવા દેવાય?' સૂર્યકાન્તમે અને પ્રિયંકાને પણ વાંચવાનો શોખ હતો, એટલે કોઈકે સુચન કર્યું કે કરિયાવરમાં 'ટોપલો' ભરીને પુસ્તકો આપીએ (કુલ 1,૦૦૦). આ કરિયાવરમાં રામકૃષ્ણ મઠ, સારદા દેવી, વિવેકાનંદ અને સિસ્ટર નિવેદિતા, રવીન્દ્રનાથ ટાગોર, બંકિમ ચન્દ્ર ચટ્ટોપાધ્યાય, સરત ચન્દ્ર ચટ્ટોપાધ્યાય અને હેરી પોટરનાં પુસ્તકોનો સમાવેશ થાય છે.

29th May 2019
Morning Mushing: 
ઘૂંઘટ કે પટ ખોલ! મુંબઈની લોકલ ટ્રેનમાં યાત્રા કરનારા લોકોને, લેડીઝ કમ્પાર્ટમેન્ટની પહેચાન માટે, બહાર ડબ્બા પર સાડી-પલ્લુમાં સજ્જ બહેનનું ચિત્ર યાદ હશે. હવે એ ભૂતકાળ થઇ જશે અને નવા સમયને અનુરૂપ સુટ-શર્ટ અને પેન્ટમાં સજ્જ બહેનનું ચિત્ર દેખાશે. મહિલા કોચનો લોગો બદલવાના અભિયાનમાં ભારતીય અવકાશયાત્રી કલ્પના ચાવલા, બેડમિન્ટન ખેલાડી સાઈના નેહવાલ અને ક્રિકેટર મિથાલી રાજ જેવી મહિલા આદર્શોનાં ચિત્રો પણ જોવા મળશે. અત્યારે નવા લોગો સાથે ૧૨ ડબ્બાની બે ટ્રેનો તૈયાર થઇ ગઈ છે. બીજી બે થોડા સપ્તાહમાં તૈયાર થઇ જશે.

30th May 2019
Morning Mushing:
જાતિવાદી માનસિકતા ગામડાંમાં જ છે અને શહેરીજનો અને ભણેલા-ગણેલાઓ તો 'દેવના દીધેલા' છે, તેવી ધારણાનો છેદ ઉડાડતી ઘટનામાં, મુંબઈ સેન્ટ્રલમાં આવેલી પ્રતિષ્ઠિત ટોપીવાલા નેશનલ મેડીકલ કોલેજ (બીવાયએલ નૈયર હોસ્પિટલ સંલગ્ન)માં ગાયનેકોલોજીની પોસ્ટ ગ્રેજ્યુએટ વિધાર્થીની, ૨૬ વર્ષીય, ડો. પાયલ તડવીએ, તેના ત્રણ સિનીયરના જાતિવાદી મહેણાં-ટોણાથી ત્રાસીને આપઘાત કર્યો છે. ૨૨મી મેના રોજ હોસ્ટેલમાં પંખા પર લટકી જતાં પહેલાં, તેણે ગામડે રહેતી તેની માતા અબેદા તડવીને ફોનમાં કહ્યું હતું કે જાતિવાદી મહેણાં-ટોણાથી તે ડિપ્રેસનમાં છે. આ અંગે અગાઉ પણ કોલેજ સત્તાવાળાઓને તેણે અને પરિવારે ફરિયાદ કરી હતી. ત્રણે સિનીયર ફરાર છે, અને પોલીસ તેમને શોધી રહી છે. આ ત્રણે રૂબરૂમાં અને વોટ્સેપ પર પાયલનું રેગીંગ કરતા હતા. -મિડ-ડે

ખબર નથી પડતી કેમ લોકો ભૂલી જાય છે કે જગતમાં હર કોઈ જે જન્મ લે છે એ સહુ સૌથી પ્રથમ માનવી છે. ત્યાર બાદ એમની જ્ઞાતિ એમનાં કર્મો અને રહણસહન થકી નક્કી થાય છે.

31st May 2019
Morning Mushing: 
ગૈરો પે કરમ અપનો પે સિતમ, એ જાન-એ-વફા યે જુલ્મ ના કર
રહેને દે અભી થોડા સા ભરમ, એ જાન-એ-વફા યે જુલ્મ ના કર

ઈન્ટરનેટ પર 'બેધ્યાન બોયફ્રેન્ડ'નું લોકપ્રિય મેમ ન્યુયોર્ક ટાઇમ્સમાં પહોંચ્યું છે. બુધવારે ટાઈમ્સના બિઝનેસ વિભાગમાં પહેલા પાના પર, આ મેમને ઇટાલીયન ઓટો કંપની ફિયાટ ક્રાઈસલરના, ફ્રેંચ કારમેકર રેનોલ્ટ સાથેના સંભિવત વિલીનીકરણના સમાચારમાં, ઉપયોગમાં લેવામાં આવ્યું હતું. આ વિલીનીકરણ થાય, તો જાપાનીઝ કાર કંપની નિસ્સાન--જે અત્યારે રેનોલ્ટની સાથી છે--તે અમેરીકામાં ફિયાટની હરીફ બની જશે. મેમમાં, નિસ્સાનને હડધૂત પ્રેમિકા તરીકે, ફિયાટને નવી ગર્લફ્રેન્ડ તરીકે અને રેનોલ્ટને 'બેધ્યાન બોયફ્રેન્ડ' તરીકે ચિતરવામાં આવ્યાં હતાં.

1st June 2019
Morning Mushing: 
શેર ના માથે સવાશેર: ત્રીજા વિશ્વના દેશોએ આ વિચારવા જેવું છે. પાંચ વર્ષ પહેલાં કેનેડાએ ફિલિપાઈન્સમાં ડમ્પ કરેલા લગભગ ૧,૫૦૦ ટન કચરાને પાછો કેનેડામાં ઠાલવવા માટે, ૬૯ કન્ટેઈનર ભરેલું એક જહાજ ફિલિપાઈન્સથી રવાના થયું છે. ૨૦ દિવસ પછી તે વેન્કુવર પહોંચશે. ૨૦૧૩થી ૨૦૧૪ વચ્ચે, રીસાઈકલ પ્લાસ્ટિક કચરો છે, એવું જુઠું બોલીને, કેનેડાએ ૧૦૩ કન્ટેઈનર ફિલિપાઈન્સમાં ઠાલવ્યાં હતાં. તેને લઈને બંને દેશો વચ્ચે સંબંધો વણસ્યા હતા. અંતે, ફિલિપાઈન્સે જોરજબરદસ્તી કરીને કચરાને 'સપ્રેમ' પાછો મોકલાવ્યો છે. આનો પૂરો ખર્ચો કેનેડા ભોગવશે.

2nd June 2019

Morning Mushing: 
ફ્લાઈટ લેફ્ટનન્ટ ભાવના કાન્થે, ભારતીય હવાઈ દળની પ્રથમ મહિલા ફાઈટર પાઈલટ બનીને ઈતિહાસ રચ્યો છે. ૨૦૧૫માં હવાઈ દળે, પ્રાયોગિક ધોરણે, ફાઈટર પાઈલટની પાંચ વર્ષની સ્ટ્રીમને, મહિલાઓ માટે ખુલ્લી મૂકી હતી, તેની પ્રથમ બેચમાં ફલા.લેફ્ટ. ભાવના, ફલા.લેફ્ટ. અવની ચતુર્વેદી અને ફલા.લેફ્ટ મોહના સિંહને હવાઈ દળના સ્ક્વોડ્રોનમાં સમાવાઈ હતી, તેમાં આકરી તાલીમ બાદ, ભાવના હવે મીગ-૨૧ બિસન એરક્રાફ્ટની ઓપરેશનલ પાઈલોટ બની છે. મતલબ કે, હવે યુદ્ધ થાય, તો તેમાં સીધો ભાગ લેવા તે લાયક અને તૈયાર છે. ભાવના બિહારની છે, અને તેના પિતા ઈલેક્ટ્રીક એન્જિનિયર છે, માતા ગૃહિણી છે.

3rd June 2019
Morning Mushing: 
રુઉફ અહમદ દાર, કાશ્મીરનો આ એડવેન્ચર સ્પોર્ટ્સ ગાઈડ, અસલી હીરો સાબિત થયો છે. શુક્રવારે, પહલગામના એક રિસોર્ટમાં, લિદ્દર નદીના ધસમસતા પાણીમાં ડૂબી રહેલા પશ્ચિમ બંગાળના એક યુગલ સહિત પાંચ લોકોને બચાવવા જતાં, દાર ખુદ પાણીમાં શહીદ થઈ ગયો હતો. આ યુગલ, તેમના ગાઈડ અને બીજા બે સ્થાનિક, એમ પાંચ લોકોએ આગ્રહ કર્યો હતો કે દાર તેમને નદીમાં રાફટીંગ પર લઈ જાય. દારે ના પાડી હતી. પહલગામ પાસે માવુરામાં આ રાફ્ટ હાડ થીજવતા પાણીમાં પલટી ગયું. દારે સાહસથી પાંચેને બચાવી લીધા, પણ ખુદ નદીમાં તણાઈ ગયો.

4th June 2019
Morning Mushing: 
Power tends to corrupt; absolute power corrupts absolutely.
મને આનું જરાય આશ્ચર્ય નથી. હજુ આવું બહુ જોવા મળશે. આ ધારાસભ્ય બલરામ થાવાણીનો એકલાનો સવાલ થોડો છે? કોઈપણ સમાજમાં બનતી કોઈ ઘટના આકસ્મિક કે અલગથલગ બનતી નથી. તે ઘટના વ્યાપક માનસિકતાનું એક પ્રતિક હોય છે. તેનાં કારણો ગમે તે હોય, પણ જાહેરમાં કોઈને પણ મારવો (ચાહે સ્ત્રી હોય કે પુરુષ), એ દેશમાં કેટલું સામાન્ય છે, તે તો સોશ્યલ મીડિયા પર સક્રિય લોકોને ખબર જ છે. વોટ માગવાના નામ પર કંઈપણ અનાપસનાપ બોલાતું હોય, ધર્મના નામ પર ગાળાગાળી થતી હોય, રેપને લઈને રાજકીય બહસ થતી હોય અને વિચારોમાં જ એટલી હિંસા હોય, તો ક્યાંક આવી રીતે પણ બહાર નીકળે. આનો ઉપાય દેશના ધુરંધરો કેવી રીતે વર્તે-વિચારે છે, તેના પર છે. I am not feeling angry.

5th June 2019
Morning Musings...
અનેક અફેર કરવા, નશામાં ધૂત થાવું, કઢંગા અને અભદ્ર કપડાં પહેરવાં, અપશબ્દો બોલવા એ બોલ્ડનેસ નથી. એ નફ્ફટાઇ કહેવાય. બોલ્ડ એને કહેવાય જે ઓથેન્ટિક છે, જે નિષ્ફળતામાંથી સતત શીખે છે, જે રિસ્ક ઉઠાવે છે, જે આજુબાજુના લોકોમાં વિશ્વાસ ઉભો કરે છે, એ જે કરે છે તે બહેતરીન અને અનુકરણીય હોય છે. પરંપરામાં જે છેલ્લે ઉભો છે, તે બોલ્ડ નથી. જેની પાછળ પરંપરા હોય છે, તે બોલ્ડ છે.

6th June 2019
Morning Mushing: 
અમેરિકા જે પેટ્રોલિયમ પેદાશો વાપરવામાં અગ્રેસર છે પણ સો વર્ષ પહેલા જેટલા વૃક્ષો હતા એના કરતા આજે વધારે વૃક્ષો અમેરિકા ધરાવે છે. જગતના કુલ જંગલવિસ્તારના આઠ ટકા જેટલા જંગલો અમેરિકામાં હયાત છે. અને એમાં ઉત્તરોત્તર વધારો થતો જ રહે છે. 1940 કરતા 1997માં 42 ટકા વધારો નોંધાયો હતો અને 1920ની સરખામણીમાં 380 ટકા વૃક્ષોનો વધારો થયો છે. જંગલો અને વૃક્ષોમાં વધારો થવાનું કારણ છે પર્યાવરણ પ્રત્યેની સભાનતા, નેશનલ પાર્ક્સની જાળવણી, અને જાગૃત નાગરિકો દ્વારા વૃક્ષો  ઉગાડવાની પ્રવૃતિઓ. અમેરિકાની 63 ટકા જેટલો વન્ય પ્રદેશ પ્રાઇવેટ માલિકીના હાથમાં છે. લોકો વનોને કાપીને ખેતી કરવા કે અન્ય રીતે વાપરવા કરતા એવા જ રાખવાનું પસંદ કરે છે.  ન્યુયોર્ક સિટીની વચ્ચોવચ્ચ આઠસો એકરની જમીનમાં સેન્ટ્રલ પાર્ક પથરાયેલો છે જેમાં અંદાજે પચીસેક હાજર જેટલા વૃક્ષો છે.

7th June 2019
Morning Mushing: 
"તમારી ઓફિસોમાં મારી તસ્વીરો ના ટાંગશો. પ્રેસિડેન્ટ કોઈ આરાધ્ય વ્યક્તિ કે મૂર્તિ નથી. એના બદલે, તમારા સંતાનોની તસ્વીરો ટાંગો, અને જયારે પણ કોઈ નિર્ણય લો, ત્યારે એ તસ્વીર તરફ જોજો."
-વોલોડયામીર ઝેલેન્સ્કાય, યુક્રેનના નવા પ્રેસિડેન્ટ, સોમવારે શપથ ગ્રહણ કરતી વેળા.
(વોલોડયામીર પોતે એક હાસ્યકલાકાર છે, અને ટીવી શોમાં કાલ્પનિક પ્રેસિડેન્ટનાં પાત્રો ભજવતા હતા. રશિયા તરફી અલગતાવાદીઓ સાથેના હિંસક યુદ્ધ અને મુઠ્ઠીભર ભદ્ર લોકોના શાસન નીચે તહસનહસ યુક્રેને, વોલોડયામીરને એવી આશામાં ચૂંટ્યા છે કે તે દેશને ઠેકાણે પાડશે.)

8th June 2019
Morning Mushing: 
દેશમાં જ્યારે પણ ભયાનક બળાત્કારની ઘટના બને છે, ત્યારે જનતાથી લઈને નેતા સુધીના લોકો, આક્રોશ ઠાલવીને આરોપીને 'સખતમાં સખત' સજાની માંગણી કરીને સંતોષ માની લે છે. આ દેશમાં એક મુશ્કેલી એ છે કે મોટાભાગના લોકોને દરેક અપરાધ કાયદો અને વ્યવસ્થાનો પ્રશ્ન લાગે છે. આપણે ભાગ્યે જ તેનાથી આગળનું વિચારી શકીએ છે. હકીકત એ છે કે  તાત્કાલિક ફાંસી નથી અપાતી એટલે બળાત્કાર થાય છે, એવું નથી. બળાત્કારનાં મૂળિયાં તેનાથી ઊંડા અને આપણી આજુબાજુમાં છે. 

આપણે તેનાથી આંધળા હોઇએ છીએ અને કોઈ બચ્ચી ભોગ બને, ત્યારે જ આંખો ચોળતા જાગીએ છીએ. બળાત્કાર માટે નિરંકુશ સેક્સુઅલ વાસના, સેક્સુઅલ હતાશા, પુરુષ સત્તાક વ્યવસ્થા સામે આવેલા પડકારો, મહિલાઓને મળી રહેલી આઝાદી, અસુરક્ષાની ઊંડી ભાવના, પરંપરાને પડકારતી સ્ત્રીને નહીં સ્વીકારવાની જીદ અને આધુનિક જીવનનું 24 કલાકનું સેક્સુઅલાઈઝેશન જવાબદાર છે. એના માટે શું કરશો? મારા મતે ગૂન્હેગાર ને સજા થવી જોઈએ પણ બીજો ગૂન્હો ના થાય એ માટે સજા ની સાથે સંસ્કાર જરૂરી છે.

9th June 2019

Morning Mushing:
ઉપર આ જે ભાઈ છે, તેમનું નામ ડો.આલોક સાગર છે. દિલ્હીની IITમાં એક જમાનામાં પ્રોફેસર હતા. ત્યાંથી જ એન્જિનિયર કરીને, અમેરીકાની મશહુર હ્યુસ્ટન યુનિવર્સિટીમાંથી પીએચડી કરી હતી, એટલે નામ આગળ ડોક્ટર. ૭ વર્ષ સુધી કેનેડામાં હતા. દિલ્હી IITમાં એમણે જે વિધાર્થીઓને ભણાવ્યા હતા, તેમાંથી એક રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજન છે. તેમના નાના ભાઈ આજે પણ  દિલ્હી IITમાં પ્રોફેસર છે. બહેનો કેનેડા-અમેરિકામાં છે. માતા મિરાંડા હાઉસમાં ભૌતિકશાસ્ત્રની શિક્ષક હતી, અને પિતા ઇન્ડિયન રેવન્યુ સર્વિસમાં અધિકારી હતા. ડો.આલોક સાગર, છેલ્લા ૨૭ વર્ષથી મધ્ય પ્રદેશના શાહપૂરથી ૨૫ કિલોમીટર દુર, બૈતુલ જીલ્લામાં ૧૦ બાય ૧૦ની ઝુંપડીમાં રહે છે. મોબાઇલ વાપરતા નથી. ઝુંપડીમાં એક સાઈકલ, થોડું રાશન, વાસણ અને ત્રણ ધોતી છે. આદિવાસીઓ વચ્ચે રહે છે, આદિવાસીઓના કલ્યાણ માટે કામ કરે છે. ઘણી ભાષા આવડે છે. આદિવાસીઓને ભણાવે છે. ખેતી કરે છે, ફૂલ-ફળ ઝાડ વાવે છે, સાચવે છે. કોઈને મળતા નથી. ઈન્ટેલીજન્સ વિભાગના અમુક લોકોને સંદિગ્ધ લાગ્યા, તો પૂછપરછમાં તેમના પૂર્વ જીવન વિશે ખબર પડી. મીડિયામાં આ સમાચાર આવ્યા, પછી સૌનું ધ્યાન ખેંચાયું છે. 

એક માણસને જીવવા માટે શું જોઈએ? એના કરતાં ય વધુ, લોકો માટે કામ કરવું હોય, તો એક માણસને શું જોઈએ?

10th June 2019
Morning Mushing: 
બંને ૨૨ વર્ષના છે. અભિનવ પાઠક (ડાબે) અને પરીનવ પાઠક, અમુક મિનીટના અંતરે જન્મ્યા હતા. અમૃતસરની એક જ સ્કુલમાં ભણ્યા. લુધિયાણા અને જાલંધરમાં એન્જીનિયરીંગ કરવા માટે બંનેના રસ્તા અલગ પડ્યા, પણ પછી ઇન્ડિયન મિલીટરી એકેડમી, દેહરાદુનમાં પાછા ભેગા થયા. હવે, બંને ભાઈ ફરીથી અલગ થશે. શનિવારે, અન્ય ૪૫૭ કેડેટ્સની સાથે, તેમની પાસીંગ-આઉટ પરેડ થઇ. અભિનવ આર્મી ડિફેન્સ કોર્પ્સમાં જોડાશે અને પરીનવ આર્મી એવિએશન કોર્પ્સમાં. ભારતીય સૈન્યમાં આ પહેલો કિસ્સો છે, જેમાં જોડિયા ભાઈ એક જ બેચમાંથી એક સાથે ગ્રેજ્યુએટ થયા હોય અને એક સાથે ઓફિસર બન્યા હોય. શનિવારે દેહરાદુનમાં પાસીંગ-આઉટ પરેડમાં, તેમણે જોડિયા હોવાના કારણે કેવા ગોટાળા થતા હતા, તેના મઝેદાર કિસ્સા વર્ણવ્યા હતા.

11th June 2019
Morning Mushing:
લેખક-પત્રકાર ખુશવંત સિંઘ ૯૮ વર્ષના થવાના હતા, ત્યારે 'ડેક્કન હેરાલ્ડ'ની એમની કોલમમાં, તેમણે સુખી જીવનની દસ ટીપ્સ આપી હતી. વાંચવા/અમલમાં મુકવા જેવી છે:
1. ખેલ ખેલી ના શકો કે કસરત ના કરી શકો, તો દિવસમાં બે વાર, તળિયેથી લઈને માથા સુધી કડક હાથે માલીશ કરાવો
2. ખાવાનું અને 'પીવા'નું ઓછું કરો. જમવાના ટાઈમનો કડક અમલ કરો. બીજા કોઈ જ્યુસ કરતાં જામફળનો રસ પીવો.
3. રાત્રે સિંગલ માલ્ટ વ્હિસ્કીનો એક પેગ બનાવટી ભૂખ ઉઘાડે છે. જમતાં પહેલાં જાતને કહેવું, 'બહુ ના ખાઇશ.'
4. કોઈ એક સબ્જી કે માંસ ખાવ. પછી થોડુક ચૂર્ણ લો. બોલ્યા વગર, એકલા ખાવ. ઈડલી-ડોસા તંદુરસ્ત છે અને પચવામાં સરળ. 
5. કબજિયાત ક્યારેય ના થવા દો. જુલાબની ગોળી લો કે બસ્તી કરાવો, કોઈપણ ભોગે આંતરડાં સાફ રાખો.
6. મગજ શાંત રાખવા બેંકમાં તંદુરસ્ત બેલેન્સ રાખો. કરોડોમાં ના હોય તો ચાલે, પણ ભવિષ્યની જરૂરિયાત અને બીમારી માટે પુરતું જોઈએ. 
7. મગજ ક્યારેય ના ગુમાવવું. 
8. જુઠ કયારેય ના બોલવું.
9. પ્રાથનામાં સમય વ્યય કરવાને બદલે કોઈ શોખ કેળવવો-જેમ કે બાગકામ કે બાળકોને મદદ કરવી
10. આત્માની સાફસફાઈ કરતા રહેવું, છૂટથી દાન કરવું. કશું સાથે નથી આવવાનું. સંતાનોને, નોકરોને કે દાનમાં આપો.
બોનસ સલાહ: જો શક્ય હોય, તો થોડાં શ્રેષ્ઠ જીન્સ મેળવો
(સિંગલ માલ્ટ અને માંસ સિવાય, હું દસે દસનું પાલન કરું છું. બોનસ તો છે જ!)

12th June 2019

Morning Musings...
કોઈપણ પ્રકારની વિચારધારા હોય, અંતે તો એ સામાજિક ફ્રેમમાં પોતાને ફિટ કરવા માટે જ હોય છે. જેનામાં એવી રીતે ફિટ-ઇન થવાની કોઈ જરૂરિયાત જ ના હોય, એના માટે તમામ વિચારધારાઓની ઝીરો વેલ્યુ છે. વિચારધારાને અનુસરવું એ સામુહિક યુદ્ધ છે, કારણ કે મારા વિચારને પરિપૂર્ણ કરવા માટે એ જરૂરી બની જાય છે કે બીજા લોકો પણ એ જ વિચારને અનુસરે. આ યુદ્ધ છે. એટલે જ ઇતિહાસની મહાન માનવતાવાદી વિચારધારાઓ-ધર્મવાદ, સામ્યવાદ, ઉદરતાવાદ, ઉત્ક્રાંતિક નાઝીવાદ, રાષ્ટ્રવાદ- છેવટે તો હિંસક અને આક્રમક સાબિત થઈ છે.

13th June 2019
Morning Musings...
1. તમે કશું ત્યારે જ શીખી શકો, જ્યારે પૂર્વગ્રહ રહિત હો. 
2. ખરી સ્વતંત્રતા અલગાવમાં છે. 
3. અજ્ઞાની માણસને ડાહ્યો માણસ ડફોળ લાગે.
4. અનુકૂળ બનીને સાચા રહેવા કરતાં, પ્રયાસ કરીને ખોટા પડવું સારું
5. ડહાપણને ખરીદી ના શકાય, પણ એને પ્રાપ્ત કરી શકાય.

14th June 2019
Morning Musings...
આપણે હંમેશાં એ જ સાંભળીએ છીએ, જે આપણે સાંભળવા ઇચ્છીએ છીએ. આપણે એ નથી સાંભળતા, જે બોલાય છે. આપણે જે સાંભળીએ છીએ, તેનો સતત 'અર્થ' કાઢતા રહીએ છીએ. એટલે જ, કોઈ વ્યક્તિ ગેરસમજ ના કરે, તે રીતે બોલવું અશક્ય છે. તમે ભલે ગમે તેટલું 'પરફેક્ટ' બોલો, ગેરસમજ કરવાવાળા લોકો નીકળી જ આવે છે. "આ બટાકા શું ભાવે આપ્યા?" અને "અહીંથી સ્ટેશન જવું હોય, તો કયા રસ્તે જવાય?" એવા વ્યવહારિક કોમ્યુનિકેશન સિવાય, બીજી તમામ બાબતોમાં કોમ્યુનિકેશન ગેપ હંમેશા રહે છે જ.

15th June 2019
Morning Musings...
રાજકારણના લગાતાર વાદ-વિવાદ કરતા રહેવું એટલા માટે બેમતલબ (અને ક્યારેક બેવકૂફી) છે કેમ કે હવામાનની જેમ રાજકારણમાં પૂર્વાનુમાન શકય નથી. હવામાનનું કોમ્પ્યુટર મોડેલ વર્ષોના ડેટા એકઠા કરીને ૧૦૦ ટકા ચોકસાઈ સાથે, વરસાદ કેટલો પડશે અથવા ગરમી કેટલી પડશે, તે કહી શકે છે. રાજકારણમાં એ શક્ય નથી કારણ કે માણસો આવતીકાલે કેવી રીતે પ્રતિક્રિયા આપશે, તેનું આજે પૂર્વાનુમાન શક્ય નથી. એટલા માટે જ ક્રાંતિઓ અણધારી આવે છે, અને એટલા માટે જ રાજકારણના 'ડાહ્યા' લાગતા માણસો સત્તાને જાળવી રાખવા તમામ ભ્રષ્ટ રસ્તાઓ પણ અપનાવી શકે છે, જેથી 'આવતીકાલ' હાથમાં રહે. પહેલાની વાત બીજા ના મોઢે ત્રીજા એ સાંભળીને સાચું માની પૂર્વગ્રહ બાંધી લેવો મુર્ખ ની નિશાની છે. એટલે જ કહ્યું છે કે કાને સાંભળેલુ અને આંખે જોયેલું પણ ખોટું સાબિત થાય છે. સત્ય એ જ છે જે તમે સાથ, સહમતી, સમજણ અને એક એહસાસ થી મેહસૂસ કરો.

16th June 2019
Morning Musings...
બીજી વ્યક્તિ તરફથી આવેલી પ્રેરણા બહારની મેન્યુફેક્ચર્ડ પ્રેરણા છે. આવી સિન્થેટિક પ્રેરણા લાંબો સમય ટકતી નથી, તેનું કારણ એ છે કે તેનો સોર્સ (પુસ્તક, સંવાદ, ભાષણ કે ફિલ્મ) જતો રહે, એટલે પ્રેરણા પણ મુરજાઇ જાય. નક્કર પ્રેરણા, દુર્ભાગ્યે, બહારથી નથી આવતી. એ તમારી અંદરની ગહેરાઈમાંથી આવવી જોઈએ. જીવન બદલી નાખે તેવી પ્રેરણા, સમુદ્રમાંથી આવતી આક્રમક ભરતી જેવી હોય છે, જે રસ્તામાં આવતા બધા અવરોધોને તહસનહસ કરીને કિનારાને સાફ કરી નાખે. આવી પ્રેરણા માણસને અપ્રતિમ સાહસ અને ઇચ્છાશક્તિ માટે તૈયાર કરે છે. સિન્થેટિક પ્રેરણા મનોરંજન કે ફીલ-ગુડ હોય છે. -ટિમ ટેઇલર

17th June 2019
Morning Musings...
વિશ્વાસ એક ગમતી જેલ છે. તમે કોઈ વાતમાં વિશ્વાસ રાખતા થઈ જાવ, પછી તમને એ વાત અને એ વાત કરવાવાળી વ્યક્તિ બંને ગમવા લાગે. તે વ્યક્તિ પછી ધારે તે રીતે, તમારા વિશ્વાસમાં ઘાલમેલ કરી શકે. તે તમને કશું પણ મનાવી શકે. ટ્રેપ એ છે કે, ના તો તમે એવું સ્વીકારી શકો કે તમે બેવકૂફ છો, કે ના તો તમે વિશ્વાસની વિરુદ્ધ થઈ શકો છો, કારણ કે વિશ્વાસની વિરુદ્ધ થવાનો અર્થ ખુદની સામે થવાનો છે. એટલે તમારે એ વિશ્વાસ અને વ્યક્તિ સાથે રહેવું જ પડે. એટલા માટે જ પોતે ચણેલી જેલમાંથી મુક્ત થવાનું આસાન નથી હોતું. એ સિંહની સવારી છે. સારું જ થશે, એવી આશામાં ઉપર બેસી રહેવું પડે. ઉતરો તો સિંહ ખાઈ જાય!

18th June 2019
Morning Mushing:
મહાન આરબ વિદ્વાન, ઈબ્ન ખાલ્દુને, ૧૪મી સદીમાં કહ્યું હતું કે રાજકીય વંશો ત્રણ પેઢીથી આગળ તેમનો પ્રભાવ કે વિશ્વસનીયતા જાળવી શકતા નથી. તે લખે છે, " જેણે (પરિવારની) કીર્તિ સ્થાપી છે, તેને ખબર છે કે એ કામમાં કેટલી મહેનત લાગી હતી. જેના કારણે કીર્તિ આવી અને ટકી, તે ગુણોને તે જાળવી રાખે છે. તેના પછી આવેલા પુત્રનો તેના પિતા સાથે નિજી સંપર્ક હોય છે અને સીધું શીખવાનું મળે, પણ તે તેના પિતાથી એ જ રીતે ઉતરતો છે, જે રીતે ચોપડીઓ વાંચીને શીખેલો માણસ, વ્યવહારિક અનુભવથી જીવેલા માણસથી ઉતરતો છે. 

"બીજી પેઢી તો તરી જાય, પણ ત્રીજી પેઢી પાસે તો અનુકરણ અને પરંપરા સિવાય કંઈ નથી. આ માણસ બીજી પેઢીથી એ જ રીતે ઉતરતો છે, જે રીતે અંધશ્રદ્ધાથી પરંપરાને અનુસરતો માણસ, સ્વતંત્ર વિવેકબુદ્ધિથી જીવતા માણસથી ઉતરતો છે. ચોથી પેઢી તો આગલી પેઢીથી બધી રીતે ઉતરતી છે. આ માણસે તો એ ગુણો જ ગુમાવી દીધા છે, જેની બુનિયાદ પર કીર્તિ સ્થપાઈ હતી. એને એવું લાગે છે કે આ બુનિયાદ સહિયારા પ્રયાસો અને વ્યક્તિગત ગુણોના કારણે બની ન હતી, પણ શરૂઆતથી જ (દેવના દીધેલા હતા એટલે) વારસામાં હતી.

" ત્રીજી કે ચોથી પેઢીને સન્માન તો મળે છે, પણ એ સન્માન ક્યાંથી જન્મ્યું છે કે ક્યા કારણથી મળે છે, તેની તેને ખબર નથી. એને લાગે છે કે એ તો એને વારસામાં મળ્યું છે. રાજકીય વંશ ચોથી કે પાંચમી પેઢીમાં જાય, ત્યારે તે ખુદના પતનનાં બીજ વાવે છે. જનતા પણ બીજા કે ત્રીજા હાથમાંથી આવતી કીર્તિ માટે સન્માન ગુમાવે છે, અને તેઓ એક વંશજ પાસેથી (રાજકીય) નેતૃત્વ લઈને બીજા નેતા કે વંશજને તે આપે છે, કારણ કે તેમને નવા નેતાના ગુણો સંતોષકારક લાગે છે." 
-રામચન્દ્ર ગુહા, ધ ટેલીગ્રાફમાં

19th June 2019
Morning Mushing: 
યુકો બેંક તરીકે ઓળખાતી, યુનાઇટેડ કોમર્સિયલ બેંકની સ્થાપના, ઉદ્યોગપતિ ઘનશ્યામ દાસ બિરલાએ કલકત્તામાં ૧૯૪૩માં કરી હતી. ઘનશ્યામ દાસના મોટાભાઈનું નામ રામેશ્વર દાસ બિરલા હતું. રામેશ્વર દાસના નાના દીકરાનું નામ ગજાનંદ દાસ બિરલા. ગજાનંદ બિરલાના દીકરાનું નામ અશોક બિરલા અને અશોક બિરલાનો દીકરો એટલે, 'યશ બિરલા' ગ્રુપની ૨૦ કંપનીઓનો ૨૩ વર્ષનો માલિક, યશ ઉર્ફે યશોવર્ધન બિરલા, જેને યુકો બેન્કે ૬૭. ૬૫ કરોડની લોન માટે 'વિલફુલ ડીફોલ્ટર' જાહેર કર્યો છે. આને વક્રોક્તિ કહેવાય.

20th June 2019
Morning Mushing: 
નવા પ્રકારની રાજનીતિ કે શાસન કોને કહેવાય? ન્યુઝીલેન્ડમાં ૫૧ લોકોનો ભોગ લેનારા ગોરા આતંકી હુમલા બાદ, પ્રધાનમંત્રી જેસીન્ડા અર્ડેને જે રીતે માનવતા અને ઠાવકાઈથી દેશને એકજુથ રાખ્યો હતો, તેની દુનિયાભરમાં પ્રશંસા થઇ હતી. આ જેસીન્ડા અર્ડેને હવે ન્યુઝીલેન્ડમાં ક્રાંતિકારી, વેલબીઈંગ બજેટ, પેશ કર્યું છે. દુનિયાનું આ પહેલું એવું બજેટ છે, જે આર્થિક વિકાસને બદલે, જીવનની ગુણવત્તા અને સાર્વજનિક સુખાકારી પર ફોકસ કરે છે. આ બજેટને જીડીપી વૃદ્ધિ અને નાણાંકીય બાબતો નહીં, પણ માનવીય, સામાજિક, પ્રાકૃતિક અને નાણાંકીય મેટ્રિક્સની આસપાસ ઘડવામાં આવ્યું છે.

જેસીન્ડા કહે છે, "સરકારે લોકોના આનંદ અને સંતોષ પાછળ ખર્ચ કરવાનો હોય, સંપતિ અને આર્થિક વિકાસ પાછળ નહીં. માત્ર જીડીપીના આધારે જીવનની ગુણવત્તા નક્કી ના થાય."

આ બજેટમાં પાંચ સુખાકારી લક્ષ્ય નક્કી કરવામાં આવ્યાં છે: માનસિક તંદુરસ્તીને ટેકો આપવો, બાળ ગરીબી દુર કરવી, દેશી લોકોને મદદ કરવી, ઓછો કાર્બન કાઢતા અર્થતંત્ર (low-carbon-emission economy) તરફ જવું અને ડીઝીટલ યુગને ખીલવવો. 

બજેટમાં લોકોની સુખાકારીનો નિર્દેશ આપતી સિસ્ટમ પણ બનાવાઈ છે-Living Standards Framework (LSF), જેનાથી ભવિષ્યની સરકારો, તેમની નીતિઓની લોકો પર શું અસર પડે છે, તેનો અંદાજ મેળવી શકશે. એમાં શુદ્ધ પાણી અને હવા, રોટી-કપડાં-મકાન, સામાજિક ઐક્ય અને સમુદાયોની સલામતી અને સુરક્ષિત પર્યાવરણને માપવાની જોગવાઈ પણ છે. 

આ બજેટને સમજાવતી વખતે પ્રધાનમંત્રી જેસીન્ડાએ કહ્યું હતું, "ગમે તેવું મજબુત અર્થતંત્ર હોય, જ્યાં પરિવારો બેઘર હોય, પર્યાવરણનું પતન થઇ રહ્યું હોય અને લોકોની માનસિક તંદુરસ્તીની ઉપેક્ષા કરવામાં આવતી હોય, એવા દેશમાં કોઈને રહેવાનું મન ના થાય." 

ન્યુઝીલેન્ડ પહેલો દેશ છે, જેણે જીડીપી દરને હોંશિયામાં ધકેલીને, Living Standards Framework અપનાવ્યું છે. ન્યુઝીલેન્ડ પહેલો દેશ છે, જેણે સુખની વ્યાખ્યાને પૈસાના ત્રાજવે તોળવાનું બંધ કર્યું છે. બ્રેવો!

21st June 2019
Morning Mushing: 
ગતિના ત્રણ સિદ્ધાંત, ગુરુત્વાકર્ષણનો નિયમ, પ્રકાશ અને રંગની થિયરી, પરાવર્તી ટેલીસ્કોપના શોધક અને આધુનિક કેમેસ્ટ્રીના શરૂઆતી દોરના પ્રણેતા, સર આઈઝેક ન્યુટનનું આ ઘર છે (ડાબે, નળિયાવાળું), જે ઇંગ્લેન્ડના લિંકનશાયર કાઉન્ટીમાં આવેલા ગ્રેન્થામ નગર પાસે, વૂલસ્થોર્પે મનોર પરગણાંમાં આવેલું છે. ન્યુટન અહીં ૨૫ ડીસેમ્બર ૧૬૪૨માં જન્મ્યા હતો. તે સમયે આ ઘેંટા ઉછેરવાનું એક ખેતર હતું. દૃષ્ટિ-પ્રકાશનું શાસ્ત્ર અને સફરજનને નીચે પાડતી ગ્રેવિટીની વિદ્યા, ન્યુટનને અહીંથી શીખવા મળી હતી.

22nd June 2019

Morning Mushing:
આને હોટેલ કહો કે આંગણું, પણ સ્વીસ આલ્પ્સ પર્વતોમાં આવેલી આ 'નલ સ્ટર્ન' નામની હોટેલમાં ના તો દીવાલો છે, ના છત. એ ખુલ્લા આકાશ નીચે ઓપન-એર હોટેલ છે. આપણે તારા ગણવાનું ભૂલી ગયા છીએ એ અહીં આવીને ખબર પડે. એમાં એક ડબલ બેડ છે, બે નાઈટસ્ટેન્ડ છે, અને એક લેમ્પ છે. સમુદ્રી સ્તરથી ૬,૪૬૪ ફૂટ ઉપર આવેલી આ હોટેલનું એક રાતનું ભાડું ૧૫૦૦૦ રૂપિયા છે. ૧૦ મિનીટના અંતરે સર્વિસ રૂમ છે અને બાથરૂમ છે. હવામાન ખરાબ થાય, તો બંધ રૂમમાં શિફ્ટ થવાની જોગવાઈ પણ છે.

23rd June 2019
Morning musings...
કોઈની પાસેથી કશું શીખવા માટે, એ જે કહે છે તેની સાથે સહમત થવું બિલકુલ જરૂરી નથી. ઇન ફેક્ટ તમે એની પાસેથી જ શીખી શકો, જે તમે પાળી-પોષીને મોટી કરેલી માન્યતાઓને ચેલેન્જ કરે, અને તમને એવો દ્રષ્ટિકોણ આપે કે તમને તમારા વિચારોમાં શંકા પડવા લાગે. તમે જેની સાથે સહમત થાવ એ લોકો તો આમ પણ તમે જે માનો છો, એનું જ કન્ફર્મેશન આપે છે. સહમતી-અસહમતી તો આમ પણ તમે જે માનો છો, એનાં મૂળિયાં મજબૂત કરવા માટે જ છે, શીખવા માટે નહીં.

24th June 2019
Morning Mushing: 
કેમ્બ્રીજ માં ન્યુટન બ્રિજ આવેલ છે. (મેથેમેટિકલ બ્રિજ) ના નામે પણ ઓળખાય છે. નાનકડી...કેનાલ જેવી નદી પર ઘણાં પૂલીયા કહેતાં નાના પૂલ છે. પણ ન્યૂટન બ્રિજની વિશિષ્ટતા એ છે કે તે જુદા જુદા લાકડાનાં કટકાઓ-ટુકડાઓ જોડી સહેજ કમાનાકારે કલાત્મક બનાવ્યો છે. જેમાં કોઈ ખિલ્લી કે ખિલ્લા નથી બધા સાંધાં ટુકડા એવી રીતે કાપી જોડયા છે અને આ ટુકડાઓનો સમૂહ પણ ગણિતના ઈકવેશન પ્રમાણે છે. જે માત્ર ન્યૂટન જ જાણતા હતા. દાયકાઓ ઉપર દાયકાઓ વીત્યા આ બ્રિજ એક તરફ થી સહેજ ભાંગી ગયો. એવો ભાંગયો કે તેને રીપેર કરવાનું અઘરું થયું ઇકવેશન ની સમજ વગર. આખરે ભારતીય ગણિતજ્ઞ રામાનુંજ કેમ્બ્રીજમાં હતા. તેમણે ઉકેલી સુથારને સૂચના આપી સાંધો રીપેર કરવામાં આવ્યો..

25th June 2019
Morning Musings...
જીવન સુખી હોવું જોઈએ કે સાર્થક? મોટાભાગના લોકો સુખને સાર્થકતા ગણે છે, પણ સુખની લાગણી શાશ્વત નથી હોતી. એ અહીં અને અત્યારે જ હોય, પછી નહીં. ઝાકળની જેમ એ અહેસાસ આવે અને પછી ઉડી જાય. તમને ભૂતકાળના અને ભવિષ્યના સુખનો અહેસાસ અત્યારે ના થાય. તેનાથી વિપરીત, સાર્થકતા ચિરસ્થાયી હોય છે. તે ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યને જોડે છે. એટલે જ એક દુઃખી માણસ સાર્થક જીવન જીવતો હોય તે શક્ય છે અને એક સુખી વ્યક્તિનું જીવન સાર્થક ના પણ હોય. દા.ત. જેવી રીતે...મેડોનાનું જીવન સુખી હોય શકે પણ સાર્થક તો મધર ટૅરેસાનું જીવન જ ગણાય!

26th June 2019
Morning Mushing: 
25 જૂન, 1975ના રોજ જાહેર કરાયેલી કટોકટી દરમિયાન, સાંકળોમાં કેદ જ્યોર્જ ફર્નાન્ડિઝની પાવરફુલ તસવીર. ભારતમાં તમામ લોકોએ, અને વિશેષ કરીને રાજકીય પક્ષોએ, ભેગા થઈને એક કામ જો કરવા જેવું હોય, તો તે ભવિષ્યમાં કોઈ સરકાર ફરીથી કટોકટી લાદી ના શકે, એવું બંધારણીય મેકેનિઝમ બનાવવાનું છે. છે હિંમત? ફેક્ટ એ છે કે દરેક સરકારને કટોકટીના પાવર બહુ પ્યારા લાગે છે.

27th June 2019
Morning Mushing:
'ધ વીક' નામના સામાયિકમાં મહાત્મા ગાંધીની હત્યાના એક પેઈન્ટિંગની (નીચે) રસપ્રદ વાત છપાઈ છે. રાષ્ટ્રપતિ ભવનના નવા સેરેમોનિયલ હોલની બરાબર સામે, ગાંધીજીની હત્યાનું આ વિશાળ ઓઈલ પેઈન્ટિંગ છે, જે પોલેન્ડમાં જન્મેલા બ્રિટીશ ચિત્રકાર ફેલિક્સ ટોપોલસ્કીએ દોર્યું હતું. 

એમાં રસપ્રદ વાત એ છે કે આ પેઈન્ટિંગ ૧૯૪૬માં દોરવામાં આવ્યું હતું-ગાંધીજીની હત્યા થઇ, તેના બે વર્ષ પહેલાં! પેઈન્ટિંગની બાજુમાં લખાણ છે, " (આ પેઈન્ટિંગમાં)...લોહીમાં લથપથ મહાત્મા ગાંધી, બે યુવા મહિલાઓ તરફ ઢળીને, શાંતિથી જમીન પર ફસડાઈ રહ્યા છે. 

આ ૧૯૪૬માં દોરવામાં આવ્યું હતું, જાણે બે વર્ષ પછીની ગાંધીજીની હત્યાનો અંદેશો હોય. તે પછી આ પેઈન્ટિંગને ૧૯૪૮માં 'ધ ઇસ્ટ ૧૯૪૮' ટાઈટલથી, ચાર મોટી પેનલમાં ફરીથી બનાવાયું હતું. પંડિત જવાહર લાલ નહેરુ ૧૯૪૯માં, આ પેઈન્ટિંગને લંડનથી ખરીદી લાવ્યા હતા."

ટોપોલસ્કી બીજા વિશ્વ યુદ્ધમાં બ્રિટનનો અધિકૃત યુદ્ધ-ચિત્રકાર હતો. ૧૯૪૪માં એ ભારત આવ્યો હતો, અને ગાંધીજીનાં અનેક ચિત્રો દોર્યા હતાં. ગાંધીજીના પૌત્ર ગોપાલકૃષ્ણ ગાંધીએ પણ, ટોપોલસ્કીને કેવી રીતે બે વર્ષ પહેલાં ગાંધીની હત્યાનો અંદેશો આવ્યો હશે, તે અંગે ૨૦૧૬માં ધ હિન્દુસ્તાન ટાઈમ્સમાં એક લેખ લખ્યો હતો.

28th June 2019
Morning Mushing: 
"મોટાભાગના દર્શકો માટે, રાવણ વિશેની તેમની સમજ ૮૦ના દાયકાની ટીવી સિરિયલમાંથી આવે છે, જે બ્લેક એન્ડ વ્હાઈટ સરળ અભિગમ છે, પણ તમે જો રામાયણની પૌરાણિક આવૃત્તિ વાંચો, તો રાવણની સુક્ષ્મ જાણકારી મળે. એ ઠગ ન હતો. એ જ્ઞાની અને પ્રતિભાશાળી હતો. તેણે તાંડવ સ્તોત્રમ લખ્યું હતું, અનેક ચિંતન શાસ્ત્રો લખ્યાં હતાં, એ ઉત્તમ સંગીતકાર હતો, અચ્છુ નૃત્ય કરતો હતો, કુશળ લડવૈયો હતો. રાવણ ઘણો ગંભીર અને ગહેરાઈવાળો હતો, 

પણ એનો અહંકાર અનિયંત્રિત હતો અને તેનામાં એન્ગર મેનેજમેન્ટનો સખત પ્રોબ્લેમ હતો. ઉત્તર ભારતમાં દંતકથા છે કે, રામ લક્ષ્મણને સુચના આપે છે કે લડાઈમાં મૃત્યુ પામી રહેલા રાવણને નમન કરે. રાવણ પ્રતિસ્પર્ધી હતો, પણ રામ તેના જ્ઞાનને માન આપતા હતા. સફળ લોકોની અંદર રાક્ષસ હોય છે. એ રાક્ષસ તેમને જંપીને બેસવા ન દે અને પેટમાં સતત આગ સળગતી રાખે. સફળ અને મહાન માણસમાં ફરક એટલો જ છે કે રાક્ષસ તમને નિયંત્રીત કરે છે કે તમે રાક્ષસને નાથો છો. મહાન માણસો તેમની ક્ષમતાને બીજાના કલ્યાણ માટે વાપરે છે, જયારે સફળ માણસો તેમના રાક્ષસને શરણે જાય છે. રાવણને આ રીતે જોવો જોઈએ." 
-અમિષ ત્રિપાઠી તેમના નવા પુસ્તક 'રાવણ' અંગે(વાંચવા જેવુ પુસ્તક)

29th June 2019
Morning Mushing: 
તમે જયારે પણ સંગીત સાંભળો છો, ત્યારે હકીકતમાં તમે તમારા મગજને કસરત કરાવો છો. જેણે પણ કોઈ ગીત સાંભળ્યું છે, તેને ખબર છે કે એ અનુભૂતિ બીજી તમામ અનુભૂતિઓથી અલગ છે. ન્યુરોસાયન્સ કહે છે કે સંગીતની ધૂન કાનમાંથી પ્રવેશીને, કોઈક રીતે મગજના ચાર મુખ્ય લૉબ્સમાં પડઘાય છે. તેનાથી પુરા શરીરમાં પ્રતિઘાત (રીએક્શન) પેદા થાય છે અને લાગણીઓ અને સ્મૃતિઓને ઢંઢોળે છે. 'મ્યુઝિકોફિલા' નામના નાયબ પુસ્તકમાં, પ્રસિદ્ધ ન્યૂરોલોજીસ્ટ ઓલિવર સાક્સ લખે છે, "આપણી ઓડીટરી સિસ્ટમ અને નર્વસ સિસ્ટમ શાનદાર રીતે સંગીત માટે એકરાગ છે. સંગીતને માણવા માટે સંગીતજ્ઞ હોવું જરૂરી નથી. સંગીતને માણવા માટે માણસ હોવું પર્યાપ્ત છે. સંગીત મગજનો જ હિસ્સો છે, પછી ચાહે એ ધાર્મિક સંગીત હોય કે શૃંગારિક હોય. એટલા માટે જ, ગાંધી અને હિટલર એક સરખી રીતે સંગીતને માણી શક્યા હતા."

30th June 2019
Morning Mushing: 
કલાના અંશ તરીકે, સિનેમાનું કામ સાંત્વના આપવાનું છે, અને જે લોકો શાંતિમાં છે, તેમને ખલેલ પહોંચાડવાનું છે. આ એ ફિલ્મ છે, જે જાતિવાદ સામે સવાલો ઉઠાવે છે. એટલે એક જાગૃત નાગરિક અને સામાજિક રીતે સંવેદનશીલ કલાકાર તરીકે, આ ફિલ્મ કરવાની મારી ફરજ હતી. -આયુષ્યમાન ખુરાના, તેની શાનદાર ફિલ્મ 'આર્ટિકલ 15' ઉપર.

1st July 2019
Morning Mushing: 
This is big. સ્પેસ એજન્સી નાસાએ, શનિ ગ્રહના રહસ્યમય ચંદ્ર, ટાઇટન પર, ડ્રોન અથવા ડ્રેગોનફ્લાય અથવા હેલિકોપ્ટર મોકલવાના મિશનની જાહેરાત કરી છે. આ ડ્રોન 2026માં રવાના થશે, અને 2034માં ટાઈટન પર પહોંચશે. આપણી સૂર્યમાળામાં, ટાઈટન એકમાત્ર ચંદ્ર છે, જેના વાતાવરણમાં મિથેન અને નાઇટ્રોજન ગેસ છે. 2005માં નાસાના હુયજેન્સ પ્રોબ મિશને, થોડોક વખત ટાઈટનના વાતાવરણને સ્પર્શ કર્યો હતો. તેમાં જે તસવીરો આવી હતી, તે પરથી ખબર પડી કે ટાઈટન પર પાણી લહેરાય છે, નદીઓ-સમુદ્રો છે, મેદાનો છે, પર્વતો છે અને ખીણો છે. પ્રસંગોપાત વરસાદ પણ પડે છે. (એક્ચ્યુઅલી, આ બધું પ્રવાહી મિથેન છે.) બધું 'ઘર' જેવું જ છે, સિવાય કે આપણી પૃથ્વીને જેટલો તડકો મળે છે, તેનો 1 ટકો તડકો ટાઇટનને મળે છે. મતલબ કે ત્યાં વાતાવરણ માઇનસ 179 ડીગ્રી સેલ્શિયસ છે. નાસા બરફના આ ગોળનો અભ્યાસ કરવા 1 બિલિયન ડોલર ખર્ચીને ત્યાં જશે.

2nd July 2019
Morning Mushing: 
૧૪મી જુને જારી કરાયેલો નીતિ આયોગનો રિપોર્ટ કહે છે કે ભારત તેના ઈતિહાસમાં પાણીની સૌથી ભીષણ કટોકટીનો સામનો કરી રહ્યું છે. ૬૦ કરોડ લોકો પાણીની ભારેથી કારમી અછત હેઠળ છે અને દર વર્ષે બે લાખ લોકો પાણીના અભાવમાં મરે છે. ભારતમાં ૧૬ ટકા વસ્તી માટે માત્ર ૪ ટકા જ પાણી છે, પરિણામે ટેન્કર માફિયાઓનો ધંધો પુરજોશમાં ખીલ્યો છે. ભારત દુનિયાનું સૌથી મોટું ભૂમિગત પાણી બહાર ખેંચનારું રાષ્ટ્ર છે. ૨૦૨૦ સુધીમાં દિલ્હી, બેંગલોર, ચેન્નાઈ અને હૈદરાબાદ જેવાં ૨૧ શહેરોમાં ભૂમિગત પાણી સુકાઈ જશે. ૨૦૩૦ સુધીમાં દેશના ૪૦ ટકા લોકોને પાણી ઉપલબ્ધ નહીં હોય. ટ્રેજેડી એ છે કે સામાજિક અને રાજકીય પ્લેટફોર્મ પર, આ સ્થિતિની ભાગ્યેજ ચર્ચા થાય છે, અને આપણે ભળતા જ ભાવનાત્મક અને કાલ્પનિક મુદ્દાઓ પર લોહી ઉકાળા કરીએ છીએ.

3rd July 2019
Morning Mushing: 
આ ૨૦૧૮ નો સૌથી સુંદર ફોટા કહી શકાય અને પ્રેરણા માટે સંગ્રહ તરીકે પણ રાખી શકાય એવો છે: તમિલનાડુની મહિલાઓ માતા કાવેરીના પાણીનું સ્વાગત કરે છે. આ આપણું ભારત છે. આ આપણી સંસ્કૃતિ છે અને આપણું ધર્મ છે. આજે, લોકો પાણી માટે લડતા હોય છે, રાજ્યો ના અને દેશો ના પાણી ના ઝગડા યાદ હશે.

આ સમયની જરૂરીયાત એ છે કે પાણીની કટોકટી ઉપર સમગ્ર ભારતની સ્થિતિ સારી કહી શકાય એવી નથી અને ઉકેલ શોધવો જરૂરી છે.  સરકાર આજે અથવા કાલે તો કરશે જ, પરંતુ પાણી બચાવવા માટે આપણે શું કરીશું અને આપણી જવાબદારીઓ ક્યારે શીખીશું? તમે રોજ પાણી નો બગાડ ઓછો અને સદ્ઉપયોગ વધુ થાય એના માટે શું કરો છો?

4th July 2019
Morning Mushing: 
જે કામ IPLની ચીયરલીડરો નથી કરી શકતી, તે કામ આ ગુજરાતી માસીએ કરી બતાવ્યું. એજબેસ્ટનમાં ગઇરાત્રે ભારત-બાંગ્લાદેશની વર્લ્ડ કપ મેચમાં, 87 વર્ષનાં ચારુલતા પટેલે, તેમના અનન્ય ક્રિકેટ પ્રેમના કારણે સ્ટેડિયમની અંદર ખેલાડીઓ અને ક્રિકેટ રસિકો અને સ્ટેડિયમની બહાર કરોડો ટીવી  દર્શકોનાં દિલ જીતી લીધાં. ચારુલતા બહેન, પ્રથમ વર્લ્ડ કપ રમાયો તેના 43 વર્ષ પહેલાં, તાંઝાનિયામાં ગુજરાતી પરિવારમાં જન્મ્યાં હતાં, અને ત્યારથી ક્રિકેટનાં દિવાનાં છે. નાનપણમાં ક્રિકેટ પણ રમતાં હતાં. ભારતની ટીમ જ્યારે પણ ઇંગ્લેન્ડ આવે છે, ચારુલતા બહેન દરેક મેચમાં હોય છે. 1983માં કપિલ દેવે વર્લ્ડ કપ ઉઠાવ્યો, ત્યારે પણ ત્યાં હાજર હતું. તેમણે ઘણા ભારતીય કપ્તાન જોયા છે, પણ વિરાટ કોહલી પર તેમને સવિશેષ પ્રેમ છે, અને કહે છે કે આ વર્લ્ડ કપ તે ઉઠાવશે. ચારુલતા બહેનના જુસ્સાને જોઈને, ઉધોગપતિ આનંદ મહેન્દ્રાએ, ભવિષ્યમાં ભારત જેમાં હોય, તેવી તમામ આંતરાષ્ટ્રીય ક્રિકેટ સ્પર્ધાઓમાં, ચારુલતા પટેલની ટિકીટ સ્પોન્સર કરવાની જાહેરાત કરી છે. વૃદ્ધત્વ કેવું હોવું જોઈએ, તેનું ચારુલતા પટેલ એક ઉદાહરણ છે.

5th July 2019
Morning Musings...
ભાઈ જાણતા નથી કે નીચે સાપ છે. બહેન બેખબર છે કે ભાઈ પથ્થર હેઠળ ચગદાયેલા છે. બહેનના મોતિયા મરી ગયા છે કે હું પડીને મરી જઈશ, ચઢવા જાઉં તો સાપ કરડી લેશે. આ ભાઈ જરા વધુ જોર કરીને, મને ઉપર કેમ ખેંચી લેતા નથી? ભાઈ વિચારે છે કે હું આટલી બધી પીડામાં છું, છતાં બહેનને પકડી રાખ્યાં છે, એ મહેનત કરીને ચઢી કેમ જતાં નથી? 
સાર: તમને બીજો માણસ કેવી મુશ્કેલીમાં છે, તે ના દેખાય અને બીજા માણસને તમારી પીડા ના સમજાય. અસલી સંબંધ બે અંતિમો વચ્ચે નહીં, પણ મધ્યમાં હોય છે.

6th July 2019
Morning Musings...
ગમે તેવી આર્થિક પરિસ્થિતિમાં પણ દરેક વ્યક્તિ સુખી રહી શકે, જો એના માથે દેવું ના હોય અને રોટી, કપડાં, મકાનની બુનિયાદી સુવિધા હોય. પણ લોકોને સુખ નથી જોઈતું. લોકોને નકલી વાહવાહી, તકલાદી પ્રતિષ્ઠા અને બીજાઓની એપ્રૂવલ જોઈએ છીએ. મોટાભાગનાં દુઃખ આના અભાવમાંથી આવે છે. આપણે નોર્મલ કે સાધારણ જીવન જીવી નથી શકતા. આપણે 'કઈંક' હોઈએ, તો જ આપણા 'હોવા'નો અર્થ બને છે. દુઃખના મૂળમાં આ છે.

7th July 2019
Morning Mushing: 
એક મુરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ...ઇટાલીના માર્ચે પ્રદેશમાં પેસારો એન્ડ ઉર્બીનો પ્રાંતના સમુદ્રી કાંઠે આવેલા ફાનો નગરના આ 'મુરખ' ભાઈ, દરિયાઈ પથ્થરોમાંથી અજબ-ગજબની કળા-કૃતિઓ બનાવે છે. અહીંના સમુદ્રમાં પ્રકાર-પ્રકારના આકારના પથ્થરો મળી આવે છે, અને સ્ટેફાનો ફુરલાની નામના આ ભાઈ, તેને એવી રીતે ગોઠવે છે કે તેમાંથી અદભુત આર્ટવર્ક તૈયાર થાય છે. એમાં આવડત વિવિધ આકારવાળા પથ્થરો વીણવાના અને કલ્પના કરવાની કે તે ક્યાં અંગમાં કામ આવશે તેની છે. તે અને તેનો દીકરો, ડેવિડ, પહેલાં રેતમાં આવી કૃતિઓ બનાવતાં હતા, પણ ઝાઝી ટકતી  ન હતી. એટલે હવે તેઓ લાકડાના બેકગ્રાઉન્ડ પર કૃતિઓ બનાવે છે, જે દીવાલ પર ટાંગી પણ શકાય છે.

8th July 2019
Morning Musings...
ડાહ્યો માણસ વિદ્વાન લોકોને સાંભળે અને રમૂજ અનુભવે. એમના અભિપ્રાયો અને દલીલોથી એનામાં 'કહી દેવાનો' ભાવ ના પેદા થાય, કારણ કે એની પાસે ના તો અભિપ્રાય છે, ના દ્રષ્ટિકોણ કે ના તો તર્ક. એને અભિપ્રાયો કેવી રીતે અને કેટલા વ્યર્થ છે, તે ખબર છે. એ જાણે છે કે અભિપ્રાયો ઘમંડમાંથી આવે છે. એને એ હકીકતથી ઢાઢસ બંધાયેલી છે કે જીવનની હકીકતો વ્યક્તિગત અભિપ્રાયોની મોહતાજ નથી અને સઘળા અભિપ્રાયો માટીમાં મળી જશે, ત્યારે પણ એ હકીકતો સૂરજની જેમ જ ચમકતી હશે.

9th July 2019
Morning Mushing: 
"તમને જો એકબીજાને થપ્પડ મારવાની સ્વતંત્રતા ના હોય, તો એમાં પ્રેમ ના હોય" એ વાતમાં ના તો સ્વતંત્રતા છે કે ના તો પ્રેમ. શારીરિક, જાતીય, ભાવનાત્મક કે માનસિક હિંસા એ પ્રેમ વ્યક્ત કરવાનું માધ્યમ હોઈ જ ન શકે.

આને અત્યાચારના વિષચક્રનો ટોક્સિક સંબંધ કહેવાય, અને એમાંથી જલ્દી બહાર આવી જવું જોઈએ. પ્રેમમાં હિંસા માટે સહેજ પણ જગ્યા ના હોય, અને એથી હું 'અબળા નારી' નથી થઈ જતી. ખરો બળવાન માણસ હિંસક ના હોય.

આદર, સભ્યતા, પ્રતિબદ્ધતા અને સમજદારીને પ્રેમ કહેવાય.  મને આ ખબર છે કારણ કે હું એ જીવી રહી છું! 
-રેણુકા શહાણે, 'અર્જુન રેડ્ડી' (કબીર સિંઘ)ના નિર્દેશક સંદિપ રેડ્ડી વાંગાના એ ઈન્ટરવ્યુ પર, જેમાં તેણે શારીરિક હિંસાને પ્રેમ ગણાવી હતી.

ઉપર એક ફિલ્મની જ વાત નથી. એક સ્ત્રી કેવો પ્રેમ જીવે છે, તેની અસલી વાત છે અને એમા શીખવાનું સ્ત્રી કરતાં પુરુષો ને વધારે છે.

10th July 2019
Morning Mushing : 
માણસો તેની આસપાસની ઇકોસિસ્ટમને કેટલી ગંદી કરી રહ્યા છે, તે અંગે તમને હજુય જો કોઈ ભ્રમ હોય, તો આ તસ્વીર જોવા જેવી છે. ફ્લોરિડા બીચ પરની આ તસવીર છે, જેમાં સમુદ્રી પક્ષી 'બ્લેક જળહળ' તેના બચ્ચાને ચોંચમાં સિગારેટ ખવડાવી રહ્યું છે. ફ્લોરિડાના લાર્ગો શહેરની ફોટોગ્રાફર કરેન માસોને, તાજેતરમાં ફ્લોરિડાના સેન્ટ પેટે બીચ પર આ તસ્વીર ખેંચી હતી. બીચ પર માણસોનો એટલો કચરો જમા થાય છે કે આ 'જળહળ' માતા સિગારેટ જોઇને, બચ્ચા માટે તેને આહાર સમજી બેઠી હતી. "આ જળહળ પાણીમાં ચોંચ ખુલ્લી રાખીને આહાર શોધે છે," કરેને સમજાવ્યું, "જયારે નીચેની ચોંચ કોઈ વસ્તુને અડે, એટલે ઉપરની ચોંચ તરત એના પર જડબેસલાક બંધ થઇ જાય. જળહળ એ ના જુવે કે ચોંચમાં શું આવ્યું છે." જળહળની જીવતા રહેવાની આ પ્રાકૃતિક વ્યૂહરચના લાખો-કરોડો વર્ષોથી કારગત રહી હતી, પણ હવે તે જ તેમના પતનનું કારણ બની રહી છે, કારણ કે માણસોએ સમુદ્રી બીચોને કચરાઘર બનાવી દીધા છે. કરેને જયારે આ તસ્વીર ખેંચી, ત્યારે તેને એમ હતું કે ચોંચ વચ્ચે માછલી પકડાઈ છે. ઘરે જઈને કોમ્પ્યુટર પર જોયું, તો સિગારેટનું ઠુંઠુ હતું!

11th July 2019
Morning Musings...
મને એ સમજ નથી પડતી કે પીડાદાયક એકલતા-જે મોટા પરિવારમાં ઘેરાયેલા માણસને પણ ગળી જાય છે- અને એકાંતની બેફિકરાઈ વચ્ચે ફરક કેમ કરવામાં આવતો નથી. સ્ત્રીઓને પુખ્ત વયમાં પરિવાર, કબીલા અને માનવ જાતિનો ફેલાવો કરવા તૈયાર કરવામાં આવે, તે પહેલાં તેઓ (સાધ્વીપણા સિવાયના) એકાંતને ભાળી ના જાય, તેની આટલી ચિંતા કેમ કરવામાં આવે છે? 

મારી માએ એકવાર મને કહ્યું હતું કે તે જો નાનીની કહ્યાગરી દીકરી ના હોત, તો તેણે ક્યારેય લગ્ન ના કર્યા હોત. તેણે ખુશી ખુશી તેના વતનમાં ચોપડીઓ વાંચી-લખીને અને પરિવારનું ધ્યાન રાખીને જિંદગી ગુજારી નાખી હોત
-કલ્પના શર્મા સંપાદિત, 
Single By Choice: Happily Unmarried Women! પુસ્તકમાં, ભારતની પહેલી સ્પોર્ટ્સ-પત્રકારોમાંથી એક, શારદા ઉગ્રા.

12th July 2019
Morning Mushing: 
આ કોમ્બ-ક્રેસ્ટેડ જાકાના છે. ભૂલ ના થતી હોય, તો ગુજરાતીમાં એને 'કાળો જળમાંજાર' કહે છે. તે પાણીમાં તરતી વનસ્પતિ પર જીવે છે. તેની પર જ ઘર બનાવે છે. આ બહુપતિત્વમાં માનતુ પક્ષી છે. એટલે કે માદા જાકાનાને બેથી વધુ 'પતિ' હોય છે. એમાં તે ચાર ચમકતાં ઈંડા આપે છે. આ ઈંડા સેવવાનું કામ નર જાકાનાનું હોય છે. બચ્ચાં મોટાં થાય, ત્યારે તેનું લાલન-પોષણ પણ નર જ કરે છે. નીચે જે તસ્વીર છે, તે આ પિતૃત્વની વ્યવસ્થાનું અદભુત ઉદાહરણ છે. વાઇલ્ડલાઈફ ફોટોગ્રાફર વિવેક મેનને 'પાપા' જાકાનાનો ફોટો લીધો, ત્યારે 'પાપા'એ તેની વિશાળ પાંખની અંદર તેનાં ત્રણ બચ્ચાંને છુપાવી દીધાં હતાં. ઝૂમ કરીને જોજો, આંખો દેખાશે.

13th July 2019
Morning Mushing: 
૨૪ વર્ષની પ્રતીક્ષા દાસ, મુંબઈની બેસ્ટ બસ સેવામાં પહેલી મહિલા ડ્રાઈવર બની છે. પ્રતીક્ષાએ હમણાં જ કાંદિવલીની ઠાકુર કોલેજમાંથી મિકેનિકલ એન્જીનીયરિંગમાં ડીગ્રી હાંસલ કરી છે. પ્રતીક્ષાને RTO ઓફિસર બનવું છે, અને તેના માટે હેવી વિહિકલનું ડ્રાઈવિંગ ફરજીયાત છે. નાની હતી ત્યારે બાઈક તો ચલાવતી હતી, મોટા થઈને ટ્રક ચલાવવાનું ખ્વાબ જોયું હતું. હવે બસ ચલાવે છે.

14th July 2019
Morning Mushing: 
ભારતનાં સૌથી મોટા શહેરોમાંથી એક, ચેન્નાઇ, પહેલું શહેર બન્યું છે, જ્યાં હવે ટ્રેન મારફતે પીવાનું પાણી પહોંચાડવામાં આવશે. શુક્રવારે 50 વેગનમાં 50 હજાર લિટર પાણી ભરેલી શણગારેલી ટ્રેન ચેન્નાઈ આવી, ત્યારે લોકોએ આનંદથી તેને વધાવી હતી. ચેન્નાઈથી 360 કિલોમીટર દૂર વેલ્લોર જિલ્લામાં ડેમમાંથી રોજ 200 લાખ લિટર પાણી, તરસ્યા ચેન્નઈમાં લાવવાની યોજના છે. રેલવે ટ્રેક પાસે 100 પાઇપો ફિટ કરવામાં આવી છે, જે મારફતે આ પાણી ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં જશે, અને પછી તે રહેવાસીઓને વહેંચવામાં આવશે. ચેન્નાઈના ભૂગર્ભમાંથી પાણી જતું રહ્યું છે અને બીજા શહેરો માટે આ ખતરાની ઘંટી છે.

15th July 2019
Morning Mushing:
Moon Men in Mumbai...
દસ વર્ષ પહેલાં ચન્દ્રયાન-૧ ચંદ્ર પર ગયું, અને ત્યાં ઉત્તર ધ્રુવ પર પાણી છે, તેવી શોધ કરી, તે પછી તે દિશામાં વધુ સંશોધન કરવા માટે આવતીકાલે વહેલી સવારે (સોમવાર, ૨.૫૧ વાગે) ચન્દ્રયાન-૨ ચંદ્ર પર જશે. ચંદ્ર પર ઉતરનારું માણસે બનાવેલું પ્રથમ વાહન સોવિયત સંઘનું લ્યુના-૨ મિશન હતું (૧૩ સપ્ટેમ્બર ૧૯૫૯). અમેરિકા એક માત્ર દેશ છે, જેણે સફળતા પૂર્વક માણસને ચંદ્ર પર ઉતાર્યો હતો. ૨૦ જુલાઈ ૧૯૬૯ના રોજ, એપોલો ૧૧ મિશન હેઠળ, નીલ આર્મસ્ટ્રોંગે ચન્દ્ર પર પગલું ભર્યું હતું. તે પછી અમેરિકાના છ વૈજ્ઞાનિકો ચંદ્ર પર જઈ આવ્યાં છે. અનેક દેશોએ માનવરહિત યાન ચંદ્ર પર મોકલ્યાં છે. 

ત્રણ મહિના પછી, ૨૬ ઓકટોબર, ૧૯૬૯ના રોજ, નીલ આર્મસ્ટ્રોંગ અને તેના સાથી બઝ અલ્ડ્રીન અને માઈકલ કોલીન્સ મુંબઈમાં આવ્યાં, ત્યારે હજારો મુંબઈવાસીઓએ તેમનું હિરોને છાજે તેવું સન્માન કર્યું હતું (નીચે તસ્વીરમાં). અમેરિકા પૂરી દુનિયા સાથે તેની ઐતિહાસિક સિદ્ધિ વહેંચવા માગતું હતું એટલે એપોલો ટીમ ૨૨ દેશોના પ્રવાસે નીકળી હતી, અને મુંબઈ ૧૯મું રોકાણ હતું. તે વખતે ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે અમેરિકાએ એપોલો ટીમની મુલકાત માટે દિલ્હીના બદલે મુંબઈને પસંદ કર્યું, તે તત્કાલીન પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીને ગમ્યું ન હતું. 

બપોરે ૨.૩૦ વાગે વ્હાઈટ હાઉસનું વિશેષ જેટ. સાન્તાક્રુઝ એરપોર્ટ પર આવ્યું હતું અને ત્યાંથી ખુલ્લી કારમાં તેઓ દક્ષિણ મુંબઈમાં હોટેલ તાજ મહાલ ગયા હતા. પુરા માર્ગ પર ૨૦,૦૦૦ મુંબઈવાસીઓ તેમને નિહાળવા એકઠા થયા હતા. સાંજે તાતા ઇન્સ્ટીટયુટ ઓફ ફન્ડામેન્ટલ રીસર્ચ ખાતે નીલ આર્મસ્ટ્રોંગનું ભારતમાં અણુ બોમ્બના જનક રાજા રામન્ના અને એટોમિક એનર્જી કમિશનના ચેરમન વિક્રમ સારભાઈના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું,

16th July 2019
Morning Mushing:
માર્ક ઝુકરબર્ગનું સ્લીપ બોક્સ...
ઊંઘને અને પ્રકાશને સીધો સંબંધ છે. માણસો જ નહીં, તમામ જીવ, સુર્યાસ્ત થાય એટલે ઊંઘી જાય છે. અંધારું થાય એટલે પિનીયલ ગ્લેન્ડમાંથી મેલાટોનિન નામનું હોર્મોન પેદા થાય છે, જે ઊંઘ લાવે છે (સૂર્યોદય થાય, એટલે એનું પ્રોડકશન બંધ થાય, એટલે જાગી જવાય). આપણે હવે ૨૪ કલાક કુત્રિમ પ્રકાશમાં રહેતા થયા છીએ, એટલે ઊંઘની પ્રાકૃતિક સાઇકલ ખોરવાઈ ગઈ છે. માનવ ઈતિહાસમાં અત્યારે સૌથી વધુ લોકો અનિંદ્રાથી પીડાય છે, ફેસબુકના સ્થાપક, માર્ક ઝુકરબર્ગની પત્ની, પ્રિસિલ્લા ચાનને પણ, પડખાં ફર્યા કરવાની મુસીબત છે. માર્કે વર્ષની શરૂઆતમાં પત્નીની ઊંઘ બહેતર કરવા માટે, લાકડાનું એક સાદું 'સ્લીપ બોક્સ' બનાવ્યું હતું (નીચે ચિત્રમાં), જેમાંથી રાતભર અમુક રંગની હલકી રોશની આવ્યા કરે, જે તમને સંકેત આપે કે સુવાનો સમય છે કે જાગવાનો.

હવે, પ્રીમિયર ઈલેક્ટ્રોનિક નામની કંપનીએ, ઝૂકલાઈટ, નામથી ઝુકરબર્ગના આ સાધનનું કોમર્સિયલ ઉત્પાદન શરુ કર્યું છે. મોબાઇલ એપ્લીકેશનની મદદથી તમે એમાં પ્રકાશનું ટાઈમ ટેબલ, ઓછી-વધતી રોશની અને રંગોની પસંદગી ગોઠવી શકો છો. આ બોક્સ તમારો ફોન પણ (વાયરલેસ) ચાર્જ કરી શકે છે અને તમારા રૂમમાં હવાની ગુણવત્તા કેવી છે, તેની માહિતી પણ આપે છે. આ બોક્સ અત્યારે ત્રણ મોડેલમાં ઉપલબ્ધ છે અને તેની કિંમત ૫૦ ડોલરની આસપાસ છે.

17th July 2019
Morning Mushing: 
મને એક રીતે ટ્રાન્સ્મ્યૂટ (તબ્દીલ) કરવાનું ગમે. પ્રેક્ષકો  'રોજર..રોજર' ના નારા લગાવતા હતા, ત્યારે મને 'નોવાક...નોવાક' સંભળાતું હતું. આમ તો મૂર્ખાઈ જેવું લાગે, પણ હતું એવું જ. હું મારી જાતને વિશ્વાસ અપાવતો હતો કે મારું જ નામ બોલાય છે. તમારે તમારી જાતને એ યાદ કરાવતા રહેવું પડે કે તમે કોઈ કારણથી અહીં આવ્યા છો અને તમે બીજા કરતાં બહેતર છો. બહુમતી પ્રેક્ષકો તમારી ફેવરમાં હોય, તો એનો લાભ તો મળે જ, પણ જો ના હોય, તો તમારે તમારી અંદરથી સપોર્ટ શોધવો પડે. 
-નોવાક જોકોવિચ, વિમ્બલ્ડન ખિતાબ જીત્યા પછી

18th July 2019
Morning Mushing: 
ટ્વીટર પર સાડીઓનું પુર આવ્યું છે. સોમવારથી ત્યાં સાડીનો ટ્રેન્ડ (#SareeTwitter) ચાલુ થયો છે. ફિલ્મ સ્ટાર્સથી લઈને રાજકારણીઓ અને આમ મહિલાઓ લઈને સેલિબ્રિટી ડ્રીમગર્લ્સ, તેમના સાડી પહેરેલા ખુબસુરત ફોટા શેઅર કરી રહી છે. કોંગ્રેસની નેતા પ્રિયંકા ગાંધી, પત્રકાર બરખા દત્ત, સાગરિકા ઘોષ, શીલા ભટ્ટ, શોભા ડે, શિવ સેનાની પ્રિયંકા ચતુર્વેદી, ભાજપની નુપુર શર્મા, એક્ટ્રેસ યામી ગૌતમ, નગ્મા, જર્મન એક્ટ્રેસ સુઝાને બર્નેટ અને ભારતની અનેક સામાન્ય ગૃહિણીઓ, એક બીજાને ટક્કર મારે તેવી લાજવાબ સાડીઓમાં ખુદને પેશ કરી રહી છે, પણ અંગ્રેજીમાં કહે છે તેમ, એક્ટર આયુષ્યમાન ખુરાના ટેઈક્સ ધ કેક. આર્ટિકલ-૧૫ના હિરો પણ સાડીમાં મોહી પડ્યો અને તેણે બ્લુ સાડીમાં સજ્જ તેનો ફોટો ટ્વીટ કર્યો છે. અલબત્ત, આ તેની અગામી ફિલ્મ 'ડ્રીમગર્લ'નો લૂક છે, but this is certainly the most adorable saree..

19th July 2019
Morning Mushing: 
શામ કી ગુલાબી સે, આંચલ મેં યે...દિયા જલા હૈ ચાંદ સા...
મેરે ઉન બિના, ઉસકા કહાં ચાંદ નામ હોતા (ગુલઝાર, દેવતા-૧૯૭૮)

૨૫ જુલાઈ ૧૯૬૯ના લાઈફ મેગેઝીનનું કવર પેઈજ, જેમાં નીલ આર્મસ્ટ્રોંગ એપોલો-૧૧માં દાખલ થઇ રહ્યો છે. આ સપ્તાહે આ ઐતિહાસિક યાત્રાનાં ૫૦ વર્ષ પૂરાં થયાં. નાસાના એપોલો-૧૧ મિશન માટે આઠ વર્ષ સુધી ૪૦૦,૦૦૦ લોકોએ કામ કર્યું હતું. ૧૬ જુલાઈ ૧૯૬૯ના રોજ એપોલોએ ચંદ્ર તરફ પ્રયાણ કર્યું અને ૨૦ જુલાઈએ નીલ આર્મસ્ટ્રોંગ અને બઝ આલ્ડ્રિન ચંદ્ર પર પગ મુકનાર પહેલા માનવ બન્યા.

20th July 2019
Morning Mushing: 
ફેસબુક પર ઘરડા દેખાવાની જે હોડ ચાલી છે, તેમાં અટકીને વિચારવા જેવું છે. ફેસએપ નામની એપ્લીકેશનમાં ફિલ્ટર મુકીને લોકો ઘડપણમાં કેવા દેખાશે, તેના અખતરા કરી રહ્યા છે, પરતું આ એપ સામે અંગત ફોટો ડેટાના ગેરઉપયોગના ગંભીર આરોપ મુકાયા છે. 

અમેરિકન સેનેટના લઘુમતી નેતા, ચૂક શુમરે, આ એપ સામે ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનની તપાસ માગી છે. શુમરને તો અમેરિકન જનતા 'વિરોધી વિદેશી સત્તા' નો શિકાર ના બને, તેની ચિંતા છે, પણ આપણે ય જાણવા જેવું છે કે આખરે મામલો છે શું, કારણ કે ભારતમાં પણ આ એપ અત્યારે ધૂમ મચાવી રહ્યું છે.  

રશિયામાં સેન્ટ પિટસબર્ગ સ્થિત વાયરલેસ લેબ નામની કંપનીએ આ એપ બનાવી છે. તેનો રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ વિભાગ રશિયામાં છે. આરોપ એ છે કે જે યુઝર્સ તેમના ફોટા આ એપ મારફતે અપલોડ કરે છે, તે ફોટા રશિયામાં કંપનીના સર્વરમાં સ્ટોર થાય છે. કંપનીએ આનો ઇન્કાર કર્યો છે.

આ એપની ઉપયોગ કરતાં પહેલાં અમુક શરતો માન્ય કરવાની હોય છે, જેમ કે 
"a perpetual, irrevocable, nonexclusive, royalty-free, worldwide, fully-paid, transferable sub-licensable license" to use photos they upload."

ઓનલાઈન સુરક્ષા માટે કામ કરતા પ્રાઈવસી ઇન્ટરનેશનલ સંગઠને કહ્યું છે કે ફોટો પર ફિલ્ટર મુકવાથી, ફેસએપ યુઝરના ચહેરાનો વિગતવાર બાયોમેટ્રિક નકશો તૈયાર કરે છે, જે ફિંગરપ્રિન્ટ કે ડીએનએ જેવું છે. આનો ગેરઉપયોગ થઇ શકે.

બે વર્ષ પહેલાં પણ ફેસએપ ચર્ચામાં હતું, જયારે તેણે એવું એથનિક ફિલ્ટર બનાવ્યું હતું કે લોકો તેમનો ચહેરો બદલીને બીજા કોઈ દેશ કે નસ્લના માણસ જેવા દેખાઈ શકતા હતા.

21st July 2019
Morning Musings...
જીવનમાં ખરી બહાદુરી સિંહ પર સવારી કરવામાં નથી. ખરી હિંમત સિંહ પરથી ઉતરી જવામાં છે. મોટાભાગના લોકોને તેમની કથિત મહાનતા, લોકપ્રિયતા, સફળતા કે સત્તાનાં શિખર પરથી ઉતરતાં નથી આવડતું, અને તે જ તેમની સૌથી મોટી નિષ્ફળતા હોય છે. પોતે જ પોતાના માટે તાળીઓ પાડતા બંધ થઈ જઈએ, તે સિંહની સવારી પરથી ઉતરવા જેવું કામ છે,  પણ કરવા જેવું છે. અલ્લામા ઇકબાલના શેરની પેરોડી જેવો સ્ટેન્ડઅપ કોમેડિયન રાજુ શ્રીવાસ્તવનો શેર હતો...

ख़ुदी को कर के बुलंद इतना वो चढ़ा जैसे तैसे ..
ख़ुदा ने ख़ुद पूछा बन्दे से अबे, अब उतरेगा कैसे..

22nd July 2019
Morning Musings...
તમને જે કામ પ્રત્યે લગાવ હોય, તે કરવામાં દિવસો પસાર થતા હોય, અને જે લોકોને ચાહતા હો, તેમની સાથે સાંજો ગુઝરતી હોય, તો તમારું જીવન સમૃદ્ધ છે-પછી ભલે તમે ધનવાન ના હો. બહુ ઓછા લોકોના જીવનમાં આવી સુલતાની હોય છે. જીવનને સાર્થક બનાવે તેવાં કામ સાથે અને તમને બહેતર બનવામાં મદદ કરે તેવા લોકો સાથે લગાવ હોય, તો બીજે ક્યાંય સુખ શોધવાની જરૂર ના પડે.

23rd July 2019
Morning Mushing: 
ઉપર ટેલીફોન બુથ જેવું જે 'કબાટ' દેખાય છે, તે વાસ્તવમાં આઈરીશ લેખક અને નાટ્યકાર જ્યોર્જ બર્નાડ શો (૧૮૫૬-૧૯૫૦)ની લખવાની 'ઝુંપડી' છે. દક્ષિણ ઇંગ્લેન્ડમાં હેર્ટફોર્ડશાયર નામના ગામમાં જીબી શોની જાયદાદ હતી અને ત્યાં એ ૪૦ વર્ષ રહ્યા હતા. તેમનું જે ઘર હતું, ત્યાં નજીકમાં  ઝાડીમાં તેમણે લાકડાની આ કેબીન બાંધી હતી, જેમાં બેસીને તેમણે નાટકો લખ્યાં હતાં. "લોકો મને પરેશાન કરે છે," શોએ એકરાર કર્યો હતો, "એટલે હું આમાં છુપાઈ જાઉં છું." તેમણે એનું નામ 'લંડન' પાડ્યું હતું. કોઈ મળવા આવે, તો ઘરમાંથી 'સાચો' જવાબ મળે કે 'લંડનમાં છે.' 

દેખાવમાં સામાન્ય લગતી 2.5m x 2.5m x 2.5mની આ કેબીન હકીકતમાં રિવોલ્વિંગ હતી, જેથી સૂર્યપ્રકાશની દિશા પ્રમાણે શો તેને ફેરવતા રહેતા હતા. તેમાં પાણી ગરમ કરવા માટે ઈલેક્ટ્રીસિટી, એક ટેલીફોન અને બઝર હતું. એક નાનો બેડ પણ હતો, જેથી વામકુક્ષી કરી શકાય. ૯૪ વર્ષે પણ કડેધડે અને સંત જેવા લાગતા જ્યોર્જ બર્નાડ શોની તંદુરસ્તીનું રાઝ કદાચ આ કેબીનમાં હતું.  

૧૯૦૬માં ૫૦ વર્ષની વયે શો અહીં રહેવા આવ્યા હતા. હેર્ટફોર્ડશાયર એટલું નાનું હતું કે એક દુકાન હતી, બે ચર્ચ હતાં, રેલ્વે સ્ટેશન ન હતું અને સમાચારપત્રો આવતાં ન હતાં. શો અને એમની પત્નીને આ જગ્યા માટે કંઈ બહુ પ્યાર ન હતો, પણ નાટકોનાં નિર્દેશનમાં, ભાષણો આપવામાં, પ્રકાશકોને મળવામાં, જીવનચરિત્ર લેખકો સાથે વાદ-વિવાદ કરવામાં અને દુનિયાભરના ચાહકોને લખવામાં-મળવામાં એટલા વ્યસ્ત હતા કે જગ્યા છોડવામાં આળસી ગયા હતા.

 ૧૯૫૦માં મૃત્યુ સુધી તે અહીં રહ્યા, ત્યાં સુધીમાં તો આ જગ્યા Shaw's Corner તરીકે જાણીતી થઇ ગઈ હતી. તેમના અવસાન પછી નેશનલ ટ્રસ્ટે આ જગ્યા સંભાળી લીધી છે, અને અત્યારે એવી જ હાલતમાં છે, જેવી જ્યોર્જ બર્નાડ શો મુકીને ગયા હતા.

24th July 2019
Morning Mushing: 
ગુલઝારનો ચાંદ અલગ અલગ રૂપમાં આવે છે. એકમાં એ ઓશીકું બની જાય છે, જેની નીચે સપનાં દબાયેલાં પડ્યાં છે. બીજામાં એ પથારી બની જાય છે. એકમાં એ ૫૦ પૈસાની સિક્કો છે. બીજામાં એ નાવ છે, જેમાં બેસીને પ્રવાસીઓ રાતની યાત્રા કરે છે. એક દ્રશ્યમાં શાયર પાનની જેમ, ચાંદનીને ચાવે છે. બીજામાં એ વંઠી ગયેલા તારાઓ સાથે મસ્તી કરવા જતાં, જખ્મી થઇ ગયેલું બાળક છે. ગુલઝારના ચાંદમાં ખાલી કવિતા જ નથી, વિજ્ઞાન પણ છે. 

૧૯૮૮માં ગુલઝારે લખેલી-નિર્દેશિત કરેલી ફિલ્મ 'લિબાસ' માં લતાએ અફલાતુન રીતે ગયેલા ગીતમાં ગુલઝાર લખે છે-સીલી હવા છૂ ગઈ, સીલા બદન છિલ ગયા, ગીલી નદી કે પરે ગીલા સા ચાંદ ખીલ ગયા. વૈજ્ઞાનિકોએ ચંદ્ર પર પાણી હોવાના પુરાવા મેળવ્યા, તેના બે દાયકા પહેલાં ગુલઝારે ભીના ચંદ્ર પર પાણીની કલ્પના કરી હતી.😀

25th July 2019
Morning Mushing: 
બોરિસ જોનસન બ્રિટનના નવા પ્રધાનમંત્રી બનશે. બ્રેક્ઝિટ મામલે યુરોપિયન સંઘ સાથેની સમજુતીને સંસદમાં પસાર નહીં કરાવી શકનાર પ્રધાનમંત્રી થેરેસા મેએ રાજીનામું આપતાં, તેમના સ્થાને બોરિસની વરણી કરવામાં આવી છે. બોરિસ તેમની રુક્ષ શખ્શિયતના કારણે વારંવાર વિવાદો અને સમાચારોમાં રહે છે. તેમની કોઢી છાપ બોલી અને વિખરાયેલા વાળ, મજાકનું પાત્ર બનતા રહે છે. તેમને સાઈકલ ફેરવવાનો એટલો શોખ છે કે મીડિયા તેમને બોરિસ બાઈક્સ કહીને બોલાવે છે. તેમની વરણીના સમાચાર લંડન નાં સમાચારપત્રોમાં દિલચસ્પ રીતે પ્રગટ થયા હતા.

26th July 2019
Morning Musings...
શરીર માટે વ્યાયામ અને મગજ માટે વાચન, બંને સરખાં છે. તમે જો 2 વર્ષ સુધી રોજ ૫ કલાક વાંચો, તો તમારું મગજ સંપૂર્ણપણે 'નવું' થઇ જાય. વાંચવું એ સંગીતનું ઓર્કેસ્ટ્રા ચલાવવા જેવું કામ છે. એમાં મગજના નાના-મોટા અનેક હિસ્સાઓ સક્રિય થાય છે. અમુક લોકોને સંગીત વિશે વાંચતી વખતે સુર સંભળાવવા લાગે અથવા ફૂલ વિશે વાંચીને સુગંધ આવવા લાગે, તેનું કારણ મગજનાં વિભિન્ન ફંક્શન વાચનની પ્રક્રિયામાં જોડાઈને ચુસ્ત થાય છે એટલે. માટે જ વાચન આદતની ક્રિયા છે. જેને  વાંચવાની ટેવ ના પડી હોય, તેવા લોકોનાં મગજ લાંબુ વાંચીને થાકી જાય અથવા ટર્ન ઓફ થઇ જાય. આ વ્યાયામ કરવા જેવું છે.

27th July 2019
Morning Mushing: 
ઉપર જે ટ્રાફિક પોલીસવાળા ભાઈ દેખાય છે, તે કારગીલ યુદ્ધમાં વીર ચક્ર વિજેતા સતપાલ સિંઘ છે. 

આજે ટ્રાફિક સંભાળે છે. વીસ વર્ષ પહેલાં, કારગીલ યુદ્ધમાં એ સીપોઈ હતા અને તેમણે પાકિસ્તાનની નોર્ધન લાઈટ ઇન્ફન્ટ્રીના કપ્તાન કરનાલ શેર ખાન અને બીજા ત્રણને ઢાળી દીધા હતા. શેર ખાનને પાકિસ્તાનના સર્વોચ્ચ વીરતા પુરસ્કારો નિશાન-એ-હૈદરથી નવાજવામાં આવ્યો હતો. 

સતપાલ સિંઘના તત્કાલીન બ્રિગેડ કમાન્ડર એમ.પી.એસ. બાજવાએ ટાઈગર હિલ પર બહાદુરીથી લડવા માટે સતપાલ સિંઘનું નામ પરમ વીર ચક્ર માટે સૂચિત કર્યું હતું. તેને વીર ચક્ર એનાયત થયો. 

સૈન્યમાં સેવા પૂરી કર્યા પછી સતપાલ ૨૦૦૯માં નિવૃત થયા હતા અને તેઓ પંજાબ પોલીસમાં જોડાયા હતા. 

યુનિફોર્મ પર વીર ચક્ર સહીતના ચાર મેડલની રીબેંડ પહેરીને આજે એ સંગરુર જીલ્લામાં ભવાનીગઢ નામના નાનકડા નગરમાં ટ્રાફિક સંચાલનનું કામ કરે છે. 

"મે કદાચ ખોટો નિર્ણય કર્યો હતો," સતપાલ કહે છે, "મને વીર ચક્રનો કોઈ લાભ ના મળ્યો. હું એક્સ-સર્વિર્સમેનના ક્વોટા હેઠળ પોલીસમાં જોડાયો હતો. આજે હું હેડ કોન્સ્ટેબલ છું. મેડલ જીતતા રમતવીરોને ઉંચી રેન્ક મળે છે. મેં એ માણસને માર્યો હતો, જેને પાકિસ્તાનનો સર્વોચ્ચ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. 

ખેર, ઈશ્વર ઉદાર છે. તેણે મને જીવતો રાખ્યો. દેશસેવા ક્યારેય અફળ નથી જતી મને વિશ્વાસ છે. મને મારા બેરોજગાર પોસ્ટ-ગ્રેજ્યુએટ દીકરાનું ખરાબ લાગે છે."

-માન અમાન સિંઘ છીના, ઇન્ડિયન એક્સપ્રેસમાં

28th July 2019
Morning Mushing: 
મોબ લિંચિંગ..
ઉત્તર પ્રદેશના પીલીભીત જિલ્લામાં પીલીભીત ટાઇગર રિઝર્વમાં, ગુરુવારે સવારે ચાલીસેક જેટલા લોકોએ ભેગા થઈને એક વાઘણને ક્રૂર રીતે મારી નાખી હતી. આ વાઘણ પાંચ વર્ષની હતી. તેણે ગામના નવ લોકોને જખ્મી કર્યા હતા, તેનો બદલો લેવા ગામલોકોએ વહેલી સવારે તેને ઘેરી લઈને તેનાં હાડકાં એવી રીતે તોડી નાખ્યાં હતાં કે વાઘણ ઘસડાતી-ઘસડાતી જંગલમાં પાછી તો ફરી, પણ ફોરેસ્ટ વિભાગ તેની સારવાર કરે તે પહેલાં તેનું હાડપિંજર મળી આવ્યું. આમાં જાનવર કોણ? એનો ગુનો એ જ કે બુદ્ધિશાળી જાનવરો ના વિસ્તાર માં આવવું. માણસ પોતાને પૃથ્વી નો માલિક અને બધું જ મનફાવે એમ વર્તવા નો અધિકારી સમજે એ જ કેટલું દુષ્ટ અને અન્યાયી કૃત્ય છે..સમાનતાના ન્યાયે તો આપણે પણ પ્રથમ એમના જેવા પ્રાણી માત્ર જ છીએ ને!!!?? આ હત્યાનો વિડીઓ પણ શૂટ કરવામાં આવ્યો હતો...

29th July 2019
Morning Musings...
ઓસ્કાર વાઈલ્ડે કહ્યું હતું કે 'આત્મકથાનું એક માત્ર આધારભૂત સ્વરૂપ ટીકા છે.' તમે કોઈ વ્યક્તિની ટીકા કરો છો, ત્યારે એ વ્યક્તિની નહીં, તમારી ઓળખાણ થાય છે. ટીકા અહંમાંથી જ આવે. કોઈના વિશે જજમેન્ટ આપવું, તેની ટીકા કરવી કે તેના દોષ ગણવા, એ કશું સકારાત્મક કર્યા વગર, અહંને સલામત રાખવાનો આસાન ઉપાય છે. આપણી અંદર જે બાબતને લઈને ચીડ હોય, એ બીજામાં જોઈને આપણને તેની ટીકા કરવાની મન થાય. કોઈને નીચો પાડીને આપણે બહેતર હોવાનો આનંદ લઈએ છીએ, પણ વાસ્તવમાં આપણે જ ખરાબ દેખાઈએ છીએ. માણસોની બહુમતિ લગભગ આ જ કરે છે.

30th July 2019
Morning Mushing:
"મે ચીસ પાડી. મને ખબર હતી બહાર લોકો બેઠા છે, પણ મને મદદ કરવા કોઈ ના આવ્યું. મારી પર બળાત્કાર કરીને તેણે મને સીધા જ ઘરે જતા રહેવા કહ્યું. હું રડતી હતી. એણે મારા આંસુ લુછ્યા અને કહ્યું કે એ મને સારી નોકરી અપાવશે. મે એને કહ્યું કે હું ફરિયાદ કરીશ, તો એણે ધમકી આપી કે એ મારા પિતા અને ચાર વર્ષના ભાઈને મારી નાખશે. હું ઘરે પાછી ગઈ અને ચુપ રહી. મને દુઃખતું હતું. મારી મા મને પૂછતી રહી કે બધું બરાબર છે ને. મારી બહેનોએ મને પૂછ્યું કે હું હસતી કેમ નથી, પણ હું ચુપ જ રહી." 

સાત દિવસ પછી, ૩  માણસો તેને એસયુવીમાં ઉપાડી ગયા. નવ દિવસ સુધી તેના પર વારાફરતી રેપ થયો.

"એ લોકોએ મને ઘેનમાં રાખી હતી. એકવાર મે ભાગી છૂટવા પ્રયાસ કર્યો હતો પણ પકડીને ફરી ઘેન ચડાવી દીધું. એમણે વારાફરતી મારી પર બળાત્કાર કર્યો. બેને તો હું સેંગરના માણસો તરીકે ઓળખી ગઈ. મે એમને એના ઘરની આસપાસ જોયા હતા."

ઉત્તર પ્રદેશના ઉન્નાવની બળાત્કાર પીડિતા ધ પ્રિન્ટમાં અનન્યા ભારદ્વાજ સાથે ની વાત..

ગઈ રાતે આ પીડિતાની ગાડી અને ટ્રકની ટક્કરમાં તેની કાકી અને માસીનું મોત થયું છે અને પીડિતા અને તેનો વકીલ ગંભીર છે. અગાઉ તેના પિતાનું જેલમાં મોત થયું હતું. તેના કાકા પર ૫ કેસ દર્જ કરવામાં આવ્યાં હતા. ૨૦૧૭માં પીડિતાએ મુખ્યમંત્રી યોગી સી.એમ. ના નિવાસ સ્થાન બહાર આત્મદહનનો પ્રયાસ કર્યો હતો. આજે સાચ્ચે જ જીવન-મરણ વચ્ચે ઝોલા ખાય છે. 

ઉપર ઉન્નાવના બાંગરમઉંનો ચાર ટર્મનો ધારાસભ્ય અને બળાત્કારનો આરોપી કુલદીપ સેંગર, જે પહેલાં બીએસપી, પછી સમાજવાદી પાર્ટી અને હવે ભાજપમાં છે. હાલ તે જેલમાં છે. આદિત્યનાથ સરકાર એ પીડીતા ને ન્યાય માટે વકીલની નિમણૂક કરી છે. પણ બનવાનું હતું તે બની જ ગયું. સભ્ય સમાજ માં લાંછન લાગે એવું કામ એક સભ્ય પદ ઉપર નિમાયેલા વ્યક્તિ એ કર્યું.

કોઈ પણ સભ્ય સમાજમાં મૃત્યુદંડ ન જ હોવો જોઈએ મારી એ માન્યતા આવા નરાધમોને જોઈને ખોટી પડે છે. મન ગુસ્સો, ધૃણા, નિસહાયતા જેવી લાગણીઓથી ભરાઈ જાય. પાછા આવા લોકો આપણી પર રાજ કરે છે.. અત્યંત દુઃખદ.

31st July 2019
Morning Mushing:
એક આખી મિલેનિયલ જનરેશન અને સાથે ઘરનાં વડીલો પણ કાફે કોફી ડે ની ધીમે ધીમે આ ચેઈનમાં આવતા થયા! કોઈ સ્ક્રેબલ રમે, કોઈ ગિટાર વગાડે, કોઈ લેપટોપ પર કામ કરે, અને કોઈ ડેટ કરે! 

4500 કરોડનાં ટર્ન ઓવર સાથે કેફે કોફી ડે ગ્રો કરી રહી હતી, પણ સાથે સાથે બેંગ્લોરની જ માઇન્ડ ટ્રી લિમિટેડ નામની આઇટી કંપનીમાં ચેરમેન સિદ્ધાર્થને ખોટ જતાં દેવું વધતું ચાલ્યું, કૉફી રિટેલ સ્પેસમાં પણ હરિફાઇ વધી અને  છેક છેલ્લે હમણાં સુધી કોકાકોલા કેફે કોફી ડે ને 9000 કરોડમાં લેવા તૈયાર જ હતું અને ભારતની સૌથી પ્રસિદ્ધ કોફી શોપ ચેઇન, કાફે કોફી ડે ના સ્થાપક અને કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્યમંત્રી એસ.એમ.કૃષ્ણના જમાઈ, વી.જી. સિદ્ધાર્થ, 'બોર્ડ મેમ્બર અને કોફી ડે પરિવાર'ના નામે પત્ર લખીને  ગાયબ થઈ ગયા હતા અને હવે એમનો મૃતદેહ મળી ગયો છે. તેમના ડ્રાઈવરે તેઓ મંગળવારે નદીમાં કૂદી ગયા હોવાની શંકા કરતાં પોલીસે તેમને શોધવાનું અભિયાન આદર્યું હતું. 

"મને માફ કરજો, મેં મારામાં વિશ્વાસ રાખનાર લોકોને નિરાશ કર્યા છે," સિદ્ધાર્થે 27 જુલાઈની તારીખવાળા પત્રમાં લખ્યું હતું, "હું લાંબા સમયથી લડી રહ્યો હતો, પણ આજે હથિયાર હેઠાં મુકું છું, કારણ કે હવે વધુ પ્રેસર લઈ શકું તેમ નથી. "

સિદ્ધાર્થે તેની નાણાંકીય મુશ્કેલી અંગે આવકવેરા વિભાગના ભૂતપૂર્વ DG અને એક ખાનગી શેરધારક તરફથી શેર પાછા ખરીદવાનું દબાણ કારણભુત ગણાવ્યું છે. ભારતમાં તમારા જો 'યોગ્ય સંપર્કો' હોય, તો જ તમે સુખેથી ધંધો કરી શકો, બાકી સ્વચ્છ અંતરાત્મા હોય, તો સિદ્ધાર્થની જેમ કોફી ઠરીને ઠીંકરું થઈ જાય.

એક માણસ માત્ર 24 વર્ષની ઉંમરે JM Financials જેવી માતબર કંપનીમાં બે જ વર્ષ કામ કર્યા પછી પોતાનો કૉફી બિન્સનો બિઝનેસ શરુ કરે, ભારતમાં જયારે Barista Lavazza, Costa Coffee અને Starbucks એ તો હજુ એન્ટ્રી પણ નહોતી મારી ત્યારે એ હોનહાર માણસ બેંગ્લોરથી એક્સક્લુઝિવ કૉફી શોપ રિટેલ આઉટલેટની પરિકલ્પનાને સાકાર કરે.. 1997માં રેસ્ટોરન્ટ તરીકે શરૂ થયેલી કાફે કોફી ડે, આજે દેશભરમાં 1000+ શોપ ધરાવે છે અને છ દેશોમાં વર્ષે એક અબજ કપ કોફી પીવડાવે છે. કાફે કોફી ડેનાં આઉટલેટ્સ 5000+ લોકોને રોજગારી પુરી પાડે છે. સિદ્ધાર્થનો પરિવાર 130 વર્ષથી કોફીના ધંધામાં છે અને તેની પાસે એશિયાનો સૌથી મોટો કોફીનો બગીચો છે.

CCD ની ટેગલાઈન હવે સાચી પડી..
A lot can happen over Coffee

1st August 2019
Morning Mushing: 
બ્રિટીશ પાઉન્ડની ૫૦ની નોટ પર ગણિતજ્ઞ અલેન ટુરિંગની તસ્વીર છપાશે. આ જાણવા જેવો માણસ છે. આધુનિક કમ્પ્યુટરના પુરોગામી ટુરિંગ મશીનના જનક, અલેન ટુરિંગ, કમ્પ્યુટર સાયન્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (કૃત્રિમ બુદ્ધિ)ના પિતામહ ગણાય છે. ટુરિંગનો જન્મ લંડનમાં થયો હતો, પરંતુ એનો પિંડ ભારતની ભૂમિ પર બંધાયો હતો. અલેનનો પિતા જુલિયસ મેથિસન, ઇન્ડિયન સિવિલ ર્સિવસ માટે મદ્રાસ પ્રેસિડેન્સીમાં કામ કરતો હતો અને એ વખતે જ ભટકાયેલી ઇર્થલ સારા સ્ટોની નામની છોકરીને પરણ્યો હતો. ઈર્થલ મદ્રાસ રેલવેના મુખ્ય ઇજનેરની પુત્રી હતી. લગ્ન પછી બન્ને ઓરિસ્સાના છત્રાપુર શહેરમાં હતાં, જ્યાં ઇર્થલ ને પ્રેગ્નન્સી રહી હતી, અને ટુરિંગને જન્મ આપવા લંડન ગઈ હતી.

2nd August 2019
Morning Musings...
ત્રણ પાઉન્ડના મુરબ્બા જેવો પિંડ, જેને તમે હથેળીમાં રાખી શકો, તે કેવી રીતે દેવદૂતોની કલ્પના કરતો હશે, અનંતતાનો અર્થ કાઢતો હશે અને બ્રહ્માંડમાં પોતાના સ્થાન વિશે સવાલો પૂછતો હશે? વિસ્મય તો એ છે કે તમારા સહિતનું પ્રત્યેક મગજ એ અણુઓનું બનેલું છે, જે અણુઓ અબજો વર્ષો પહેલાં, સુદુર અસંખ્ય તારાઓ વચ્ચે વિકસિત થયા હતા. આ કણો યુગો સુધી અને પ્રકાશ વર્ષો દૂર ભટકતા રહ્યા હતા. ગુરુત્વાકર્ષણ તેમને અહીં લઈ આવ્યું. આજે એ અણુઓ એકબીજમાં બાઝીને મગજનો દડો બન્યા છે, જે એ જ તારાઓનો વિચાર કરી શકે છે, જેણે એમને જન્મ આપ્યો હતો. એટલું જ નહીં, તે ખુદની વિચાર કરવાની કાબેલિયત પર વિચાર કરે છે અને ખુદની વિસ્મય પામવાની ક્ષમતા પર વિસ્મય પામે છે. કહે છે કે મનુષ્યોના આગમનની સાથે બ્રહ્માંડ અચાનક ખુદથી સભાન થઈ ગયું. તમામ રહસ્યો પૈકી આ જ સૌથી મોટુ રહસ્ય છે. 

-વી. એસ. રામચંદ્રન, ધ ટેલ-ટેલ બ્રેઈન: અ ન્યુરોસાઇન્ટિસ્ટ'સ કવેસ્ટ ફોર વૉટ મેઈકસ અસ હ્યુમન પુસ્તકમાં.

3rd August 2019
Morning Mushing: 
૧૭ વર્ષની ઓલ્ગા મિસિક, રશિયાના આપખુદ નેતા વ્લાદિમીર પુતિન સામે એક સશકત અવાજ બનીને બહાર આવી છે. બખ્તર, હેલ્મેટ અને ડંડાઓથી સજ્જ મોસ્કોની બદનામ રાયટ પોલીસના કાફલા સામે, આ છોકરી એક જ 'હથિયાર' લઈને બેઠી છે; દેશનું બંધારણ. એ મોટેથી વાંચી રહી છે કે શાંતિપૂર્ણ રીતે રાજકીય મિટિંગ માટે એકઠા થવું, તે બંધારણીય અધિકાર છે. પોલીસ સાંભળી રહી છે. પુતિનની સરકારે મોસ્કો શહેરની ચુંટણીમાં અમુક પક્ષોને ભાગ લેવા પર પ્રતિબંધ મુક્યો, તેના વિરોધમાં ગયા શનિવારે વિપક્ષો ભેગા થવાના હતા, તો સરકારે તેના પર પાબંધી ફરમાવી દીધી. આ છોકરીએ આ રીતે તેનો વિરોધ કર્યો હતો. પાછળથી તેની અટકાયત કરવામાં આવી હતી. હવે તેને હિરો તરીકે વિશ્વ વધાવી રહ્યું છે.

4th August 2019
Morning Musings...
વિશ્વાસ હોર્મોન પર નિર્ભર કરે છે. શિશુઓ કે કિશોરો બહુ જલ્દી કોઈનામાં ભરોસો મૂકી દે છે, તે ઓક્સિટૉસિન હોર્મોનની કમાલ છે, જે પ્રેમનું, લગાવનું, આશાનું અને ભરોસાનું હોર્મોન છે. ઓક્સિટૉસિન તમને એકબીજા સાથે જોડે છે. ઓક્સિટૉસિન એકબીજાની ફીલિંગ મહેસુસ કરાવે છે, અને બે વ્યક્તિ એકબીજમાં ઓક્સિટૉસિન ઉત્પન્ન પણ કરે છે. જેમ જેમ ઉંમર વધે, તેમ તેમ ભરોસો કરવાની વૃત્તિ ઘટતી જાય. વૃદ્ધ કપલને એકબીજા સિવાય કોઈનો ભરોસો નથી હોતો, તેનું કારણ ઓક્સિટૉસિન હોર્મોન છે.

5th August 2019
Morning Mushing: 
દીકરી શક્તિનું અવસાન થયું, ત્યારે કાંતિ ભટ્ટે કહ્યું હતું, "ચાર કલાકમાં બહાર આવી જઈશ." ચારેક કલાક પછી ફરી કહ્યું કે આવી ગયો. પોતાની દીકરીના અકાળ મૃત્યુના ગમમાંથી બહાર આવતાં કાંતિ ભટ્ટને ચાર કલાક લાગ્યા હતા.

લોકો કાંતિભાઈને પત્રકાર અને લેખક તરીકે ઓળખે છે. હું તેમને એક restless soul, બેચેન જીવ તરીકે ઓળખું છું. એ સતત બેચેનીમાં જીવ્યા. એમનું લખવાનું, એમની આકસ્મિકતા (એ આકસ્મિક ફોન કરે અને તમે વધારે બોલો તે પહેલાં ફોન અણધાર્યો મૂકી પણ દે), આવું મારી સાથે જ નહીં પણ એમને ઓળખતા ઘણા બધાનો અનુભવ છે. એમનું એકાંત, એમની જીદ, એમનો ક્રોધ, એમની સફળતા, એમની નિષ્ફળતા અને એમનું સ્વાવલંબન આ બેચેનીમાંથી આવ્યું હતું. એ બેચેનીમાંથી એમને રસ્તો મળતો ન હતો. એ પુસ્તકોમાં રસ્તો શોધતા રહ્યા. કાંતિ ભટ્ટને એ બેચેનીમાંથી બહાર નીકળતાં ૮૮ વર્ષ લાગ્યાં ગઈકાલે એમણે આ બેચેની માંથી મુક્તિ લીધી અને ફાની દુનિયામાંથી વિદાઈ.

6th August 2019
Morning Mushing: 
અમેરિકામાં સામુહિક ગોળીબારની બે ઉપરા ઉપરી ઘટનાઓ પછી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે "આપણા દેશમાં નફરત માટે કોઈ સ્થાન નથી. આ એક માનસિક બીમારી છે અને તેને ઠીક કરવી પડશે." કેવી રીતે થશે એ ટ્રમ્પ ને પણ ખબર નથી. 

અત્યાર સુધી ના ભાષણો માં એવું જ સમજાયું છે કે ટ્રમ્પ ખુદ નફરતને અને ગન કલ્ચર ને પ્રોત્સાહન આપે છે. ઘરઆંગણે લોકોને ચાનક ચઢે છે, એનાં 'ફળ' બીજાને કેવી રીતે મળે એ કદાચ આવા જ નિર્દોષ લોકો મરી જાય ત્યારે સમજાય. કેહવાય છે કાગડા બધે જ કાળા હોય. 
પ્રેમ અને સદભાવ વગર દુનિયા બચવાની નથી, તે સમજવું રોકેટ સાયન્સ નથી એ આપણો ભારત હોય કે અમેરિકા એમને સમજવું જ પડશે અને લોકો એ શીખવું પણ પડશે...

7th August 2019
Morning Musings...
આખા માનવ ઇતિહાસમાં માણસે સૌથી અજીબ ભ્રમ જો કોઈ પાળ્યો હોય, તો એ છે કે બાહ્ય સંજોગોને બદલવાથી એ કાયમ માટે સુખી થઈ જશે. માણસ સતત માનતો આવ્યો છે કે જરૂરિયાતો અને ઉદેશ્ય પુરા થશે પછી ભવિષ્યમાં એ સંતુષ્ટ થઈ જશે. માનવ જીવનમાં આ માન્યતા એટલી જબરદસ્ત ઘર કરી ગઈ છે કે, દરેક પેઢીએ, દરેક વ્યક્તિ, દરેક જગ્યાએ, દરેક સમયકાળમાં માણસ આ રીતે જ જીવે છે. માણસ સુખમાં ય દુઃખી હોય છે, તેનું આ કારણ છે.

8th August 2019
Morning Mushing:
સ્વીટી તેરા ડ્રામા, મચાયે હંગામા 
લડાયે જો નજરીયા, જુલમ હોઈ ગવા

બાંગ્લાદેશમાં માછલી ફળદ્રુપતા, નસીબ અને ડહાપણનું પ્રતિક મનાય છે. બાંગ્લા છોકરા-છોકરીનાં લગ્ન થાય ત્યારે, નર અને માદા માછલીને પતિ અને પત્નિના વાઘા ચડાવવામાં આવે છે, અને પછી એમને નવોઢાના સાસરે મોકલવામાં આવે છે.

આ તસવીરમાં તો પતિના મોઢામાં સિગારેટ મુકવામાં આવી છે, અને પત્નીને નોઝ રિંગ પણ પહેરાવી છે.  

#ફોટો: રેના એફેંડી

9th August 2019
Morning Musings...
નીચેના પ્રશ્નનો જવાબ ત્રણ વિકલ્પ સાથે આપો:
તમે તમારી રિયાલિટીમાંથી પલાયન થવા શું શું ઉપાયો કરો છો?
For me..
૧) રિયાલિટી ને એની જગ્યાએ જ રહેવા દેવી એનું નિરિક્ષણ કરવું.
૨) પલાયન ને બદલે તે રિયાલિટી માં નો સંકેત સમજવાનો પ્રયત્ન કરવો.
3) જો સંકેત સમજાય અને રિયાલિટી ને પણ બદલી  ના શકો તો દિશાઓ બદલી નાખવી...
પણ આપણા ગતવ્ય ધ્યેય ને વળગી રહેવું...
જો તેમાં પણ અવરોધ લાગે તો થોડી ધીરજ થી રાહ જોવાની ટેવ પાડવી... હતાશા ને ખંખેરી ને અભેરાઈ પર ચડાવી દેવી...સતત પોતાની જાત ને પાનો ચડાવતા રહેવું.. કોઈ નહીં આવે મદદ કરવા.. સ્વ નો મિત્ર સ્વ....

10th August 2019
Morning Mushing: 
અમેરિકન પત્રકાર અને Ask E. Jean નામની સૌથી લોકપ્રિય કોલમ લખનાર, એલિઝાબેથ જીન કેરોલે, પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે રિયલ એસ્ટેટ ડેવલોપર હતા, ત્યારે તેમણે તેની સાથે રેપ કર્યો હતો, તેવો આરોપ મૂક્યો છે. ટ્રમ્પ  સામેના આ પ્રકારના અનેક આરોપમાં, એલિઝાબેથનો આ આરોપ સૌથી ગંભીર છે. વ્હાઇટ હાઉસે એક નિવેદનમાં કહ્યું છે કે પ્રેસિડેન્ટ આ સ્ત્રીને ઓળખતા નથી. એલિઝાબેથે Do We Need Men For? નામના પુસ્તકમાં, 6 પુરુષોએ તેની સાથે જબરદસ્તી કરી હતી, તેની વાતો લખી છે. અમેરિકાના પ્રતિષ્ઠિત ન્યુ યોર્કર મેગેઝીનમાં આ પુસ્તકના અંશ પ્રગટ થયા છે, અને એમાં એલિઝાબેથે કરેલું ગ્રાફિક વર્ણન ભયાનક છે.

11th August 2019
Morning Mushing: 
સેલ્ફી પ્રત્યેની દીવાનગીને કોઈ નારસિસિઝમની બીમારી કહે છે, તો કોઈ મેન્ટલ ડિસૉર્ડર કહે છે, પણ એનીમેટર અને ફિલ્મ નિર્માતા ગીતાંજલિ રાવે તેને કળામાં તબ્દીલ કરીને સેલ્ફીને ખુબસુરત બનાવી દીધી છે. જે સેલિબ્રિટીઓ જીવતી નથી, તેમની સાથે સેલ્ફી પડાવીએ તો કેવું લાગે? એવા એક વિચારમાંથી ગીતાંજલિએ ઈતિહાસ પ્રસિદ્ધ લોકોની જાણીતી તસ્વીરો સાથે ફોટોશોપ કરીને સેલ્ફી બનાવી હતી. તસ્વીરમાં (ડાબે, ઉપરથી) એક્ટ્રેસ મધુબાલા, મેક્સિકન પેઈન્ટર ફ્રેડા કાહલો, આર્જેન્ટીનીયન માર્ક્સવાદી ક્રાંતિકારી ચે ગુવેરા અને ફિલ્મ નિર્માતા સત્યજીત રે સાથે ગીતાંજલિની સેલ્ફી.

12th August 2019
Morning Musings...
તમે ચા-કોફી પીધા વગર દિવસ શરૂ કરી શકતા હો..
તમે આલ્કોહોલ વગર રેલેક્સ થઈ શકતા હો..
તમે જો તમારી એકલતાને ભરવા માટે માણસોને પટ્ટા બાંધતા ના હો..
તમે કોઈને યાદ કરીને વડચકાં ભરવાનું બંધ કર્યું હોય..
તમે વિચારોમાં અટવાયા વગર અને ઊંઘની ગોળીઓ વગર સુઈ શકતા હો..
તમે જો કોઈ ગરીબ મિત્રને અવગણીને સંપન્ન મિત્રને મદદ કરવાની લાલચને રોકી શકો..
તમે રોજ એકનું એક ખાવાનું ખાઈને પણ અહેસાનમંદ હો..
તમે ભૂતકાળનાં દુઃખ અને ખુશીમાં જીવતા ના હો...
તો, તમને અભિનંદન, તમે સફળ રીતે તમારા કુતરાના લેવલ સુધીની પ્રગતિ કરી છે.

13th August 2019
Morning Musings...
મીરાં કેમ જીવે છે? કબીર કેમ જીવે છે? ગાલિબ કેમ જીવે છે? નરસિંહ મહેતા અને ખુસરો કેમ જીવે છે? પ્લેટો અને એરિસ્ટોટલ અને સોક્રેટિસ કેમ જીવે છે? કયું નેટવર્કિંગ કામ કરે છે? કયું માર્કેટિંગ કારગત નીવડ્યું છે? એમણે કેટલા કોપીરાઇટ કઢાવ્યા હતા? આ બધું ત્યારે ન હતું એમ નહીં. મૌલિક ડહાપણ ત્યારે ય ખુદના દમ પર જીવતું હતું અને આજેય જીવે છે. એ કાલેય જીવશે. એને કોઈના ટેકાની જરૂર નથી.

14th August 2019
Morning Mushing: 
એક તરફ ગુજરાતનો આ પૃથ્વીરાજસિંહ જાડેજા છે અને બીજી તરફ કેરલનો આ ફેરિયો નૌશાદ. કોન્સ્ટેબલ પૃથ્વીરાજે એક સેકંડનો વિચાર કર્યા વગર, મોરબી જિલ્લાના કલ્યાણપુર ગામમાં કેડસમાં પાણીમાં ઉતરીને બે સ્ફુલી બચ્ચાંને બચાવવાનું કામ કર્યું હતું. નૌશાદ કોચીમાં ફૂટપાથ પર કપડાં વેચવાનો ધંધો કરે છે. કેરળમાં પોણા ત્રણ લાખ લોકો પુરમાં બેઘર છે. રવિવારે સ્વયંસેવકો બેઘર લોકો માટે રાહત સામગ્રી એકઠી કરી રહ્યા હતા, ત્યારે નૌશાદે ઈદમાં ધંધો કરવા માટે ગોડાઉનમાં ભરી રાખેલાં નવાં નક્કોર કપડાંના દસ કોથળા ભરીને સ્વયંસેવકો આપી દીધા. પૃથ્વી અને નૌશાદ આજે ભારતના અસલી હિરો સાબિત થયા છે.  જ્યારે પણ કુદરતી આફત આવે છે, ત્યારે તમારા-મારા પડોશમાંથી આવા સામાન્ય લોકો જ બહાદુરી અને કરુણા બતાવે છે. પણ મોટા કોર્પોરેટ કંપનીઓમાં તેમની CSR (કોર્પોરેટ સોશ્યલ રિસ્પોનસીબીલીટી) આવી આફતોમાં દેખાતી નથી. એ CSR ખાલી વેબસાઈટમાં ફોટાઓ પુરતી જ મર્યાદિત રહી જાય છે.

15th August 2019
Morning Mushing: 
સ્વાતંત્ર્ય દિન પર, આસામના ધુબરી જિલ્લાની એક સરકારી શાળામાં એક શિક્ષક અને વિદ્યાર્થીઓએ ત્રિરંગો લગાડતા એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.  આ તસવીર મિઝાનુર રહેમાને ફેસબુક પર પોસ્ટ કરી હતી, જે અહેવાલ લખાય ત્યાં સુધી 60 હજારથી વધુ વખત શેર કરવામાં આવી છે.  આ તસવીર ધુકરી જિલ્લાના ફકીરગંજ પોલીસ સ્ટેશન હેઠળ આવેલી નસ્કાર એલપી સ્કૂલની છે, જે સહાયક શિક્ષક મિઝાનુર રહેમાને લીધી હતી.  મિઝાનુર કહે છે, "મને ખ્યાલ નહોતો કે આટલા લોકો આ તસવીર જોશે. ખરેખર અહીં થોડી શક્તિ છે. તસવીર પોસ્ટ કર્યા પછી મારો મોબાઈલ ફોન બંધ હતો. મને સાંજે ખબર પડી કે ઘણા લોકોએ આ ચિત્ર જોયું  કર્યું છે.  મિઝાનુર કહે છે, "અહીં ભણતા બાળકો ખૂબ જ ગરીબ પરિવારોમાંથી આવે છે. તેઓ શાળા પહેલા નોકરી પર આવે છે, તેથી તેઓ થાકી ગયા છે."  મિઝાનુર કહે છે, "અહીંનાં બાળકો ગરીબ છે પણ પ્રતિભાશાળી છે, જો તેમને તકો મળે તો તેઓ ઘણું આગળ વધી શકે છે."

16th August 2019
Morning Mushing: 
આજે 'ભારત માતા કી જય' ભલે કોઈ નક્કર યોગદાન વગરનો, 'જિંદાબાદ..મુર્દાબાદ' જેવો છાતીઓ ફૂલાવાનો નારો બની ગયું હોય, પણ એના મૂળમાં સ્વાતંત્ર્ય ચળવળ વેળાના સ્વદેશી આદર્શો હતા. 'ભારત માતા'ની સચિત્ર કલ્પના પહેલીવાર કવિ રવીન્દ્રનાથ ટાગોરના ચિત્રકાર ભત્રીજા અભિન્દ્રનાથ ટાગોરે ૧૯૦૫માં કરી હતી. ૧૯૦૫માં લોર્ડ કર્ઝને હિંદુ-મુસ્લિમ આબાદીના આધારે બંગાળનું વિભાજન કર્યું, ત્યારે તેની પ્રતિક્રિયા રૂપે રાષ્ટ્રવાદી અભિન્દ્રનાથ ટાગોરે ભારત ભૂમિને ભગવી સાડીમાં સજ્જ એક માતાના રૂપમાં ચિતરી હતી, જેના ચાર હાથ છે, એક હાથમાં પુસ્તક (શિક્ષા), બીજા હાથમાં ડાંગરનાં ડોડવાં (અન્ન), ત્રીજા હાથમાં સફેદ કપડું (વસ્ત્ર) અને ચોથા હાથમાં માળા (દીક્ષા) છે. 

તેનું મૂળ નામ (બંગાળ પરથી) 'બંગ માતા' હતું, જે પાછળથી 'ભારત માતા' થયું. ભારતવર્ષને માતા તરીકે જોવાની શરૂઆત જ ૧૯મી સદીમાં થઇ હતી અને ટાગોરે એ કલ્પનાને પહેલીવાર ચિત્રરૂપે કાગળ પર ઉતારી હતી. ૨૦૧૬માં આ ચિત્રને પહેલીવાર કોલકત્તાના વિક્ટોરિયા મેમોરિયલ હોલમાં પ્રદર્શન માટે મુકવામાં આવ્યું હતું. સિસ્ટર નિવેદિતાએ આ ચિત્ર માટે કહ્યું હતું, "મારું ચાલે તો હું હજારોની સંખ્યામાં આ ચિત્રને છાપું અને દરેક ખેડૂત અને દરેક કારીગરની ઝુંપડીમાં દીવાલ પર લટકતું જોઉં.'

17th August 2019
Morning Musings...
બધા એવું કહે છે કે, મેં આ ચોપડી વાંચી, તમે પેલી વાંચી?  કોઈ એમ નથી કહેતું કે, મેં આ વિચાર વાંચ્યો, તમને પેલા પુસ્તકનો વિચાર ખબર છે? મોટાભાગના લોકો પુસ્તકો વાંચતા હોય છે, વિચાર નહીં. મકાનમાં રહેવું અને ઘરમાં રહેવું, એ બે વચ્ચે જે ફરક છે, તેવો જ ફરક પુસ્તક વાંચવું અને વિચાર વાંચવો, તે બે વચ્ચે છે. પુસ્તકોની સંખ્યા ગણાવવી એ મકાનના માળ ગણાવવા જેવું છે. અગત્યનું એ છે કે વિચારોનાં કેટલાં સ્તર પર જીવ્યા છો.

18th August 2019
Morning Mushing: 
ન્યાયની ભાષા: અન્યાયની વાતમાં લોકો ક્યારેય એકમત નથી હોતા, તેનું કારણ આ છે. આ પ્રકૃતિનું સત્ય જીવો જીવસ્યમ ભક્ષ્યતિ પણ તેને સમાંતર સંસ્કૃતિનું સત્ય જીવો જીવસ્યમ રક્ષ્યતિ છે. આ મોટી માછલી કે અપવાદને બાદ કરતા દરેક જીવ તેના બચ્ચાનું રક્ષણ કરતા હોય છે! આ બન્ને ક્રિયા સમાંતર ચાલે છે તેથી પ્રકૃતિનો ક્ર્મ ચાલતો રહે છે.

19th August 2019
Morning Mushing: 
તું દિખતી તો એવરેજ હૈ, ફિર એટિટ્યુડ કિસ બાત કા હૈ..
હર ઉસ ખુબસુરત બાત કો, દેખને કે લિયે નજર કહાં હૈ..

દોસ્ત એ છે જેની સાથે તમે તમારા અધૂરા વિચારો વહેંચો છો. આપણને એક પ્રાઇવેટ સ્પેસ જોઈએ, જ્યાં તમે work in progress, એવું બોર્ડ મૂકીને વિચારોને નિખાર આપી શકો. એટલા માટે જ સૌથી ઉત્તમ ખયાલો સંવાદમાંથી આવે છે. આપણે એકલતામાં કશું ઘડવા પેદા નથી થયાં. સાથે મળીને સર્જન કરવું એ બુનિયાદી માનવ-વૃત્તિ છે. અમુક દોસ્ત કુવા જેવા હોય, પણ ત્યાં જવા માટે  તરસમાંથી પસાર થવું પડે.

20th August 2019
Morning Mushing: 
લોકશાહી આવી દેખાય. હોંગકોંગમાં એક્સ્ટ્રાડીશન બીલના વિરોધમાં છેલ્લા કેટલાય દિવસોથી લોકોના જબરદસ્ત દેખાવો ચાલે છે. રવિવારે લગભગ 17 લાખ લોકોએ હોંગકોંગની સડકો પર શાંતિપૂર્ણ રીતે કુચ કરી હતી. હોંગકોંગની ચીની સરકાર હોંગકોંગના નાગરિકોની આઝાદી પર ગાળિયો કસી રહી છે, તેના વિરોધમાં ચાર મહિનાથી અહીં દેખાવો ચાલે છે. રવિવારે સૌથી વધુ લોકો એમાં જોડાયા હતા. એક્સ્ટ્રાડીશન બીલમાં જોગવાઈ એવી છે કે ચીન કે તાઇવાનમાં વોન્ટેડ હોય, તેવા હોંગકોંગના નિવાસીને પકડીને ત્યાં ધકેલી દેવાની સત્તા લોકલ ઓથોરિટીને આપવામાં આવશે. લોકો આ બીલનો વિરોધ કરી રહયા છે. હોંગકોંગ બ્રિટનથી અલગ પડ્યું, પછી અમુક અધિકારો સાથે ચીનના શાસન હેઠળ છે. extradition જેવો મુદ્દો જે otherwise wanted criminal ને જ લાગુ પડે, તેના માનવ અધીકાર માટે આટલી મોટી જાગૃતી!!? મને લાગે છે લોકો જાણે છે કે આવા ઓઠાં હેઠળ ચીનની નીતીઓ વીરોધી નાગરીકોને હેરાન કરવાનો આ કારસો છે. છેલ્લા 11 અઠવાડિયાના વિરોધ પછી આ લોકોની સંખ્યા સૌથી વધુ હતી અને તેમણે આગામી દિવસોમાં શ્રેણીબદ્ધ આવી રેલીઓ અને કાર્યક્રમોનું આયોજન કર્યું છે..

21st August 2019
Morning Mushing:
ચંદ્ર મિશન પહેલાં નિલ આર્મસ્ટ્રોંગ અને બીજા અંતરિક્ષ યાત્રીઓ પશ્ચિમ અમેરિકાના ચંદ્ર જેવા ઉજ્જડ પ્રદેશમાં ટ્રેનિંગ લઈ રહ્યા હતા. ત્યાં અમુક આદિવાસીઓ રહેતા હતા. એમાંથી કોઈકે પૂછ્યું કે, આ શું થઈ રહ્યું છે? એમણે કહ્યું કે, આ મૂન મિશન છે, અમે ચન્દ્ર પર જઈશું. પેલો આદિવાસી વિચારમાં પડીને ચૂપ થઈ ગયો, પછી બોલ્યો,"એક ફેવર કરશો?"
"શું?"
"એટલે અમારો સમુદાય એમ માને છે કે પવિત્ર આત્મા ચંદ્ર પર વસે છે. તમે જો અમારો એક મેસેજ ત્યાં પહોંચાડો તો મેરબાની," અદિવાસીએ કહ્યું.
 "મેસેજ શું છે?" અંતરિક્ષ યાત્રીએ પૂછ્યું.
અદિવાસીએ એની ભાષામાં મેસેજ ગોખાવ્યો. યાત્રીને સમજ ના પડી તો અદિવાસીએ કહ્યું કે, ખાલી યાદ રાખીને ત્યાં બોલી જજો, એને સમજાઈ જશે.
યાત્રીઓ ટ્રેનિંગમાંથી પાછા આવ્યા પછી કોક ભાષાશાસ્ત્રીને શોધીને પેલો મેસેજ સમજવાની કોશિશ કરી. મેસેજ વાંચીને પેલો જોર જોરથી હસવા લાગ્યો. એ શાંત થયો એટલે યાત્રીઓએ ફરી પૂછ્યું કે, મેસેજ શું છે?
પેલાએ વાંચ્યું, " આ જે લોકો ત્યાં આવ્યા છે એમના એકેય શબ્દનો વિશ્વાસ નહીં કરતા. એ તમારી જમીનો બથાવી પાડવા આવ્યા છે."
-યુવાલ હરારીના પુસ્તક 'સેપિયન્સ'માંથી

22nd August 2019
Morning Musings...
ઇર્ષ્યા એટલે તમારી પાસે જે છે તે જતું ન રહે તેનો ડર અને બળાપો એટલે જે બીજા પાસે છે પણે તમને જેની કમી છે તે. તમારો પતિ કોઈ સ્ત્રીની સુંદરતાથી ખેંચાઈને એની સાથે વાતોએ વળગે તો એ ઇર્ષ્યા, પણ તમને એ સ્ત્રીનો હાઈ હિલ્સમાં ચાલવાનો કોન્ફિડન્સ ગમે તો એ બળાપો. શેક્સપિયરના નાટકમાં ઓથેલોને ડેસડેમોનાની ઇર્ષ્યા છે પણ લોગોને ઑથેલોથી બળાપો છે. સામાન્ય રીતે નકારાત્મક ગણાતો ઈર્ષ્યાનો ભાવ, વ્યક્તિગત અધિકારો, સહકાર અને સમાન વ્યવહારનું સાધન છે.

23rd August 2019
Morning Mushing:
પેરિસમાં કેથેડ્રલ બળી ગયું, ત્યારે લોકોનો જીવ બળી ગયો હતો, કેથેડ્રલમાં ધાર્મિક વારસો હતો. ધર્મસ્થાનો નાશ પામે તો સ્વાભાવિક રીતે વિશ્વનો  ધર્મપ્રેમી માનવ સમાજ હચમચી જાય. પ્રાકૃતિક વારસાની જાળવણી કરવામાં માણસ ઉણો ઉતર્યો છે. 

એમેઝોન સળગે એની ચિંતા થવી જોઇએ. પરંતુ આ સદી એ કેટલાય એમેઝોન જેવા વારસાને સમાપ્ત કરી દીધા છે. પ્રકૃતિની જાળવણીમાં બેદરકાર આપણે સૌ પાણી, હવા  માટે મોટા પડકારો ઝીલી રહ્યા છીએ..

અને છેલ્લા 15 દિવસથી જગતનું સૌથી સમૃદ્ધ જંગલ, એમેઝોન સળગી રહયું છે અને કોઈના પેટનું પાણી ય હાલતું નથી. 

પૃથ્વીનો 20 ટકા ઓક્સિજન એમેઝોન ઉત્પન્ન કરે છે. અહીં સૌથી વધુ વરસાદ પડે છે. જગતની સૌથી મોટી જીવસૃષ્ટિ અહીં છે. અનેક પ્રાણીઓ અને વનસ્પતિઓની પ્રજાતિઓનાં 'ઘર' બળીને ખાખ થઈ ગયાં છે.

અત્યારે સ્વાધ્યાય પરિવાર વાળા તેમના સ્ટ્રીટ પ્લેઝ ભજવી રહ્યા છે રોડ એક્સિડન્ટ્સ જેવી ગંભીર વાતોને NGOs પણ જે તે દિવસે ઉજવાતા જુદા જુદા days માં જ્યારે તે ઇજાગ્રસ્ત માનવીના અવાજને બુલંદ કરવાનો વારો આવશે ત્યારે તેને મદદ મળશે એવો વ્યંગાત્મક સંદેશ આજે ફરી ફરીને સ્ટ્રીટ પ્લેઝ થકી ભજવી રહ્યા છે.

જ્યારે માનવ મનાવને જ આજે જીવસૃષ્ટિનો ભાગ નથી ગણી રહ્યો તો મૂંગા જીવોના તો કોણ બેલી થવાના.....???

બ્રાઝીલની વર્તમાન સરકારે ચુટણીમાં વચન આપ્યું હતું  કે તે જંગલની 30% જમીન છુટી કરશે. લોકોએ એ મુદ્દા પર વૉટ આપ્યા. વિકાસની આ વ્યાખ્યા બધાને ભરખી જશે.

24th August 2019
Morning Mushing:
જ્યારે પણ પ્રેમની મિસાલ આપવામાં આવે છે તો શ્રીકૃષ્ણ - રાધાના પ્રેમની મિસાલ સૌથી પહેલાં આવે છે . રાધા - શ્રીકૃષ્ણના પ્રેમને જીવાત્મા અને પરમાત્માનું મિલન કહેવાય છે . રાધા શ્રીકૃષ્ણનો નાનાપણનો મિત્ર હતો . શ્રીકૃષ્ણ જ્યારે 8 વર્ષના હતા ત્યારે બંનેએ પ્રેમની અનુભૂતિ કરી . રાધા શ્રીકૃષ્ણના દૈવીય ગુણોથી પરિચિત હતી . તેમણે જીવનભર પોતાના મનમાં પ્રેમની સ્મૃતિઓને બનાવી રાખી . આ જ તેમના સંબંધની સૌથી મોટી સુંદરતા છે .

કહેવાય છે કે શ્રીકૃષ્ણને માત્ર બે જ વસ્તુ સૌથી વધુ પ્રિય હતી . આ બંને વસ્તુ પણ પરસ્પર એકબીજા સાથે ઊંડાણપૂર્વક જોડાયેલી હતી . વાંસળી અને રાધા . કૃષ્ણની બંસરીની ધૂન જ હતી જે રાધા શ્રીકૃષ્ણની તરફ ખેંચાઇ જતી . રાધાના લીધે શ્રીકૃષ્ણ હંમેશા પોતાની પાસે વાંસળી રાખતા હતા . ભલે શ્રીકૃષ્ણ અને રાધાનું મિલન ના થયું પરંતુ વાંસળીએ તેમને હંમેશા એક સૂત્રમાં બાંધી રાખ્યા . શ્રીકૃષ્ણના જેટલા પણ ચિત્ર જોવા મળે છે , તેમાં વાંસળી ચોક્કસ હોય છે . વાંસળી રાધાના પ્રત્યે પ્રેમનું પ્રતિક છે .

25th August 2019
Morning Mushing:
શિક્ષક ક્યારેય સાધારણ નથી હોતો
માણસ ધારે તો શું ન કરી શકે. સકારાત્મક વિચારો અને વિદ્યાર્થીઓની મદદ કરવાની વૃત્તિ એક શિક્ષકમાં હંમેશા હોય જ છે. 

ટેક્નોલોજીના જમાનામાં કલાસરૂમને દીવાલો નથી હોતી. ઇન્ટરનેટ અને યૂટ્યૂબના માધ્યમથી આજે શિક્ષણ ગ્લોબલ બન્યું છે. વિદ્યાર્થીઓને સરળ રીતે શિક્ષણ આપતા એક શિક્ષકની યાત્રા વિશ્વિક સ્તરે પહોંચી છે.
'શિક્ષક કભી સાધારણ નહિ હોતા' એ વાત વલ્લભ વિદ્યાનગરની શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ઇન્ટરનેશનલ સ્કૂલના શિક્ષક શ્રી તુષારભાઈ ત્રિવેદી એ સાર્થક કરી છે. તેઓ યૂટ્યૂબ પર ‘સ્નેહ એજ્યુકેશન’ નામની ચેનલ ચલાવે છે. 

પોતાની ટીચિંગ સ્કિલને માર્યાદિત ન રાખતા તેમણે યૂટ્યૂબ પર 400 થી વધુ લેસન મુકેલા છે, જેના માતબર 17 મિલિયન વ્યુ છે. ભણાવવાની પોતાની આગવી પદ્ધતિના કારણે તેઓ વિદ્યાર્થીઓમાં પ્રીતિપાત્ર બન્યા છે. ખૂબ જ ટૂંકા ગાળામાં તેમણે અનેક સારી ચેનલોને પાછળ છોડીને એક લાખ થી વધુ સબસ્કાઈબર બનાવ્યા છે. 
થિન્ક ગ્લોબલ અને એક્ટ લોકલ આ વાત અહીં સાચી ઠરે છે. પોતાની મોબાઈલ એપ ‘સ્નેહ એજ્યુકેશન’ વડે તેઓ વિદ્યાર્થીઓને ફ્રી સ્ટડી મટીરીયલ પણ પૂરું પાડે છે.

આ સિદ્ધિ બદલ યૂટ્યૂબના સિઈઓ સુઝન વોઝસીકીએ તેમને યૂટ્યૂબનું સિલ્વર બટન ભેંટ કર્યું છે. સુઝને tusshartrivedi@gmail.com પર તેમના હાર્ડવર્કની સરાહના કરતો પત્ર પણ લખ્યો છે. તેઓ આશા રાખે છે કે આગળ પણ તુષારભાઈ આવા વિડીયો દ્વારા વિદ્યાર્થીઓને મદદરૂપ થતા રહેશે. 

આ સાથે શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલના માર્ગદર્શક પૂ. અમૃત જીવનદાસ સ્વામી પણ તેમેની આ અસામાન્ય સિદ્ધિ માટે તેમને બિરદાવે છે.

26th August 2019
Morning Mushing: 
ડિસ્લેક્સીયા (લખવા-વાંચવાની કમજોરી) હોય એવા બાળકો પર હસવાની કે જોક કરવાની વૃતિ અત્યંત અસંવેદનશીલ અને અભદ્ર છે. જુના જમાનામાં અભણ લોકો આવાં બાળકો પર હસતાં હતા, શરમ અનુભવતા હતા. આપણે હવે એટલા તો સુધર્યા છીએ કે કોઈની માનસિક કમજોરીને સ્ટૂપિડિટી ના ગણીએ. આપણને હવે એટલી તો ખબર છે જ કે ઈતિહાસની શાનદાર વ્યક્તિઓ ડિસ્લેક્સીયાનો શિકાર રહી છે, અને એમણે જ આવાં બાળકો માટે સન્માન પેદા કર્યું છે. જેને જીનિયસ કહેવાય છે તે આલ્બર્ટ આઇન્સ્ટાઇન, બ્રિલ્યન્ટ ઇન્વેંટર થોમસ એડીસન, આઇકોનિક ચિત્રકાર પાબ્લો પિકાસો, ટેલીફોનના સર્જક એલેકઝાન્ડર બેલ, આર્કીટેક્ટ લિઓનાર્ડો વિન્સી, પ્રોડ્યુસર-આન્ત્રપ્રેન્યોર વોલ્ટ ડીઝની, દ્વિતિય મહાયુદ્ધના હીરો વિન્સ્ટન ચર્ચિલ, માઈક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સ, આ બધા ડિસ્લેક્સીક હતા. છતાં, આપણે જોક કરીએ છીએ?

27th August 2019
Morning Mushing: 
પુરુષ કેમ રેપ કરે છે? એક સરળ જવાબ...
"પરિવારોએ દીકરીઓનું વધુ સન્માન કરવું પડશે. પરિવારોએ એમના દીકરાઓને વધુ જવાબદાર બનાવવા પડશે. આવું થશે તો દીકરીઓને સુરક્ષા અઘરી નથી. આ દિશામાં આપણે સામાજિક અંદોલન કરવું પડશે." -વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ૨૦૧૮, મધ્યપ્રદેશ

"હું મારી બહેનને સાચવતો નથી, એ મને સાચવે છે. કારણ કે એ મોટી છે અને હું નાનો. અમારા પરિવારમાં સ્ત્રી અને પુરુષને સમાન રીતે જોવામાં આવે છે. આપણે બહેનોની સુરક્ષા કરવાની જરૂર નથી; બહેન કોઈ માંસનો લોચો હોય, એવી રીતે જોવાનું આપણે બંધ કરવું જોઈએ. તમને ખબર છે, પુરુષ કેમ રેપ કરે છે અને માત્ર પુરુષ જ સ્ત્રીની રક્ષા કેમ કરે છે? જવાબ સવાલમાં જ છે."
-આસામનો ૧૫ વર્ષનો ડેસો કેમ્પ્રાઈ બર્મન, એક વિડીઓમાં. 

Link:...

28th August 2019
Morning Musings...
વિચારો સફરજન જેવા હોય છે. એ પરિણામ છે, પ્રક્રિયા નહીં. સફરજનનું ઝાડ તંદુરસ્ત ઉગે, ત્યારે એમાં ઉત્તમ સફરજન આવે. જેમ સારું સફરજન સારી રીતે ઉછરેલા ઝાડનું પરિણામ છે, તેમ સારા વિચારો તંદુરસ્ત જીવનનું પરિણામ છે. રોજ જેવું વાવો, એવું વિચારોમાં લણાય. આ જ કારણથી બિનતંદુરસ્ત જીવન જીવતા માણસને ગમે તેટલા મોટિવેશનલ વિચારો આપો, એ નિષ્ફળ જ જાય. મનની અને વિચારોની સકારાત્મકતા શરીરની સકારાત્મકતા પર નિર્ભર હોય છે.

29th August 2019
Morning Musings...
ચિદમ્બરમ તપાસમાં સહકાર ના આપે, તેવી ભારે સંભાવના છે, કારણ કે તેઓ અત્યંત બુદ્ધિશાળી છે.-સોલિસિટર જનરલ તુષાર મહેતા, રિમાન્ડની દલીલોમાં.

એક સમયે જે બુદ્ધિમત્તા માટે દેશને ગૌરવ હતું, તે આજે કલંક છે. આમાંથી એક સાદી સમજ કેળવવા જેવી એ છે કે જે લોકો તેમના સમર્થકો, અનુયાયીઓ, શિષ્યો કે ચાહકોની સતત દુહાઈ આપતા રહે છે, તે કાં'તો તેમને વાપરી રહ્યા છે અથવા પોતે બેવકૂફ છે. સમજવા જેવું એ છે કે જે લોકો આજે તાળીઓ પાડે, તે જ લોકો કાલે તમાચો મારે. જે લોકો અત્યારે વાહવાહી કરે, તે જ લોકો પાછળથી ગાળો આપે. લોકપ્રિયતા એ કાચો પારો છે. એ લોલક જેવી છે. ક્યારેક આ પાર તો ક્યારેક બીજી પાર! એ સ્થાયી નથી એટલે ભરોસાપાત્ર પણ નથી. જે ચરણસ્પર્શ કરતા હતા તેઓ જ પગ પકડીને ઉથલાવી નાંખે. જેઓ ફૂલનો હાર ચડાવે તેઓ જ ખાસડાનો હાર પહેરાવે... એટલે તો મ્હાયલા ને અનુસારવાનુ નેં ટોળાં નેં નહીં જ.

30th August 2019
Morning Mushing:
પાકિસ્તાન વેનેઝુએલા બનવાને આરે?? 
એની પાસે તો તેલના ભંડાર પણ છે. પાકિસ્તાન નું શું થશે?

પાકિસ્તાનીઓ ખરેખર તો બુધ્ધીના બારદાનો છે. એમની પાસે તેલ નથી પણ બીજા ખનિજો ભરપૂર પ્રમાણમાં છે. 

મહમ્મદઅલી ઝીણાને આપણે ગમે તેટલી ગાળો દઈએ પણ એણે પાકિસ્તાન બન્યા બાદ બે બહુ મહત્વની કૂટનિતિમાં નહેરુને મ્હાત આપી હતી. 
૧) બલૂચિસ્તાન પર કબ્જો કરવાની અને 
૨) ગિલગીટ-બાલ્ટીસ્તાન પર કબ્જો જમાવવાની. 

આ બંને પ્રદેશોની જમીનોમાં ભરપૂર પ્રમાણમાં રેર-અર્થ કક્ષાના અને પ્રિસિયસ મેટલ પ્રકારના ખનિજો પડ્યા છે. જિન્નાહ પછીના શાસકોમાં થોડી ઘણી પણ આવડત હોત તો એમણે આ ખનિજોનુ ખનન કરીને પાકિસ્તાનને  ઉભું કરવામાં પોતપોતાનુ યોગદાન આપ્યુ હોત. 

ગિલગીટ-બાલ્ટીસ્તાનમાં સોનાની નાની-મોટી લગભગ ૩૦૦ ખાણો મળી આવી છે. પણ, પાકિસ્તાન તો ય કંગાળ છે..!! આ પ્રદેશ પર ધીમે ધીમે ચીનનો મજબૂત કબ્જો થતો જાય છે. પાકિસ્તાનને સોનુ કાઢતા પણ નથી આવડતુ અને ચીન કાઢી આપશે તો પાકિસ્તાનને પકડાવશે કોઠું..

એના કરતાં તો અરબ દેશ સાઉદી અરેબિયાના બેદુઈન અરબીઓ વધારે હૉંશિયાર છે. એમના દેશમાં ઈસ્ટર્ન પ્રોવિન્સના અફાટ રણમાં જે સખ્ખત પથ્થરોની પહાડીઓનો પ્રદેશ છે એમાં આવનારા દાયકા ઓ સુધી ન ખૂટે એટલો સોનાનો ભંડાર છે. પણ, એ લોકોએ ન તો એની જાણ જાહેરમાં કરી છે કે ન એનુ દોહન કરે છે. હાલમાં એમની ઈકોનોમી તેલ આધારિત છે એનુ અસ્તિત્વ મટે પછી જ એ લોકો સોના પર હાથ અજમાવશે. 

એવી જ રીતે (ઉત્તર) સુદાની અરબીઓ પણ પ્રમાણમાં હોંશિયાર કહેવાય. ત્યાં પણ મધ્ય / દક્ષિણ સુદાનના અફાટ રણ અને પહાડી પ્રદેશમાં વસતી આદિવાસી જાતીઓના કબજા વાળા પ્રદેશમાં સોનાના અખૂટ ભંડારો છે. સરકારી તંત્ર અને મશીનરીથી એ સોનુ કાઢવુ શક્ય નથી તો સરકારે જેને પણ સોનાનુ ખનન કરવુ હોય એને છૂટ આપી છે. 

સરકારી મંજૂરીની પણ જરૂર નથી. ઉલ્ટું જ્યાં સોનાનો ભંડાર મળે અને જ્યારે પણ કોઈ વ્યક્તિ / પેઢી એનુ ખનન ચાલુ કરે ત્યાં સરકારી સેન્ટ્રલ બેન્ક પોતાની હંગામી ઑફિસ ખોલીને સ્થળ પર એ સોનુ બજારભાવે ખરીદી લેવાની વ્યવસ્થા કરી આપે છે. 

ઉત્તર-દક્ષિણ સુદાન અલગ થયા પછી સુદાનના તેલના ભંડારો દક્ષિણ સુદાનમાં ચાલ્યા ગયા અને ઈકોનોમી સાવ ચિંથરેહાલ થઈ ગઈ પણ સોનાના ભંડારોને ખભે ચડીને એની ઈકોનોમી ધીમે ધીમે પાટે થવા લાગી છે...!! 

પાકિસ્તાન આમાંનુ કશુ જ કરી શકે એમ નથી.


31st August 2019
Morning Mushing:
મોદી સરકાર 2 ઓક્ટોબરથી એકવાર ઉપયોગમાં લેવાતા એટલે કે ડિસ્પોઝેબલ પ્લાસ્ટિક પર દેશભરમાં પ્રતિબંધ મૂકી રહી છે. તેમાં પ્લાસ્ટિક બેગ, કપ/પ્લેટ્સ, નાની બોટલો અને પાઉચ જેવા છ પ્રકારની પ્લાસ્ટિકની પ્રોડક્ટના ઉત્પાદન, વેચાણ, વપરાશ અને આયાત પર પાબંધી આવશે. આ બહુ જરૂરી કદમ છે. તેનો કેવી રીતે અમલ થાય છે, તેના પર આ નિર્ણયની સફળતાનો આધાર છે.

પ્લાસ્ટિક આપણા જીવનમાં ખૂબ વણાઈ ગયું છે. એની આસપાસ એક જબરદસ્ત ઉદ્યોગ ચાલે છે. એનો એટલો ઉપયોગ થાય છે કે ભારત સહિત પુરા વિશ્વમાં પ્લાસ્ટિક હાહાકાર મચાવી રહ્યું છે.  યુરોપિયન યુનિયને 2021 સુધી પ્લાસ્ટિક મુક્ત થવાનું લક્ષ્ય રાખ્યું છે. ચીન પણ પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડી રહ્યું છે. તેના એક પ્રાંતે 2025 સુધીમાં સંપૂર્ણપણે પ્લાસ્ટિક મુક્ત થવાનું અભિયાન શરૂ કર્યું છે.

ભારતમાં 2015ના એક અભ્યાસ પ્રમાણે 60 શહેરો રોજ 60 હજાર ટન પ્લાસ્ટિક કચરો પેદા કરે છે, જે કાં'તો સમુદ્રમાં જઈને પાણી અને સમુદ્રી જીવોને નુકશાન કરે છે અથવા હજારો વર્ષો સુધી જમીનમાં રહીને વનસ્પતિ-પાણી મારફતે આપણને નુકશાન કરે છે.

1st Sept 2019
Morning Mushing: 
આઈસલેન્ડ / 700 વર્ષ જૂનું ગ્લેશિયર ખતમ થઈ ગયુ, લોકોએ શ્રદ્ધાંજલિ આપી અને સ્મારક પણ બનાવ્યું (નીચે આપેલ લિંક)
આઈસલેન્ડમાં ક્લાઈમેન્ટ ચેન્જથી નાશ પામનાર વિશ્વનું પ્રથમ ગ્લેશિયર
38 ચો.કિ.મી.માં ફેલાયેલું ગ્લેશિયર 118 વર્ષમાં આખું ખતમ થઈ ગયું
વિજ્ઞાનીઓનો દાવો છે- 16 વર્ષમાં ભારતમાં પણ ગ્લેશિયર ખતમ થઈ શકે છે

આઈસલેન્ડ: 700 વર્ષ જૂનું ગ્લેશિયર ખતમ થઈ જતા આઈસલેન્ડના લોકોએ શોક વ્યક્ત કર્યો હતો. સરકારે તેના નામની એક કાંસ્ય પટ્ટી બનાવીને સ્થાપિત કરી છે. તેના પર એવું લખ્યું છે કે આગામી 200 વર્ષમાં આપણા તમામ ગ્લેશિયર પીગળી જશે. આ સ્મારક હમેશા યાદ અપાવશે કે શું કરવાની જરૂર છે અને આપણે સમજદાર પ્રજાતિ એ શું કર્યું. ત્યાંના વડાપ્રધાન તથા મંત્રીઓએ પણ શ્રદ્ધાંજલિ આપી છે. ભારતમાં પણ હિમાલયના ગ્લેશિયર ઝડપથી પીગળી રહ્યાં છે. જો આમ થશે તો ભારે તબાહી થશે અને તાપમાન વધી જશે. રસ્તો એજ છે વૃક્ષો વાવો અને પૃથ્વી ને બચાવવા. પૃથ્વી બચશે તો આપણે..


2nd Sept 2019
Morning Mushing:
તમિલનાડુના ચીદમ્બરમમાં આવેલા નટરાજ મંદિરમાં નુત્ય સભામાં કાળીકા માંની પ્રાથના કરતી મહિલા. માન્યતા મુજબ, શિવના નટરાજ નૃત્યમાં પરાજય પામેલી માં કાળી અહીં સ્થાઈ થઇ  હતી. આ મંદિર ચિદમ્બરમ નટરાજ અથવા થીલ્લાઈ નટરાજ મંદિર તરીકે પણ ઓળખાય છે. ચૌલા વંશના રાજા (૧૨૨૯થી ૧૨૭૮)એ આ મંદિરનું નિર્માણ કર્યું હતું.

3rd Sept 2019
Morning Musings...
એલેકઝાન્ડર ધ ગ્રેટ, ગ્રીક ચિંતક ડાયોજેનિસને મળવા ગયો અને પૂછ્યું કે, "હું તમારા માટે શું કરી શકું?" ડાયોજેનિસ એક નાળામાં રહેતો હતો. તેણે એલેકઝાન્ડરને કહ્યું, "બસ એટલું કરો, જરા આઘા ખાસો. તમે તડકો આવતો રોક્યો છે. " આ વાર્તાનો બીજો પાર્ટ એ છે કે સમ્રાટના કાફલામાંથી કોઈ બોલ્યું, "ખબર છે, આમણે આખી દુનિયા જીતી છે? તેં શું કર્યું છે?" ડાયોજેનિસે કહ્યું, "મેં દુનિયા જીતવાની વૃત્તિને જીતી છે." કાફલા માંથી કોઈએ પુછ્યું દુનિયા જીતવાની વૃત્તિ એટલે. ડાયોજેનિસે કહ્યું સમ્રાટ એલેકઝાન્ડર ધ ગ્રેટ કહેવાતો હતો. એની પાસે અપાર શક્તિ અને સંપત્તિ હતી. કોઈ કમી ન હતી. એકવાર એ ચઢાઇની તૈયારી કરતો હતો. ડાયોજેનિસે પૂછ્યું, "ક્યાં જાય છે?" એલેકઝાન્ડરે કહ્યું, "એશિયા જીતવા." ડાયોજેનિસે પૂછ્યું, "પછી?" સમ્રાટ કહ્યું, "પછી ભારત જીતવા જઈશ." ડાયોજેનિસે પૂછ્યું, "પછી?" એલેકઝાન્ડરે જવાબ આપ્યો, "ભારત બાકી રહી ગયું છે. એ જીતી લઉં, પછી હું આરામ કરીશ."ડાયોજેનિસે કહ્યું, "આ બધું કર્યા પછી જો આરામ જ કરવાનો હોય, તો આવને મારી સાથે આ નદી કિનારે. હું આરામ જ કરું છું."

4th Sept 2019
Morning Musings...
સાચો લીડર એ છે, જે તમારી અંદરથી તમારું બહેતર બહાર લાવે, તમારામાં જે શ્રેષ્ઠ છે, તેને મજબૂત કરે. એનાથી વિપરીત, એવા પણ લીડર હોય છે, જે તમને કનિષ્ઠ કરવા પ્રેરે, તમારામાં જે ગંદકી છે, તમારામાં જે બદતર છે, તે બહાર લાવે. સારા ગુરુ, સારા બોસ, સારા દોસ્તની પણ આ જ વ્યાખ્યા છે; એ આપણી અંદરથી આપણું શ્રેષ્ઠ બહાર લાવે, કનિષ્ઠ નહીં.

5th Sept 2019
Morning Musings...
બુદ્ધિ સાધન છે અને વિવેકબુદ્ધિ એટલે એ સાધનનો કેવો ઉપયોગ કરવો તે છે. બુદ્ધિ કાગળ અને પેન છે, પણ વિવેકબુદ્ધિ એટલે તેનાથી શું લખવું તેની આવડત. બુદ્ધિ એટલે તથ્યો અને મહિતીઓનો ડેટા, વિવેકબુદ્ધિ એટલે એ તથ્યો, માહિતીઓ અને અનુભવોમાંથી સૂક્ષ્મદૃષ્ટિ કેળવવી તે. બુદ્ધિ એટલે બોલવું, વિવેકબુદ્ધિ એટલે સાંભળવું.

6th Spet 2019
Morning Mushing:
૧૯૫૫માં લંડનમાં યોજાયેલા ફિલોસોફર બર્ટ્રાન્ડ રસેલના વાર્તાલાપ વખતે યુવાન ઇતિહાસકાર રોમીલા થાપર રસેલની સાથે. ૮૭ વર્ષનાં રોમીલા થાપર અત્યારે દિલ્હીની જવાહર લાલ નહેરુ યુનિવર્સિટીમાં માનદ્ અધ્યાપક છે. 

૧૯૭૧થી ૧૯૯૧ સુધી તેઓ અહીં અદ્યાપક હતાં અને નિવૃત્તિ પછી માનદ્ ભણાવે છે. તેમણે પ્રાચીન ભારતના ઈતિહાસ પર વીસથી વધુ અભ્યાસપૂર્ણ પુસ્તકો લખ્યાં છે અને તેમનો હિસ્ટરી ઓફ ઇન્ડિયા ગ્રંથ બહુ લોકપ્રિય છે. એમની ઉપર હિન્દુ વિરોધી વિચારો ફેલાવવાના આરોપ પણ લાગ્યા હતાં..

🔀એમણે સરકારી સ્કૂલોના પાઠ્યપુસ્તકો માં વૈદિક કાળથી ગૌમાસ ખાવામાં આવે છે એવા પાઠ્યક્રમ મુકાવ્યા. 
🔀પુરાતત્વ વિભાગ ના ડાયરેક્ટર એ એમની ઉપર રામમંદિર ની સાથે જોડાયેલા તથ્યો છુપાવાનો આરોપ લગાવ્યો છે..
🔀એ સિવાય રાજકીય મામલે પણ એ સરકાર વિરુદ્ધ કાર્યક્રમ માં ભાગ લેતા.
🔀ભીમા કોરેગાવ હિંસા માં ગુનેગાર નક્સલીઓ ને છોડી મુકવાની માંગ કરી નક્સલીઓ નો સાથ આપ્યો હતો..

તેમણે બે વાર પદ્મ ભૂષણનો ખિતાબ જાહેર થયો છે અને તેમણે બંને વાર તેનો ઇનકાર કર્યો છે. 

તાજેતરમાં JNUએ તેમને તેમનો બાયો-ડેટા સુપરત કરવાનું કહ્યું છે, જે એમની ઓફીસીયલ પ્રણાલી છે. જેથી એમનું કામ જોઇને તેઓ અધ્યાપક પદને લાયક છે કે નહીં, તેનો નિર્યણ લઇ શકાય. રોમીલા થાપરે CV સુપરત કરવાનો ઇનકાર કર્યો છે. 

JNU એ રોમિલા થાપર પાસેથી માત્ર સીવી જ નહીં, પણ 12 અન્ય પ્રોફેસરોની પણ માંગ કરી હતી, જેમની ઉંમર 75 વર્ષથી ઉપર છે. પણ બૌદ્ધિકો રોમિલા થાપર પાસે CV માંગવા માં જ મુશ્કેલીમાં મુકાય છે. 

એવું કેમ છે કે "તમારે શું જોઈએ છે, રોમિલ થાપર માટે અલગ નિયમો રાખવા જોઈએ, પરંતુ પ્રોફેસર માટે જુદા જુદા નિયમો રાખવા જોઈએ .. ???

હવે રોમીલા પર વામપંથી ઇતિહાસકાર હોવાનો આરોપ છે. (બર્ટ્રાન્ડ રસેલ કોણ છે, એવું ના પૂછતા!)

7th Sept 2019
Morning Musings...
તમે જ્યારે પત્રકારત્વ કરતા હો, ત્યારે તમે ઘટના સાથે હો છો અને ઘટના તમારી સાથે નથી હોતી, તમે એની પાછળ દોડતા હો છો. ઘટનાની એક એક્સપાઈરી ડેટ હોય છે, અને પત્રકારની ડેડલાઈન હોય છે. ચંદ્રની સતહને સ્પર્શ કરવાની વિક્રમ લેન્ડરની ચોક્સાઇની જેમ, ઘટના અને ડેડલાઈન બંને એક પોઇન્ટ પર આવીને ખતમ થાય છે. કહે છે કે પત્રકારત્વ તમને ખતમ કરી નાખે છે, પણ એ જીવવાની મઝા હોય છે! જેની એક્સપાઈરી ડેટ હોય કે ડેડલાઇન હોય, તેવી બાબતો જ ખરેખર જીવાતી હોય છે.
(ચંદ્રયાન-2નું શરુઆતથી રિપોર્ટિંગ કરી રહેલા DD National ના રિપોર્ટર મિત્ર નો સવારે મેસેજ આવ્યો કે  "સવારે ત્રણ વાગ્યા પછી ઓફિસના સોફામાં બે કલાક ઝોકું મારીને, પાછો કામ પર બેસી ગયો,"  તેના પરથી.)

8th Sept 2019
Morning Mushing:
ઈશ્વરના હસ્તાક્ષર...
એક જ તસ્વીરમાં આખું વર્ષ કેપ્ચર થઇ શકે? એક રીતે, હા. ઉપરની તસ્વીર હંગેરીના વેસ્ઝ્પ્રેમ શહેરની છે, જ્યાં ૨૦૧૦માં જાન્યુઆરીથી ડીસેમ્બર વચ્ચે સવારે ૧૦ વાગે, એક જ જગ્યાએથી, અઠવાડિયામાં એકવાર સુરજનો મલ્ટીપલ-એક્સપોઝર ફોટો લેવામાં આવ્યો હતો. આવી ૩૬ ફ્રેમ એક તસ્વીરમાં ભેગી કરવામાં આવી હતી. જ્યાંથી તસ્વીરો લેવામાં આવી હતી, તે લોકેશનને એમાં ડીજીટલી સામેલ કરવામાં આવ્યું હતું. સુરજ પૃથ્વી કરતાં થોડી જુદી ધરી પર ફરતો હોવાથી અને પૃથ્વી અંડાકાર કક્ષામાં ફરતી હોવાથી, આવો આકાર રચાય છે. પૃથ્વીનો એક ગોળાર્ધ જયારે સુરજથી દુર જઈને ઝુકે, ત્યારે સુરજના રોજીંદા રસ્તાની કમાન, ફોટોગ્રાફરની જગ્યાએથી જોઈએ, તો ક્ષિતિજ તરફ નમેલી દેખાય. એ ઝુકાવ જયારે બીજા ગોળાર્ધ તરફ આવે, ત્યારે સુરજની કમાન આકાશમાં ઉચે જાય. આ તસ્વીરમાં સુરજનો સૌથી ઉંચો પોઈન્ટ દક્ષિણાયન (summer solstice) અને સૌથી નીચેનો પોઈન્ટ ઉત્તરાયણ (winter solstice) છે. 

આ પ્રકારની ફોટોગ્રાફીને અનાલેમ્મા (Analemma) એટલે કે સૂરજનો ડાયાગ્રામ કહે છે. એમાં સમય અને ચોકસાઇ સંકળાયેલાં હોવાથી, આવી પ્રકારની તસ્વીર બનાવવી સહેલી નથી. વિશ્વમાં અત્યાર સુધી માત્ર ૨૦ લોકોએ જ સફળતાપુર્વક આવી તસ્વીરો બનાવી છે. આ તસ્વીર, વેસ્ઝ્પ્રેમ શહેરમાં રહેતા તમસ લડાની નામના ખગોળશાસ્ત્રના શોખીન તસ્વીરકારે તૈયાર કરી હતી. તસ્વીરમાં ડાબી બાજુ, નીચેના ભાગે, ઘરની દીવાલ પર તમને તમસ લડાનીનો પડછાયો જોવા મળશે!

9th Sept 2019
Morning Mushing: 
ક્લાસમાં ટીચર વ્હેલ માછલી વિશે વાત કરતા હતા. શિક્ષકે કહ્યું, માછલી બહુ મોટું સસ્તનીય પ્રાણી છે, પણ તે મનુષ્યને ના ગળી શકે કારણ કે તેનું ગળું બહુ સાંકડું હોય છે. 
એક નાની છોકરી ઉભી થઈને બોલી, "પણ જ્હોનને તો વ્હેલ ગળી ગઈ હતી." શિક્ષકે અકળાઈને રિપીટ કર્યું કે, ગળું સાંકડું હોવાથી વ્હેલ કોઈ મનુષ્યને ગળી જાય, તે શક્ય નથી. 
છોકરી બોલી, "હું સ્વર્ગમાં જઈશ ને, ત્યારે જ્હોનને પૂછીશ." 
ટીચરે પૂછ્યું, "પણ જ્હોન નર્કમાં હશે તો?" 
"તો તમે પૂછી લેજો," છોકરીએ જવાબ આપ્યો.

10th Sept 2019
Morning Mushing:
અવકાશમાં મૌન છે. ત્યાં કોઈ શોરબકોર નથી. આપણને સંભળાય તેવો તો નહીં જ. 

ચંદ્ર પર વિક્રમ લેન્ડર મોકલવાના પગલે ભારતનાં મીડિયામાં જે શોરબકોર પેદા થયો, તે હવે ઠરી રહ્યો છે, ત્યારે એક અવકાશયાન વોયેજર-1ની વાત જાણવા જેવી છે. 

છેલ્લા ૪૨ વર્ષથી વોયેજર-1 આપણી સૂર્યમાળાની પાર યાત્રા કરી રહ્યું છે. ‘જ્યાં ના પહોંચે રવિ, ત્યાં પહોંચે કવિ’ની જેમ ૨૧ અબજ કિલોમીટર દુર જનારું આ એકમાત્ર અવકાશયાન છે (ચંદ્ર ૪ લાખ કિલોમીટર દુર છે), ૪૨ વર્ષથી આ અવકાશયાન પ્રતિકલાક ૫૫,૦૦૦ કિલોમીટરની ગતિએ આગળ વધી રહ્યું છે અને અમેરિકાની નાસા સંસ્થામાં વોયેજર પ્રોગ્રામની ઓફીસ રોજ તેનું અંતર નોધે છે. વોયેજર-1 નાસાના ડીપ સ્પેસ નેટવર્ક સાથે સતત સંપર્કમાં છે અને સૂર્યમાળા બહાર (ઇન્ટરસ્ટેલર સ્પેસ)ની માહિતી મોકલતું રહે છે. નાસાના કહેવા પ્રમાણે તે ૨૦૨૫ સુધી કામ કરતું રહેશે. 

વોયેજર-1 ૫ સપ્ટેમ્બર ૧૯૭૭નો રોજ રવાના થયું હતું. તેના ૧૬ દિવસ પહેલા વોયેજર-2 છોડવામાં આવ્યું હતું. વોયેજર-૨ સૂર્યમાળાના સાતમાં અને આઠમા ગ્રહ યુરેનસ અને નેપ્ચ્યુન એટલે કે વરુણની ગ્રહમાળાને સમજવા છોડવામાં આવ્યું હતું. વરુણ ગ્રહ પર જનારું આ એકમાત્ર અવકાશયાન છે. ૨ ઓકટોબર ૧૯૮૯માં તેનું એ મિશન પૂરું થયું હતું. તેની તંદુરસ્તી જોઇને વૈજ્ઞાનિકોએ તેની આગળની ‘ટીકીટ’ કપાવીને સૂર્યમાળાની સીમા પરથી ડેટા મોકલવાના કામમાં જોતર્યું હતું અને તે આજે પણ પ્રતિ સેકંડ ૧૬૦ બાઈટ્સનો ડેટા મોકલે છે. એનાં સિગ્નલ નબળાં પડી રહ્યાં છે અને ૨૦૨૫ સુધીમાં એ બીજી કોઈ સૂર્યમાળામાં પ્રવેશી ગયું હશે.

વોયેજેર-1ને સૂર્યમાળાના સૌથી મોટા ગ્રહ જ્યુપિટર એટલે કે બૃહસ્પતિ, સૅટર્ન એટલે કે શનિ અને શનિના સૌથી મોટા ચંદ્ર ટાઈટનની તલાશી લેવા મોકલવમાં આવ્યું હતું. આ વોયેજરે બંને ગ્રહોનાં હવામાન, ચુંબકીય ક્ષેત્રો, બંને ગ્રહોની રિંગ્સની માહિતી અને તેમના ચંદ્રોની વિગતવાર તસ્વીરો મોકલી છે.  

આપણી પાસે આપણી સૂર્યમાળાની જે જાણકારી છે, તે આ બે વોયેજરના પ્રતાપે છે. આ બંને અવકાશયાન એટલાં ટકાઉ છે કે કોઈ અકસ્માત ના થાય, તો બીજાં હજારો વર્ષો સુધી બીજી સૂર્યમાળામાં માહિતી એકઠી કરતાં હશે. 

કદાચ આવતા ૧૦૦ વર્ષમાં એવા અવકાશયાન બનશે, જે વોયેજરની શોધમાં જશે. જાણે વોયેજર સ્વતંત્ર ગ્રહ હોય!

પૃથ્વી પરના શોરબકોર અને બાવડાં ફૂલાવવાની વચ્ચે અવકાશમાં આ બે વોયેજરનું મૌન તમને વામણા સાબિત કરી દે છે. 

(ઉપરની બે તસ્વીરોમાં બંને વોયેજરની ટાઈમલાઈન અને દિશા છે. તસ્વીર મોટી કરીને જોશો, તો સમજમાં આવશે.)

1-2  મિત્રો સાથે ચર્ચા કરતા કરતા ચન્દ્રયાંનની અલગ અલગ ઓરબીટની એપોજી, પેરોજી અને અલગ અલગ જગ્યાએ સ્પીડ તથા પૃથ્વીના ગુરુત્વાકર્ષણની અસર સમજવા માટે પ્રયત્નો કરવા લાગ્યા. તેમાં એટલું બધું જાણવા મળ્યું કે ન પૂછો વાત અને આ ચાલુ કર્યું એટલે આખા બ્રહ્માંડ વિશે જાણવાનું ચાલુ કર્યું. 

તેમાં જોયું કે આકાશગંગા નામની ગેલેક્સિમાં આપણે તેના કેન્દ્રથી લગભગ 21000 પ્રકાશવર્ષ દૂર છીએ !!! 

સૂર્ય કરતા કેટલાય મોટા તારા બિલિયન્સમાં આ ગેલેક્સિમાં છે અને આવી બિલિયન્સ ગેલેકસીઓ બ્રહ્માંડમાં છે. 

પછી છૂટા પડતાં એ નિષ્કર્ષ પર આવ્યા કે આપણે આ બ્રહ્માંડની વિશાળતા સામે એક અંશ પણ નથી અને કોઈ જ ગુમાનમાં રહેવા જેવું નથી. 

ખરેખર આ બધા જ વૈજ્ઞાનિકો ખૂબ જ ધાન્યવાદને પાત્ર છે.

આ દુનિયાની અજયબી = વોયેજર
માણસ પછીનું કોઈ સૌથી ઇન્ટેલિજન્ટ સર્જન હોય, તો તે કોમ્પ્યુટર છે અને વોયેજર કોમ્પ્યુટરની અવકાશી આવૃત્તિ છે.

The pale blue dot
કાર્લ સેગન ની કોસમોસ સીરીઝ મા છેલ્લે આ પ્રકરણ આવ્યુ. 6 બિલિયન કિમી દૂર થી વોયેજર 1 દ્વારા લેવામાં આવેલ આપણી પૃથ્વી નો ફોટો. એક પિકસેલ કરતા પણ નાનો.....

કાર્લ સેગન એ આ જ માટ નુ નેરેશન આપ્યું છે.  COSMOS A SPACE TIME ODYSSEY સિરિઝ જોઈએ તો ઘણાબધા સવાલો ના જવાબો મળશે... અને નવું જાણવા પણ મળશે..

કાર્લ સેગાન અને એમની ટીમે આ વોયેજરમાં એક ગોલ્ડન રેકોર્ડ ફિટ કરી છે, જેમાં પૃથ્વી પરની માનવ સંસ્કૃતિઓની 115 છબીઓ અને 55 જેટલી પૌરાણિક અને આધુનિક ભાષાઓમાં 'હાઈ, હેલ્લો, સલામ, જય શ્રી કૃષ્ણ' જેવા અવાજો છે. આઈડિયા એવો છે કે અવકાશયાનનો ભેટો કોઈ ઉચ્ચ બુદ્ધિવાળી જાતિ સાથે થાય, ત્યારે આ રેકોર્ડ વાગશે અને તેની સાથે 'વાત' કરશે



વાયોજર 1 હજી પણ નિરંતર અવકાશમાં જઇ રહ્યું છે..આજે વાયોજર એટલું દૂર પહોંચી ગયું છે કે તેના એક વોટના 0.00000000001 ટકા રેડિયોવેવ્સ પૃથ્વી પર પહોંચે છે...આટલા નાના તરંગબિંદુને ઝીલવા એ પણ પૃથ્વી પર તરંગોના ઘોંઘાટમાં એ અશક્ય કહી શકાય તેવું કામ છે...પણ તેમ છતાં વાયોજર માટે વૈજ્ઞાનિકોએ દુનિયાનું સૌથી મજબૂત અને સંવેદનશીલ નેટવર્ક ઉભું કર્યું છે..જે વાયોજર 1 દ્વારા મોકલવામાં આવેલા અતિશય બારીક તરંગોને તરત પકડી લે છે. અને એટલે જ આજે આપણે વાયોજારના સફરને જાણી શકીયે છીએ....વાયોજરના કેમેરા અને મહત્વના તમામ ઉપકરણો અને સેન્સર બન્ધ કરી દેવાયા છે. હાલ વાયોજરના જરૂરી ઉપકરણો ફક્ત 5 વોલ્ટ કરતા ઓછી વિજળીમાં ચાલી રહ્યા છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર વાયોજર 1 હજી 4 વર્ષ સુધી માહિતી મોકલતું રહેશે...જે બાદ આપણે તેની ભાળ નહિ મેળવી શકીએ. માનવ ઉત્ક્રાંતિના પુરાવા સાથે તે અનંત અવકાશમાં ખોવાઈ જશે......

11th Sept 2019
Morning Mushing:
હા, પસ્તાવો વિપુલ ઝરણું...!
છેલ્લા એક વીકથી  NDTV Frauds V2.0: The Real Culprit (By- Sree Iyer)ની કિન્ડલ એડિશન વાંચી રહ્યો છું. વારંવાર મન થયું કે અહીં એ પુસ્તકની વાત કરું. પણ કોઇ સમયે ખુબ ગમતી એ ચેનલના સંચાલકો સામે કોઇ નક્કર  કાર્યવાહી થાય એ સંભાવના ગમે ત્યારે હકીકત બનવાની છે, એટલે તેની રાહ જોવાનું નક્કી કર્યું હતું.  
પરંતુ, ચંદ્રયાન-૨ મિશન પૂર્ણ થવામાં છેલ્લી બે મિનિટ બાકી હતી અને સંપર્ક તૂટી જવાને કારણે થયેલી નિરાશા તાજી હતી. હજી એ મહાન મિશન સાથે સંકળાયેલા સૌ તે કમનસીબ વાસ્તવિકતાને સમજવા સંઘર્ષ કરી રહ્યા હતા, ત્યારે ઇસરો ખાતે જવાબ આપી રહેલા વૈજ્ઞાનિકને  NDTV ના પત્રકારે  જે રીતે બૂમાબૂમ કરીને સવાલ કરવાનો પ્રયાસ કર્યો એ અત્યંત શરમજનક હતો. એ પત્રકારના ઉદ્ધત વર્તન પાછળનું કારણ સરકારે NDTV સામે હાથ ધરેલી કાર્યવાહી હોય એમ લાગ્યા વિના ના રહે.  કેમ કે NDTV Frauds પુસ્તકનાં શરૂઆતનાં પ્રકરણો વાંચીને જ  ડોક્યુમેન્ટ્સ સહિતની વિગતો વાંચીએ તો થાય કે પ્રણય રોય અને રાધિકા રોયને વિદેશ જતાં અટકાવાયાં એ યોગ્ય થયું હતું.

૨૦૧૭માં પબ્લિશ થયેલા અને સુબ્રમણ્યમ સ્વામીએ વિમોચન કરેલા આ પુસ્તકમાં જણાવ્યું છે એ મુજબ, NDTV માં કામ કરતા એક સમયના ટોચના પત્રકારોની એક મુખ્ય લાયકાત એ હતી કે એ કોઇ રાજકારણી કે મોટા સરકારીઅધિકારીના સગાવહાલા હતા. પુસ્તક વાંચવા માગતા મિત્રો માટે સ્પોઇલર સાબિત ન થાય એટલા માટે માત્ર એટલું કહીશ કે સ્ટાર કહેવાતા પત્રકારો અંગેની વિગતો રસપ્રદ છે!

સોફિસ્ટિકેટેડ લાગતી આ ચેનલના સામેના આર્થિક આરોપો અને દસ્તાવેજો વિશે વાંચીએ ત્યારે અફસોસ થાય કે શું આ ચેનલ માટે અહોભાવ રાખવા જેવો હતો ખરો?

12th Spet 2019
Morning Musings...
ધારો કે વર્ષો પહેલાં તમે કોઈ પુસ્તક વાંચ્યું હતું અને તમને એ બહુ જ ગમ્યું હતું, તમે એના પ્રેમમાં પડી ગયા હો, એ તમારી 'મારી જિંદગીનાં શ્રેષ્ઠ પુસ્તકો'ની યાદીમાં આવી ગયું હો, તમે દરેક મિત્રોને એ વાંચવાની ભલામણ કરતા હો અને ધારો કે વર્ષો પછી એ પુસ્તક તમે બીજીવાર વાંચ્યું અને તમને એવો જ અહેસાસ થયો, જે વર્ષો પહેલાં થયો હતો. તમને એ પુસ્તકમાં ફરક ના લાગ્યો. તો? 
તો તમને તમારી પ્રગતિ સામે સવાલ થવો જોઈએ. તમારા માનસિક વિકાસનો સૌથી વિશ્વસનીય સંકેત એ છે કે તમે જે તે સમયે જેને દુનિયાનું શ્રેષ્ઠ પુસ્તક કહેતા હતા, તે વર્ષો પછી બીજીવાર વાંચો, તો એ તમને જુદું જ લાગવું  જોઈએ. તમને જો આવું કશું જ ના થાય, તો તેનો મતલબ એ કે તમે ભૂતકાળમાં જ્યાં હતા, હજુ ત્યાંના ત્યાં જ છો.

13th Sept 2019
Morning Mushing:
ભારોભાર લાગણીઓમાં ભીંજવેલા
શબ્દો ને હું પીરસું છું સાહેબ..
કયારેક એકલતા પી લઉ છું.. 
તો કયારેક કુવા માટે તરસું છું...

કેડબરી ડેરી મિલ્ક પોતાનું નામ ચોકલેટ પરથી હટાવા જઈ રહી છે ! જેની પાછળ એક દુઃખદ કારણ છે..

વાસ્તવમાં કેડબરી કંપની દ્વારા આ પગલું સમાજ કલ્યાણ હેતુએ લેવામાં આવ્યું છે. કેડબરી કંપનીએ પોતાની ડેરિમિલ્ક ચોકલેટના રેપર પરથી બધા જ શબ્દો હટાવી લેવાનું નક્કી કર્યું છે અને હવે તમે તેને માત્ર પરપલ પેકેટ અને તેના ટ્રેડમાર્ક એવા દૂધવાળા બે ગ્લાસમાંથી પડતાં દૂધનો સિંબોલ જ જોવા મળશે.

વાસ્તમાં UK માં અગણિત વૃદ્ધ લોકો લગભગ 1.4 મિલિયન એટલે કે 14 લાખ વૃદ્ધ લોકો એકલતાથી પિડાઈ રહ્યા છે. તમને જાણીને નવાઈ લાગશે પણ UK માં રહેતાં 225000 વૃદ્ધ લોકો એવા છે જે આખું અઠવાડિયું કોઈ પણની સાથે વાત કર્યા વગર પસાર કરવા મજબુર છે.

કેડબરીએ આ સમસ્યાને પ્રકાશમાં લાવવા માટે એક ચળવળ ચલાવી છે જે તેમણે પોતાના કેડબરી ડેરી મિલ્કની ચોકલેટના રેપર પર આવતા શબ્દોને કાઢીને શરૂ કરી છે. જો કે આ પગલું કેડબરી ડેરીમિલ્કના અમુક હજાર રેપર સુધી જ મર્યાદિત રહેશે. કેડબરી ડેરી મિલ્કના આ પ્રકારના એટલે કે શબ્દો વગરના દરેક પેકેટના વેચાણ દ્વારા થતી આવકનો અમુક હિસ્સો AGE UK નામની સંસ્થાને દાન કરવામાં આવશે.

UK માં કેડબરી ડેરીમિલ્ક ચોકલેટના આ શબ્દો વગરના પેકેટ વાળા બાર સુપરમાર્કેટમાં વેચાવા માટે મુકી પણ દેવામાં આવ્યા છે. કેડબરી કંપનીના આ પ્રયાસને સોશિયેલ મિડિયા દ્વારા UK માં બિરદાવવામાં આવી રહ્યું છે. કેટલાકે એવિ કમેન્ટ કરી છે કે “કેડબરીના આ સદકાર્યએ તેમને ચોકલેટ ખાવાનું એક નવું બહાનું ધર્યું છે.” તો વળી કેટલાકે પેકેજિંગના આવા સદઉપયોગ માટે કેડબરી કંપનીને શાબાસી આપી છે. તો વળી એક સોશિયલ મિડિયા અકાઉન્ટ હોલ્ડરે લખ્યું છે, “કેડબરી કંપનીના આ પગલાંથી ગર્વ છે… તેમણે મારું હૃદય પિગળાવી દીધું છે ! ધન્યવાદ છે કેડબરીને”

તો વળી કેટલાકે હળવી મઝાક કરતાં લખ્યું છે કે ભલે ચોકલેટ ખાઈને અમારી કમર જાડી થઈ જાય પણ કેડબરીના એકલા લોકો માટે ઉભી કરવામાં આવેલી આ જાગૃતિના પ્રયાસને અમે બિરદાવીએ છીએ. અમે હાલ જ દુકાને જઈએ છીએ અને કેડબરી ડેરીમિલ્કના શબ્દો વગરના પેકેટ ખરીદીએ છીએ. ચોકલેટ ખાવા માટે આથી વધારે ઉત્તમ બહાનું બીજુ કયું હોઈ શકે !

આપણે અહીં ભલે સંયુક્ત કુટુંબો ન્યુક્લિયર કુટુંબમાં ફેરવાતા જતાં હોય તેમ છતાં માતાપિતાના સંસ્કારો તેમજ સંતાનોની માતાપિતા પ્રત્યેની લાગણી અને પરંપરાના કારણે ભારતે હજુ આ દિવસ જોવાની નોબત નથી આવી પણ જેમ જેમ વિશ્વ એકબીજામાં ભળતું જશે તેમ તેમ બાહ્ય સંસ્કૃતિની અસર પણ વધતી જશે અને નીતનવી સામાજિક સમસ્યાઓ ઉત્પન્ન થશે.

ભારત માટે સારી બાબત એ છે કે હજુ આપણા તેવા દિવસો નથી આવ્યા કે આવી બાબતો માટે જાગૃતિ ફેલાવવી પડે. યુકેના વૃદ્ધો જે આ ગંભિર સમસ્યાથી પિડાઈ રહ્યા છે તે સ્થાને ભારત ન પહોંચે તેવી જ આશા સેવીએ અને આપણા વડીલોને બને તેટલો પ્રેમ અને સંગાથ આપીએ.

14th Sept 2019
Morning Mushing:
સુશ્રુતા (c. 7th or 6th century BCE) પ્રાચીન ભારતમાં એક ચિકિત્સક હતા, જેને સર્જિકલ પ્રક્રિયાઓની શોધ અને વિકાસ માટે "Father of Medicine" અને "Father of Plastic Surgery" તરીકે ઓળખવામાં આવે છે.

ભારતીય મહાકાવ્ય મહાભારતમાં સુશ્રુતાની સૂચિ વિશ્વામિત્ર ના પુત્રોમાં છે અને તેમણે આ જ્ઞાન નો ઉપયોગ મહાભારત ના યુધ્ધ વખતે યુધ્ધ માં ઘવાયેલા લોકો માટે કર્યો હતો એવું ગ્રન્થો માં પણ લખ્યું છે...

ઉપર મહર્ષિ સુશ્રુતની પ્રતિમા, રોયલ ઓસ્ટ્રેલિયા કોલેજ ઓફ સર્જન્સ, મેલબોર્નમાં માં મુકવામાં આવેલી છે અને જૂન 2018 ની શરૂઆતથી તે પ્રદર્શનમાં છે. તે ગ્રેનાઈટ બેઝથી આરસની બનેલી છે, જે 1.2 મીટરની ઊંચાઈ છે અને તેનું વજન 550Kg છે.  તે સ્કિલ્સ લેબ એરિયામાં સ્થાપિત થયેલ છે. જેથી દરેક શિખવા આવતા સર્જન ને પ્રેરણા મળે.

કોલેજમાં તેના સંગ્રહાલય માં ભારતીય વૈદિક અને વૈજ્ઞાનિક દવા ક્ષેત્રે પૌરાણિક દુર્લભ અને નોંધપાત્ર પુસ્તકોનો સંગ્રહ પણ છે. એ સિવાય સુશ્રુત સંહિતા તરીકે ઓળખાતી સુશ્રુતની કૃતિઓનું અંગ્રેજી અનુવાદ એ પ્રતિષ્ઠિત સંગ્રહનો ભાગ પણ મુક્યો છે. કોલેજના જણાવ્યા અનુસાર, સુશ્રુતા ભારતીય દવા અને શસ્ત્રક્રિયાના પાયાના અને દુનિયા ના પ્રથમ વ્યક્તિ છે.

સુશ્રુત સંહિતાનું ભાષાંતર કરેલા ગ્રન્થો કોલેજ ના સંગ્રહાલય અઠવાડિયામાં બે વાર મંગળવાર અને ગુરુવારે સવારે 10 થી 12 વાગ્યા સુધી જાહેરમાં ખુલ્લા મૂકવામાં આવે છે. કોઈ ગ્રુપ ને સંગ્રહાલય જોવામાં રુચિ હોય તો ખાનગી પ્રવાસની વ્યવસ્થા પણ કરી શકે છે.

રોયલ ઓસ્ટ્રેલિયા કોલેજ ઓફ સર્જન્સ (આરએસીએસ), સર્જનોને તાલીમ આપે છે અને ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં સર્જિકલ ધોરણો જાળવવા માટે જવાબદાર છે.  તેનો ઉદ્દેશ સર્જિકલ શિક્ષણમાં શ્રેષ્ઠતાની શોધને પ્રોત્સાહન આપવાનો છે. અને પાયામાં સુશ્રુત સંહિતા છે.

15th Sept 2019
Morning Mushing:
ભારતને જો મંદિરોનો દેશ કહેવામાં આવે તો કંઇ ખોટું નથી . કારણ કે અહીં ઘણાં બધા મંદિરો આવેલાં છે કે જેની તમે ગણતરી કરીને થાકી જશો.

અહીં અનેક મંદિરો આવેલાં છે, જે તેમની ભવ્યતા અને અન્ય માન્યતાઓ માટે જાણીતા છે. 
🔀 આ મંદિરનાં 70 એ 70 થાંભલાઓ લટકે છે.
🔀 હવામાં લટકેલા થાંભલાઓ નીચેથી કપડું પસાર કરતાં પરિવારમાં આવે છે સુખ-શાંતિ એવી માન્યતા છે 
🔀 મંદિરનો સીધો જ સંબંધ રામાયણ કાળ સાથે જોડાયેલો છે. 

દક્ષિણ ભારતનાં મહત્વનાં મંદિરોની જો વાત કરીએ તો ત્યાં લેપાક્ષી મંદિર નામે એક એવું મંદિર આવેલું છે કે જે પોતાના વૈભવશાળી ઈતિહાસ માટે જાણીતું છે. આ મંદિર દક્ષિણ આંધ્રપ્રદેશનાં અનંતપુર જિલ્લામાં આવેલું છે. 

આ મંદિરને 'હેંગિંગ પિલર ટેમ્પલ' પણ કહેવાય છે . આ મંદિર કુલ 70 સ્તંભો પર ઊભેલું છે જેમાંથી એક પણ થાંભલો જમીનને સ્પર્શ નથી કરતો એટલે એમ કહી શકાય કે એક પણ થાંભલાઓ જમીન સાથે જોડાયેલા નથી. આ મંદિરમાં તમામ થાંભલાઓ હવામાં ઝૂલી રહ્યાં છે. અને તેનુ રહસ્ય આજે સુધી અકબંધ છે કોઈ ઉકેલી નથી શક્યું.

લેપાક્ષી મંદિર બેંગલુરુથી અંદાજે 140 કિલોમીટર દૂર આવેલું છે. આ મંદિરનો સીધો જ સંબંધ રામાયણ કાળ સાથે જોડાયેલો છે. આ મંદિર વીરભદ્રને સમર્પિત છે. વીરભદ્ર દક્ષ યજ્ઞ બાદ અસ્તિત્વમાં આવેલા ભગવાન શિવનું એક ક્રૂર સ્વરૂપ છે. આ ઉપરાંત ભગવાન શિવનાં કંકાલમૂર્તિ , દઅર્ધનારીશ્વર, ક્ષિણમૂર્તિ અને ત્રિપુરારેશ્વર પણ અહીં દર્શનીય છે. 

આ મંદિરનું નિર્માણ 16મી સદીમાં કરવામાં આવ્યું હતું અને આ સમગ્ર મંદિર માત્ર એક જ પથ્થરની જ સંરચના છે .

16th Sept 2019
Morning Musings...
પચીસ-પચાસ વર્ષ પહેલાં ડિપ્રેશન આજના જેટલું વ્યાપક ન હતું. કેમ? કારણ કે આપણને ત્યારે આજના જેટલું સુખનું વ્યસન પણ ન હતું. ભૌતિક પ્રગતિએ માણસને વ્યક્તિગત સુખનો નશેડી બનાવી દીધો છે. આજે દરેકને વ્યક્તિને પોતાના સુખની ચિંતા છે. સુખની એ અવિરત અને અવાસ્તવિક શોધ તમને ડિપ્રેસ કરે છે. તમને જો એ ખબર જ ના હોય કે સુખ શું છે, તો તમે ક્યારેય દુઃખી ના થાવ. દુઃખનો ઉપાય સુખમાં નહીં, પણ શું દુઃખી કરે છે તેની સમજમાં છે.

17th Sept 2019
Morning Musings...
સર્જનાત્મકતા, કલ્પનાશક્તિ, રચનાત્મકતા અથવા મૌલિકતા કેવી રીતે આવે? 
રોજ ફાલતું બાબતોમાં અચરજ પામવાની ટેવ પાડો. 
કાર વિચિત્ર રીતે પાર્ક થઈ છે?
પહેલીવાર ફૂલ જોયું? 
દરેક માણસનો ચાલવાનો ઢંગ અલગ હોય છે? 
ઝાડનાં બે પાન એક સરખાં હોય છે?
એક લાઈનમાં ચાલતી કીડીઓમાંથી એક કીડી ભૂલી પડે તો?
ઓફિસમાં સહકર્મચારીઓ કયા શબ્દો રિપીટ કરે છે? 
બહુ સાંભળેલા ગીતમાં એવું શું છે, જે ખબર ન હતી? 
એવું ના માનો કે આ ફાલતું છે અથવા તમને બધી ખબર છે. તમારી આજુબાજુની દુનિયા સતત તમને કશું કહે છે. એ સાંભળો, જુવો, સ્પર્શો. અનુભવો નદીના પ્રવાહ જેવા હોય છે. એમાં તમે જેટલા ઊંડે ઉતરીને તરો, એટલું જ જીવન સમૃદ્ધ બનશે. ટૂંકમાં, ખુદના  વિચારો અને ધારણાઓના બંધિયાર સરોવરમાં ના રહો. ગંધ આવશે.

18th Sept 2019
Morning Mushing: 
બાવીસમી તારીખે હ્યુસ્ટન, અમેરિકામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો 'હાઉડી મોદી!' થવા જઈ રહ્યો છે. 50K અમેરિકન ભારતીયો (વ્યક્તિ દીઠ 5K ડોલરની ટિકિટ)ની આ રેલીને ડોનાલ્ડ ટ્રમ્પ પણ સંબોધવાના છે (ટ્રમ્પ ફરી ચૂંટણીની તૈયારી કરી રહ્યા છે). હાઉડી એટલે શું? 

હાઉડી એટલે How do you do. આમ તો આ 'કેમ છો?'નું અંગ્રેજી સ્વરૂપ છે, પણ આપણે ત્યાં 'કેમ છો?' પૂછનારને સાચે જ તમારી તબિયતમાં રસ નથી અને એ તો શિષ્ટાચાર માટે 'કેમ છો?' પૂછે છે, તેવી જ રીતે ઇંગ્લેન્ડના દક્ષિણ પ્રાંતમાં 1550ની સાલમાં લોકલ સ્કોટીશબોલીમાં how do ya શબ્દ આવ્યો હતો. 

ઈંગ્લીશ વસાહતીઓ અમેરિકા ગયા, ત્યારે આ how do ya લઈ ગયા હતા. સાઉથવેસ્ટ અમેરિકામાં મેક્સિકો, નેવાડા, ઓરેગોન અને ટેક્સાસમાં આજે પણ 'હાઈ-હેલ્લો'ની જગ્યાએ 'હાઉડી' બોલાય છે. ટેક્સાસની યુનિવર્સિટીમાં સત્તાવાર રીતે 'હાઉડી' (વેલકમ) ઉપયોગ થાય છે. 

આપણા 'કેમ છો?'ની જેમ 'હાઉડી'માં તબિયતની પૂછપરછ નથી, એટલે પાછળ પ્રશ્નાર્થ લાગતો નથી. હોલિવૂડની જૂની વેસ્ટર્ન અને કાઉબોય ક્લાસિક ફિલ્મોમાં 'હાઉડી' શબ્દ બહુ આવતો હતી.
મોદી 22મીએ ભારતીય-અમેરિકનોએ સંબોધે ત્યારે 'કેમ છો' કહીને હાઉડીને સમજાવવા જેવું છે.

19th Sept 2019
Morning Mushing: 
તમે બાન્સકી (Banksy)નું નામ સાંભળ્યું હશે. એ ઈંગ્લેંડનો ગુમનામ સ્ટ્રીટ-કલાકાર છે. એ રાજકીય અને સામાજિક મુદ્દાઓ પર ભીંત-ચિત્રો બનાવે છે. એ જાહેરમાં આવતો નથી પણ એની ગ્રાફિટી એટલી સટીક હોય છે કે દુનિયાભરમાં તેની ચર્ચા થાય છે. બાન્સકી એટલો જાણીતો છે કે તેને હવે જાહેરમાં આવવાનું પસંદ જ નથી અને એના વતી એની કૃતિઓ જ બોલે છે. ઉપર તેની આવી જ એક કૃતિ છે, જે ૨૮મી તારીખે લંડનમાં સોધેબાય લીલામ ગૃહમાં પ્રદર્શિત થવાની છે અને ૩ ઓક્ટોબરે તેનું લીલામ થશે. તે ૧૫થી ૨૦ લાખ રૂપિયામાં વેચાય, તેવી આશા છે. બાન્સકીએ ચિત્રમાં સંસદ સભ્યોને ચિમ્પાન્ઝી તરીકે ચીતરીને સંસદમાં બેસાડ્યા હતા. આ ચિત્રનું નામ (evolved પરથી) Devolved Parliament છે. આ ચિત્ર યુરોપિયન યુનિયનમાંથી બ્રિટનની વાપસી (બ્રેક્ઝીટ)ને લઈને રાજકારણીઓમાં જે અંધાધુંધી ચાલે છે, તેની પરની કોમેન્ટ છે. જો કે એમ તો દરેક સંસદમાં આવા ચિમ્પાન્ઝીઓ નથી હોતા?

20th Sept 2019
Morning Mushing:
સોશ્યલ મીડિયા નિર્મમ છે. સોશ્યલ મીડિયા અસહિષ્ણુ છે. સોશ્યલ મીડિયામાં કશું જ પ્રાઈવેટ નથી હોતું. સોશ્યલ મીડિયા બે ધારી તલવાર છે. એ ફાઈવ મિનિટ્સ ઓફ ફેમ આપે છે અને લટકામાં પ્રાઇવસીનાં છોતરાં કાઢી નાખે છે. એક જમાનામાં આપણે 'ઘરની અંદર' અને 'ઘરની બહાર' એવો ભેદ કરીને ચાલતા હતા. ફેસબુકની વૉલ પર આ દિવાલો ધરાશાયી થઈ ગઈ છે. અહીં તમારા વ્યવહાર અને વિચારો વચ્ચેની વિસંગતતાઓને નજરઅંદાજ કરવામાં આવતી નથી. બધા બધું જ વાંચે છે, જુવે છે, સમજે છે અને એ પ્રમાણે જ રિએક્શન આવે છે. આમાં અમુક લેશન છે:

 1. 'મારી વૉલ છે, હું ફાવે તે લખું' એવું લખવા-બોલવામાં સારું લાગે, પણ હકીકત એ છે કે તમારી વૉલ તમારી નથી, એ બીજા લોકોની છે, સાર્વજનિક છે. તમે ચકલામાં ઉભા રહીને ચેનચાળા કરો અને એવું ઈચ્છો કે આવતા જતા લોકોએ ખાલી તાળીઓ જ પાડવાની, કાંકરા નહીં મારવાના, તો તે સોશ્યલ મીડિયામાં શક્ય નથી. એટલે જે લખો, તે સાર્વજનિક નૈતિકતામાં કેટલું ઉચિત છે, તેનું ધ્યાન રાખવું. 

2. 'મને જ લખતાં આવડે છે, હું જ સૌથી મહાન છું અને મારી પાસે જ સર્વે સવાલોના જવાબ છે' એવા સહેજ પણ ભ્રમમાં રહેવું નહીં. એક સાધારણ અને રસ્તે જતા માણસ પાસે હાથમાં સ્માર્ટફોન હોય, તો તેની પાસે પણ લખવા-વિચારવાનો એ જ પાવર છે, જે પાવર સૌથી હોંશિયાર અને સફળ માણસ પાસે હોય છે. સોશ્યલ મીડિયા બુલડોઝર છે. એની નીચે બધા સપાટ અને એક સરખા થઈ જાય છે. સોશ્યલ મીડિયા ચડસા-ચડસીનું, હુંસાતુંસીનું અને અહંકારનું સાધન છે. જે પણ લખો, તે ઈગોને નાનો કરીને લખો. લોકો લખાણ નથી વાંચતા, ઈગોની સાઈઝ જુવે છે. 

3. દારૂ પીવો ખરાબ જ છે, પણ તમે પીતા હો એટલે દારૂને ગ્લેમરાઈઝડ કે રોમેન્ટિસાઈઝ કરીને મુકો અને (પીવવાળા સહિતના) લોકો એ સ્વીકારી લે, તે નાદાની કહેવાય. જે બાબત શારિરીક રીતે, ભાવનાત્મક રીતે, માનસિક રીતે અને સામાજિક રીતે નુક્શાનકારક છે, તેને અંગત ઉદાહરણથી મૂકી શકાય (અને એમાં જ સચ્ચાઈનો રણકો હોય છે), પણ તેને ઉચિત ઠેરવવા માટે નહીં, બીજા લોકો એવી ભૂલ ના કરે તેવા આશયથી. તો જ તમારી વાત વધુ ઓથેન્ટિક બનીને ગળે ઉતરશે. 

4. વ્યક્તિમાં પડવું નહીં. વિચારો (આઈડિયાઝ)ની વાતો કરવી. વ્યક્તિનાં વખાણ કરો કે નિંદા કરો, તે બંને ગોસિપ જ કહેવાય. મોટાભાગના લોકો ફ્રસ્ટ્રેશનમાં આવી ને લખે છે. તેમાં મૂળ મુદ્દો બાજુમાં મુકાઈ જાય છે અને વ્યક્તિલક્ષી વાતો આવી જાય છે. નાનાં મન વ્યક્તિઓની ચર્ચા કરે, સાધારણ મન ઘટનાઓની ચર્ચા કરે, મોટા મન આઈડિયાઝની વાતો કરે. તમે વ્યક્તિમાં રહેશો, તો તમે પણ વ્યક્તિ જ રહેશો. તમે આઈડિયાઝમાં રહેશો, તો આઈડિયા બનશો. સિમ્પલ. 

5. માણસે ભલે સોશ્યલ મીડિયા સુધીની પ્રગતિ કરી હોય, અંદરથી તે હજુ જંગલી જ છે. જુના જમાનામાં ગામમાં કોઈ વ્યક્તિને સજા કરવાની હોય, તો એનું મ્હોં કાળું કરીને એને ગધેડા પર અવળી બેસાડીને ફેરવવામાં આવતી, અથવા દીવાલો પર એના નામે ગાળો લખાતી હતી. આજે એ કામ ઓનલાઇન થાય છે. આ એક હકીકતને ધ્યાનમાં રાખીને પોતાની વાતો, વિચારો અને લખાણોમાં શાલિનતા અને સભ્યતા રાખવી. વિચારોત્તેજક (thought provocative) લખાણનો મતલબ, વિચારવા માટેનો એક નવો વિચાર કે આઈડિયા આપવાનો થાય છે, લોકોને ઉશ્કેરવાનો નહીં. વિચાર અને ઉશ્કેરાટ, એ બંને વચ્ચે પાતળી ભેદરેખા છે.

21st Sept 2019
Morning Musings...
ઓનલાઈન અને ઓફલાઈન વાતચીતની બુનિયાદી શરત શિષ્ટાચાર છે. તમે જ્યારે વાતો કરીને અથવા સ્ટેટ્સ-કોમેન્ટ કરીને કોઈના સમય અને એટેન્શન પર અધિકાર મેળવો છો, ત્યારે તેની એક માત્ર શરત શાલિનતા અને સન્માન હોય છે. તમારામાં જો કદર ના હોય, તો તમારા ઓનલાઈન કે ઓફલાઈન મિત્રોની બુદ્ધિ, સમય અને એટેન્શન પર તમારો અધિકાર કેવી રીતે હોય? સમૂહમાં શું પિરસવાનું અને તે કેટલું યોગ્ય છે જો તેની સમજ ના હોય તો ફક્ત ખાવું જરૂરી છે... પિરસીને સમૂહનો વધુ સમય વેડફવો એ પણ એક માનસિક વિકલાંગતા જ થઈ.

22nd Sept 2019
Morning Mushing:

American Election
અમેરિકન નાગરિકશાસ્ત્ર - 

મિત્રો-
2020માં ફરીવાર અમેરિકન પ્રેસિડેન્ટનું ઈલેક્શન આવશે. ઇન્ડિયામાં લોકસભાની ચુંટણીઓ પતી ગઈ છે. અને એનું પ્રાઈમ મિનિસ્ટર પદનું પરિણામ પણ આવી ગયું  છે.  પણ અમેરિકન ઈલેક્શનની પ્રક્રિયા ઇન્ડિયા કરતા ઘણી જ અલગ છે. . અમેરિકન પ્રેસિડેન્ટનો ઉમેદવાર સિલેક્ટ કરવાની અને એ ચૂંટવાની લાંબી પ્રક્રિયા 2019ના સ્પ્રિંગથી શરુ થશે. ઘણા મિત્રોને અમેરિકન ઈલેક્શન પ્રોસેસની માહિતી મળે એ (અને ફક્ત એ જ ). ઘણીવાર મેં એ નોંધ્યું છે કે અમેરિકામાં અર્થોપાર્જન માટે વસેલા ભારતીયો પણ બધી માહિતી નથી ધરાવતાં તો આ બધા માટે માહિતીસભર બને એવો પ્રયત્ન કરીશ.

The Constitution of the United States દ્વારા ફેડરલ ગવર્નમેન્ટને ત્રણ શાખાઓ Legislative, Executive, અને Judicial માં વિભાજીત કરવામાં આવી છે. સામાન્યતઃ લોકશાહી પ્રજાતંત્રમાં દેશનો કારભાર કરવા માટે એવી વ્યવસ્થા ગોઠવવામાં આવે છે કે કોઈ એક વ્યક્તિ કે વ્યક્તિસમુહ પાસે વધુ પડતી અમર્યાદિત સત્તા કેન્દ્રિત ના થઇ જાય. સત્તાનું વિકેન્દ્રીકરણ એ લોકશાહીનું ખુબ જ મહત્વનું પરિબળ ગણાય છે. Legislative બ્રાન્ચ કાયદા ઘડે છે પણ પ્રેસિડેન્ટ વીટો પાવર વાપરીને એને રદ કરી શકે છે તો પ્રેસિડેન્ટ દ્વારા કરાયેલી નિમણુંકો Legislative congress પડકારી શકે છે, રદ કરી શકે છે કે કન્ફર્મ કરી શકે છે. અસાધારણ પરિસ્થતિઓમાં કોંગ્રેસ પ્રેસિડેન્ટને સત્તા પરથી ઉથલાવી પણ શકે છે. સુપ્રીમ કોર્ટ જસ્ટિસ જે પ્રેસિડેન્ટ દવારા નીમાય છે અને એ નિમણુંક સેનેટર્સ દવારા કન્ફર્મ થાય છે એ કોંગ્રેસે ઘડેલા અને પ્રેસિડેન્ટે એપ્રુવ કરેલા અબંધારણીય કાયદાને રદ પણ કરી શકે છે. આમ દરેક બ્રાન્ચ બીજી બ્રાન્ચને અસર કરે છે અને સત્તાનું વિકેન્દ્રીકરણ કરવામાં અસરકારક ભાગ ભજવે છે. ત્રણેય બ્રાન્ચ લોકશાહી વ્યવસ્થા પ્રમાણે લોકોના હિતમાં કારભાર થાય એનું ધ્યાન રાખે છે. 

અમેરિકન ફેડરલ ગવર્નમેન્ટની ત્રણ શાખાઓ -
• Legislative (અમેરિકન કોંગ્રેસ કે જે બે ગૃહમાં વહેંચાયેલી છે - House of Representatives and Senate). Legislative બ્રાન્ચનું કામ કાયદા ઘડવાનું, પ્રેસિડેન્ટ દ્વારા નિમાયેલા ફેડરલ જજ અને અન્ય સરકારી એજન્સીના વડાની નિમણુંક કન્ફર્મ કરવાનું કે રિજેક્ટ કરવાનું અને અન્ય દેશ સાથે યુદ્ધ કરવાના નિર્ણય લેવાનું છે. સેનેટર્સ અને હાઉસ રીપ્રેઝન્ટેટિવની ચૂંટણી અમેરિકન નાગરિકો દ્વારા સીધા અને ગુપ્ત મતદાનથી કરવામાં આવે છે. દરેક સ્ટેટ દીઠ બે સેનેટર્સ ચુંટાય છે. સેનેટર્સની ટર્મ છ વર્ષની હોય છે. અમેરિકન ગવર્નમેન્ટમાં 50 સ્ટેટ્સના કુલ 100 સેનેટર્સ છે. હાઉસ રીપ્રેઝન્ટેટિવ (કોંગ્રેસમેન)ની સંખ્યા દરેક સ્ટેટની વસ્તીના આધારે કરવામાં આવે છે. હાઉસ રીપ્રેઝન્ટેટિવની સંખ્યા 435 છે. હાઉસ રીપ્રેઝન્ટેટિવની ટર્મ્સ બે વર્ષની હોય છે. સેનેટર્સ અને કોંગ્રેસમેનના ચુંટાવા પર કોઈ મર્યાદા નથી. તેઓ અગણિત વાર ચુંટણી લડી અને જીતી શકે છે. 

• Executive - બ્રાન્ચ એટલે કે US President, vice president, the Cabinet ( ભારતીય સમજ પ્રમાણે મંત્રી મંડળ) , એક્ઝીક્યુટીવ ડિપાર્ટમેન્ટ્સ, બોર્ડસ, કમિશન્સ, કમિટીઝ અને સરકારી એજન્સીઝ. આ શાખાનું કામ કાયદાનું વહન અને પાલન કરાવવાનું હોય છે. ફેડરલ બજેટ, નેશનલ સિક્યોરિટી અને અન્ય પ્રાયોરિટીઝ સાંભળવાનું કામ એક્ઝીક્યુટીવ બ્રાન્ચ કરે છે.  

• US President— એ દેશનો બંધારણીય વડો અને કમાન્ડર ઈન ચીફ ઓફ આર્મ્સ ફોર્સ અને ફેડરલ ગવર્નમેન્ટનો હેડ ગણાય છે. 
પ્રેસિડેન્ટની ચુંટણી અમેરિકન નાગરિકો દ્વારા થયેલા વોટિંગના આધારે ઈલેક્ટોરલ વોટિંગથી કરવામાં આવે છે. અમેરિકન પ્રેસિડેન્ટ ઈલેક્શનની પ્રક્રિયા ઘણી જટિલ છે જેના માટે અલગ પોસ્ટ મુકવી પડશે. અમેરિકન પ્રેસિડેન્ટની સત્તાની મુદત ચાર વર્ષની હોય છે. પ્રેસિડેન્ટ પદ માટે કોઈપણ ઉમેદવાર (ચાર ચાર વર્ષની) બે ટર્મ્સ કરતાં વધુ ટર્મ્સ માટે ચુંટણીમાં ઉભો રહી નથી શકતો. પ્રેસિડેન્ટ પદનો ઉમેદવાર 35 વર્ષથી વધુ ઉંમરનો, અમેરિકન બોર્ન સીટીઝન અને અમેરિકામાં 14 વર્ષનો રહેવાસી હોવો જોઈએ.  

• Vice president— નું કામ પ્રેસિડેન્ટને સપોર્ટ કરવાનું હોય છે. જો પ્રેસિડેન્ટનું સત્તા દરમ્યાન મૃત્યુ થાય કે કોઈ કારણસર પ્રેસિડેન્ટ સત્તામાં રહી ના શકે તો વાઇસ પ્રેસિડેન્ટ પ્રેસિડેન્ટનો હોદ્દો ધારણ કરી શકે છે. અમેરિકન બંધારણમાં આવી આસાધારણ પરિસ્થિતિઓમાં વાઇસ પ્રેસિડેન્ટ પછી 16 અલગ અલગ હોદ્દેદારો જે પ્રેસિડેન્ટ બની શકે છે એની જોગવાઈ કરવામાં આવી છે. 

• The Cabinet - પ્રેસિડેન્ટ દ્વારા અલગ અલગ 15 એક્ઝીક્યુટીવ એજન્સીઓના વડાઓની નિમણુંક કરવામાં આવે છે. જે પ્રેસિડેન્ટનું વહીવટી સલાહકાર મંડળ હોય છે. આ નિમણુંકો 100 સેનેટર્સના બહુમતી વોટિંગ દ્વારા કનફર્મ કરાય છે. સેનેટર્સ આવી નિમણુંક 51 કે વધુ વોટથી રદ કરી શકે છે. કેબિનેટમાં નિમાયેલાં હોદ્દેદારો અમેરિકન સેનેટ કે હાઉસ ઓફ રિપ્રેસ્ટેટિવ્ઝમાંથી ચૂંટાયેલા હોવા જોઈએ એવી કોઈ મર્યાદા નથી. એ ઉપરાંત અન્ય ઈન્ડિપેન્ડન્ટ એજન્સીઝ, બોર્ડ, કમિશન, કમિટીઝની પણ પ્રેસિડેન્ટ દ્વારા નિમણુંક કરાય છે પણ તેઓ કેબિનેટના ભાગ રૂપે નથી ગણાતા.

• Judicial બ્રાન્ચમાં સુપ્રીમ કોર્ટ હેડ જસ્ટિસ અને અન્ય ફેડરલ જસ્ટિસનો સમાવેશ થાય છે. જે કાયદાઓનું અર્થઘટન કરીને લોકોને બંધારણીય જસ્ટિસ મળે એનું કામ કરે છે. સુપ્રીમ કોર્ટના જસ્ટિસની નિમણુંક પ્રેસિડેન્ટ દવારા થાય છે જેને આખરી મંજૂરી સેનેટર્સ આપે છે. સુપ્રીમ કોર્ટના હેડ જસ્ટિસ ઉપરાંત બીજા આઠ જસ્ટિસ નીમાય છે. કોઈપણ કેસનું કાયદેસર નિરાકરણ લાવવા માટે ઓછામાં ઓછા છ જસ્ટિસની મંજૂરીની જરૂર પડે છે. સુપ્રીમ કોર્ટ જસ્ટિસના હોદ્દાની સમય મર્યાદા નથી, એ મૃત્યુપર્યંત, રિટાયર્ડ થાય ત્યાં સુધી કે અસાધારણ સંજોગોમાં એમની નિમણુંક રદ થાય ત્યાં સુધી સત્તામાં રહી શકે છે. જો આઠ જસ્ટિસના ચુકાદામાં ટાય tie પડે તો નીચલી કોર્ટે આપેલો ચુકાદો માન્ય રાખવામાં આવે છે. 

#US_Presidential_Election

23rd Sept 2019
Morning Musings...
1946માં આવેલી ફિલ્મ 'ધ બિગ સ્લીપ'માં એક પ્રાઈવેટ ડિટેકટીવ (હમફ્રે બોગાર્ટ)ને જનરલ સ્ટેર્નવૂડ એની દિકરીના બ્લેકમેઇલની તપાસ કરવા બોલાવે છે. એ વર્ણન કરે છે, ત્યારે ડિટેકટિવ સૂચક રીતે 'હમ્મ...' બોલે છે. "આ હમ્મ..નો શુ મતલબ?" સ્ટેર્નવૂડ પૂછે છે. ડિટેકટિવ કહે છે, "હમ્મ...નો મતલબ હમ્મ...જ થાય."
ભાષામાં દરેક શબ્દોના નિશ્ચિત અર્થ હોય છે, છતાં 'હમ્મ...'જેવા ઘણા શબ્દો (અથવા ઉદગારો) છે, જે આમ ફાલતું છે, અને આમ અર્થોથી ભરપૂર છે. એ કોણ બોલે છે અને ક્યારે બોલે છે, તેના પર નિર્ભર કરે છે. ઓબ્જેક્ટિવ ભાષાની દુનિયામાં એ એક પ્રાઈવેટ ભાષા છે, જેનો અર્થ માત્ર બોલનારને જ ખબર છે. એનો પર્યાયવાચી, સમાનાર્થી કે વિરૃદ્ધાર્થી ના હોય. હમ્મ...નો મતલબ હમ્મ...જ  થાય.

24th Sept 2019
Morning Musings...
તમે જેને ધર્મ કહો છો, તે વિશ્વાસની અને વફાદારીની છાવણીઓ છે. એમાં વિધિઓ, રીત-રિવાજો, ગુપ્તતાઓ, અંધશ્રદ્ધાઓ, પાપ-પુણ્ય, ઇન્ડિયન પીનલ કોડ જેવી આચાર સંહિતાઓ, શાસ્ત્રોક નિયમો, ન્યાયના સિદ્ધાંતો અને સેવકથી લઈને સ્વામી સુધીની ઊંચ-નીચની હેરાર્કી હોય છે. આ છાવણીઓનું શિક્ષણ માણસને માણસ સામે ઉભો કરી દે છે. એ શીખવાડે છે કે મારુ જ સત્ય, મારો જ ઈશ્વર અને મારો જ ગુરુ સર્વોચ્ચ છે, અને બીજા બધાં સત્યો, ઇશ્વરો અને ગુરુઓ નકલી છે અને નકલીઓથી જગતને મુક્ત કરવા માટે સૌએ ધર્મયુદ્ધ કરવું જોઈએ. 
અંડરવર્લ્ડ માફિયા ગેંગ પણ એક્ઝેટલી આવી જ રીતે કામ કરે છે.

25th Sept 2019
Morning Musings...
શારીરિક તંદુરસ્તી વગર માનસિક તંદુરસ્તી શક્ય નથી. શરીરમાં અશાંતિ હોય, તો મનની શાંતિ શક્ય નથી. સૌથી પહેલું ડિપ્રેશન, ટેન્શન અને નેગેટિવિટી શરીરમાં આવે છે. આપણો પ્રૉબ્લેમ એ છે કે આપણે મગજના કોલાહલમાં શરીરની ભાષા સાંભળવાનું ભૂલી ગયા છીએ. આપણે બીજા સાથે ના બોલતા હોઈએ, તો ખુદની સાથે બોલ બોલ કરીએ છીએ. આપણે 24 કલાક, 7 દિવસ, 365 દિવસ મનમાં જ રહીએ છીએ. આપણે જેટલી ઉપેક્ષા શરીરની કરીએ છીએ, તેટલી બીજું કોઈ પ્રાણી કરતું નથી. મોટાભાગનાં શરીર હાંફી ગયેલાં હોય છે. હું જે સૌથી હોંશિયાર માણસ હોય, તેના શરીરની સ્માર્ટનેસ પહેલાં ચેક કરું છું. એ કેટલો ગરીબ, બીમાર કે બેવકૂફ છે, તે તેની શારીરિક સ્થિતિ પરથી ખબર પડે. ખરી મૌલિકતા જ શરીરની છે, મગજ તો વાંદરાની જેમ નકલ કરે છે. મન કરતાં શરીરની ખૂબસૂરતી, બુદ્ધિ અને ઉર્જા ગજબની હોય છે.

26th Sept 2019
Morning Mushing: 
લંડનના ફાઇનાન્સિયલ ટાઈમ્સ સમાચારપત્રના રિપોર્ટ પ્રમાણે, ગૂગલના રિસર્ચરોએ પહેલી વખત કોમ્પ્યુટરની કવાંટમ સુપ્રિમસી (quantum supremacy) હાંસલ કરી છે. મતલબ કે નાસાનું સમિટ નામનું સૌથી એડવાન્સ કોમ્પ્યુટર જે કેલ્ક્યુલસ કરવા માટે 10,000 વર્ષનો સમય લે, તે કેલ્ક્યુલસ કરવામાં ગૂગલના કવાંટમ પ્રોસેસરે ત્રણ મિનિટ અને વીસ સેકન્ડ લીધી હતી. કોમ્પ્યુટરની કવાંટમ સુપ્રિમસી એટલે અત્યાર સુધીનાં સુપરકોમ્પ્યુટરની ક્ષમતા બહારનું પરફોર્મન્સ. આવું સુપરકોમ્પ્યુટર માત્ર નાસા પાસે જ છે, અને ગૂગલે તેની પર પ્રયોગ કર્યો હતો અને સાચે જ કાબિલે તારીફ છે. 

પણ જે ઝડપ થી આપણે ટેકનોલોજી ની દુનિયા માં આગળ વધી રહ્યા છીએ એની જ વાત કરીએ તો આપણે એવા યુગમાં જીવીએ છીએ જ્યાં આપણે મશીન નથી તેવું મશીન ને આપણે સાબિત કરવું પડે છે. થેન્કસ ટુ કેપ્ચા..

27th Sept 2019
Morning Mushing: 
31 ઓક્ટોબર પહેલાં યુરોપિયન યુનિયનમાંથી નીકળી જવા માટે નવ નિયુક્ત બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જ્હોનસને સંસદને સસ્પેન્ડ કરી દીધી હતી (સાંસદો સરકારને ગાંઠતા નથી, બ્રેકઝીટની યીજના પર સવાલો બહુ ઉઠાવે છે), તે નિર્ણયને તદ્દન ગેરકાનૂની ગણાવીને બ્રિટિશ સુપ્રીમ કોર્ટ સંસદ પાછી બેસાડી છે. બ્રિટનનાં ચાર પ્રમુખ સમાચાર પત્રોએ વડાપ્રધાનને પડેલી લાપડકને આ રીતે પેશ કરી હતી. આ એડિટર-ઇન-ચીફ કહેવાય કે ઈડિયટ-ઇન-ચીફ? 

28th Sept 2019
Morning Musings...
માણસ જ્યારે પ્રાચીન હતો, ત્યારે નૈતિક હતો. માણસ આધુનિક થયો, એટલે કાનૂની બન્યો. આધુનિક ન્યાય વ્યવસ્થાએ માણસને નૈતિકતાની જંજાળમાંથી મુક્ત કરી દીધો છે. હવે આપણે નૈતિકતા શું કહે છે તે રીતે નહીં, પણ કાનૂન શું કહે છે, તે પ્રમાણે જીવીએ છીએ. એનું સૌથી મોટું 'સુખ' એ છે કે સારો વકીલ રોકીને આપણે જે અનૈતિક કૃત્ય હોય, તેને કાનૂનન ઉચિત ઠેરવી શકીએ છીએ.

29th Sept 2019
Morning Mushing: 
આપણે સૌ કહીએ છીએ કે બદલાવ આવવો જોઈએ.. અને એ જરૂરી પણ છે.. હાલ સમાચાર એવા આવી રહ્યા છે જ્યાં બદલાવ ની ભાષા ફક્ત પુરુષો સુધી સિમિત હતી. વાત સાઉદી અરેબિયા ની છે જયા બદલાવ તો આવી જ રહ્યો છે અને એ પણ સુધરા સાથે. 

આ વખતે સાઉદી અરેબિયા એ ટુરીસ્ટ વીઝા ઇસ્યુ કરવાનું નક્કી કર્યું છે અને સાથે  ટુરીસ્ટ સ્ત્રીઓ ને બુરખો પહેરવામાં થી મુક્તિ. ૨૦૩૦ સુધીમાં ૧૦ કરોડ સહેલાણીઓ ને આકર્ષવાની યોજના પણ બનાવી છે.

અત્યારે આ બદલાવ નવો આવેલો પ્રિન્સ આને માટે જવાબદાર છે. રાજા તો અત્યારે પણ એના બાપા જ છે. પણ, આ ભારે વિઝનરી છે. જોઈએ મક્કા - મદિનાના મુલ્લાઓ એને કેટલું કરવા દે છે. એણે સ્ત્રીઓ ને ડ્રાઈવિંગ લાયસન્સ અપાવ્યા, દાયકાઓથી બંધ સિનેમા થિયેટર ખોલાવ્યા, દેશમાં ચાર વર્લ્ડ હેરિટેજ સાઈટ છે એના પર ટુરિઝમ વધારવા નુ નક્કી કર્યું છે.

ઉત્તરી સાઉદી અરેબિયા બહુ જ રમણીય પ્રદેશ છે. રાતા સમુદ્ર નો બહુ મોટો સાગર કિનારો એની પાસે છે. અફાટ રણ છે. ઉત્તરે પહાડી પ્રદેશ છે જ્યાં શિયાળામાં ક્યારેક બરફ પણ પડે છે. સાઉદી કરવા ધારે તો ઘણું થઈ શકે એમ છે.

આ બધા પાછળ મહત્વ નું કારણ તેલની ઈકોનોમી છે અને ક્યાંક એના વળતા પાણી છે. બધાએ સુધરવું પડશે. એક વખત એવો પણ આવશે જ્યારે ક્રૂડ અને એની પેદાશો મ્યુઝિયમ આર્ટીકલ બનીને રહી જશે.

30th Sept 2019
Morning Musings...
આધુનિક જીવનમાં સ્ટ્રેસ વધી ગયો છે, તે વાત ખોટી છે. માણસ જ્યારે જંગલમાં અને ગુફામાં રહેતો હતો, ત્યારે તેના જીવનમાં સ્ટ્રેસ માટેનાં સૌથી વધુ પરિબળો હતાં. આધુનિક જીવન તો સૌથી સુરક્ષિત, સૌથી સુવિધાપૂર્ણ અને સૌથી ચિકિત્સાપૂર્ણ છે. પછી શેનો સ્ટ્રેસ? હકીકતમાં, પ્રકૃતિએ સર્વાઇવલ અને રિપ્રોડક્શન, એટલે કે જીવતા ટકી રહેવા અને પ્રજનન માટે સ્ટ્રેસ મુકેલા છે. આપણે એને અંગત અને વ્યવસાયિક સંબંધો તથા લાગણીઓનાં સુખ માટે ઉપયોગમાં લઈએ છીએ, એટલે સ્ટ્રેસનો ભાર વધુ લાગે છે. જીવન વીમા પોલિસી તોડીને ઘર ચલાવીએ, એના જેવું છે આ.

No comments:

Post a Comment

The Pharma Lobby, Covid and India, The Dangerous game of Second Wave target MODI

You all are familiar with Hanuman Ji. You have read about him in Ramayan and watch him on TV but did you notice his impulsive re...