Wednesday, September 30, 2020

Morning Mushing 1st October 2020 to 31st March 2021

 Flowing Water Shining Sun Full HD Nature Background Wallpaper For Laptop Widescreen


Link 1: Morning Mushing 1st October 2018 to 31st March 2019

Link 2: Morning Mushing 1st April 2019 to 30 September 2019
http://vishalgthakkar.blogspot.com/2020/05/morning-mushing-1st-april-2019.html

Link 3: Morning Mushing 1st October 2019 to 31st March 2020

Link 4: Morning Mushing 1st April 2020 to 30th September 2020

1st October 2020
Morning Musings...
કોઇપણ સંવાદ અને સંબંધ દિલચસ્પી પર જ ટકે. તમારી ઉપેક્ષા થતી હોય, તો લોકોનો દોષ ના કાઢવો. એ શોધવું તમે દિલચસ્પ કેવી રીતે બની શકો છો. દસ સુચન:
1. ક્રિએટિવ વાતો અને વ્યવહાર કરો
2. જાણકારી ઓછી અને કુતુહલ વધુ બતાવો
3. પોતાની વાતો ઓછી કરો, બીજામાં રસ લો
4. નવી સ્કિલ્સ વિકસાવતા રહો
5. રસપ્રદ સવાલો પૂછવાનું રાખો
6. વ્યક્તિઓની ઓછી, વિચારોની વાતો વધુ કરો
7. કટાક્ષ નહીં, રમૂજ કરવાનું રાખો
8. અભિપ્રાયો નહીં, દ્રષ્ટિકોણ આપો
9. બોલવાનું ઓછું, સાંભળવાનું વધુ રાખો
10. ખુદને પૂછો: તમે બીજાને બોર તો નથી કરતા ને?

2nd October 2020
Morning Musings...
'1984' અને 'એનિમલ ફાર્મ' જેવી કાલજયી નવલકથા આપનારા ઈંગ્લીશ લેખક જ્યોર્જ ઓરવેલે 'Why I write?' નામના નિબંધમાં લખ્યું હતું કે, "ઉત્તમ લખાણ બારી પરના કાચ જેવું પારદર્શી હોય." એ કાચને ના બતાવે, કાચની અંદર જે હોય તેને બતાવે. ઉત્તમ લખાણ ખુદ આકર્ષણનું કેન્દ્ર ના બનવુ જોઈએ, પણ તેની પાછળના અર્થ કે આશયને સ્પષ્ટ કરતું હોવું જોઈએ. બીજી રીતે કહીએ તો, શબ્દોનાં ફૂલ અને વાક્યોના શણગારથી કાચ એટલો 'ગંદો'ના થઇ જવો જોઈએ કે તેની પાછળનો અર્થ અને આશય દેખાતો બંધ થઈ જાય. ગુજરાતીમાં આના માટે 'શબ્દોના સાથિયા' શબ્દ છે. સાદું લખવું, સીધું લખવું અને અર્થપૂર્ણ લખવું એક કળા છે, કારણ તેનું કામ વાસ્તવિકતાનો ચિતાર આપવાનું છે, રંગોળી ભરવાનું નહીં.

3rd October 2020
Morning Musings...
મોટાભાગના લોકોને બહુ સારી રીતે ખબર હોય છે કે તેમને શું કરવું છે.  તેમને માત્ર એક જ પ્રશ્નનો ઉત્તર શોધવાનો બાકી હોય છે; 'હું કેમ કરતો/કરતી નથી?' મોટાભાગના કિસ્સામાં તમે તે નથી કરતા તેનું એક જ કારણ હોય છે; ડર
'મને ખબર છે કે મારે કસરત કરવી છે, પણ છેલ્લે કરી ત્યારે બહુ દુઃખ્યું હતું.'
'નોકરી છોડીને બીજું કઈંક કરવું છે, પણ કરકસર કરવાનું આકરું પડે છે.'
'મારે પ્રેમ કરવો છે, પણ એમાં દુઃખી થવાય તો?' 
કશું કરવાથી નિષ્ફળ જવાય કે અસ્વીકાર થાય, તે ડરને ઓછો કરી નાખીએ, તો એવું કશું જ નથી, જે તમે કરી ના શકો. આપણી આખી જિંદગી ડરમાં જ જીવાય છે. મીના કુમારીએ ફરિયાદ કરી હતી: 
ના હાથ પકડ શકે ના પકડ શકે દામન
બડે કરીબ સે કોઈ ઉઠ કે ચલા ગયા
વસ્તુ અને વ્યક્તિ, બંને માટે આ આ સાચું છે.

4th October 2020
Morning Musings...
આપણે ઘણીવાર ખુદને સુંદર પ્રેમથી, ઉત્તમ દોસ્તીથી, સરસ નોકરીથી કે શ્રેષ્ઠ જીવનથી વંચિત રાખીએ છીએ, કારણ કે આપણને રિજેક્શનનો ડર હોય છે. આપણા જીવનમાં આવતી દરેક વ્યક્તિ અને દરેક ક્ષણો એક અનોખો અવસર અને સંભાવનાઓ લઈને આવે છે, પરંતુ આપણે તેની પર એક દાવ લગાવીને હારી જવાની બીકે ખુદને ઢાલ-તલવાર નીચે મહેફુઝ રાખીએ છીએ. આપણે ખુદને કેમ બચાવીએ છીએ? કારણ કે આપણે 50 પરસેન્ટ ચાન્સ લેવા નથી માંગતા. આપણને 100 પરસેન્ટ ખાતરી જોઈએ છે કે સામેની વ્યક્તિ મને રિજેક્ટ નહીં કરી દે. ટ્રેજેડી એ છે કે બીજી વ્યક્તિ આપણને રિજેક્ટ કરે, તે પહેલાં આપણે ખુદ એ અવસરને રિજેક્ટ કરી દઈને સલામત રહ્યાનું આશ્વાસન લઈએ છીએ. ધીરુભાઈ અંબાણી, એક જુદા જ સંદર્ભમાં, કહેતા હતા કે દુકાનમાં ચોરી ન થાય તેનો સૌથી સલામત રસ્તો એ છે કે દુકાન જ ના ખોલવી!

5th October 2020
Morning Musings...
"પેલાનું પેલી સાથે અને પેલીનું પેલા સાથે લફરું ચાલે છે" એ વિષય ચર્ચામાંથી ખરી પડે, તો આપણા 90 ટકા સંબંધોનુ કમોત થઈ જાય. આપણે આપણા સંબંધોને બીજી વ્યક્તિઓની ગોસિપથી ચોંટાડી રાખીએ છીએ, કારણ કે વ્યક્તિ વિશે વાત કરવાનું અને સાંભળવાનું જેટલું આસાન હોય છે, તેટલું જ અઘરું વિચાર વિશે વાત કરવાનું હોય છે. ધારો કે હું તમને કહું કે ભવિષ્યમાં રોબોટિક પ્રેમ આવશે, વૈજ્ઞાનિકો માણસોની જેમ જ પ્રેમ કરી શકે તેવા રોબોટ પર કામ કરી રહ્યા છે, તો તમને થાય કે 'શું પકાઉ માણસ છે આ!" પણ હું તમને કહું કે "પેલા ભાઈની પોસ્ટમાં પેલા બહેનની કોમેન્ટ વાંચી? તમને ખબર છે બંને વિશે?" તો તમારું કુતૂહલ સાતમા આસમાને જતું રહેશે. 
પહેલી વાતમાં વિચાર હતો, બીજી વાતમાં વ્યક્તિ હતી. આપણા 90 ટકા સંબંધો વ્યક્તિલક્ષી હોય છે. 10 ટકા જ વિચારલક્ષી હોય છે. આ એક જ કારણથી અસલી બુદ્ધિશાળી લોકોને બહુ બધા સંબંધો નથી હોતા અને સામાન્યત: તે એકાકી જીવન જીવે છે. એવા લોકો વિચારોની વાતોથી ટર્ન-ઓન થઈ જાય છે, અને વ્યક્તિઓની વાતોથી ટર્ન-ઓફ થઈ જાય છે.

6th October 2020
Morning Musings...
કોઈકે સરસ કહ્યું હતું; જૂઠ જેવું કશું નથી હોતું, એ વિચાર પ્રમાણેનું અર્થઘટન હોય છે. 
ઓસ્ટ્રેલિયાના એક આદિવાસી સમૂહ, પોરમપુરાવમાં, 'ડાબા' અને 'જમણા'ની ધારણા જ નથી. તે લોકો સૂર્યની સ્થિતિના સંદર્ભથી લોકેશનને ઓળખે છે. 

રશિયામાં ભૂરા રંગના વિભિન્ન શેડ્સ માટે અલગ-અલગ શબ્દો છે. હળવા ભૂરા માટે જે શબ્દ છે તે ઘટ્ટ ભૂરા માટે નથી વપરાતો. રશિયન્સ માટે બંને રંગ અલગ છે. એટલે રશિયામાં આકાશ 'બ્લૂ' નથી. 
ન્યુ મેક્સિકોની ઝુની ભાષામાં ઓરેન્જ અને યલો શબ્દો નથી, એટલે તેમને બે રંગો વચ્ચેનો ભેદ ખબર નથી. 

પ્રશ્ન એ છે કે આપણે જે વાસ્તવિકતા જોઈએ/સમજીએ છીએ, તે ભાષા પર નિર્ભર છે? 
મતલબ કે મારી ભાષામાં 'રેડ' શબ્દ ના હોય, તો તમે જેને રેડ ગુલાબ કહો છો, તે મારા માટે જુદું ફૂલ હોય? 
વસ્તુ અથવા વાસ્તવિકતા અને ભાષા બંને અલગ છે? કે જે ભાષા છે, તે જ વાસ્તવિકતા છે? 
દાખલા તરીકે, આજનો મારો દિવસ બહુ સારો છે. મારી પાસે 'આજનો,' 'મારો,' 'દિવસ,' 'બહુ,' 'સારો,' 'છે' શબ્દો ના હોય તો દિવસ કેવો હોય? દિવસ હોય ખરો? 
ભાષા વગર વિચાર શક્ય છે? અને વિચાર વગર વાસ્તવિક્તા જેવું કશું હોય?

7th October 2020
Morning Musings...
પુસ્તકો વાંચીને ના મળે એવું એક જ્ઞાન  ભાઈ ના અવસાન પ્રસંગે મળેલું. 

ભાઈ ચુસ્ત ગાંધીવાદી. મૂલ્યો આધારિત જીવન જીવેલા. ઘણાં લોકોને લાગેલું કે સંતાનો માટે કશું ના કર્યું. બેસણામાં તેમના 'જિદ્દી' સ્વભાવ અને 'વગર વિચારે' નિર્ણયોની ટીકા થઈ. 

તેમના મોટા દીકરાએ બધું સાંભળીને શાંતિથી કહ્યું, "જે સમયે તેમણે જે નિર્ણયો લીધા હતા, તે સંજોગોમાં તે યોગ્ય જ હતા." 
આ બહુ મોટી વાત હતી. પેરેન્ટસે આપણને જે રીતે ઉછેર્યા છે, તેને નિઃસ્વાર્થ અને પૂર્વગ્રહરહિત દ્રષ્ટિકોણથી સમજવા માટે બહુ પરિપક્વતાની જરૂર પડે. 

પેરેન્ટસે તેમની ક્ષમતા અનુસાર આપણા જીવનને બહેતર બનાવવા પ્રયાસો કર્યા હતા તે સમજવું સહેલું નથી, ખાસ કરીને જ્યારે આપણી આસપાસ આપણા કરતાં વધુ 'નસીબદાર' લોકોના દાખલા મોજુદ હોય. મોટાભાગના લોકો એ સમજી શકતા નથી કે પેરેન્ટસે જે તે સમયે જે કર્યું હતું તે શ્રેષ્ઠતમ જ હતું. એટલા માટે ઘણા લોકોમાં પેરેન્ટ્સ માટે (પ્રેમ તો હોય છે) કૃતઘ્નતા નથી હોતી. દરેક નિર્ણયો સમય-સંજોગો આધારિત હોય છે, તેનું પીષ્ટપેશણ બીજા સમય-સંજોગોમાં કરવું તે બદમાશી છે. તેમાંથી માત્ર આપણા ભવિષ્ય માટેનો બોધપાઠ જ હોય.

8th October 2020
Morning Mushing: સફળતા માટે ઘણી ખાસિયતો કામ કરતી હોય છે, પણ મોટાભાગની વ્યક્તિઓ અને સંસ્થાઓમાં જે સૌથી સર્વસામાન્ય ખાસિયત હોય છે, તે સાતત્ય છે. સાતત્ય વિષયાસક્ત નથી હોતું, પણ છેવટે એ જ નિર્ણાયક સાબિત થાય છે. 

સાતત્યમાંથી આદત વિકસે. આદતમાંથી એક્શનની નિયમિતતા આવે છે અને એક્શનમાંથી સફળતા આવે. સફળ અને સુખી સંબંધોથી લઈને વ્યવસાયિક અને સર્જનાત્મક સફળતાઓને તમે જો ધ્યાનથી જૉશૉ, તો તમને તેના મૂળમાં ટેલેન્ટના બદલે સાતત્યની હાજરી વધુ દેખાશે. 

ડો. એ.પી.જે. અબ્દુલ કલામે એકવાર કહ્યું હતું કે- એક સફળતા મેળવીને આરામ કરવા લાગી ના જતા, નહીં તો લોકો એવું કહેશે કે પહેલી સફળતા તો ખાલી નસીબ હતું. નસીબ એકાદવાર સાથ આપે, બાકી લાંબા ગાળાનો ઘોડો તો પરિશ્રમ અને પેશન જ છે. અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચન આનું ઉદાહરણ છે.

9th October 2020
Morning Musings...
જેટલું વધુ વાંચો, એટલી સમજદારી વધે, અને તેનાથી જીવનની જટિલતા સાથે પનારો પાડવામાં સરળતા રહે. આ પુસ્તકોના ગહન વાંચન માટેની વાત છે. 

સોશ્યલ મીડિયા પર આપણે જે માહિતીઓ ગ્રહણ કરીએ છે, તેમાં ઊંધું થાય છે. તેનાથી આપણી સમજદારીની ક્ષિતિજ વિકસતી નથી, પણ આપણા પૂર્વગ્રહોની સીમાઓ વધુ નક્કર થાય છે. સાચુ વાંચન અને સાચી સમજદારી એ છે જેમાં તમે વિચારધારા માં નહિ પણ વિચારશક્તિ થી નક્કી કરો.

આપણે સોશ્યલ મીડિયા પર જેટલું વધુ 'વાંચીએ' છીએ, તેમાંથી આપણા વર્તમાન પૂર્વગ્રહોને મળતાં આવતાં 'તથ્યો'ને ટિક માર્ક કરતા જઈએ છીએ. ધારો કે તમે X વિચારધારાના સમર્થક છો, તો તમે તે વિચારધારાને મળતું આવે તેવું 'વાંચીને' તેમાં તમારી શ્રદ્ધા ઔર મજબૂત કરવાના અને Y વિચારધારાના વિરોધી હો, તો તેને મળતું આવતું વાંચીને તેનો વિરોધ કરવાના તર્કોને વધુ ઊંડા કરવાના. હકીકત એવી છે કે વ્યક્તિ આ વિચારધારા ના ચક્કર મા સાચી માહિતી/સમાચાર શોધવાના અને સમજવાનો પ્રયત્ન કરતો બંધ થઈ ગયો.

સોશ્યલ મીડિયા હોય કે પુસ્તકો શુ અને કેવું વાંચો છો એની ઉપર આધાર છે. કોઈ વિચારકે કહ્યું છે કે વ્યક્તિ કેવો છે એ જાણવું હોય તો એના મિત્રો કોણ છે એ જોઇ લેવા ! 

સોશ્યલ મીડિયા પર લોકો મોટાભાગના 'ટ્રેન્ડિંગ' વિષયોની ચર્ચામાં કટ્ટર બનીને પોલરાઇઝ થાય છે, તેનું મૂળ કારણ તેમનામાં ગહન વાંચન પછીની સમજદારી વિકસી છે એટલે નહીં, પણ અનુકૂળ તથ્યો વાંચીને તેમની તર્કશક્તિ ધારદાર થઈ છે એટલે અને સાથે વિચારશક્તિ એટલી જ નબળી બનતી ગઈ છે..

સમજદારી ઉદાર બનાવે, ચાલાકી કટ્ટર બનાવે. 
Consume Less, Take it Best, and Create More.

10th October 2020
Morning Musings...
એક સફરજન તમારી પાસે હોય, એક સફરજન મારી પાસે હોય અને આપણે એકબીજાના સફરજનની આપ-લે કરીએ, તો તમારી અને મારી પાસે એક સફરજન રહેશે, પણ તમારી પાસે એક આઈડિયા હોય, એક આઈડિયા મારી પાસે હોય, અને આપણે આ આઈડિયાઓની આપ-લે કરીએ, તો આપણા બંનેની પાસે બબ્બે આઈડિયા હશે. -જયોર્જ બર્નાડ શો

11th October 2020
Morning Musings...
બે વ્યક્તિ વચ્ચેનો સંબંધ બુનિયાદી રૂપે ઉર્જાની આપ-લે છે. તેમના પ્રત્યેક વિચાર, પ્રત્યેક શબ્દ, પ્રત્યેક કૃત્ય ઉર્જાનું વ્યક્ત સ્વરુપ છે. એ સંબંધની ગુણવત્તાનો આધાર તેમની ઉર્જા મંદ છે કે ઉચ્ચ, તેના પર નિર્ભર છે. અમુક લોકોમાં એટલી ઉચ્ચ ઉર્જા હોય કે તમારી ઉર્જાને બેવડાવી દે અને અમુક લોકોની ઉર્જા એટલી મંદ હોય કે તમને ખાલી કરી નાખે. મંદ ઉર્જા ધીમી હોય, ઉચ્ચ ઉર્જા તેજ હોય. પાણીની ઉર્જા એના મંદ સ્વરૂપે બરફ બની જાય અને ઉચ્ચ સ્વરૂપે વરાળ બની જાય. આપણે ઘણીવાર કોઈના માટે કહીએ છીએ, "સાવ બરફ જેવો/જેવી છે." એ તમને પણ ઠંડા કરીને વરાળમાંથી બરફ બનાવી દે. એટલા મારે અંગ્રેજી emotion શબ્દમાં motion (ગતિ) શબ્દ છે, જે લાગણીની ઉર્જાનો સંકેત આપે છે. એના મૂળ ફ્રેન્ચ શબ્દ émouvoirનો અર્થ થાય છે to stir up; હલાવવું, સરકવું, જગાડવું, ઉશ્કેરવું. કોઈની ઉર્જા તમને ઉશ્કેરે; બરફ બનવા કે વરાળ બનવા માટે. નેક્સ્ટ ટાઇમ, તમે કોઈની સાથે સંવાદ કરો, ત્યારે તમારા બંને વચ્ચે વિચારો અને શબ્દોની ઉર્જા (કે તેની ગેરહાજરી)ને નોંધજો.

12th October 2020
Morning Musings...
બીજી વ્યક્તિ કરતાં ચડિયાતા સાબિત થવાની ભાવના ગહેરી અસુરક્ષામાંથી આવે છે. અસુરક્ષાની ભાવના હંમેશાં વ્યક્તિઓ સાથે જોડાયેલી હોય. હું બીજાની સરખામણીમાં ઉણો ઉતરું છું, તે વિચારથી જ ખુદને ચડિયાતી પુરવાર કરવી પડે. એ રીતે જોઈએ તો, ચડિયાતા સાબિત થવા પાછળની અસલી ભાવના ખુદને વધુ સક્ષમ બનાવવાની નહીં, પરંતુ બીજી વ્યક્તિને વધુ ઉતરતી સાબિત કરવાની હોય છે. એટલા માટે અસુરક્ષિત વ્યક્તિ સતત બીજી વ્યક્તિની ત્રુટીઓ શોધતી રહે છે. આપણી નોંધ લેવાય તે આપણે સૌને ગમે. અમુક લોકો તે માટે ઉત્તમ ડિગ્રી પ્રાપ્ત કરે, અમુક લોકો સફળ બિઝનેસ ઉભો કરે, અમુક લોકો સર્જનાત્મકતા પ્રવૃત્તિ કરે, અમુક લોકો બીજા લોકોનાં ખોતરણાં કાઢે અને અમુક લોકો હત્યા ય કરે. આ બધું જ ખુદને ચડિયાતા સાબિત કરવા માટે છે.

13th October 2020
Morning Musings...
શ્રેષ્ઠ સંબંધોની એક માત્ર કારગત ચાવી એ છે કે લોકોનો સમય બરબાદ ન કરવો. જે લોકો આપણા કામમાં, વિચારોમાં, ભાવનામાં કે જીવનના નિર્ણાયક પાસાઓમાં બહેતર યોગદાન આપી શકે, તો તેમનો સંગાથ અર્થપૂર્ણ બને. સંગાથમાંથી જો કશું સાર્થક નીપજતું ન હોય, તો તે સમયની બરબાદી છે. લોકો આપણી સાથે નક્કી સમય કરતાં વધુ સમય પસાર કરતા થાય, તો તેનો અર્થ એ થયો કે આપણે તેમના સમયને મુલ્યવાન બનાવી રહ્યા છે. 'તમારી સાથે ક્યાં સમય પસાર થઇ જાય છે, તે ખબર જ નથી પડતી' તે વાક્ય શ્રેષ્ઠ અને સાર્થક સંબંધની નિશાની છે

14th October 2020
Morning Musings..
અમિતાભ બચ્ચન અને રેખાને જન્મદિવસની શુભેચ્છા આપવાનું જેટલું સહેલું છે, તેટલું જ આપણી આજુબાજુની કોઈ વ્યક્તિને શુભેચ્છા આપવાનું અઘરું કેમ હોય છે? કારણ કે અમિતાભને આપણે 'જાણતા' નથી, જ્યારે પરિચિત વ્યક્તિને આપણે 'જાણીએ' છીએ. વાસ્તવમાં, આપણે અસલી અમિતાભને જાણતા નથી, પણ તેની ઇમેજને જાણીએ છીએ. એટલે તે અનુકૂળ ઇમેજને પ્રેમ કરવાનું આસાન રહે છે. આસપાસની વ્યક્તિને આપણે 'અસલમાં' જાણીએ છીએ. આપણા વિશેના તેના વિચારો કે વ્યવહારથી આપણે 'પરિચિત' છીએ, જે આપણને અનુકૂળ ના પણ હોય, અને એટલે આપણા માટે તેને શુભેચ્છા નહીં આપવાનું જરૂરી બની જાય છે. અજાણી વ્યક્તિથી આકર્ષાવું બહુ સરળ હોય છે, પણ એકવાર આપણે તેને 'જાણી' લઈએ પછી તે આકર્ષણ જાળવી રાખવું મુશ્કેલ બની જાય છે. એટલા માટે અસલી સંબંધો બદલાતા રહે છે, પણ ફિલ્મી સંબંધો 'અમર' હોય છે.

15th October 2020
Morning Musings...
સોક્રેટિસે કહ્યું હતું કે- I can't teach anybody. તેને ખબર હતી કે કોઈને જ્ઞાન આપતાં પહેલાં ખુદના વિશે પૂરું જ્ઞાન હોવું જોઈએ. મોટાભગના લોકોને પોતાના વિશે જરા સરખી સમજ નથી હોતી, છતાં તેમનો દાવો હોય છે કે તે બીજાઓને સારી રીતે સમજે છે. બીજાને સમજવા માટેની એકમાત્ર સમજ ખુદને સમજવાની છે, કારણ કે આપણે બીજાથી અલગ નથી. આપણામાં એ જ ત્રુટીઓ અને બદમશીઓ હોય છે, જેને આપણે બીજામાં જોઈએ છીએ. આપણે ખુદને સમજવાનો જ્યારે દાવો કરીએ છીએ ત્યારે મોટાભાગે આપણે ખુદના વિચાર અને વ્યવહારને જસ્ટિફાય કરવાનો પ્રયાસ કરીએ છે. એટલા માટે આપણે હંમેશા આપણા ખરાબ કે ખોટા વિચાર અને વ્યવહારનો પણ "એમાં મારો આશય એવો હતો' કહીને બચાવ કરીએ છીએ અને 'હું તને સારી રીતે ઓળખું છું' કહીને એ જ વ્યવહાર માટે બીજાને આરોપી બનાવીએ છીએ.

16th October 2020
Morning Musings...
આપણા શરીરમાં અંદાજે 32.2 ટ્રીલિયન કોષો વચ્ચે ટપાલીની જેમ સંદેશા આપવા-લઈ જવાનું કામ કરતું કેમિકલ 'સેરોટોનિન' લાગણીઓ અને ખુશીના અહેસાસમાં પણ ભૂમિકા ભજવે છે (ગટ ફીલિંગ્સ). આમાંથી 90 ટકા સેરોટોનિન ગટ્સ એટલે કે આંતરડામાં પેદા થાય છે, જ્યાં તે 100 ટ્રીલિયનથી વધુ સંખ્યામાં રહેતા બેક્ટેરિયા અને અન્ય માઈક્રોબેની બનેલી ઇમ્યુનિટીને પ્રભાવિત કરે છે. આપણી પાચન ક્રિયા ખાલી ખોરાકમાંથી રસાયણો છુટા પાડવાનું જ કામ નથી કરતી, તે આપણી લાગણીઓનું ચાલ-ચારિત્ર્ય પણ નક્કી કરે છે. આપણે પેટમાં જે નાખીએ છીએ, તેની આપણે કેવું ફીલ કરીએ છીએ તેના પર વ્યાપક અસર પડે છે. "અન્ન તેવો ઓડકાર" અથવા "અન્ન એવું મન" કહેવત આ અર્થમાં છે.

17th October 2020
Morning musing...
જીવનની ખૂબસૂરતી એના હંગામીપણામાં છે. પ્રકૃતિમાં બધું જ પ્રવાહી છે, અને એ  નિયમ મુજબ જીવનમાં લોકો આવે છે, અને જતા રહે છે. શાશ્વત સંબંધ જેવું કઈંક હોતું નથી. એમની હાજરી ચોક્કસ અર્થ માટે હોય છે. એ કઈંક આપીને, શીખવાડીને જતા રહે છે. એ આપણી સ્ટોરીનો હિસ્સો બની જાય છે અને આપણને એ આગળના પ્રવાસમાં કામ લાગે છે. એમના જીવનમાં આપણી હાજરીનું પણ એવું જ છે. આપણે તેની મલિકીની લાલચમાં હંગામીપણાને શાશ્વત બનાવવાની જીદ કરીને તેને કઢંગુ કરી નાખ્યું છે. આપણે ગંદા લાંબા સંબંધો વેંઢારીએ છીએ, પણ બહેતર સંબંધનો એક હંગામી અહેસાસ ઝીરવી શકતા નથી.

18th October 2020
Morning Mushing....
પુસ્તકો વાંચવાથી માણસ સુધરી જતો હોત તો આ દુનિયા ક્યારનીય સ્વર્ગ બની ગઈ હોત. દુર ક્યાં જવું? ગુજરાતી લેખકો-વક્તાઓ-પત્રકારોના નિજી વ્યવહારમાં, એમના આપસી સંબધોમાં, એમની બોલ-ચાલમાં એમણે ખુદ લખેલાં પાંચ-પચાસ પુસ્તકો કે પછી ત્રીસ-પચાસ-સિત્તેર વર્ષમાં એમણે વાંચેલાં પંદર-પચીસ-પાંત્રીસ હજાર પુસ્તકોનો કોઈ પ્રભાવ ના પડ્યો હોય અથવા તેમની અંદરની સંકુચિતતા, ઓછાપણા કે વહેંતિયાપણાને ઓછું કરવામાં મદદ ના મળી હોય તો, તમે કે હું (એમનાં કે બીજાનાં) પુસ્તકો વાંચીને ક્યાંથી સંત બની જવાના હતા? આપણે ડાહ્યા બનવાનું છે, હોંશિયાર નહીં, અને એના માટે પુસ્તકોની જરુર નથી.  
બાય ધ વે, ઓસામા બિન લાદેનનો સંહાર થયો ત્યારે તેની ઓરડીમાંથી ૩૯ પુસ્તકો મળ્યાં હતાં. હિટલરની લાઇબ્રેરીમાં ૬,૦૦૦ પુસ્તકો હતાં, અને એણે એ બધાં વાંચ્યાં હતાં.

19th October 2020
Morning Mushing..
What a picture! અવકાશીયાત્રી બ્રુસ મેકેન્ડલેસ તેના અવકાશયાનથી છૂટો થઈને પૃથ્વી પર તરી રહ્યો છે. 1984માં આવી રીતે સ્પેસવોક કરવાવાળો મેકેન્ડલેસ પહેલો અવકાશયાત્રી બન્યો હતો. પાછળથી તેણે લખ્યું હતું, "મારી પત્ની (બરનીસ) મિશન કંટ્રોલમાં હતી અને ત્યાં બહુ ચિંતાનું વાતાવરણ હતું. મારે નિલ (અર્મ્સટ્રોંગ) જ્યારે ચંદ્ર પર ઉતર્યો, ત્યારે જે બોલ્યો હતો એવું કઈંક બોલવું હતું, એટલે મેં કહ્યું-નિલ માટે ભલે એ એક નાનકડું કદમ હતું, પણ મારા માટે તો એ એક મોટો કૂદકો હતો. હું આ બોલ્યો એટલે ટેશન થોડું ઓછું થયું."
Video Link:
https://youtu.be/E9oKEJ1pXPw

20th October 2020
Morning Musings...
તમારી પાસે એકવાર એ બધું જ આવી જાય, જેની તમે ઈચ્છા રાખી હોય, તે પછી એક સવાલ પેદા થાય: બસ આટલું જ? અને જયારે તમને એ સવાલ થાય કે "હવે શું?"તો તે તમારા બોરડમની શરૂઆત છે. તમારી પાસે અત્યારે જે છે અથવા અત્યારે તમે જે કરો છો, તેના કરતાં પણ વધુ દિલચસ્પ, વધુ સાર્થક અને વધુ મહત્વની કોઈ વસ્તુ કે વ્યક્તિ છે, એવું તમને લાગે ત્યાં સુધી બોરડમ અને બેચેનીમાંથી મુક્ત થવાનો કોઈ ઉપાય નથી. તમે વસ્તુઓ અને વ્યક્તિઓ બદલતા જ રહેવાના. બોરડમ સાઈકલ છે. દરેક વસ્તુ કે વ્યક્તિ તમને એક પોઈન્ટ પર આવીને બોરડમ આપે છે, અને તમે વધુ એક પેન્ડલ મારો છો.

21st October 2020
Morning Musings...
હતાશા, ક્રોધ અને પીડાથી ભરેલાં બે મન એકબીજા સાથે સંવાદ કરીને જે 'આનંદ' ઉત્પન્ન કરે, તેને સહિયારું પતન કહેવાય. આપણું મન સ્ટિમ્યૂલસ એટલે કે ઉત્તેજના પર સક્રિય રહે છે. ખિન્ન મનનો પનારો ખિન્ન મન સાથે પડે, તો તેની ખિન્નતામાં ઉમેરો થાય. તમારું મન તમારા 'કહ્યા'માં નથી હોતું, તે બીજા મનના 'કહ્યા'માં હોય છે.

22nd October 2020
Morning Mushing.. 
નેશનલ બ્યુરો ઓફ ઇકોનોમિક રિસર્ચ, કેમ્બ્રિજ, માસાશુસેટટ્સમાં સાઈકીયટ્રીની પ્રોફેસર ડો. કરેન નોરબર્ગે એક વર્ષની મહેનત કરીને, એક માં એના નવજાત માટે સ્વેટર બનાવે તે રીતે, કોટનના રંગ-બેરંગી દોરા વણીને માનવનું મગજ તૈયાર કર્યું, ત્યારે એ એક આર્ટિસ્ટના કળાત્મક સર્જનથી કમ ન હતું.

23rd October 2020
Morning Musings...
કોઈ માણસ લેખક બની જાય, એટલે એની અંદરની ઘૃણા, હિંસા, વાસના, ઈર્ષા, દુષ્ટતા કે નફરત દુર થઇ જાય?  જેમ સારાં વસ્ત્રો પહેરવાથી માણસ સારો નથી બની જતો, તેમ ચોપડીઓ લખવાથી-વાંચવાથી માણસ ઉત્તમ નથી બનતો. ઘણીવાર લેખક હોવાના કારણે જ અંદરની ગંદકી વધુ સારી રીતે બહાર આવતી હોય છે. જેને લખતાં-વાંચતા ના આવડતું હોય, તે સૌથી ઉત્તમ માણસ હોય, તેવું પણ બને. એટલા માટે આપણે ત્યાં 'ભણ્યા પણ ગણ્યા નહીં' એવી કહેવત છે. આ એક અજીબ માનસિકતા છે કે આપણે સેલિબ્રિટી લોકોને આદર્શ અને ત્રુટીરહિત માની લઈએ છીએ, અને બીજી તરફ સેલિબ્રિટી લોકો તેમના અવગુણને સકારાત્મક બનાવીને ગ્લોરીફાય કરે છે.

24th October 2020
Morning Musings...
"શેઠની શિખામણ ઝાંપા સુધી' એ કહેવત પાછળ વિજ્ઞાન છે. આપણે કેવી રીતે મોટિવેટ થઈએ છીએ અથવા નથી થતા? મૂળ શબ્દ છે, motive; હેતુ, કારણ, ઈચ્છા કે જરૂરિયાત. આપણા તમામ વર્તનમાં મોટિવેશન હોય છે. પાણી પીવા પાછળ તરસ છીપાવવાનું મોટિવેશન હોય, ચોપડી વાંચવા પાછળ જાણકારી મેળવવાનું મોટિવેશન હોય, કામ કરવા પાછળ નામ અને દામનું મોટિવેશન હોય. મોટિવેશન ના હોય તો વર્તન ના હોય. મોટિવેશનનો સંકેત બહારથી આવે, પણ તેનો આધાર બાયોલોજીલ હોય છે. જેને 'ફીલ ગૂડ ન્યૂરોટ્રાન્સમિટર' કહે છે, તે ડોપેમાઈન નામનું કેમિકલ આપણામાં તલપ ઉભી કરે છે. આપણા મૂડ, મોટિવેશન અને એટનશન પાછળ આ કેમિકલની ભૂમિકા હોય છે. જેના ઉપભોગથી આપણને મજા આવે, તે ચીજ આપણા માટે મોટિવેશનલ હોય. ડોપેમાઈન આ એકસાઇટમેન્ટના સમાચાર મગજમાં એક ન્યુરોનમાંથી બીજા ન્યુરોનમાં પાસ કરે, જેથી આપણે તે ઉત્કંઠાને સંતોષવા માટે સક્રિય થઈએ છીએ. એટલા જો આપણા શરીરમાં ડોપેમાઈનની કમી હોય, તો ગમે તેટલી મોટિવેશનલ વાતો કારગત નથી નીકળતી. શેઠની શિખામણ ઝાંપાથી આગળ જરૂર જાય, જો ડોપેમાઈન સક્રિય હોય.

25th October 2020
Morning Musings...
પ્રશ્ન: લોકો બોર થઈ જાય છે...
યુજી: તમે બોર નથી?
પ્રશ્ન: યસ, હું બોર થાઉં છું
યુજી: ...કારણ કે વિચારો રિપીટેટિવ પ્રક્રિયા છે. તે સતત રિપીટ થયા કરે છે. એ તમને રગડી નાખે છે.
પ્રશ્ન: તમે કહ્યું કે આપણે બોર થઈને આ કે તે કરવા લાગી જઈએ છીએ.
યુજી: તમે જાતભાતની ચીજો કરો છો.
પ્રશ્ન: પણ પ્રાણીઓ બોર નથી થતાં. 
યુજી: ના, સહેજ પણ નહી.
પ્રશ્ન: માણસ કેમ બોર થાય છે? 
યુજી: કારણ કે માણસ એવી કલ્પના કરી શકે છે કે એ અત્યારે જે કરી રહ્યો છે, તેના કરતાં પણ વધુ મજેદાર, વધુ અર્થવાળું અને વધુ મહત્વનું બીજું કશુંક છે. 

તમે તમારી બુનિયાદી જરૂરિયાતો સિવાય બીજું જે કંઈ ઇચ્છો, તે બોરડમ ઉભું કરે. તમને એવો અહેસાસ થતો રહે છે, "બસ આટલું જ?" પણ પ્રકૃતિને માત્ર બે જ ચીજમાં રસ છે: જીવન ટકાવી રાખવું અને તેના જેવું જ બીજું જીવન પેદા કરવું. તેની ઉપર તમે જે કોઈ કલ્ચરલ-માનસિક જરૂરિયાતો લાદો, તે તમારા બોરડમની જડ છે. તમે જાતભાતના અનુભવો સરજો છો. તમે એક અનુભવથી સંતુષ્ટ નથી થતા, એટલે બીજો અનુભવ શોધો છો. મૂળભૂત રીતે બધા જ અનુભવ એક સરખા જ હોય છે, એટલે બોર થવાનું ચાલુ રહે છે. 
(No Way Out)

26th October 2020
Morning Musings...
મને માઠું લાગ્યું છે એનો મતલબ એ નથી કે હું સાચો છું. તેનાથી વિપરીત, સામેની વ્યક્તિની વાતમાં સચ્ચાઈ છે એટલે મને માઠું લાગ્યું. માઠું અસુરક્ષિત વ્યક્તિને લાગે. અસલમાં સુરક્ષિત વ્યક્તિને માઠું ના લાગે, હસવું આવે. આપણને કોઈ ફિલ્મ માઠી લાગે તો આપણે ટેલિવિઝન સેટ તોડી નાખતા નથી, ચેનલ બદલી નાખીએ છીએ. આપણને કોઈ કપડાં માઠાં લાગે, તો દુકાનના કાચ તોડી નાખતા નથી, બીજી દુકાન પર જઈએ છે. માઠું લાગે ત્યારે કશું કરવાનું ના હોય, ઉપેક્ષા કરવાની હોય, સાંભળવાનું બંધ કરવાનું હોય, નજર ફેરવી લેવાની હોય, ત્યાંથી જતા રહેવાનું હોય. મને માઠું લાગ્યું છે, એમ કહી જાતને પુરવાર કરવાની ના હોય.

27th October 2020
Morning Mushing..
સેન્ડ કિટ્ટન અથવા રેતીની બિલ્લી તરીકે ઓળખાતું આ સૌથી નાનામાં નાનું જંગલી જનાવર એટલું છૂપું હોય છે કે વિજ્ઞાનને પહેલીવાર 1858માં અલ્જીરિયન સહારામાં તેનો પરિચય થયો. છળકપટ કરવું એ જીવતા રહેવાનો ઈવોલ્યુશનરી ગુણ છે. નોર્થ આફ્રિકા, મિડલ ઇસ્ટ અને સેન્ટ્રલ એશિયાનાં પાણી વગરનાં, ખડકાળ રણમાં રહેતી આ બિલ્લીઓ રાતના અંધારામાં જ (લગભગ 4-5 કિલોમીટર) ચાલે છે. તેમનો રંગ રેતી જેવો હોય છે, જેથી તે શિકારી જનાવરને નજરે ના આવે. એટલું જ નહીં, તેના પગમાં રુવાંટી હોય છે, જેથી એ પગ મૂકે પણ રેતીમાં નિશાન ના પડે, એટલે તેમનું પગેરું પણ દબાવી ના શકાય.

28th October 2020
Morning Musings...
કોઈપણ બાબતને કે વ્યક્તિને માત્ર ચાહવા કે ધિક્કારવા સિવાય પણ એક ત્રીજો, અને વધુ ઉત્તમ, વિકલ્પ તેને સમજવાનો છે. મોટાભાગના લોકો બેમાંથી એક એક્સ્ટ્રિમ પર હોય છે.  પ્રેમ અને નફરત બંનેમાં અંધ થઈ જવાની શક્યતા હોય છે, કારણ કે એકમાં તમને માત્ર સારું જ દેખાય અને બીજામાં માત્ર ખરાબ. જેને  કુતૂહલ છે, જેને જાણવું છે અને જેને પોતાની ધારણા કે લાગણીમાં અતિવિશ્વાસ નથી, તે વ્યક્તિ આંધળી ભક્તિ કે આંધળા તિરસ્કાર બન્નેથી દુર રહે. પૂર્વગ્રહ હંમેશાં (ચાહવાનું કે ધિક્કારનું) જજમેન્ટ આપે.

29th October 2020
Morning Musings...
તમને કોઈ પસંદ નહીં કરે, કોઈ તમારી વાહવાહી નહીં કરે, અને કોઈ તમને નહીં ઓળખે તે ડર જતો રહે, પછી અસલી અર્થમાં તમે સ્વતંત્રતા અનુભવી શકો. એમાંથી જ બીજા લોકો સાથે નહીં, ખુદની સાથેની સરખામણી અને હરીફાઇમાંથી તંદુરસ્ત લઘુતાગ્રંથિ પેદા થાય, જે આદર્શ બનવાનો રસ્તો છે. હું ગઈકાલ કરતાં આજે બહેતર બન્યો? એ સવાલ એ સ્વતંત્રતામાંથી આવે.

30th October 2020
Morning Musings...
'સારું લાગવું' એ નશા કરતાં ખરાબ છે, કારણ કે નશાને તો આપણે ખરાબની કેટેગરીમાં મુક્યો છે, પણ 'સારું લાગવાને' આપણે એટલું બધું સકારાત્મક બનાવી દીધું છે કે આપણે ક્યારેય પ્રશ્ન નથી કરતા નિરંતર સારું ફીલ કરતા રહેવું ખરેખર વાસ્તવિક અને વ્યવહારુ છે? આપણે સવારથી લઈને રાત સુધી અને ભોગથી લઈને યોગ સુધી સતત સારી ફીલિંગનાં ઇન્જેક્શન લેતા રહીએ છીએ. થોડો વખત એની કિક રહે છે, અને પાછા આપણે ડિપ્રેસ થઈ જઈએ છીએ, એટલે ફરી પાછો એક ડોઝ શોધીએ છીએ. 'સારું ફીલ' કરતા રહેવું એ પોતે જ નકારાત્મક અનુભવ છે. તમે 'સારું ફીલ' કરવા માટે જેટલા વધુ પ્રયાસ કરો, એટલો જ તેનો અસંતોષ વધુ મજબૂત થાય છે, કારણ કે તમારા પ્રયાસો જ એ વાતની સાબિતી છે કે તમને સારું નથી લાગતું.

31st October 2020
Morning Musings...
સુખી જીવનનો અર્થ એ નથી કે એમાં કોઈ દુઃખ ના હોય. એનો અર્થ એટલો જ કે તે દુઃખ અર્થપૂર્ણ હોય. માતા બાળકને જન્મ આપે તે દુઃખદ સુખ છે. મધર ટેરેસા રક્તપિત્તના રોગીઓની સેવામાં સુખ મેળવતી હતી. સીમા પર સૈનિક શહીદ થાય છે કે કારણ કે એ પીડામાં સાર્થકતા છે. દુઃખ વગરનું સુખ રાત વગરના દિવસ જેવું છે. સુખ સ્વયંસિદ્ધ ભાવ નથી. તમે કેટલું સુખ અનુભવો છો, તે દુઃખના પ્રમાણ પર નિર્ભર છે. જેટલું દુઃખ વધુ, સુખની માત્ર એટલી વધુ. દુઃખ સુખને મીનિંગ આપે છે. માણસ સુખી જીવન માટે નહીં, સાર્થક જીવન માટે સંઘર્ષ કરે છે. આપણે જ્યારે કોઈને 'સુખી રહો' એમ કહીએ છીએ, ત્યારે તેમાં 'અર્થપૂર્ણ જીવો' એવો ભાવ છે.

1st November 2020
Morning Musings...
સર્જનાત્મકતા, ઉત્પાદકતા, તણાવ, સકારાત્મકતા, નકારાત્મકતા, પ્રેમ, નફરત, સમજણ, બેવકૂફી...
આ બધું જ ચક્રવૃદ્ધિ વ્યાજની જેમ વધે, કારણ કે તેમાં આદતનું સાતત્ય હોય છે. એકવાર પૈસો આવી જાય, પછી એ પૈસાને ખેંચે. વજન ઉતારવા માટે રૂટિન બનાવવું પડે, પછી એ આસાન થઈ જાય. એરિસ્ટોટલના નામે એક વિધાન ચઢેલું છે કે “We are what we repeatedly do. Excellence, then, is not an act, but a habit.” આદતો પાડવી સહેલી નથી. ખેતરમાં ઘાસના શેઢા પર ચાલ્યા છો? ત્યાંથી સતત ચાલો એટલે ઘાસમાં ચાસ પડે, પછી આંખ બંધ કરીને પણ ચાલી શકાય. આદતોનું પણ એવું છે. કેટલી તીવ્રતાથી કરો છો, એના કરતાં કેટલી વખત કરો છો, તે અગત્યનું છે. આદતો સાવધાનીપુર્વક પસંદ કરવી જોઈએ.

2nd November 2020
Morning Musings...
લાગણી સામે તર્ક કેમ હારી જાય છે? કારણ એ કે, લોકોને વિવેકબુદ્ધિ (reasoning)ની સરખામણીમાં, સહજસ્ફૂર્તિ (instinct)થી કરાયેલી વાત વધુ વિશ્વસનીય લાગે છે. દાખલા તરીકે આપણે કહીએ છીએ કે, સ્ત્રીઓ તો રડીને પોતાની વાત સાચી મનાવી લે છે. બાળકો રડીને તેમની વાત કહે છે. રાજકારણમાં નેતાઓને કે મંચસ્થ સાધુ-બાવાઓને પણ ખબર છે કે, ભાવનાત્મક અપીલ કરીને પોતાને જનતાના દોસ્ત તરીકે, હમદર્દ તરીકે પેશ કરવું બહુ જરૂરી છે. એટલે જ એ લોકો સતત દુઃખથી રગ દબાવતા રહે છે. આ વૃતિ બહુ આદિમ છે. માણસે સમુદાયમાં રહેવાનું શરુ કર્યું, ત્યારે આપસમાં સહકાર અને વિશ્વાસનું વાતાવરણ ઉભું કરવા માટે અને બીજી વ્યક્તિ આપણી છે કે પરાયી, તે નક્કી કરવા માટે લાગણીઓની અભિવ્યક્તિ સૌથી હાથવાગી નિશાની હતી. જે લાગણીથી વાત કરે, એ ભરોસાપાત્ર હોય, એમ માનવું. આને મોરલ ઇન્ટૂએશન કહે છે. એટલા માટે ફેક ન્યુઝ, પોસ્ટ-ટ્રુથ અથવા ફિક્શન વ્યક્તિગત માન્યતાઓ કે લાગણીઓ પ્રમાણે 'સાચાં' હોય.

3rd November 2020
Morning Musings...
માણસની સેક્સુઅલ ચોઇસ એ એના બુનિયાદી વિચારોનું પ્રતિબિંબ છે. માણસને શું સેક્સુઅલી આકર્ષે છે, એ મને કહો તો એના પરથી હું તમને એનું પૂરું જીવન દર્શન સામે ધરી દઉં. એ કોની સાથે સુવે છે, એના પરથી એ ખુદની કિંમત કેટલી આંકે છે, એ કહી દઉં. એ એની તરફ જ મોહિત થશે, જેનામાં એને ખુદના વિચારોની ગહેરાઈ નજર આવતી હોય. આવી વ્યક્તિને સેક્સુઅલ ડિઝાયરમાં આદ્યાત્મિક વેલ્યુ ના દેખાય, એ અશક્ય છે.  -આયન રેન્ડ

4th November 2020
Morning Musings...
લાગણીમાંથી આશય પેદા થાય. આશય વિચારને જન્મ આપે. વિચાર લાગણીને ભડકાવે. લાગણી આવેગમાં તબ્દીલ થાય. આવેગમાંથી ડિઝાયર ઉત્પન્ન થાય. ડિઝાયર લાગણીને સક્રિય કરે..

5th November 2020
Morning Musings...
તમને જો આ 10 સ્વતંત્રતા હોય, તો તમે સમૃદ્ધ છો: 
1. સમયસર સુઈ શકતા હો અને ઉઠી શકતા હો
2. અઘરામાં અઘરો વિચાર કરી શકતા હો
3. બધું જ કહી શકાય તેવો એક સંબંધ રાખી શકતા હો
4. બેકાર લોકોથી પીછો છોડાવી શકતા હો
5. ખાવા-પીવાની ફિકરમાં પીડાતા ના હો
6. પોતાની શરતે સમય પસાર કરી શકતા હો
7. ગમતી ચીજો કરી શકતા હો
8. આજુબાજુના લોકોના માર્ગદર્શક બની શકતા હો
9. કશામાં પણ આસક્તિ વગર લગાવ રાખી શકતા હો
10. ખુદને ગંભીરતાથી લેતા ના હો

6th November 2020
Morning Musings...
જીવનનો સૌથી શ્રેષ્ઠ સમય એને કહેવાય, જ્યારે તમે તમારી સઘળી મુસીબતોની કમાન તમારા હાથમાં લઈ શકવા સમર્થ હો. આ એ સમય છે, જયારે તમે તમારી મુસીબતો માટે તમારા પિતાને, સમાજને, સંજોગોને કે દેશના વડાપ્રધાનને જવાબદાર ઠેરવવાનું બંધ કરો છો. આ એ સમય છે, જયારે તમને એ સમજ આવી જાય છે કે, તમારી નિયતિ તમારા હાથમાં છે. બહુ ઓછા લોકોના નસીબમાં આવો સમય આવતો હોય છે.

7th November 2020
US Presidential Election - ભાગ -2

ગયા વર્ષે 2019 ના September મહિના માં US Election વિષે મુંશીન્ગ માં માહિતી આપી હતી..( ઉપર ના PIC માં) આ વર્ષે US માં Election ની ગતિવિધિ ચાલુ છે..જેના વિષે થોડી વધુ માહિતી આજ ના મુંશીન્ગ માં..

અમેરિકામાં પ્રેસિડેંશિયલ ઈલેક્શન દર ચાર વર્ષે નવેમ્બર મહિનાના પહેલા સોમવાર પછીના મંગળવારે કરવામાં આવે છે. આ ઈલેક્શનનો પ્રોસેસ જટિલ અને ગૂંચવણભર્યો છે. એમાં અમેરિકન સિટીઝન્સ અને ઈલેક્ટોરલ કોલેજ દ્વારા વોટિંગ થાય છે. ભારતીય  કે બ્રિટિશ ચુંટણી પદ્ધતિ કરતા અમેરિકન ચુંટણી પદ્ધતિ ઘણી અલગ છે.

અમેરિકન પ્રેસિડેન્ટની ચુંટણી જીતાયેલી પાર્ટીના ઈલેક્ટ્રોરેલ કરે છે. અમેરિકન નાગરિકો જનરલ ઈલેક્શન દ્વારા પોતાના સ્ટેટના ઇલેક્ટ્રોલ્સને જે તે સ્ટેટમાં આવેલી બહુમતી મુજબ એ પાર્ટીના પ્રેસિડેન્ટ પદના ઉમેદવારને ચૂંટવાનો અધિકાર આપે છે. અમેરિકન બંધારણમાં આ પ્રક્રિયા દાખલ કરવાનું કારણ એ છે કે કોંગ્રેસમાં ચૂંટાયેલા પતિનિધિઓ (સાંસદો) પ્રેસિડેન્ટની ચૂંટણી કરે કે લોકો સીધા મતદાનની પ્રક્રિયાથી પ્રેસિડેન્ટ ચૂંટે એના બદલે એ બંને પ્રકારની વ્યવસ્થાઓ સચવાય છતાં પણ કોઈ એક રીતના ફાયદાઓ, ગેરફાયદાઓ કે સ્થાપિત હિતો પ્રેસિડેન્સિયલ ઈલેક્શન પ્રોસેસને અસર ના કરે.  ઇલેક્ટ્રોરલ કોલેજ એ કોઈ સ્થાન નથી, પણ એ પ્રેસિડેન્ટ અને વાઇસ પ્રેસિડેન્ટ ચૂંટવાની પ્રક્રિયા છે.

આખા વિશ્વની નજર હમણાં અમૅરિકાના પ્રેસિડેન્શિયલ ઈલેક્શનના રિઝલ્ટ પર ટકી છે. પરંતુ હજુ સુધી ચાર રાજ્યોમાં મતગણતરી પુરી થઇ ન હોવાથી જ્યાં સુધી એ સંપૂર્ણ ન થાય ત્યાં સુધી રિઝલ્ટ ડિક્લેર નહીં કરાય. નેવાડા, જ્યોર્જિયા, નોર્થ કેરોલિના અને પેંસિલવેનીયામાં મત ગણતરી પુરી થયા બાદ જ રિઝલ્ટ ડિક્લેર થશે. વિસ્કોન્સિનમાં લીડ બહુ ઓછો હોવાથી ફેરમતગણત્રીના ચાન્સીસ છે. એ કારણે પણ રિઝલ્ટ જાહેર થવામાં માં વાર થશે જ. 

ગઈકાલ ની મત ગણતરી મુજબ બાયડન 253 એન્ડ ટ્રમ્પ 213 પ્રોજેક્ટેડ ઈલેક્ટોરલ વોટ્સ ધરાવે છે. યાદ રહે કે આ બિનસત્તાવાર રિઝલ્ટ ગણાય છે. સત્તાવાર રિઝલ્ટ બધા જ વોટ ગણાય જાય પછી જ જાહેર થાય છે. નેવાડામાં 8000, જ્યોર્જિયામાં 18000, પેંસિલવેનિયામાં 200000, નોર્થ કેરોલિનામાં 100000 મતની સરસાઈ છે અને હજુ વોટ ગણવાના બાકી છે. જો ટ્રમ્પ આ ચારે ય રાજ્યો જીતી જાય તો 270 થઇ શકે છે. અને જો એમાંથી એકાદ બે રાજ્યોમાં બાયડન સરસાઈ મેળવે તો એ પણ જીતી શકે છે, એટલે હાલમાં પલડું ઊંચું નીચું થઇ શકવાની બધી જ શક્યતાઓ છે. એટલે બન્ને રાજકીય પાર્ટી આ પ્રક્રિયા પુરી નહીં થાય ત્યાં સુધી ઉજવણી કરી નહીં શકે. 

જે લોકોને ચુટંણીની પરિણામ જાણવાની બહુ જ ઇંતેઝારી કે ઉતાવળ હોય એમને ખાસ જાણ કરવાની કે આમ પણ પ્રેસિડેન્શિયલ ચૂંટણી પ્રક્રિયા પ્રમાણે ઈલેક્ટોરલ કોલેજનું વોટિંગ તો હજુ બાકી જ છે. દરેક રાજ્યમાં અગાઉથી નિમાયેલા ઈલેક્ટોરને પ્રેસિડેન્ટની ચૂંટણીમાં વોટ આપવાનો અધિકાર છે. અને એ વોટના આધારે જ પ્રેસિડેન્ટની ચૂંટણી થાય જે તે રાજ્યમાં બહુમતી મતદારોએ ચૂંટેલી પાર્ટીના ઈલેક્ટોરલને જ વોટિંગમાં ભાગ લેવા દેવાય. એ જરૂરી નથી કે બધા જ ઈલેક્ટોરલ કેન્ડીડેટ્સ પોતાના સ્ટેટની બહુમતી મુજબ જ વોટિંગ કરે. ((ઈલેક્ટોરલ કોલેજની નિમણુંક અને કાર્યપધ્ધતિ માટે એક અલગ પોસ્ટ સપ્ટેમ્બર માસમાં મૂકી જ હતી) 

પ્રેસિડેન્શિયલ ચૂંટણી પ્રકિયા મુજબ ડિસેમ્બર મહિનાની આઠમી તારીખ સુધી પ્રેસિડેન્શિયલ ચૂંટણી લગતાં બધા ડિસ્પ્યુટનો નિકાલ કરવાનો હોય છે. આ દરમ્યાન મતની ફેરગણત્રી કે કોર્ટ કેસીસ હોય તો એનો નિકાલ કરવાનો રહે છે. ડિસેમ્બરની 14 તારીખ સુધીમાં ઇલેક્ટ્રોરેલની મિટિંગ યોજાશે જેમાં બધા જ સ્ટેટના ઈલેક્ટોરલ પ્રેસિડેન્ટ અને વાઇસ પ્રેસિડેન્ટનું વોટિંગ બેલેટ દ્વારા કરશે જેમાં એમણે એમના હસ્તાક્ષર પણ કરવાના હોય છે. 

બેલેટની ચાર નકલ હોય છે. એક પ્રેસિડેન્ટને અપાય છે, એક સેનેટના વડાને, એક સેક્રેટરી ઓફ સ્ટેટને અને એક નકલ ન્યાયમૂર્તિને અપાય છે. સેનેટની કોપી જે વાઇસ પ્રેસિડેન્ટ પાસે હોય છે એ ઓફિસીયલી કાઉન્ટ થાય છે. 

ડિસેમ્બરની 23 તારીખ સુધીમાં આ બધા જ બેલેટ પેપર્સ સબમિટ કરવાના હોય છે. જે જાન્યુઆરીની 6 તારીખે અમેરિકન સંસદમાં કાઉન્ટ કરવામાં આવે છે.અને २७० કે વધુ ઇલેક્ટ્રોરેલ વોટ્સ મેળવનાર ટીમને પ્રેસિડેન્ટ - વાઇસ પ્રેસિડેન્ટ ઘોષિત કરાય છે. સત્તાવાર રીતે પ્રેસિડેન્ટ અને વાઇસ પ્રેસિડેન્ટની જાહેરાત કરવામાં આવે છે. 

જાન્યુઆરીની 20મી તારીખે અમેરિકન પ્રમુખનો રાજ્યાભિષેક થાય છે. 

ps: હું અમેરિકન નાગરિક નથી પણ હું મોટા ભાગ ના વિશ્વ ના દરેક મોટા દેશ ની ચૂંટણીમાં રસ લઉં છું. આ પોસ્ટ ફક્ત માહિતી માટે જ રજૂ કરું છું. બંધારણ મુજબ જે રાષ્ટ્રપ્રમુખ જાહેર થશે એનો સ્વીકાર કરવો એ દરેક નાગરિક ની ફરજ છે.
ઉપરોક્ત માહિતી મારા અનુભવ અને અમેરિકન બંધારણ વાંચી ને તથા ઇન્ટરનેટના વિવિધ સ્ત્રોતમાંથી લેવામાં આવેલી છે. માહિતીની સત્યતાની ચકાસણી અમેરિકન બંધારણ વાંચીને પણ કરી શકાય

8th November 2020
Morning Musings...
ઉચાટનો શ્રેષ્ઠ ઉપાય; જરૂર ના હોય તેવી ઇન્ફોર્મેશનથી મગજને ભર-ભર નહીં કરવાનું.
ગુસ્સાનો શ્રેષ્ઠ ઉપાય; કામના ના હોય તેવા દરેક શબ્દો સામે રીએક્ટ નહીં કરવાનું.
સ્ટ્રેસનો શ્રેષ્ઠ ઉપાય: નિયમિત કસરત કરવાની આદત સાથે બાંધછોડ નહીં કરવાની
ડિપ્રેસનનો શ્રેષ્ઠ ઉપાય; બીજાઓ માટે ઉપલબ્ધ રહેવાનું, ખાલી જાત સાથે જ ઓબ્સેસન નહીં રાખવાનું. 
લાસરિયાપણાનો શ્રેષ્ઠ ઉપાય; આદતવશ ફરિયાદો કરતા 'અંદરના' અવાજને નહીં સાંભળવાનો.

9th November 2020
Morning Musings...
સફળતા એ નથી કે બહુ બધા લોકો તમને ચાહે છે. સફળતા એ છે કે યોગ્ય લોકો તમને ચાહે છે કે નહીં. તમે જેટલા ઓછા તોછડા હો, યોગ્ય લોકોની ચાહવાની સંભાવના એટલી જ વધતી જાય. પૈસા અને પ્રસિદ્ધિ હોય, તો તમે તમારી પ્રશસ્તિમાં પુસ્તકો છપાવી શકો, પ્રસ્તાવનાઓ લખાવી શકો, તખતીઓ કોતરાવી શકો, સન્માન સમારંભો યોજાવી શકો, અને બધા તમારા માટે તાળીઓ ય પાડે, પણ પ્રેમના પુરાવા એ નથી. પ્રેમની મુસીબત એ છે કે એને ખરીદી ના શકાય. એ તમારે જીવવો પડે. લોકો તો જ તમને વાસ્તવમાં પ્રેમ કરે.

10th November 2020
Morning Mushing...
“Look again at that dot. That's here. That's home.That's us.'..

અમેરિકન ખગોળશાસ્ત્રી કાર્લ સાગાનના આ શબ્દો છે. 14 ફેબ્રુઆરી 1990ના રોજ વોયેજર-1 અવકાશયાને 6 બિલિયન કિલોમીટર દૂરથી પૃથ્વીનો પહેલો ફોટો પાડ્યો, તેના બીજા દિવસે તેમણે આ કહ્યું હતું. તેમાં ઓરેન્જ રંગના કિરણમાં એક નાનકડી લાઈટ દેખાય છે, તે પૃથ્વી છે. પિકસલ જેવી પૃથ્વીનો આ ફોટો કાર્લ સાગાનની દુરંદેશીનું પરિણામ છે. 

વોયેજર સૂર્યમાળાનું ભ્રમણ સમાપ્ત કરીને પરત ફરવાનું હતું, ત્યારે કાર્લ સાગાને તેમના અભ્યાસના આધારે નાસાને વિનંતી કરી કે વોયેજરના કેમેરાને અમુક એંગલ પર ફેરવશો તો પૃથ્વી ફોકસમાં આવશે. એમ જ થયું. સાગાને પછી Blue Dot નામનું પુસ્તક પણ લખ્યું હતું. વૈજ્ઞાનિક સમુદાય આજે કાર્લ સાગાનનો 86નો જન્મ દિવસ મનાવી રહ્યો છે.

અને આપણી હોડ આ નાના બિંદુમાં મોટા માણસ બનવાની છે, અને મોટા માણસ થવાની ઓળખ એટલે બ્લુ ટીક નામનો નાનો બિંદુ.

11th November 2020
Morning Musings...
મહત્વનું એ નથી કે એણે મારી પીઠ પાછળ મારા વિશે તમને શું કહ્યું હતું. મહત્વનું એ છે કે તમે એવું તે શું કર્યું કે એનેે એ કહેવા માટે અનુકૂળતા અને સરળતા મહેસુસ થઈ?

12th November 2020
Morning Musings...
કોઈની પાસેથી કશું શીખવું હોય, તો જરૂરી નથી કે તમે એની સાથે સહમત થાવ. તમે ખાલી સાફ મનના, ગ્રહણશીલ અને પુર્વગ્રહ વગરના હો, તો તે પૂરતું છે. કોઈની પાસેથી શીખવું એ ચોઇસ છે, અને ચોઇસ કેળવવી પડે. નવશીખીયો એટલા માટે જ સરળતાથી શીખી શકે છે, પણ બહુ 'જાણકાર' માણસ પૂર્વગ્રહોથી પીડાતો હોય છે.

13th November 2020
Morning Musings...
દુનિયામાં માણસની સૌથી મોટી જરૂરિયાત એ હોય છે કે એની જિંદગીને જોવાવાળું કોઈ હોય. જીવનના સહ-સાક્ષીઓ આપણને શ્વાસ લેતાં અને સંઘર્ષ કરતાં અને પડતાં-આખડતાં જુવે છે. એ આપણા પેરેન્ટ હોઇ શકે, દોસ્તો હોઈ શકે કે દિલબર હોઈ શકે. અમુક લોકો ખુદ જ ખુદના સાક્ષી હોય છે, અને એને જ પાગલપન કહે છે.

14th November 2020
Morning Musings...
તમે બજારમાં કશું ખરીદવા જાવ, અને પૈસા આપીને વસ્તુ ખરીદો છો, એવું જ માનવીય સંબંધોમાં પણું નથી હોતું; તમે મને પ્રેમ આપશો તો હું તમને પ્રેમ આપીશ? સ્વીકારવું અઘરું છે પરંતુ ફેક્ટ એ છે કે આપણા સંબંધો પણ એક વ્યવહાર જ છે, કન્ડિશનલ આપ-લે છે. તમને જે જોઈએ છે તે હું જો ના આપું તો મારા માટેનો તમારો 'ભવ્ય' પ્રેમ કપૂરની જેમ ઉડી જાય. તમામ સંબંધોના પાયામાં એક જ સવાલ હોય છે; મને આમાંથી શું મળશે? આનો જવાબ ન મળે તો કોઈ સંબંધ શક્ય નથી. એ જ સાચવવું પડે છે પ્રેમના વ્યહેવારમાં..
કે વ્યવહાર જેવું કશું રહી ન જાય પ્રેમમાં..

15th November 2020
Morning Mushing...
ઇટાલિયન એનસાઈકલોપીડિયા જેને દુનિયાના ત્રણ સર્વોત્તમ વોટરક્લરિસ્ટમાં ગણે છે તેવા ભારતના મશહૂર ચિત્રકાર એસ. એલ. હળદનકરે (1882–1968) લગભગ 70 વર્ષ પહેલાં, દિવાળીની ઉજવણી વેળા નૌ-વારી સાડીમાં સજ્જ તેમની 16 વર્ષની દીકરી ગીતાને હાથમાં દીપ લઈને ઉભેલી જોઈને આ ચિત્ર દોર્યું હતું, જે 'ગ્લો ઓફ હોપ' (આશાના કિરણ) નામથી પ્રસિદ્ધ છે.

હળદનકર સાબિત કરવા માંગતા હતા કે વોટર કલરનો ઉપયોગ કરીને પણ એક પણ વખત ભૂલ કર્યા વગર ચિત્ર દોરી શકાય છે. ઓઇલ પેઇન્ટમાં ભૂલ થાય તો સફેદ પેઇન્ટથી તેને ઢાંકી શકાય. 
આ પેઈન્ટિંગ માટે ગીતાએ ત્રણ કલાક સુધી આ મુદ્રામાં ઉભા રહેવું પડ્યું હતું. 

2018માં, 101 વર્ષની વયે ગીતા ઉપળેકરનું કોલ્હાપુરમાં અવસાન થયું હતુ. વોટર કલરથી બનાવાયેલુ આ ચિત્ર અત્યારે મૈસુરના જગમોહન પેલેસમાં શ્રી જયચમરાજેન્દ્ર આર્ટ ગેલેરીમાં મુકવામાં આવ્યું છે.

તેની આસપાસ કમરામાં પડદા ઢાળવામાં આવ્યા છે અને ફાનસના અજવાળે આ ચિત્રને જોવામાં આવે છે, જેથી એવું લાગે જાણે ગીતાના હાથમાં જે દીપ છે તેનો પ્રકાશ કમરામાં ફેલાય છે.

16th November 2020
નવા વર્ષે યાદ રાખવા જેવાં 10 ઝેન સૂત્રો:
1. આંખ સામે જે હોય, તેમાં સંપૂર્ણ એકાગ્રતા રાખો.
2. સંયોગ જેવું કશું હોતું નથી. દરેકનો એક અર્થ હોય છે.
3. સાધન અને સાધ્ય વચ્ચે ગોટાળો ન કરવો. બંને અલગ છે.
4. પાણીની જેમ, અનુકુળતા કેળવીને, વહેતા રહેવું.
5. અપણને કશું જ નિયંત્રિત કરી શકે તેમ નથી
6. ખરાબ અનુભવમાંથી પણ બોધપાઠ મળે. 
7. મુસીબતમાં પગ નીચેની જમીન ખસી ના જાય તે જોવું
8. આપણે એકલા નથી હોતા, ક્યારેય નહીં.
9. એવી રીતે જીવવું જાણે ઘસાઇ ગયેલા સેન્ડલ હોઈએ.
અને...
10. પાણીમાં હાથ બોળો તો ચન્દ્ર હાથમાં આવે.
(ઉપરના પુસ્તકમાંથી)

17th November 2020
Morning Musings...
પોતાની જાતને બદલવાની ક્ષમતા, એ અસલી તાકાત છે, બાકી બધાં રમકડાં છે. એ શક્તિ તમારી અંદર જ છે, બહાર કોઈ ઈશ્વરમાં, ગુરુમાં કે પુસ્તકોમાં નથી. કોઈ તમને બદલી ના શકે, કારણ કે તમારા બધા જ વિચારો, વ્યવહારો, લાગણીઓ ઓટોમેટિક છે, એ વર્ષોની તમારી આદત અને પેટર્નનું પરિણામ છે. એ આદત, એ પેટર્ન તમારી આઇડેન્ટિટી પણ છે. જાતને બદલવી એટલે આઇડેન્ટિટીને જતી કરવી તે. બહુ ઓછા લોકોમાં આ સાહસ હોય છે. બાકી, "હું તો આમ" અને "હું તો તેમ" કહીને જિંદગીને આદતોના રેપિટિશનમાં ગુજારી નાખો, એ જીવ્યા ના કહેવાય, એ મિકેનિકલ પ્રોસેસ કહેવાય.

18th November 2020
Morning Musings...
હમ લોગ ભી કિતને અજીબ હૈ
નિશાનિયાં મહફૂઝ રખતે હૈ, લોગો કો ખો દેતે હૈ.. 
--ડો. તાહિર ઝૈદી
આપણે ક્યારેય કોઈ વ્યક્તિને મિસ નથી કરતા. આપણને એ યાદગીરીની ખોટ સાલે છે. આપણે બદલાઈએ છે, ક્યારેક છ દિવસમાં, ક્યારેક છ વર્ષમાં. આપણી ઇમેજ, આપણી યાદગીરી બદલાતી નથી. નવી વ્યક્તિ સાથે નવી યાદો વણાતી રહે છે, પણ પહેલી મેમરી 'જીવતી' રહે છે. નવી વ્યક્તિ તમને અનુકૂળ ના આવે, તો તમે એ વ્યક્તિને નહીં, પણ એની સાથે જોડાયેલી જૂની યાદોને મિસ કરો છે (જે તમને અનુકૂળ હતી). આ પણ ખુદને જ પ્રેમ (સેલ્ફ લવ) કરવાનો પ્રકાર છે. નવી વ્યક્તિને તમે જો સ્વીકારશો, તો તમે એને મિસ નહીં કરો, અને તમને યાદોની પણ જરૂર નહીં પડે. આ અસલી પ્રેમ છે. સિમ્પલ.

19th November 2020
Morning Musings...
સ્વ-તલ્લીન (Self-Absorbed) વ્યક્તિને કેવી રીતે ઓળખવી? પાંચ લક્ષણ:
૧. એ બીજાની દ્રષ્ટીએ કશું જોઈ જ ના શકે. પોતે જે માને છે તેનો ભરપુર બચાવ કરે. એને એમ લાગે કે દુનિયા એની આજુબાજુમાં ગોળ ફરે છે. એને એટેન્શન બહુ ગમે, પણ એ નેગેટીવ ન હોવું જોઈએ.

૨. એના દોસ્તો બહુ હોય. એટલા માટે નહીં કે એ પ્રેમાળ છે, પણ એટલા માટે કે દોસ્તો ખપમાં આવે. ક્વોલીટી કરતાં કવોન્ટિટીમાં રસ હોવાથી, એવી વ્યક્તિ લોંગ-ટર્મ સંબંધો ના બનાવે. યુઝ એન્ડ થ્રો.

૩. ખુદના ઓપિનિયન બહુ વ્હાલા હોય. એ ખુદની જ ઈમેજ, ઈચ્છા અને પ્રાથમિકતામાં મશગુલ હોય. 'જરૂર' હોય ત્યારે જ બીજાની દરકાર કરવાની વૃતિ હોવાથી, એનામાં બીજા માટે સહજ હમદર્દી કે કરુણા નથી હોતી.

૪. મોહરાં પહેરી રાખે. તમને પ્રભાવિત કરવા માટે એની પર્સનાલીટીનો બેસ્ટ પાર્ટ પેશ કરે. એને કમ્ફર્ટેબલ ન હોય કે એને અસુરક્ષિત કરે એવો કમજોર પાર્ટ તમે ના જુવો તે માટે ભરપુર પ્રયાસ કરે. એટલે જ એને નકલી સંબંધો વધુ માફક આવે.

૫. દુનિયા એને કાવતરાખોર લાગે. એને સતત અન્યાય થતો હોવાની લાગણી રહે. એના માટે પ્રોબ્લેમ 'તું' અથવા 'પેલો/પેલી' હોય, 'હું' નહીં. બીજાનું સતત અવમુલ્યન કરે. ખુદને સુપિરિયર માને.

20th November 2020
Morning Musings...
આધુનિકતા ફેશન નથી, એ સ્થિતિ છે. ઇતિહાસને સમજવો અનિવાર્યતા છે, અને જે ઇતિહાસને સમજે છે, તેને એ ખબર પડે કે જે હતું તે, જે છે તે અને જે થવાનું છે, તે વચ્ચે સાતત્ય કેવી રીતે શોધવું. તેને આધુનિકતા કહેવાય. આધુનિકતા ને ફેશન માં ખપાવી દેવાય છે.વિચારો જુના જ રહે છે. - લા કોરબૂઝિયે, ફ્રેન્ચ આર્કિટેક્ટ

21st November 2020
Morning Musings...
આપણી સ્વતંત્રતા સામે આજના સમયમાં બે જ ખતરા છે; એક, અજ્ઞાનતા. સમાજ કે દેશ કઈ દિશામાં જઈ રહ્યો છે, તે બાબતે જયારે મોટાભાગના લોકો બેપરવા હોય ( 'આપણે શું?'), ત્યારે આપણે એક પ્રકારની માનસિક નિદ્રામાં સરકી જઈએ છીએ. બીજો ખતરો આપણને આત્મિક જીવ ગણવાને બદલે ફક્ત આર્થિક ઘટક ગણવાનો છે. માણસો જયારે 'ખાવો, પીવો, મોજ કરો'માં માનતા થઇ જાય, ત્યારે એની જે માનસિક અથવા આધ્યાત્મિક સમૃદ્ધિ છે, તે ગિરવે મુકાઇ જાય છે. (અમેરિકા આનું પ્રમુખ ઉદાહરણ છે.)

22nd November 2020
Morning Musings...
તમે કોઈ અહંકારી વ્યક્તિના બોલ સાંભળો તો...
1. તમને કષ્ટ થયાની ફીલિંગ આવશે
2. તમને થાય કે એને વળતું સંભળાવીને એને નીચો પાડું.
3. એક અહં હંમેશા બીજા અહંને ટ્રિગર કરે
4. નેક્સ્ટ ટાઈમ, તમારો ઈગો કેવી રીતે ટ્રિગર થાય છે એ જોજો, અને એ ફીલિંગને પસાર થઈ જવા દેજો.

23rd November 2020
Morning Musings...
માણસ પશુથી અલગ એટલા માટે નથી કે એનામાં લાગણી છે, પણ એટલા માટે કે એ લાગણીથી પોતાને અલગ કરીને વિવેકબુદ્ધિના સહારે વ્યવહાર કરી શકવા સક્ષમ છે. હકીકત એ છે કે, માણસનું બુનિયાદી સત્ય લાગણીમાં નહીં, પણ એના બૌદ્ધિક ચૈતન્યમાં છે.

24th November 2020
Morning Musings...
કોઈપણ જૂથ હોય, ચાહે રાજકીય હોય, સાંપ્રદાયિક હોય કે કોર્પોરેટ કંપની હોય, તે એના સભ્યો પાસે ક્યારેય એવો એકરાર ના કરે કે તેમણે ભૂલ કરી છે. એટલા માટે તેનું સાર્વજનિક પતન થાય, ત્યારે તે ષડયંત્ર રચાયું હોવાની ફરિયાદ કરે છે. આજ જ વાત, અનુયાયીઓ અને ચાહકોની વાહવાહી પર જીવતી વ્યક્તિને પણ લાગુ પડે છે. તે ક્યારેય ખુદની ત્રુટિનો સ્વીકાર ના કરે. તેને વાહવાહીવાળી ઇમેજ જાળવી રાખવી પડે.

25th November 2020
Morning Musings...
તમે જેની સાથે સહમત ના હો એવા દ્રષ્ટિકોણથી પરિચિત થવાના બે ફાયદા છે; એક, તમને બીજી વ્યક્તિના વિચારોની બહેતર સમજ પડે અને તમે કેમ સહમત નથી એની વધુ સ્પષ્ટતા થાય. અથવા, તમને કશુંક નવું જાણવા મળે અને તમે તમારા દ્રષ્ટિકોણમાં જરૂરી સુધારો કરી શકો. એટલા માટે જ કાન દઈને સાંભળવું, એ પ્રેમનું સર્વોત્તમ સ્વરૂપ છે. એનો મતલબ એમ કે બીજી વ્યક્તિ તમને કશુંક અગત્યનું શિખવી રહી છે.

26th November 2020
Morning Musings...
શિક્ષણની ઉપયોગીતા જીવનની વ્યવહારિકતાથી વધીને કશું નથી. તમે ગણિત, મિકેનિક્સ કે મેડિકલની ટેકનિક ભણાવી શકો, પણ પ્રમાણિકતા કેવી રીતે ભણાવી શકો? તમે લોકોને ક્લાસરૂમમાં નૈતિકતા કેવી રીતે શીખવાડી શકો? લોભી, સ્વાર્થી અને મહત્વાકાંક્ષી સમાજમાં તમે એક વિધાર્થીને ઉદાર, નિઃસ્વાર્થ અને સંતોષના ગુણ કેવી રીતે ભણાવી શકો? એટલે જ ભણીને બહાર પડેલા લોકો ન્યુરોટિક બની જાય છે.

27th November 2020
Morning Musings...
સવાલોના પ્રેમમાં પડો તો એ ડહાપણ કહેવાય. જવાબો સાથે પ્રણય હોય તો એ જ્ઞાન કહેવાય, એવું કોર્પોરેટ ટ્રેઇનર જુલિઓ ઓલાલએ કહ્યું છે. શીખવામાં અને જાણવામાં આ જ ફરક છે.  જ્ઞાન કહે છે, "મને બધી ખબર છે." ડહાપણ કહે છે, "હજુ કેટલું સમજવાનું બાકી છે." ડહાપણમાં લવ અફેર જેવી પ્રવાહિતા છે. જ્ઞાનમાં લગ્નનું માલિકીપણું છે. જ્ઞાન અંત છે. ડહાપણ આરંભ છે.

28th November 2020
Morning Musings...
કોઈ વ્યક્તિ તમને કશુંક કહે, અને તમે એના પર વિચાર કરવા લાગો, તો તમે કોઈકના વિચારને વિચારો છો, જેને તમે 'મારો વિચાર' કહો છો. દુનિયામાં દરેક વ્યક્તિ આ જ રીતે વિચારે છે, અને એટલા માટે મૌલિક વિચાર કે નવો વિચાર જેવું કશું નથી. આપણા તમામ વિચારો સેકન્ડ-હેન્ડ, થર્ડ-હેન્ડ, ટેંથ-હેન્ડ છે. એ રિસાઈકલ થયા જ કરે છે. ક્રિએટિવિટીનું પણ આવું જ છે.

29th November 2020
Morning Musings...
મારી માએ મને કહ્યું હતું, 'તું જો સૈનિક બનીશ, તો બઢતી મેળવીને જનરલ બનીશ. તું જો સાધુ બનીશ, તો આગળ જઈને પૉપ બનીશ.' તેના બદલે, હું ચિત્રકાર બન્યો અને પિકાસો બનવા સુધી ગયો. -પાબ્લો પિકાસો

30th November 2020
Morning Musings...
પોતાની જાતને વધુને વધુ મહત્વપુર્ણ, વધુને વધુ રોચક, વધુને વધુ પ્રેમયોગ્ય અને વધુને વધુ દિલકશ બનાવવાના આપણા નિરંતર પ્રયાસો આપણને ન્યુરોટિક બનાવી દે છે.

1st December 2020
Morning Musings...
કોઈપણ સહિયારા સંબંધમાં બોરડમ ના આવી જાય, તે માટે તમે સામેવાળી વ્યક્તિ માટે સતત દિલચસ્પ રહો તે અનિવાર્ય છે. આ ચેલેન્જ છે. મોટાભાગના લોકો અમુક હદથી આગળ જઈને ઉબાઉ થઈ જાય છે. ફોટામાં કે વાતોમાં રોચક દેખાતી વ્યક્તિ ગહેરાઈમાં એવી છે કે નહીં, તે પાયાનો ટેસ્ટ છે. અસલી પ્રેમમાં સંપૂર્ણ ખુલ્લા અને ઓથેન્ટિક થવું, જોખમી હોય છે અને એટલે જ મોટાભાગના લોકો પોતાને બંધ રાખે છે.

2nd December 2020
Morning Musings...
મન વર્ચ્યુઅલ વર્લ્ડ છે. ઉત્ક્રાંતિમાં શરીર અસલી જીવન છે. વર્ચ્યુઅલ વર્લ્ડ અસલી જીવન પર હાવી થઈ ગયું છે. દરેક માણસને જેમ બીજા દરેક માણસની સાઇકોલોજીમાં રસ પડે છે-તે શું વિચારે છે, કેમ એવું વિચારે છે, તેનો શું અર્થ થાય, એ શું માને છે, તેનો ઉદેશ્ય શું છે-તેવી જ રીતે દરેક માણસને બીજા દરેક માણસની બાયોલોજીમાં રસ કેમ નથી પડતો?

3rd December 2020
Morning Musings...
તમામ રાક્ષસોમાંથી સૌથી ખતરનાક રાક્ષસ એ છે જે ભણેલો-ગણેલો છે. એની દુષ્ટતા અજ્ઞાનતામાંથી નહીં, માનસિક સમજદારીમાંથી આવે છે. તમામ પ્રાણીઓ ભૂખ લાગે ત્યારે જ હિંસા કરે છે. રોજીરોટીમાં આજે સૌથી સુરક્ષિત માણસ એના વિચારો માટે પાશવી બની શકે છે.

4th December 2020
Morning Musings...
માણસ પ્રકૃતિથી દીર્ઘદ્રષ્ટિ વાળો નથી. એના વિચારો અને વ્યવહારમાં ટૂંકા ગાળાનાં સોલ્યુશન હોય છે. આ પેઈન-કિલર દવા જેવું છે. માણસ બીમારીના મૂળમાં જવાને બદલે, એનાં લક્ષણો માટે જે પહેલો ઉપાય સામે આવે, એનાથી સંતોષ માની લે છે. માણસને આજની પડી હોય છે, વિચાર-વ્યવહારના લાંબા ગાળાની અસરોની નહીં. એટલે જ, એક લીડર કે ગુરુ તમારી ટૂંકી દ્રષ્ટિનો ફાયદો ઉઠાવે છે કે તમને લાંબા ગાળે સંકુચિતતામાંથી બહાર કાઢે છે, તેના પર સમાજના સહિયારા ભવિષ્યનો આધાર છે.

5th December 2020
Morning Musings...
આપણે આપણા આચાર-વિચારની લાંબા ગાળાની અસરો વિશે વિચારી કરીએ, તો એમાંથી નૈતિકતા અને સદાચરણ ઓટોમેટિક આવે. મોટાભાગનાં નૈતિક પતન, ટૂંકા ગાળાના સ્વાર્થ અને લાલચમાંથી જ આવે છે. એક વ્યક્તિને અને એક સમાજ બંનેને આ વાત એક સરખી રીતે લાગુ પડે છે.

6th December 2020
Morning Musings...
તમારી માન્યતાઓ તમારા વિચારો બને, 
તમારા વિચારો તમારા શબ્દો બને, 
તમારા શબ્દો તમારા વ્યવહાર બને, 
તમારા વ્યવહાર તમારી આદતો બને,
તમારી આદતો તમારાં મૂલ્યો બને, 
તમારાં મૂલ્યો તમારી નિયતિ બને.

7th December 2020
Morning Musings...
તમે જે કંઈ બનાવો છો, છેવટે એમાં જ કેદ થઈ જાવ છો. 
ચાહે તે સોબત હોય, 
કારકિર્દી હોય, 
પ્રતિષ્ઠા હોય,
સંબંધ હોય,
તમારા વિચારો હોય. 
એ કરવા જેવું છે કે નહીં, એ તમારે નક્કી કરવાનું છે. એ તમારું જીવન છે.

8th December 2020
Morning Mushing...
કેમ્બ્રિજ, માસાચુસેટ્સના આર્કિટેક્ટ મેથ્યુ ફ્રેડરિક કહે છે કે સમજશક્તિનાં ત્રણ સ્તર છે:
1. સરળતા-બાળકની દ્રષ્ટિ
2. જટિલતા-વયસ્કની દ્રષ્ટિ
3. સમજવાળી સરળતા-વિવેકબુદ્ધિની દ્રષ્ટિ

9th December 2020
Morning musings...
સંબંધનું અસલી સુખ વ્યક્તિમાં નથી હોતું. સંબંધનું સુખ, એ વ્યક્તિ જે પરસ્પેકટિવ લઈને આવે છે, તેમાં હોય છે. તમારે તમારા એકલાના જ પરસ્પેકટિવમાં આખી જિંદગી ગુજારવી પડે, એ કેટલી મોટી એકલતા કહેવાય. સંબંધોમાં પણ માણસો એકલા પડી જાય છે, તેનું કારણ તેમને પરસ્પેકટિવ આપતાં-લેતાં નથી આવડતું તે છે. એટલે જ વ્યક્તિ નહીં, વિચારની તલાશ કરવી.

10th December 2020
Morning Musings...
બીજા લોકોની નજરમાં હોંશિયાર સાબિત થવા માટે ક્યારેય ખોટા ને સાચું સાબિત કરવા કશું ના લખવું. લાંબા ગાળે એમાં બેવકૂફ જ સાબિત થવાય છે. બીજા લોકો માટે ઉપયોગી હોય તેવું લખવું. તમારું લખાણ જો લાંબા ગાળે ઉપયોગી સાબિત થશે, તો તમે આપોઆપ હોંશિયાર પુરવાર થશો.

11th December 2020
Morning Musings...
ટેંશન એટલે તમે જે બનવા માંગો છો તે. 
રિલેકસેશન એટલે તમે જે છો તે. -ચીની કહેવત.

12th December 2020
Morning Musings...
સફળતા એ નથી કે બહુ બધા લોકો તમને ચાહે છે. સફળતા એ છે કે યોગ્ય લોકો તમને ચાહે છે કે નહીં. તમે જેટલા ઓછા તોછડા હો, યોગ્ય લોકોની ચાહવાની સંભાવના એટલી જ વધતી જાય. પૈસા અને પ્રસિદ્ધિ હોય, તો તમે તમારી પ્રશસ્તિમાં પુસ્તકો છપાવી શકો, પ્રસ્તાવનાઓ લખાવી શકો, તખતીઓ કોતરાવી શકો, સન્માન સમારંભો યોજાવી શકો, અને બધા તમારા માટે તાળીઓ ય પાડે, પણ પ્રેમના પુરાવા એ નથી. પ્રેમની મુસીબત એ છે કે એને ખરીદી ના શકાય. એ તમારે જીવવો પડે. લોકો તો જ તમને વાસ્તવમાં પ્રેમ કરે.

13th December 2020
Morning Musings...
જેને આપણે માનસિક પીડા કહીએ છીએ, તે ત્યારે આવે, જયારે બુનિયાદીરૂપે જીવન શું છે તેનો દ્રષ્ટિકોણ આપણે ગુમાવી દઇએ. અને જીવન મકસદ છે, વિચાર છે અને અર્થ છે. આ ત્રણમાંથી એકપણ સ્પષ્ટતા હોય, તો આપણે પીડાની ગુલામીમાંથી છૂટી જઇએ છીએ.

14th December 2020
Morning Musings...
સોશ્યલ મીડિયા પર મોક્ષ મેળવવો એટલે શું?
જ્યારે તમે ટ્રેન્ડિંગ અભિપ્રાયોમાંથી મુક્ત થાવ..
જ્યારે તમારામાં ટ્રેન્ડિંગ વિચારો ના પડઘાય..
જ્યારે તમે ઉછીના આક્રોશને વ્યક્ત ના કરો..
જ્યારે તમે સ્માઇલી અને સિમ્બોલમાં જીવતા ના હો..
જ્યારે સોશ્યલ મીડિયા તમારી અંદર બેઠું ના હોય..
જ્યારે તમે ફોરવર્ડ જ્ઞાનને હોશિયારી સમજતા ના હો..
સોશ્યલ મીડિયામાંથી મોક્ષ એટલે ત્યાંથી જતા રહેવું તે નહીં, સોશ્યલ મીડિયામાંથી મોક્ષ એટલે ટોળું તમારી અંદર બોલતું બંધ થાય, અને તમારો ઓથેન્ટિક અવાજ શરૂ થાય તે.

15th December 2020
Morning Musings...
અભિપ્રાયો મોટાભાગે એકલતા લાવે. અભિપ્રાયો તમને સીમિત કરે છે, કેદ કરે છે, વાડામાં બાંધે છે, જજમેન્ટલ બનાવે છે. એ આજુબાજુના લોકોથી તમને ડિસ્કનેક્ટ કરે, અને દુનિયાએ મારા વિચારો પ્રમાણે ચાલવું જોઈએ, તેવી બીમાર જીદ પેદા કરે છે. એ તમને તમારા માથાની અંદર ઈકો-ચેમ્બરમાં સેલ્ફ-ટોક કરીને જીવવા મજબુર કરી દે. બહુ ઓછા લોકોને તમારા અભિપ્રાયોમાં સાચે-સાચ દિલચસ્પી હોય છે. સહમત તો ભાગ્યે જ કોઈ હોય છે. તમારા અભિપ્રાયનું ત્યારે જ મૂલ્ય ગણાય, જ્યારે બીજા લોકો તેને આચરણમાં મુકવા તૈયાર થાય. સોશ્યલ મીડિયા ડિપ્રેસન અને એકલતા લાવે છે, તેનું મૂળ કારણ જ એ છે કે તમે અસલમાં કનેક્ટ થવાને બદલે, પાણી વચ્ચે ઘેરાયેલા ટાપુની જેમ અલગ-થલગ પડીને, નકલી ઇન્ટિમસીનો શિકાર થતા રહો છો.

16th December 2020
Morning Musings...
સતત બીજા લોકો માટે જજમેન્ટ આપતા રહેવાથી, તમને તત્કાળ તો મઝા આવશે કારણ કે તમને લાગશે કે તમે બીજા કરતાં ઉત્તમ છો, પણ લાંબા ગાળે તમે ખુદને (ઉત્તમ) જજ કરતા થઇ જાવ છો. એમાંથી તમારી અને આજુબાજુની સ્થિતિ વચ્ચે અલગાવ પેદા થાય છે, અને તમને એકલતામાં ધકેલી દે છે. તે પછી તમને બધે નકારાત્મકતા જ નજર આવશે, જે તમારી એકલતા અને જજમેન્ટની વૃતિને ઓર મજબુત કરશે. જજમેન્ટ-અલગાવ-એકલતા-નકારાત્મકતા-જજમેન્ટ. આ સાઇકલ છે.

17th December 2020
Morning Musings...
તમારા જીવનનું મૂક્યાંકન બે સરળ બાબબોથી નકકી થઈ જાય છે: 
1. પાંચ વર્ષની ઉંમર પછી તમે વિકસાવેલી કઈ  શ્રેષ્ઠ આદતો તમે તમારા સંતાનમાં જોવા ઈચ્છો છો?
2. કઈ ખરાબ આદતોને સંતાનોમાં જતી ટાળશો? 

કોઈપણ માણસની અસલી પહેચાન, એ શું બોલે છે તેના પરથી નહીં, એ એના બાળકો સાથે શું કરે છે, તેના પરથી નક્કી થાય છે.

18th December 2020
Morning Musings...
વયસ્ક હોવાની ખરી મઝા ત્યારે છે જ્યારે તમે ખુદને, દરેક સારી બાબત અને દરેક ખરાબ બાબત માટે, બાળકની જેમ ઉત્તેજીત થવા દો. મોટાભાગના વયસ્ક પોતાને સમય પહેલા કુંઠિત કરી નાખે છે, અને મિડ-લાઈફ ક્રાઇસીસ માટે રસ્તો તૈયાર કરે છે.

19th December 2020
Morning Musings...
નોલેજ ઈઝ પાવર. પણ જ્ઞાનની અસલી કસોટી એ નથી કે એ સાચું છે કે નહીં, કસોટી એ છે કે તે આપણને સમર્થ બનાવે છે કે નહીં. કોઈ પણ સિદ્ધાંત ૧૦૦ ટકા સાચો નથી હોતો. પરિણામે, સત્યતા જ્ઞાનની કમજોર કસોટી છે. તેની ખરી કસોટી એ ઉપયોગી છે કે નહીં, તે છે. જે સિદ્ધાંત આપણને નવું કશું કરવા માટે સક્ષમ બનાવે, તે જ્ઞાન કહેવાય. -યુવલ નોઆ હરારી, સેપિઅન્સ

20th December 2020
Morning Musings...
અસુરક્ષિત વ્યક્તિ એની અસલામતીને નકલી આપવડાઈમાં છુપાવી રાખે. એ સતત પોતાની વાતો કરે. જેનાથી એને તુચ્છતાનો અહેસાસ થતો હોય, તેનું અપમાન કરવાની એક પણ તક જતી ના કરે. જેનાથી એની સેન્સ ઓફ સેલ્ફને ખતરો હોય, તે વ્યક્તિ પર ચઢાઈ કરીને એને ડીફેન્સીવ બનાવી દે. ખુદમાં જેની ઊણપ હોય, સામેવાળી વ્યક્તિમાં એ જ બાબતને બે કોડીની સાબિત કરવા માટે ધમપછાડા પણ‌‌ કરે. બીજી વ્યક્તિ કરતાં ચડિયાતા સાબિત થવાની ભાવના ગહેરી અસુરક્ષામાંથી આવે છે. અસુરક્ષાની ભાવના હંમેશાં વ્યક્તિઓ સાથે જોડાયેલી હોય. બહુ પહેલા યાદ હોય તો શાળા માં શીખવાડવામાં આવતું. આપણી લીટી મોટી કરવા માટે સામેવાળાને લીટી ભુસવાની નથી. પણ આપણી લીટી મોટી કરવાની છે.

21st December 2020
Morning Musings...
કોઈ વ્યક્તિ તમને કશુંક કહે, અને તમે એના પર વિચાર કરવા લાગો, તો તમે કોઈકના વિચારને વિચારો છો, જેને તમે 'મારો વિચાર' કહો છો. દુનિયામાં દરેક વ્યક્તિ આ જ રીતે વિચારે છે, અને એટલા માટે મૌલિક વિચાર કે નવો વિચાર જેવું કશું નથી. આપણા તમામ વિચારો સેકન્ડ-હેન્ડ, થર્ડ-હેન્ડ, ટેંથ-હેન્ડ છે. એ રિસાઈકલ થયા જ કરે છે. ક્રિએટિવિટીનું પણ આવું જ છે.

22nd December 2020
Morning Musings...
કોઈપણ સમાજની પ્રગતિની સાબિતી, તે કેટલું મહાન સાહિત્ય, કળા અને સંગીત પેદા કરે છે, તેમાં છે. પ્રાચીનમાં ગ્રીક, રોમન અને સંસ્કૃત સમયમાં અને આધુનિક સમયમાં યુરોપિયન, અમેરિકન, જર્મન અને ભારતમાં મુઘલ કાળમાં મહાન સર્જન આવ્યાં. જે સમાજ પતન તરફ હોય (જેમ કે નાઝી જર્મની અથવા આજનું મૂડીવાદી અમેરિકા અને બ્રિટન), તે કળાની ઉપેક્ષા કરે. કળાની ભૂમિકા, લોકોને તેમના અનુભવો માટે શબ્દો આપવાની છે. મનુષ્ય તરીકે આપણે કોણ છીએ અને શા માટે આપણે અહીં છીએ, તેની સમજ આપવાનું કામ સાહિત્ય, કળા અને સંગીતનું છે.

23rd December 2020
Morning Musings...
તમારા જૂઠમાં જો કોઈ હા પુરાવે, તો તમે તેને સચ્ચાઈ માનતા થઈ જાવ છો. એક સમાજ કે દેશમાં જ્યારે બહુમતી લોકો એક જૂઠમાં વિશ્વાસ રાખતા થઈ જાય, તો એ એક સહિયારું સત્ય બની જાય છે, અને જે લોકો એમાં ના માનતા હોય, તેમને પાગલખાનાને લાયક ગણી લેવામાં આવે છે. માનવ સમાજ અને માનવ માનસિકતાનો આ જ ઇતિહાસ રહ્યો છે.

24th May 2020
Morning Musings...
ઇર્ષ્યામાં જેનેટિક કોડની જેમ, છુપી માહિતીઓ હોય છે. જો તમે ધીરજથી તેને ઉકેલો, તો  ખબર પડે કે તમને તમારી પાસેથી શું અપેક્ષા છે, તમારી કઈ બાબતની મઝા આવે છે, અને કઈ બાબતની ઘૃણા છે. તમને જેની ઈર્ષ્યા થાય છે, તેના દ્વેષમાં જો તમે અંધ ના થઇ ગયા હો, તો તમને તેની પાસેથી તમારા વિશે ઘણું શીખવા મળે. 
ઈર્ષ્યા ચાર કારણોથી જ થાય: 
1) તમે એના જેવા બનવા માંગો છો. 
2) તમે ખુદની ઘૃણા કરો છો. 
3) એ વ્યક્તિથી તમને ખતરો છે.
4) તમે તે વ્યક્તિ ના વિચારો થી સહમત છો પણ સ્વીકારવાથી થી ડરો છો

25th December 2020
Morning Musings...
આપણી દરેકની અંદર એક ફાસીસ્ટ વૃત્તિ છે, દરેકની અંદર એક કટ્ટરતા છે, દરેકની અંદર અન્યાયનું વેર લેવાની ભાવના છે, આપણે બધા જ એકાધિકાર અને શોષણના પ્રેમી છીએ, આપણને દરેકને પોતાની મહાનતાનો અહેસાસ છે, અને એની આડે આવતા બીજા લોકો કનિષ્ઠ છે, તેવો ભ્રમ છે. આપણામાં દાનવ બનવાની તમામ વૃત્તિઓ અને સંભાવના છે. કોઈક એમાં તણખો મૂકે, એટલી જ વાર છે.

26th December 2020
Morning Musings...
માનવજાતની અસલી સમસ્યા એ છે કે આપણી લાગણીઓ પાષાણયુગની છે; ઇન્સ્ટિટ્યૂશનો મધ્યયુગીન છે; અને ટેકનોલોજી ઈશ્વર જેવી છે. માણસજાત સામે આ એક ભયાનક કટોકટી છે. -ઇ.ઓ.વિલ્સન, અમેરિકન બાયોલોજીસ્ટ 
(સાર એ કે આપણો બાહ્ય વિકાસ એટલો ગજબનો છે કે ભીતરનું આપણું નહીં બદલાયેલું જંગલી વ્યક્તિત્વ ઓર મજબૂત થઈને બહાર આવશે. અંદરનો વિકાસ તો શૂન્ય છે. પ્રેમ, ઉદારતા, સમાનતા અને કરુણાનો પરાજય નિશ્ચિત છે)

27th December 2020
Morning Musings...
લોકોને સુખી થવામાં મુશ્કેલી પડે છે, તેનું કારણ એ છે કે તેમને ભૂતકાળ હતો તેના કરતાં વધુ સારો લાગે છે, વર્તમાન છે તેના કરતાં બદતર લાગે છે, અને ભવિષ્ય હશે તેના કરતાં જટિલ લાગે છે. માર્સેલ પગ્નોલ, ફ્રેન્ચ લેખક માણસ છેલ્લા બે લાખ વર્ષોથી આમ જ જીવે છે, અને તેને હજુ ય વર્તમાનમાં રહેતાં નથી આવડયું

28th December 2020
Morning Musings...
"વ્યક્તિ જેમ એકલવાઈ થાય, તેમ સામાજિક પ્રવાહોમાં તરતા રહેવાની તેની કાબેલિયત ઓછી થતી જાય. એક ઢાંચા અથવા રુવાંટીની જેમ, એકલતા તેની ફરતે એક રોગપ્રતિકારકતા ઉગાડે છે, જે સંપર્કને અવરોધે છે, ચાહે ગમે તેટલા દિલથી તમે એ સંપર્ક ઇચ્છતા હો. એકલતા ખુદ વૃદ્ધિ પામતી, વિસ્તરતી અને ચિરસ્થાયી રહે છે. એ સજ્જડ બેસે છે, અને સરળતાથી ઉખેડી શકાતી નથી."
-ઓલિવીયા લેઇંગ, ધ લોન્લી સિટી

29th Decemebr 2020
Morning Musings...
આપણે કેટલા જીદ્દી અને તર્કશૂન્ય છીએ, તે ખબર છે? આપણને બધી જ બાબતો અને બધા જ લોકો આપણી અપેક્ષાની એરણ પર ખરા ઉતરે, તેવી હઠ હોય છે. કશું પણ જો આપણી ધારણા કરતાં થોડી વિપરીત દિશામાં હોય, તો આપણે હતાશ થઈને અવળું મોઢું કરી લઇએ છીએ અથવા ઉગ્ર થઇને બીજાને ભાંડવા લાગીએ છીએ. અને પાછા આપણે એવું પણ કહીને છીએ કે આવું તો ગાંડા લોકો જ કરે!

30th December 2020
Morning Musings...
તમે જો જીવનમાં દ્વંદ્વનો સામનો કરી રહ્યા હો, તો તેમાંથી છુટવા માટેની પહેલી શરત એ છે કે તમારી આજુબાજુમાં એવા લોકો ના હોવા જોઈએ, જે ખુદ સતત દ્વંદ્વમાં હોય. બે સમદુ:ખિયા ભેગા થાય, તો તેઓ એકબીજાના દ્વંદ્વનો બચાવ તો કરે જ, પણ એમાં એમનો કોઈ જ વાંક નથી અને બધી સમસ્યા બીજા લોકોની છે, એવી લાગણીને પણ ઉચિત ઠેરવે. પરિણામે સંબંધિત લોકો સાથે તમારો દ્વંદ્વ ઓર વકરશે.

31st December 2020
નવા વર્ષે યાદ રાખવા જેવાં 10 ઝેન સૂત્રો:
1. આંખ સામે જે હોય, તેમાં સંપૂર્ણ એકાગ્રતા રાખો.
2. સંયોગ જેવું કશું હોતું નથી. દરેકનો એક અર્થ હોય છે.
3. સાધન અને સાધ્ય વચ્ચે ગોટાળો ન કરવો. બંને અલગ છે.
4. પાણીની જેમ, અનુકુળતા કેળવીને, વહેતા રહેવું.
5. અપણને કશું જ નિયંત્રિત કરી શકે તેમ નથી
6. ખરાબ અનુભવમાંથી પણ બોધપાઠ મળે. 
7. મુસીબતમાં પગ નીચેની જમીન ખસી ના જાય તે જોવું
8. આપણે એકલા નથી હોતા, ક્યારેય નહીં.
9. એવી રીતે જીવવું જાણે ઘસાઇ ગયેલા સેન્ડલ હોઈએ.
અને...
10. પાણીમાં હાથ બોળો તો ચન્દ્ર હાથમાં આવે.
(ઉપરના પુસ્તકમાંથી)

1st January 2021
Morning Musings...
2021માં કેળવવાની ઈચ્છા છે તેવી પાંચ આદતો:
1. માઈન્ડફૂલનેસ
2. શરીરની ચુસ્તી
3. સકારાત્મકતા
4. પ્રોડક્ટિવટી
5. પરફેક્શન
તમને નવા વર્ષમાં કઈ આદતો વિકસાવવાની ઈચ્છા છે?

2nd January 2021
Morning Musings...
કોઈ એક સંબંધ જ્યારે જીવતો હોય, ત્યારે જ એકબીજાના અવગુણ, ત્રુટીઓ અને બદમાશીઓ દેખાઈ જવી જોઈએ. એ સંબંધ, કદાચિત, સમાપ્ત થઈ જાય, પછી એકબીજાની સારી બાબતોનું લાંબું લિસ્ટ બનાવવું જોઈએ.

3rd January 2021
Morning Musings....
બે વ્યક્તિઓ વચ્ચેના અંગત સંવાદમાં જેટલી આસાનીથી દેશ-દુનિયા-સમાજનું નગ્ન સત્ય બોલી શકાય, તેટલું જ તે ટોળામાં બોલવું અઘરું બની જાય. બે વ્યક્તિ સંવાદ કરે, ત્યારે તે એકબીજાને સાંભળે, પણ ટોળામાં લોકો બોલે, તો બધા પોતા-પોતાને જ સાંભળે. માણસ જેટલો એકલો હોય, તેની પ્રામાણિકતા એટલી જ વધુ હોય. એ ટોળામાં હોય, તો તેનું નકલીપણું એટલું જ મજબૂત થાય.

4th January 2021
Morning Musings...
તમે જો કોઈના માટે અગત્યના અને અનન્ય હશો, તો એ તમારી તરફ આવતો રસ્તો શોધી જ લેશે, પછી ભલે એ રસ્તો દુષ્કર હોય, અને તમે જો વ્યર્થ અને ખરાબ હશો, તો એ રસ્તા પર નહીં આવવા માટે તેની પાસે પૂરતાં બહાનાં હશે.

5th January 2021
Morning Musings...
સૌથી હોંશિયાર અને સૌથી બેવકૂફ વ્યક્તિ વચ્ચે એક વાતનું સામ્ય હોય છે. તેઓ તથ્યો પ્રમાણે દલીલો ના બદલે. તેઓ દલીલો પ્રમાણે તથ્યોને બદલે. મોટાભાગના અભિપ્રાય ધાર્મિક માન્યતાઓ જેવા હોય છે. તથ્યો કે પુરાવાને નજરઅંદાજ કરીને એ જીવતા રહે.

6th January 2021
Morning Musings...
ઘણીવાર લોકોને તમારી સાથે પ્રોબ્લેમ નથી હોતો, તેમને પ્રોબ્લેમ તેઓ તમારા વિશે શું ફીલ કરે છે, તેનો હોય છે, અને તેમને લાગે છે કે એ ફીલિંગ તમારો પ્રોબ્લેમ છે. હકીકત એ છે કે તમે શું કરો છો અને શું કહો છો, તેના માટે જ તમે જવાબદાર છો, અને નહીં કે તે લોકો શું ફીલ કરે છે તેના માટે. તમે તો જેમ છો તેમ જ રહો અને આજુબાજુમાં લક્ષ્મણ રેખા ખેંચી રાખો.

7th January 2021
Morning Musings...
સનાતન ધર્મ વિજ્ઞાન ઉપર આધારિત છે એના ઘણાં પૂરાવા મળી ચૂક્યા છે પણ હાલ આધુનિક વિજ્ઞાન ની વાત છે અંદાજે 500 વર્ષ પહેલાં આધુનિક વિજ્ઞાનનો વિકાસ થયો, ત્યારે ધર્મગુરુઓ અને વિચારકો કહેતા હતા કે આપણે જો સમગ્ર બ્રહ્માંડની રચના કરનાર ઈશ્વરમાં વિશ્વાસ કરવાનું ગુમાવી દઈશું, તો પૃથ્વી પરની સામાજિક વ્યવસ્થા ખોરવાઈ જશે, અને માનવ જીવન તેનો અર્થ ગુમાવી દેશે. આજે આધુનિક વિજ્ઞાન મુજબ જીવન અકસ્માતે જ પેદા થાય છે, અને તેની પાછળ કોઈ મહાન યીજના નથી, અને વિજ્ઞાને જીવનને ધાર્મિક ગુલામીમાંથી બહાર કાઢ્યું છે, ત્યારે આપણા જીવન સામે એ જ લોકોનો સૌથી મોટો ખતરો છે, જે હજુય ઇશ્વરીય તાકાતમાં વિશ્વાસ રાખે છે. કોણ વધુ હિંસક છે, જે નાસ્તિક છે કે પછી જે આસ્તિક છે તે?

8th January 2021
Morning Musings...
લોકશાહીમાં લોકોની લાગણીઓ અને ઈચ્છાઓ લોકશાહીનાં મૂલ્યો અને સિદ્ધાંતો પર ખરી ઊતરે છે કે નહીં, તે પહેલાં જોવામાં આવે અને પછી અમલ કરવામાં આવે. લોકવાદમાં લોકશાહીનાં મૂલ્યો અને સિદ્ધાંતો લોકોની લાગણીઓ અને ઈચ્છાઓ પર ખરાં ઊતરે છે કે નહીં, એ પહેલાં જોવામાં આવે અને પછી અમલ કરવામાં આવે.

9th January 2021
Morning Musings...
તમારો કોઇ સંબંધ બહેતર બની રહ્યો છે કે નહીં, તેનો જવાબ એક સરળ સવાલમાં છે; તમે જ્યારે એ વ્યક્તિની સાથે હો, ત્યારે તમારી અંદર જે શ્રેષ્ઠ છે, તે બહાર આવે છે કે જે કનિષ્ઠ છે તે? (નેક્સ્ટ ટાઈમ, રૂબરૂમાં કે ઓનલાઈન, તમે કોઈની સાથે હો, તો તમારો વ્યવહાર ચેક કરી લેજો)

10th January 2021
Morning Mushing..
ટેલિગ્રામ (આપણે પોસ્ટ ઓફિસ ના સમય માં તાર ના ના મથી ઓળખતા) ના ઉપયોગનો એક સુંદર કિસ્સો છે.

ફ્રેન્ચ નવલકથાકાર વિક્ટર હ્યુગોની 19મી સદીની મહાનતમ નવલકથા 'લા મિઝરેબલ' 1862માં પ્રગટ થઈ હતી. હ્યુગોને જાણવું હતું કે ચોપડી કેવીક વેચાઈ રહી છે, એટલે તેમણે તેમના પ્રકાશકને ટેલિગ્રામ મોકલ્યો. 

ત્યારે ટેલિગ્રામમાં અક્ષર પ્રમાણે પૈસા વસુલાતા હતા. હ્યુગો બહુ પૈસા કાઢી શકે તેમ ન હતા એટલે તેમણે ટેલિગ્રામમાં એક અક્ષર લખ્યો: '?' 

હ્યુગોને પ્રકાશિત કરનારા પ્રકાશક આલ્બર્ટ લાક્રોઇક્સમાં પણ સેન્સ ઓફ હ્યુમર ગજબની હતી. 

તેમણે પુસ્તકની સફળતાનો સમાચાર આપવા વળતા ટેલિગ્રામમાં એક જ અક્ષર મોકલ્યો: '!'

11th January 2021
Morning Musings...
જે લોકોમાં તમને સલાહ આપવાની બહુ ઉતાવળ હોય-ખાસ કરીને જે લોકોમાં તેમના અભિપ્રાયોને તમારા પર થોપવાની આદત હોય, તેમને નજરઅંદાજ કરવા. તેમનું ઝનૂન વિચાર શુન્યતાનો પુરાવો છે. જે લોકો 'હુંપણા' વગર તમને કશુંક સુચવતા હોય, તો તેના પર ધ્યાન આપવું. તેમને તમારા અભિપ્રાય જીતવામાં રસ નથી હોતો.

12th January 2021
Morning Musings...
કોઈપણ માણસ દંભ કર્યા વગર પોતાના વિશે લાંબો સમય સુધી બોલી ના શકે. બીજા લોકો તમને વખાણે, તે માટે દંભ કરવો પડે, ચાહે તમે એ વખાણને લાયક ના હો તો પણ. દંભી માણસને પોકળ વખાણ ગમે, કારણ કે એના સેલ્ફ-ડાઉટ અને કમજોર આત્મ-સન્માનની સામે એને સતત શ્રેષ્ઠતાના પુરાવા જોઈતા હોય છે. દંભ એક બીમારી છે. એટલા માટે જ દંભી લોકોમાં કોમન સેન્સ અને ડહાપણનો અભાવ હોય છે.

13th January 2021
Morning Musings...
દરેકે મને પ્રેમ કરવો જોઈએ એવો તકાજો, એ પૈસા માંગવા જેવો બાલિશ અહંકાર છે. તમે તમારા સ્ટાન્ડર્ડથી એટલા સભાન છો કે તમે માની લો છો કે પ્રેમ મેળવવો એ તમારો અધિકાર છે, પણ અગત્યનું એ છે કે સ્ટાન્ડર્ડ સામેની વ્યક્તિ નક્કી કરે છે. હકીકત એ છે કે શેઠ તમને ત્યારે પૈસા ના ચૂકવે, જયારે તમને એની ઈચ્છા થાય. એ પૈસા ત્યારે ચૂકવે, જયારે એને લાગે કે તમે ચૂકવવાને લાયક છો.

14th January 2021
Morning Musings...
જીવનમાં આપણી મોટાભાગની મુસીબતોનું મુળ બે પ્રકારના ડરની આસપાસ હોય છે-આપણી પાસે જે છે, તે જતુ ના રહે, તેનો ડર અને આપણને જે જોઈએ છે, તે ના મળે, તેનો ડર. વ્યક્તિ કે વસ્તુ, સફળતા કે સુંદરતા, પ્રેમ કે પ્રતિષ્ઠા, જ્યારે તમને કશું પણ ગુમાવાનો કે નહીઁ મળવાનો ડર ના રહે, ત્યારે જીવન ચલાવવાનું અત્યંત સરળ થઈ જાય છે.

15th January 2021
Morning Musings...
દરેક વ્યક્તિમાં અને દરેક બાબતમાં કૈંક તો એવું હોય છે જેની ટીકા કરવાની હોય, કૈંક એવું હોય જેની તારીફ કરવાની હોય અને કૈંક એવું હોય જેને માફ કરીને છોડી દેવાનું હોય. તમે આ ત્રણમાંથી કયો વિકલ્પ પસંદ કરો છો, તેમાં તમારી ઓળખાણ છતી થાય છે, સામેની વ્યક્તિ કે બાબતની નહીં.

16th January 2021
Morning Musings...
તમારી આજુબાજુમાં જો અસલામત લોકો હોય, તો તેમને તમારી નબળાઈઓમાં વિશેષ રસ પડે, કારણ કે તમારી ભૂલો બતાવીને તેમની અસલામતીને ઢાંકવાનું તેમને આસાન રહે. 

તમારી ઉઠબેસ જો સફળ લોકો સાથે હોય, તો તેઓ તેમના અનુભવ અને આત્મવિશ્વાસના આધારે તમારી તાકાતને ઉત્તેજિત કરશે.
 
બંને પ્રકારના લોકો તમને તેમના લેવલ પર લઈ જશે. અસલામત વ્યક્તિ તમને તેનાથી ઉપર સહન ના કરી શકે અને આત્મવિશ્વાસથી ભરેલી વ્યક્તિને તમે ઉપર આવો તે ગમે. 

આ જાણવાની સાદી રીત એ છે કે બીજી વ્યક્તિ તમારી નાની-નાની વાતો અને વિચારોની ગુણવત્તામાં ઉમેરો કરે છે કે ગુણવત્તા ઓછી કરે છે, તે જો જો. કોઈની ઉપસ્થિતિ તમને બહેતર બનાવે છે કે બદતર, તે બીજી વ્યક્તિને ઓળખવાનો શ્રેષ્ઠ માપદંડ છે.

17th January 2021
Morning musing...
સમજદાર લોકોથી નાસમજ લોકો પ્રભાવિત ના થાય. એ તો તેમની નાસમજીનો આક્રમક ઉપયોગ કરીને સમજદારને નાસમજ સાબિત કરી દે. એ સવાલો ના પૂછે કે કુતુહલ ના બતાવે. સમજદારથી પ્રભાવિત સમજદાર જ થાય. અસલમાં જાણકાર હોય તે જ સવાલો વધુ પૂછે, જ્યારે અજ્ઞાની પાસે દરેક બાબતના જવાબો હોય. તેના સવાલોમાં ય જવાબો જ હોય. સોશ્યલ મિડિયા ઉપર એટલે જ સંવાદ ઓછો, અને વિસંવાદ વધુ છે.

18th January 2021
Morning Musings...
આપણે જોઈતી ચીજવસ્તુઓ સમયસર આસાનીથી મળી જાય તે માટે ઘરના કબાટની સાફ-સફાઈ કરતા રહીએ છીએ. નકામી ચીજોને કાઢી નાખીએ છીએ અને કામની ચીજોને હાથવગી ગોઠવી દઈએ છીએ. આપણે ખોટાં ખાનાંમાં મુકાઈ ગયેલી અને આડે આવતી ચીજોને તેના યોગ્ય ખાનામાં ગોઠવી દઈએ છીએ. આનાથી કબાટ એકદમ હળવું, સુવ્યવસ્થિત અને અકર્ષક બની જાય.
જીવનમાં પણ એવું છે. જે વસ્તુઓ અને વ્યક્તિઓ તમારા જીવનમાં વેલ્યુનો ઉમેરો ના કરતી હોય, તેનાથી તમે પીછો છોડાવો, તો તમને હળવાશ અને શાંતિનો અહેસાસ થશે. એ પછી તમારી પાસે જે છે, તેનું સુખ બેવડાઇ જશે.

19th January 2021
Morning Musings...
સતત ક્યાંકને ક્યાંક ચાલતી ચૂંટણીઓ, રાજકીય સભાઓ, સોશ્યલ મીડિયામાં ચાલતા અનંત ટ્રેન્ડસ અને બ્રેકીંગ ન્યૂઝ તેમજ 24 કલાકની ટીવી ચર્ચાઓથી લોકોની માનસિક તંદુરસ્તીને હાનિ પહોંચી રહી છે.

ધર્મ અને ધાર્મિક ચિંતન તેમજ રાજકારણ અને રાજકીય ચિંતન બંને અલગ બાબત છે. અને ઘણા લોકોને આ ફર્ક નથી સમજાતો..

અમેરિકાની નેબ્રાસ્કા-લિંકન યુનિવર્સિટીનું એક સર્વેક્ષણ કહે છે કે રાજકારણના કારણે.. 
⭕40 ટકા લોકો સ્ટ્રેસનો શિકાર બને છે, અને
⭕પાંચમાંથી એક માણસ અનિંદ્રાનો ભોગ બને છે. 
⭕ઘણા લોકો માને છે કે નિરંતર રાજકારણની વાતોમાં ખુપેલાં રહેવાથી એક યા બીજી રીતે મન:સ્થિતિને અસર પડે છે. 
⭕ વીસ ટકા લોકોના સંબંધો બગડે છે, 
⭕ પાંચમાંથી એક વ્યક્તિ માનસિક થકાવટ અનુભવે છે, અને
⭕ ચાર ટકા (એટલે કે 1 કરોડ) લોકોને આપઘાતના વિચારો આવે છે. 
⭕ 29 ટકા લોકોએ કહ્યું કે તેઓ ચીડચીડિયા થઈ ગયા છે. 

ભારતમાં સર્વે થાય, તો આવા જ કંઈક પરિણામો આવે. તો આપણે કરવાનું શું? ત્રણ ઉપાય છે:

1️⃣ કેટલું અને શું જાણવું જોઈએ, તેની સીમા નક્કી કરો. તમને જો સમાચારોનું વ્યસન થઈ ગયું હોય, તો જાતને છૂટી પાડીને, સોશ્યલ મીડિયાને રસ ના હોય, તેવી 'ટ્રેન્ડ' વગરની બાબતોમાં વ્યસ્ત રાખો. 

2️⃣ જીવન રાજકારણની આસપાસ નથી ફરતું. રાજકારણ જીવનનો એક નાનકડો (સતત સમાચારો જાણવાથી એ મોટો લાગે છે) હિસ્સો છે. અને છતાં એ વિષય જરૂરી હોય અને પસંદ હોય તો એવું વાંચો જેનાથી તમારી માનસિક સ્થિતિ ઉપર અસર ના કરે.

બીજું ઘણું બધું વાંચવા, વિચારવા, સાંભળવા કે જોવા-જાણવા જેવું છે. ખુદની ઇકો-ચેમ્બરમાંથી બહાર નીકળીને બીજું કશુંક સાંભળો, વાંચો અને જુવો.

3️⃣ રાજકારણ તમને બુદ્ધિશાળી સાબિત કરે છે, તેવા ભ્રમમાંથી બહાર આવો (એ તમને ઈડિયટ પણ સાબિત કરે છે જો‌ ખોટી વ્યક્તિ કે વિચારો ની વાત માં આવી જાવ તો). 

તમારી હોંશિયારી તમે જીવનને તેની સંપૂર્ણતામાં જાણો છો કે નહીં, તેના પર નિર્ભર છે.

Depression in Digital Life‌ નામનુ પુસ્તક છે..આ વિષય પર વધુને વધુ વાંચવા જેવું છે, કારણ કે ડિજિટલ લાઈફ અનિવાર્ય છે, અને તેની પુરી સમજ પણ‌ એટલી જ જરૂરી છે...

20th January 2021
Morning Musings...
મનુષ્યના દિમાગમાં 2.5 પેટાબાઈટ્સની મેમરી સંઘરવાની ક્ષમતા છે. એક પેટાબાઈટ એટલે 1024 ટેરાબાઈટ્સ અથવા 10 લાખ ગીગાબાઈટ્સ. ચંદ્ર પર પહેલું એપોલો યાન ઉતર્યું હતું, તેમાં ખાલી 64 કિલોબાઈટ્સ (64 KB) મેમરી સ્ટોરેજની ક્ષમતાવાળી ઓપરેટિંગ સિસ્ટમ હતી. દિમાગ પ્રતિ સેકન્ડે 6,418 નર્વ ઇમ્પલ્સ (તાંત્રિક આવેગ) ચલાવે છે. દિમાગ કોઈપણ ક્ષણે 1.1 કરોડ ઈન્ફોર્મેશન અંદર સમાવી શકે છે. સાદા ઉદાહરણ મુજબ, આપણું દિમાગ વિશ્વનું સમગ્ર ઇન્ટરનેટ સમાવી શકે તેમ છે! એક સર્વસ્વીકૃત અનુમાન પ્રમાણે, આમાંથી આપણને માત્ર 40 ટકા ઈન્ફોર્મેશનનો જ સચેત રૂપે પરિચય હોય છે.

21st January 2021
Morning Musings...
તમને અનુભવ હશે કે તમે બીજા લોકોની, બીજા લોકો તમારી અને ત્રીજા લોકો ચોથા લોકોની ત્રુટીઓ બતાવતા રહેતા હોય છે. કામ કરવાથી લઈને, વાત-વ્યવહાર અને જીવવા બાબતે આપણને સતત બીજા લોકોના દોષ નજર આવતા રહે છે. આપણે જ્યારે આવી રીતે બીજાની ઉણપો જોઈએ છીએ, ત્યારે ખુદને તેમનાથી ઉપર મૂકીએ છીએ; હું આવું ના કરું અથવા મારામાં આવું ના હોય, પણ તમે વિચાર કર્યો છે કે એ જ ત્રુટીઓ, દોષો, ઊણપો તમારામાં પણ છે? જો તમારામાં એ ના હોય, તો તે તમને બીજામાં ના દેખાય. બીજી વ્યક્તિ વિશેનું તમારું રિએક્શન એ તમારો આયનો છે. એમાં બીજી વ્યક્તિ વિશે ઓછું, તમારા વિશે વધુ જાણવા મળે.

22nd January 2021
Morning Musings...
વ્યગ્રતાનો ઉપાય, લગન સાથે પ્રયાસ
ડિપ્રેશનનો ઉપાય, અર્થપૂર્ણ કામ
એકલતાનો ઉપાય, તંદુરસ્ત સંબંધ
ગુસ્સાનો ઉપાય, માઈન્ડફુલનેસ
કંટાળાનો ઉપાય, જિજ્ઞાસા
અસલામતીનો ઉપાય, સાહસિકતા

23rd January 2021
Morning Musings....
તમારી અંદર "શા માટે" એ સવાલ જો એક્દમ સ્પષ્ટ અને મજબૂત હોય, તો "કેવી રીતે"નો જવાબ બહુ આસાની મળી જશે. મોટાભાગના લોકો પાસે કશું પણ કરવા માટેની સ્પષ્ટતા નથી હોતી એટલે તે નિષ્ફળ જાય છે. મારે આ કામ કેમ કરવું જોઈએ, મારે આ વ્યક્તિ સાથે કેમ સંબંધ રાખવો જોઈએ, મારે આ પુસ્તક શા માટે વાંચવું જોઈએ વગેરે સવાલો કલેરિટી માંગે છે. તમને શું જોઈએ છીએ, તેની સ્પષ્ટતા જો હોય, તો તેને પ્રાપ્ત કરવાની તકો એવી રીતે તમારી સામે આવીને ઉભી રહેશે, જે બીજા લોકોને નહીં દેખાય. પછી તે તકોને પકડવાનું આસાન થઈ જશે. વ્યક્તિ હોય કે વસ્તુ, તમે એકવાર તેના પર ફોક્સ કરો, તો તે તમને મોટી થઈને દેખાવા લાગે. સચિન તેંડુલકર જ્યારે રમે, ત્યારે તેને દરેક બોલ ફુટબોલ નજર આવતો હતો એવું એ કહેતો. જીવનના દરેક ક્ષેત્રમાં આ એટલુ જ સાચું છે.

24th January 2021
Morning Musings...
સેલ્ફી-પ્રેમી વ્યક્તિના પ્રેમમાં ના પડવું. આખો વખત આયનો બનીને ઉભા રહેવું પડશે. બીજા લોકોને મોટી ઉંમરે ધોળામાં ધૂળ પડે છે. તમારે આયનામાં ધૂળ પડશે (કાં સાફ કરતા રહેવુ પડશે, કાં બદલી નાખવામાં આવશે)

25th January 2021



https://photos.app.goo.gl/wK2AApX8axPq6iCt8

Morning Mushing..
લગભગ થોડા વર્ષો પહેલાં ની મારી પોસ્ટ મેમરી માં આવી અને ફેસબુક ને કાયદાનો કોઈ ભંગ કર્યો છે મારી પોસ્ટ થી એવું જ્ઞાન આજે થયું અને ડીલીટ કરી નાખી.. પોસ્ટ માં ટ્રમ્પેટ માં ટ્રમ્પના નામનો ઉલ્લેખ થયો એટલે થયું હશે કે સબ વે ભેગા થવાનું હશે એવું લાગ્યું હશે 😀 મૂળ પોસ્ટ કાંઈક આવી હતી..

સંગીત એક સુખદ અનુભૂતિ-

થોડા અઠવાડિયા ના એક કામ માટે Bloomberg ની ઓફિસ ની visit માટે સ્ટેટ્સ જવાનું થયું હતું. 
વહેલી સવારે ઓફિસ પહોંચવાની ઉતાવળ હતી અને સવારે રાબેતા મુજબ ત્યાં ઠંડી પણ જોરદાર હતી જ પણ હું વેધર પ્રત્યે બેખબર રહ્યો હતો એટલે અન્ડરડ્રેસ્ડ હતો. આવી મનોપરિસ્થિતિમાં વહેલી સવારે ઓફિસે જવું ય ગમે નહીં. પણ સબ વે સ્ટેશનની બહાર ઉતાવળે નીકળતો હતો ને મસ્ત સુરાવલી સંભળાઈ. 

એક શખ્શ છેલ્લા પાંચેક અઠવાડિયાથી રોજ સવારે ટ્ર્મપેટ વગાડે છે. એકલો જ હોય છે પણ વ્યવસ્થિત તૈયારી સાથે હોય છે. ક્રિસ્મસ વખતે મોટેભાગે ક્રિસ્મસ કેરોલ્સ પર ધૂન વગાડતો.

રોજની ભાગાભાગીમાં એની નોંધ લેવાય એવી સુરાવલી તો હોય જ છે પણ ઉભા રહીને સાંભળવાનો સમય જ હોતો નથી. જો કે સમય તો ઘણો હોય પણ આપણી પ્રાયોરિટી અલગ હોય છે. 

એ દિવસે તો દુનિયા નું જે થાવું હોય એ થાય વાળો મુડ હતો એટલે ખાસ ઉભો રહ્યો અને એને શાંતિ થી સાંભળ્યો. પછી એની સાથે વાતચીત પણ કરી. ઓફકોર્સ એ પૈસા એકઠા કરવા માટે વગાડતો હતો એટલે એને અમુક ડોલર્સ તો આપ્યા જ પણ માણસ બહુ જ મજાનો હતો. 

આ રેકર્ડિંગ પછી ય એણે મારા માટે બે ગીતોની ધૂન વગાડી જે મેં એટલા માટે રેકોર્ડ ના કરી કેમકે મારે એને મનભરીને માણવી હતી. થોડીવાર માટે હું મારામાં જ ખોવાઈ ગયો. મેં એવું અનુભવ્યું કે મારામાંથી કશું કે ખાલી થઇ રહ્યું છે પણ એ જ સમયે કશું ક ઉમેરાતું પણ હોય એવી અનુભૂતિ પણ થઇ. ભલે એ બે પૈસા કમાવા માટે વગાડતો હોય પણ કેટલાય ઉદાસ જીવને એ આનંદિત કરતો હશે!! 

સંગીતમાં એવો જાદુ છે. 

એના વિષે વધુ જાણકારી મળી ત્યારે હું ચકિત રહી ગયો. એનું નામ ઇગ્નમ સેગબેફિયા, આફ્રિકાના ઘાનામાં જન્મેલો ઇગ્નમ દસ વર્ષની ઉંમરથી ટ્ર્મપેટ વગાડે છે. 

મ્યુઝિકમાં એણે ગ્રેજ્યુએટ BS ડિગ્રી હાંસલ કરી છે. ન્યુયોર્કના પ્રખ્યાત કાર્નેગી હોલમાં એણે ઓર્કેસ્ટ્રા સાથે પરફોર્મ કર્યું છે અને યુનાઇટેડ નેશન્સ સિમ્ફની ઓરકેસ્ટ્રાનો સભ્ય એવો ઇગ્નમ એક દિવસ દુનિયાના સૌથી પ્રસિધ્ધ ટ્ર્મપેડ પ્લેયર બનવાનું સ્વપ્ન લઈને રોજ લોકોના  દિવસમાં ઉત્સાહ પુરવાનું પ્રેરક કાર્ય કરે છે.

26th January 2021
Morning Mushing...
સેલ્યુટના અલગ અલગ પ્રકારો: 
Did You Know The Army, Navy & Air Force All Have Different Salutes? 

ઇન્ડિયન આર્મી -
ઓપન પાલ્મ સેલ્યુટ, જેમાં અંગુઠો અને આંગળીઓ એકસાથે હોય છે અને વચલી આંગળી લગભગ આંખની ભમરને અડતી હોય છે. આ સેલ્યુટ વિશ્વાસ સંપાદિત કરવા માટે અને સેલ્યુટ કરનારે કોઈ વેપન સંતાડેલું નથી એ દર્શાવે છે. 

ઇન્ડિયન નેવી -
નેવીમાં સેલ્યુટ કરતી વખતે હથેળી જમીન તરફ 90 ડિગ્રીના એંગલથી રહે છે. નેવીમાં શીપમાં કામ કરતા હાથ ઓઇલ કે ગ્રીસના ડાઘાથી ખરડાયેલાં હોઈ શકે છે જે સેલ્યુટ કરતી વખતે દેખાય નહિ એનું ધ્યાન રખાય છે. 

ઇન્ડિયન એર ફોર્સ -
2006 પછી ઇન્ડિયન એર ફોર્સમાં નવી સેલ્યુટ ઈન્ટ્રોડ્યુસ કરાઈ છે. જેમાં હથેળી 45 ડિગ્રી એન્ગલથી ગ્રાઉન્ડ તરફ રહે છે અને હાથ થોડો ઊંચો રહે છે. આ સેલ્યુટ આર્મી અને નેવી સેલ્યુટની સરખામણીમાં બંનેનો વચલો માર્ગ છે. એ પહેલા આર્મી અને એર ફોર્સની સેલ્યુટ એકસરખી જ હતી.  
  
જય હિન્દ !!🇮🇳

27th January 2021
Morning Musings...
તમારા વ્યવહારનું લાંબા ગાળે શું પરિણામ આવશે, તેનો જો તમને વિચાર આવે, તો નૈતિક વ્યવહાર કરવાનું આસાન થઈ જાય. તમામ અનૈતિકતા ટૂંકા ગાળાના સ્વાર્થમાંથી જ જન્મે છે. શિશુઓ ભલે સચેતન વિચાર કરી શકતાં ના હોય, પરંતુ તેમની સર્વાઇવલ વૃત્તિ તેમને બીજા શિશુઓ પ્રત્યે નૈતિક વ્યવહાર કરવા પ્રેરે છે, કારણ કે તે વ્યવહાર તેમના મોટા થવાના હિતમાં છે. તે જ રીતે એક વયસ્ક માણસથી લઈને એક સમાજ જો તેના લાંબા ગાળાના સર્વાઇવલનો વિચાર કરે, તો તેને અનિતી ના પોષાય.

28th January 2021
Morning Musings...
કેનેડાના ટેલિફોન ઓપરેટરે નોબેલ વિજેતા અર્થશાસ્ત્રી અમર્ત્ય સેન (Sen) ને તેમની અટકની જોડણી પૂછી, તો તેમણે કહ્યું, "S ફોર સમબડી, E ફોર એવેરીબડી, N ફોર નોબડી."
-કૌશિક બસુ, અર્થશાસ્ત્રી

29th January 2021
Morning Musings...
શ્રેષ્ઠ સંબંધ એ છે, જ્યાં બંને વ્યક્તિ એકબીજાની સાથે સુખેથી એકલાં રહી શકે. જે લોકો એકલા રહેવા સક્ષમ છે, તે જ બીજી વ્યક્તિના પરાધિન કે આદી થાય વગર તેને પ્રેમ કરવા સક્ષમ હોય છે. "તારા વગર હું મજામાં છું, પણ તારી સાથે આનંદ આવે છે" અને "હું તારા વગર દુઃખી છું, મને તારી જરૂર છે" આ બે વાકયોમાં સંબંધની ગુણવત્તા નક્કી થાય છે. એકમાં તમે સાથે રહીને એકલા હો છો, બીજામાં તમે સાથે રહીને એકાકી હો છો.

30th January 2021
Morning Musings...
આપણને કોઈ વ્યક્તિ ગમતી ના હોય, તેનો અર્થ એવો થયો કે આપણે ઇચ્છીએ છીએ, તે મુજબ તે નથી. આપણે હંમેશા બીજી વ્યક્તિને તે જેવી છે, તે રીતે નહીં, પણ આપણે કેવી ઇચ્છીએ છીએ, તેના માપદંડ પર મુલાવીએ છીએ. તમને જ્યારે કોઈની પાસેથી કશું જ જોઈતું ના હોય, તો તેને નાપસંદ કરવાનું શક્ય નથી. તેનાથી ઊંધું પણ એટલુ જ વ્યાજબી છે; આપણને જે જોઈતું હોય તે મળે, તો આપણે આસાનથી કોઈને પસંદ કરી શકીએ છીએ

31st January 2021
Morning Musings...
દુઃખી થવાના દસ ઉપાયો: 
1. 'મને કોઈ સમજતું નથી' એવું મનમાં જ બોલતા રહેવું.
2. શરીરને બને એટલી ઓછી તકલીફ આપવી.
3. દરેક વ્યક્તિ અને વસ્તુની ફરિયાદ કરતા રહેવું.
4. તમને પંપાળે એવા લોકો વચ્ચે જ રહેવું
5. બીજા સાથે સરખામણી કરતા રહેવું.
6. અપેક્ષાઓ રાખવી, આપવું કશું નહીં.
7. બીજાઓને ઈમ્પ્રેસ કરવા નકલી બની જવું
8. ડિનાયલમાં રહેવું, કશું સ્વીકારવું નહીં
9. બીજાઓ માટે ખૂબ જજમેન્ટ રાખવા
10. 'મારા જેવું કોઈ નથી' તેને જીવનસૂત્ર બનાવવું

1st February 2021
Morning Musings...
આપણે સૌ વાર્તાકાર છીએ. લાખો વર્ષો પહેલાં આપણે ગુફા બહાર તાપણાંની આસપાસ બેસીને વાર્તાઓ કરતા હતા, અને આજે સોસિયલ મિડિયા પર ટોળે વળીએ છીએ. આપણે કોણ છીએ અને બીજા લોકો કોણ છે, તે સમજવામાં વાર્તાઓ મદદ કરે છે. વાર્તા સમયબોધ કરાવે છે: પછી આમ થયું, પછી તેમ થયું. આપણે માનીએ છીએ કે સમય એક દિશામાંથી બીજી દિશામાં જઈ રહ્યો છે, અને વાર્તા આપણને એ સમયનો મીનિંગ અને વેલ્યુ આપે છે. એટલા માટે ઇતિહાસ અને સાહિત્ય સૌથી લોકપ્રિય ક્ષેત્ર છે. આપણી ભાષામાં સૌથી શક્તિશાળી વાકય છે, "શું થયું?" તમે કહો કે ફલાણી વ્યક્તિ સાધુ થઈ ગઈ અથવા ઢીંકણી વ્યક્તિનું અફૈર થયું, તો આપણો સહજ પ્રશ્ન હશે; શું થયું? આપણે માહિતીમાંથી નહીં, વાર્તામાંથી અર્થ કાઢીએ છીએ.

2nd February 2021
Morning Musings...
નિરંતર ચર્ચા કરવાનો સૌથી આસાન વિષય જો કોઈ હોય, તો તે પોલિટીક્સ છે. સૌથી અઘરો વિષય પોલિટીકલ ફિલોસોફી છે. તમે જો મહાત્મા ગાંધીના વિચારો અને આદર્શોનું વિશ્લેષણ કરીને સમાજના કલ્યાણ માટે કોઈ નવો સિદ્ધાંત કે સિસ્ટમ વિકસાવો, તો તેને પોલિટીકલ ફિલોસોફી કહેવાય. તમે જો મહાત્મા ગાંધીના વિચારો અને આદર્શોને તમારા હેતુઓ સિદ્ધ કરવા માટે સકારાત્મક કે નકારાત્મક રીતે વાળો, તો તેને પોલિટીક્સ કહેવાય. તમે દેશની, સમાજની ચર્ચા કરીને કોઈ નવી સમજણ વિકસાવો, તો તે રાજ્કીય ચિંતન કહેવાય. તમે બીજાને ખોટા પાડીને પોતાનો કક્કો ખરો પાડો, તેને પોલિટીક્સ કહેવાય. અને એટલે જ ફેક સમાચારો ની ભરમાર ચાલે છે અને એ સાચા છે એવું સાબિત કરવા વાળા ધમપછાડા પણ  કરે છે અને સોસિયલ મીડિયા ઉપર પણ જોશો તો આવા ઘણા મળી જશે.

3rd February 2021
Morning Musings...
જેમ સુખી રહેવું એ ચોઇસ છે, તેવી રીતે દુઃખનાં રોદણાં રડવાં પણ ચોઇસ છે. આપણા મૂડ્સ ઓટોમેટિક નથી હોતા. આપણે તેની ટેવ પાડીએ છીએ. મેન્સ સર્ચ ફોર મિનિંગ નામનું અર્થસભર પુસ્તક લખનાર ન્યૂરોલોજિસ્ટ વિક્ટર ફ્રેન્કલ હિટલરની યાતના શિબિરમાં ત્રણ વર્ષ સુધી મરવાના વાંકે જીવીને બહાર આવ્યા હતા. એ અત્યાચારમાં તેમણે તેમનો પૂરો પરિવાર અને ધીરજથી ઘડેલું જીવન ગુમાવી દીધું હતું. નેલ્સન મંડેલા 27 વર્ષના જેલવાસ પછી બહાર આવ્યા હતા, અને ખુદનું અને દક્ષિણ આફ્રિકાનું સમાજ જીવન બદલી નાખ્યું હતું. આ બંને લોકો તેમના કારાવાસ દરમિયાન ભયાનક યાતના અને શોષણનો ભોગ બન્યા હતા. તેમ છતાં, તેમણે તેમના સંજોગોને તેમના મન પર હાવી થવા દીધા ન હતા. તેમણે કોઈપણ ભોગે સુખી રહેવાનું નક્કી કર્યું હતું. બીજી રીતે કહીએ તો તેમણે સભાનતા પૂર્વક દુઃખી થવાનું ટાળ્યું હતું. જીવનમાં સમસ્યાઓ અનિવાર્ય છે, પણ દુઃખી થવું તે વૈકલ્પિક છે. સમસ્યાનાં સમાધાન શોધવામાં અને તેના દુઃખે દુઃખી થવામાં ઉર્જા તો એક સરખી જ વપરાય છે.

4th February 2021
Morning Mushing...
આનાથી સાવધ રહેવું...
1. પ્રશંસા માંગતા ઈશ્વરથી
2. નિર્ગુણ અને નિરાકારને શીખવવાનો દાવો કરતા ગુરુથી
3. મદદની કિંમત મુકનાર કલ્યાણકારીથી
4. તમને સંકુચિત કરે તેવા પ્રેમીથી
5. સ્વતંત્ર વિચારનો વિરોધ કરે તેવા વાદથી
6. સંશયને સમજી ના શકે તેવા શ્રદ્ધાળુથી
7. તર્કને બુદ્ધિ ગણે તેવા બુદ્ધિશાળીથી
8. જિજ્ઞાસાની કદર ના કરે તેવા જાણકારથી

5th February 2021
Morning Musings...
કોઈની પાસેથી કશું શીખવું હોય, તો જરૂરી નથી કે તમે એની સાથે સહમત થાવ. તમે ખાલી સાફ મનના, ગ્રહણશીલ અને પુર્વગ્રહ વગરના હો, તો તે પૂરતું છે. કોઈની પાસેથી શીખવું એ ચોઇસ છે, અને ચોઇસ કેળવવી પડે. નવશીખીયો એટલા માટે જ સરળતાથી શીખી શકે છે, પણ બહુ 'જાણકાર' માણસ પૂર્વગ્રહોથી પીડાતો હોય છે.

6th February 2021
Morning Musings...
ફાઈટ ક્લબ ફિલ્મમાં એક સંવાદ છે: this is your life and it's ending one minute at a time. એનો અર્થ એ છે કે જીવન મર્યાદિત છે, અને આપણે એને વેડફી નાખીએ છીએ. આપણે કેમ જન્મ્યા અને કેમ મરી ગયા, એ ખબર જ નથી પડતી. અધૂરી ઈચ્છાઓ અને પસ્તાવાની આખી ચોપડી છે, અને સંતોષ આંગળીને વેઢે ગણાય તેટલા છે. તમે ટેલિવિઝન પર જાહેરખબરો જોવા પેદા થયા હતા? ફેસબૂક પર હોશિયારી બતાવવા અને ડિપ્રેસ થવા પેદા થયા હતા? વોટ આને ટેક્ષ આપવા જ જન્મ્યા હતા? સેલિબ્રિટીઓ સાથે સેલ્ફીઓ પાડીને સેલિબ્રિટી હોવાનો ભ્રમ પોષવા જન્મ્યા હતા? ક્યારે સાર્થક કામ કરશો? ક્યારે જીવન વિશે ગહેરાઈથી વિચારશો? ક્યારે બહેતર સંબંધનો અનુભવ કરશો? શાંતિ અને સંતોષનો અહેસાસ ક્યારે કરશો?આવતીકાલે? ક્યારેય માથું ઊંચું કરીને જોયું છે કે દુનિયા કેટલી ઝડપથી પસાર થઈ રહી છે અને તમારી આવતીકાલ હજુ ય આવી નથી? એક બીજી ફિલ્મ, The Shawshank Redemptionના એક સંવાદમાં આ આખી વાતનો સાર હતો: Get busy living, or get busy dying.

7th February 2021
Morning Musings...
નોર્મલ એટલે શું? બહુમતી લોકો જે સ્વીકારે, તે નોર્મલ. કોઈ વ્યક્તિ નોર્મલ નથી, તેનો મતલબ એટલો જ કે તે પોતાની રીતે રહેવા માંગે છે અને બહુમતીને તે માન્ય નથી. હકીકતમાં, નોર્મલ જેવું કશું નથી. દરેક વ્યક્તિમાં કોઈને કોઈ પ્રકારની ભિન્નતા હોય છે. કોઈપણ વ્યવહાર સંપૂર્ણપણે હકારાત્મક કે સંપૂર્ણપણે નકારાત્મક નથી હોતો. વ્યક્તિગત સંદર્ભે બંનેના સંભવિત ફાયદા હોય છે. પ્રકૃતિ પરફેક્ટ માણસ નથી બનાવી. તેને માણસ જાતના ટકી રહેવામાં જ રસ હોય છે, એટલે તે ભિન્નતાને સ્વીકારે છે. તેનાથી વિપરીત, સમાજ અથવા કલ્ચરને ખુદના પરફેક્શનમાં રસ હોય છે, એટલે તેના નોર્મલ સ્ટાન્ડર્ડમાં જે ફીટ થાય છે, તેને સ્વીકારે છે, અને જે ફીટ ના થાય, તેને રદ્દ કરે છે. ધારો કે, આ પૃથ્વી પરના તમામ લોકો ગાંડા થઈ જાય અને માત્ર પાંચ જ લોકો ડાહ્યા રહે, તો બહુમતી લોકો તે પાંચને ડાહ્યા ગણશે?

8th February 2021
Morning Musings...
જે વાતચીત ઉપજાઉ ના હોય, જે ચર્ચા તમારી સમજણમાં ઉમેરો કરે તેવી ના હોય, જેમાં વિચારને સાચો-ખોટો સાબિત કરવાના નામે વ્યક્તિને સાચો-ખોટો પુરવાર કરવાની કવાયત હોય, તેમાંથી બહાર નીકળી જવું એ હોંશિયારી છે. વાતચીતોનો ટકરાવ ઈગોનું પેટ તો ભરે છે, પણ એમાંથી બુદ્ધિને પોષણ ના મળે. જેમ લોકોને જંક ફૂડ ખાવાની લત પડી જાય છે, તેવી રીતે લોકોને વાતચીતમાં તમાશો કરવાની પણ આદત પડી જાય છે. વાતચીતમાં સંવાદ થાય છે કે શોરબકોર, તેનો ફરક સમજવો એ બુદ્ધિમાની છે. બોલતાં આવડે છે, એટલે સમજણ પણ પડે, એવું જરૂરી નથી.

9th February 2021
Morning Musings...
જાણવામાં અને સમજવામાં ફર્ક છે. સાંભળવામાં અને સમજવામાં ફર્ક છે. વાંચવામાં અને સમજવામાં પણ ફર્ક છે. તમે જે જાણતા હો, તેની સમજ પણ હોય, તે જરૂરી નથી. એક પ્રચલિત જોક પ્રમાણે, ટામેટું ફ્રુટ છે, તે જાણકારી છે, પણ તેને ફ્રૂટ સલાડમાં ના નખાય, તે સમજણ કહેવાય. તમે ઘણા લોકોને એવું પૂછતાં સાંભળ્યા હશે કે તમે ફલાણું પુસ્તક વાંચ્યું છે? ઘણીવાર લોકો પુસ્તકનું નામ યાદ હોય, પાત્રોનાં નામ મોઢે હોય, વાર્તાનો ક્રમ ખબર હોય, તેને સમજણ ગણે છે, પરંતુ માહિતી હોવી એ સમજણ નથી. સમજણ એ પુસ્તકના સારાંશ અથવા વિશ્લેષણમાંથી આવે. પુસ્તક પૂરું થાય, ત્યાંથી સમજ શરૂ થાય. જાણકારી પુસ્તકની સાથે સમાપ્ત થાય. જાણકારી તથ્યોમાંથી આવે. સમજ વિચારોમાંથી આવે. એટલે માટે જાણકાર અને વિચારક એ બે અલગ વ્યક્તિ છે.

10th February 2021
Morning Musings...
કમજોર લોકોની સરખામણીમાં શક્તિશાળી લોકોમાં અન્યાયની લાગણી વધુ મજબૂત હોય છે. તાકાતની સાથે અધિકારની ભાવના પેદા થાય છે, એટલે એ લોકો તેમની સાથે જરા સરખો અન્યાય થાય, તો તેને અધિકારના ઉલ્લંઘન તરીકે જુવે છે, અને તાકાતને વધુ કસીને પકડી રાખે છે. કમજોર લોકો અન્યાય પ્રત્યે ઓછા સંવેદનશીલ હોય છે, અને બહુ ઝડપથી અન્યાયને નોર્મલ બનાવી દે છે. જેને પોતાની તાકાતનો અહેસાસ હોય, તે બાળકની જેમ આળા હોય. કમજોર લોકો પ્રમાણમાં જતું કરવાવાળા હોય. અંગતથી લઈને વ્યવસાયિક અને સામાજિક સંબંધોનો કોટિક્રમ આ જ રીતે જાળવવામાં આવે છે. સામાજિક, ધાર્મિક અને રાજકીય ઉત્પીડનના મૂળમાં આ હકીકત છે.

11th February 2021
Morning Musings...
ઉશ્કેરાઇ જવું અને પ્રતિક્રિયા આપવો, તે ગુલામીની અવસ્થા છે, કારણ કે તેમાં બીજી વ્યક્તિ કે પરિસ્થિતિ તમને કંટ્રોલ કરે છે. છતાં, એ બંને વચ્ચે એમાં એક ખાલી જગ્યા હોય છે. એ જગ્યામાં પ્રતિક્રિયા નહીં આપવાની મારી આઝાદી છે. 
'મેં તો કચકચાવીને તેને સંભળાવી દીધું,' એ મારી કેદ છે. 
'મને થયું, કશું ના કહીએ તોય ચાલે,' એ મારી આઝાદી છે. 
જે પરિસ્થિતિ તમારા નિયંત્રણમાં ના હોય, તેની ઉપેક્ષા કરવી, એ અસલી અક્કલમંદી છે.

12th February 2021
Morning Musings...
Opposite dose not attract. અમુક લોકો તમારા જીવનમાં હોવા જોઈએ, પણ નથી, તેનું કારણ તમે જ છો. તમારા જીવનમાં એવા જ લોકો હોય, જેવા તમે હો. તમે જો રોદણાં રડતા હો, તો તમને એવા જ લોકો મળશે, જે સાથે રડવા લાગે. તમે પુસ્તકના કીડા હશો, તો તમને પુસ્તકીયા લોકોની દોસ્તી થશે. આપણે હંમેશા સામેની વ્યક્તિમાં એવી પરિચીતતા અને પેટર્ન શોધતા હોઈએ છે, જે આપણામાં હોય. આપણા વિચારો ઉર્જાનું જ સ્વરૂપ છે, અને એ જ્યારે બીજી વ્યક્તિની ઉર્જાના સંપર્કમાં આવે, ત્યારે કાં'તો તેમાં આકર્ષણ થાય અથવા વિકર્ષણ પેદા થાય. એટલે તમે જો નકારાત્મક વિચારોવાળા હો, તો તમને સકારાત્મક વિચારોવાળી વ્યક્તિ સાથે લાબું ના ફાવે. તમે ઇચ્છતા હો કે અમુક લોકો તમારા દોસ્ત હોવા જ જોઈએ, તો તમારે તેમના વિચારોની, વ્યવહારની, જીવનની ક્વોલિટી કેળવવી પડે.

13th February 2021
Morning Musings...
આપણને સુખ આપે તે રીતે જીવવાની આડે હંમેશા બે જ લાગણીઓ આવતી હોય છે; ડર અને ઉચાટ. સુખનો આધાર બે સવાલોના જવાબમાં છે; 'શા માટે?' અને 'શા માટે નહીં?' જીવનમાં બદલાવ ત્યારે જ આવે, જ્યારે તમને એ ખબર પડે કે તમે જે કરો છો, તે શા માટે કરો છો અને જે નથી કરતા, તે શા માટે નથી કરતા, પણ આપણે આવા સવાલો ટાળીએ છીએ, કારણ કે મોટાભાગે આપણે પેટર્નમાં જીવીએ છીએ, આદતથી જીવીએ છીએ, કમ્ફર્ટમાં જીવીએ છીએ. મોટાભાગના લોકોને એ ખબર હોય છે કે તેમનું સુખ શેમાં છે, પણ તેને હાંસલ કરવાનું સાહસ નથી હોતું, કારણ કે તેના માટે હાલની પેટર્ન સામે સવાલ કરવો પડે, જે ઉચાટ પેદા કરે છે, અને નવી સ્થિતિને આવકારવી પડે, જેનો ડર લાગે છે.

14th February 2021
Morning Mushing..
આજના‌ ખાસ દિવસ માટે..
સ્ત્રીના હૃદય સુધી પહોંચવા પુરુષે અર્ધનારેશ્વરની ભાવના કેળવવી જોઇએ. સ્ત્રીને સમજવા માટે પુરુષે પોતે પુરુષ હોવાનો ગર્વ છોડવો પડે છે.

ઇશ્વરે બનાવેલી એક માનવિય રચના એવી છે 
જેને તમે બધી રીતે જીતી શકો છો, છેતરી શકો છો,
એને લલચાવી શકો છો, લાગણીના નામે ભોળવી શકો છો. પણ જ્યારે તમારે એને ચાહવી હોય તો પહેલા
એના શરીરથી શરૂઆત કરશો તો ફકત સ્ત્રીનું શરીર જ મળશે. એની અંદર જે પ્રેમની દેવી વસે છે એ તમને નહી મળી શકે. સ્ત્રીની અંદર રહેતી પ્રેમનીદેવીને પામવા માટે
એની આરાધનાં કરીને સ્ત્રીનાં આત્માને રીઝવવો જરૂરી છે. આ આત્માંને રીઝવવા માટે સ્ત્રીના આત્મિય પાત્ર
બનવાની ક્ષમતા કેળવવી પડે છે.

પુરુષે એક વાત યાદ રાખવા જેવી છે. દરેક સમયે સ્ત્રીને પ્રેમી તરીકે પુરૂષની જરૂર રહેતી નથી. જો તમે એનો સતત સહવાશ ચાહતા હો તો તમારામાં બાળક, એક મિત્ર, એક સ્ત્રી, એક વડીલ, એક પ્રોઢા જેવા ગુણ કેળવવા પડે છે. કારણકે સ્ત્રીનો સ્વભાવ જ એવો છે.

અમુક વખતે તમે એના પ્રેમી કે પતિ તરીકે એને ન મનાવી શકો. કોઇ વાર બાળક બનવુ પડે છે, તો કોઇ વાર એની સખી બનવું પડે છે, તો કોઇ વાર ફ્કત એનો મિત્ર બનવું પડે છે તો કોઇ વાર એના વડીલ બનવું પડે છે..

15th February 2021
Morning Musings...
લોકોને તમારા વિચારો સાથે કોઈ લેવદેવા નથી હોતી. તેમને એટલી જ લેવદેવા હોય છે કે તેમના વિચારો સાથે તમારા વિચારોનો મેળ બેસે છે કે નહીં. તેમના વિચારો સાથે તમારા વિચારોનો જો કોઈક રીતે સંબંધ નીકળે, તો તમારા વિચારોનું તેમના માટે મૂલ્ય હોય, બાકી તમારા ગમે તેટલા મહાન કે મૌલિક વિચારો હોય, લોકો માટે એ બે કોડીના હોય છે. લોકોને તેમના વિચારોના કન્ફર્મેશનમાં રસ હોય છે, અને એટલે જ દરેક નવો અને જુદો વિચાર હંમેશા એકલવાયો હોય છે. તમે જ્યારે કોઈના વિચારોને સાંભળો, ત્યારે તમારા વિચારો 'હું છું...હું છું' કરવાનું  બંધ કરે, તો જ ખરા અર્થમાં સાંભળ્યુ કહેવાય, પણ મોટાભાગે આપણે આપણા જ વિચારોને સાંભળતા હોઈએ છે. અસલી સાહસ ખુદના વિચારોને ચેલેન્જ કરે તેવા વિચારોને સાંભળવાનું જ છે. લાઈક માઇન્ડેડ પિપલ એટલે શું? તમે મારા વિચારોને પંખો નાખો, હું તમારા વિચારોને ઘોડિયામાં ઝૂલાવું!

16th February 2021
Morning Musings...
સુંદરતા ક્ષણમાં હોય છે, અસ્થિરતામાં હોય છે. જે નાશવંત છે, તે ખુબસુરત છે. પ્લાસ્ટિકનાં નકલી ફૂલો તમારી અંદર, રસ્તા પરનાં અસલી ફૂલ જેવી હલચલ પેદા નથી કરી શકતાં. સુંદરતા મૃત્યુમાં છે.  મુરજાઇ જવું એ સૌન્દર્યનું શુદ્ધ સ્વરૂપ છે. જે નિસ્તેજ પડે છે, તે શરીરના બુનિયાદી મોલેકયુલની નિર્દોષતામાં પાછું ફરે છે. અને અસલી સુંદરતા નિર્દોષતામાં છે.

17th February 2021

Morning Musings...
નાસમજ વ્યક્તિ સાથે તાર્કિક ચર્ચા પ્રયાસ એટલા માટે વ્યર્થ સાબિત થાય છે કારણ કે તેની દ્રષ્ટિએ તો આપણે નાસમજ હોઈએ છીએ અને એ પોતે સમજદાર. જે વ્યક્તિએ નક્કી કર્યું હોય કે એને સમજવું જ નથી, એ વિવેકબુદ્ધિ તો ઠીક, કોમન સેન્સને પણ ન ગણકારે. એટલે જ, નાસમજ વ્યક્તિ સાથેની તમામ ચર્ચા હતાશા જનક હોય છે કારણ કે એને તમારી વાત સમજવામાં નહીં, તમારી તાર્કિકતાને અસ્થિર કરવામાં રસ હોય છે. નાસમજ વ્યક્તિ સાથે પનારો પાડવાનો શ્રેષ્ઠ ઉપાય એ છે કે એને બને તેટલી ઓછી પ્રતિક્રિયા આપવી. તેવી વ્યક્તિને બે જ બાબતમાં રસ હોય છે; તમારું ધ્યાન ખેંચવામાં અને તમારા ઇમોશનલ રિએક્શનમાં. આ મેળવવા માટે એ તમને અકળાવશે, ઉશ્કેરશે અને ધોસ જમાવશે. નાસમજ વ્યક્તિને ખાળવા માટેનું અસલી શસ્ત્ર તમારી સ્વસ્થતા હોય છે, અને નાસમજ વ્યક્તિને એ શસ્ત્ર જ બુઠું કરવાની ઉતાવળ હોય છે.

18th February 2021
Morning Musings...
એવા લોકોથી દૂર રહેવું, જે તમારી લાયકાત અને હેસિયતની સાબિતીઓ માગે, જે સતત તમને સવાલો પૂછતા રહે, ભૂલો બતાવતા રહે, 'તમને આવડતું નથી'ની ભાવના મજબૂત કરતા રહે. એવા લોકોને ફિલ્ટર કરવા માટે આ પાંચ સવાલોના જવાબો મેળવી લેવા: 
-એમને તમારા સમયની કિંમત છે? 
-એમને તમારા વિચારોનું મૂલ્ય છે?
-એ તમને ટોણા મારે છે? તમારો ટેસ્ટ લે છે? 
-એ નિસ્વાર્થ ભાવે ક્યારેય તમારી પાસે આવે છે? 
-એમને તમારી ત્રુટીઓ જ દેખાય છે?

19th February 2021
Morning Musings...
હું એકવાર દરિયામાં હતો, અને મારી ટ્રેનિંગનો વિચાર કરીને (મારી નિષ્ફળતાને લઈને) જાત પર અકળાયો. મેં ગુસ્સામાં પાણીમાં પંચ માર્યો! એ જ ક્ષણે, અચાનક મને વિચાર આવ્યો; આ પાણી પોતે જ ફૂંગ ફુનો સારાંશ નથી? મેં ફરીથી પંચ માર્યો, પણ પાણીને કશું ના થયું. દુનિયાનું સૌથી પોચુ તત્વ, આ પાણી, વાસ્તવમાં સોથી નક્કર પદાર્થને ભેદી શકે છે. બસ! મારે આ પાણી જેવા સ્તો બનવું હતું. તેમાંથી મને શીખવા મળ્યું કે મારી જાત પર કાબુ મેળવવા માટે મારે સૌથી પહેલાં તો મારા સ્વભાવની સામે તરવાને બદલે મારી જાતને સ્વીકારવી જોઈએ. 
-બ્રુસ લી, આર્ટિસ્ટ ઓફ લાઈફમાં

20th February 2021
Morning Mushing...
પરસેવરન્સ (Perseverance) રોવર મંગળ પર ઉતરી રહ્યું હતું તેની થોડી સેકન્ડો પહેલાંની આ સૌ પ્રથમ તસ્વીર છે. નાસાનું આ નવમું રોવર છે, જે 206 મિલિયન કિલોમીટર દૂર આવેલા લાલ ગ્રહ પર જીવનની શોધમાં જમીનના સેમ્પલ એકત્ર કરશે. ગુરુવારે તે સુરક્ષિત રીતે ગ્રહ પર ઉતર્યું હતું. ત્યાં તે 5 બાય 4 માઈલના પટ્ટા પર ફરીને સેમ્પલ લેશે. બે અઠવાડિયામાં મંગળ પર જનારું આ ત્રીજું મશીન છે. ગયા અઠવાડિયે ચીન અને સંયુક્ત આરબ અમીરાતનું રોવર પણ મંગળ પર સલામત ઉતર્યું છે.

21st February 2021
Morning Mushing...
વિશ્વાસ અને વિશ્વાસમાં ફરક:

એક વાર બે બહુ મજલી ઇમારતોની વચ્ચે બાંધેલા દોરડા પર લાબો વાંસ પકડી એક નટ ચાલી રહ્યો હતો.
તેણે પોતાના ખભા પર પોતાના દિકરાને બેસાડી રાખ્યો હતો.

સેંકડો લોકો શ્વાસ રોકીને જોઈ રહ્યા હતા.
હળવા પગલાથી, તેજ હવાથી ઝઝૂમતો નટે પોતાની અને પોતાના દિકરાની જિંદગી દાવ પર લગાવીને તે કલાકારે અંતર પુરું કરી લીધું.

ભીડ આહ્લાદથી ઉછળી પડી. તાલીઓના ગડગડાટ સાથે સીટીઓ વાગવા લાગી.

લોકો તે કલાકારના ફૉટો ખેંચી રહ્યા હતા. તેની સાથે સેલ્ફી લઈ રહ્યા હતા. તેનાથી હાથ મલાવી રહ્યા હતા અને તે કલાકાર માઇક પર આવ્યો.
ભીડને ઉદ્દેશીને બોલ્યો:
શું આપને વિશ્વાસ છે કે આ હું ફરીથી પણ કરી શકુ છું?

ભીડ એકી અવાજે બોલી: હા-હા તમે કરી શકો છો.

તેણે પુછ્યું: શું આપને વિશ્વાસ છે?
ભીડ બોલી ઉઠી: હા, પુરો વિશ્વાસ છે.
અમે તો શરત પણ લગાવી શકીએ છીએ કે, તમે સફળતાપુર્વક તે ફરીથી પણ કરી શકો છો.

કલાકાર બોલ્યો: પુરેપુરો વિશ્વાસ છે ને ?

ભીડ બોલી: હા-હા પુરો વિશ્વાસ છે.

કલાકાર બોલ્યો: ઠીક છે. કોઈ મને પોતાનો દિકરો દઈ દો. હું તેને મારા ખભા પર બેસાડીને દોરડા પર ચાલીશ.

ખામોશી, એકદમ શાંતિ, સન્નાટો ફેલાઈ ગયો.....!

કલાકાર બોલ્યો: ડરી ગયા......? 
હમણાં તો આપને વિશ્વાસ હતો કે, હું કરી શકું છું.
અસલમાં આપનો આ વિશ્વાસ (believe) છે, મારામાં વિશ્વાસ (trust) નથી.....!
બન્ને વિશ્વાસોમાં ફરક છે સાહેબ....!

આ જ કહેવાનું છે.
ઈશ્વર છે એ તો વિશ્વાસ (believe) છે.
પરંતુ
ઈશ્વરમાં સંપુર્ણ વિશ્વાસ (trust) નથી.....!

We believe in God.
But
We don't trust him.....!

જો ઈશ્વરમાં પુર્ણ વિશ્વાસ છે તો ચિંતા, ક્રોધ, તણાવ કેમ.....?
ચાલો,
આ બાબતે જરા વિચાર કરીએ.....!

22nd February 2021
Morning Mushing...
ભાષાએ જ્ઞાન સંપાદનનું સાધન છે, સ્ત્રોત નથી. જ્ઞાન દ્રશ્યથી, વાંચનથી, શ્રવણથી, ચિંતન-મનનથી મળે છે. 

જ્ઞાન તો કોઈપણ ભાષામાંથી મળે, જ્ઞાન મેળવવા માટે  અભ્યાસ કરવો પડે, ઝંખના કેળવવી પડે, જ્ઞાનપિપાસુ બનવું પડે. ભાષા એ અભિવ્યક્તિનું માધ્યમ છે. એવું મિથ્યાભિમાન પણ રાખવાની જરૂર નથી કે ફક્ત અને ફક્ત આપણી ભાષા  જ સમૃદ્ધ છે. 

વિશ્વની દરેક ભાષામાં એકસરખું લાવણ્ય છે. અન્ય સંસ્કૃતિની જેમ જ  દરેક ભાષાઓનો અભ્યાસ કરીએ તો એ ભાષાઓની સમૃદ્ધિ પણ જણાઈ આવશે જ.  ભાષાની સુંદરતા, મધુરતા અને લાવણ્યનો આધાર એના ઉપયોગકર્તાની કુશળતા પર અવલંબિત છે. 

ફક્ત એક જ ભાષાને મહત્વ અપાય તો જ્ઞાનના સીમાડાઓ વિસ્તૃત ન કરી શકાય. કોઈપણ એક ભાષા પ્રત્યેક વિષયને સંપૂર્ણ પણે આવરી લઇ શકે એ શક્ય નથી અને જો એ શક્ય હોય તો પણ એ સાહિત્ય, એ સાધન દરેકને પ્રાપ્ય નહીં હોય. 

જેટલી વધારે ભાષા શીખી શકો એટલો સ્વ અને સમૂહનો વિકાસ કરી શકો.

માતૃભાષા તો સંસ્કૃતિ ની જીવનદોરી છે. માતૃભાષાનું સંવર્ધન અને તેને જીવંત રાખવી આપણી ફરજ છે. માતૃભાષાનો ઉપયોગ અવશ્ય  કરો, માતૃભાષાને પ્રેમ કરો, પણ દરેક ભાષાનું સન્માન કરો. 

જે ભાષા આપણને સારાં વ્યક્તિ બનતા શીખવાડે એ બધી જ ભાષા સારી. આપણી લીટી મોટી કરવા અન્યની લીટીઓ ટુંકી કરવી યોગ્ય નથી.  

અંગ્રેજી, હિન્દી  કે અન્ય કોઈપણ ભાષાને કોઈની માતૃભાષા સમજી મહત્વ આપવુ જોઈયે. 

મા હંમેશા વંદનિય જ હોય. ભલેને પછી એ પોતાની હોય કે મિત્રની હોય. 

કોઈપણ ભાષા સંપૂર્ણ પણે શુદ્ધ ન રહી શકે. સમયાંતરે એમાં  વિવિધ ભાષાઓના શબ્દો કે રુઢીપ્રયોગો ઉમેરાતા રહેવાના જ. જેમ જેમ ભાષા વિવિધ સ્થળોએ, વિવિધ વાતાવરણમાં વપરાતી જાય તેમ તેમ એમાં અન્ય શબ્દોનો સમાવેશ થતો જાય કેમ કે આખરે ભાષા અભિવ્યક્તિનું માધ્યમ છે. અન્ય ભાષાઓના શબ્દોના સમન્વયથી ભાષા સમૃદ્ધિ વધે છે. ભાષા એ સાધન છે, સાધ્ય નથી. 

જ્યાં ભાષાજ્ઞાન ટૂંકું પડે ત્યાં સ્પર્શ કે  અભિવ્યક્તિનો સહારો લેવાય છે.  જેમ વિશ્વની કોઈપણ સંસ્કૃતિ આગવી નથી રહી શકી તેમ પ્રત્યેક ભાષાઓમાં અન્ય શબ્દોનો સમન્વય થયો જ છે. જો  શુદ્ધ અને સાત્વિક ભાષાઓમાં લોકબોલીના શબ્દો સ્થાન પામી શકતા હોય તો અન્ય ભાષાઓના 'આગવા' શબ્દો કે જેનું સીધું કે સરળ ભાષાંતર શક્ય ન હોય એનો સ્વીકાર પણ કરવો જ જોઈએ. 

આપણે જ્ઞાનના સીમાડાઓ વિસ્તૃત કરવા હોય તો  માતૃભાષાની સાથે સાથે અન્ય ભાષાઓને પણ મહત્વ આપવું જ જોઈશે.

23rd February 2021
Morning Musings...
આપણે સફળ છીએ કે નહીં તેના 10 સંકેતો: 
1. વાંચવા માટે સમય હોય
2. રચનાત્મક પ્રવૃતિ થતી હોય
3. શરીરની ચુસ્તી પર ફોકસ હોય
4. પ્રિયજનો માટે સમય હોય
5. આત્મ વિશ્વાસ સ્વભાવ બની ગયો હોય
6. વૈચારિક સ્પષ્ટતા હોય
7. સહજ રીતે હસવું આવતું હોય
8. મગજ શાંત હોય
9. નમ્રતા અને આશાવાદ હોય
10. સંબંધો ટકરાવ રહિત હોય.

24th February 2021
Morning Musings...
જિજ્ઞાસા વૃત્તિવાળા લોકો જજમેન્ટલ ના હોય. જજમેન્ટલ માનસિકતા વાળા લોકો દરેક ચીજને બ્લેક એન્ડ વ્હાઇટ, સારી કે ખરાબ તરીકે જ જુવે. તેઓ દરેક  બાબતમાં, પોતાનું કે બીજાનું, નકારાત્મક વિશ્લેષણ કરે. તેમની માનસિકતા આરપારની જ હોય. બહુ વિગતોમાં ના પડે. જિજ્ઞાસા વૃત્તિવાળા લોકો માધ્યમ માર્ગ અપનાવે. તે બંને પક્ષ વિચારે અને પછી નિર્ણય પર પહોંચે. વિગતોમાં ઊંડા ઉતરે.

જજમેન્ટલ વ્યક્તિ: નાપાસ જ થવાના છીએ, પછી પરીક્ષા આપીને શું કામ છે? 

જિજ્ઞાસુ વ્યક્તિ: જોઈએ તો ખરા શું થાય છે. કઈંક તો શીખવા મળશે.
જજમેન્ટલ વ્યક્તિ: પેલો માણસ બહુ ખરાબ છે. આવું જ કરે.

જિજ્ઞાસુ વ્યક્તિ: જાણીએ તો ખરા તેણે આવું કેમ કર્યું? એની જગ્યાએ હું હોઉં તો આવું કરું?
જજમેન્ટલ વ્યક્તિ: આપણને ચોપડાં વાંચતાં ના આવડે, ભ'ઇ.
જિજ્ઞાસુ વ્યક્તિ: મને કેમ એવું લાગે છે કે હું પુસ્તકો ના વાંચી શકું? ગમતી પ્રવૃતિ પરનું પુસ્તક વાંચવા ટ્રાય કરવો જોઈએ.

25th February 2021
Morning Musings...
સંબંધની સલામતી વિશ્વાસમાંથી આવે. આપણને જ્યારે કોઈ સંબંધને લઈને વ્યાકુળતા અને ભય ના હોય, ત્યારે તે સલામતીનો અહેસાસ કરાવે. અસલામત વ્યક્તિ એવું કહે,"મારા માટે પ્રેમ હોય, તો મારી ટીકા નહીં કરવાની." સલામત વ્યક્તિ કહે, "મારા માટે પ્રેમ હોય, તો બિન્દાસ્ત ટીકા કરવાની." એવા સંબંધને પારખવાના દસ સંકેતો છે: 
1. એકબીજાને કંટ્રોલ કરવાનો પ્રયાસ ન કરે.
2. સારા કે ખરાબ, પ્રત્યેક ઇમોશનનો સામનો કરે.
3. એકબીજા પ્રત્યે ઈર્ષ્યા કે માલિકીની ભાવના ન હોય
4. એકબીજના ફોન, મિત્રો કે ગતિવિધિઓને ચેક ન કરે
5. એકબીજાના સુખમાં ઉમેરો કરવાના અવસર શોધે
6. પરસ્પર માનસિક અને ભાવનાત્મક સ્પેસનું સન્માન કરે
7. ન ગમે તેવું હોય તો પણ પ્રમાણિક અભિવ્યક્તિ કરે
8. રચનાત્મક આઈડિયાઝનું શેરિંગ મજબૂત હોય
9. જજમેન્ટનો અભાવ હોય, ત્રુટીઓ સ્વીકારે, જતું કરે
10. પરસ્પર મદદથી વૈચારિક વિકાસ માટે તત્પર હોય

26th February 2021
Morning Musings...
ચાહે પુસ્તકો વાંચવાનો હોય, ચાહે શિક્ષક પાસેથી શીખવાનો હોય કે પછી પ્રેમ કરવાનો હોય, સૌથી ઉત્તમ સંબંધ એ છે જે આપણા જીવનમાં સાર્થકતાનો ઉમરો કરે. ગણિતમાં બે વત્તા બે ચાર થાય છે. તેનો સાદો અર્થ એ જ કે બેની સંખ્યામાં બીજા બેનું મૂલ્ય ઉમેરાયું અને બેની 'જિંદગી' બદલાઈ ગઈ. બે પહેલાં જેવું ના રહ્યું. તે ચાર થઈ ગયું. સંબંધોનું પણ એવું જ છે. તે આપણામાં મૂલ્ય વૃદ્ધિ કરે. જો જીવનની વિસાત ના બદલાય તો પછી, પુસ્તક હોય, શિક્ષક હોય કે સંબંધ, તે ટાઈમપાસ કહેવાય.

27th February 2021
Morning Musings...
મોટાભાગના લોકો બોરિંગ જિંદગી જીવતા હોય છે. તેમના જીવનમાં કોઈ ઉત્તેજના અને સનસનાટી નથી હોતી એટલે તેઓ સોશ્યલ મીડિયા પર આવીને ડ્રામા ઉભો કરે છે. ફેક ન્યુઝ અને ગૉસિપ એટલે જ લોકપ્રિય છે, કારણ કે તેમાં બીજા માણસ વિશે નોવેલ્ટી હોય છે. અને એવા ફેક ન્યુઝ ઉપર ખુદને જ્ઞાની સમજતા લોકો ચર્ચા પણ કરે છે. સોશ્યલ મીડિયા પર લોકો સતત તેમની ફરિયાદો માટે બીજા લોકોને જવાબદાર ઠેરવતા રહે છે અને તેની આસપાસ લાઈક-માઇન્ડેડ લોકોની ભીડ એકઠી કરતા રહે છે. એનાથી 'સમસ્યાઓ' ઉકલી જાય છે? લોકો જો ઢોંગ કરવાનું, અતિશયોક્તિ કરવાનું અને પળે-પળે આઘાત-પ્રત્યાઘાત આપવાનું બંધ કરી દે, તો મોટાભાગની 'સમસ્યાઓ' ગાયબ થઈ જાય, પણ હકીકત એ છે કે લોકોને સમસ્યાઓ વગર ચાલતું નથી. સમસ્યાઓ ન હોય, તો જીવતા હોવાનો અહેસાસ નથી થતો. એટલે લોકો દિવસ ઉગતાંની સાથે એક નવી ફરિયાદ અને એક નવો દુશ્મન લઈને હાજર થઈ જાય છે. બસ‌ માણસ સમસ્યા શોધવાની જગ્યા એ સમાધાન શોધવાની કોશિશ કરે તો સમસ્યા મૂળમાંથી ગાયબ થઈ જાય.

28th February 2021
Morning Musings...
આત્મહત્યા કે હત્યા એ નક્કી નથી થઈ શક્તું.. પણ ગઈકાલે બહુ વાઈરલ થયેલી આયેશા નો મૃત્યુ પહેલાં નો વિડિઓ હોય, આસિફ બસરાની હોય કે બીજા અસંખ્ય ગુમનામ ફિલ્મી હસ્તીઓ હોય, આત્મહત્યા બુનિયાદી રૂપે સમાજ પ્રત્યેના વિદ્રોહમાંથી આવે છે. આત્મહત્યા કરનારી વ્યક્તિ મનથી બીમાર નથી હોતી, બીમાર તો સમાજ છે, એટલે એક તંદુરસ્ત માણસ તેની સામે હારી જાય છે. 

પ્રકૃતિએ વાઇરસથી લઈને હાથી સુધીના તમામ જીવોમાં સર્વાઇવલની જબરદસ્ત વૃત્તિ મૂકી છે. જીવો યેનકેન પ્રકારેણ જીવી જાય છે. પ્રકૃતિમાં આત્મહત્યા નથી, કારણ કે પ્રાકૃતિક વ્યવસ્થા જીવન તરફી છે. આત્મહત્યા એ માનવીય સમાજની ઘટના છે. 

અહીં માણસને મરવાની ફરજ પડે છે કારણ કે આખી વ્યવસ્થા વ્યક્તિ વિરોધી અને સમૂહ તરફી છે. સમાજ એ લોકો માટે જ છે, જે તેને અનુકૂળ થઈને રહે. તમે દંભી હો, બેઇમાન હો, ભ્રષ્ટ હો, નિર્દયી હો, તો વાંધો ના આવે, પણ સંવેદનશીલ હો, વિચારવંત હો, ખુદની ઈચ્છા પ્રમાણે જીવવા ઇચ્છતા હો કે બીજા લોકોની અનુકૂળતા પ્રમાણે જીવતા ના હો, તો કાં તો પાગલખાનામાં ભરતી થઈ જવું પડે અથવા આત્મહત્યા કરી લેવી પડે. તમે વ્યવસ્થા સામે હારી જાવ, ત્યારે સમાજને રિજેક્ટ કરવા સિવાય બીજું શું કરી શકો? 

આત્મહત્યા એ જીવનનું રિજેક્શન નથી, તે સમાજનું રિજેક્શન છે.

1st March 2021
Morning Musings...
આપણને દરેકને એક ભ્રમ હોય છે કે ઉત્તમ અને સુખી જીવનની તમામ ચાવીઓ મારી પાસે જ છે. તેમાંથી બીજો એક પેટા-ભ્રમ પેદા થાય છે કે હું બીજી વ્યક્તિને સુખી કરવા સક્ષમ છું. એટલા માટે આપણે હંમેશાં બીજી વ્યક્તિના મસીહા બનવાનો પ્રયાસ કરીએ છીએ- 'હું કહું તેમ કરો. મને અનુસરો. હું તમને સુખી કરી દઈશ." હકીકત એ છે કે કોઈને કશી ખબર નથી. બધા અંધારામાં તીર મારી રહ્યા છે. વાસ્તવમાં, આપણે એકબીજાને સુખી કરવાને બદલે દુઃખી કરી રહ્યાં હોઈએ છીએ. આપણી મોટાભાગની સમસ્યાઓ સંબંધોની સમસ્યાઓ છે. આપણે ટેલિવિઝન સેટની જેમ, પાળતું જાનવરની જેમ કે કુંડામાં ઉછરેલા પ્લાન્ટની જેમ માણસો પર અધિકાર સ્થાપિત નથી કરી શકતા, એટલે દુઃખી થઈએ છીએ અને બીજાને કરીએ છીએ. ઘણીવાર કોઈના જીવનમાં આપણા હોવાથી નહીં, નહીં હોવાથી સુખનું પ્રમાણ વધી જાય છે.

2nd March 2021
બુદ્ધિમત્તાનાં 5 લક્ષણો: 
1. જ્યારે તમે તમને ન ગમતા લોકો વિશે વિચારવાનું ઓછું કરીને, ગમતા લોકોના વિચાર વધુ કરો.
2. જ્યારે તમે તમારી પાસે જે નથી, તેનો વસવસો ઓછો કરીને, જે છે તેની ખુશી માણો.
3. જ્યારે તમે દલીલો કરવામાં સમય ઓછો કરીને, કામ કરવાનો સમય વધારો.
4. જ્યારે તમે ભવ્ય ભૂતકાળમાં રહેવાનું ઓછું કરીને, વર્તમાનમાં રહેવાનું શરૂ કરો.
5. જ્યારે તમે બીજાઓની ત્રુટીઓ જોવાનું બંધ કરો અને ખુદમાં કરેક્શન કરવાની જરૂરિયાત મહેસુસ કરો.

3rd March 2021
Morning musing...
કોઈ વ્યક્તિ મારા પ્રેમમાં પડે, ત્યારે હું ક્યારેય એવું નથી પૂછતો કે તમે મારા પ્રેમમાં કેમ પડ્યા, પણ એ જ્યારે મને પ્રેમ કરવાનું બંધ કરે, તો હું શા માટે એવી અપેક્ષા રાખું છું કે મને એનું કારણ પૂરું પાડવામાં આવે? આ વિરોધાભાસનું કારણ સેન્સ ઓફ સેલ્ફ (આત્મબોધ) છે. હું પ્રેમ કરવાને લાયક છું, મારામાં પ્રેમ કરવાના તમામ અનિવાર્ય ગુણો મોજુદ છે, હું તમામ વ્યક્તિમાંથી સૌથી ડિઝાયરેબલ છું, એવું આપણે જન્મજાત માનીએ છીએ. એટલે કોઈ વ્યક્તિ મને પ્રેમ કરે, ત્યારે હું તેને મારી યોગ્યતાના પુરાવા રૂપે જોઉં છું (સિરિયલ પ્રેમીઓ વારંવાર એવા પુરાવા એકઠા કરે). બીજા શબ્દોમાં, 'હું પ્રેમ કરવા માટે યોગ્ય બન્યો' એમ નહીઁ, 'હું યોગ્ય છું, એટલે પ્રેમ મળ્યો.' એને હકની ભાવના, અથવા સેન્સ ઓફ ઇન્ટાઇટલમેન્ટ કહે છે. એટલે જ્યારે કોઈ મને પ્રેમ કરવાનું બંધ કરે, ત્યારે આ ભાવનાને ઠેસ પહોંચે છે: મારામાં કોઈ ત્રુટી છે? હું ડિઝાયરેબલ નથી? હું લાયક નથી? આ સવાલોના જવાબ માટે આપણે હંમેશા અપેક્ષા રાખીએ છીએ કે 'પણ તું મને એમ કહે કે તે મારી સાથે આવું કેમ કર્યું?' આપણે ઊંડે-ઊંડે એવી આશા રાખીએ છીએ કે સંબંધ તૂટવા પાછળ મારી ત્રુટીઓ કારણભુત ના હોય. આપણને એ વ્યક્તિના જવાનું નહીં, આપણી સેન્સ ઓફ ઇન્ટાઇટલમેન્ટ ખોવાઈ જવાનું દુઃખ થાય છે.

4th March 2021
Morning Musings...
મેચ્યોરિટી ડેસ્ટિનેશન નથી, પણ યાત્રા છે, અને બેવકુફીઓ તેના માઈલસ્ટોન છે. આપણે એક પછી એક બેવકૂફીઓના માઈલસ્ટોન પાર કરતા જઈએ, તેમ તેમ આપણે મેચ્યોર થતા જઈએ. આપણે બેવકૂફીમાંથી સંપૂર્ણપણે બચી જઈએ તે શક્ય નથી. આપણે એટલું જ કરી શકીએ કે ગઈકાલ કરતાં આજે આપણી બેવકૂફીમાં થોડો ઘટાડો થાય. આપણે જેને મેચ્યોરિટી કહીએ છીએ તે હકીકતમાં બેવકૂફીમાં ઘટાડો થવાની પ્રક્રિયા છે. આપણી બેવકૂફી ઓછી થાય તેને આપણે 'હું મેચ્યોર થયો' એવું કહીએ છીએ. એ પ્રક્રિયા નિરંતર ચાલતી રહે છે. બીજા શબ્દોમાં, આપણે કોઈને કોઈ રીતે થોડા બેવકૂફ તો રહીએ જ છીએ. ખાલી એનો એરિયા અને સ્વરૂપ બદલાય છે. એટલા માટે ડાહ્યો માણસ એને કહેવાય, જે ખુદની મૂઢતાથી જાગૃત હોય; "મારે હજુ ઘણા માઈલસ્ટોન પાર કરવાના છે." જ્યારે બેવકૂફ પોતાને સોથી ડાહ્યો માને; "હું તો મેચ્યોર થઈ ગયો."

5th March 2021
Morning Musings...
તમારા અભિપ્રાયમાં લોકોને ત્યારે જ રસ પડે, જો તમે ખૂબ પૈસાવાળા હો, વગદાર હો અથવા અત્યંત પ્રતિભાશાળી હો. જે લોકો 'કામના'' નથી, તેમના અભિપ્રાયની કિંમત ઝીરો હોય છે. એનો અર્થ એ થયો કે લોકોને અસલમાં તમારામાં રસ હોય છે, તમારા અભિપ્રાયોમાં નહીં. નહીં તો ઘરકામ કરતી બાઈ કે જૂતાં સાંધતા મોચી પાસે પણ આમ તો દરેક વિષય પર ઘણા મૌલિક વિચારો હોય છે, પણ તેને કોઈ ગણકારતું નથી. તમે કોણ છો, તેના આધારે અભિપ્રાયની ગુણવત્તા નક્કી થાય છે. અભિપ્રાયોમાં પણ વર્ગ ભેદ, રંગ ભેદ અને જાતિ ભેદ હોય છે.

6th March 2021
Morning Musings...
માનસિક વિકાસ એક બાબત છે, અને શારીરિક વિકાસ બીજી. બંને એક સરખી રીતે એક વ્યક્તિમાં હોય, એવું જૂજ હોય છે. કેટલાક તો જન્મ્યા જ નથી હોતા, કેટલાક અધૂરા માસના હોય છે, અને કેટલાક તો કસુવાવડનો પ્રતાપ હોય છે. તમે કોઇ રેન્ડમ માણસ સાથે વાત કરો, ત્યારે ધ્યાન રાખવું કે તમે મોટા થયેલા બાળક સાથે વાત કરી રહ્યા છો.

7th March 2021
Morning Musings...
આપણે યાદશક્તિને પ્રકૃતિની સૌથી કિંમતી ગિફ્ટ ગણીએ છીએ. આપણે યાદશક્તિનાં ગુણગાન ગાઈએ છીએ, સ્પર્ધાઓ યોજીએ છીએ, ઈનામો આપીએ છીએ અને યાદશક્તિ વધારવાના નુસ્ખા કરીએ છીએ. જેની યાદશક્તિ સારી હોય તેવી વ્યક્તિને 'જીનિયસ'ની કક્ષાએ મૂકીએ છીએ. જેની ના હોય તેને 'ડફોળ' કહીએ છીએ, પણ યાદશક્તિ ગિફ્ટ નહીં અભિશાપ પણ સાબિત થાય છે. આપણે નકામું પણ બહુ યાદ રાખીએ છીએ. આપણું મન દરેક બાબતો યાદ રાખવા માટે નહીં, જરૂરી હોય તે બાબતો જ યાદ રાખવા માટે બન્યું છે. નકામી વિગતોને ભૂલી જઈએ આપણું મગજ જે કામની માહિતી હોય, તેને વધુ સારી રીતે સંગ્રહી શકે છે. બાળકોની યાદશક્તિ ફોટોગ્રાફિક હોય છે કારણ કે તેઓ નકામી ચીજોને યાદ નથી રાખતાં. ઘઉંમાંથી કાંકરા કાઢી નાખવાની આ પ્રાકૃતિક વ્યવસ્થા છે, પરંતુ આપણું મગજ સદીઓ-દર-સદીઓથી એટલું તેજ થઈ રહ્યું છે (અને સામાજિક વ્યવસ્થા એવી ગોઠવાઈ છે) કે આપણે ભૂલી જવાની ક્ષમતા ગુમાવી રહ્યા છીએ. આપણું દુઃખી રહેવાનું એક કારણ આપણે ઘણું બધું ભૂલી શકતા નથી તે છે. યાદ રાખવું જ નહીં, ભૂલી જવું પણ એક ગિફ્ટ છે.

8th March 2021
Morning Musings...
ઇટાલિયન-અમેરિકન ભૌતિકશાસ્ત્રી એંરિકો ફેરમીના નામથી જાણીતા થયેલા The Fermi paradox પ્રમાણે, બ્રહ્માંડ એલિયન જીવોથી ઉભરાઈ રહ્યું છે, અને આપણે એ બ્રહ્માંડિય સમાજમાં એક નાનકડો પરિવાર માત્ર છીએ, અથવા બ્રહ્માંડમાં કોઈ જ નથી, અને આપણે એક વિશાળ અંધકારમાં પૃથ્વી નામના ટાપુ પર ભરવાઈ પડ્યા છીએ. એલિયન જીવનની સંભાવના અને સાબિતીના વિરોધાભાસને ફેરમીએ આ રીતે સમજાવ્યો હતો; 
• આકાશગંગામાં આપણા સૂર્ય જેવા અબજો તારાઓ છે.
• એમાં ઘણા તારાઓની આસપાસ પૃથ્વી જેવા ગ્રહો છે.
• આવા ઘણા તારાઓ અને તેમના ગ્રહો આપણા સૂર્યથી પણ ઘણા પ્રાચીન છે. 
• પૃથ્વી જેવો ગ્રહ જો જીવન માટે આદર્શ ગણાતો હોય, તો આવા ઘણા ગ્રહો પર બહુ પહેલાંથી બુદ્ધિશાળી જીવો હશે.
• એમાંની ઘણી સભ્યતાઓએ તારાઓ વચ્ચે (ઇન્ટર્સ્ટેલર) પ્રવાસની ક્ષમતા વિકસાવી હશે, જેના પર આપણે હજુ અત્યારે હાથ અજમાવી રહ્યા છીએ. 
• આપણે ઇન્ટર્સ્ટેલર ટ્રાવેલમાં જે રીતે પા પા પગલી માંડી રહ્યા છીએ, તે ગતિએ તો પુરી આકાશગંગાના તારામંડળને ખૂંદતાં આપણને અમુક લાખ વર્ષ લાગશે. 
• અને એમાં ઘણા તારાઓ આપણા સૂર્ય કરતાંય પ્રાચીન છે, એટલે ત્યાંની સભ્યતાઓના એલિયન્સ અથવા તો તેમનાં મિશન ક્યારનાં પૃથ્વીની મુલાકાત લઈ ગયાં હશે. 
• જો કે, આ સંભાવનાના આપણી પાસે કોઈ પુરાવા નથી. 
(ફેરમી પહેલો ભૌતિકશાસ્ત્રી હતો, જેણે કહ્યું હતું કે સાબિતી મેળવવામાં આપણે અક્ષમ છીએ તેનો અર્થ એ નહીં કે એલિયન્સની સંભાવનાનો છેદ ઉડી જાય)

9th March 2021
Morning Musings...
Wise Connector નામના એક ટ્વિટર હેન્ડલ પર થોડા દિવસ પહેલા એક પ્રશ્ન મુકવામાં આવ્યો હતો; તમારા બાળકને એક જ સલાહ આપવાની હોય, તો તે શું હોય?
જવાબમાં ફોલોઅર્સે જે એક-એક વિચાર લખ્યા, તે મોતી સમાન હતા. 
સેમ્પલ:👇
1. તારા વતી બીજા કોઈને સફળતાની વ્યાખ્યા ના કરવા દઈશ.
2. તારી ડિગ્રી એ તારું ડ્રિમ નથી.
3. અંગત વેલ્યુ નક્કી કરજે, અને તેને વળગી રહેજે.
4. બીજાને જે કહેવું હોય તે કહે, ખુદમાં ભરોસો રાખજે.
5. બહુ વહેલાં લક્ષ્ય નક્કી કરી નાંખજે અને 18 વર્ષે તેના પર કામ શરૂ કરી દેજે.
6. તારા ભવિષ્યની પસંદગી તારા હાથમાં છે. વિવેકબુદ્ધિથી પસંદ કરજે.
7. તારા વિચારોની સત્યતા તપાસજે. બધા વિચારો સાચા નથી હોતા.
8. જે કરે તે શ્રેષ્ઠ કરજે, સફળતા દોડતી આવશે. 
9. સ્વપ્ન અને હકીકત વચ્ચેના અંતરનું નામ એક્શન છે.
10. દુનિયામાં બધું કેવી રીતે ચાલે છે, લોકો કેવી રીતે જીવે છે, તે જાણવાની જિજ્ઞાસા રાખજે.
11. જે પણ કરે, તેમાં સંપૂર્ણપણે મગ્ન રહેજે... mindfulness.
12. પૈસા બનાવવાની કળા અને વિજ્ઞાનને શીખજે.
13. રચનાત્મક વિચાર અને વ્યવહારની ટેવ પાડજે.
14. ભીતર જોવાનું રાખજે. બધા જવાબો ત્યાંથી મળશે.
15. જાત સાથે જુઠું ના બોલીશ. ગમે તેટલું આકરું લાગે, જાત સામે પ્રમાણિકતાથી પેશ આવજે.

10th March 2021
Morning Musings...
"મને ટાઈમ નથી" એ સૌથી મોટી મિથ છે. આપણે સૌ એક સમયે કોઈ એક કામ કરતા જ હોઈએ છીએ. આપણે સૌ એકસમાન રૂપે વ્યસ્ત હોઈએ છીએ. "તું નવરો છે કે નવરી છે" એવા વાક્યનો અર્થ એટલો જ થાય છે કે બીજી વ્યક્તિનું કામ મારા જેટલું ગુણવત્તાવાળું નથી. આપણે આપણા કામને કેટલું સાર્થક અને મૂલ્યવાન માનીએ છીએ, તેના પર આપણે 'વ્યસ્ત' છીએ કે 'નવરા' તેનો આધાર રાખે છે. આમ જુઓ તો વિમાનના પાયલટ 'નવરા' જ હોય છે, કારણ વિમાન તો કોમ્પ્યુટરના પ્રોગ્રામ પ્રમાણે ચાલે છે, અને તેઓ વાતોના તડાકા જ મારતા હોય છે, છતાં તેમના હાથમાં 500 પ્રવાસીઓની જિંદગી છે, જે તેમના 'નવરાપણા'ને સાર્થક બનાવે છે. જે એમ કહે છે કે 'મને તો ટાઈમ જ નથી મળતો,' હકીકતમાં તેમની સમસ્યા કામની પ્રાથમિકતાની છે, સમયની નહીં.

11th March 2021
Morning Musings...
1. શ્રેષ્ઠ પુસ્તક એ નથી, જેમાં મહાન લખાણ હોય. શ્રેષ્ઠ પુસ્તક એ છે, જેને વાંચતી વખતે આપણે હેઠું ના મુકીએ. 
2. શ્રેષ્ઠ સંબંધ એ નથી કે આપણને એમાંથી બહુ બધું મળે. શ્રેષ્ઠ સંબંધ એ છે, જેમાં આપણને ઈગો છોડવાનું વારંવાર મન થાય. 
3. શ્રેષ્ઠ વ્યાયામ એ નથી કે આપણે લાંબો સમય કરીએ. શ્રેષ્ઠ વ્યાયામ એ છે, જે કરવાનો આપણને રોજ ઉત્સાહ હોય.
4. શ્રેષ્ઠ તંદુરસ્ત આહાર એ નથી જે પેટ ભરીને ખાઈએ. શ્રેષ્ઠ આહાર એ છે, જે સ્વાદિષ્ટ લાગે. 
5. શ્રેષ્ઠ કામ એ નથી જે ખૂબ કરીએ. શ્રેષ્ઠ કામ એ છે, જે આપણે મફતમાં કરવા તૈયાર હોઈએ.

સાતત્યનો માપદંડ સુખ છે. જે કામમાં આપણને આનંદ આવે, એમાં ઓટોમેટિક સાતત્ય આવે, અને જેમાં સાતત્ય આવે, તે આદત બની જાય. કામ હોય કે સંબંધ, એ જો તમને આનંદ આપતો હશે, તો તે આદત બની જશે, નહીં તો આપણે તેને અધવચ્ચે મૂકી દઈશું.

12th March 2021
Morning Mushing.... 
યાદ છે ને નાના હતા ત્યારે ટચલી આંગળી કે પેન્સિલ વડે કેસેટને રિવાઇન્ડ કરતા હતા? તેના બેલ્જિયન શોધક, 94 વર્ષના લોઉ ઓટ્ટેન્સનું, 6ઠ્ઠી માર્ચે અવસાન થઈ ગયું. 1963માં, લોઉ ઓટ્ટેન્સે ફિલિપ્સ કંપની માટે ઓડીઓ કેસેટની શોધ કરી હતી. મોટી રીલ-ટૂ-રીલ ટેપ્સના સ્થાને હથેળીની સાઈઝની આ રેકોર્ડિંગ કેસેટ્સ ક્રાંતિકારી શોધ પુરવાર થઇ હતી, અને સ્ટુડિયો પૂરતી મર્યાદિત રહેવાને બદલે તે દુનિયાના ગરીબમાં ગરીબ માણસ માટે મનોરંજનનું સાધન બની ગઈ હતી. એમપી3 પ્લેયર્સ અને આઈપોડના જમાના પહેલાં ઓટ્ટેન્સે (તેમનો ફોટો અંહી મુક્યો છે) કેસેટ્સને પર્સનલ મ્યુઝીક ડિવાઇસ તરીકે ઉપલબ્ધ કરાવી હતી.

13th March 2021
Morning Musings...
બીજી વ્યક્તિ આપણને ક્યારેય છેતરતી નથી. એ તો જેવી છે તેવી જ છે. તેના વિશે આપણે બનાવેલો પરસેપ્સન આપણને ધોખો આપે છે. "મેં તને આવો નહોતો ધાર્યો/ નહોતી ધારી" એમાં આપણી ધારણાનો દોષ છે. આપણને બીજી વ્યક્તિમાં જે ઇન્ટરેસ્ટ હોય છે, તેના આધારે આપણે તેની ઇમેજ બનાવીએ છીએ, અને પછી અપેક્ષા રાખીએ છીએ કે લોકો આપણી એ ઇમેજ પ્રમાણે વ્યવહાર કરે. આપણને એવું લાગે છે કે મારી અપેક્ષા તો બહુ સાધારણ છે, અને તેને પુરી કરવાની સામેની વ્યક્તિમાં બહુ તાકાત છે-"તું આટલું ય ના કરી શકે?" હકીકત એનાથી ઉંધી હોય છે. આપણી અપેક્ષા ઘણી ઊંચી હોય છે અને સામેની વ્યક્તિનો પનો ટૂંકો પડી જાય છે, પણ આપણે આપણી અપેક્ષાનો દોષ ક્યારેય જોતા નથી.

14th March 2021
Morning Musings...
વિચારની ગહેરાઈનો ત્યારે જ પરિચય થાય, જ્યારે આપણે એ વિચારને શબ્દોમાં અભિવ્યક્ત કરીએ. ઇતિહાસના તમામ મહાન વિચારો- ચાહે ધાર્મિક હોય, ફિલોસોફીકલ હોય, વૈજ્ઞાનિક હોય, આર્થિક હોય, સાહિત્યિક હોય- શબ્દોમાં ઉતરીને નક્કર બન્યા હતા. મોટાભાગના લોકોને ખ્યાલ નથી કે લખવું એ માત્ર સંવાદ કે કોમ્યુનિકેશનનું માધ્યમ નથી, એ વિચાર કરવાની જ એક રીત છે. વિચાર અનિત્ય અને અસ્થાયી હોય છે. શબ્દો તેને નક્કરતામાં અંકિત કરે છે. શબ્દો વિચારના એટમને તોડીને તેની અધકચરી ઉર્જાને રિલીઝ કરે છે. ઉત્તમ રીતે વિચારતા લોકો હમેશાં તેમના વિચારોને ફરી-ફરી લખે છે, જેથી તેમનું વિચારવાનું વધુ સ્પષ્ટ અને રચનાત્મક બને. સારો લેખક એ નથી જેને સારું લખતાં આવડે છે. સારો લેખક એ છે જેને સારું વિચારતાં આવડે છે.

15th March 2021
Morning Musings...
આધુનિક સમયમાં એક શબ્દની બધાને ખબર છે; અતિશય. ગુજરાતીમાં તેના માટે અદકું શબ્દ છે; અધિક, વધારાનું.  આપણે અતિશય ખાઈએ છીએ, અતિશય સોશ્યલ મીડિયા વાપરીએ છીએ, અતિશય મનોરંજન કરીએ છીએ, અતિશય ઉધામા કરીએ છીએ, અતિશય ફાસ્ટ જીવીએ છીએ, અતિશય ખરીદી કરીએ છીએ, અતિશય વિચારો કરીએ છીએ અને આપણે અતિશય વ્યસ્ત રહીએ છીએ. કન્ઝ્યુમર અથવા સુખવાદી સમાજનું આ લક્ષણ છે, જેમાં માણસો પેટમાં, મનમાં અને ઇન્દ્રિયોમાં જે સામે આવે તે નાખ-નાખ કરે. જેમ પશુઓ રાતદિન ખા-ખા કરે અને મૈથુન માણ્યા કરે, તેમ કન્ઝ્યુમર સમાજમાં એક મોટો વર્ગ ખાવા-પીવા અને મોજ-મસ્તી કરે, પરંતુ કોઈપણ અતિશયતા છેવટે તો થકવી નાખે અને બીમાર બનાવી દે. માનવીય જીવન ક્રિએટિવિટી પર ટકે છે, કન્ઝ્યુમરિઝમ પર નહીં. આપણી આઇડેન્ટિટી આપણે શું ભોગવીએ છીએ તેના પરથી નહીં, આપણે શું પેદા કરીએ છીએ, તેના પરથી નક્કી થાય છે. ભોગવાદથી પેટ તો ભરાય પણ મનને સંતોષ ન મળે. સંતોષ ક્રિએટિવિટીમાંથી આવે છે. કોઈ વ્યક્તિ વાંચી શકતી હોય, પણ લખી શકતી ન હોય, તો આપણે તેને શિક્ષિત નથી ગણતા. એવી જ રીતે, જે વ્યક્તિ ખાલી ભોગવતી હોય, પણ કશું ઉત્પન્ન કરતી ન હોય, તો તેને કન્ઝ્યુમર કહેવાય, ક્રિએટર નહીં.

16th March 2021
Morning Musings...
 કોઈ મારી સાથે સહમત થાય તો...
"જોયું, આ માણસ કેટલો બુદ્ધિશાળી છે! કેવી સમજ પડી ગઈ!"
 અને કોઈ મારી સાથે અસહમત થાવ તો...
 "લોકો એટલા બેવકૂફ છે! બુદ્ધિનો છાંટો ય નથી."
 આનું મૂળ કારણ એ છે કે આપણે આપણને સૌથી બુદ્ધિશાળી માનીએ છીએ, અને આપણે ખોટા હોવાની સંભાવનાની કલ્પના કરી શકતા નથી. એટલે લોકો જો આપણને 'સમજે,' તો તેમાં આપણી બુદ્ધિનો પુરાવો છે, અને જો ન સમજે, તો તેમાં તેમની કમઅક્કલની સાબિતી  છે.

17th March 2021
Morning Musings...
એક જ વાત, અલગ-અલગ વ્યક્તિ, અલગ-અલગ કાળ અને સ્થળમાં કહે, તેને જ્ઞાન કહેવાય: 
જિન ઢૂંઢા તિન પાઈયાં, ગહિરે પાની પેઠ
જો બૌરા ડૂબન ડરા, રહા કિનારે બૈઠ
અર્થ: જે પ્રયત્ન કરે છે, તેને કશુંક એવી રીતે મળી જાય છે, જેમ ડૂબકી મારનારો ઊંડા પાણીમાં જાય અને કશુંક લઈને આવે, પરંતુ અમુક બિચારા એવા પણ હોય છે જે ડૂબવાના ડરથી કિનારે બેસી રહે છે અને એમને કશું જ મળતું નથી. 
-કબીર (15મી સદી)
પ્રેમપંથ પાવકની જ્વાળા, ભાળી પાછા ભાગે જોને;
માંહી પડ્યા તે મહાસુખ માણે, દેખનહારા દાઝે જોને
-પ્રીતમદાસ (૧૭૧૮-૧૭૯૮)

18th March 2021
Morning Musings...
ઇરાદાનું મૂલ્ય એક્શનથી નક્કી થાય. દરેક વ્યક્તિમાં દરેક પ્રકારના ઇરાદા હોય. આપણે કાયમ અનેક પ્રકારના ઇરાદાઓ ઘડતા રહીએ છીએ, પણ આપણો અનુભવ છે કે બહુ ઓછા ઇરાદાઓ વિચારોમાંથી નીકળીને વર્તનમાં ઉતરે છે. એનું કારણ એ છે કે ઇરાદાઓને આવરદા આપવા માટે કશુંક કરવું પડે. દુનિયામાં ઇરાદાઓની કમી નથી, પણ તે ચોમાસામાં નીકળતાં અળસિયાંની જેમ અલ્પજીવી હોય છે, કારણ કે તેને એક્શન મારફતે નક્કર બનાવવાનું અઘરું હોય છે. જે ઇરાદાઓ વિચારોના સ્તરે રહી જાય, તેને તરંગો કહેવાય. જે વાસ્તવિકતામાં તબદીલ થાય, તેને આઈડિયા કહેવાય. એટલા માટે કથની કરતાં કરણીનું મહત્વ છે.

19th March 2021
Morning Musings...
આ સમજવા જેવું છે. આપણે આપણી આખી જિંદગી મગજના સહારે જીવીએ છીએ. આ જટિલ જગતમાં સારી રીતે જીવવા માટે આપણી પાસે એક માત્ર શસ્ત્ર મગજ છે. જગત સાથે આપણું મોટાભાગનું ઇન્ટરેક્શન મગજના માધ્યમથી થાય છે. આપણી પાંચે ઇન્દ્રિયો 24 કલાક જગતની ઇન્ફોર્મેશન મગજને પ્રોસેસ કરવા પહોંચાડે છે. આ કારણથી મન હોંશિયાર અને કાર્યક્ષમ હોવું જરૂરી હોય છે. આપણે જો મગજને પૂરતી ટ્રેનિંગ આપીએ, તો તે આપણા કંટ્રોલમાં રહે, નહીં તો સમાજ તેને ચલાવશે. બહુ બધા લોકોના જીવનમાં સમાજ એટલો ઘૂસેલો હોય છે કે તેમને 'મન ગમતું જીવન' શું કહેવાય તે જ ખબર નથી હોતી. આપણે જાતે જો આપણું બ્રેઇન વોશ ના કરીએ, તો બીજા લોકો એ કરશે. બ્રેઇન વોશ એ મગજની ટ્રેનિંગ છે.

20th March 2021
Morning Musings...
જીવનમાં બહુ બધી વખત નાસીપાસ થતા રહેવું પડે છે. નાસીપાસ થવું એ નિષ્ફળતા નથી, પણ અવરોધ છે. એ નિષ્ફળતા ત્યારે બની જાય, જ્યારે આપણે અવરોધની જવાબદારી સ્વીકારવાને બદલે, બીજા લોકોને તેના માટે દોષિત ઠેરવીએ. કોઇપણ પરિસ્થિતિમાં વ્યક્તિગત જવાબદારી લેવાનો અર્થ જ એ થાય છે કે આપણે આપણા દુઃખ માટે બીજી વ્યક્તિને દોષ આપતા નથી. એકવાર આપણે બીજાઓને દોષિત તરીકે જોવાનું શરૂ કરી દઈએ પછી તે ઉંદરના દરમાં ઊંડા ઉતરવા જેવું થાય. આપણે ખુશ રહેવા માટે થઈને બીજા લોકોને કંટ્રોલ કરવા લાગી જઈએ અને એમાં ઊંધા માથે પટકાતા જઈએ, કારણ કે લોકો આપણા સુખ કે સફળતા માટે ઉત્તરદાયી નથી. નિયમિત દુઃખી રહેવાનો આ શોર્ટકટ છે. જવાબદારી હંમેશા ખુદથી જ શરૂ થાય છે. બહારના સંજોગો ગમે તેવા હોય, અંદર લાગણીઓનું વાતાવરણ સર્જવાની સંપૂર્ણ જવાબદારી આપણી પાસે છે.

21st March 2021
Morning Musings...
બે વ્યક્તિઓ વચ્ચે જ્યારે સાંભળવાનો સંબંધ હોય, ત્યારે તેમની વચ્ચે ઉત્તમ સંવાદ સધાય. જેનામાં સાંભળવાની તૈયારી હોય, તેનામાં જ સમજવાની ક્ષમતા હોય. કોઈને સાંભળવું એ મનનું પોઝ બટન છે. મન ત્યારે સક્રિય રહીને સાંભળવામાં ખલેલ નથી પાડતું. સમજવા માટેની આ પૂર્વશરત છે. આપણે કોઈની વાતને ત્યારે જ સમજી શકીએ, જ્યારે આપણે તેને વિના અવરોધે ગ્રહણ કરીએ. એટલા માટે શ્રવણશક્તિને ગ્રહણશક્તિનું જ સ્વરૂપ કહેવાય છે. જો બે વ્યક્તિ સાંભળવાને બદલે બોલ-બોલ કરે, તો તેમાં માત્ર પોતાના વિશે જ કહેવાનું હોય છે. જ્યારે બંને બાજુ ઉત્તમ શ્રોતા હોય, ત્યારે તેઓ એકબીજાને બહેતર ઢંગથી સમજી શકે છે, અને કલાકો સુધી વાતોનો પ્રવાહ ખળખળ વહેતો રહે છે. જે સંવાદમાં થાકી જવાતું હોય, તેમાં મન સતત સ્પીડ ડાયલ પર હોય છે.

22nd March 2021
Morning Musings...
આપણે જેને ટેલેન્ટ કહીએ છીએ, તે કોઈ જાદુઈ છડી નથી કે અમુક લોકોના હાથમાં જ હોય. ટેલેન્ટ એટલે 10 કે 20 વર્ષ પહેલાં પાડેલી આદત. એક ટેલેન્ટ વાળી વ્યક્તિ અને ટેલેન્ટ વગરની વ્યક્તિ વચ્ચે ફર્ક એટલો જ છે કે એકના કામમાં સાતત્ય છે, અને બીજાના કામમાં સાતત્યનો અભાવ છે. જો સાતત્ય ન હોય, તો ટેલેન્ટનો વિકાસ ન થાય. આપણે કોઈ સફળ વ્યક્તિને જોઈએ છીએ, ત્યારે આપણને તેની ટેલેન્ટનું રિઝલ્ટ દેખાય છે, પરંતુ આપણે એ નથી જોઈ શકતા કે તે રિઝલ્ટ પાછળ કેટલા વર્ષોનું એકધાર્યું કામ છે. દુનિયાના કોઇપણ ક્ષેત્રની કોઈપણ વ્યક્તિને જોઈ લો- ચાહે ખેતરમાં હળ ચલાવાનું હોય કે મિલ ચાલવાની હોય, તેમણે દાયકાઓ પહેલાં તેમની ટેલેન્ટને આદતમાં તબ્દીલ કરી હતી. એક માણસમાં ઘણી બધી ટેલેન્ટ હોય છે, પણ જેના પર તે નિયમિત કામ કરી શકે, તેને અસલમાં કામની ટેલેન્ટ કહેવાય. ટેલેન્ટનું બીજું નામ સાતત્ય છે.

23rd March 2021
Morning Musings...
માણસ વિચારે છે તાર્કિક રીતે, પણ એનું વર્તન ભાવનાત્મક હોય છે. પહેલાં લાગણી, પછી વિવેક. આપણે કોઈ ચીજને જોઈએ, સાંભળીએ કે અહેસાસ કરીએ, તો તે મેસેજ સૌથી પહેલાં મગજના ઇમોશનલ સેન્ટરમાં જાય છે, અને પછી તાર્કિક વિચારના સેન્ટર ફ્રન્ટલ કોર્ટેક્સમાં જાય છે. ઇમોશનલ સેન્ટર મેસેજનું અર્થઘટન કરે છે, અને ફ્રન્ટલ કોર્ટેક્સને 'કેવી રીતે' વિચારવું તેનો ઇનપુટ આપે છે. ફ્રન્ટલ કોર્ટેક્સ લાગણીને તર્કના વાઘા ચઢાવીને તેને 'સભ્ય' બનાવે છે. એટલા માટે લાગણીસભર ઘટનાઓ યાદ રાખવાનું વધુ સરળ હોય છે, કારણ કે ફ્રન્ટલ કોર્ટેક્સ તેને તર્કસંગત બનાવીને મેમરીમાં તબદીલ કરે છે. કોઈ લાગણીને જો યાદ રાખવી હોય, તો તેના માટે તાર્કિક બુનિયાદ જોઈએ. કોરી અથવા 'નાગી' લાગણી મેમરીમાં રહી જાય, તો તે બિહામણી રીતે આપણા વર્તનમાં બહાર આવે. આપણે જેને તર્કપૂર્ણ વિચાર કહીએ છીએ, તે હકીકતમાં આપણા લાગણીયુક્ત વર્તનને બુદ્ધિગમ્ય (રેશનલ) બનાવવાનો પ્રયાસ છે. વિચારો લાગણી પેદા નથી કરતા, બલ્કે વિચારો લાગણીઓનો વિસ્તાર કરે છે, તેને રેશનલ બનાવે છે.

24th March 2021




















































































































The Pharma Lobby, Covid and India, The Dangerous game of Second Wave target MODI

You all are familiar with Hanuman Ji. You have read about him in Ramayan and watch him on TV but did you notice his impulsive re...