
Link 1: Morning Mushing 1st October 2018 to 31st March 2019
Link 2: Morning Mushing 1st April 2019 to 30 Sept 2019
http://vishalgthakkar.blogspot.com/2020/05/morning-mushing-1st-april-2019.html
કોરોનાવાઇરસના ચેપમાં Herd immunity કામ કરે છે કે નહીં, તે તો ખબર નથી, પરંતુ Herd mentalityમાં ચેપ જરૂર કામ કરે છે. વિચારોની ખાંસી આવે એ ખરાબ નથી, પણ તમે ઝુંડમાં હો, તો મ્હોઢુ કવર કરી લેવું. અમુક વિચારો અચ્છા બેક્ટેરિયા જેવા હોય છે, અમુક વિચારો ખરાબ બેક્ટેરિયા જેવા હોય છે, જે સાધારણ ઉપચારથી મટી જાય છે, પણ અમુક વિચારો કોરોના જેવા હોય છે, જે મહામારીનું રૂપ ધારણ કરી લે છે. તમે જો (દાખલા તરીકે સોસિયલ મીડિયા પર) કોઈ ઝુંડના વિચારોના સંપર્કમાં આવો, તો સેનિટાઈઝરથી ખુદના મગજને સાફ કરી દેવું. બને ત્યાં સુધી તો ઝુંડથી આઈસોલેશનમાં રહેવું. આટલું કરવાથી જ ઘણો ફાયદો થશે.
લોકડાઉનના સમયમાં, જ્યારે તમને લોકોની ભીડમાં ખોવાઈ જવાનો મોકો નથી મળતો, અને તમે સતત જાત સાથે એકલા છો, ત્યારે એ પૂછવા જેવું છે કે તમને તમારા વિષે કોઈ નવો પરિચય થયો? આમ તો આપણે દુનિયા આખીને સલાહ આપતા રહીએ છીએ અને આપણી આજુબાજુના લોકોને તેમના કરતાં બહેતર રીતે જાણવાનો દાવો કરીએ છીએ, પરંતુ આપણી અંદર પણ ત્રુટીઓ, બદમાશીઓ, વિકૃતિઓ, જૂઠ, ગલતફહેમીઓ ઓછી નથી. આપણે આપણી એ હકીકતોને 'મારી પાસે ટાઈમ જ ક્યાં છે!' અથવા 'હું બીજાઓમાંથી નવરો જ ક્યાં પડું છું' જેવી વ્યસ્તતાઓમાં છુપાવી રાખીએ છીએ. આપણે કામમાં અને લોકોમાં ખોવાયેલા જ એટલા માટે રહીએ છીએ, જેથી જાતની અસલિયત સાથે પનારો ના પડે. કશું કર્યા વગર, નિષ્ક્રિય બનીને ખુદના જ વિચારો સાથે જીવવું ઘણું પીડાયાયક છે, અને એટલે આપણે ખુદથી મ્હો છુપાવતા ફરીએ છીએ. આશા છે કે તમને આ એકલતામાં ખુદના ખુબસુરત ભ્રમ જાણવા મળે.
હું કોણ હતો? હું રોજ સવારે જલ્દી-જલ્દી ઉઠતો હતો. રખેને મોડું થઈ જાય! ઉતાવળે નાસ્તો કરીને બસ-ટ્રેન પકડવા દોડતો હતો. રખેને ટ્રાફિકમાં ફસાઈ જવાય! ઓફિસમાં અડધો કલાક પહેલાં પંચિંગ કરતો હતો. કેટલું બધું કામ હતું ને! પછી એ જ રૂટિન હતું; મેઇલના જવાબ, સર્ક્યુલર, ફિલ્ડ વિઝીટ, મિટિંગ્સ, કોફી બ્રેકમાં ગોસિપ, બોસના ઈગોની આળપંપાળ.
સાંજે બે કલાક મોડો ઘરે પાછો આવતો હતો, એક એવા સંતોષ સાથે કે મારા જેવું કામ કોઈ કરી શકે તેમ નથી અથવા મારા વગર ઓફીસ ચાલે તેમ નથી. "હું કોણ છું'ની ઇડેન્ટિટી મારા કામથી નક્કી થતી હતી. દુનિયાને એ કામની જરૂર હતી, અને મારા સિવાય એ કામ કોઈ કરી શકે તેમ ન હતું, એટલે હું દુનિયા માટે અનિવાર્ય હતો.
એ મિથ તૂટી ગઈ. હું ઘરે આઈસોલેનમાં છું. સવારે જલ્દી ઉઠવાનું કારણ રહ્યું નથી. ટ્રાફિકમાં ફસાઈ જવાની ચિંતા રહી નથી. એ કામ રહ્યું નથી. હું નિવાર્ય છું. દુનિયા મારા વગર પણ એમ જ ચાલે છે.
હું કોણ છું? તમને ખબર છે?
માનવ ઇતિહાસમાં જ્યારે જ્યારે તાબાહીઓ આવી છે, ત્યારે ત્યારે તેમાંથી જબરદસ્ત ક્રાંતિઓ આવી છે. પ્રથમ મહાયુદ્ધ પછી માનવજાતની કૃષિ સમાજમાંથી ઔધોગિક સમાજ તરફની ગતિ તેજ થઈ ગઈ હતી. બીજા મહાયુદ્ધ પછી કન્ઝ્યુમર સમાજનો જન્મ થયો હતો. કોરોના વાઈરસની મહામારી દુનિયાને ડિજિટલ ઈકોનોમી તરફ ધક્કો મારશે. દેશો લોકડાઉનની સ્થિતિમાં છે, અને મોટાભાગની આર્થિક ગતિવિધિઓ ઓનલાઈન થઈ રહી છે. ટેકનોલોજીના ઉપયોગમાં સૌથી પછાત, ભારતની સુપ્રીમ કોર્ટ, વીડિયો કોન્ફરન્સ મારફતે કામ ચલાવે છે. સ્વાસ્થ્ય સેવકો અત્યારે જોખમ વહોરી રહ્યા છે, તેમણે ઈન્ટરનેટ મારફતે સેવા શરૂ કરવી પડશે. ઇતિહાસમાં પહેલીવાર સમાચારપત્રોનું ડિસ્ટ્રીબ્યુશન બંધ છે, અને ઓનલાઈન જ ઉપલબ્ધ છે. બેંકો મોબાઈલ ફોનમાં જ આવી ગઈ છે. મનોરંજન તો ઓનલાઈન જ થઈ ગયું છે, અને સિનેમા થિયેટરમાં જવાનું જરૂરી રહ્યું નથી. કોવિડ-19ના કારણે, આવતા બે વર્ષમાં, આ અને બીજી અનેક ગતિવિધિઓના ડિજિટાઈઝેશનમાં તેજ ગતિ આવશે.
શાંતિના સમયમાં આપણે યુદ્ધની તૈયારી કરીએ છીએ, અને યુદ્ધના સમયમાં માનવતાની વાતો કરીએ છે. કોરોનાવાઇરસની મહામારીમાં પ્રેમ, કરુણા અને એકતાની જે વાતો થાય છે, તે જો ખરેખર સ્થાયી ભાવના હોત, તો દુનિયામાં આટલી સમસ્યાઓ જ ના હોત. ન્યૂરોલોજિકલી, આપણે શાંતિથી, સુખેથી રહેવા બન્યા જ નથી. આપણે બેઝિકલી કંટાળી જનારી પ્રજાતિ છીએ, એટલે ખાઈ-પીને પડી રહેવાને બદલે આસપાસ સતત ઘોંચપરોણા કરતા રહીએ છીએ. આપણે આ પ્રુથ્વી પર જેટલી સુવિધા ઉભી કરી છે, તેના કરતાં ય વધુ મુસીબતો ઉભી કરી છે. આપણને પ્રેમ અને કરુણા ત્યારે જ યાદ આવે છે, જ્યારે સામૂહિક નિકંદન નીકળવાનું હોય. બાકીના સમયમાં આપણે આપણી જ કબર ખોદતા રહીએ છીએ.
માઈક્રોસોફ્ટના અબજોપતિ સ્થાપક બિલ ગેટ્સ કોરોના વાઇરસની સંભવિત 7 રસી માટે અમુક અબજ ડોલર્સના ખર્ચે ફેસિલિટી સ્થાપી રહ્યા છે. ધ વોશિંગ્ટન પોસ્ટમાં પ્રકાશિત એક લેખમાં તેમણે કહ્યું હતું કે "અમારા ફાઉન્ડેશનને ચેપી રોગોમાં જાણકારી છે, એટલે અમે કોરોના પાછળ અમુક અબજ ડોલર રોકી રહ્યા છીએ. છેલ્લે તો અમે ઉત્પાદન માટે 7માંથી બેની જ પસંદગી કરીશું અને બાકી પાંચનો ખર્ચો માથે પડશે, પણ અમે એક પછી એક અખતરા કરવામાં સમય બગાડવા માંગતા નથી. દુનિયામાં અત્યારે ટ્રિલિયન્સ અને ટ્રિલિયન્સ ડૂબી રહ્યા છે, ત્યારે અમુક અબજ બગડે તો કોઈ વાંધો નહીં."
સત્યના ચાર ચહેરા છે: પ્રામાણિકતા, નૈતિકતા, સાહસ અને શુદ્ધતા. આ ચાર માપદંડ પર જે ખરું ઉતરે તે સત્ય કહેવાય. આપણે ઘણીવાર એક જ ગુણને સત્યનું પ્રતીક માની લઈએ છે, પણ સત્ય આ ચારે ગુણ સાથે બારીક તફાવતોથી જોડાયેલું છે. નૈતિકતામાં બીજી વ્યક્તિ સંલગ્ન છે, જ્યારે પ્રામાણિકતામાં માત્ર તમે જ છો. હું મને જે સત્ય કહું, તે પ્રામાણિકતા કહેવાય, પણ જેવું એ સત્ય હું બીજાને કહું, તો તે નૈતિકતા બની જાય. એવી જ રીતે, હું કોઈ ડર કે લાલચ વગર એ સત્ય કહું, તો તે સાહસ કહેવાય અને એ સચ્ચાઈમાં કોઈ જ ઘાલમેલ ના હોય, તો તે શુદ્ધતા કહેવાય.
પ્રકૃતિને પ્રેમ કરવાનો મતલબ ખાલી પંખીઓના ફોટા મુકવા, ફૂલોની કવિતા લખવી કે પર્વતો ચઢવા એટલું જ નહીં. પ્રકૃતિનો પ્રેમ એટલે પ્રાકૃતિક રીતે વિચારવું, અનુભવવું અને જીવવું તે. નદીના કિનારે બેસવાથી પારદર્શક અને પ્રવાહી નથી બની જવાતું. ઝાડને અડવાથી ગુણકારી અને ઊપયોગી નથી થઈ જવાતું. પ્રકૃતિ તમારી અંદર જીવવી જોઈએ, તમે પ્રકૃતિમાં નહીં.
કોરોના વાઇરસના વિષયને કેન્દ્રમાં રાખીને નવલકથા લખવાની આવે, તો તમે તેની શરૂઆત કેવી રીતે કરશો?
(હું તેનો પ્રારંભ, ચાર્લ્સ ડિકન્સની અ ટેલ ઓફ ટુ સિટીઝની નકલ કરીને કરું: "એ સૌથી બહેતર સમય હતો. એ સૌથી ખરાબ સમય હતો, એ પ્રકાશની મોસમ હતી, એ અંધકારની મોસમ હતી, એ આશાની વસંત હતી, એ નિરાશાની ઠંડી હતી. આપણી પાસે બધું જ હતું, આપણી પાસે કશું જ ન હતું, આપણે સીધા જ સ્વર્ગમાં જવાના હતા, આપણે કોઈક બીજી જ દિશાએ ચઢી ગયા હતા." )
તમારું પહેલું વાક્ય શું હશે?
અમેરિકા- બ્રિટન -બ્રાઝિલ કે ભારત કોઈ પણ દેશ હોય... પણ આ કોરોનાએ લગભગ દરેક તબક્કે - દરેક લેવલ પર સારાં-નરસાંનો ખેલ ઉઘાડો પાડી દીધો...
તમારી આસપાસ - ઘર - કુંટુંબ - મહોલ્લો - કબિલો - નજર માંડશો તો તરત જ સમજાઈ જશે કે કોણ આપણું અને કોણ પરાયું!! જેને માટે વર્ષોથી પૂર્વગ્રહ બાંધી રાખ્યો હતો એમણે સામેથી આવીને વગર માંગ્યે / વગર પૂછ્યે મદદ કરી નાંખી અને વળતરની અપેક્ષા પણ નહી!! તો જેના પર ભરોસો રાખીને બેઠાં હતાં એમણે તો બે દિવસ પછી ફોન લેવાનું પણ બંધ કર્યું અને પછી તો આપણે કરવાનું ય બંધ જ કરી દીધું..!!
સમાજમાં -- unexpected activities from expected culprits - હવે આને માટે બીજી કોઈ સ્પષ્ટતાની જરૂર નથી. કદાચ જીતાયેલી બાજીને હારમાં ફેરવવા માટે ૧૪મી સદીની ગંદી વિચારધારા જવાબદાર બની જેણે નજીકના અને દૂરના ભૂતકાળમાં પણ આવી જ ગંદી અને હલકી માનસિકતાને કારણે આ પ્રદેશને એના સમાજને બહુ જ વધારે પડતું નુકશાન પહોંચાડેલું છે. પણ, એ અપેક્ષિત પણ હતું જ ને!!
તો એ જ તર્જ પર આંતરરાષ્ટ્રીય - વૈશ્વિક સંબંધોમાં પણ સારું કોણ, લૂચ્ચું કોણ, ખરાબ કોણ, હોંશિયાર કોણ, દયાળુ કોણ, ભોળું કોણ ખંધુ કોણ એનો ભેદ દેખાડી આપ્યો.
એક વાત સૌથી વધારે સ્પષ્ટ થઈ ગઈ - LED લાઈટની રોશની જેવી.. એ પણ ફરી એકવખત. તે એ કે UN - યુનાઈટેડ નેશન્સ (સંયુક્ત રાષ્ટ્ર) અને તેની સંસ્થાઓ જેમકે WHO - વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઈઝેશન (વિશ્વ આરોગ્ય સંસ્થાન) તદ્દન નબળી જ નહીં પણ નિર્વિર્ય અને ઉદ્દેશથી વિરૂદ્ધ કામ કરનાર સાબિત થઈ. તેને એક ઝાટકે તોડી પાડવાની આટલી બધી જરૂરિયાત આ પહેલાં ક્યારેય નહોતી દેખાઈ..!!
સ્પષ્ટ રીતે વિચારવાની અવસ્થાના 7 સંકેત:
1. લાગણીસભર સ્થિતિમાં અનાસક્ત ભાવ હોય
2. મગજમાં બોલ-બોલ ના કરતા હોઈએ.
3. સંપૂર્ણપણે સજાગ વ્યવહાર. ઓટોમેટિક કશું જ ના થાય.
4. વાંચવું અને લખવું, એ ટીવી જોવા જેટલું સરળ રૂટિન હોય
5. વાતો, વિચારો અને કામમાં ક્રિએટિવિટી હોય
6. કોઈ નવી શરૂઆત કરવાનો ડર ના હોય
7. એકલતા અને મૌનનું મહત્વ ખબર હોય
ગમે તેટલી બુદ્ધિશાળી વ્યક્તિ પણ એક સીધી રેખામાં વિચાર કરવાની વૃત્તિનો ભોગ બનતી હોય છે. મગજની આ (સારી કે ખરાબ) ખાસિયત છે કે, જેમ ખેતરમાં ચાસ પડે તેમ, વિચારોના જે ચાસ પડ્યા હોય, તેની પર જ મગજ ચાલે. એમાં વચ્ચે કોઈ જંકશન ના આવે, કોઈ સર્વિસ રોડ ના આવે, કોઈ વળાંક ના આવે, કોઈ શોર્ટ કટ ના આવે. આપણે જેને 'પીન ચોંટી ગઈ' કહીએ છીએ, તેવી રીતે બહુ બધી બુદ્ધિવાળી અને સમજણવાળી વ્યક્તિ પણ એણે બનાવેલી વિચારોની ટનેલમાંથી જ બધુ જુવે, અને તેને જ અંતિમ સચ્ચાઈ માની લે. આમાંથી બચવાનો ઉપાય ડહાપણ અથવા વિવેકબુદ્ધિ છે. બુદ્ધિ સીમિત કરે. વિવેકબુદ્ધિ વિહંગાવલોકન આપે. બુદ્ધિ ચાસ પાડે. વિવેકબુદ્ધિ આકાશ આપે.
વાત હોઠ પર આવી જાય તો પ્રેમ
વાત જીસ્મમાં ઉતરી જાય તો ઇશ્ક
પ્રેમ સતહી છે. ઇશ્ક હાડકાં સુધી જાય છે. ઇશ્ક માટે અંગ્રેજીમાં નજીકનો શબ્દ ઇન્ટિમસી છે, જ્યારે પ્રેમ માટે લવ છે. મેડિકલ ભાષામાં Intimate લેટિન Intima પરથી આવે છે; અંદરનો ઊંડો ભાગ. રક્ત-વાહિકાની અંદર જે આવરણ હોય, તેને Intima કહે છે. જે પ્રેમ શરીરની નસોમાં જાય, તેને ઇન્ટિમસી કહેવાય. ઇન્ટિમેટ થવું એટલે અંદરની બાજુને ખોલવી તે, મનને ખોલવું તે. મનને ખોલવું એટલે 'હું'ને ખોલવો તે. એ શરીરને ખોલવા જેટલું સરળ નથી. એટલે મોટાભાગનાં પ્રેમ-સંબધોમાં બે મન અલગ જ રહે છે. પ્રેમમાં 'હું' હોય છે. ઇન્ટિમસીમાં 'હું' અને 'તું'નું વિભાજન સમાપ્ત થઈ જાય છે. ઇન્ટિમસી શરીરની મર્યાદાથી પણ આગળ જાય છે. તે તમને સમર્પણ અને સચ્ચાઈની વાસ્તવિકતા માં લઇ જાય છે.
નિલેશ મિશ્રા: આટલા મોટા શહેરમાં માત્ર કેમેરાના થઈને રહી જવાનું, માત્ર પ્રેસ કોન્ફરન્સના થઇને રહી જવાનું, મિટિંગોમાં ચહેરો પહેરીને રહી જવાનું બહુ આસાન છે... તમે ખુદને કેવી રીતે બચાવી શક્યા?
મનોજ વાજપેઈ: બહુ અઘરું હતું, પણ અમે બહુ લિમિટેડ જરૂરિયાતો સાથે જીવીએ છીએ, એટલે સૌથી પહેલાં મેં અને મારી પત્નીએ નિર્ણય લીધો કે અમે અમારી જરૂરિયાતોને વધવા નહીં દઇએ, જેથી અમે અમને બચાવી શકીએ. એ નિર્ણય બહુ જરૂરી હતો. અમે અમારી જરૂરિયાતો પુરી કરવા કામ નહીં કરીએ, અમે ઈન્સ્ટોલમેન્ટ ભરવા કામ નહીં કરીએ. મન થાય તો અમે સ્વિત્ઝર્લેન્ડ પણ જઈએ છીએ, પણ સ્વિત્ઝર્લેન્ડ જવા માટે હું કામ નથી કરતો. અમે અમારી ખુશી માટે, અમારા સુખ માટે અને આરામ માટે કામ કરીશું. બીજું એ કે શૂટિંગમાંથી આવતી વખતે પત્નીનો ફોન આવી જાય કે એક કિલો ટામેટાં લેતા આવજો, તો હું ઉતરીને ટામેટાં ય લઈ લઉં. મારી સબ્જીવાળીને ખબર છે કે હું ખેડૂતનો દીકરો છું. મને ખબર પડે કે કઈ સબ્જી તાજી છે, કઈ વાસી છે, કઈ કોલ્ડ સ્ટોરેજની છે. મને આ બધાનો આનંદ આવે છે. કદાચ એ કારણથી જ હું પાર્ટીઓમાં નથી જતો, બહોત પ્રિટેન્ડ (નાટક) કરના પડતા હૈ. મને શરુઆતથી જ આની ખબર પડી ગઇ હતી.
'બધાએ મને પ્રેમ કરવો જ જોઈએ અને સૌએ મને પસંદ કરવો/કરવી જોઈએ' એવા આગ્રહ સાથે જીવતી વ્યક્તિ જીવનમાં કશું સાર્થક કામ ના કરી શકે, પ્રેમ પણ નહીં. જેનામાં માત્ર લેવાની જ ભાવના હોય, તેને સતત એવો વિચાર આવે કે, પ્રેમ કન્ડિશનલ છે અને હું આમ કરીશ તો એ મને મળશે, અને તેમ કરીશ તો નહીં મળે. આપણે બાળપણમાં જ આ ટ્રિક શીખી જઈએ છીએ. બહુ મ્હોઢે ચઢાવેલા લોકો એટલા માટે જ સંબંધોમાં નકલી વ્યવહાર કરતા હોય છે, ખીજમાં જીવતા હોય છે.
જાતને આ પાંચ સવાલ પૂછો:
1. હું જેન્યૂઇન છું? હું અંદર જે છું, તે જ બહાર છું? કે મારી ઇમેજ બહુ સાચવી સાચવીને પ્રોજેકટ કરું છું?
2. લોકો મને સ્વીકારે એ માટે હું અમુક વર્તન કરું છું?
3. કચકચ ટાળવા હું સતત સહમતી વ્યકત કરું છું? હું વયસ્ક લોકોની કંપનીમાં બેચેન થાઉં છું?
4. મારા રિએક્શન સહજ હોય છે, કે વિચારપૂર્વકના, ગોઠવેલાં હોય છે?
5. લોકો મને પંપાળે તો જ સારું લાગે છે, કે હું પણ બીજાના પેંગડામાં પગ ઘાલીને મહેસુસ કરવા કેપેબલ છું?
પરંપરા એટલે શું? પરંપરા એટલે હું એ જ કરું છું, જે મારા પિતા કરતા હતા, કારણ કે મારા પિતા સાચા હતા, અને તે એ જ કરતા હતા, જે મારા દાદા-દાદી કરતાં હતાં, કારણ કે મારા દાદા-દાદી સાચા હતાં. પરંપરા એટલે એક નિશ્ચિત સમૂહમાં રહેતા લોકોનો સામુદાયિક વિચાર. આપણે આપણા કબીલા અને પરિવારમાં એકઠી થયેલી સમજણને આગળ ધપાવીએ, તે પરંપરા. તમે જે લોકો સાથે રહો છો, તમે જે પુસ્તકો વાંચો છો, તમે જે શિક્ષણ મેળવી છો, તમે જે સંસ્થાઓ અને સંગઠનોમાં જોડાવ છો, તમે જે શબ્દો બોલો છો-લખો છો, તમે જે પ્રવચનો સાંભળો છો, તે પરંપરા છે. હું એક પરંપરાથી વિશેષ કશું નથી. હું જ પરંપરા છું. મારુ ભવિષ્ય મારા ભૂતકાળનો જ વિસ્તાર હશે, કારણ કે મારામાં કશું જ મૌલિક નથી. મારામાં માત્ર ભૂતકાળ જ જીવે છે.
બોરિંગ હોવું અને બોરડમ હોવું, તે બંનેમાં ફરક છે.
જે લોકો બોરિંગ છે, તે જ સૌથી વધુ તેમના બોરડમની ફરિયાદ કરે અને તેના માટે દુનિયાને દોષ દે. જે દિલચસ્પ હોય, તે તેમના બોરડમને દિલચસ્પ બનાવે. પ્રત્યેક વ્યક્તિ સમય-સમય પર બોરડમનો ભોગ બનતી હોય છે, પણ તેનો ઉપાય જિજ્ઞાસા, રચનાત્મકતા અને કલ્પનાશક્તિથી સતત કશું નવું કરતા રહેવાનો છે. જે ખુદ બોરિંગ છે, તે તેમના વિચાર-વ્યવહારના સિંગલ ટ્રેકમાં ફસાયેલા હોય છે, અને એકનું એક રિપીટેશન કરીને દર વખતે દિલચસ્પ પરિણામોની અપેક્ષા રાખે છે. આઈન્સ્ટાઈને કહ્યું હતું કે
The definition of insanity is doing the same thing over and over again, but expecting different results.
બોરિંગ લોકો આ કેટેગરીમાં આવે.
દેડકાઓનું એક ટોળું જંગલમાંથી પસાર થતું હતું. વચ્ચે ઊંડો ખાડો આવ્યો અને એમાં બે દેડકા પડી ગયા. બચેલા દેડકા ટોળે વળીને ખાડાની ઊંડાઈ જોવા લાગ્યા. નીચે બે દેડકાએ કુદકા ભરવાના શરુ કર્યા. ઉપરથી ટોળાએ કહ્યું, "ખાલી શ્વાસ ના ફુલાવો, બહાર નહીં અવાય, પડીને મરી જવાશે." એક દેડકાએ વાત માનીને કુદકા બંધ કર્યા. એ દીવાલ પરથી પડ્યો અને મરી ગયો. બીજા દેડકાએ બહાર આવવા જોરશોરથી કુદકા ચાલુ રાખ્યા. એ સફળ થયો અને ચડેલા શ્વાસે બહાર આવી ગયો. દેડકાના ટોળાએ એને ખખડાવ્યો, "ના પાડી હતી તો'ય જાનનું જોખમ કેમ લીધું?" પેલાએ કહ્યું, "પણ હું તો બહેરો છું. મને લાંબેથી સંભળાતું નથી. મને એમ કે તમે બધા મારું સાહસ વધારી રહ્યા છો."
આવેગ (passion) એટલે જેમાં અડધો લગાવ (પ્રેમ) હોય અને અને અડધી લગન (obsession) હોય. તમને જે કરવાનો આનંદ આવતો હોય, તેને લગાવ કહેવાય, અને તેને રોજ કરવાની ટેવ પડી હોય, તો તેને લગન કહેવાય. આ બે બાબતો જયાં ભેગી થાય, ત્યાં તમારો આવેગ આવે. ઘણા બધા લોકોને ઘણી બધી બાબતોનો લગાવ હોય છે, પણ તે લગાવ આચરણમાં નથી હોતો. તમને રસ હોય, પણ એના માટે કશું કરો નહીં, તો તે ખાલી વાત બનીને રહી જાય. આવેગ હંમેશા આચરણમાં હોય.
એનું નામ એમ. ચંદ્રકુમાર છે.
લોકો તેને 'ઓટો ચંદ્રન' તરીકે ઓળખે છે. તે લેખક છે, અને કોઈમ્બતુરમાં ઓટો રીક્ષા ચલાવે છે. તેણે સાત નવલકથાઓ લખી છે. તેની 'લોક-અપ' નામની નવલકથા પરથી તમિલમાં 'વિસારનાઇ' ફિલ્મ બની હતી, જેને ઓસ્કાર માટે ભારત તરફથી નોમિનેટ કરવામાં આવી હતી.
16મી એપ્રિલે 58 વર્ષના એમ. ચંદ્રકુમારે સાબિત કર્યું કે તે રિયલ લાઈફ હીરો કેમ છે. શુક્રવારે, લોકડાઉનમાં ઓડિશાની એક સગર્ભા મહિલા કોઈમ્બતુરમાં એક પાર્ટીના કાર્યાલય બહાર અસહ્ય પીડામાં ફસડાઈ પડી. આજુબાજુના લોકો ભેગા થઈ ગયા, પણ કોરોના વાઇરસના ખોફના કારણે કોઈને તેને હોસ્પિટલમાં લઇ જવાની હિંમત ના કરી.
તેમાંથી એક પાર્ટી કાર્યકરે ચંદ્રકુમારને ફોન કર્યો. ચંદ્રકુમાર ત્યારે જરૂરતમંદ લોકોને જીવન જરૂરી ચીજો પહોંચાડવામાં વ્યસ્ત હતો, એટલે તેણે પહેલાં તેની દીકરી જીવાને ફોન કરીને મહિલા પાસે દોડવા કહ્યું, અને પછી ખુદ ત્યાં પહોંચ્યો.
જીવા ત્યાં પહોંચી ત્યારે તેનો પિતા અમુક સ્ત્રીઓની મદદથી એક મંદિર પાસે ઝાડ નીચે સગર્ભા સ્ત્રીને મદદ કરતો હતો. સ્ત્રીએ ત્યાં સુધીમાં ખાસુ લોહી ગુમાવી દીધું હતું અને તે તે પીડામાં આક્રંદ કરતી હતી. લોકોએ એમ્બ્યુલન્સ બોલાવી હતી, પણ કોઈ કારણસર તે પહોંચી ન હતી, એટલે ચંદ્રકુમારે જાતે જ મહિલાને સહાય કરવાનું નક્કી કર્યું. શરૂમાં, બીજી સ્ત્રીઓએ તેને રોક્યો, પણ તેણે ખાતરી આપી કે તેને ડિલિવરીની જાણકારી છે.
મિનિટોમાં સ્ત્રીએ બેબી બોયને જન્મ આપ્યો અને ચંદ્રકુમારે તેને પગેથી પકડીને પીઠ થપથાપાવી, જેથી તે શ્વાસ લેવાનું ચાલુ કરે. દરમિયાનમાં, એમ્બ્યુલન્સ પણ આવી ગઈ હતી અને દીકરી જીવાએ ડોક્ટરોને પરિસ્થિતિની જાણકારી આપી. પાછળથી, જીવાએ તેની ફેસબૂક પોસ્ટમાં લખ્યું હતું, "બાળપણથી પિતાએ મને લેસન આપ્યું છે અને નવા અનુભવોની તકો આપી છે, પણ આ તો સાવ જ અનોખો અનુભવ હતો."
ચંદ્રકુમારે કહ્યું હતું, "મેં મારા જીવનમાં ઘણી પ્રસુતિ જોઈ છે. મેં ઓટો રીક્ષામાં એક ડિલિવરી કરાવી હતી, અને તે અનુભવ પરથી 2013માં મેં એક વાર્તા પણ લખી હતી. મને ઓડિશાની મહિલાને જોઈને જ ખબર પડી ગઈ હતી તે ડિલિવરી કરવાની છે. એ નોર્મલ ડિલિવરી હતી. મારે કશું કરવું પડ્યું ન હતું." 26 વર્ષની તે મહિલા અને તેનો પતિ ઓડિશાથી કામ માટે કોઈમ્બતુર આવ્યા હતા, અને મહિલા સ્કૂલમાં કામ કરે છે. મા-દીકરો અત્યારે કોઈમ્બતુર મેડિકલ કોલેજમાં સારવાર લે છે.
એમ. ચંદ્રકુમાર બચપણમાં ઝઘડો થતાં ઘરેથી નાસી ગયો હતો અને અનેક શહેરોમાં ફરીને મોટો થયો હતો. એમાં એકવાર ચોરની ગેંગનો સભ્ય હોવાની શંકા પરથી પોલીસ તેને ઉઠાવી ગઈ હતી અને 13 દિવસ સુધી તે 'નર્ક'માં રહ્યો હતી. 'લોક-અપ' નવલકથા આ અનુભવ આધારિત હતી.
(તસ્વીરમાં, પેન્ટ-શર્ટમાં, એમ. ચંદ્રકુમારે બેબીને પકડ્યું છે.)
મહર્ષ ઉપાધ્યાય નામના એક ટ્વિટર વાચકે પ્લેટોનું વિધાન (નીચે) ટેગ કરીને કહ્યું છે કે તેના પર ઉદાહરણ પૂરું પાડો! બુદ્ધે કહ્યું હતું કે, 'તમે જેનો વિચાર કરો, તમે એવા બનો.' ઈસુએ કહ્યું હતું કે, 'તમે જે માનો, એવું તમે કરો.' શંકરાચાર્યએ કહ્યું હતું, 'માણસનું મન દ્રઢપણે જેના પર એકાગ્રતાથી વિચાર કરે, તેવો તે બને.' વિચારોમાં એટલી તાકાત હોય છે કે તે ખુદની આગવી રિયાલિટી સર્જે છે. સિનેમા થિયેટરમાં 100 દર્શકો એક ગીત જોતા હોય, તો તે પ્રત્યેકનો અનુભવ જુદો-જુદો હશે. પતિ-પત્નીમાં ડિવોર્સ થાય, ત્યારે બંને એવી કહાની આપે, જે પરસ્પર વિરોધી હોય. રિયાલિટી એ નથી, જે બહાર છે. રિયાલિટી એ છે, જેને આપણે સમજીએ છીએ. માછલીની રિયાલિટી માછલી જેવી હોય. માણસ એ જ રિયાલિટીને માણસ તરીકે જુવે. લીલો રંગ કોઈ વસ્તુનો કે પ્રકાશના કિરણમાં નથી હોતો. આપણુ મગજ તે પ્રકાશને લીલા રંગ તરીકે 'અનુવાદ' કરે છે. અવાજનું ય એવું છે. લતા મંગેશકરનો અવાજ દિવ્ય લાગે, પણ એટલુ જ સરસ ગાતી જર્મન ઓપેરાની છોકરીને સાંભળો, તો રાગડા તાણતી લાગે. કોરોના વાઇરસમાં અમુક દર્દીઓને સૂંઘવાની શક્તિ જતી રહે છે. એમના માટે પરફ્યુમની રિયાલિટી અલગ છે. ટૂંકમાં, રિયાલિટી અનુભવમાં નથી. રિયાલિટી એ અનુભવના 'અનુવાદ'માં છે.
મમ્મી રસોડામાં વાસણ સાફ કરતી હતી, અને એની પાંચ વર્ષની દીકરી ત્યાં બેસીને ભણતી હતી. અચાનક દીકરીએ મમ્મીના માથામાં થોડાક સફેદ વાળ જોયા. એ બોલી, "મમ્મી, આટલા સરસ વાળમાં આ સફેદ કેમ થઈ ગયા?"
મમ્મીને ભાષણ આપવાનો મોકો મળ્યો, "બેટા, એ તો તું મમ્મીને જ્યારે પણ રડાવે, ત્યારે એક વાળ સફેદ થઈ જાય."
છોકરી થોડીવાર ચૂપ રહી, પછી બોલી, "અચ્છા, નાનીના બધા વાળ સફેદ કેમ છે, એ હવે ખબર પડી."
કોઈને પણ ઓળખવાનો એક રસ્તો એ જાણવામાં છે કે તે કેવાં પુસ્તકો વાંચે છે. અથવા એમ કહી શકાય કે ઈન્ટરનેટ ઉપર શું કરેછે.. મોટાભાગના લોકો તેમની માનસિકતા, માન્યતા, ટેવ અને પસંદગીને અનુકુળ હોય, એવું જ વાંચતા જોતા હોય છે. આપણે આપણા મગજમાં જે ઇન્ફોર્મેશનને નાખીએ છીએ, તે પ્રમાણે આપણા વિચારો ઘડાય છે, અને તે વિચારોના આધારે આપણા વ્યવહાર, આપણા નિર્ણયો, આપણું કામકાજ, આપણા સંબંધો પ્રભાવિત થાય છે. મોટાભાગના લોકો આખી જિંદગી એકસરખું વાંચતા હોય છે, કારણ કે તેઓ તેમના વિચારોના કન્ફર્ટમાંથી બહાર નથી આવવા માંગતા. એટલા માટે કોઈ વ્યક્તિને વધુ પાક્કી રીતે ઓળખવી હોય, તો એ જાણી લેવું કે તે એકનું એક શુ વાંચે છે. વૈવિધ્યસભર વાંચન એ માણસની સમૃદ્ધિનો સંકેત છે. વિચારોથી ગરીબ માણસો એકનું એક ફરીથી વાંચે.
સાંભળવામાં અને શ્રવણ કરવામાં ફર્ક છે. અંગ્રેજીમાં, hearing એટલે સાંભળવું અને listening એટલે શ્રવણ કરવું. તમે ક્રિકેટ મેચ જોતા હો, અને પત્ની રસોડામાંથી બોલે કે ‘ડાર્લિંગ, કચરાને નીચે નાખી આવ,’ અને તમે ‘હ્મ્મ્મ’ કરો, તો તે સાંભળ્યું કહેવાય, પણ અડધા કલાકમાં પત્ની ચિલ્લાઈને કહે કે ‘તને સંભળાતું નથી?’ અને ‘હા, જાવ છું’ કહીને તમે ફટાફટ ઉભા થઇ જાવ, તો તેને શ્રવણ કર્યું કહેવાય. પતિ-પત્ની વચ્ચે કોમ્યુનિકેશન ગેપની જે સમસ્યા પેદા થાય છે, તેમાં મૂળભૂત રીતે સંભળાય છે બધું, પણ શ્રવણ ગાયબ થઇ ગયું હોય છે. સાંભળવું એ શારીરિક ક્રિયા છે, શ્રવણ કરવું એ માનસિક પ્રક્રિયા છે. (તા.ક. આ જ્ઞાન લોકડાઉન માં મળ્યું છે 🤓)
સંબંધ બે પ્રકારના હોય; પઝલ જેવા અને ચુંબક જેવા. પઝલ જેવા સંબંધમાં એકબીજાને પૂર્ણ કરવાના હોય, ખાલી જગ્યાઓ ભરવાની હોય, એકબીજાની અધુરપોને પુરી કરવાની હોય. ચુંબક જેવા સંબંધોમાં એકબીજામાં જે શ્રેષ્ઠ છે, તેમાં પૂરક બનવાનું હોય. સામાન્ય રીતે આપણે એવું માનીએ છીએ કે જ્યાં સુધી આપણને કોઈ યોગ્ય સાથી ના મળે, ત્યાં સુધી આપણે અધૂરા છીએ. ફર્નિચર જેવા સંબંધો હોય, તેમાં આ સાચું હશે, જેમાં અલગ-અલગ હિસ્સાઓ જોડીને એક સુંદર ફર્નિચર બને છે, પરંતુ એ સંબંધ શ્રેષ્ઠ ત્યારે બને, જયારે બંને સોલો સંગીત વગાડે, અને છતાં એક સૂરિલું ઓર્કેસ્ટ્રા બને. તેમાં બંને એકબીજા વગર પણ સંપૂર્ણ જ હોય, પરંતુ એકબીજા સાથે હોય તો એ સંપૂર્ણતામાં ઔર નિખાર આવે. પુર્ણતા આપવા કરતાં પૂરક બનવું એ શ્રેષ્ઠ છે.
મમ્મી તેના બે દીકરા, 6 વર્ષના ચિંટુ અને 3 વર્ષના પિંટુ, માટે ચોકલેટ બનાવતી હતી. પહેલી ચોકલેટ કોને મળે, તે મુદ્દે ભાઈઓ વચ્ચે ઝઘડો થયો. મમ્મીને એમાં બોધ આપવાનું મન થયું, "ભગવાન જો અહીં આવે ને, તો તે એવું કહે કે- મારા ભાઈને ચોકલેટ પહેલાં આપજે, હું પછીથી લઈશ."
ચિંટુ એના નાના ભાઈ તરફ ફરીને બોલ્યો, "તું ભગવાન બની જા!"
આટલી બાબતો પુસ્તકોમાં શીખવા ના મળે:
-ફોક્સ કેવી રીતે રાખવું
-ચુસ્ત કેવી રીતે રહેવું
-સાહસ કેવી રીતે લાવવું
-સુખી કેવી રીતે થવું
-આત્મવિશ્વાસ કેવી રીતે કેળવવો
-સાફ વિચાર કેવી રીતે કરવો
-વિવેકબુદ્ધિ કેવી રીતે પેદા કરવી
-પ્રેમ કેવી રીતે કરવો
-માણસાઈ કેવી રીતે જીવવી
-કેવી રીતે વાંચવું
આપણે ઇમોશનલ એડિક્શનના શિકાર છીએ. આપણી આખી સંસ્કૃતિ આપણી અંદરનાં વિભિન્ન ઇમોશન્સને નિરંતર ગલીપચી કરવા પર ઉભી છે. આપણને સતત ઇમોશનની કિક જોઈએ છે- ઘડીકમાં આપણે ઉત્તેજનાનું શિખર સર કરી લઈએ, ઘડીકમાં આપણે હતાશાના પાતાળમાં જતા રહીએ, ઘડીકમાં એડ્રેનાલીન (adrenaline)ના ફુવારો છૂટે, તો ઘડીકમાં સેરોટોનિન (serotonin)નો વરસાદ થાય. ટેલિવિઝન, ફિલ્મ, પુસ્તકો, ગપસપ, સંબંધો, એડવેન્ચર ગેઇમ્સ, દારૂ-સિગારેટ, છપ્પન ભોગ, સેક્સ- આપણે જીવનના અર્થ માટે, મોટિવેશન માટે, દિશા માટે, રાહત માટે આ બધાં ઇમોશન પર આધાર રાખીએ છીએ. લાગણીઓ હોવી એ અલગ બાબત છે, અને આપણું મગજ એ લાગણીઓથી ઉત્પન્ન થતાં કેમિકલ્સનું વ્યસની બની જાય તે બીજી.
એક્સ્પોનેન્શલ ગ્રોથ (exponential growth) ખબર છે? એકના ડબલ થાય અને ડબલના ચાર ગણા થાય, તેને
એક્સ્પોનેન્શલ ગ્રોથ કહેવાય. દાખલા તરીકે કોરોના વાઇરસ રોજ ડબલ થતો હોય, તો બીજા દિવસે 2, ત્રીજા દિવસે 4 અને પછી 8, 16, 32, 64, 128, 256 થશે. જીવનના બીજાં ક્ષેત્રોમાં પણ એક્સ્પોનેન્શલ ગ્રોથ કામ કરે છે. જીવનમાં મિત્રો હોય, તો મિત્રો બનાવવાનું સરળ રહે. સંબંધ હોય, તો નવા સંબંઘો આસાનીથી બની શકે. એક નોકરી હોય, તો અન્ય નોકરી સરળતાથી મળે. પૈસો હોય, તો વધુ પૈસા બનાવવાનું સરળ રહે. તમારી પાસે જે વસ્તુ હોય, તેનાથી તમારો આત્મવિશ્વાસ મજબૂત થાય અને તમે તેમાં વધુ ઇન્વેસ્ટમેન્ટ કરો. જે વસ્તુ ના હોય, તે કરવાનું સાહસ ઓછું હોય. જુગારમાં લોકો બમણું કેમ હારે છે? કારણ કે હારવાથી આત્મવિશ્વાસ વધે છે!
"સમાજમાં મહિલાઓની સ્થિતિએ મને બહુ ક્ષુબ્ધ કરી દીધી હતી, એટલે મેં પત્રકારત્વ (નવનીતનું સંપાદન) અને સાહિત્યમાં મહિલાઓના મુદાઓને વધુ ઉઠાવ્યા હતા. મારી વાર્તાઓ અને નવલકથાઓમાં મહિલાઓ પુરુષવર્ચસ્વવાદ સામે વિદ્રોહ કરે છે. તે સમાજના નૈતિક મુલ્યો પર સવાલ કરે છે, જે પુરુષ પ્રધાન સમાજને ગમતું નથી. એટલે જ મેં મારી રચનાઓમાં મહિલા ચરિત્રોને મહત્વ આપ્યું છે. સાત પગલાં આકાશને હું સૌથી મહત્વની નવલકથા માનું છું. આ નવલકથાએ ગુજરાતી મહિલાની ચેતાનાને હલાવી નાખી હતી. વસુધાની પીડાથી દ્રવિત થઈને મહિલાઓ મને કાગળો લખતી હતી અને અનેક સ્ત્રીઓ જીવનની વેદના સંભળાવવા મારી પાસે આવતી હતી. બીજી બાજુ, નવલકથાથી નારાજ અમુક પુરુષોએ મને ધમકી આપીને કહ્યું હતું કે તમને જેલમાં પૂરી દેવાં જોઈએ."
-કુંદનિકા કાપડિયા
Pic1: "એક દિવસ ડીનર ટેબલ પર, મારા ફાધરે મારી મધરને કહ્યું કે 'મેરા નામ જોકર'માં (૧૯૭૦) એ મને એમના બચપણના રોલમાં લેવા માંગે છે. માએ આનાકાની કરી. તેને મારા ભણતરની ચિંતા હતી. છોકરાનું ભણવાનું રખડી જશે વગેરે વગેરે.. એને ક્યાં ખબર કે મારા મનમાં શું હતું! એ વખતે તો હું કંઈ બોલ્યા વગર ખાતો રહ્યો. પછી ચુપચાપ ટેબલ પરથી ઉભો થઇ, મારા રૂમમાં આવ્યો. ત્યાં સ્ટડી ટેબલ પરથી કાગળનો ટુકડો ઉપાડ્યો, અને ત્યાંજ ઓટોગ્રાફની પ્રેક્ટિસ કરવા લાગ્યો! " -ઋષિ કપૂર.
Pic2: "એક બાબત છે, જેનો મને રંજ છે. અમારી વચ્ચે મિત્રતા નથી, કદાચ મારા ફાધરે મારી સાથે રાખી ન હતી એટલે મારે પણ એવું થયું. હું એને ચાહું છું, અને મારો એકનો એક દીકરો છે, પણ એ એની મધર સાથે વધુ ઘાનિષ્ઠ છે. મારી પત્ની મને ટોકતી રહી હતી, છતાં મેં એની સાથેના સંબંધને બરબાદ કરી નાખ્યો. એ અમારી સાથે નથી રહેતો. હવે કોઈ ચેન્જ શક્ય નથી. અમારા બંનેમાંથી કોઈ એ ચેન્જને સ્વીકારી નહીં શકે. અમારી વચ્ચે આડો એક ગ્લાસ છે. અમે એકબીજાને જોઈએ છીએ, વાતો કરીએ છે, બસ. " -ઋષિ કપૂર રણબીર કપૂર વિશે
તમે જ્યારે કોઈની ટીકા કરો છો, ત્યારે તમે તે વ્યક્તિને તેની ત્રુટીઓ માટે નાપસંદ નથી કરતા. તમે તે વ્યક્તિનો અસ્વીકાર એટલા માટે કરો છો કારણ કે તેની ત્રુટીઓ તમારા જેવી એક સમાન નથી. એક સરખી ત્રુટીઓ હોય, તો તમે ભાઈબંધી કરી લેશો. એટલા માટે, બીજા લોકોની ટીકા વાસ્તવમાં તમારી આત્મકથા છે. કોઈ વ્યક્તિને અસલમાં ઓળખવી હોય, તો તે અન્ય લોકોની કેવી ટીકા કરે છે, તે ધ્યાનથી સાંભળવી, તેમાં બોલનાર વિશે ઘણી જાણકારી હોય છે.
મોટાભાગના લોકોને બહુ સારી રીતે ખબર હોય છે કે તેમને શું કરવું છે. તેમને માત્ર એક જ પ્રશ્નનો ઉત્તર શોધવાનો બાકી હોય છે; 'હું કેમ કરતો/કરતી નથી?' મોટાભાગના કિસ્સામાં તમે તે નથી કરતા તેનું એક જ કારણ હોય છે; ડર
'મને ખબર છે કે મારે કસરત કરવી છે, પણ છેલ્લે કરી ત્યારે બહુ દુઃખ્યું હતું.'
'નોકરી છોડીને બીજું કઈંક કરવું છે, પણ કરકસર કરવાનું આકરું પડે છે.'
'મારે પ્રેમ કરવો છે, પણ એમાં દુઃખી થવાય તો?'
કશું કરવાથી નિષ્ફળ જવાય કે અસ્વીકાર થાય, તે ડરને ઓછો કરી નાખીએ, તો એવું કશું જ નથી, જે તમે કરી ના શકો. આપણી આખી જિંદગી ડરમાં જ જીવાય છે.
મીના કુમારીએ ફરિયાદ કરી હતી:
ના હાથ પકડ શકે ના પકડ શકે દામન
બડે કરીબ સે કોઈ ઉઠ કે ચલા ગયા
વસ્તુ અને વ્યક્તિ, બંને માટે આ આ સાચું છે.
કલ્પનાશીલતા અને સર્જનશીલતા બંનેમાં ફરક છે. કલ્પના એટલે વિચાર, અને સર્જન એટલે તે વિચારનો સફળતાપૂર્વક અમલ. સર્જન અનુશાસન છે, પ્રેરણા નહીં. બહુ બધા લોકોને બહુ બધા ખયાલો આવે, પણ એને સાકાર બહુ ઓછા કરતા હોય છે. જે કલ્પના બીજી વ્યક્તિના જીવન સુધી પહોંચીને ઉપયોગી ના નીવડે, તેને ખુદના મનનો તુક્કો કહેવાય, સર્જન નહીં. સાધારણ લાગતી કલ્પના પણ તેના ઉત્તમ અમલથી અદભૂત સાબિત થાય, અને શાનદાર કલ્પના તેના અમલ વગર સાધારણ જ કહેવાય.
એવા લોકોની ઉપેક્ષા કરો, જે બદતમીઝ હોય
એવા સમાચારોની ઉપેક્ષા કરો,જે કામના ના હોય
એવા આહારની ઉપેક્ષા કરો, જેમાં પોષણ ના હોય
એવા રાજકારણની ઉપેક્ષા કરો, જેમાં ગુસ્સો હોય
એવી સ્પર્ધાની ઉપેક્ષા કરો, જેમાં અહંકાર હોય
એવી લાગણીઓની ઉપેક્ષા કરો, જે તમને ગુમરાહ કરે
એવા વિચારોની ઉપેક્ષા કરો, જે તમને સક્રિય ના કરે
એકલા હોવાની પીડામાંથી એકલતા આવે, પણ એ જો સકારાત્મક અહેસાસ હોય, તો એકાંતની સમૃદ્ધિ આવે. એકલતા કોઈક તમારી પર લાદે. એકાંત એ તમારી પસંદગી હોય. એકલતા એ બે વ્યક્તિ વચ્ચેની સ્થિતિ છે. એકાંત એ એક વ્યક્તિની અંગતતા છે. એકલવાયો માણસ બીજા લોકોથી ઘેરાયેલો હોય, એકાંતમાં માણસ ખુદની સાથે વ્યસ્ત હોય. એકલતા તમને ખાવા દોડે. એકાંત તમને ભરી દે.
સેલ્ફીના પ્રચલન પાછળ એક સુંદર સત્ય છુપાયેલું છે; લોકો તેમની કઈ ચીજ લઈને અસલામતી અનુભવે છે, તે જો જાણવું હોય, તો તેઓ શેના ફોટા અપલોડ કરે છે, તે જોવું. જે પણ કારણ હોય, તમે જેના ફોટા પાડો છો, તે એ વાતનો સંકેત છે કે તમારા જીવનમાં શું મહત્વનું છે. એ તમારો પરિવાર હોઈ શકે, તમારી જવાની હોઈ શકે, તમારી ખૂબસૂરતી હોઈ શકે, તમારો પ્રેમ હોઈ શકે, તમારો આનંદ અને સુખ હોઈ શકે. બેઝિકલી, તમે એ ક્ષણને કેદ કરવા માંગો છો, જે નશ્વર છે. તમે એક સ્મૃતિને જીવંત રાખવા માંગો છો, જે ભૂતકાળ થઈ જવાની છે. તમને જે ગુમાવાનો ડર છે, તમે તેને ફોટામાં પકડી રાખો છો.
આપણે જેમાં માનતા હોઈએ, તેટલું જ વાંચવું, એ અંધશ્રદ્ધા કહેવાય. ખુદની માન્યતાથી પ્રતિકૂળ હોય, તે પણ વાંચે, એ ઉત્તમ વાચક કહેવાય. આપણા પૂર્વગ્રહો અને મર્યાદાઓને અનુકૂળ આવે અને તેને પંપાળે તેવા લોકોની વચ્ચે જ રહીએ, તો વાસ્તવિકતાથી દુર થઇ જવાના આપણા ચાન્સ વધુ હોય. વાસ્તવિકતા તમારા પૂર્વગ્રહો સાથે મેળ ના ખાતી હોય, તો વાસ્તવિકતાને બદલવા કરતાં પૂર્વગ્રહો બદલવાનું વધુ કારગત નીવડે છે. પોતાની માન્યતાઓમાં શંકા કરવી, એ ખરેખર સાહસનું કામ છે. આપણે સતત ખુદને જ બેવકૂફ બનાવતા રહીએ છીએ, અને એક વ્યક્તિના જીવનમાં અને એક પેઢીના ઇતિહાસમાં આ અનેકવાર સાબિત થતું રહે છે.
કોઈ ગરીબ, અભણ, 'બગડી' ગયેલા શખ્સો બળાત્કારમાં પકડાય, તો આખા દેશમાં 'સાલાઓને જાહેરમાં ફાંસી આપો,' 'તેમનું એન્કાઉન્ટર કરો,' 'તેમના માનવધિકારને ઉંચા મૂકી દો'ની એકસરખી બુમો ઉઠે, પણ દિલ્હીની પ્રતિષ્ઠિત સ્કૂલોના પ્રતિષ્ઠિત પરિવારના છોકરાઓ લોકર-રૂમ ગ્રૂપ-ચેટમાં તેમની જ સ્કૂલોની સગીર છોકરીઓનો ગેંગરેપ કરવાની યોજના કરતા હોય, ત્યારે 'સંસ્કારી' લોકો આજકાલના સમાજનો અને સોશ્યલ મીડિયાનો દોષ કાઢે અને છોકરાના બચાવમાં 'છોકરીઓ પણ આવી જ છે' એવું સાબિત કરવા છોકરીઓની લોકર-રૂમ ચેટના સ્ક્રીનશોટની ઢાલ લઈને મેદાનમાં ઉતરી પડે છે.
આપણો પુણ્યપ્રકોપ માણસોની સામાજિક હેસિયત પ્રમાણે નક્કી થાય છે.
કોને કઈ અને કેટલી સજા થવી જોઈએ એ આપણા સામાજિક દરજ્જાથી કેટલા નજીક અથવા દૂર છે એને સાપેક્ષ હોય છે.
Read Khevna D blog article on the same.
'અંગત, આબરૂ અને અસ્વીકૃતિ'
શું આપણને હવે પ્રશ્નો થતાં જ નથી?
શું આપણે જાતને, બાળકોને initimacy, sexting, nudes, consent વિષે પ્રશ્નો પૂછીએ છીએ?
https://rainbowreflectionsin.wordpress.com/2020/05/06/અંગત-આબરૂ-અને-અસ્વીકૃતિ/
લખવાની ક્ષમતા ખાલી જાતને અભિવ્યક્ત કરવાની આર્ટ સુધી જ સીમિત રહે, તો એ બાળ રમત છે. તે બીજી વ્યક્તિનાં સુખ-દુઃખ અને આશા-નિરાશાની પ્રતિનિધિ બને, તો મેચ્યોર આર્ટ કહેવાય. કળાનું અસલી કામ આજુબાજુની દુનિયા વિશેની આપણી જે અધૂરી સમજ છે, તેને ચેલેન્જ કરવાનું પણ છે. લખવું એ જીવનની જટિલતાને તાર્કિક, બોધગમ્ય અને સરળ રીતે વિશ્લેષણ કરવાની આવડત છે. કોઇપણ લેખન વાંચવાથી તમને તમારી મુસીબતોની સમજ અને સમાધાન મળવાં જોઈએ. ઉત્તમ લખાણ એ મધદરિયે જહાજ પરના કંપાસ જેવું છે, એ દિશા ના બતાવે, તો ટાઈમપાસ મનોરંજન બની રહે છે.
વિજ્ઞાન નાનામાં નાના અણુની શોધ કરે છે, જેથી ભ્રહ્માંડની બુનિયાદી રચનાને સમજી શકાય. તે અત્યારે ઈલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન સુધી પહોંચ્યું છે અને હિગ્સ અથવા ગોડ પાર્ટીકલ શોધ્યાનો દાવો કરે છે, પણ વિજ્ઞાન સૌથી નાના અણુને ક્યારેય શોધી નહીં શકે કારણ કે જો અણુ હોય, તો એની અંદર સ્પેસ (અવકાશ)નું બનેલું આંતરિક માળખું પણ હોય, અને સ્પેસનો છેડો શોધવો અશક્ય છે, કારણ કે સ્પેસ અનંત છે.
મોટાભાગના લોકો સાથે સતહી, સામાજિક, 'કેમછો-મઝામાં' પ્રકારના 'નકલી' સંબંધોની મઝા એ છે કે તમારે તેમની સાથે અંગત થવું ના પડે, અને અંગત થવું ના પડે એટલે તેમની અંદર જે નિરંતર એકવિધતા, બોરડમ અને એકલતા છે, તેની સાથે પનારો ના પડે. સામાજિક સંબંધો તમને માણસની ગહેરી ઇમોશનલ અને વૈચારીક નકારાત્મકતાથી દાઝ્યા વગર, નકલી ઇન્ટિમસીનો અહેસાસ કરાવે છે. સોશ્યલ મીડિયાની સફળતાનું આ એકમાત્ર કારણ છે. તમે કશું જ કર્યા વગર, દૂર બેઠે બેઠે, માત્ર શબ્દોથી, કોઈપણ અજાણી વ્યક્તિના પણ હમદર્દ બની શકો.
તમારી સાથે તમારો કેવો સંબંધ છે, તેના પરથી બીજી વ્યક્તિઓ સાથે તમારો સંબંધ કેવો હશે, તે નક્કી થાય છે. તમે સામાન્ય રીતે ખુશ અને સકારાત્મક હશો, તો તમારી આસપાસ એવા જ લોકો હશે. તમે અસંતોષી અને કકળાટીયા હશો, તમારા સંબંધો અનિવાર્યપણે ખરાબ જ હશે. તમને તમારા વિશે ભલે ગમે તે ભ્રમ હોય, તમે કોણ છો અને કેવા છો, એ તો તમારા સંબંધોના અરીસામાં જોઈને ખબર પડે. કેલિડૉસ્કોપ જોયું છે? એમાં રંગીન કાચના ટુકડાઓ એવી રીતે ગોઠવ્યા હોય કે તમે કેલિડૉસ્કોપને જરાક ગોળ ફેરવો, તો એક સુંદર ડિઝાઈન સર્જાય. આપણી અંદર પણ આપણે જેને 'જાત' કહીએ છીએ, તેના અલગ-અલગ ટુકડાઓ હોય છે. સંબંધો પણ તમારી અંદરના આ કાચના ટુકડાઓનું પ્રતિબિંબ છે. એ ડિઝાઈન સુંદર છે કે કુરૂપ, તે અંદર કાચના ટુકડાઓની ગોઠવણ પર નિર્ભર કરે છે.
16th May 2020
તમે જેને 'મારો વિચાર' અને 'મારી લાગણી' કહો છો, તે હકીકતમાં તમારી નથી, ઉછીની છે. ટેલિવિઝન, સોશ્યલ મીડિયા, સમાચારપત્રો, સિનેમા, સરકાર અને ધર્મ તમારા વિચારો અને લાગણીઓને આકાર આપે છે. તમે હંમેશા બીજા કોઈકનો વિચાર વિચારો છો અને બીજા કોઈકની લાગણીને અનુભવો છો. જેમ અનેક રંગોના મિશ્રણથી હજારો પેસ્ટલ રંગ બને છે, પણ એ તમામ રંગો બુનિયાદી સાત રંગોનું જ પરિણામ છે. તેવી રીતે તમે ઉછીના વિચારોને મગજમાં ઘૂંટીને 'તમારો' વિચાર બનાવો છો. તમે આસાનીથી કોઈપણ ઉછીના વિચારોને પકડી લો છો, એટલે સરકાર, ધર્મ અને મીડિયા માટે તમને વટલાવવાનું સરળ થઈ જાય છે.
નાર્સિસ્ટીક, એટલે કે જે લોકો ખુદના જ પ્રેમમાં હોય, તે છુપા રુસ્તમ હોય, તેમને સંબંધની શરૂઆતમાં પકડવા અઘરા હોય છે. દરેક વ્યક્તિ થોડી-ઘણી નાર્સિસ્ટીક હોય જ છે, પણ નાર્સિસિજ઼મ જ્યારે વળગણ થઈ જાય, ત્યારે તે એક માનસિક બીમારીના રૂપમાં ઉભરે છે. તેવી વ્યક્તિનાં 10 લક્ષણો:
1. દરેક વાતમાં અને બાબતમાં ખુદનું મહત્વ સાબિત કરે
2. લોકો ધ્યાન આપે અને પંપાળે તેવી ઊંડી ભાવના હોય.
3. બીજી વ્યક્તિ માટે હમદર્દી (empathi)ની ગેરહાજરી
4. સંબંધો તૂટેલા-ફૂટેલા અને સંઘર્ષવાળા હોય
5. અમર્યાદ સત્તા, ખૂબસૂરતી કે પ્રેમની ભૂખ હોય
6. પોતે દેવના દીધેલ છે, તેવી ભાવના હોય, એટલે એવા વિશેષ લોકોની કંપની જ શોધે
7. બીજાની ઈર્ષ્યા કરતા રહે અથવા એવી ભાવનાને પંપાળતા રહે કે બીજા તેની ઈર્ષ્યા કરે છે.
8. જરા સરખી ટીકાનો સામનો કરી ના શકે અને સકારાત્મક વાતમાં પણ 'મારી ટીકા કરી?' એવું વિચારે.
9. સામાજિક એકલતામાં જીવે, લોકો આમ છે અને લોકો તેમ છે, તેવી સતત ફરિયાદો હોય
10. કંટ્રોલિંગ હોય. સંવાદ હોય કે સંબંધ હોય, પોતે જ બધુ કંટ્રોલ કરે, અને બીજાએ માત્ર ગુલામ રાખવાનું ગમે.
ઉપેક્ષા ઉત્કટતા જેટલી જ અગત્યની છે. ઉત્કટતા તમને કશાકની સાથે એકદમ નજીકમાં લાવી દે, પણ એ ઘનિષ્ઠતામાં ત્રુટીઓ છે કે નહીં, તે જોવા માટે ડિસ્કનેક્ટ અને ડિસ્ટન્સ જરૂરી હોય છે. તેના માટે થોડી ઉપેક્ષા જરૂરી છે. ઉપેક્ષા એટલે જજમેન્ટની ગેરહાજરી-'એ સરસ છે કે ખરાબ, એવું મેં નથી વિચાર્યું.' ઉત્કટતા તમને તમારા નિયંત્રણ બહારની બાબતો સાથે સંપર્કમાં લાવી દે છે. ઉપેક્ષા તમને તમારા વર્તુળમાં પાછા લાવી દે છે. ઉત્કટતા અને ઉપેક્ષા બંનેમાં પાવર હોય છે. ફર્ક એ છે કે ઉપેક્ષામાં પાવર તમારી પાસે હોય છે, જ્યારે ઉત્કટતામાં એ તમારી સામે હોય છે.
ટોળાનો સ્વભાવ તમાશબીનનો છે. તમારો રાજ્યાભિષેક થાય, ત્યારે જે ટોળું જયજયકાર કરવા ભેગું થાય છે, એ જ ટોળું તમારો શિરચ્છેદ થાય, ત્યારે તાળીઓ પાડે છે. ઇતિહાસમાં જે બ્લન્ડર થયાં છે, તે આવી રીતે ટોળાને ખુશ કરવામાંથી થયાં છે. ઇરાક યુદ્ધ વખતે જ્યોર્જ બુશ અને ટોની બ્લેર માનવતાના મસીહા તરીકે ઊભર્યા હતા. એ વખતે એમણે કેવી ભવ્ય વાતો કરી હતી, એ યાદ છે? આજે બંનેનાં નામ ‘યુદ્ધ અપરાધી’ તરીકે ઇતિહાસમાં દર્જ છે. આપણને એમાં રસ ના પડે, કારણ કે સામાન્ય જનમાનસને ઝનૂનમાં જ જિંદગીનો અહેસાસ થાય, વિવેકબુદ્ધિમાં નહીં.
મિડલાઈફ ક્રાઇસિસ એટલે તમે અતિ ઉત્સાહ સાથે સંબંધોની અને કારકિર્દીની ઊંચી સીડી ચઢીને ઉપર જાવ, અને ત્યાં ટકી રહેવાનો ઉત્સાહ ઘટતો જાય તે. મિડ લાઈફ ક્રાઇસિસ એટલે દીવાલની આ તરફ સીડી હોય, જે ઉતરી ના શકાય અને બીજી તરફ અંધારી ખીણ હોય તે. મિડલાઈફ ક્રાઇસિસ એટલે દુનિયા આખી તમને ઓળખે, અને તમને જ તમારી ઇડેન્ટિટીની ખબર ના હોય તે. મિડલાઈફ ક્રાઇસિસ એટલે તમારો ઈગો તમને છોડી જાય તે. મિડલાઈફ ક્રાઇસિસ એટલે સુખનો અનુભવ હોય, પણ સાર્થકતા મહેસુસ ના થાય તે. મિડલાઈફ ક્રાઇસિસ એટલે સફળતા હોય, પણ સંતોષ ના હોય તે. મિડલાઈફ ક્રાઇસિસ એટલે તમને આ બધી જ ખબર હોય, છતાં કશું જ ના કરો તે.
સંબંધમાં જે વ્યક્તિએ 'વિશ્વાસઘાત' કર્યો છે, તેને સોરી કહેવાની સજા કરવાના બદલે, જેની સાથે 'વિશ્વાસઘાત' થયો છે, તે વ્યક્તિએ સોરી કહેવું જોઈએ: બોરિંગ થવા માટે સોરી, મારું આકર્ષણ ઘટવા માટે સોરી, તને જુઠ બોલવા મજબુર કરવા માટે સોરી, વફાદારીની અઘરી અને પૂરી ના થઇ શકે તેવી મર્યાદારેખા ખેંચવા માટે સોરી, અને તારી અંદરના માણસને નહીં સ્વીકારવા માટે સોરી. -અલેન ડે બોટોન
जिन्दगी जिंदादिली का नाम है !
મેસેચ્યુસેટ રાજ્યની ૧૦૩ વર્ષની દાદીમા Jennie Stejna ત્રણ વિકના ક્વોરન્ટાઇન પછી કોરોનાને મ્હાત આપી સાજી થઇ ગઈ અને BudLight બિયર પીને એની આ લડતને સેલિબ્રેટ કરી. નર્સિંગ હોમમાં રહેતી દાદીમાની એક પુત્રી અને પૌત્રી છે. સામાન્ય તાવ અને થોડીક શારીરિક તકલીફો બાદ દાદીમાએ કોરોનાને મ્હાત આપી સાજા થઇ ગયા એટલે બધી આશા ગુમાવી બેઠેલા પરિવારમાં આનંદ આનંદ થઇ ગયો. અને દાદીમા એ ચિલ્ડ બડલાઈટ બિયર પીને માંદગીને ઉત્સવમાં પલ્ટી નાખ્યો. 103 વર્ષના આ દાદીમાની યાદશક્તિ ઘણી સારી છે. નાનકડી પૌત્રીને એમની જિંદગીના કિસ્સાઓ કહેતા રહે છે. જિંદગીને જિંદાદિલીથી લેતા લોકોનું મક્કમ મનોબળ જ કોઈપણ મુશ્કેલીમાંથી પાર પાડવાનું સાધન બને છે.
મને આવા હકારાત્મ્ક સમાચાર વધુ ગમે છે જે આપની સાથે વહેંચું છું..
जीते रहने के लिए जिंदादिली बहुत जरुरी है ,
वरना लोग उम्र से पहले भी अब मरने लगे है
તમે જ્યારે કોઈ વ્યક્તિ વિશે ઓપિનિયન આપો છો, ત્યારે તેમાં તે વ્યક્તિ કરતાં તમારા વિશે ઘણી ઇન્ફોર્મેશન હોય છે. તમારો ઓપિનિયન તમારા મનમાં શું ચાલી રહયું છે, તમારી અપેક્ષાઓ શું છે અને તમે કેવી રીતે તે વ્યક્તિને તમારા વિચારો સાથે સરખાવો છો, તેનું રિફલેક્શન છે. મોટાભાગના ઓપિનિયનમાં તમે ખુદને જ જજ કરતા હો છો. બીજી વ્યક્તિ તમને એ અવસર પૂરો પાડે છે કે તમે તે વ્યક્તિ વિશે જે માનો છો, તે કેટલું અગત્યનું છે, અને દરેકે કેમ તેનું અનુસરણ કરવું જોઈએ.
માત્ર ફોટો જોઇને ભડકીને કે ખુશ થઈને તત્કાળ ‘કોમેન્ટ’ કરવાને બદલે આ નાનક્ડી પોસ્ટ વાંચવાની પણ દરકાર રાખવા વિનંતિ છે. આ વખતના વાવાઝોડાનું નામ ‘નિસર્ગ’ કેટલું સરસ છે!
આ નામકરણ પણ દેશોના સમૂહની સંમતિથી કરાતું હોય છે. એ ગૃપમાં એશિયા-પેસિફિકના ૧૩ દેશો ભારત, પાકિસ્તાન, બાંગલાદેશ, માલદીવ્સ, મ્યનમાર, શ્રીલંકા, થાઇલેન્ડ, ઓમાન, કતર, ઇરાન, સાઉદી અરેબિયા, યુનાઇટેડ આરબ અમિરેટ્સ અને યેમન છે.
દરેક દેશ ૧૩ નામો આપી રાખે છે અને તે રીતે ૧૬૯ નામોની યાદી એપ્રિલ મહિનામાં સત્તાવાર રીતે બહાર પડી હતી. મજાની વાત એ છે કે ‘નિસર્ગ’ ભારતે પાડેલું નામ નથી!
ભારતનાં નામોમાં ગતિ, તેજ, વ્યોમ, વેગ અને જલદી જેવાં નામ છે. પણ ‘નિસર્ગ’ બાંગલાદેશે સૂચવેલું નામ છે. તેનાં નામોમાં ઉર્મિ, પ્રતિકૂલ, રજની પણ છે. પરંતુ, અમને રસ એ વાતમાં પડ્યો છે કે બાંગલાદેશે આપેલાં તેર નામો પૈકીનું એક ‘અર્નબ’ પણ છે.
એટલે કેટલાને એ ગમશે એ તો ખબર નથી; પણ ભવિષ્યમાં આવનારા એક વાવાઝોડાનું સત્તાવાર નામ ‘અર્નબ’ પણ હશે!😀
ન્યાયની ભાષા: અન્યાયની વાતમાં લોકો ક્યારેય એકમત નથી હોતા, તેનું કારણ આ છે. આ પ્રકૃતિનું સત્ય જીવો જીવસ્યમ ભક્ષ્યતિ પણ તેને સમાંતર સંસ્કૃતિનું સત્ય જીવો જીવસ્યમ રક્ષ્યતિ છે. આ મોટી માછલી કે અપવાદને બાદ કરતા દરેક જીવ તેના બચ્ચાનું રક્ષણ કરતા હોય છે! આ બન્ને ક્રિયા સમાંતર ચાલે છે તેથી પ્રકૃતિનો ક્ર્મ ચાલતો રહે છે.
એક અંગત મિત્રની પોસ્ટ: આજે મારો છ વર્ષનો પુત્ર મંથન મને ત્રણ સવાલ કરે છેે,
૧) ભગવાને આપણને કેવી રીતે બનાવ્યા?
૨) આપણે ભગવાનને કેમ નથી જોઈ શકતા?
૩) એ આકાશમાં છે તો આપણે આકાશમાં કેમ નથી જઈ શકતા?'
કોઈ મદદ?
મારો જવાબ:
મનુષ્યો તરીકે આપણે બે વાસ્તવિકતાઓમાં જીવીએ છીએ: ભૌતિક વાસ્તવિકતા અને કાલ્પનિક 'વાસ્તવિકતા.' પશુઓથી વિપરીત, મનુષ્યનું મગજ કલ્પનાઓ કરવા અને તેમાં વિશ્વાસ કરવા માટે વિકસ્યું છે. માનવ સમાજ સામુહિક મિથકો પર નભે છે. આપણે કાગળના ટુકડામાં 100 રૂપિયાના મૂલ્યમાં વિશ્વાસ રાખીએ છીએ. આપણે સત્ય નામના કાલ્પનિક મૂલ્યમાં માનીએ છીએ. આપણે માનવધિકારને દૈવી આદેશ ગણીને માથે ચડાવીએ છીએ. આપણે બંધારણમાં લખેલા કાલ્પનિક વિચારને નક્કર માનીએ છીએ. બાળક તેની ઢીંગલીને ભાઈ કે બહેન તરીકે માને છે. આપણે રાષ્ટ્રઘ્વજના ગૌરવમાં વિશ્વાસ રાખીએ છીએ. આ બધું જ કલ્પનામાં છે, તે કુદરતી કે ભૌતિક નથી. આ આપણી કાલ્પનિક વાસ્તવિકતા છે. ઈશ્વર પણ આવી જ એક કાલ્પનિક વાસ્તવિકતા છે. તેની કથાઓ છે, કિસ્સાઓ છે, કલ્પનાઓ છે અને તે પેઢી દર પેઢી આગળ વધતી રહે છે. જે લોકો ઈશ્વરમાં નથી 'માનતા', તે પણ એક માન્યતામાં બંધાયેલા છે. માન્યતા એક અનોખી માનવીય પરિસ્થિતિ છે, જે અન્ય જીવ જગતમાં નથી. એ સાચી કે ખોટી ના હોય.
આઈઝેક ન્યૂટને ૧૬૮૭માં સફરજનને નીચે પડતું જોઈને, પૃથ્વી પર ગુરુત્વાકર્ષણ છે તેવી શોધ કરી, તે ક્ષણને ૧૮૭૩માં એક જાપાનીઝ ચિત્રકારે આ રીતે ચિત્રિત કરી હતી. તેમાં બે મહત્વની વાત છે: એક, ન્યુટન વિસ્ફારિત આંખે સફરજનને જોઈ રહ્યો છે, જે તેની કુતુહલતા અને પૃથ્વી પરની એક 'ચમત્કારિક' ઘટનાના સાક્ષી બનવાનું પ્રતિક છે અને બે, સફરજનનો આકાર, જે લીબું જેવા જાપાનીઝ ઉમેબોશી ફળનું પ્રતિક છે. જાપાનમાં ત્યારે સફરજનનું આગમન થયું ન હતું, એટલે ચિત્રકારે તેની કલ્પના ઉમેબોશી જેવી કરી હતી. ૧૮૯૦ના દાયકામાં ભારતીય પ્રજાતિનાં સફરજન પહેલીવાર જાપાનમાં આવ્યાં હતાં.
આ જ્ઞાન તેને અણીની પળે કામ કેમ ના લાગ્યું? એ જે પણ સમસ્યાઓ સાથે ઝઝૂમી રહ્યો હશે, ફિલોસોફી તેની મદદે કેમ ના આવી? મને સમજાયું કે તમે ગમે તેટલું જ્ઞાન ભેગું કર્યું હોય, એ જો જીવાતા જીવનની સમસ્યા અને પડકારોનો સામનો કરવા માટે તમને સક્ષમ ના બનાવે, તો તે નકામું છે. ફિલોસોફીકલ સમજણ તમારી પાંચ ઇન્દ્રિયોની સચ્ચાઈની સામે કાઉન્ટર-બેલેન્સ ઉભું કરવા કામ ના આવે, તો તે નકામી છે. જ્ઞાન તમારા આચાર, વિચાર અને અહેસાસને ના બદલે તો, એ જ્ઞાન વ્યર્થ છે. જ્ઞાન તમને (પૈસા કમાવવા માટે) હોંશિયાર બનાવે છે, પણ માણસ તરીકેની તમારી ત્રુટીઓથી મુક્તિ નથી અપાવતું. કોઈ એક ક્ષણે સમજાય કે દુનિયાની બધી જ ફિલોસોફી, મોટીવેશન્સ, નોલેજ કશું જ કામમાં આવતું નથી. ઈમ્પોર્ટન્ટ છે તમારી જીંદગીમાં કોઈ એક વ્યક્તિનું પણ હોવું જે તમને જીવવાનું બળ આપે.
બીજાને જજ કરતા રહેવાની વૃતિ ઊર્ધ્વ (વર્ટિકલ) સંબંધમાંથી આવે, જેમાં તમને ઉપર હોવાનો ભ્રમ હોય અને બીજી વ્યક્તિ નીચે. તેમાં તમને દરેક વ્યક્તિ તમારા દરજ્જો માટે ખતરા સમાન લાગે, એટલે તમે વધુને વધુ જજમેન્ટ સાથે ઊંચા થતા રહો. તેનાથી વિપરીત, જજમેન્ટની ગેહાજરી, સમાંતર (હૉરિઝૉન્ટલ) સંબંધનો પુરાવો છે, જેમાં તમે આડી લિટીમાં જોડાયેલા હો અને બીજી વ્યક્તિ સાથે સમજદારીની જુગલબંધી સાધવા ઉત્સાહિત હો.
એક પિતા માટે સંતાનો હોય, તે બહુ સાધારણ બાબત છે, પરંતુ સંતાનો માટે એક અસલી પિતાનું હોવું, એ ચમત્કારથી કમ નથી. સંતાન માટે એક અસલી પિતા સો શિક્ષકો બરાબર છે. પિતાઓને ટેક્ન ફોર ગ્રાન્ટેડ લેવાય છે. સરખામણી નથી, પણ પિતાઓની વાત આવે, ત્યારે માતા જેવી ભાવુકતાની ગેરહાજરી હોય છે, કારણ કે પિતા પારિવારિક આકાશમાં એક એવો સુરજ છે, જે ઉષ્મા તો આપે છે, પણ જેની નજીક ના જઈ શકાય. એ જ્યારે આથમે અને ઠંડી લાગે, ત્યારે જ ગેરહાજરીનો અહેસાસ થાય. પિતાનો પ્રભાવ ઘણો સિરિયસ અને સિગ્નીફિકન્ટ હોય છે. આપણે જવ્વલે જ તે સમજી શકીએ છીએ. જીવનમાં સંતાનની સફળતા, તેના આત્મવિશ્વાસ, ફલેકસીબીલિટી અને શારીરિક-માનસિક તંદુરસ્તી પર પિતાની અસર ઘણી હોય છે. ઘણીવાર પિતાઓને ખુદને આની ગંભીરતાનો ખ્યાલ નથી હોતો.
વર્લ્ડ રેફ્યુજી ડે: (22nd June) અત્યારે દુનિયાની એક માત્ર સૌથી ગંભીર ક્રાઇસીસ નિરશ્રીતોની છે. આ મોરલ ક્રાઇસીસ પણ છે. આપણું સહિયારું ભવિષ્ય કેવું હશે એનો આધાર આ સમસ્યા સાથે આપણે કેવો વ્યવહાર કરીયે છીએ તેના પર છે. જમીન જો સલામત હોય તો કોઈ એના સંતાનને પાણીમાં ના ઉતારે. આપણે જેને માનવ ઇતિહાસનો ગોલ્ડન યુગ કહીયે છીએ, તેમાં એક એક દેશની સરહદો ભૂખ્યા, પ્યાસા, નાગા લોકોથી ઉભરાઈ રહી છે, એ પણ આપણા વિકાસ જેટલી જ નક્કર હકીકત છે. જેની પાસે જરૂર કરતાં વધુ રોટી, કપડાં અને મકાન છે, એને રાતના અંધકારમાં જીવ બચાવવા, ભુખ મિટાવવા, હિંસાથી બચવા, સંતાનોનું સલામત ભવિષ્ય બનાવવા કરોડો લોકો, અત્યારે, આ મિનિટે, પુરી દુનિયાની સરહદોની ખાક છાની રહ્યા હોય, એનો અંદાઝ ના આવે એ સ્વાભાવિક છે.
વિજ્ઞાનીઓનું નક્ષત્ર રચાય, તો કેવું હોય?
1927માં, બ્રસેલ્સમાં ભૌતિકશાસ્ત્ર અને કેમેસ્ટ્રીની 5મી સોલવે કોન્ફરન્સમાં ઉપસ્થિત 29 ભૌતિકશાસ્ત્રીઓનો અમૂલ્ય અને દુર્લભ ફોટોગ્રાફ.
એમાં સૌથી યુવાન (ક્વોન્ટમ મિકેનિક્સના પ્રણેતા) જર્મન ભૌતિકશાસ્ત્રી વેર્નર હેઈસબર્ગ 26 વર્ષના હતા અને (આઈન્સ્ટાઈનની બાજુમાં બેઠેલા) ડચ ભૌતિકશાસ્ત્રી હેન્ડરિક લોરેન્ઝ 74 વર્ષના હતા.
લોરેન્ઝની બાજુમાં પોલિશ કેમિસ્ટ મેરી ક્યુરી છે. કોન્ફરન્સમાં એ એકમાત્ર મહિલા વિજ્ઞાની હતી. આ કુલ 29 વિજ્ઞાનીઓમાંથી 17ને ભવિષ્યમાં નોબેલ પારિતોષિક મળવાનું હતું. ક્યુરી એકમાત્ર મહિલા વિજ્ઞાની છે, જેને બે વખત (1903માં ભૌતિકશાસ્ત્રનું અને 1911માં કેમેસ્ટ્રીનું) નોબેલ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું છે.
બ્રસેલ્સમાં યુરોપિયન સંસદની ઈમારતની પાછળ બગીચામાં આ તસવીર લેવામાં આવી હતી, જે બ્લેક એન્ડ વ્હાઇટ હતી, પણ પછી કલર કરવામાં આવી હતી.
કોન્ફરન્સમાં હેઈસબર્ગની ક્વોન્ટમ થિયરી અને અન્સર્ટન્ટી સિદ્ધાંતની આઈન્સ્ટાઈન અને ડેનિશ ભૌતિકશાસ્ત્રી નેલ્સ બોહર (જમણે બીજી કતારમાં) દ્વારા બહુ જુસ્સાથી ચર્ચા કરવામાં આવી હતી.
બોહર પછીથી 20મી સદીના ધૂંઆધાર વિચાર જે. કૃષ્ણમૂર્તિના 'દિવાના' થઈ ગયા હતા અને બંને વચ્ચે અફલાતુન સંવાદો થયા હતા.
સુના હૈ દિન કો ઉસે તિતલિયાં સતાતી હૈ
સુના હૈ રાત કો જુગનું ઠહર કે દેખતે હૈ
-અહેમદ ફરાઝ
આ એ વખતની વાત છે, જ્યારે આપણી આજુબાજુ પતંગિયાં ઉડતાં હતાં અને રાતે ઘર પર આગિયા ફરતા હતા. હવે ના એ બગીચા છે કે ના એ રાતો. હવે પતંગિયાંની જગ્યાએ નોટિફિકેશન છે, અને આગિયાની જગ્યાએ મોબાઈલ સ્ક્રીનનાં અજવાળાં છે. ફરાઝ સાહેબ ની માફી સાથે જો આજે હોય તો સાહેબ કઈંક આવું લખે:
સુના હૈ દિન કો ઉસે comment સતાતી હૈ
સુના હૈ રાત કો લોગ Like કરકે દેખતે હૈ
જે લોકો સવિશેષ બુદ્ધિશાળી હોય, તે પરિવાર, સમાજ, સેક્સ કે ધર્મનાં પરંપરાગત મૂલ્યોની અંદર ના જીવે. એવા લોકો સામાજિક આઉટલાયર કહેવાય, જે પરંપરાના ફોલ્ડની બહાર જઈને જીવે. ધુંઆધાર કલાકારો, વૈજ્ઞાનિકો, લેખકો અને વિચારકો આ સંદર્ભમાં અ-સામાજિક હોય છે. ઉત્ક્રાંતિએ એવા બુદ્ધિશાળી લોકોમાં પ્રગતિશીલ અને નવીન મૂલ્યો તરફની ચાહના મૂકી છે. પરંપરાગત મૂલ્યો એટલે પૂર્વજો તરફથી મળેલા આદર્શ, રિવાજ, નિયમ અને માન્યતાઓ. અત્યાધિક બુદ્ધિશાળી લોકો ખુદનાં મૂલ્યો બનાવે. તે લોકો સામાજિક, ધાર્મિક અને રાજકીય પ્રાથમિકતાઓમાં વધુ ઉદાર અને ખુલ્લા મનના હોય છે. આ એમની ઉત્ક્રાંતિક જરૂરિયાત હોય છે. તેનાથી વિપરીત, જે લોકો રૂઢીચુસ્ત છે, પરંપરાની દુહાઈઓ આપતા રહે છે અને આચાર-વિચારની 'શુદ્ધતા'ના દુરાગ્રહી છે, તે કટ્ટર અને બુદ્ધિ વિરોધી હોય છે.
Morning Musings...
ગોસિપ એનું જ થાય, જે તમારા કરતાં ઉપર છે, પાવરફુલ છે અને સફળ છે. ગોસિપ એ જ કરે, જે નીચે છે, તુચ્છ છે અને અસફળ છે. ગોસિપ તમે નોંધપાત્ર રીતે જીવતા હોવાનો પુરાવો છે. ઉપેક્ષા થાય, તેના કરતાં ગોસિપ થાય તે રીતે જીવવું બહેતર. ગોસિપ કરવા માટે જીવન સમૃદ્ધ હોવું જોઈએ. સરોવરોનું ગોસિપ ના થાય. ગોસિપ સમુદ્રનું જ થાય.
સકારાત્મક વિચારો કરતાં નકારાત્મક વિચારો વધુ શક્તિશાળી હોય છે, તેનું કારણ એ છે કે આપણને સકારાત્મક વિચારો કરતાં નકારાત્મક વિચારોમાં વિશ્વાસ વધુ હોય છે. પ્રકૃતિએ આપણામાં જે લાગણીઓ મૂકી છે, તે ઉદારવાદી ઓછી અને સરમુખત્યાર વધુ છે. વિચારો તેનું પ્રતિબિંબ છે. ગુફાવાસના સમયથી આપણું મગજ જોખમોના સંકેતોને જલ્દી પકડવા ટેવાયેલું છે. એટલે જ મીડિયામાં લૂંટફાટ, ખૂન, બળાત્કારના સમાચારનો પ્રભાવ વધુ હોય છે, આપણને બીજાના ગોસીપમાં વધુ વિશ્વાસ હોય છે અને ચૂંટણીઓમાં કાદવ-ઉછાળ વાતોને વધુ શ્રોતાઓ મળે છે. આપણે સકારાત્મક માણસો નથી, આપણે સ્વાર્થી માણસો છીએ. જે વિચાર કે લાગણી 'કામ'ની લાગે, તેને આપણું મન અપનાવે છે. દુનિયામાં શાંતિ કરતાં યુદ્ધ વધુ વાસ્તવિક છે, તેનું કારણ આ છે.
વ્યવસાયિક સંબંધ અને અંગત સંબંધ બંને સહિયારી પ્રગતિ પર જ ટકે. તમે જે કંપનીમાં કામ કરો છો, તે કંપની તમારા કારણે પ્રગતિ કરે અને કંપનીના કારણે તમે પ્રગતિ કરો, તો તમે એકબીજાના પૂરક કહેવાવ. તેવી જ રીતે, અંગત સંબંધમાં તમે એકબીજાના વિકાસમાં યોગદાન આપવા યોગ્ય હો, તો જ તે સંબંધ આગળ ચાલે. ઉત્તમ સંબંધ એ છે, જે તમને વૈચારિક રીતે, ભાવનાત્મક રીતે અને વ્યવહારની રીતે બહેતર ઇન્સાન બનાવે.
કોઈપણ બાબતને કે વ્યક્તિને માત્ર ચાહવા કે ધિક્કારવા સિવાય પણ એક ત્રીજો, અને વધુ ઉત્તમ, વિકલ્પ તેને સમજવાનો છે. જીવનનો ખરો સાર આ સમજણની ક્ષમતામાં છે. જેને કુતૂહલ છે, જેને જાણવું છે, જેને પોતાની ધારણા કે લાગણીમાં અંધશ્રદ્ધા નથી, તે વ્યક્તિ સમજવાની અને શીખવાની કોશિશ કરે છે. પૂર્વગ્રહ જજમેન્ટ આપે (ચાહવાનું કે ધિક્કારનું).
આટલા ભ્રમોમાંથી જેટલા વહેલા બહાર આવી જાવ, જીવનનો એટલો રસ્તો વધુ સંતોષી રહેશે.
1. ઉજળું ભવિષ્ય મારી રાહ જોઈ રહ્યું છે.
2. એક દિવસ મારી તમામ મુસીબતો ગાયબ થઈ જશે.
3. સ્થિતિ બદલાઈ જશે, તો મારા પ્રશ્નો હલ થઈ જશે.
4. હું સફળ કે પૈસાદાર હોઈશ તો સુખ જ સુખ હશે.
5. ધારેલું કામ પાર પડી જાય પછી જીવનભરનો સંતોષ.
6. આ બધું પતે પછી શાંતિથી જીવવું છે.
તમને ખુદથી જો ચેન ના હોય, તો તમને બીજાથી પણ ચેન નહીં હોય. બીજાથી તમને જે સમસ્યા છે, તેનું મૂળ તમારી અંદર છે. નાના બાળકો જેમ જે ખોળામાં જઈને બેસે ત્યાં પેશાબ કરે છે, એવી જ રીતે આપણે જેને પણ મળીયે છીએ, આપણી 'લીક' થઈ જવાની મુસીબત સાથે મળીયે છીએ. પ્રોબ્લેમ ખોળાનો નથી. ખુદ સાથે દ્વંદ્વ કરતા રહેવું, અને એના માટે બીજાને દોષ દેવો એ આપણી બુનિયાદી વૃત્તિ છે.
તમે દુનિયાભરમાં ફરી આવ્યા હો, તમે પૃથ્વી પરનું એક એકથી સ્વાદિષ્ટ ખાવાનું ખાઈ આવ્યા હો, તમે ઈતિહાસનાં તમામ મહાન પુસ્તકો વાંચેલાં હોય, તમારા ઘરમાં તમામ શ્રેષ્ઠ ફિલ્મોનું કલેક્શન હોય, તમારી દીવાલો પર પાબ્લો પિકાસો લટકતો હોય, તમારા શરીર પર બેસ્ટ ડિઝાઈનર કપડાં શોભતાં હોય, તમારા દોસ્તોની યાદી હજારોમાં હોય, તમારી ખ્યાતિ દરિયાપાર હોય, તમે સમાજના તમામ મોટા લોકો વચ્ચે ઘૂમતા હો, તમને બહુ બધાં ઇનામ મળ્યાં હોય, તમને રોજનું એક આમંત્રણ કાર્ડ મળતું હોય...
...છતાં, તમારા જીવનની ગુણવત્તા તો ત્યારે જ નક્કી થાય, જ્યારે તમે આમાંનું કશું જ કરતા ના હો.
નાર્સિસિસ્ટિક એટલે એવી વ્યક્તિ જે બીજી વ્યક્તિને આયનો બનાવીને ખુદના પ્રતિબિંબને પ્રેમ કરે, અને બીજી વ્યક્તિને એવું લાગે કે એને દુનિયાનો સૌથી મહાન પ્રેમ મળી રહ્યો છે. પ્રોબ્લેમ વધુ જટિલ ત્યારે થાય, જ્યારે નાર્સિસિસ્ટિકને એના ખરાબ ચહેરા માટે આયનો જવાબદાર લાગવા માંડે.
ઉત્કટ પ્રેમ હોય, તો વ્યક્તિ કાનમાં આવીને બોલે. ક્રોધિત હોય, તો ચિલ્લાઈને બોલે.
માણસ સત્ય બોલતો હોય, તો ધીમેથી બોલે. જૂઠ બોલતો હોય, તો જોરથી બોલે
એક સ્વામીએ એક વિધાર્થીને પૂછ્યું, 'તું કોલેજ કેમ જાય છે?' વિધાર્થીએ કહ્યું, 'જ્ઞાન મેળવવા.'
'તને ભણવાનું એટલું બધું ગમે?'
'કેવી વાત કરો છો! એની મજા થોડી આવે! હું તો ડીગ્રી માટે ભણું છું.'
'ધારો કે હું તને ડીગ્રી આપું તો?' સ્વામીએ પૂછ્યું
'એનાથી કામ મળે?' વિદ્યાર્થીએ સામે પૂછ્યું
'એક મિનિટ. ડીગ્રી જોઈએ છે કે કામ?'
'અરે પણ ડીગ્રી હોય તો કામ મળે ને!'
'કામ જોઈતું તો અમારા મિશનમાં ચાલ. અમે બહુ ગામો અને શહેરોમાં કામ કરીએ છીએ.'
'એમાં પૈસા મળે?' વિદ્યાર્થીએ પૂછ્યું
'તું નક્કી કર. કામ.જોઈએ છે કે પૈસા?'
'કેવી વાત કરો છો! પૈસા તો જોઈએ ને!'
'ઓકે. હું તને પૈસા આપું તો?'
'ઓહ, રિયલી? હું એમાંથી ફરારી કાર લઈ શકું? પેન્ટહાઉસ બનાવી શકું ને?'
'ના, હોં. પૈસા બેંકમાં રાખી મુકવના. તે કહ્યું કે પૈસા જોઈએ છે. તે કાર ખરીદવાની વાત કરી ન હતી, ' સ્વામી બોલ્યા.
'અરે પણ હું પૈસા વાપરી ના શકું તો એને શું કરવાના? મારે ઘર લેવું છે, મારે સ્માર્ટ ગેઝેટ્સ ખરીદવા છે, મારે દુનિયાભરમાં ફરવા જવું છે, મારે ફરારી કાર ફેરવવી છે, મારે મારી ગર્લફ્રેન્ડને લોન્ગ ડ્રાઇવ પર લઈ જવી છે,' વિધાર્થી બોલ્યો
'ઓહ, તારે આ બધું કરવું છે! ઓકે, પણ આ બધું કેમ કરવું છે?' સ્વામીએ પૂછ્યું
'અરે મારે સુખી થવું છે.'
'પણ તારે સુખી કેમ થવું છે?' સ્વામીએ પૂછ્યું.
પેલો વિધાર્થી આ પાગલ સ્વામીથી અકળાઈને જતો રહ્યો. તેની પાસે છેલ્લા સવાલનો જવાબ ન હતો.
આપણે ડીગ્રી મેળવવા ભણીએ છીએ, જેથી કામ મળે, જેથી પૈસા મળે, જેથી કાર મળે, જેથી ગર્લફ્રેડ મળે, જેથી લગ્ન કરી શકાય, જેથી સુખી થવાય (અને ડિવોર્સ પણ લઈએ છીએ, જેથી વધારે સુખી થવાય!). આપણી સમસ્યા એ નથી કે જે જોઈએ છે, તે મળતું નથી. આપણી સમસ્યા એ છે કે આપણને એક જ સમયે અલગ-અલગ ચીજ જોઈએ છે. એક જ સમયે એક જ ચીજ મેળવવી બહુ આસાન છે, અને સંપૂર્ણ સુખ એ એક ચીજ અને એ સમયમાં જ છે.
વૈચારિક સમજદારીના કારણે બ્રહ્માંડ સાથેના સંબંધને લઈને માણસની ધારણા સીમિત થઈ જાય છે. દાખલા તરીકે કોઈ બિન-જરથુષ્ટ્રવાદીને એવું લાગે કે જરથુષ્ટ્ર એક પાગલ માણસ હતો, જેણે લાખો ભોળા લોકોને અગ્નિની પૂજા કરતા અનુયાયીઓમાં ફેરવી નાખ્યા, પણ એ 'પાગલપન' વગર જરથુષ્ટ્ર બીજા કરોડો વ્યક્તિઓ પૈકીનો જ એક હોત, જે જીવ્યો હોત અને ભુલાઈ ગયો હોત. લોકો હંમેશાં એવું માનતા હોય છે કે માનસિક અસ્વસ્થ લોકો વેદના અનુભવતા હશે. મારા મતે પાગલપન એક એસ્કેપ છે. તમારું વાસ્તવિક જીવન સારું ના હોય, તો તમે પગલપનમાં કોઈ બહેતર સ્થિતિની કલ્પના કરવા લાગી જાવ છો, એટલું જ. -જ્હોન નેશ, નોબેલ પારિતોષિક વિજેતા અમેરિકન ગણિતજ્ઞ, પાગલપનમાંથી બહાર આવ્યા પછી.
લેખકો બે પ્રકારના હોય; એક, એમના લખાણમાં પોતાની વિકૃતિ બતાવીને વાંચકોનું મનોરંજન કરે અને બે, એમના લખાણોમાં વાચકોની વિકૃતિ બતાવીને તેમને જાગૃત કરે.
સૌથી હોંશિયાર લોકોમાં પાંચ દુર્લભ ગુણ હોય છે:
1. તેમને બોલવા કરતાં સાંભળવામાં વધુ રસ હોય.
2. તેઓ ખોટી માન્યતાઓ ઘડીના છઠ્ઠા ભાગમાં ત્યજી દે
3. તેમનો અહંકાર નાનો હોય, અને કુતુહલ મોટું હોય
4. આત્મ-સંયમી હોય અને આવેગ પર નિયંત્રણ હોય.
5. ટોળામાં રહેવા કરતાં એકલા રહેવાનું પસંદ કરે.
આવા લોકોમાં જ સફળતા, સુખ અને સંતોષનો દુર્લભ
ત્રિવેણી સંગમ થાય.
દસ લાખ વર્ષ પહેલાં, હથિયાર વગરનો, નાના મગજવાળો અને એકમાત્ર શરીરની તાકાતવાળો ગુફાવાસી માણસ તેની પત્ની અને બાળકોનું પેટ ભરવા કામયાબ રહેતો હતો. એના મારફતે મનુષ્ય જાતિ આગળ વધી. બીજી તરફ એનાથી વિપરીત, ઉત્પાદનનાં અત્યાધુનિક સાધનોવાળા તમે, ગુફાવાસી માણસની ઉત્પાદન ક્ષમતાને લાખો ઘણી વધારી રહ્યા છો-પણ તમે અસમર્થ અને અણઘડ છો, તમે લાખો લોકો એમનું શારિરીક જીવન ચલાવી શકે એટલી મામુલી બ્રેડ પણ સુરક્ષિત કરી શકવા સક્ષમ નથી. તમે દુનિયાને બરબાદ કરી નાખી છે, અને એ દુનિયા તમારી પાસેથી છીનવાઈ જવાનો છે.
-જેક લંડન, અમેરિકન નવલકથાકાર, ન્યુયોર્કના સમૃધ્ધ લોકોને આપેલા એક ભાષણમાં
તમે જો તમારી જાતને બીજા કરતાં ચઢિયાતી કે બહેતર ગણતા હો અને તમે બીજા વિશે જજમેન્ટ આપતા રહેતા હો, તો એક વાત સમજવા જેવી એ છે કે, તમે જે છો, એમાં તમારી કોઈ ચોઇસ નથી. તમે જે જીન્સ સાથે પેદા થયા છો, તમે જે વાતાવરણમાં મોટા થયા છો અને તમે જે સામાજિક પ્રભાવમાં ઘડાયા છો, તે એક અકસ્માત છે, આવડત નહીં. તમે જે છો, તેનું આટલું ગૌરવ શું કામ? તમે તો તમારા માતા-પિતાના મિલનની બાય-પ્રોડક્ટ છો. એમાં તમારી સિદ્ધિ શું? એવું પણ શક્ય છે કે, તમે જેને નાપસંદ કરો છો, તે વ્યક્તિનો અકસ્માત તમારી સાથે થયો હોત, તો તમે પણ એના જેવા જ 'કમ અક્કલ' અને 'બદસુરત' હોત. એવું પણ શક્ય છે કે, તમે કોઈ કારણથી પેદા જ ના થયા હોત. કોઇપણ ગૌરવ અને જાત કે બીજા માટેનું જજમેન્ટ અજ્ઞાનતામાંથી આવે છે. પોતાની સાથેના અકસ્માતનું કે યોગાનુયોગનું ગૌરવ કેવી રીતે હોય?
રેલવે સ્ટેશનોની, ખાસ કરીને અંતરિયાળ વિસ્તારોમાં આવેલાં સ્ટેશનોની, સુંદરતા અનોખી હોય છે. એક તો એનો સુનકાર ભર્યો ભર્યો હોય. સવાર-સાંજ એકાદ ટ્રેન માંડ આવતી હોય, પરંતુ સ્ટેશન તૈયાર એવી રીતે બેઠું હોય, જાણે કોઈ એકલું વૃક્ષ વટેમાર્ગુના ઇંતેજારમાં હોય.
મને ગુલઝાર સાહેબ ની એક 32-33 વર્ષ જૂની 'ઇજાજત' ફિલ્મ યાદ આવે છે તેમણે ફિલ્મોમાં એકલવાયાં રેલવે સ્ટેશનોને ખૂબસૂરતીથી પેશ કર્યા છે. તેમાં ત્રણ મુખ્ય પાત્રો હતાં: રેખા, નસીરુદ્દીન શાહ અને એક અટુલુ રેલવે સ્ટેશન.
દરેકના જીવનમાં આવાં નાનાં સ્ટેશનોની અનોખી કહાનીઓ હોય છે. કેરળના મલાપ્પુરમ જિલ્લામાં ગુલમહોરના ફૂલોથી આચ્છાદિત મેલ્લાતુર રેલવે સ્ટેશન પણ બેહદ ખૂબસૂરત છે, જાણે ફિલ્મના સેટમાંથી બહાર આવ્યું હોય. આ તસવીરો મે મહિનામાં લોકડાઉન વખતે લેવાઈ હતી અને સ્થાનિક સમાચારપત્રોમાં પ્રકાશિત થઈ હતી. આવાં પિક્ચર પોસ્ટકાર્ડ જેવાં રેલવે સ્ટેશન ભારતમાં બહુ જૂજ છે.
નૂરી ઓ નૂરી...
પ્રાણીઓનાં કલોનિંગ અને જીનેટિક્સ પર કામ કરી રહેલા વિશ્વના વૈજ્ઞાનિકો માટે આનાથી મોટા ખુશીના સમાચાર શું હોય!
કાશ્મીરમાં પશ્મિના ઉનના વ્યવસાયમાં ક્રાંતિ લાવવા માટે ક્લોનિંગ કરીને પેદા કરવામાં આવેલી વિશ્વની પ્રથમ પશ્મિના બકરી 'નૂરી' આઠ વર્ષની થઈ છે, અને તેણે ચાર બચ્ચાને જન્મ પણ આપ્યો છે. શ્રીનગરની શેર-એ-કાશ્મીર યુનિવર્સિટી ઓફ એગ્રીકલ્ચર સાયન્સ એન્ડ ટેકનોલોજીના એનિમલ ડિવિઝનના વડા ડો. રિયાઝ શાહ અને તેમની ટીમે બે વર્ષની મહેનત પછી 2012માં ભારતને બીજા ક્લોન પશુ (અને દુનિયાની પહેલી બકરી)ની ભેટ આપી હતી. તેને 'નૂરી' નામ આપવામાં આવ્યું હતું. ભારતની પહેલી ક્લોન ભેંસ 2009માં હરિયાણામાં પેદા થઈ હતી.
"નૂરી તંદુરસ્ત છે. તેણે ચાર સંતાનને જન્મ આપ્યો છે, જેમાં ત્રણ નર છે અને એક માદા છે. તે આઠ વર્ષની થઈ છે. પશમીના બકરીની સામાન્ય ઉંમર આઠથી દસ વર્ષની હોય છે, " એમ ડો. શાહે ધ કાશ્મીર મોનિટર સમાચારપત્રને કહ્યું હતું. નૂરી કેટલું જીવશે? તેનો જવાબ નથી. અહીં, 25 પશ્મિના બકરીઓને ઉછેરવામાં આવી રહી છે, અને 'નૂરી' તેમની વચ્ચે રહે છે. કાશ્મીરમાં, ખાસ કરીને લદાખમાં લોકો માટે પશ્મિના ઉન રોજી-રોટીનું સૌથી મોટું સાધન છે.
2016 મા ફિતુર ફિલ્મ મા એક ગીત હતું પશ્મિના ના ધાગો સે......
1996 ની સાલમાં ડોલી નામની ઘેટી ક્લોન દ્વારા બનાવવામાં આવી હતી. ડોલી દુનિયાની પ્રથમ ઘેટી હતી, જેને સ્કોટલેન્ડમાં એક વયસ્ક સેલમાંથી ક્લોન કરવામાં આવી હતી.
બાકી આમ જોવા જઈએ તો ક્લોન એટલે માણસનું ઈશ્વર બનવા તરફનું પહેલું નાનકડું કદમ!
અમેરિકન ગૃહ યુદ્ધવેળા ગ્રેટ બ્રિટનના સમ્રાટ કિંગ જ્યોર્જે તેમના અમેરિકન પેઈન્ટર બેંજામીન વેસ્ટને પૂછ્યું હતું કે સ્વતંત્રતા મળ્યા પછી આ તમારો જયોર્જ વોશિંગ્ટન શું કરશે? ત્યારે વેસ્ટે કહ્યું હતું, "મેં સાંભળ્યું છે કે તે પાછા ખેતી કરવા લાગી જશે." અચંબિત સમ્રાટે કહેલું, "તો તો એ દુનિયામાં મહાન માણસ સાબિત થશે."
સાર: સત્તા સોંપવા માટેનો સૌથી શ્રેષ્ઠ માણસ એ છે, જેને સત્તાની દરકાર ના હોય, પણ સામાજીક જવાબદારીના ભાગ રૂપે લેવા તૈયાર હોય. સૌથી અયોગ્ય એ છે, જે સત્તા માટે મરતો હોય. એટલા માટે રાજકારણમાં ટર્મ મર્યાદા હોવી જોઈએ.
(જયોર્જ વોશિંગ્ટન અમેરિકાના પ્રથમ રાષ્ટ્રપતિ હતા અને તેમણે ઇતિહાસના સૌથી મહાન અને તાકાતવર રાષ્ટ્રનો પાયો નાખ્યો હતો. એ ખેડૂતનું સંતાન હતા અને ઔપચારિક શિક્ષણ પણ મળ્યું ન હતું)
જે જોઈતું હોય તે મળી જાય, તેને સમૃદ્ધિ કહેવાય.
જે જોઈએ છે, તે કેમ જોઈએ છે, તેની ખબર પડે, તેને બુદ્ધિ કહેવાય.
જે તમારી પાસે હોય, તેની જ વારંવાર ઈચ્છા થાય, તેને ડહાપણ કહેવાય.
જેમ આલ્બર્ટ આઈન્સ્ટાઈનનું યોગદાન એક કામચોર શરાબી માણસ કરતાં લાખ દરજ્જે મૂલ્યવાન ગણાય, અને બંને વ્યક્તિને સમાન મહત્વ આપવું હાસ્યાસ્પદ ગણાય, તેવી જ રીતે એક રાષ્ટ્રની ગણના મહાન વિશ્વ-નેતા તરીકે ત્યારે જ થાય, જ્યારે તેણે માનવ જાતિની પ્રગતિનું નેતૃત્વ કર્યું હોય. જે રાષ્ટ્રએ માનવ વિકાસમાં મામુલી યોગદાન આપ્યું હોય અથવા સદંતર ના આપ્યું હોય, તે માનવ ઇતિહાસમાં એક કામચોરથી વિશેષ ના કહેવાય. એક સફળ કબીલા અને એક મહાન રાષ્ટ્રમાં આ જ ફરક છે. 70,000 વર્ષ જૂના મનુષ્યને આધુનિક અને પ્રગતિશીલ બનાવવામાં યોગદાન આપનારાં ક્યાં રાષ્ટ્રોનાં નામ તમને યાદ આવે છે?
ખુસરોનું સ્વર્ગ કાશ્મીર નહીં, દિલ્હી હતું:
ગર ફિરદૌસ બર રુએ જમીં અસ્ત
હમી અસ્તો, હમી અસ્તો, હમી અસ્ત
(પૃથ્વી પર જો સ્વર્ગ હોય, તો તે અહીં છે, અહીં છે, અહીં છે)
શ્રીનગરના શાલીમાર બાગમાં શ્યામ રંગનું જે પેવેલિયન છે, તેની દિવાલ પર આ પ્રસિદ્ધ ફારસી પંક્તિ લખેલી છે, તેવી પ્રચલિત માન્યતા છે. મુઘલ સમ્રાટ શાહજહાં (અથવા પિતા જહાંગીર)ના સમયમાં આ પેવેલિયન બાંધવામાં આવ્યું હતું, દિલ્હીમાં લાલ કિલ્લામાં પણ એ અંકિત છે, જે શાહજહાંએ બનાવ્યો હતો. એટલે આ પંક્તિની બે કહાની છે. એક કહાની પ્રમાણે શાહજહાં (૧૫૯૨-૧૬૬૬) જયારે પહેલીવાર કાશ્મીર ગયો, ત્યારે તેની સુંદરતા જોઇને આ બોલ્યો હતો. બીજી કહાની એ છે કે દિલ્હીમાં દીવાન-એ-ખાસ (લાલ કિલ્લો) તૈયાર થયો અને તે પહેલીવાર અંદર ગયો, તો આ પંક્તિ અંકિત કરવા સુચના આપી હતી. ગમે તેમ તોય, લાલ કિલ્લો બાગ-બગીચાઓથી સુશોભિત સ્વર્ગ જ હતો! એમ તો એવું પણ કહેવાય છે કે શાહજહાં નહીં, પણ તેના પિતા જહાંગીરે (સલીમે) આ પંક્તિ કોતરાવી હતી.
આ પંક્તિ ફારસી કવિ અમીર ખુસરો (૧૨૫૩-૧૩૨૫)ના નામે બોલે છે. ખુસરો સુફી કવિ હતો. તે ઉત્તરપ્રદેશમાં જન્મ્યો હતો, અને નાની ઉંમરમાં દિલ્હી આવ્યો હતો, જ્યાં તે નિઝામુદ્દીન ઓલિયાનો શાગિર્દ થઇ ગયો હતો. ખુસરો અરબી, ફારસી અને હિન્દુસ્તાની (ઉર્દુ-હિન્દી) મિશ્રિત ભાષામાં લખતો હતો, જે ‘હિન્દવી’ તરીકે જાણીતી થઇ. ખુસરો ‘ભારતના પોપટ’ (તુતી-એ-હિન્દ) તરીકે પણ ઓળખાય છે અને ઉર્દુ સાહિત્યનો એ જન્મદાતા છે. એ આજીવન દિલ્હી સલ્તનતમાં રહ્યો હતો, અને એણે કાશ્મીરની મુલાકાત લીધી હોવાના કોઈ સંદર્ભ નથી. તેના પરથી અમુક અભ્યાસુઓ ‘ગર ફિરદૌસ બર રુએ જમીં અસ્ત’નો લેખક ખુસરો હોવા અંગે શંકા કરે છે.
એમાં લેટેસ્ટ રાના સફ્વી છે. રાના ઇતિહાસકાર તથા લેખક છે અને દિલ્હીની સંસ્કૃતિ પર લોકપ્રિય બ્લોગ ‘હજરત-એ-દિલ્લી’ ચલાવે છે. તેમનું એક તાજું પુસ્તક ‘શાહજહાંનાબાદ’ આ પંક્તિના ઈતિહાસને ઉખેડે છે. અમીર ખુસરો પર અભ્યાસ કરનારા અને બોસ્ટન યુનિવર્સીટીમાં ફારસી સાહિત્યના પ્રો. સુનિલ શર્મા કહે છે કે ખુસરોના કોઈ સંગ્રહ કે કવિતામાં આ પંક્તિ નથી.
રાના સફ્વીએ જાતે શ્રીનગર જઈને શાલીમાર બાગમાં ઉપર-નીચે આ પંક્તિ શોધી હતી. ના મળી. શાલીમાર બાગ પરનાં પુસ્તકોમાં પણ એનો સદર્ભ ન હતો. તો આ જગપ્રચલિત પંક્તિનું ‘જીવનચરિત્ર’ શું છે? રાના સફ્વીએ નીચે પ્રમાણેના થોડાક સંકેતો આપ્યા છે.
ઉર્દુ ઇતિહાસકાર બશીરુદ્દીન અહમદ દેહલવીના ‘વાકીઆત-એ-દારુલ હુમુમત દેહલી’ પુસ્તકમાં લખેલું છે કે આ પંક્તિ સદુલ્લાહ ખાને કોતરેલી છે. સદુલ્લાહ ખાન સમ્રાટ શાહજહાંનો વડાપ્રધાન હતો અને પોતે કવિ અને લેખક હતો. ફારસીના નિષ્ણાત અને દિલ્હીનાં સ્મારકો પર પહેલીવાર લખનારા પ્રો. એસએચ કાસેમીએ દાવો કર્યો હતો કે તેમણે કાશ્મીરના હાકેમ (ગવર્નર) ઝફર ખાનના શાયર પુત્ર મિર્ઝા મુહમ્મદ તાહિર ‘આશના’(૧૬૨૮-૭૧)ના કવિતા સંગ્રહમાં આ પંક્તિ વાંચી હતી.
‘આશના’એ અબ્દુલ હમીદ લાહોરીના ત્રણ ભાગના ‘પાદશાહનામા’ ઈતિહાસની ટૂંકી આવૃત્તિ ‘શાહજહાંનામા’ લખી હતી. ‘પાદશાહનામા’ સમ્રાટ શાહજહાંએ લખાવ્યું હતું. મિર્ઝા મુહમ્મદ તાહિર ‘આશના’એ તેના પિતાની ગેરહાજરીમાં એકવાર કાશ્મીરનો કારભાર પણ સંભાળ્યો હતો. ‘આશના’નો આ કવિતા સંગ્રહ દિલ્હીના રાષ્ટ્રીય સંગ્રહાલયમાં મોજુદ છે. ઝાકીર હુસેન દિલ્હી કોલેજના ફારસી વિભાગના વડા પ્રો. જમીલ-ઉર રહેમાને સુચન કર્યું કે રાષ્ટ્રીય સંગ્રહાલયમાં હસ્તપ્રત જોયા વગર નિષ્કર્ષ પર ન અવાય.
રાના સફ્વી લખે છે કે ૧૮ અપ્રિલ ૧૬૪૮ના રોજ લાલ કિલ્લાના ઉદઘાટનમાં ઘણા બધા શાયરો ભેગા થયા હતા અને તેની ભવ્યતાના ગુણગાન ગાતી શાયરીઓ લખી હતી. એટલે એ શક્ય છે કે કિલ્લાના દિવાન-એ-ખાસમાં અંકિત આ પંક્તિ આમાંથી જ કોઈ એક એવા શાયરની હોય, જે શાહજહાંનો દોસ્ત હોય.
રાના સફ્વીએ દિલ્હીના રાષ્ટ્રીય સંગ્રહાલયના આસિસ્ટન્ટ ક્યુરેટર ખતિબુર રહેમાનની મદદથી ‘આશના’ના જરીપુરાણા સંગ્રહ ‘દિવાન-એ-આશના’માં કાશ્મીરનો ઉલ્લેખ હોય, તેવી પંક્તિઓ શોધી. તેમણે વધુ વિગતવાર પાનાં જોયાં, તો ‘મસાનવી-યે સાકી નામા’ વિભાગમાં ૮૮ નંબરના પાના પર પંક્તિ લખેલી હતી:
ગર ફિરદૌસ બર રુએ જમીં અસ્ત
હમી અસ્તો, હમી અસ્તો, હમી અસ્ત
એ પંક્તિ પછી લખેલું હતું, “ખુસરોએ સૂચક પદ્ય લખ્યાં હતાં, એટલે તમે કહી શકો કે તેણે આ (પંક્તિ) આ જગ્યા માટે લખી હશે.”
રાના લખે છે, “રાષ્ટ્રીય સંગ્રહાલયની એ નાનકડી ઓફીસમાં અમે શાહી પંડિતોની બેશકીમતી હસ્તપ્રતો જોઈ રહ્યા હતા, ત્યારે અમને લાગ્યું કે એ ક્ષણે પૃથ્વી પર સ્વર્ગ હતું.”
ઝાકીર હુસેન દિલ્હી કોલેજના પ્રો. જમીલ-ઉર રહેમાને સમ્રાટ શાહજહાંના અધિકૃત જીવનચરિત્ર ‘શાહજહાંનામા’ના ત્રીજા ભાગમાં જોયું કે પુસ્તકના લેખક મોહમ્મદ સલીહ કમ્બોહે કિલ્લા-એ-મુબારક (ભાગ્યના કિલ્લા)ની ખુબસુરતીનાં બહુ વખાણ કર્યા હતાં. તેણે લખ્યું હતું કે, “તેની સુંદરતા એવી છે કે ડાહ્યા લોકો ગાંડા થઇ જાય, તેની સુંદરતા સ્વર્ગ સમાન છે અથવા સાત સ્વર્ગોના બગીચાઓ કરતાં પણ એ વધુ સ્વર્ગીય છે.” અમીર ખુસરોએ જે લખ્યું હતું, તે આ વર્ણન સાથે મળતું આવતું હતું:
ગર ફિરદૌસ બર રુએ જમીં અસ્ત
હમી અસ્તો, હમી અસ્તો, હમી અસ્ત
અમીર ખુસરો દિલ્હીનો સૌથી લોકપ્રિય કવિ હતો અને તેણે દિલ્હીના વખાણમાં ખુબ લખ્યું હતું. એ સંપૂર્ણપણે શક્ય છે કે આ પંક્તિ દિલ્હીની ખુબસુરતી માટે લખાઈ હોય અને શાહજહાંએ તેને દિવાન-એ-ખાસમાં કોતરાવી હોય. રાના સફ્વી લખે છે, “આ પંક્તિ અમીર ખુસરોની કવિતાઓમાં કેમ નથી અને તેને ક્યા સદર્ભમાં લખવામાં આવી હતી, તેનો કોઈ જવાબ નથી, પણ એક વાત નક્કી છે કે એ કાશ્મીર માટે લખાઈ ન હતી, કારણ કે હજરત અમીર ખુસરોએ ક્યારેય કાશ્મીરની યાત્રા કરી ન હતી. તો તેણે દિલ્હી માટે લખી હતી?”
જે દિવસે તમે તમારી પીડાની કહાનીને લાગણીવશ થયા વગર, હમદર્દીની અપેક્ષા વગર કહેવા સક્ષમ થઈ જાઓ, ત્યારે માનવું કે તમારા બધા જ જખ્મ ભરાઈ ગયા છે. તમે જ્યારે સંપૂર્ણ સ્વસ્થતા સાથે તમારી કહાનીનો સ્વીકાર કરીને તેને બોલીને, લખીને કે સર્જન કરીને બીજા સાથે શેઅર કરવાનું શરૂ કરો, ત્યારે તમારા કરતાં તમારી કહાની શક્તિશાળી બની જાય, કારણ કે તે બીજા લોકો માટે મદદરૂપ બને છે. તમારી કહાનીના સ્વીકારમાં તમારી જાતનો સ્વીકાર છે.
અંદરથી જખ્મી વ્યક્તિ, તેના રડારમાં આવતી દરેક વ્યક્તિને ચીરા પાડે. જખ્મી વ્યક્તિમાં તેના રોષને નજીકના લોકોમાં ટ્રાન્સફર કરવાની જરૂરિયાત હોય છે. જખ્મી વ્યક્તિ તેના માટે બોલતા દરેક શબ્દ અને દરેક વર્તનને આંતરિક પીડાના પ્રિઝમમાંથી જુવે છે, એટલે સાધારણ અને નિર્દોષ લાગતી વાત પણ તેમના માટે નકારાત્મક પુરવાર થાય છે. જખ્મી વ્યક્તિ તેના વ્યવહારથી લોકોને દૂર ધકેલી દે, અને પછી ખુદ આશ્ચર્ય પામે કે તેની સાથે કોઈ કેમ નથી. જખ્મી વ્યક્તિ એટલી સ્વ-કેન્દ્રિત હોય કે તેને તેની પીડા સિવાય, બીજી વ્યક્તિની કોઈ બાબત નજર ના આવે. જખ્મી લોકો બે જ રીતે તેમની પીડાનો સામનો કરી શકે; ખુદની પર હિંસા કરીને, અથવા બીજાને નિશાન બનાવીને.
સત્તાને પચાવવી એટલે શું? સત્તાને પચાવવી એટલે તમારી પીડિત માનસિકતાનું સમાધાન થાય અને તમારી અંદરની અન્યાયની ભાવના દૂર થાય તે. સત્તા અને સફળતા મળ્યા પછી પણ માણસની માનસિકતામાં પરિવર્તન ના આવે, તો સમજી લેવું કે તેનો દુરુપયોગ નિશ્ચિત છે. સત્તા તમારી અંદરનો અંકુશ (આવું કરાય, આવું ના કરાય...આવું બોલાય, આવું ના બોલાય) દૂર કરે છે. સત્તા અને સફળતા તમારી અંદરની અસલી જાતને મુક્ત કરે છે. એ નિરંકુશતામાં, તમે ઉદાર હશો, તો વધુ ઉદારતા બહાર આવશે, અને અસભ્ય હશો, તો વધુ અસભ્યતા બહાર આવશે. દારૂ પીધા પછી પણ એક્ઝેટલી આવું જ થાય છે.
તમે કાં'તો ભૂતકાળમાં જીવો છો, અથવા ભવિષ્યકાળમાં, પણ ક્યારેય વર્તમાનમાં નથી હોતા. અન્ય પ્રાણીઓમાં એવું નથી. કારણ એ છે કે આપણમા સ્વ-ચેતના (સેલ્ફ-કોન્સિયસનેસ) હોવાના કારણે સ્મૃતિ સક્રિય હોય છે, અને આપણી પ્રાથમિકતા સર્વાઇવ થવાની છે, એટલે ભવિષ્યની દુઃખદ ચિંતા કરવી કે સુખદ આશા રાખવી એ પણ પ્રાથમિકતામાં આવે છે, અને તેમાં ભૂતકાળના (સારા-નરસા) અનુભવોની સ્મૃતિઓ કામ આવે છે. આ જ કારણથી વર્તમાનમાં ગમે તેટલા સુંદર સુખ કે આનંદનો અહેસાસ થાય, આપણે બહુ ઝડથી ભવિષ્યના દુઃખની ચિંતા લાગી જઈએ છીએ. ક્ષણમાં રહેવું શક્ય છે, જો તમે વિચારોના કન્વેયર બેલ્ટ ઉપરથી ઉતરીને, ટ્રાફિક પોલીસની જેમ, વિચારો રૂપી સુંદર-કદરૂપી, નવી-જૂની મોટરકારોને પસાર થતી જોયા કરો અને ખાલી એનું નિયમન કરો.
તમારી ખાનગી જિંદગી અને તમારા બૌદ્ધિક અભિપ્રાયો વચ્ચે ટકરાવ ઉભો થાય, તો એમાં તમારા બૌદ્ધિક અભિપ્રાયો નકલી સાબિત થાય, તમારી અંગત જિંદગી નહીં. તમે જે જીવો છો, એ હંમેશાં સાચું જ હોય, પણ તમારા અભિપ્રાય ખોટા હોઈ શકે. સાદી ભાષામાં કહેવું હોય તો, ચાવવાના દાંત અસલી જ હોય, નકલી તો દેખાડવાના હોય. એટલા માટે જ એવો આગ્રહ રાખવામાં આવે છે કે તમે જે લખો-બોલો છો, એવું જીવો છો ખરા?
શ્રેષ્ઠ સંબંધ એ છે, જ્યાં બંને વ્યક્તિ એકબીજાની સાથે સુખેથી એકલાં રહી શકે. જે લોકો એકલા રહેવા સક્ષમ છે, તે જ બીજી વ્યક્તિના પરાધિન કે આદી થાય વગર તેને પ્રેમ કરવા સક્ષમ હોય છે. "તારા વગર હું મજામાં છું, પણ તારી સાથે આનંદ આવે છે" અને "હું તારા વગર દુઃખી છું, મને તારી જરૂર છે" આ બે વાકયોમાં સંબંધની ગુણવત્તા નક્કી થાય છે. એકમાં તમે સાથે રહીને એકલા હો છો, બીજામાં તમે સાથે રહીને એકાકી હો છો.
Life equations
રચનાત્મકતા+ વિક્રિય= સંપત્તિ
ઈમાનદારી+ સન્માન= સંબંધ
મિત્રતા+ સ્નેહ= પ્રેમ
ઉપવાસ+ કસરત= તંદુરસ્તી
વાંચન+ લેખન= સ્પષ્ટતા
શિસ્ત+ સંઘર્ષ= પ્રતિભા
દ્રષ્ટિ + સાહસ = સફળતા
થિયરી + પ્રેક્ટિસ = નિપુણતા
નિર્લેપતા + વિકાસ = સુખ
પ્રતિભા + પ્રયાસ = કૌશલ્ય
કુશળતા + પ્રયત્ન = સિદ્ધિ
ગરિમા (ડિગ્નિટી) અને સન્માન (રિસ્પેક્ટ)માં ફર્ક છે. ગરિમા એટલે ઉદાત્તતા, અને જેની પ્રતિષ્ઠા થતી હોય, તેની અંદરનો એ ગુણ છે. સન્માન દ્રષ્ટિકોણ છે, અને જે પ્રતિષ્ઠા કરે છે, તેની અંદરનો એ ગુણ છે. જે લોકો "મારું સન્માન સચવાતું નથી" કહીને નારાજ થતા રહે છે, તેમને ખબર નથી કે સન્માન તમારા નિયંત્રણમાં ના હોય, તેને મેળવવું પડે, તે બીજા પાસે હોય. તમારી પાસે ગરિમા હોય. તમારે સન્માનીય નહીં, ગરિમાપૂર્ણ રહેવાનું હોય.
એવોર્ડથી પુસ્તકની (કે માણસની) ગુણવત્તા બદલાતી નથી. એવાં સેંકડો પુસ્તકો છે, જેને એવોર્ડ મળ્યા હોય, પણ તમે એને ચાર પાનાંથી આગળ વાંચી ના શકો. એવા ઘણા એવોર્ડ વિજેતા લોકો હોય છે, જેની સાથે ભાઈબંધી તો ઠીક, એક-બે વાક્યોની આપ-લે પણ ના કરી શકો.
આપણા કરતાં મોટી અને આગલી પેઢીની વ્યક્તિ અને આપણાં કરતાં નાની અને પાછલી પેઢીની વ્યક્તિનાં ગુણગાન ગાવાનું પ્રમાણમાં સરળ પડે, કારણ કે એકના જીવન વિષે આપણને અડધી ખબર નથી અને બીજાનું જીવન હજુ શરૂ થયું નથી. એમાં ન જાણવાનો પૂર્વગ્રહ છે. આપણા સમકાલીન લોકો પ્રત્યે આપણમાં પ્રમાણમાં ટીકા-દ્વેષ અને વાંધા-વચકા વધુ હોય છે, કારણ કે આપણને એમના વિષે વધારે ખબર છે. એ જાણવાનો પૂર્વગ્રહ છે.
ગ્લોબલ ડ્રિમ ઇન્ડેક્સનો સર્વે કહે છે કે દુનિયામાં અડધો અડધ સ્ત્રીઓ જાતભાતની બાંધછોડ કરીને કંટાળી જાય છે અને કારકિર્દી છોડી દે છે. ઘણી સ્ત્રીઓને તેમના આજુબાજુના લોકો દ્વારા 'જમીન પર રહેવા અને હવામાં બહુ નહીં ઉડવા'ની સલાહ અપાય છે. મોટાભાગની સ્ત્રીઓ (સામાજિક, આર્થિક, ભાવનાત્મક, શારીરિક) સલામતી ઇચ્છતી હોય છે, એટલે તેના ભોગે કારકિર્દીમાં સફળ થવાનું અને ટોચે જવાનું તેમના માટે અઘરું થઈ જાય છે. સ્ત્રી મુખ્યત્વે ત્રણ કારણોસર કારકિર્દીમાં પાછી પડે છે:
1. પ્રોત્સાહન અને પીઠબળનો અભાવ.
2. પૈસાનો અભાવ અને
3. આત્મવિશ્વાસનો અભાવ.
તમે જો તમારી દીકરીની કારકિર્દીનું સ્વપ્ન જોતા હો, તો આ ત્રણ પરિબળો પર અત્યાર જ કામ કરજો.
સ્ત્રીઓ પણ અવરોધો છતાં કારકિર્દી બનાવે છે. અહીં સમાજમાં પ્રવર્તમાન સામાન્ય સ્થિતિની વાત છે, અપવાદોની નહીં. બાકી, ઘણા ઘરમાં તો સ્ત્રી મુક્ત પણ છે અને સફળ પણ, છતાં મેં અહીં સબ્જેક્ટિવ થઈને નથી લખ્યું. ઓબ્જેક્ટિવ વાત કરી છે.
તમે જો પહેલાંના જેવા ના રહ્યા હો, મતલબ કે તમે વધુ સમૃદ્ધ, વધુ સંતુષ્ઠ, વધુ સ્વસ્થ, વધુ સુખી, વધુ શિસ્તબદ્ધ થઈ ગયા હો, તો આળસુ અને બેપરવા લોકો એવી ફરિયાદ કરશે કે તમે બદલાઈ ગયા છો, એટલે તેમને ખરાબ લાગે અને તે તમારાથી દુર થઇ જશે. તે પછી એ લોકો જ તમારા મિત્ર રહેશે, જે દિલચસ્પ છે, સફળ છે અને સુખી છે.
તમે જો ખરેખર હોંશિયાર હો, તો તમને સુખના અભાવની ફરિયાદ ના હોવી જોઈએ, કારણ કે સુખ એક વિકલ્પ છે, અને તે વિકલ્પને પસંદ કરતાં તમને અવડવું જોઈએ, પરંતુ હકીકત એ છે કે હોંશિયારમાં હોંશિયાર લોકોને સુખનો વિકલ્પ પસંદ કરતાં નથી આવડતું. સુખી રહેવું એ ફિટ રહેવા જેવું છે. તમારે નિર્ણય કરવો પડે કે મારે શરીરને ચુસ્ત રાખવું છે. પછી તેના વિકલ્પો સમજવા પડે. જીમમાં જવું છે? બગીચામાં ચાલવા જવું છે? યોગ કરવા છે?સાયકલિંગ કરવું છે? આહારનું શુ થઈ શકે? સુખનું પણ તદ્દન આવું જ છે. પહેલાં તમારે નિર્ણય લેવો પડે કે મારે સુખી રહેવું છે. પછી તેના રસ્તા વિચારવા પડે અને પછી તેને દિનચર્યામાં સામેલ કરવા પડે. સુખ અકસ્માત નથી અને તે બીજું કોઈ ના આપે. એ સંપૂર્ણપણે તમારી જવાબદારી છે.

Link 3: Morning Mushing 1st October 2019 to 31st March 2020
1st April 2020
Morning Musings...કોરોનાવાઇરસના ચેપમાં Herd immunity કામ કરે છે કે નહીં, તે તો ખબર નથી, પરંતુ Herd mentalityમાં ચેપ જરૂર કામ કરે છે. વિચારોની ખાંસી આવે એ ખરાબ નથી, પણ તમે ઝુંડમાં હો, તો મ્હોઢુ કવર કરી લેવું. અમુક વિચારો અચ્છા બેક્ટેરિયા જેવા હોય છે, અમુક વિચારો ખરાબ બેક્ટેરિયા જેવા હોય છે, જે સાધારણ ઉપચારથી મટી જાય છે, પણ અમુક વિચારો કોરોના જેવા હોય છે, જે મહામારીનું રૂપ ધારણ કરી લે છે. તમે જો (દાખલા તરીકે સોસિયલ મીડિયા પર) કોઈ ઝુંડના વિચારોના સંપર્કમાં આવો, તો સેનિટાઈઝરથી ખુદના મગજને સાફ કરી દેવું. બને ત્યાં સુધી તો ઝુંડથી આઈસોલેશનમાં રહેવું. આટલું કરવાથી જ ઘણો ફાયદો થશે.
2nd April 2020
Morning Musings...લોકડાઉનના સમયમાં, જ્યારે તમને લોકોની ભીડમાં ખોવાઈ જવાનો મોકો નથી મળતો, અને તમે સતત જાત સાથે એકલા છો, ત્યારે એ પૂછવા જેવું છે કે તમને તમારા વિષે કોઈ નવો પરિચય થયો? આમ તો આપણે દુનિયા આખીને સલાહ આપતા રહીએ છીએ અને આપણી આજુબાજુના લોકોને તેમના કરતાં બહેતર રીતે જાણવાનો દાવો કરીએ છીએ, પરંતુ આપણી અંદર પણ ત્રુટીઓ, બદમાશીઓ, વિકૃતિઓ, જૂઠ, ગલતફહેમીઓ ઓછી નથી. આપણે આપણી એ હકીકતોને 'મારી પાસે ટાઈમ જ ક્યાં છે!' અથવા 'હું બીજાઓમાંથી નવરો જ ક્યાં પડું છું' જેવી વ્યસ્તતાઓમાં છુપાવી રાખીએ છીએ. આપણે કામમાં અને લોકોમાં ખોવાયેલા જ એટલા માટે રહીએ છીએ, જેથી જાતની અસલિયત સાથે પનારો ના પડે. કશું કર્યા વગર, નિષ્ક્રિય બનીને ખુદના જ વિચારો સાથે જીવવું ઘણું પીડાયાયક છે, અને એટલે આપણે ખુદથી મ્હો છુપાવતા ફરીએ છીએ. આશા છે કે તમને આ એકલતામાં ખુદના ખુબસુરત ભ્રમ જાણવા મળે.
3rd April 2020
Morning Musings...હું કોણ હતો? હું રોજ સવારે જલ્દી-જલ્દી ઉઠતો હતો. રખેને મોડું થઈ જાય! ઉતાવળે નાસ્તો કરીને બસ-ટ્રેન પકડવા દોડતો હતો. રખેને ટ્રાફિકમાં ફસાઈ જવાય! ઓફિસમાં અડધો કલાક પહેલાં પંચિંગ કરતો હતો. કેટલું બધું કામ હતું ને! પછી એ જ રૂટિન હતું; મેઇલના જવાબ, સર્ક્યુલર, ફિલ્ડ વિઝીટ, મિટિંગ્સ, કોફી બ્રેકમાં ગોસિપ, બોસના ઈગોની આળપંપાળ.
સાંજે બે કલાક મોડો ઘરે પાછો આવતો હતો, એક એવા સંતોષ સાથે કે મારા જેવું કામ કોઈ કરી શકે તેમ નથી અથવા મારા વગર ઓફીસ ચાલે તેમ નથી. "હું કોણ છું'ની ઇડેન્ટિટી મારા કામથી નક્કી થતી હતી. દુનિયાને એ કામની જરૂર હતી, અને મારા સિવાય એ કામ કોઈ કરી શકે તેમ ન હતું, એટલે હું દુનિયા માટે અનિવાર્ય હતો.
એ મિથ તૂટી ગઈ. હું ઘરે આઈસોલેનમાં છું. સવારે જલ્દી ઉઠવાનું કારણ રહ્યું નથી. ટ્રાફિકમાં ફસાઈ જવાની ચિંતા રહી નથી. એ કામ રહ્યું નથી. હું નિવાર્ય છું. દુનિયા મારા વગર પણ એમ જ ચાલે છે.
હું કોણ છું? તમને ખબર છે?
4th April 2020
Morning Musings...માનવ ઇતિહાસમાં જ્યારે જ્યારે તાબાહીઓ આવી છે, ત્યારે ત્યારે તેમાંથી જબરદસ્ત ક્રાંતિઓ આવી છે. પ્રથમ મહાયુદ્ધ પછી માનવજાતની કૃષિ સમાજમાંથી ઔધોગિક સમાજ તરફની ગતિ તેજ થઈ ગઈ હતી. બીજા મહાયુદ્ધ પછી કન્ઝ્યુમર સમાજનો જન્મ થયો હતો. કોરોના વાઈરસની મહામારી દુનિયાને ડિજિટલ ઈકોનોમી તરફ ધક્કો મારશે. દેશો લોકડાઉનની સ્થિતિમાં છે, અને મોટાભાગની આર્થિક ગતિવિધિઓ ઓનલાઈન થઈ રહી છે. ટેકનોલોજીના ઉપયોગમાં સૌથી પછાત, ભારતની સુપ્રીમ કોર્ટ, વીડિયો કોન્ફરન્સ મારફતે કામ ચલાવે છે. સ્વાસ્થ્ય સેવકો અત્યારે જોખમ વહોરી રહ્યા છે, તેમણે ઈન્ટરનેટ મારફતે સેવા શરૂ કરવી પડશે. ઇતિહાસમાં પહેલીવાર સમાચારપત્રોનું ડિસ્ટ્રીબ્યુશન બંધ છે, અને ઓનલાઈન જ ઉપલબ્ધ છે. બેંકો મોબાઈલ ફોનમાં જ આવી ગઈ છે. મનોરંજન તો ઓનલાઈન જ થઈ ગયું છે, અને સિનેમા થિયેટરમાં જવાનું જરૂરી રહ્યું નથી. કોવિડ-19ના કારણે, આવતા બે વર્ષમાં, આ અને બીજી અનેક ગતિવિધિઓના ડિજિટાઈઝેશનમાં તેજ ગતિ આવશે.
5th April 2020
Morning Musings...શાંતિના સમયમાં આપણે યુદ્ધની તૈયારી કરીએ છીએ, અને યુદ્ધના સમયમાં માનવતાની વાતો કરીએ છે. કોરોનાવાઇરસની મહામારીમાં પ્રેમ, કરુણા અને એકતાની જે વાતો થાય છે, તે જો ખરેખર સ્થાયી ભાવના હોત, તો દુનિયામાં આટલી સમસ્યાઓ જ ના હોત. ન્યૂરોલોજિકલી, આપણે શાંતિથી, સુખેથી રહેવા બન્યા જ નથી. આપણે બેઝિકલી કંટાળી જનારી પ્રજાતિ છીએ, એટલે ખાઈ-પીને પડી રહેવાને બદલે આસપાસ સતત ઘોંચપરોણા કરતા રહીએ છીએ. આપણે આ પ્રુથ્વી પર જેટલી સુવિધા ઉભી કરી છે, તેના કરતાં ય વધુ મુસીબતો ઉભી કરી છે. આપણને પ્રેમ અને કરુણા ત્યારે જ યાદ આવે છે, જ્યારે સામૂહિક નિકંદન નીકળવાનું હોય. બાકીના સમયમાં આપણે આપણી જ કબર ખોદતા રહીએ છીએ.
6th April 2020
Morning Mushing:માઈક્રોસોફ્ટના અબજોપતિ સ્થાપક બિલ ગેટ્સ કોરોના વાઇરસની સંભવિત 7 રસી માટે અમુક અબજ ડોલર્સના ખર્ચે ફેસિલિટી સ્થાપી રહ્યા છે. ધ વોશિંગ્ટન પોસ્ટમાં પ્રકાશિત એક લેખમાં તેમણે કહ્યું હતું કે "અમારા ફાઉન્ડેશનને ચેપી રોગોમાં જાણકારી છે, એટલે અમે કોરોના પાછળ અમુક અબજ ડોલર રોકી રહ્યા છીએ. છેલ્લે તો અમે ઉત્પાદન માટે 7માંથી બેની જ પસંદગી કરીશું અને બાકી પાંચનો ખર્ચો માથે પડશે, પણ અમે એક પછી એક અખતરા કરવામાં સમય બગાડવા માંગતા નથી. દુનિયામાં અત્યારે ટ્રિલિયન્સ અને ટ્રિલિયન્સ ડૂબી રહ્યા છે, ત્યારે અમુક અબજ બગડે તો કોઈ વાંધો નહીં."
7th April 2020
Morning Musings...સત્યના ચાર ચહેરા છે: પ્રામાણિકતા, નૈતિકતા, સાહસ અને શુદ્ધતા. આ ચાર માપદંડ પર જે ખરું ઉતરે તે સત્ય કહેવાય. આપણે ઘણીવાર એક જ ગુણને સત્યનું પ્રતીક માની લઈએ છે, પણ સત્ય આ ચારે ગુણ સાથે બારીક તફાવતોથી જોડાયેલું છે. નૈતિકતામાં બીજી વ્યક્તિ સંલગ્ન છે, જ્યારે પ્રામાણિકતામાં માત્ર તમે જ છો. હું મને જે સત્ય કહું, તે પ્રામાણિકતા કહેવાય, પણ જેવું એ સત્ય હું બીજાને કહું, તો તે નૈતિકતા બની જાય. એવી જ રીતે, હું કોઈ ડર કે લાલચ વગર એ સત્ય કહું, તો તે સાહસ કહેવાય અને એ સચ્ચાઈમાં કોઈ જ ઘાલમેલ ના હોય, તો તે શુદ્ધતા કહેવાય.
8th April 2020
Morning Musings...પ્રકૃતિને પ્રેમ કરવાનો મતલબ ખાલી પંખીઓના ફોટા મુકવા, ફૂલોની કવિતા લખવી કે પર્વતો ચઢવા એટલું જ નહીં. પ્રકૃતિનો પ્રેમ એટલે પ્રાકૃતિક રીતે વિચારવું, અનુભવવું અને જીવવું તે. નદીના કિનારે બેસવાથી પારદર્શક અને પ્રવાહી નથી બની જવાતું. ઝાડને અડવાથી ગુણકારી અને ઊપયોગી નથી થઈ જવાતું. પ્રકૃતિ તમારી અંદર જીવવી જોઈએ, તમે પ્રકૃતિમાં નહીં.
9th April 2020
Morning Musings...કોરોના વાઇરસના વિષયને કેન્દ્રમાં રાખીને નવલકથા લખવાની આવે, તો તમે તેની શરૂઆત કેવી રીતે કરશો?
(હું તેનો પ્રારંભ, ચાર્લ્સ ડિકન્સની અ ટેલ ઓફ ટુ સિટીઝની નકલ કરીને કરું: "એ સૌથી બહેતર સમય હતો. એ સૌથી ખરાબ સમય હતો, એ પ્રકાશની મોસમ હતી, એ અંધકારની મોસમ હતી, એ આશાની વસંત હતી, એ નિરાશાની ઠંડી હતી. આપણી પાસે બધું જ હતું, આપણી પાસે કશું જ ન હતું, આપણે સીધા જ સ્વર્ગમાં જવાના હતા, આપણે કોઈક બીજી જ દિશાએ ચઢી ગયા હતા." )
તમારું પહેલું વાક્ય શું હશે?
10th April 2020
Morning Mushing:અમેરિકા- બ્રિટન -બ્રાઝિલ કે ભારત કોઈ પણ દેશ હોય... પણ આ કોરોનાએ લગભગ દરેક તબક્કે - દરેક લેવલ પર સારાં-નરસાંનો ખેલ ઉઘાડો પાડી દીધો...
તમારી આસપાસ - ઘર - કુંટુંબ - મહોલ્લો - કબિલો - નજર માંડશો તો તરત જ સમજાઈ જશે કે કોણ આપણું અને કોણ પરાયું!! જેને માટે વર્ષોથી પૂર્વગ્રહ બાંધી રાખ્યો હતો એમણે સામેથી આવીને વગર માંગ્યે / વગર પૂછ્યે મદદ કરી નાંખી અને વળતરની અપેક્ષા પણ નહી!! તો જેના પર ભરોસો રાખીને બેઠાં હતાં એમણે તો બે દિવસ પછી ફોન લેવાનું પણ બંધ કર્યું અને પછી તો આપણે કરવાનું ય બંધ જ કરી દીધું..!!
સમાજમાં -- unexpected activities from expected culprits - હવે આને માટે બીજી કોઈ સ્પષ્ટતાની જરૂર નથી. કદાચ જીતાયેલી બાજીને હારમાં ફેરવવા માટે ૧૪મી સદીની ગંદી વિચારધારા જવાબદાર બની જેણે નજીકના અને દૂરના ભૂતકાળમાં પણ આવી જ ગંદી અને હલકી માનસિકતાને કારણે આ પ્રદેશને એના સમાજને બહુ જ વધારે પડતું નુકશાન પહોંચાડેલું છે. પણ, એ અપેક્ષિત પણ હતું જ ને!!
તો એ જ તર્જ પર આંતરરાષ્ટ્રીય - વૈશ્વિક સંબંધોમાં પણ સારું કોણ, લૂચ્ચું કોણ, ખરાબ કોણ, હોંશિયાર કોણ, દયાળુ કોણ, ભોળું કોણ ખંધુ કોણ એનો ભેદ દેખાડી આપ્યો.
એક વાત સૌથી વધારે સ્પષ્ટ થઈ ગઈ - LED લાઈટની રોશની જેવી.. એ પણ ફરી એકવખત. તે એ કે UN - યુનાઈટેડ નેશન્સ (સંયુક્ત રાષ્ટ્ર) અને તેની સંસ્થાઓ જેમકે WHO - વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઈઝેશન (વિશ્વ આરોગ્ય સંસ્થાન) તદ્દન નબળી જ નહીં પણ નિર્વિર્ય અને ઉદ્દેશથી વિરૂદ્ધ કામ કરનાર સાબિત થઈ. તેને એક ઝાટકે તોડી પાડવાની આટલી બધી જરૂરિયાત આ પહેલાં ક્યારેય નહોતી દેખાઈ..!!
11th April 2020
Morning Musings...સ્પષ્ટ રીતે વિચારવાની અવસ્થાના 7 સંકેત:
1. લાગણીસભર સ્થિતિમાં અનાસક્ત ભાવ હોય
2. મગજમાં બોલ-બોલ ના કરતા હોઈએ.
3. સંપૂર્ણપણે સજાગ વ્યવહાર. ઓટોમેટિક કશું જ ના થાય.
4. વાંચવું અને લખવું, એ ટીવી જોવા જેટલું સરળ રૂટિન હોય
5. વાતો, વિચારો અને કામમાં ક્રિએટિવિટી હોય
6. કોઈ નવી શરૂઆત કરવાનો ડર ના હોય
7. એકલતા અને મૌનનું મહત્વ ખબર હોય
12th April 2020
Morning Musings...ગમે તેટલી બુદ્ધિશાળી વ્યક્તિ પણ એક સીધી રેખામાં વિચાર કરવાની વૃત્તિનો ભોગ બનતી હોય છે. મગજની આ (સારી કે ખરાબ) ખાસિયત છે કે, જેમ ખેતરમાં ચાસ પડે તેમ, વિચારોના જે ચાસ પડ્યા હોય, તેની પર જ મગજ ચાલે. એમાં વચ્ચે કોઈ જંકશન ના આવે, કોઈ સર્વિસ રોડ ના આવે, કોઈ વળાંક ના આવે, કોઈ શોર્ટ કટ ના આવે. આપણે જેને 'પીન ચોંટી ગઈ' કહીએ છીએ, તેવી રીતે બહુ બધી બુદ્ધિવાળી અને સમજણવાળી વ્યક્તિ પણ એણે બનાવેલી વિચારોની ટનેલમાંથી જ બધુ જુવે, અને તેને જ અંતિમ સચ્ચાઈ માની લે. આમાંથી બચવાનો ઉપાય ડહાપણ અથવા વિવેકબુદ્ધિ છે. બુદ્ધિ સીમિત કરે. વિવેકબુદ્ધિ વિહંગાવલોકન આપે. બુદ્ધિ ચાસ પાડે. વિવેકબુદ્ધિ આકાશ આપે.
13th April 2020
Morning Musings...વાત હોઠ પર આવી જાય તો પ્રેમ
વાત જીસ્મમાં ઉતરી જાય તો ઇશ્ક
પ્રેમ સતહી છે. ઇશ્ક હાડકાં સુધી જાય છે. ઇશ્ક માટે અંગ્રેજીમાં નજીકનો શબ્દ ઇન્ટિમસી છે, જ્યારે પ્રેમ માટે લવ છે. મેડિકલ ભાષામાં Intimate લેટિન Intima પરથી આવે છે; અંદરનો ઊંડો ભાગ. રક્ત-વાહિકાની અંદર જે આવરણ હોય, તેને Intima કહે છે. જે પ્રેમ શરીરની નસોમાં જાય, તેને ઇન્ટિમસી કહેવાય. ઇન્ટિમેટ થવું એટલે અંદરની બાજુને ખોલવી તે, મનને ખોલવું તે. મનને ખોલવું એટલે 'હું'ને ખોલવો તે. એ શરીરને ખોલવા જેટલું સરળ નથી. એટલે મોટાભાગનાં પ્રેમ-સંબધોમાં બે મન અલગ જ રહે છે. પ્રેમમાં 'હું' હોય છે. ઇન્ટિમસીમાં 'હું' અને 'તું'નું વિભાજન સમાપ્ત થઈ જાય છે. ઇન્ટિમસી શરીરની મર્યાદાથી પણ આગળ જાય છે. તે તમને સમર્પણ અને સચ્ચાઈની વાસ્તવિકતા માં લઇ જાય છે.
14th April 2020
Morning Musings...નિલેશ મિશ્રા: આટલા મોટા શહેરમાં માત્ર કેમેરાના થઈને રહી જવાનું, માત્ર પ્રેસ કોન્ફરન્સના થઇને રહી જવાનું, મિટિંગોમાં ચહેરો પહેરીને રહી જવાનું બહુ આસાન છે... તમે ખુદને કેવી રીતે બચાવી શક્યા?
મનોજ વાજપેઈ: બહુ અઘરું હતું, પણ અમે બહુ લિમિટેડ જરૂરિયાતો સાથે જીવીએ છીએ, એટલે સૌથી પહેલાં મેં અને મારી પત્નીએ નિર્ણય લીધો કે અમે અમારી જરૂરિયાતોને વધવા નહીં દઇએ, જેથી અમે અમને બચાવી શકીએ. એ નિર્ણય બહુ જરૂરી હતો. અમે અમારી જરૂરિયાતો પુરી કરવા કામ નહીં કરીએ, અમે ઈન્સ્ટોલમેન્ટ ભરવા કામ નહીં કરીએ. મન થાય તો અમે સ્વિત્ઝર્લેન્ડ પણ જઈએ છીએ, પણ સ્વિત્ઝર્લેન્ડ જવા માટે હું કામ નથી કરતો. અમે અમારી ખુશી માટે, અમારા સુખ માટે અને આરામ માટે કામ કરીશું. બીજું એ કે શૂટિંગમાંથી આવતી વખતે પત્નીનો ફોન આવી જાય કે એક કિલો ટામેટાં લેતા આવજો, તો હું ઉતરીને ટામેટાં ય લઈ લઉં. મારી સબ્જીવાળીને ખબર છે કે હું ખેડૂતનો દીકરો છું. મને ખબર પડે કે કઈ સબ્જી તાજી છે, કઈ વાસી છે, કઈ કોલ્ડ સ્ટોરેજની છે. મને આ બધાનો આનંદ આવે છે. કદાચ એ કારણથી જ હું પાર્ટીઓમાં નથી જતો, બહોત પ્રિટેન્ડ (નાટક) કરના પડતા હૈ. મને શરુઆતથી જ આની ખબર પડી ગઇ હતી.
15th April 2020
Morning Musings...'બધાએ મને પ્રેમ કરવો જ જોઈએ અને સૌએ મને પસંદ કરવો/કરવી જોઈએ' એવા આગ્રહ સાથે જીવતી વ્યક્તિ જીવનમાં કશું સાર્થક કામ ના કરી શકે, પ્રેમ પણ નહીં. જેનામાં માત્ર લેવાની જ ભાવના હોય, તેને સતત એવો વિચાર આવે કે, પ્રેમ કન્ડિશનલ છે અને હું આમ કરીશ તો એ મને મળશે, અને તેમ કરીશ તો નહીં મળે. આપણે બાળપણમાં જ આ ટ્રિક શીખી જઈએ છીએ. બહુ મ્હોઢે ચઢાવેલા લોકો એટલા માટે જ સંબંધોમાં નકલી વ્યવહાર કરતા હોય છે, ખીજમાં જીવતા હોય છે.
જાતને આ પાંચ સવાલ પૂછો:
1. હું જેન્યૂઇન છું? હું અંદર જે છું, તે જ બહાર છું? કે મારી ઇમેજ બહુ સાચવી સાચવીને પ્રોજેકટ કરું છું?
2. લોકો મને સ્વીકારે એ માટે હું અમુક વર્તન કરું છું?
3. કચકચ ટાળવા હું સતત સહમતી વ્યકત કરું છું? હું વયસ્ક લોકોની કંપનીમાં બેચેન થાઉં છું?
4. મારા રિએક્શન સહજ હોય છે, કે વિચારપૂર્વકના, ગોઠવેલાં હોય છે?
5. લોકો મને પંપાળે તો જ સારું લાગે છે, કે હું પણ બીજાના પેંગડામાં પગ ઘાલીને મહેસુસ કરવા કેપેબલ છું?
16th April 2020
Morning Musings...પરંપરા એટલે શું? પરંપરા એટલે હું એ જ કરું છું, જે મારા પિતા કરતા હતા, કારણ કે મારા પિતા સાચા હતા, અને તે એ જ કરતા હતા, જે મારા દાદા-દાદી કરતાં હતાં, કારણ કે મારા દાદા-દાદી સાચા હતાં. પરંપરા એટલે એક નિશ્ચિત સમૂહમાં રહેતા લોકોનો સામુદાયિક વિચાર. આપણે આપણા કબીલા અને પરિવારમાં એકઠી થયેલી સમજણને આગળ ધપાવીએ, તે પરંપરા. તમે જે લોકો સાથે રહો છો, તમે જે પુસ્તકો વાંચો છો, તમે જે શિક્ષણ મેળવી છો, તમે જે સંસ્થાઓ અને સંગઠનોમાં જોડાવ છો, તમે જે શબ્દો બોલો છો-લખો છો, તમે જે પ્રવચનો સાંભળો છો, તે પરંપરા છે. હું એક પરંપરાથી વિશેષ કશું નથી. હું જ પરંપરા છું. મારુ ભવિષ્ય મારા ભૂતકાળનો જ વિસ્તાર હશે, કારણ કે મારામાં કશું જ મૌલિક નથી. મારામાં માત્ર ભૂતકાળ જ જીવે છે.
17th April 2020
Morning Musings...બોરિંગ હોવું અને બોરડમ હોવું, તે બંનેમાં ફરક છે.
જે લોકો બોરિંગ છે, તે જ સૌથી વધુ તેમના બોરડમની ફરિયાદ કરે અને તેના માટે દુનિયાને દોષ દે. જે દિલચસ્પ હોય, તે તેમના બોરડમને દિલચસ્પ બનાવે. પ્રત્યેક વ્યક્તિ સમય-સમય પર બોરડમનો ભોગ બનતી હોય છે, પણ તેનો ઉપાય જિજ્ઞાસા, રચનાત્મકતા અને કલ્પનાશક્તિથી સતત કશું નવું કરતા રહેવાનો છે. જે ખુદ બોરિંગ છે, તે તેમના વિચાર-વ્યવહારના સિંગલ ટ્રેકમાં ફસાયેલા હોય છે, અને એકનું એક રિપીટેશન કરીને દર વખતે દિલચસ્પ પરિણામોની અપેક્ષા રાખે છે. આઈન્સ્ટાઈને કહ્યું હતું કે
The definition of insanity is doing the same thing over and over again, but expecting different results.
બોરિંગ લોકો આ કેટેગરીમાં આવે.
18th April 2020
Morning Musings...દેડકાઓનું એક ટોળું જંગલમાંથી પસાર થતું હતું. વચ્ચે ઊંડો ખાડો આવ્યો અને એમાં બે દેડકા પડી ગયા. બચેલા દેડકા ટોળે વળીને ખાડાની ઊંડાઈ જોવા લાગ્યા. નીચે બે દેડકાએ કુદકા ભરવાના શરુ કર્યા. ઉપરથી ટોળાએ કહ્યું, "ખાલી શ્વાસ ના ફુલાવો, બહાર નહીં અવાય, પડીને મરી જવાશે." એક દેડકાએ વાત માનીને કુદકા બંધ કર્યા. એ દીવાલ પરથી પડ્યો અને મરી ગયો. બીજા દેડકાએ બહાર આવવા જોરશોરથી કુદકા ચાલુ રાખ્યા. એ સફળ થયો અને ચડેલા શ્વાસે બહાર આવી ગયો. દેડકાના ટોળાએ એને ખખડાવ્યો, "ના પાડી હતી તો'ય જાનનું જોખમ કેમ લીધું?" પેલાએ કહ્યું, "પણ હું તો બહેરો છું. મને લાંબેથી સંભળાતું નથી. મને એમ કે તમે બધા મારું સાહસ વધારી રહ્યા છો."
19th April 2020
Morning Musings...આવેગ (passion) એટલે જેમાં અડધો લગાવ (પ્રેમ) હોય અને અને અડધી લગન (obsession) હોય. તમને જે કરવાનો આનંદ આવતો હોય, તેને લગાવ કહેવાય, અને તેને રોજ કરવાની ટેવ પડી હોય, તો તેને લગન કહેવાય. આ બે બાબતો જયાં ભેગી થાય, ત્યાં તમારો આવેગ આવે. ઘણા બધા લોકોને ઘણી બધી બાબતોનો લગાવ હોય છે, પણ તે લગાવ આચરણમાં નથી હોતો. તમને રસ હોય, પણ એના માટે કશું કરો નહીં, તો તે ખાલી વાત બનીને રહી જાય. આવેગ હંમેશા આચરણમાં હોય.
20th April 2020
Morning Mushing:એનું નામ એમ. ચંદ્રકુમાર છે.
લોકો તેને 'ઓટો ચંદ્રન' તરીકે ઓળખે છે. તે લેખક છે, અને કોઈમ્બતુરમાં ઓટો રીક્ષા ચલાવે છે. તેણે સાત નવલકથાઓ લખી છે. તેની 'લોક-અપ' નામની નવલકથા પરથી તમિલમાં 'વિસારનાઇ' ફિલ્મ બની હતી, જેને ઓસ્કાર માટે ભારત તરફથી નોમિનેટ કરવામાં આવી હતી.
16મી એપ્રિલે 58 વર્ષના એમ. ચંદ્રકુમારે સાબિત કર્યું કે તે રિયલ લાઈફ હીરો કેમ છે. શુક્રવારે, લોકડાઉનમાં ઓડિશાની એક સગર્ભા મહિલા કોઈમ્બતુરમાં એક પાર્ટીના કાર્યાલય બહાર અસહ્ય પીડામાં ફસડાઈ પડી. આજુબાજુના લોકો ભેગા થઈ ગયા, પણ કોરોના વાઇરસના ખોફના કારણે કોઈને તેને હોસ્પિટલમાં લઇ જવાની હિંમત ના કરી.
તેમાંથી એક પાર્ટી કાર્યકરે ચંદ્રકુમારને ફોન કર્યો. ચંદ્રકુમાર ત્યારે જરૂરતમંદ લોકોને જીવન જરૂરી ચીજો પહોંચાડવામાં વ્યસ્ત હતો, એટલે તેણે પહેલાં તેની દીકરી જીવાને ફોન કરીને મહિલા પાસે દોડવા કહ્યું, અને પછી ખુદ ત્યાં પહોંચ્યો.
જીવા ત્યાં પહોંચી ત્યારે તેનો પિતા અમુક સ્ત્રીઓની મદદથી એક મંદિર પાસે ઝાડ નીચે સગર્ભા સ્ત્રીને મદદ કરતો હતો. સ્ત્રીએ ત્યાં સુધીમાં ખાસુ લોહી ગુમાવી દીધું હતું અને તે તે પીડામાં આક્રંદ કરતી હતી. લોકોએ એમ્બ્યુલન્સ બોલાવી હતી, પણ કોઈ કારણસર તે પહોંચી ન હતી, એટલે ચંદ્રકુમારે જાતે જ મહિલાને સહાય કરવાનું નક્કી કર્યું. શરૂમાં, બીજી સ્ત્રીઓએ તેને રોક્યો, પણ તેણે ખાતરી આપી કે તેને ડિલિવરીની જાણકારી છે.
મિનિટોમાં સ્ત્રીએ બેબી બોયને જન્મ આપ્યો અને ચંદ્રકુમારે તેને પગેથી પકડીને પીઠ થપથાપાવી, જેથી તે શ્વાસ લેવાનું ચાલુ કરે. દરમિયાનમાં, એમ્બ્યુલન્સ પણ આવી ગઈ હતી અને દીકરી જીવાએ ડોક્ટરોને પરિસ્થિતિની જાણકારી આપી. પાછળથી, જીવાએ તેની ફેસબૂક પોસ્ટમાં લખ્યું હતું, "બાળપણથી પિતાએ મને લેસન આપ્યું છે અને નવા અનુભવોની તકો આપી છે, પણ આ તો સાવ જ અનોખો અનુભવ હતો."
ચંદ્રકુમારે કહ્યું હતું, "મેં મારા જીવનમાં ઘણી પ્રસુતિ જોઈ છે. મેં ઓટો રીક્ષામાં એક ડિલિવરી કરાવી હતી, અને તે અનુભવ પરથી 2013માં મેં એક વાર્તા પણ લખી હતી. મને ઓડિશાની મહિલાને જોઈને જ ખબર પડી ગઈ હતી તે ડિલિવરી કરવાની છે. એ નોર્મલ ડિલિવરી હતી. મારે કશું કરવું પડ્યું ન હતું." 26 વર્ષની તે મહિલા અને તેનો પતિ ઓડિશાથી કામ માટે કોઈમ્બતુર આવ્યા હતા, અને મહિલા સ્કૂલમાં કામ કરે છે. મા-દીકરો અત્યારે કોઈમ્બતુર મેડિકલ કોલેજમાં સારવાર લે છે.
એમ. ચંદ્રકુમાર બચપણમાં ઝઘડો થતાં ઘરેથી નાસી ગયો હતો અને અનેક શહેરોમાં ફરીને મોટો થયો હતો. એમાં એકવાર ચોરની ગેંગનો સભ્ય હોવાની શંકા પરથી પોલીસ તેને ઉઠાવી ગઈ હતી અને 13 દિવસ સુધી તે 'નર્ક'માં રહ્યો હતી. 'લોક-અપ' નવલકથા આ અનુભવ આધારિત હતી.
(તસ્વીરમાં, પેન્ટ-શર્ટમાં, એમ. ચંદ્રકુમારે બેબીને પકડ્યું છે.)
21st April 2020
Morning Musings...મહર્ષ ઉપાધ્યાય નામના એક ટ્વિટર વાચકે પ્લેટોનું વિધાન (નીચે) ટેગ કરીને કહ્યું છે કે તેના પર ઉદાહરણ પૂરું પાડો! બુદ્ધે કહ્યું હતું કે, 'તમે જેનો વિચાર કરો, તમે એવા બનો.' ઈસુએ કહ્યું હતું કે, 'તમે જે માનો, એવું તમે કરો.' શંકરાચાર્યએ કહ્યું હતું, 'માણસનું મન દ્રઢપણે જેના પર એકાગ્રતાથી વિચાર કરે, તેવો તે બને.' વિચારોમાં એટલી તાકાત હોય છે કે તે ખુદની આગવી રિયાલિટી સર્જે છે. સિનેમા થિયેટરમાં 100 દર્શકો એક ગીત જોતા હોય, તો તે પ્રત્યેકનો અનુભવ જુદો-જુદો હશે. પતિ-પત્નીમાં ડિવોર્સ થાય, ત્યારે બંને એવી કહાની આપે, જે પરસ્પર વિરોધી હોય. રિયાલિટી એ નથી, જે બહાર છે. રિયાલિટી એ છે, જેને આપણે સમજીએ છીએ. માછલીની રિયાલિટી માછલી જેવી હોય. માણસ એ જ રિયાલિટીને માણસ તરીકે જુવે. લીલો રંગ કોઈ વસ્તુનો કે પ્રકાશના કિરણમાં નથી હોતો. આપણુ મગજ તે પ્રકાશને લીલા રંગ તરીકે 'અનુવાદ' કરે છે. અવાજનું ય એવું છે. લતા મંગેશકરનો અવાજ દિવ્ય લાગે, પણ એટલુ જ સરસ ગાતી જર્મન ઓપેરાની છોકરીને સાંભળો, તો રાગડા તાણતી લાગે. કોરોના વાઇરસમાં અમુક દર્દીઓને સૂંઘવાની શક્તિ જતી રહે છે. એમના માટે પરફ્યુમની રિયાલિટી અલગ છે. ટૂંકમાં, રિયાલિટી અનુભવમાં નથી. રિયાલિટી એ અનુભવના 'અનુવાદ'માં છે.
22nd April 2020
Morning Musings...મમ્મી રસોડામાં વાસણ સાફ કરતી હતી, અને એની પાંચ વર્ષની દીકરી ત્યાં બેસીને ભણતી હતી. અચાનક દીકરીએ મમ્મીના માથામાં થોડાક સફેદ વાળ જોયા. એ બોલી, "મમ્મી, આટલા સરસ વાળમાં આ સફેદ કેમ થઈ ગયા?"
મમ્મીને ભાષણ આપવાનો મોકો મળ્યો, "બેટા, એ તો તું મમ્મીને જ્યારે પણ રડાવે, ત્યારે એક વાળ સફેદ થઈ જાય."
છોકરી થોડીવાર ચૂપ રહી, પછી બોલી, "અચ્છા, નાનીના બધા વાળ સફેદ કેમ છે, એ હવે ખબર પડી."
23rd April 2020
Morning Musings...કોઈને પણ ઓળખવાનો એક રસ્તો એ જાણવામાં છે કે તે કેવાં પુસ્તકો વાંચે છે. અથવા એમ કહી શકાય કે ઈન્ટરનેટ ઉપર શું કરેછે.. મોટાભાગના લોકો તેમની માનસિકતા, માન્યતા, ટેવ અને પસંદગીને અનુકુળ હોય, એવું જ વાંચતા જોતા હોય છે. આપણે આપણા મગજમાં જે ઇન્ફોર્મેશનને નાખીએ છીએ, તે પ્રમાણે આપણા વિચારો ઘડાય છે, અને તે વિચારોના આધારે આપણા વ્યવહાર, આપણા નિર્ણયો, આપણું કામકાજ, આપણા સંબંધો પ્રભાવિત થાય છે. મોટાભાગના લોકો આખી જિંદગી એકસરખું વાંચતા હોય છે, કારણ કે તેઓ તેમના વિચારોના કન્ફર્ટમાંથી બહાર નથી આવવા માંગતા. એટલા માટે કોઈ વ્યક્તિને વધુ પાક્કી રીતે ઓળખવી હોય, તો એ જાણી લેવું કે તે એકનું એક શુ વાંચે છે. વૈવિધ્યસભર વાંચન એ માણસની સમૃદ્ધિનો સંકેત છે. વિચારોથી ગરીબ માણસો એકનું એક ફરીથી વાંચે.
24th April 2020
Morning Musings...
500 વર્ષ પહેલાં વિજ્ઞાનની શરૂઆત થઈ, તેની સાથે આપણી માણસમાંથી મશીન બનવાની પણ શરૂઆત થઈ. આજે આપણે ચશ્માં કે કોન્ટેકટ લેન્સ પહેરીએ છીએ, કાનમાં સાંભળવાનુ ડિવાઇસ ફિટ કરીએ છે, હૃદયમાં પેસમેકર મૂકીએ છે, જોઇન્ટ્સમાં સળિયા લગાવીએ છીએ, સેક્સ લાંબો ચાલે તે માટે વાયેગ્રા લઇએ છીએ, નવું જીવન રોકવા માટે કોન્ડોમ વાપરીએ છીએ, રોજ ડાયાબિટીસની ગોળીઓ ગળીયે છીએ. કેલ્ક્યુલેટર વાપરીએ છીએ, સ્માર્ટફોનમાં આપણું દિમાગ સેવ કરીએ છીએ, સેલ્ફી પાડીને ફોટાનું ફોટોશોપ કરીએ છીએ. જે કુદરતી રીતે ન હતું, તેને કુત્રિમ રીતે સર્જીને આપણે અંતત: અડધા મશીન તો બની જ ગયા છે. હું જ્યારે તમારી સાથે સંપર્ક કરું છું, ત્યારે એક અલગોરિધમ બીજા અલગોરિધમ સાથે સંપર્ક નથી કરતું?
25th April 2020
Morning Musings...સાંભળવામાં અને શ્રવણ કરવામાં ફર્ક છે. અંગ્રેજીમાં, hearing એટલે સાંભળવું અને listening એટલે શ્રવણ કરવું. તમે ક્રિકેટ મેચ જોતા હો, અને પત્ની રસોડામાંથી બોલે કે ‘ડાર્લિંગ, કચરાને નીચે નાખી આવ,’ અને તમે ‘હ્મ્મ્મ’ કરો, તો તે સાંભળ્યું કહેવાય, પણ અડધા કલાકમાં પત્ની ચિલ્લાઈને કહે કે ‘તને સંભળાતું નથી?’ અને ‘હા, જાવ છું’ કહીને તમે ફટાફટ ઉભા થઇ જાવ, તો તેને શ્રવણ કર્યું કહેવાય. પતિ-પત્ની વચ્ચે કોમ્યુનિકેશન ગેપની જે સમસ્યા પેદા થાય છે, તેમાં મૂળભૂત રીતે સંભળાય છે બધું, પણ શ્રવણ ગાયબ થઇ ગયું હોય છે. સાંભળવું એ શારીરિક ક્રિયા છે, શ્રવણ કરવું એ માનસિક પ્રક્રિયા છે. (તા.ક. આ જ્ઞાન લોકડાઉન માં મળ્યું છે 🤓)
26th April 2020
Morning Musings...સંબંધ બે પ્રકારના હોય; પઝલ જેવા અને ચુંબક જેવા. પઝલ જેવા સંબંધમાં એકબીજાને પૂર્ણ કરવાના હોય, ખાલી જગ્યાઓ ભરવાની હોય, એકબીજાની અધુરપોને પુરી કરવાની હોય. ચુંબક જેવા સંબંધોમાં એકબીજામાં જે શ્રેષ્ઠ છે, તેમાં પૂરક બનવાનું હોય. સામાન્ય રીતે આપણે એવું માનીએ છીએ કે જ્યાં સુધી આપણને કોઈ યોગ્ય સાથી ના મળે, ત્યાં સુધી આપણે અધૂરા છીએ. ફર્નિચર જેવા સંબંધો હોય, તેમાં આ સાચું હશે, જેમાં અલગ-અલગ હિસ્સાઓ જોડીને એક સુંદર ફર્નિચર બને છે, પરંતુ એ સંબંધ શ્રેષ્ઠ ત્યારે બને, જયારે બંને સોલો સંગીત વગાડે, અને છતાં એક સૂરિલું ઓર્કેસ્ટ્રા બને. તેમાં બંને એકબીજા વગર પણ સંપૂર્ણ જ હોય, પરંતુ એકબીજા સાથે હોય તો એ સંપૂર્ણતામાં ઔર નિખાર આવે. પુર્ણતા આપવા કરતાં પૂરક બનવું એ શ્રેષ્ઠ છે.
27th April 2020
Morning Musings...મમ્મી તેના બે દીકરા, 6 વર્ષના ચિંટુ અને 3 વર્ષના પિંટુ, માટે ચોકલેટ બનાવતી હતી. પહેલી ચોકલેટ કોને મળે, તે મુદ્દે ભાઈઓ વચ્ચે ઝઘડો થયો. મમ્મીને એમાં બોધ આપવાનું મન થયું, "ભગવાન જો અહીં આવે ને, તો તે એવું કહે કે- મારા ભાઈને ચોકલેટ પહેલાં આપજે, હું પછીથી લઈશ."
ચિંટુ એના નાના ભાઈ તરફ ફરીને બોલ્યો, "તું ભગવાન બની જા!"
28th April 2020
Morning Musings...આટલી બાબતો પુસ્તકોમાં શીખવા ના મળે:
-ફોક્સ કેવી રીતે રાખવું
-ચુસ્ત કેવી રીતે રહેવું
-સાહસ કેવી રીતે લાવવું
-સુખી કેવી રીતે થવું
-આત્મવિશ્વાસ કેવી રીતે કેળવવો
-સાફ વિચાર કેવી રીતે કરવો
-વિવેકબુદ્ધિ કેવી રીતે પેદા કરવી
-પ્રેમ કેવી રીતે કરવો
-માણસાઈ કેવી રીતે જીવવી
-કેવી રીતે વાંચવું
29th April 2020
Morning Musings...આપણે ઇમોશનલ એડિક્શનના શિકાર છીએ. આપણી આખી સંસ્કૃતિ આપણી અંદરનાં વિભિન્ન ઇમોશન્સને નિરંતર ગલીપચી કરવા પર ઉભી છે. આપણને સતત ઇમોશનની કિક જોઈએ છે- ઘડીકમાં આપણે ઉત્તેજનાનું શિખર સર કરી લઈએ, ઘડીકમાં આપણે હતાશાના પાતાળમાં જતા રહીએ, ઘડીકમાં એડ્રેનાલીન (adrenaline)ના ફુવારો છૂટે, તો ઘડીકમાં સેરોટોનિન (serotonin)નો વરસાદ થાય. ટેલિવિઝન, ફિલ્મ, પુસ્તકો, ગપસપ, સંબંધો, એડવેન્ચર ગેઇમ્સ, દારૂ-સિગારેટ, છપ્પન ભોગ, સેક્સ- આપણે જીવનના અર્થ માટે, મોટિવેશન માટે, દિશા માટે, રાહત માટે આ બધાં ઇમોશન પર આધાર રાખીએ છીએ. લાગણીઓ હોવી એ અલગ બાબત છે, અને આપણું મગજ એ લાગણીઓથી ઉત્પન્ન થતાં કેમિકલ્સનું વ્યસની બની જાય તે બીજી.
30th April 2020
Morning Musings...એક્સ્પોનેન્શલ ગ્રોથ (exponential growth) ખબર છે? એકના ડબલ થાય અને ડબલના ચાર ગણા થાય, તેને
એક્સ્પોનેન્શલ ગ્રોથ કહેવાય. દાખલા તરીકે કોરોના વાઇરસ રોજ ડબલ થતો હોય, તો બીજા દિવસે 2, ત્રીજા દિવસે 4 અને પછી 8, 16, 32, 64, 128, 256 થશે. જીવનના બીજાં ક્ષેત્રોમાં પણ એક્સ્પોનેન્શલ ગ્રોથ કામ કરે છે. જીવનમાં મિત્રો હોય, તો મિત્રો બનાવવાનું સરળ રહે. સંબંધ હોય, તો નવા સંબંઘો આસાનીથી બની શકે. એક નોકરી હોય, તો અન્ય નોકરી સરળતાથી મળે. પૈસો હોય, તો વધુ પૈસા બનાવવાનું સરળ રહે. તમારી પાસે જે વસ્તુ હોય, તેનાથી તમારો આત્મવિશ્વાસ મજબૂત થાય અને તમે તેમાં વધુ ઇન્વેસ્ટમેન્ટ કરો. જે વસ્તુ ના હોય, તે કરવાનું સાહસ ઓછું હોય. જુગારમાં લોકો બમણું કેમ હારે છે? કારણ કે હારવાથી આત્મવિશ્વાસ વધે છે!
1st May 2020
Morning Musings..."સમાજમાં મહિલાઓની સ્થિતિએ મને બહુ ક્ષુબ્ધ કરી દીધી હતી, એટલે મેં પત્રકારત્વ (નવનીતનું સંપાદન) અને સાહિત્યમાં મહિલાઓના મુદાઓને વધુ ઉઠાવ્યા હતા. મારી વાર્તાઓ અને નવલકથાઓમાં મહિલાઓ પુરુષવર્ચસ્વવાદ સામે વિદ્રોહ કરે છે. તે સમાજના નૈતિક મુલ્યો પર સવાલ કરે છે, જે પુરુષ પ્રધાન સમાજને ગમતું નથી. એટલે જ મેં મારી રચનાઓમાં મહિલા ચરિત્રોને મહત્વ આપ્યું છે. સાત પગલાં આકાશને હું સૌથી મહત્વની નવલકથા માનું છું. આ નવલકથાએ ગુજરાતી મહિલાની ચેતાનાને હલાવી નાખી હતી. વસુધાની પીડાથી દ્રવિત થઈને મહિલાઓ મને કાગળો લખતી હતી અને અનેક સ્ત્રીઓ જીવનની વેદના સંભળાવવા મારી પાસે આવતી હતી. બીજી બાજુ, નવલકથાથી નારાજ અમુક પુરુષોએ મને ધમકી આપીને કહ્યું હતું કે તમને જેલમાં પૂરી દેવાં જોઈએ."
-કુંદનિકા કાપડિયા
2nd May 2020
Morning Mushing:Pic1: "એક દિવસ ડીનર ટેબલ પર, મારા ફાધરે મારી મધરને કહ્યું કે 'મેરા નામ જોકર'માં (૧૯૭૦) એ મને એમના બચપણના રોલમાં લેવા માંગે છે. માએ આનાકાની કરી. તેને મારા ભણતરની ચિંતા હતી. છોકરાનું ભણવાનું રખડી જશે વગેરે વગેરે.. એને ક્યાં ખબર કે મારા મનમાં શું હતું! એ વખતે તો હું કંઈ બોલ્યા વગર ખાતો રહ્યો. પછી ચુપચાપ ટેબલ પરથી ઉભો થઇ, મારા રૂમમાં આવ્યો. ત્યાં સ્ટડી ટેબલ પરથી કાગળનો ટુકડો ઉપાડ્યો, અને ત્યાંજ ઓટોગ્રાફની પ્રેક્ટિસ કરવા લાગ્યો! " -ઋષિ કપૂર.
Pic2: "એક બાબત છે, જેનો મને રંજ છે. અમારી વચ્ચે મિત્રતા નથી, કદાચ મારા ફાધરે મારી સાથે રાખી ન હતી એટલે મારે પણ એવું થયું. હું એને ચાહું છું, અને મારો એકનો એક દીકરો છે, પણ એ એની મધર સાથે વધુ ઘાનિષ્ઠ છે. મારી પત્ની મને ટોકતી રહી હતી, છતાં મેં એની સાથેના સંબંધને બરબાદ કરી નાખ્યો. એ અમારી સાથે નથી રહેતો. હવે કોઈ ચેન્જ શક્ય નથી. અમારા બંનેમાંથી કોઈ એ ચેન્જને સ્વીકારી નહીં શકે. અમારી વચ્ચે આડો એક ગ્લાસ છે. અમે એકબીજાને જોઈએ છીએ, વાતો કરીએ છે, બસ. " -ઋષિ કપૂર રણબીર કપૂર વિશે
3rd May 2020
Morning Musings...તમે જ્યારે કોઈની ટીકા કરો છો, ત્યારે તમે તે વ્યક્તિને તેની ત્રુટીઓ માટે નાપસંદ નથી કરતા. તમે તે વ્યક્તિનો અસ્વીકાર એટલા માટે કરો છો કારણ કે તેની ત્રુટીઓ તમારા જેવી એક સમાન નથી. એક સરખી ત્રુટીઓ હોય, તો તમે ભાઈબંધી કરી લેશો. એટલા માટે, બીજા લોકોની ટીકા વાસ્તવમાં તમારી આત્મકથા છે. કોઈ વ્યક્તિને અસલમાં ઓળખવી હોય, તો તે અન્ય લોકોની કેવી ટીકા કરે છે, તે ધ્યાનથી સાંભળવી, તેમાં બોલનાર વિશે ઘણી જાણકારી હોય છે.
4th May 2020
Morning Musings...મોટાભાગના લોકોને બહુ સારી રીતે ખબર હોય છે કે તેમને શું કરવું છે. તેમને માત્ર એક જ પ્રશ્નનો ઉત્તર શોધવાનો બાકી હોય છે; 'હું કેમ કરતો/કરતી નથી?' મોટાભાગના કિસ્સામાં તમે તે નથી કરતા તેનું એક જ કારણ હોય છે; ડર
'મને ખબર છે કે મારે કસરત કરવી છે, પણ છેલ્લે કરી ત્યારે બહુ દુઃખ્યું હતું.'
'નોકરી છોડીને બીજું કઈંક કરવું છે, પણ કરકસર કરવાનું આકરું પડે છે.'
'મારે પ્રેમ કરવો છે, પણ એમાં દુઃખી થવાય તો?'
કશું કરવાથી નિષ્ફળ જવાય કે અસ્વીકાર થાય, તે ડરને ઓછો કરી નાખીએ, તો એવું કશું જ નથી, જે તમે કરી ના શકો. આપણી આખી જિંદગી ડરમાં જ જીવાય છે.
મીના કુમારીએ ફરિયાદ કરી હતી:
ના હાથ પકડ શકે ના પકડ શકે દામન
બડે કરીબ સે કોઈ ઉઠ કે ચલા ગયા
વસ્તુ અને વ્યક્તિ, બંને માટે આ આ સાચું છે.
5th May 2020
Morning Musings...કલ્પનાશીલતા અને સર્જનશીલતા બંનેમાં ફરક છે. કલ્પના એટલે વિચાર, અને સર્જન એટલે તે વિચારનો સફળતાપૂર્વક અમલ. સર્જન અનુશાસન છે, પ્રેરણા નહીં. બહુ બધા લોકોને બહુ બધા ખયાલો આવે, પણ એને સાકાર બહુ ઓછા કરતા હોય છે. જે કલ્પના બીજી વ્યક્તિના જીવન સુધી પહોંચીને ઉપયોગી ના નીવડે, તેને ખુદના મનનો તુક્કો કહેવાય, સર્જન નહીં. સાધારણ લાગતી કલ્પના પણ તેના ઉત્તમ અમલથી અદભૂત સાબિત થાય, અને શાનદાર કલ્પના તેના અમલ વગર સાધારણ જ કહેવાય.
6th May 2020
Morning Musings...એવા લોકોની ઉપેક્ષા કરો, જે બદતમીઝ હોય
એવા સમાચારોની ઉપેક્ષા કરો,જે કામના ના હોય
એવા આહારની ઉપેક્ષા કરો, જેમાં પોષણ ના હોય
એવા રાજકારણની ઉપેક્ષા કરો, જેમાં ગુસ્સો હોય
એવી સ્પર્ધાની ઉપેક્ષા કરો, જેમાં અહંકાર હોય
એવી લાગણીઓની ઉપેક્ષા કરો, જે તમને ગુમરાહ કરે
એવા વિચારોની ઉપેક્ષા કરો, જે તમને સક્રિય ના કરે
7th May 2020
Morning Musings...એકલા હોવાની પીડામાંથી એકલતા આવે, પણ એ જો સકારાત્મક અહેસાસ હોય, તો એકાંતની સમૃદ્ધિ આવે. એકલતા કોઈક તમારી પર લાદે. એકાંત એ તમારી પસંદગી હોય. એકલતા એ બે વ્યક્તિ વચ્ચેની સ્થિતિ છે. એકાંત એ એક વ્યક્તિની અંગતતા છે. એકલવાયો માણસ બીજા લોકોથી ઘેરાયેલો હોય, એકાંતમાં માણસ ખુદની સાથે વ્યસ્ત હોય. એકલતા તમને ખાવા દોડે. એકાંત તમને ભરી દે.
8th May 2020
Morning Musings...સેલ્ફીના પ્રચલન પાછળ એક સુંદર સત્ય છુપાયેલું છે; લોકો તેમની કઈ ચીજ લઈને અસલામતી અનુભવે છે, તે જો જાણવું હોય, તો તેઓ શેના ફોટા અપલોડ કરે છે, તે જોવું. જે પણ કારણ હોય, તમે જેના ફોટા પાડો છો, તે એ વાતનો સંકેત છે કે તમારા જીવનમાં શું મહત્વનું છે. એ તમારો પરિવાર હોઈ શકે, તમારી જવાની હોઈ શકે, તમારી ખૂબસૂરતી હોઈ શકે, તમારો પ્રેમ હોઈ શકે, તમારો આનંદ અને સુખ હોઈ શકે. બેઝિકલી, તમે એ ક્ષણને કેદ કરવા માંગો છો, જે નશ્વર છે. તમે એક સ્મૃતિને જીવંત રાખવા માંગો છો, જે ભૂતકાળ થઈ જવાની છે. તમને જે ગુમાવાનો ડર છે, તમે તેને ફોટામાં પકડી રાખો છો.
9th May 2020
Morning Musings...આપણે જેમાં માનતા હોઈએ, તેટલું જ વાંચવું, એ અંધશ્રદ્ધા કહેવાય. ખુદની માન્યતાથી પ્રતિકૂળ હોય, તે પણ વાંચે, એ ઉત્તમ વાચક કહેવાય. આપણા પૂર્વગ્રહો અને મર્યાદાઓને અનુકૂળ આવે અને તેને પંપાળે તેવા લોકોની વચ્ચે જ રહીએ, તો વાસ્તવિકતાથી દુર થઇ જવાના આપણા ચાન્સ વધુ હોય. વાસ્તવિકતા તમારા પૂર્વગ્રહો સાથે મેળ ના ખાતી હોય, તો વાસ્તવિકતાને બદલવા કરતાં પૂર્વગ્રહો બદલવાનું વધુ કારગત નીવડે છે. પોતાની માન્યતાઓમાં શંકા કરવી, એ ખરેખર સાહસનું કામ છે. આપણે સતત ખુદને જ બેવકૂફ બનાવતા રહીએ છીએ, અને એક વ્યક્તિના જીવનમાં અને એક પેઢીના ઇતિહાસમાં આ અનેકવાર સાબિત થતું રહે છે.
10th May 2020
Morning Mushing:કોઈ ગરીબ, અભણ, 'બગડી' ગયેલા શખ્સો બળાત્કારમાં પકડાય, તો આખા દેશમાં 'સાલાઓને જાહેરમાં ફાંસી આપો,' 'તેમનું એન્કાઉન્ટર કરો,' 'તેમના માનવધિકારને ઉંચા મૂકી દો'ની એકસરખી બુમો ઉઠે, પણ દિલ્હીની પ્રતિષ્ઠિત સ્કૂલોના પ્રતિષ્ઠિત પરિવારના છોકરાઓ લોકર-રૂમ ગ્રૂપ-ચેટમાં તેમની જ સ્કૂલોની સગીર છોકરીઓનો ગેંગરેપ કરવાની યોજના કરતા હોય, ત્યારે 'સંસ્કારી' લોકો આજકાલના સમાજનો અને સોશ્યલ મીડિયાનો દોષ કાઢે અને છોકરાના બચાવમાં 'છોકરીઓ પણ આવી જ છે' એવું સાબિત કરવા છોકરીઓની લોકર-રૂમ ચેટના સ્ક્રીનશોટની ઢાલ લઈને મેદાનમાં ઉતરી પડે છે.
આપણો પુણ્યપ્રકોપ માણસોની સામાજિક હેસિયત પ્રમાણે નક્કી થાય છે.
કોને કઈ અને કેટલી સજા થવી જોઈએ એ આપણા સામાજિક દરજ્જાથી કેટલા નજીક અથવા દૂર છે એને સાપેક્ષ હોય છે.
Read Khevna D blog article on the same.
'અંગત, આબરૂ અને અસ્વીકૃતિ'
શું આપણને હવે પ્રશ્નો થતાં જ નથી?
શું આપણે જાતને, બાળકોને initimacy, sexting, nudes, consent વિષે પ્રશ્નો પૂછીએ છીએ?
https://rainbowreflectionsin.wordpress.com/2020/05/06/અંગત-આબરૂ-અને-અસ્વીકૃતિ/
11th May 2020
Morning Musings...લખવાની ક્ષમતા ખાલી જાતને અભિવ્યક્ત કરવાની આર્ટ સુધી જ સીમિત રહે, તો એ બાળ રમત છે. તે બીજી વ્યક્તિનાં સુખ-દુઃખ અને આશા-નિરાશાની પ્રતિનિધિ બને, તો મેચ્યોર આર્ટ કહેવાય. કળાનું અસલી કામ આજુબાજુની દુનિયા વિશેની આપણી જે અધૂરી સમજ છે, તેને ચેલેન્જ કરવાનું પણ છે. લખવું એ જીવનની જટિલતાને તાર્કિક, બોધગમ્ય અને સરળ રીતે વિશ્લેષણ કરવાની આવડત છે. કોઇપણ લેખન વાંચવાથી તમને તમારી મુસીબતોની સમજ અને સમાધાન મળવાં જોઈએ. ઉત્તમ લખાણ એ મધદરિયે જહાજ પરના કંપાસ જેવું છે, એ દિશા ના બતાવે, તો ટાઈમપાસ મનોરંજન બની રહે છે.
12th May 2020
Morning Musings...વિજ્ઞાન નાનામાં નાના અણુની શોધ કરે છે, જેથી ભ્રહ્માંડની બુનિયાદી રચનાને સમજી શકાય. તે અત્યારે ઈલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન સુધી પહોંચ્યું છે અને હિગ્સ અથવા ગોડ પાર્ટીકલ શોધ્યાનો દાવો કરે છે, પણ વિજ્ઞાન સૌથી નાના અણુને ક્યારેય શોધી નહીં શકે કારણ કે જો અણુ હોય, તો એની અંદર સ્પેસ (અવકાશ)નું બનેલું આંતરિક માળખું પણ હોય, અને સ્પેસનો છેડો શોધવો અશક્ય છે, કારણ કે સ્પેસ અનંત છે.
13th May 2020
Morning Musings...મોટાભાગના લોકો સાથે સતહી, સામાજિક, 'કેમછો-મઝામાં' પ્રકારના 'નકલી' સંબંધોની મઝા એ છે કે તમારે તેમની સાથે અંગત થવું ના પડે, અને અંગત થવું ના પડે એટલે તેમની અંદર જે નિરંતર એકવિધતા, બોરડમ અને એકલતા છે, તેની સાથે પનારો ના પડે. સામાજિક સંબંધો તમને માણસની ગહેરી ઇમોશનલ અને વૈચારીક નકારાત્મકતાથી દાઝ્યા વગર, નકલી ઇન્ટિમસીનો અહેસાસ કરાવે છે. સોશ્યલ મીડિયાની સફળતાનું આ એકમાત્ર કારણ છે. તમે કશું જ કર્યા વગર, દૂર બેઠે બેઠે, માત્ર શબ્દોથી, કોઈપણ અજાણી વ્યક્તિના પણ હમદર્દ બની શકો.
14th May 2020
Morning Musings...તમારી સાથે તમારો કેવો સંબંધ છે, તેના પરથી બીજી વ્યક્તિઓ સાથે તમારો સંબંધ કેવો હશે, તે નક્કી થાય છે. તમે સામાન્ય રીતે ખુશ અને સકારાત્મક હશો, તો તમારી આસપાસ એવા જ લોકો હશે. તમે અસંતોષી અને કકળાટીયા હશો, તમારા સંબંધો અનિવાર્યપણે ખરાબ જ હશે. તમને તમારા વિશે ભલે ગમે તે ભ્રમ હોય, તમે કોણ છો અને કેવા છો, એ તો તમારા સંબંધોના અરીસામાં જોઈને ખબર પડે. કેલિડૉસ્કોપ જોયું છે? એમાં રંગીન કાચના ટુકડાઓ એવી રીતે ગોઠવ્યા હોય કે તમે કેલિડૉસ્કોપને જરાક ગોળ ફેરવો, તો એક સુંદર ડિઝાઈન સર્જાય. આપણી અંદર પણ આપણે જેને 'જાત' કહીએ છીએ, તેના અલગ-અલગ ટુકડાઓ હોય છે. સંબંધો પણ તમારી અંદરના આ કાચના ટુકડાઓનું પ્રતિબિંબ છે. એ ડિઝાઈન સુંદર છે કે કુરૂપ, તે અંદર કાચના ટુકડાઓની ગોઠવણ પર નિર્ભર કરે છે.
15th May 2020
Morning Musings...
ઈર્ષ્યા નહીં, ઉદ્યમ
સમાચાર નહીં, સમજણ
પૈસા નહીં, મુલ્ય
અભિપ્રાય નહીં, તથ્ય
અહમ નહીં, ઈમાનદારી
પ્રતિષ્ઠા નહીં, સ્વતંત્રતા
સુખ નહીં, સાર્થકતા
તર્ક નહીં, ડહાપણ
16th May 2020
Morning Mushing..
તમે ટેલિવિઝન ચેનલોનો (સહેતુક) ફેવરિટ 'કોરોના વાઇરસ સુપર-સ્પ્રેડર' શબ્દ સાંભળ્યો હશે, પણ 'કોરોના વાઇરસ સ્લેયર' શબ્દ નહીં સાંભળ્યો હોય. એમ તો તમે કેરળના 'લેફ્ટટિસ્ટ' સ્વાસ્થ્યમંત્રી કે. કે. શૈલજાનું નામ પણ સાંભળ્યું નહીં હોય. લંડનના પ્રતિષ્ઠિત 'ધ ગાર્ડીયન' સમાચારપત્રમાં 14th May 2020 ના રોજ કે. કે. શૈલજા નો આખા પાનામાં પ્રોફાઇલ છપાયો છે.
3.5 કરોડની વસ્તીવાળા કેરળમાં (જ્યાં ભારતનો પહેલો પોઝીટિવ કોરોના કેસ નોંધાયો હતો) કેવી રીતે કોરોના કાબુમાં રાખવામાં આવ્યો છે, તેની ચર્ચા દુનિયાભરમાં થઈ રહી છે, અને તેના કેન્દ્રમાં આ 63 વર્ષનાં સ્વાસ્થ્ય મંત્રી શૈલજા છે.
ચીનમાં નવો વાઇરસ આવ્યો છે, તે વાંચીને ત્રણ દિવસ પછી અને કેરળમાં પ્રથમ કેસ નોંધાય તે પહેલાં, શૈલજાએ રેપીડ રિસ્પોન્સ ટીમની પહેલી મિટિંગ કરી હતી. બીજા જ દિવસે, 24 જાન્યુઆરીએ, કેરળમાં કંટ્રોલ રૂમ સ્થાપવામાં આવ્યો અને 14 જિલ્લાઓના સ્વાસ્થ્ય અધિકારીઓને પણ તે સ્થાપવાની સૂચના આપવામાં આવી હતી.
27 જાન્યુઆરીએ ચીનના વુહાનથી કેરળની એક ઇન્ફેકટેડ વિધાર્થીની આવી, ત્યારે રાજ્યમાં ટેસ્ટ, ટ્રેસિંગ, આઈસોલેશન અને સપોર્ટનું માળખું ગોઠવાઈ ગયું હતું. શૈલજા પાસે 2018ના ઘાતકી નિપાહ વાઇરસને નાથવાનો સારો અનુભવ પણ છે.
બાય ધ વે, સ્લેયર એટલે કાતિલ; કોરોનાની કાતિલ.
17th May 2020
Morning Mushing...
આંસુની ભાષા તો ખબર છે, પણ આંસુની ભૌગોલિકતા ખબર છે?
મતલબ કે અલગ-અલગ પરિસ્થિતિમાં તમે વહાવેલા રેલાના ફોટા પાડીને, વોટ્સએપ પર કોઈને ફોરવર્ડ કરીએ, તો સામેની વ્યક્તિને ખબર પડે કે એ હરખનાં આંસુ છે કે વ્યથાનાં આંસુ છે?
લોસ એન્જલ્સની ફોટોગ્રાફર રોઝ-લીન ફિશરે, ડુંગળી છોલવાથી આવેલાં, ખુશીના માર્યા આવેલાં, દર્દથી આવેલાં કે અપમાન થવાથી આવેલાં આંસુઓને માઇક્રોસ્કોપ નીચે મૂકીને તેના સ્ટ્રક્ચરનો અભ્યાસ કર્યો છે અને તેનું પરિણામ અવિશ્વસનીય છે.
આંસુ મુખ્યત્વે નમક, પ્રોટિન્સ, મિનરલ્સ, હોર્મોન્સ અને એન્ઝાઇમ્સનાં બનેલાં હોય છે, પણ તે સુકાઈ જાય, ત્યારે એના જે આકાર અને ફોર્મેશન હોય, તેના પરથી એ કઈ માનસિક અવસ્થામાં વહ્યાં હતાં, તેનો અંદાજ ફિશરે મેળવ્યો છે. ફિશરે પોતાનાં, અને બાળકો સહિત ઓળખીતા-પાળખીતાનાં સુકાયેલાં આંસુઓના 100 ફોટા લઈને તેનો માઇક્રોસ્કોપિક અભ્યાસ કર્યો હતો. તે કહે છે, "એક સરખા કેમિકલ્સના બનેલા હોવા છતાં, ગહેરાઈથી જુવો તો દરેક આંસુ જુદાં લાગે.
" જાણે એ ચંદ્ર કે મંગળની કોઈ ભૂમિ હોય. (નીચે ડાબે ખુશીનાં અને જમણે વ્યથાનાં આંસુ"
તુમ કભી મેરે આંસુ કા હાલ દેખના
આકર કભી મેરા ભીગા રૂમાલ દેખના
18th May 2020
બૌદ્ધિક ઓથોરિટી એ મોહરુ છે. કોઈને કશી ખબર નથી. તમારા કરતાં તમારા ગુરુ, લીડર, લેખક કે વિચારકને વધારે સમજ પડે છે, એ પરસ્પર ઉભો કરેલો ભ્રમ છે. બૌદ્ધિક ઓથોરિટીના ઝાંસામાં આવી જવું નહીં. એ ગમે તેટલો અધિકારથી બોલતો હોય, વિચાર કરવાની વાત છે ત્યાં સુધી, તમે એના જેટલા જ કે એનાથી ઉત્તમ વિચારક છો. જીવન કેવું હોવું જોઈએ, દેશ કેમ ચાલવો જોઈએ કે સમાજ કેવો હોવો જોઇએ, તેના વિશે તમારા ઘરની કામવાળી બાઈ કે રસ્તા પરના મોચીને વધારે ખબર પડે છે.
19th May 2020
Morning Musings...તમે જેને 'મારો વિચાર' અને 'મારી લાગણી' કહો છો, તે હકીકતમાં તમારી નથી, ઉછીની છે. ટેલિવિઝન, સોશ્યલ મીડિયા, સમાચારપત્રો, સિનેમા, સરકાર અને ધર્મ તમારા વિચારો અને લાગણીઓને આકાર આપે છે. તમે હંમેશા બીજા કોઈકનો વિચાર વિચારો છો અને બીજા કોઈકની લાગણીને અનુભવો છો. જેમ અનેક રંગોના મિશ્રણથી હજારો પેસ્ટલ રંગ બને છે, પણ એ તમામ રંગો બુનિયાદી સાત રંગોનું જ પરિણામ છે. તેવી રીતે તમે ઉછીના વિચારોને મગજમાં ઘૂંટીને 'તમારો' વિચાર બનાવો છો. તમે આસાનીથી કોઈપણ ઉછીના વિચારોને પકડી લો છો, એટલે સરકાર, ધર્મ અને મીડિયા માટે તમને વટલાવવાનું સરળ થઈ જાય છે.
20th May 2020
Morning Musings...નાર્સિસ્ટીક, એટલે કે જે લોકો ખુદના જ પ્રેમમાં હોય, તે છુપા રુસ્તમ હોય, તેમને સંબંધની શરૂઆતમાં પકડવા અઘરા હોય છે. દરેક વ્યક્તિ થોડી-ઘણી નાર્સિસ્ટીક હોય જ છે, પણ નાર્સિસિજ઼મ જ્યારે વળગણ થઈ જાય, ત્યારે તે એક માનસિક બીમારીના રૂપમાં ઉભરે છે. તેવી વ્યક્તિનાં 10 લક્ષણો:
1. દરેક વાતમાં અને બાબતમાં ખુદનું મહત્વ સાબિત કરે
2. લોકો ધ્યાન આપે અને પંપાળે તેવી ઊંડી ભાવના હોય.
3. બીજી વ્યક્તિ માટે હમદર્દી (empathi)ની ગેરહાજરી
4. સંબંધો તૂટેલા-ફૂટેલા અને સંઘર્ષવાળા હોય
5. અમર્યાદ સત્તા, ખૂબસૂરતી કે પ્રેમની ભૂખ હોય
6. પોતે દેવના દીધેલ છે, તેવી ભાવના હોય, એટલે એવા વિશેષ લોકોની કંપની જ શોધે
7. બીજાની ઈર્ષ્યા કરતા રહે અથવા એવી ભાવનાને પંપાળતા રહે કે બીજા તેની ઈર્ષ્યા કરે છે.
8. જરા સરખી ટીકાનો સામનો કરી ના શકે અને સકારાત્મક વાતમાં પણ 'મારી ટીકા કરી?' એવું વિચારે.
9. સામાજિક એકલતામાં જીવે, લોકો આમ છે અને લોકો તેમ છે, તેવી સતત ફરિયાદો હોય
10. કંટ્રોલિંગ હોય. સંવાદ હોય કે સંબંધ હોય, પોતે જ બધુ કંટ્રોલ કરે, અને બીજાએ માત્ર ગુલામ રાખવાનું ગમે.
21st May 2020
Morning Musings...ઉપેક્ષા ઉત્કટતા જેટલી જ અગત્યની છે. ઉત્કટતા તમને કશાકની સાથે એકદમ નજીકમાં લાવી દે, પણ એ ઘનિષ્ઠતામાં ત્રુટીઓ છે કે નહીં, તે જોવા માટે ડિસ્કનેક્ટ અને ડિસ્ટન્સ જરૂરી હોય છે. તેના માટે થોડી ઉપેક્ષા જરૂરી છે. ઉપેક્ષા એટલે જજમેન્ટની ગેરહાજરી-'એ સરસ છે કે ખરાબ, એવું મેં નથી વિચાર્યું.' ઉત્કટતા તમને તમારા નિયંત્રણ બહારની બાબતો સાથે સંપર્કમાં લાવી દે છે. ઉપેક્ષા તમને તમારા વર્તુળમાં પાછા લાવી દે છે. ઉત્કટતા અને ઉપેક્ષા બંનેમાં પાવર હોય છે. ફર્ક એ છે કે ઉપેક્ષામાં પાવર તમારી પાસે હોય છે, જ્યારે ઉત્કટતામાં એ તમારી સામે હોય છે.
22nd May 2020
Morning Musings...ટોળાનો સ્વભાવ તમાશબીનનો છે. તમારો રાજ્યાભિષેક થાય, ત્યારે જે ટોળું જયજયકાર કરવા ભેગું થાય છે, એ જ ટોળું તમારો શિરચ્છેદ થાય, ત્યારે તાળીઓ પાડે છે. ઇતિહાસમાં જે બ્લન્ડર થયાં છે, તે આવી રીતે ટોળાને ખુશ કરવામાંથી થયાં છે. ઇરાક યુદ્ધ વખતે જ્યોર્જ બુશ અને ટોની બ્લેર માનવતાના મસીહા તરીકે ઊભર્યા હતા. એ વખતે એમણે કેવી ભવ્ય વાતો કરી હતી, એ યાદ છે? આજે બંનેનાં નામ ‘યુદ્ધ અપરાધી’ તરીકે ઇતિહાસમાં દર્જ છે. આપણને એમાં રસ ના પડે, કારણ કે સામાન્ય જનમાનસને ઝનૂનમાં જ જિંદગીનો અહેસાસ થાય, વિવેકબુદ્ધિમાં નહીં.
23rd May 2020
Morning Musings...મિડલાઈફ ક્રાઇસિસ એટલે તમે અતિ ઉત્સાહ સાથે સંબંધોની અને કારકિર્દીની ઊંચી સીડી ચઢીને ઉપર જાવ, અને ત્યાં ટકી રહેવાનો ઉત્સાહ ઘટતો જાય તે. મિડ લાઈફ ક્રાઇસિસ એટલે દીવાલની આ તરફ સીડી હોય, જે ઉતરી ના શકાય અને બીજી તરફ અંધારી ખીણ હોય તે. મિડલાઈફ ક્રાઇસિસ એટલે દુનિયા આખી તમને ઓળખે, અને તમને જ તમારી ઇડેન્ટિટીની ખબર ના હોય તે. મિડલાઈફ ક્રાઇસિસ એટલે તમારો ઈગો તમને છોડી જાય તે. મિડલાઈફ ક્રાઇસિસ એટલે સુખનો અનુભવ હોય, પણ સાર્થકતા મહેસુસ ના થાય તે. મિડલાઈફ ક્રાઇસિસ એટલે સફળતા હોય, પણ સંતોષ ના હોય તે. મિડલાઈફ ક્રાઇસિસ એટલે તમને આ બધી જ ખબર હોય, છતાં કશું જ ના કરો તે.
24th May 2020
Morning Musings...
જર્મન ચિંતક ફ્રેડરિક નિત્ઝશેના નામે વિધાન છે કે જેનામાં સજા કરવાની તીવ્ર વૃત્તિ હોય, તેનો વિશ્વાસ ના કરવો. આ વાત પરિવારોમાં અત્યાચારી પિતાઓથી લઈને આપખુદ શાસકો સુધી સાચી ઠરી છે. પ્રથમ તો, જે વ્યક્તિમાં સજા કરવાની ભાવના હોય, તે એવું માને છે કે સામેવાળી વ્યક્તિ અવળી છે (અને હું સવળો છું), એટલે એને દંડવી જરૂરી છે અને બીજું એ કે બીજા પર સજાની ભાવનાવાળા લોકો માનસિક રીતે વિક્ષિપ્ત હોય છે અને જોહુકમીમાં તેઓ પિશાચી સુખ મેળવતા હોય છે.
25th May 2020
Morning Musings...
હતાશા, ક્રોધ અને પીડાથી ભરેલાં બે મન એકબીજા સાથે સંવાદ કરીને જે 'આનંદ' ઉત્પન્ન કરે, તેને સહિયારું પતન કહેવાય. આપણું મન સ્ટિમ્યૂલસ એટલે કે ઉત્તેજના પર સક્રિય રહે છે. ખિન્ન મનનો પનારો ખિન્ન મન સાથે પડે, તો તેની ખિન્નતામાં ઉમેરો થાય. તમારું મન તમારા 'કહ્યા'માં નથી હોતું, તે બીજા મનના 'કહ્યા'માં હોય છે.
26th May 2020
Morning Mushing:
NYT ફ્રન્ટ પેઈજ પાછળની કહાની...
અમેરિકામાં કોવિડ-19ના કારણે મૃત્યુ પામનારાઓની સંખ્યા 1 લાખને અડી રહી છે, ત્યારે તમે ન્યુયોર્ક ટાઈમ્સ સમાચારપત્રની રવિવારીય આવૃત્તિનું આ અસાધારણ ફ્રન્ટ પેઈજ જોયું હશે,
જે આજે ખૂબ વાઇરલ થયું છે. એમાં, કોરોના વાઇરસના કારણે માર્યા ગયેલા 1,000 લોકોનાં નામ છાપવામાં આવ્યાં છે. એ માત્ર નામો જ નથી, પરંતુ ટ્રેજેડીની પ્રચંડતા છે. તેની હેડલાઈનમાં એક મહત્વનો શબ્દ છે; INCALCULABLE, બેહિસાબ.
ટાઈમ્સના નેશનલ એડિટર માર્ક લાસે કહે છે, "મારે કઈંક એવું કરવું હતું કે જેથી લોકો 100 વર્ષ પછી પાછળ વળીને જુવે, તો તેમને મોતની સંખ્યા પરથી ખબર પડે કે આપણે કેવી જિંદગીમાંથી પસાર થયા હતા."
એડિટરો અને રિપોર્ટરોને થતું હતું કે દેશનું સંકટ જે રીતે દિવસો અને સપ્તાહો અને મહિનાઓમાં લંબાતું હતું, તેથી ન્યૂઝ કવરેજમાં રોજ અપડેટ આપીને એક પ્રકારની થકાન અને સુન્નતા આવી ગઈ છે, અને કઈંક જુદી રીતે આ ટ્રેજેડીની નોંધ લેવી જોઈએ.
ટાઈમ્સના ગ્રાફિક ડેસ્કની આસિસ્ટન્ટ એડિટર સિમોન લંડન કહે છે, "અમે મોતના આંકડાને એવી રીતે પેશ કરવા માંગતા હતા જેથી બરબાદ થયેલી જિંદગીઓની વિશાળતા અને વિવિધતાની ખબર પડે.
અમને થયું કે કોઈક એવો રસ્તો હોવો જોઈએ, જયાં સંખ્યાનું અનુમાન કરી શકાય."
એટલે ટાઈમ્સના સ્ટાફે પુરા અમેરિકાનાં સમાચારપત્રોની ઓનલાઈન અવૃત્તિઓમાંથી મૃત્યુનોંધો એકઠી કરી. અલેન ડેલેક્યુઈરીર નામનો રિસર્ચર કહે છે, "આ 1,000 લોકોનાં નામો તો કુલ મૃત્યુનો ખાલી 1% છે." અલેનની સાથે પત્રકારત્વ ભણતા ત્રણ વિધાર્થીઓ મૃત્યુનોંધો વીણવા જોડાયા હતા. તેમણે હજારોની સંખ્યામાં કોવિડ-19ના ભોગ બનેલા અમેરિકનોની વિગતો ભેગી કરી હતી.
સામાન્ય રીતે રવિવારના ટાઈમ્સમાં પહેલા પાને તસવીરો હોય છે, ગ્રાફિક હોય છે અને સ્ટોરી હોય છે, પરંતુ ટાઈમ્સના પાછલા 40 વર્ષમાં પહેલીવાર તેના ફ્રન્ટ પેઈજ પર એકપણ તસવીર ન હતી, અને માત્ર 'રનિંગ ટેક્સ્ટ' હતી.
અને એ નામોની ખાલી યાદી નથી. એમાં જીવન અને મોત બંને છે. થોડાંક ઉદાહરણ (અંગ્રેજીમાં જ રાખ્યાં છે):
Angeline Michalopulos, 92, "was never afraid to sing or dance."
Lila Fenwick, 87, was "the first black woman to graduate from Harvard Law."
Romi Cohn, 91, "saved 56 Jewish families from the Gestapo."
April Dunn, 33, was an "advocate for disability rights."
Patricia H. Thatcher, 79, "sang in her church choir for 42 years."
Fred Gray, 75, "liked his bacon and hash browns crispy."
27th May 2020
Morning Mushing: સંબંધમાં જે વ્યક્તિએ 'વિશ્વાસઘાત' કર્યો છે, તેને સોરી કહેવાની સજા કરવાના બદલે, જેની સાથે 'વિશ્વાસઘાત' થયો છે, તે વ્યક્તિએ સોરી કહેવું જોઈએ: બોરિંગ થવા માટે સોરી, મારું આકર્ષણ ઘટવા માટે સોરી, તને જુઠ બોલવા મજબુર કરવા માટે સોરી, વફાદારીની અઘરી અને પૂરી ના થઇ શકે તેવી મર્યાદારેખા ખેંચવા માટે સોરી, અને તારી અંદરના માણસને નહીં સ્વીકારવા માટે સોરી. -અલેન ડે બોટોન
28th May 2020
Morning Musings...
દરેક એકશન પહેલાં એ એકશનનો વિચાર પેદા થાય. આપણા તમામ એકશન આપણા વિચારોમાંથી આવે છે. પહેલાં વિચાર, પછી એકશન. આ જ ક્રમ છે. તમને સિલ્વર કલરની કાર લેવાનો વિચાર હોય, તો તમને રોડ પર સિલ્વર કલરની કાર જ નજરે પડે. તમે પ્રેગ્નન્ટ સ્ત્રી હો, તો તમને ચારે તરફ ટાબરીયાં જ દેખાય. તમે કામ કે નોકરીના અવસરને શોધતા હો, તો તમને અચાનક ઘણા બધા વિકલ્પો દેખાવા લાગશે. તમે જો સતત ગુસ્સામાં રહેતા હો, તો તમને ગુસ્સે થવાનાં પૂરતા કારણો મળી રહે. તમે જે વિચારો છો, તે તમે બનો છો.
29th May 2020
Morning Musings...
સુખી માણસ એ નથી, જે સતત હસ-હસ કરતો હોય, અથવા જેને કોઈ દુઃખ જ ના હોય. સુખી માણસ એ છે, જે રડવું આવે કે પીડા થાય, તેવી પરિસ્થિતિઓનો સામનો એવી રીતે કરે કે તેની આંતરિક સ્થિરતા અકબંધ રહે. સુખ એટલે આઇડેન્ટિફિકેશનની ગેરહાજરી. સુખ એટલે (સારો) અનુભવ નહીં, પણ અનુભવને સારા કે નરસા લેબલમાં ફિટ કરવાની મજબૂરીમાંથી મુક્તિ. સુખી માણસ એ છે, જે દુઃખી માણસ કરતાં જુદી રીતે, નેગેટિવ લાગણીઓ અને પીડાના અનુભવોને પ્રોસેસ કરે છે. સુખી માણસનું અલગોરિધમ જુદું હોય, એટલું જ.
30th May 2020
Morning Musings...
અસલામતીથી પીડાતા લોકો હંમેશાં તેમની અસલામતીને તમારામાં જુવે. તેમની ત્રુટીઓને એ તમારી ત્રુટીઓ તરીકે પેશ કરે. તેમના માટે મોટા હોવાનો અહેસાસ એટલો અનિવાર્ય હોય કે તમને નાના સાબિત કરવા જરૂરી બની જાય છે. અસલામતી છ તબક્કામાં કામ કરે: સરખામણી થાય, એમાં સારું લાગે એટલે હરીફાઈ થાય, પછી તેની વિવાશતા આવી જાય, વિવાશતામાંથી નિંદા શરૂ થાય અને નીંદામાંથી કંટ્રોલ કરવાની ભાવના આવે. ખરેખર સક્ષમ અને આત્મવિશ્વાસ વાળી વ્યક્તિ ઈર્ષ્યા કરવામાં અસક્ષમ હોય. ઈર્ષ્યા હંમેશાં ન્યુરોટિક અસલામતીનું લક્ષણ હોય છે.
31st May 2020
Morning Mushing:जिन्दगी जिंदादिली का नाम है !
મેસેચ્યુસેટ રાજ્યની ૧૦૩ વર્ષની દાદીમા Jennie Stejna ત્રણ વિકના ક્વોરન્ટાઇન પછી કોરોનાને મ્હાત આપી સાજી થઇ ગઈ અને BudLight બિયર પીને એની આ લડતને સેલિબ્રેટ કરી. નર્સિંગ હોમમાં રહેતી દાદીમાની એક પુત્રી અને પૌત્રી છે. સામાન્ય તાવ અને થોડીક શારીરિક તકલીફો બાદ દાદીમાએ કોરોનાને મ્હાત આપી સાજા થઇ ગયા એટલે બધી આશા ગુમાવી બેઠેલા પરિવારમાં આનંદ આનંદ થઇ ગયો. અને દાદીમા એ ચિલ્ડ બડલાઈટ બિયર પીને માંદગીને ઉત્સવમાં પલ્ટી નાખ્યો. 103 વર્ષના આ દાદીમાની યાદશક્તિ ઘણી સારી છે. નાનકડી પૌત્રીને એમની જિંદગીના કિસ્સાઓ કહેતા રહે છે. જિંદગીને જિંદાદિલીથી લેતા લોકોનું મક્કમ મનોબળ જ કોઈપણ મુશ્કેલીમાંથી પાર પાડવાનું સાધન બને છે.
મને આવા હકારાત્મ્ક સમાચાર વધુ ગમે છે જે આપની સાથે વહેંચું છું..
जीते रहने के लिए जिंदादिली बहुत जरुरी है ,
वरना लोग उम्र से पहले भी अब मरने लगे है
1st June 2020
Morning Musings...તમે જ્યારે કોઈ વ્યક્તિ વિશે ઓપિનિયન આપો છો, ત્યારે તેમાં તે વ્યક્તિ કરતાં તમારા વિશે ઘણી ઇન્ફોર્મેશન હોય છે. તમારો ઓપિનિયન તમારા મનમાં શું ચાલી રહયું છે, તમારી અપેક્ષાઓ શું છે અને તમે કેવી રીતે તે વ્યક્તિને તમારા વિચારો સાથે સરખાવો છો, તેનું રિફલેક્શન છે. મોટાભાગના ઓપિનિયનમાં તમે ખુદને જ જજ કરતા હો છો. બીજી વ્યક્તિ તમને એ અવસર પૂરો પાડે છે કે તમે તે વ્યક્તિ વિશે જે માનો છો, તે કેટલું અગત્યનું છે, અને દરેકે કેમ તેનું અનુસરણ કરવું જોઈએ.
2nd June 2020
Morning Musings...
પ્રેમનો વિરોધી નફરત નથી, ઉપેક્ષા અથવા બેપરવાઈ છે. નફરતનો મતલબ તમે હજુ એનાથી કનેક્ટેડ છો, એ તમને હજુ સંતાપ આપે છે. નફરત પ્રેમનું જ કુરૂપ છે. ઉપેક્ષા એટલે વિચારોમાં એ સંપૂર્ણપણે ગેરહાજર છે. તમને એની તમા નથી. એના હોવાથી તમે બેખબર છો. પ્રેમ અને નફરત બન્નેમાંથી આઝાદી એટલે બેરુખી.
3rd June 2020
Morning Mushing:
મહારાષ્ટ્રના અગ્રણી સકાળ મીડિયા જૂથના પૂણે સ્થિત અંગ્રેજી સમાચારપત્ર 'સકાળ ટાઈમ્સ'નાં શટર 30May2020 થી પાડી દેવામાં આવ્યાં છે. તેને રાષ્ટ્રવાદી કોંગ્રેસના વડા શરદ પવારના ભત્રીજા અજિત પવાર ચલાવતા હતા. લોકડાઉનના કારણે તેનું પ્રકાશન બંધ હતું, અને હવે તેના 50 કર્મચારીઓને એક મહિનાનો પગાર આપીને છુટા કરવામાં આવ્યા છે. ગોવામાં 'ગોમાંતક ટાઈમ્સ' સમાચારપત્રના પણ શ્વાસ બંધ થઈ ગયા છે.
દિગ્ગજ ધ હિન્દુસ્તાન ટાઈમ્સ, નેટવર્ક-18, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, ભાસ્કર જૂથ, આનંદ બજાર પત્રિકા જૂથે અસંખ્ય કર્મચારીઓને છુટા કર્યા છે, નાની આવૃત્તિઓ અને બ્યુરો બંધ કર્યા છે. લગભગ તમામ અંગ્રેજી અને બિન-અંગ્રેજી મીડિયામાં પગાર પર કાપ મુકાયો છે. અનેક પત્ર-પત્રિકાઓએ રેવન્યુના અભાવમાં પાનાં ઓછાં કરીને વાંચન-સામગ્રી સાથે બાંધછોડ કરી છે. માત્ર જાહેર ખબરો પર સમાચારપત્ર ચલાવવાનું ભારતીય મોડેલ સંપૂર્ણપણે ધ્વસ્ત થઈ ગયું છે.
આમાં ભારતીય વાચક કશું ગુમાવશે? કદાચ ના. બેઝિક સમાચારો અને માહિતીઓ માટે એ ક્યારનો ડિજીટલ અને સોસીયલ મિડિયા તરફ વળી ગયો હતો, અને થોડું મનોરંજન જોઈતું હતું, તો તે ટેલિવિઝન પૂરું પાડતું હતું. કાગળ પર નીકળતું સમાચારપત્ર તેની પહેલી પસંદ રહ્યું ન હતું.
આમ પણ, 50 દિવસના લોકડાઉનમાં વાચકને એ પણ ખબર પડી ગઈ કે સમાચારપત્ર વગર પણ રહી શકાય છે!
4th June 2020
Morning Musings...
બોરડમ એટલે શું? બોરડમ એટલે વિચારનું સતત રિપીટેશન. ગમે તેટલો ફેન્ટાસ્ટિક વિચાર હોય, એ બહુ ઝડપથી 'જૂનો' થઈ જાય છે, અને એનો કંટાળો આવવા લાગે છે. તમે ગમે તે કરો, વિચારની સાઈકલમાંથી મુક્ત થવું અશક્ય છે. એટલે તમે મંદિરમાં, સિનેમા થિયેટરમાં કે દારૂના પીઠામાં જઈને બેસી જાવ છો, જેથી વિચારોના કન્વેયર બેલ્ટ પરથી ઘડીવાર ઉતરી શકાય. આપણને સતત નવો અનુભવ કરવો છે, જેથી બોર ના થઇ જવાય, પણ દરેક અનુભવ તેની નિશ્ચિત અવધિ પછી નવીનતા ગુમાવી દે છે, અને તમારા બોરડમનો કન્વેયર બેલ્ટ પાછો ચાલુ થઈ જાય છે. બોરડમ તળિયા વગરના કૂવા જેવું છે. તમે એમાં ગમે તેટલાં એન્ટરટેઇનમેન્ટ અને ઍકસાઈટમેન્ટ નાખતા રહો, એ ભરાય જ નહીં.
5th June 2020
Morning Mushing:માત્ર ફોટો જોઇને ભડકીને કે ખુશ થઈને તત્કાળ ‘કોમેન્ટ’ કરવાને બદલે આ નાનક્ડી પોસ્ટ વાંચવાની પણ દરકાર રાખવા વિનંતિ છે. આ વખતના વાવાઝોડાનું નામ ‘નિસર્ગ’ કેટલું સરસ છે!
આ નામકરણ પણ દેશોના સમૂહની સંમતિથી કરાતું હોય છે. એ ગૃપમાં એશિયા-પેસિફિકના ૧૩ દેશો ભારત, પાકિસ્તાન, બાંગલાદેશ, માલદીવ્સ, મ્યનમાર, શ્રીલંકા, થાઇલેન્ડ, ઓમાન, કતર, ઇરાન, સાઉદી અરેબિયા, યુનાઇટેડ આરબ અમિરેટ્સ અને યેમન છે.
દરેક દેશ ૧૩ નામો આપી રાખે છે અને તે રીતે ૧૬૯ નામોની યાદી એપ્રિલ મહિનામાં સત્તાવાર રીતે બહાર પડી હતી. મજાની વાત એ છે કે ‘નિસર્ગ’ ભારતે પાડેલું નામ નથી!
ભારતનાં નામોમાં ગતિ, તેજ, વ્યોમ, વેગ અને જલદી જેવાં નામ છે. પણ ‘નિસર્ગ’ બાંગલાદેશે સૂચવેલું નામ છે. તેનાં નામોમાં ઉર્મિ, પ્રતિકૂલ, રજની પણ છે. પરંતુ, અમને રસ એ વાતમાં પડ્યો છે કે બાંગલાદેશે આપેલાં તેર નામો પૈકીનું એક ‘અર્નબ’ પણ છે.
એટલે કેટલાને એ ગમશે એ તો ખબર નથી; પણ ભવિષ્યમાં આવનારા એક વાવાઝોડાનું સત્તાવાર નામ ‘અર્નબ’ પણ હશે!😀
6th June 2020
Morning Musings...
પ્રેમમાં ભાવનાત્મક બુદ્ધિવાળી વ્યક્તિની ઓળખાણ:
તેને ખબર હોય કે પ્રેમ નશ્વર લાગણીના ક્ષણિક ઉભરા નહીં, પણ લાંબા ગાળાનો નક્કર હુન્નર છે.
તેને ખબર હોય કે એમાં વિશ્વાસ, ઉદારતા, વિનોદવૃત્તિ, સેક્સુઅલ સમજદારી અને સમર્પણ જરૂરી હોય.
તેને ખબર હોય કે આંતરિક પ્રાથમીકતાઓ અને બાહ્ય જરૂરિયાતો વચ્ચે કેવી રીતે સંતુલન કેળવાય
તેને ખબર હોય કે જીવનની ક્ષણભંગુરતા વચ્ચે કેવી રીતે આશાવાદી અને કૃતજ્ઞા રહીને જીવી શકાય
તેને ખબર હોય કે તે અમુક બાબતોમાં જ માનસિક રીતે સક્ષમ છે અને તેની બાકીની અધૂરપોને સ્વીકારવા તૈયાર હોય.
7th June 2020
Morning Musings...
દરેક સંબંધની યુનિયાદ સ્વાર્થ છે. સ્વાર્થનું સ્વરૂપ ભૌતિક કે માનસિક કરી હોઇ શકે, પણ એમાં પરસ્પરનાં હિતોની જ સંતુષ્ટિ હોય છે. એ જો ના હોય, તો સંબંધ શક્ય નથી. મને જે જોઈએ છે, તે તમે જો ના આપી શકો, તો હું કેવી રીતે તમારી સાથે સંબંધ ટકાવી શકું? પરસ્પરની જરૂરિયાતો જ સંબંધમાં બે વ્યક્તિઓને પાવરફુલ બનાવે છે. એટલા માટે જ એવું કહેવાય છે દરેક સંબંધ છેવટે તો પાવર-પ્લે જ હોય છે. આનું બીજું સત્ય એ છે કે, મારે તમારી પાસેથી, ભૌતિક કે ભાવનાત્મક, કશું જ જોઈતું ના હોય, તો તમારા પાવરની શું કિંમત? કોઇપણ પાવર જરૂરિયાત વગર બની ના શકે અને ટકી ના શકે.
8th June 2020
Morning Mushing: ન્યાયની ભાષા: અન્યાયની વાતમાં લોકો ક્યારેય એકમત નથી હોતા, તેનું કારણ આ છે. આ પ્રકૃતિનું સત્ય જીવો જીવસ્યમ ભક્ષ્યતિ પણ તેને સમાંતર સંસ્કૃતિનું સત્ય જીવો જીવસ્યમ રક્ષ્યતિ છે. આ મોટી માછલી કે અપવાદને બાદ કરતા દરેક જીવ તેના બચ્ચાનું રક્ષણ કરતા હોય છે! આ બન્ને ક્રિયા સમાંતર ચાલે છે તેથી પ્રકૃતિનો ક્ર્મ ચાલતો રહે છે.
9th June 2020
Morning Musings...
હું તમને પ્રેમ કરતો બંધ થઈ જાઉં, એ તમારા માટે ચિંતાનો વિષય નથી. તમારી મુસીબત એ હશે, જ્યારે મારામાં તમારી નફરત કરવાનો ભાવ બંધ થઈ જશે. પ્રેમમાં ઉષ્મા હોય, તીવ્ર આકર્ષણ હોય, કનેક્શન હોય. પ્રેમ જ્યારે નફરતમાં તબ્દીલ થઈ જાય, ત્યારે એ જ ગરમી, એ જ તીવ્ર ખેંચાણ અને એ જ કનેકટ સાથે તમે એ વ્યક્તિને ના-પસંદ કરો. જ્યારે નફરત જતી રહે, ત્યારે એ તીવ્ર ગરમી પણ જતી રહે. તમે બેકાર અને કુપાત્ર છો, તેનો અહેસાસ ત્યારે થશે, જ્યારે તમને મારી એ નેગેટીવ ગરમીનો અહેસાસ પણ બંધ થઈ જશે.
10th June 2020
Morning Musings...
રોમેન્ટિક પ્રેમમાં શરીરનો આનંદ એક સીમાંથી આગળ જઈને બોરિંગ અને એકવિધ થઈ જાય છે, તેનું મુખ્ય કારણ એ છે કે શરીર એક મશીનથી વિશેષ કશું નથી. નવા રમકડાંની જેમ, શરૂઆતમાં તે ઍકસાઈટમેન્ટ પૂરું પાડે, પણ પછી આપણને ઝડપથી ખબર પડવા માંડે કે આ તો ચાવી પૂરો તેટલા પૂરતું જ ચાલે છે. અસલમાં નવીનતા, તાજગી, મૌલિકતા મનમાં છે, કારણ કે માત્ર મન પાસે જ ખુદને રોજ નવું કરવાની ક્ષમતા છે. શરીર નવું નથી થઈ શકતું. એટલા માટે જ આપણે એક ડલ મનથી વિપરીત, એક ક્રિએટિવ મનના પ્રેમમાં આસાનીથી પડીએ છીએ, કારણ કે આપણને ઊંડે-ઊંડે એ અહેસાસ હોય છે કે મારા શરીરના બોરડમ અને એકવિધતાની ચાવી આ મનમાં છે. હકીકતમાં, મન ક્રિએટર છે, અને શરીર રિએક્ટર છે.
11th June 2020
Morning Musings...
સુખની ચાવી સાતત્યમાં છે. શ્રેષ્ઠ પુસ્તક એ નથી, જેમાં મહાન લખાણ હોય. શ્રેષ્ઠ પુસ્તક એ છે, જેને વાંચતી વખતે તમે હેઠું ના મુકો. શ્રેષ્ઠ સંબંધ એ નથી કે તમે શું મેળવ્યું. શ્રેષ્ઠ સંબંધ એ છે, જેમાં તમને ઈગો છોડવાનું વારંવાર મન થાય. શ્રેષ્ઠ વ્યાયામ એ નથી કે તમે કેટલા કલાક કરો છો. શ્રેષ્ઠ વ્યાયામ એ છે, જે કરવાની તમને રોજ મજા આવે. શ્રેષ્ઠ તંદુરસ્ત આહાર એ નથી કે તમે શું ખાવ છો. શ્રેષ્ઠ આહાર એ છે, જે તમને સ્વાદિષ્ટ લાગે. શ્રેષ્ઠ કામ એ નથી કે તમે કેટલું કરો છો. શ્રેષ્ઠ કામ એ છે, જેને તમે મફતમાં કરવા તૈયાર હો. જે કામમાં તમને આનંદ આવે, એમાં ઓટોમેટિક સાતત્ય આવી જાય. એટલે જ તમે જે કરો છો, તેમાં સાતત્ય છે કે નહીં, તેના પરથી સુખ નક્કી થાય છે. આદત એ સાતત્યનું બીજું નામ છે.
12th June 2020
Morning Musings...
તમે જેને પરંપરા કહો છો, તે કન્ડિશનિંગ છે. સંસ્કૃતમાં કન્ડિશનિંગ માટે શબ્દ છે, સંસ્કાર. આપણે જેને 'આપણે' કહીએ છીએ, તે પરંપરાનું રિઝલ્ટ છે. તમે ગમે તેટલા સુધારા કરો, પરંપરા ચાલતી જ રહે છે, કન્ડિશનિંગ થતું જ રહે છે, સંસ્કાર બનતા જ રહે છે. જીવનમાં બધું જ અસ્થાયી છે, અને તેને સ્થાયી કરવાનો પ્રયાસ વિકૃતિ છે, જેને તમે પરંપરા કે સંસ્કારનું નામ આપો છો. તમારા સંસ્કાર, તમારું કન્ડિશનિંગ, તમારી પરંપરા તમને તમારી આજુબાજુની દુનિયાથી અલગ કરે છે. આ ડિસ્કનેક્ટ માણસની બુનિયાદી સમસ્યા છે.
13th June 2020
Morning Musings...એક અંગત મિત્રની પોસ્ટ: આજે મારો છ વર્ષનો પુત્ર મંથન મને ત્રણ સવાલ કરે છેે,
૧) ભગવાને આપણને કેવી રીતે બનાવ્યા?
૨) આપણે ભગવાનને કેમ નથી જોઈ શકતા?
૩) એ આકાશમાં છે તો આપણે આકાશમાં કેમ નથી જઈ શકતા?'
કોઈ મદદ?
મારો જવાબ:
મનુષ્યો તરીકે આપણે બે વાસ્તવિકતાઓમાં જીવીએ છીએ: ભૌતિક વાસ્તવિકતા અને કાલ્પનિક 'વાસ્તવિકતા.' પશુઓથી વિપરીત, મનુષ્યનું મગજ કલ્પનાઓ કરવા અને તેમાં વિશ્વાસ કરવા માટે વિકસ્યું છે. માનવ સમાજ સામુહિક મિથકો પર નભે છે. આપણે કાગળના ટુકડામાં 100 રૂપિયાના મૂલ્યમાં વિશ્વાસ રાખીએ છીએ. આપણે સત્ય નામના કાલ્પનિક મૂલ્યમાં માનીએ છીએ. આપણે માનવધિકારને દૈવી આદેશ ગણીને માથે ચડાવીએ છીએ. આપણે બંધારણમાં લખેલા કાલ્પનિક વિચારને નક્કર માનીએ છીએ. બાળક તેની ઢીંગલીને ભાઈ કે બહેન તરીકે માને છે. આપણે રાષ્ટ્રઘ્વજના ગૌરવમાં વિશ્વાસ રાખીએ છીએ. આ બધું જ કલ્પનામાં છે, તે કુદરતી કે ભૌતિક નથી. આ આપણી કાલ્પનિક વાસ્તવિકતા છે. ઈશ્વર પણ આવી જ એક કાલ્પનિક વાસ્તવિકતા છે. તેની કથાઓ છે, કિસ્સાઓ છે, કલ્પનાઓ છે અને તે પેઢી દર પેઢી આગળ વધતી રહે છે. જે લોકો ઈશ્વરમાં નથી 'માનતા', તે પણ એક માન્યતામાં બંધાયેલા છે. માન્યતા એક અનોખી માનવીય પરિસ્થિતિ છે, જે અન્ય જીવ જગતમાં નથી. એ સાચી કે ખોટી ના હોય.
14th June 2020
Morning Musings...
સંગીત બે સુર વચ્ચેની ગેપમાં હોય. ગેપ વગર જે આવે, તે કોલાહલ કહેવાય. શાંતિ વિચારો, લાગણીઓ અને પ્રતિક્રિયાઓ વચ્ચેની ખાલી જગ્યામાં હોય. માનસિક સંતાપ ત્યારે થાય, જ્યારે વિચારો, લાગણીઓ અને પ્રતિક્રિયાઓ અવિરત ધસમસતાં રહે. એ જ રીતે, જીવન આપણે જે બાબતોથી ઘેરાયેલા છીએ તેમાં નહીં, એ બાબતી વચ્ચેની ખાલી જગ્યામાં હોય છે. તમે રેલવે ટ્રેઈન અને પ્લેટફોર્મ વચ્ચેની ગેપ જોઇ છે? ત્યાં ચઢ-ઉતર કરતી વખતે તમે એ ગેપ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે? જીવનમાં પણ એવું જ છે. Find your gap.
15th June 2020
Morning Musings...
લોકપ્રિયતા અને ડિપ્રેસન વચ્ચે ઘાનિષ્ઠ સંબંધ છે. પછી એ લોકપ્રિયતા સિનેમાના પડદા પરની હોય, સોશ્યલ મીડિયાની હોય કે અંગત સંબંધોની હોય. એ જ્યારે તમને ખુદના પ્રેમમાં પડવા તરફ લઈ જાય, ત્યારે તમે જરા સરખીય ઉપેક્ષા કે ટીકા પ્રત્યે આળા થઈ જાવ છો. બધા તમને પસંદ કરે તેવી જીદ, ન્યુરોટિક અવસ્થાની શરૂઆત છે. આપણે સામાજિક પ્રાણી છીએ અને બીજા લોકો આપણી કદર કરે, તેવી ઈચ્છા સ્વાભાવિક છે, પરંતુ જ્યારે બીજા લોકોનું એટેન્શન અને પુષ્ટિકરણ આપણી અનિવાર્યતા બની જાય, ત્યારે આપણે નાર્સીસ્ટિક (આત્મરતિ) વૃત્તિનો ભોગ બનીએ છે. આપણે જ્યારે બધાની પસંદ બનવા પર ફોકસ કરીએ છીએ, ત્યારે આપણે ખુદની વાસ્તવિકતા પરથી ફોક્સ ગુમાવી દઈએ છે. "મેં અપની/અપના ફેવરિટ હું" એ બોલવું-સાંભળવું રોમેન્ટિક લાગે, પણ હકીકતમાં એ હારેલો જુગાર છે, કારણ કે લોકોને તમારામાં નહીં, ખુદમાં રસ હોય છે. છેલ્લે આપણે ખુદને જ નફરત કરવા સુધી પહોંચી જઈએ છીએ.
જયારે જયારે કોઈ મિત્ર, સગું, સંબંધી કે સ્નેહી જિંદગીથી નાસીપાસ થઇને ખોટું પગલું ભારે ત્યારે એક વાક્ય અવશ્ય સાંભળવા મળે છે.
અરે કોઈની સાથે ખુલીને વાત કરી હોત તો ! અરે યાર દોસ્ત સાથે તો વાત શેર કરવી’તી !!!
પ્રશ્ન એ છે કે શું આપણે એવું વાતાવરણ પૂરું પાડીએ છે કે મિત્ર કે સંબંધી ખુલીને વાત કરી શકે? કોઈને પણ judge બન્યા વિના આપણે સાંભળવા તૈયાર છીએ?
સલાહ આપ્યા વિના સામેવાળાને ફક્ત સાંભળીને જ સાંત્વન આપવાની ધીરજ કે સમય આપણામાં છે?
જીવનના પથ પર વ્યક્તિ ઘણીવાર નાસીપાસ થાય છે, હતોત્સાહ થાય છે, ગૂંચવાઈ જાય છે, હતાશ થઇ જાય છે અને એમ વિચારી બેસે છે કે હવે કોઈ માર્ગ જ બાકી નથી રહ્યો. પણ એ કોઈ સાથે ખુલીને વાત કરતા ગભરાય છે કેમ કે એક એવો ડર રહે છે કે કોઈને કહીશ તો એ મારા વિષે શું સમજશે?
મેં મારા વિષે જે ઇમેજ બાંધી છે એ કડડભુસ થઈને તૂટી પડશે. અને સામે સલાહોનો ઢગ વરસી પડશે. વળી કોક તો છાનું છાનું હસશે પણ ખરું!
સલાહ, સરખામણી અને વ્યંગ. બસ આવો ડર જ વ્યક્તિને ખુલી ને વાત કરતા રોકે છે. આજકાલ તો બધા ને કહેવું જ હોય છે. કોઈની પાસે સાંભળવાનો સમય નથી.
બધાની જિંદગી એટલી વ્યસ્ત હોય છે કે અન્ય માટે તો સમય હોતો જ નથી. પણ આવું કૈક પણ બને તો એવું કહેવા તૈયાર થઇ જાય કે ભલા માણહ બે વાત તો કરવી’તી ?
લોકોને નથી ફોન ઉપાડવાનો સમય કે નથી મેસેજનો જવાબ આપવાની ચિંતા.
મેં હંમેશા એક વાત નોંધી છે કે ક્યારેય પણ આપણે કોઈને આપણા જીવનની કોઈ વાત કરીએ પછી ભલે એ સારી હોય કે ખરાબ. પણ સામે વળી વ્યક્તિ તમારી વાત સાંભળી ન સાંભળી કરીને એની જ જિંદગીનો એવો જ પ્રસંગ કે અનુભવ આલેખવા બેસી જાય છે.
આપણી વાત બાજુ પર રહી જાય છે. આપણને આનંદ અનુભવવા કે દુઃખ પ્રકટ કરવાનો મોકો મળતો જ નથી અને સામે સરખામણી આવી જાય છે. જો દુઃખની વાત કરીએ કે નિષ્ફ્ળતાની વાત કરીએ તો સલાહોની હારમાળા શરુ થઇ જાય છે.
એવું જરૂરી નથી કે હંમેશા વ્યક્તિને સલાહની જરૂર હોય. ઘણીવાર વ્યક્તિને ફક્ત સાંભળવાની જ જરૂર હોય છે.
એની પાસે ય પોતાની સમસ્યાનું વિશ્લેષણ હોય તો એ સાંભળવાની તૈયારી બતાવવી જોઈએ. એની પાસે ય વિકલ્પો હોય તો એ કઢાવવા જોઈએ.
આવા કેસીસમાં સલાહની નહીં પણ સપોર્ટની જરૂર છે. તું ચિંતા ન કરીશ હું બેઠો છું એવું કહેનાર જોઈએ. બોલ હવે શું કરવું છે આગળ? એમ કહીને હિંમત આપનાર મિત્રો ન હોય ત્યારે વ્યક્તિ હતાશ અને નાસીપાસ થઇ જાય છે.
દરેક વ્યક્તિ પાસે એવો મિત્ર તો હોવો જ જોઈએ કે જેના ખભે માથું મૂકીને હૈયું હળવું કરી શકાય. એવો સંબંધ હોવો જોઈએ એ જ્યાં અવહેલનાની બીક ન હોય. બસ આવો ખભો ધરવાની લાયકાત કેળવવાની જરૂર છે.
મિત્ર જો સંપર્ક ગુમાવી બેસે તો એટલી પૃચ્છા જરૂર કરી લેવી જોઈએ કે જિંદગીમાં સફળતાની દોટ વ્યસ્ત હોય તો વાંધો નહીં પણ જો ક્યાંક અટવાયો હોય કે ગૂંચવાયો હોય તો બેધડક કહેજે. કદાચ સમસ્યાનું નિરાકરણ ન કરી શકું કે માર્ગદર્શન પણ ન પણ કરી શકું પણ તને સાંભળીશ જરૂર !
જો તમને પણ મિત્ર તરીકે ક્યારેય પણ ‘ખભા’ની જરૂર પડે ત્યારે મને યાદ કરજો. હું તમને સાંભળીશ, અને મિત્ર જ બની રહીશ, ન્યાયાધીશ નહીં! હું તમને હસાવીશ જરૂર, તમારી સાથે હસીશ, પણ તમારી પર ક્યારેય નહીં હસું. 💕
16th June 2020
Morning Musings...
માણસ પ્રકૃતિથી દીર્ઘદ્રષ્ટિ વાળો નથી. એના વિચારો અને વ્યવહારમાં ટૂંકા ગાળાનાં સોલ્યુશન હોય છે. આ પેઈન-કિલર દવા જેવું છે. માણસ બીમારીના મૂળમાં જવાને બદલે, એનાં લક્ષણો માટે જે સહેલો અને પહેલો ઉપાય સામે આવે, એનાથી સંતોષ માની લે છે. માણસને આજની પડી હોય છે, વિચાર-વ્યવહારના લાંબા ગાળાની અસરોની નહીં. એટલા માટે જ, ચાહે રાજકારણ હોય, ધર્મ હોય, સમાજ હોય કે શિક્ષણ-સાહિત્ય-અર્થશાસ્ત્ર-ઇતિહાસનાં ક્ષેત્રો હોય, તેના આગેવાન તમારી ટૂંકી દ્રષ્ટિનો ફાયદો ઉઠાવે છે કે તમને લાંબા ગાળે સંકુચિતતામાંથી બહાર કાઢે છે, તેના પર સમાજના સહિયારા ભવિષ્યનો આધાર છે. દીર્ઘદ્રષ્ટિને એટલા માટે જ દુનિયાની તમામ સંસ્કૃતિઓમાં લીડરનો સૌથી અગત્યનો ગુણ માનવામાં આવ્યો છે.
17th June 2020
Morning Musings...
1. તમે જ્યારે શક્તિશાળી હો, ત્યારે કમજોર હોવાનો દેખાવ કરો, અને કમજોર હો, ત્યારે શક્તિશાળી હોવાનો. તેનાથી દુશ્મનમાં ઘમંડ આવી જશે.
2. તમારો પ્રતિસ્પર્ધી જો તેજ-મિજાજી હોય, તો તેને ખીજવો.
-સુન ત્ઝુ, 'આર્ટ ઓફ વોર'માં (ઇસુપૂર્વે 5મી સદી)
અસલી હાર-જીત મનની હોય છે
મન કે હારે હારીએ. મન કે જીતે જીત.
મન દેવે સત સાયબી. મન કરાવે ફજીત.
18th June 2020
Morning Mushing:આઈઝેક ન્યૂટને ૧૬૮૭માં સફરજનને નીચે પડતું જોઈને, પૃથ્વી પર ગુરુત્વાકર્ષણ છે તેવી શોધ કરી, તે ક્ષણને ૧૮૭૩માં એક જાપાનીઝ ચિત્રકારે આ રીતે ચિત્રિત કરી હતી. તેમાં બે મહત્વની વાત છે: એક, ન્યુટન વિસ્ફારિત આંખે સફરજનને જોઈ રહ્યો છે, જે તેની કુતુહલતા અને પૃથ્વી પરની એક 'ચમત્કારિક' ઘટનાના સાક્ષી બનવાનું પ્રતિક છે અને બે, સફરજનનો આકાર, જે લીબું જેવા જાપાનીઝ ઉમેબોશી ફળનું પ્રતિક છે. જાપાનમાં ત્યારે સફરજનનું આગમન થયું ન હતું, એટલે ચિત્રકારે તેની કલ્પના ઉમેબોશી જેવી કરી હતી. ૧૮૯૦ના દાયકામાં ભારતીય પ્રજાતિનાં સફરજન પહેલીવાર જાપાનમાં આવ્યાં હતાં.
19th June 2020
Morning Musings...
છેલ્લા ત્રણ-ચાર દિવસથી હું આ વિચારતો હતો. સુશાંત સિંહ રાજપૂતમાં આધ્યામિક ભૂખ હતી. ‘કેદારનાથ’ ફિલ્મના શુટિંગ સમયે તે આકાશમાં રોજ રાતે તારાઓ નીરખતો હતો. ‘સોનચીડિયા’ ફિલ્મના શુટિંગ વખતે તે ચંબલમાં ટેલિસ્કોપ લઈને ગયો હતો, જેથી નક્ષત્રનો અભ્યાસ કરી શકાય. ૨૦૧૮માં તેણે ટવીટર ઉપર એક બુક ક્લબ (@intoxillectual) શરુ કરી હતી, જેમાં તેણે દુનિયાભરના પુસ્તકપ્રેમીઓને તેમના વિચારો પેશ કરવા આમંત્રણ આપ્યું હતું. સુશાંતને ભૌતિકશાસ્ત્રમાં દિલચસ્પી હતી. તેના મિત્ર અને બ્લેક હોલ એસ્ટ્રોફિઝીસીસ્ટ (મૂળ વડોદરાના), ડો. કરણ જાનીએ સુશાંતને ‘સાધક અને ગહન જિજ્ઞાસુ માણસ’ ગણાવ્યો હતો. સુશાંતનું ઘર નોન-ફિક્શન પુસ્તકોથી ભરેલું હતું. સુશાંત ફ્રેંચ અસ્તિત્વવાદી ફિલોસોફર જ્યાં-પોલ-સાર્ત્ર અને જે. કૃષ્ણમૂર્તિને વાંચતો હતો. સારા અલી ખાન કહે છે કે સુશાંત તેની સાથે ફિલોસોફીની વાતો કરતો હતો. આ જ્ઞાન તેને અણીની પળે કામ કેમ ના લાગ્યું? એ જે પણ સમસ્યાઓ સાથે ઝઝૂમી રહ્યો હશે, ફિલોસોફી તેની મદદે કેમ ના આવી? મને સમજાયું કે તમે ગમે તેટલું જ્ઞાન ભેગું કર્યું હોય, એ જો જીવાતા જીવનની સમસ્યા અને પડકારોનો સામનો કરવા માટે તમને સક્ષમ ના બનાવે, તો તે નકામું છે. ફિલોસોફીકલ સમજણ તમારી પાંચ ઇન્દ્રિયોની સચ્ચાઈની સામે કાઉન્ટર-બેલેન્સ ઉભું કરવા કામ ના આવે, તો તે નકામી છે. જ્ઞાન તમારા આચાર, વિચાર અને અહેસાસને ના બદલે તો, એ જ્ઞાન વ્યર્થ છે. જ્ઞાન તમને (પૈસા કમાવવા માટે) હોંશિયાર બનાવે છે, પણ માણસ તરીકેની તમારી ત્રુટીઓથી મુક્તિ નથી અપાવતું. કોઈ એક ક્ષણે સમજાય કે દુનિયાની બધી જ ફિલોસોફી, મોટીવેશન્સ, નોલેજ કશું જ કામમાં આવતું નથી. ઈમ્પોર્ટન્ટ છે તમારી જીંદગીમાં કોઈ એક વ્યક્તિનું પણ હોવું જે તમને જીવવાનું બળ આપે.
20th June 2020
Morning Musings...બીજાને જજ કરતા રહેવાની વૃતિ ઊર્ધ્વ (વર્ટિકલ) સંબંધમાંથી આવે, જેમાં તમને ઉપર હોવાનો ભ્રમ હોય અને બીજી વ્યક્તિ નીચે. તેમાં તમને દરેક વ્યક્તિ તમારા દરજ્જો માટે ખતરા સમાન લાગે, એટલે તમે વધુને વધુ જજમેન્ટ સાથે ઊંચા થતા રહો. તેનાથી વિપરીત, જજમેન્ટની ગેહાજરી, સમાંતર (હૉરિઝૉન્ટલ) સંબંધનો પુરાવો છે, જેમાં તમે આડી લિટીમાં જોડાયેલા હો અને બીજી વ્યક્તિ સાથે સમજદારીની જુગલબંધી સાધવા ઉત્સાહિત હો.
21st June 2020
Morning Musings...એક પિતા માટે સંતાનો હોય, તે બહુ સાધારણ બાબત છે, પરંતુ સંતાનો માટે એક અસલી પિતાનું હોવું, એ ચમત્કારથી કમ નથી. સંતાન માટે એક અસલી પિતા સો શિક્ષકો બરાબર છે. પિતાઓને ટેક્ન ફોર ગ્રાન્ટેડ લેવાય છે. સરખામણી નથી, પણ પિતાઓની વાત આવે, ત્યારે માતા જેવી ભાવુકતાની ગેરહાજરી હોય છે, કારણ કે પિતા પારિવારિક આકાશમાં એક એવો સુરજ છે, જે ઉષ્મા તો આપે છે, પણ જેની નજીક ના જઈ શકાય. એ જ્યારે આથમે અને ઠંડી લાગે, ત્યારે જ ગેરહાજરીનો અહેસાસ થાય. પિતાનો પ્રભાવ ઘણો સિરિયસ અને સિગ્નીફિકન્ટ હોય છે. આપણે જવ્વલે જ તે સમજી શકીએ છીએ. જીવનમાં સંતાનની સફળતા, તેના આત્મવિશ્વાસ, ફલેકસીબીલિટી અને શારીરિક-માનસિક તંદુરસ્તી પર પિતાની અસર ઘણી હોય છે. ઘણીવાર પિતાઓને ખુદને આની ગંભીરતાનો ખ્યાલ નથી હોતો.
વર્લ્ડ રેફ્યુજી ડે: (22nd June) અત્યારે દુનિયાની એક માત્ર સૌથી ગંભીર ક્રાઇસીસ નિરશ્રીતોની છે. આ મોરલ ક્રાઇસીસ પણ છે. આપણું સહિયારું ભવિષ્ય કેવું હશે એનો આધાર આ સમસ્યા સાથે આપણે કેવો વ્યવહાર કરીયે છીએ તેના પર છે. જમીન જો સલામત હોય તો કોઈ એના સંતાનને પાણીમાં ના ઉતારે. આપણે જેને માનવ ઇતિહાસનો ગોલ્ડન યુગ કહીયે છીએ, તેમાં એક એક દેશની સરહદો ભૂખ્યા, પ્યાસા, નાગા લોકોથી ઉભરાઈ રહી છે, એ પણ આપણા વિકાસ જેટલી જ નક્કર હકીકત છે. જેની પાસે જરૂર કરતાં વધુ રોટી, કપડાં અને મકાન છે, એને રાતના અંધકારમાં જીવ બચાવવા, ભુખ મિટાવવા, હિંસાથી બચવા, સંતાનોનું સલામત ભવિષ્ય બનાવવા કરોડો લોકો, અત્યારે, આ મિનિટે, પુરી દુનિયાની સરહદોની ખાક છાની રહ્યા હોય, એનો અંદાઝ ના આવે એ સ્વાભાવિક છે.
23rd June 2020
Morning Mushing:વિજ્ઞાનીઓનું નક્ષત્ર રચાય, તો કેવું હોય?
1927માં, બ્રસેલ્સમાં ભૌતિકશાસ્ત્ર અને કેમેસ્ટ્રીની 5મી સોલવે કોન્ફરન્સમાં ઉપસ્થિત 29 ભૌતિકશાસ્ત્રીઓનો અમૂલ્ય અને દુર્લભ ફોટોગ્રાફ.
એમાં સૌથી યુવાન (ક્વોન્ટમ મિકેનિક્સના પ્રણેતા) જર્મન ભૌતિકશાસ્ત્રી વેર્નર હેઈસબર્ગ 26 વર્ષના હતા અને (આઈન્સ્ટાઈનની બાજુમાં બેઠેલા) ડચ ભૌતિકશાસ્ત્રી હેન્ડરિક લોરેન્ઝ 74 વર્ષના હતા.
લોરેન્ઝની બાજુમાં પોલિશ કેમિસ્ટ મેરી ક્યુરી છે. કોન્ફરન્સમાં એ એકમાત્ર મહિલા વિજ્ઞાની હતી. આ કુલ 29 વિજ્ઞાનીઓમાંથી 17ને ભવિષ્યમાં નોબેલ પારિતોષિક મળવાનું હતું. ક્યુરી એકમાત્ર મહિલા વિજ્ઞાની છે, જેને બે વખત (1903માં ભૌતિકશાસ્ત્રનું અને 1911માં કેમેસ્ટ્રીનું) નોબેલ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું છે.
બ્રસેલ્સમાં યુરોપિયન સંસદની ઈમારતની પાછળ બગીચામાં આ તસવીર લેવામાં આવી હતી, જે બ્લેક એન્ડ વ્હાઇટ હતી, પણ પછી કલર કરવામાં આવી હતી.
કોન્ફરન્સમાં હેઈસબર્ગની ક્વોન્ટમ થિયરી અને અન્સર્ટન્ટી સિદ્ધાંતની આઈન્સ્ટાઈન અને ડેનિશ ભૌતિકશાસ્ત્રી નેલ્સ બોહર (જમણે બીજી કતારમાં) દ્વારા બહુ જુસ્સાથી ચર્ચા કરવામાં આવી હતી.
બોહર પછીથી 20મી સદીના ધૂંઆધાર વિચાર જે. કૃષ્ણમૂર્તિના 'દિવાના' થઈ ગયા હતા અને બંને વચ્ચે અફલાતુન સંવાદો થયા હતા.
24th May 2020
Morning Musings...સુના હૈ દિન કો ઉસે તિતલિયાં સતાતી હૈ
સુના હૈ રાત કો જુગનું ઠહર કે દેખતે હૈ
-અહેમદ ફરાઝ
આ એ વખતની વાત છે, જ્યારે આપણી આજુબાજુ પતંગિયાં ઉડતાં હતાં અને રાતે ઘર પર આગિયા ફરતા હતા. હવે ના એ બગીચા છે કે ના એ રાતો. હવે પતંગિયાંની જગ્યાએ નોટિફિકેશન છે, અને આગિયાની જગ્યાએ મોબાઈલ સ્ક્રીનનાં અજવાળાં છે. ફરાઝ સાહેબ ની માફી સાથે જો આજે હોય તો સાહેબ કઈંક આવું લખે:
સુના હૈ દિન કો ઉસે comment સતાતી હૈ
સુના હૈ રાત કો લોગ Like કરકે દેખતે હૈ
25th June 2020
Morning Musings...જે લોકો સવિશેષ બુદ્ધિશાળી હોય, તે પરિવાર, સમાજ, સેક્સ કે ધર્મનાં પરંપરાગત મૂલ્યોની અંદર ના જીવે. એવા લોકો સામાજિક આઉટલાયર કહેવાય, જે પરંપરાના ફોલ્ડની બહાર જઈને જીવે. ધુંઆધાર કલાકારો, વૈજ્ઞાનિકો, લેખકો અને વિચારકો આ સંદર્ભમાં અ-સામાજિક હોય છે. ઉત્ક્રાંતિએ એવા બુદ્ધિશાળી લોકોમાં પ્રગતિશીલ અને નવીન મૂલ્યો તરફની ચાહના મૂકી છે. પરંપરાગત મૂલ્યો એટલે પૂર્વજો તરફથી મળેલા આદર્શ, રિવાજ, નિયમ અને માન્યતાઓ. અત્યાધિક બુદ્ધિશાળી લોકો ખુદનાં મૂલ્યો બનાવે. તે લોકો સામાજિક, ધાર્મિક અને રાજકીય પ્રાથમિકતાઓમાં વધુ ઉદાર અને ખુલ્લા મનના હોય છે. આ એમની ઉત્ક્રાંતિક જરૂરિયાત હોય છે. તેનાથી વિપરીત, જે લોકો રૂઢીચુસ્ત છે, પરંપરાની દુહાઈઓ આપતા રહે છે અને આચાર-વિચારની 'શુદ્ધતા'ના દુરાગ્રહી છે, તે કટ્ટર અને બુદ્ધિ વિરોધી હોય છે.
26th June 2020

ગોસિપ એનું જ થાય, જે તમારા કરતાં ઉપર છે, પાવરફુલ છે અને સફળ છે. ગોસિપ એ જ કરે, જે નીચે છે, તુચ્છ છે અને અસફળ છે. ગોસિપ તમે નોંધપાત્ર રીતે જીવતા હોવાનો પુરાવો છે. ઉપેક્ષા થાય, તેના કરતાં ગોસિપ થાય તે રીતે જીવવું બહેતર. ગોસિપ કરવા માટે જીવન સમૃદ્ધ હોવું જોઈએ. સરોવરોનું ગોસિપ ના થાય. ગોસિપ સમુદ્રનું જ થાય.
27th June 2020
Morning Musings...સકારાત્મક વિચારો કરતાં નકારાત્મક વિચારો વધુ શક્તિશાળી હોય છે, તેનું કારણ એ છે કે આપણને સકારાત્મક વિચારો કરતાં નકારાત્મક વિચારોમાં વિશ્વાસ વધુ હોય છે. પ્રકૃતિએ આપણામાં જે લાગણીઓ મૂકી છે, તે ઉદારવાદી ઓછી અને સરમુખત્યાર વધુ છે. વિચારો તેનું પ્રતિબિંબ છે. ગુફાવાસના સમયથી આપણું મગજ જોખમોના સંકેતોને જલ્દી પકડવા ટેવાયેલું છે. એટલે જ મીડિયામાં લૂંટફાટ, ખૂન, બળાત્કારના સમાચારનો પ્રભાવ વધુ હોય છે, આપણને બીજાના ગોસીપમાં વધુ વિશ્વાસ હોય છે અને ચૂંટણીઓમાં કાદવ-ઉછાળ વાતોને વધુ શ્રોતાઓ મળે છે. આપણે સકારાત્મક માણસો નથી, આપણે સ્વાર્થી માણસો છીએ. જે વિચાર કે લાગણી 'કામ'ની લાગે, તેને આપણું મન અપનાવે છે. દુનિયામાં શાંતિ કરતાં યુદ્ધ વધુ વાસ્તવિક છે, તેનું કારણ આ છે.
28th June 2020
Morning Musings...વ્યવસાયિક સંબંધ અને અંગત સંબંધ બંને સહિયારી પ્રગતિ પર જ ટકે. તમે જે કંપનીમાં કામ કરો છો, તે કંપની તમારા કારણે પ્રગતિ કરે અને કંપનીના કારણે તમે પ્રગતિ કરો, તો તમે એકબીજાના પૂરક કહેવાવ. તેવી જ રીતે, અંગત સંબંધમાં તમે એકબીજાના વિકાસમાં યોગદાન આપવા યોગ્ય હો, તો જ તે સંબંધ આગળ ચાલે. ઉત્તમ સંબંધ એ છે, જે તમને વૈચારિક રીતે, ભાવનાત્મક રીતે અને વ્યવહારની રીતે બહેતર ઇન્સાન બનાવે.
29th June 2020
Morning Musings...કોઈપણ બાબતને કે વ્યક્તિને માત્ર ચાહવા કે ધિક્કારવા સિવાય પણ એક ત્રીજો, અને વધુ ઉત્તમ, વિકલ્પ તેને સમજવાનો છે. જીવનનો ખરો સાર આ સમજણની ક્ષમતામાં છે. જેને કુતૂહલ છે, જેને જાણવું છે, જેને પોતાની ધારણા કે લાગણીમાં અંધશ્રદ્ધા નથી, તે વ્યક્તિ સમજવાની અને શીખવાની કોશિશ કરે છે. પૂર્વગ્રહ જજમેન્ટ આપે (ચાહવાનું કે ધિક્કારનું).
30th June 2020
Morning musings...આટલા ભ્રમોમાંથી જેટલા વહેલા બહાર આવી જાવ, જીવનનો એટલો રસ્તો વધુ સંતોષી રહેશે.
1. ઉજળું ભવિષ્ય મારી રાહ જોઈ રહ્યું છે.
2. એક દિવસ મારી તમામ મુસીબતો ગાયબ થઈ જશે.
3. સ્થિતિ બદલાઈ જશે, તો મારા પ્રશ્નો હલ થઈ જશે.
4. હું સફળ કે પૈસાદાર હોઈશ તો સુખ જ સુખ હશે.
5. ધારેલું કામ પાર પડી જાય પછી જીવનભરનો સંતોષ.
6. આ બધું પતે પછી શાંતિથી જીવવું છે.
1st July 2020
Morning Musings...તમને ખુદથી જો ચેન ના હોય, તો તમને બીજાથી પણ ચેન નહીં હોય. બીજાથી તમને જે સમસ્યા છે, તેનું મૂળ તમારી અંદર છે. નાના બાળકો જેમ જે ખોળામાં જઈને બેસે ત્યાં પેશાબ કરે છે, એવી જ રીતે આપણે જેને પણ મળીયે છીએ, આપણી 'લીક' થઈ જવાની મુસીબત સાથે મળીયે છીએ. પ્રોબ્લેમ ખોળાનો નથી. ખુદ સાથે દ્વંદ્વ કરતા રહેવું, અને એના માટે બીજાને દોષ દેવો એ આપણી બુનિયાદી વૃત્તિ છે.
2nd July 2020
Morning Musings...તમે દુનિયાભરમાં ફરી આવ્યા હો, તમે પૃથ્વી પરનું એક એકથી સ્વાદિષ્ટ ખાવાનું ખાઈ આવ્યા હો, તમે ઈતિહાસનાં તમામ મહાન પુસ્તકો વાંચેલાં હોય, તમારા ઘરમાં તમામ શ્રેષ્ઠ ફિલ્મોનું કલેક્શન હોય, તમારી દીવાલો પર પાબ્લો પિકાસો લટકતો હોય, તમારા શરીર પર બેસ્ટ ડિઝાઈનર કપડાં શોભતાં હોય, તમારા દોસ્તોની યાદી હજારોમાં હોય, તમારી ખ્યાતિ દરિયાપાર હોય, તમે સમાજના તમામ મોટા લોકો વચ્ચે ઘૂમતા હો, તમને બહુ બધાં ઇનામ મળ્યાં હોય, તમને રોજનું એક આમંત્રણ કાર્ડ મળતું હોય...
...છતાં, તમારા જીવનની ગુણવત્તા તો ત્યારે જ નક્કી થાય, જ્યારે તમે આમાંનું કશું જ કરતા ના હો.
3rd July 2020
Morning Musings...નાર્સિસિસ્ટિક એટલે એવી વ્યક્તિ જે બીજી વ્યક્તિને આયનો બનાવીને ખુદના પ્રતિબિંબને પ્રેમ કરે, અને બીજી વ્યક્તિને એવું લાગે કે એને દુનિયાનો સૌથી મહાન પ્રેમ મળી રહ્યો છે. પ્રોબ્લેમ વધુ જટિલ ત્યારે થાય, જ્યારે નાર્સિસિસ્ટિકને એના ખરાબ ચહેરા માટે આયનો જવાબદાર લાગવા માંડે.
4th July 2020
Morning Musings...ઉત્કટ પ્રેમ હોય, તો વ્યક્તિ કાનમાં આવીને બોલે. ક્રોધિત હોય, તો ચિલ્લાઈને બોલે.
માણસ સત્ય બોલતો હોય, તો ધીમેથી બોલે. જૂઠ બોલતો હોય, તો જોરથી બોલે
5th July 2020
Morning Musings...એક સ્વામીએ એક વિધાર્થીને પૂછ્યું, 'તું કોલેજ કેમ જાય છે?' વિધાર્થીએ કહ્યું, 'જ્ઞાન મેળવવા.'
'તને ભણવાનું એટલું બધું ગમે?'
'કેવી વાત કરો છો! એની મજા થોડી આવે! હું તો ડીગ્રી માટે ભણું છું.'
'ધારો કે હું તને ડીગ્રી આપું તો?' સ્વામીએ પૂછ્યું
'એનાથી કામ મળે?' વિદ્યાર્થીએ સામે પૂછ્યું
'એક મિનિટ. ડીગ્રી જોઈએ છે કે કામ?'
'અરે પણ ડીગ્રી હોય તો કામ મળે ને!'
'કામ જોઈતું તો અમારા મિશનમાં ચાલ. અમે બહુ ગામો અને શહેરોમાં કામ કરીએ છીએ.'
'એમાં પૈસા મળે?' વિદ્યાર્થીએ પૂછ્યું
'તું નક્કી કર. કામ.જોઈએ છે કે પૈસા?'
'કેવી વાત કરો છો! પૈસા તો જોઈએ ને!'
'ઓકે. હું તને પૈસા આપું તો?'
'ઓહ, રિયલી? હું એમાંથી ફરારી કાર લઈ શકું? પેન્ટહાઉસ બનાવી શકું ને?'
'ના, હોં. પૈસા બેંકમાં રાખી મુકવના. તે કહ્યું કે પૈસા જોઈએ છે. તે કાર ખરીદવાની વાત કરી ન હતી, ' સ્વામી બોલ્યા.
'અરે પણ હું પૈસા વાપરી ના શકું તો એને શું કરવાના? મારે ઘર લેવું છે, મારે સ્માર્ટ ગેઝેટ્સ ખરીદવા છે, મારે દુનિયાભરમાં ફરવા જવું છે, મારે ફરારી કાર ફેરવવી છે, મારે મારી ગર્લફ્રેન્ડને લોન્ગ ડ્રાઇવ પર લઈ જવી છે,' વિધાર્થી બોલ્યો
'ઓહ, તારે આ બધું કરવું છે! ઓકે, પણ આ બધું કેમ કરવું છે?' સ્વામીએ પૂછ્યું
'અરે મારે સુખી થવું છે.'
'પણ તારે સુખી કેમ થવું છે?' સ્વામીએ પૂછ્યું.
પેલો વિધાર્થી આ પાગલ સ્વામીથી અકળાઈને જતો રહ્યો. તેની પાસે છેલ્લા સવાલનો જવાબ ન હતો.
આપણે ડીગ્રી મેળવવા ભણીએ છીએ, જેથી કામ મળે, જેથી પૈસા મળે, જેથી કાર મળે, જેથી ગર્લફ્રેડ મળે, જેથી લગ્ન કરી શકાય, જેથી સુખી થવાય (અને ડિવોર્સ પણ લઈએ છીએ, જેથી વધારે સુખી થવાય!). આપણી સમસ્યા એ નથી કે જે જોઈએ છે, તે મળતું નથી. આપણી સમસ્યા એ છે કે આપણને એક જ સમયે અલગ-અલગ ચીજ જોઈએ છે. એક જ સમયે એક જ ચીજ મેળવવી બહુ આસાન છે, અને સંપૂર્ણ સુખ એ એક ચીજ અને એ સમયમાં જ છે.
6th July 2020
Morning Musings...વૈચારિક સમજદારીના કારણે બ્રહ્માંડ સાથેના સંબંધને લઈને માણસની ધારણા સીમિત થઈ જાય છે. દાખલા તરીકે કોઈ બિન-જરથુષ્ટ્રવાદીને એવું લાગે કે જરથુષ્ટ્ર એક પાગલ માણસ હતો, જેણે લાખો ભોળા લોકોને અગ્નિની પૂજા કરતા અનુયાયીઓમાં ફેરવી નાખ્યા, પણ એ 'પાગલપન' વગર જરથુષ્ટ્ર બીજા કરોડો વ્યક્તિઓ પૈકીનો જ એક હોત, જે જીવ્યો હોત અને ભુલાઈ ગયો હોત. લોકો હંમેશાં એવું માનતા હોય છે કે માનસિક અસ્વસ્થ લોકો વેદના અનુભવતા હશે. મારા મતે પાગલપન એક એસ્કેપ છે. તમારું વાસ્તવિક જીવન સારું ના હોય, તો તમે પગલપનમાં કોઈ બહેતર સ્થિતિની કલ્પના કરવા લાગી જાવ છો, એટલું જ. -જ્હોન નેશ, નોબેલ પારિતોષિક વિજેતા અમેરિકન ગણિતજ્ઞ, પાગલપનમાંથી બહાર આવ્યા પછી.
7th July 2020
Morning Musings...લેખકો બે પ્રકારના હોય; એક, એમના લખાણમાં પોતાની વિકૃતિ બતાવીને વાંચકોનું મનોરંજન કરે અને બે, એમના લખાણોમાં વાચકોની વિકૃતિ બતાવીને તેમને જાગૃત કરે.
8th July 2020
Morning Musings...સૌથી હોંશિયાર લોકોમાં પાંચ દુર્લભ ગુણ હોય છે:
1. તેમને બોલવા કરતાં સાંભળવામાં વધુ રસ હોય.
2. તેઓ ખોટી માન્યતાઓ ઘડીના છઠ્ઠા ભાગમાં ત્યજી દે
3. તેમનો અહંકાર નાનો હોય, અને કુતુહલ મોટું હોય
4. આત્મ-સંયમી હોય અને આવેગ પર નિયંત્રણ હોય.
5. ટોળામાં રહેવા કરતાં એકલા રહેવાનું પસંદ કરે.
આવા લોકોમાં જ સફળતા, સુખ અને સંતોષનો દુર્લભ
ત્રિવેણી સંગમ થાય.
9th July 2020
Morning Musings...દસ લાખ વર્ષ પહેલાં, હથિયાર વગરનો, નાના મગજવાળો અને એકમાત્ર શરીરની તાકાતવાળો ગુફાવાસી માણસ તેની પત્ની અને બાળકોનું પેટ ભરવા કામયાબ રહેતો હતો. એના મારફતે મનુષ્ય જાતિ આગળ વધી. બીજી તરફ એનાથી વિપરીત, ઉત્પાદનનાં અત્યાધુનિક સાધનોવાળા તમે, ગુફાવાસી માણસની ઉત્પાદન ક્ષમતાને લાખો ઘણી વધારી રહ્યા છો-પણ તમે અસમર્થ અને અણઘડ છો, તમે લાખો લોકો એમનું શારિરીક જીવન ચલાવી શકે એટલી મામુલી બ્રેડ પણ સુરક્ષિત કરી શકવા સક્ષમ નથી. તમે દુનિયાને બરબાદ કરી નાખી છે, અને એ દુનિયા તમારી પાસેથી છીનવાઈ જવાનો છે.
-જેક લંડન, અમેરિકન નવલકથાકાર, ન્યુયોર્કના સમૃધ્ધ લોકોને આપેલા એક ભાષણમાં
10th July 2020
Morning Musings...તમે જો તમારી જાતને બીજા કરતાં ચઢિયાતી કે બહેતર ગણતા હો અને તમે બીજા વિશે જજમેન્ટ આપતા રહેતા હો, તો એક વાત સમજવા જેવી એ છે કે, તમે જે છો, એમાં તમારી કોઈ ચોઇસ નથી. તમે જે જીન્સ સાથે પેદા થયા છો, તમે જે વાતાવરણમાં મોટા થયા છો અને તમે જે સામાજિક પ્રભાવમાં ઘડાયા છો, તે એક અકસ્માત છે, આવડત નહીં. તમે જે છો, તેનું આટલું ગૌરવ શું કામ? તમે તો તમારા માતા-પિતાના મિલનની બાય-પ્રોડક્ટ છો. એમાં તમારી સિદ્ધિ શું? એવું પણ શક્ય છે કે, તમે જેને નાપસંદ કરો છો, તે વ્યક્તિનો અકસ્માત તમારી સાથે થયો હોત, તો તમે પણ એના જેવા જ 'કમ અક્કલ' અને 'બદસુરત' હોત. એવું પણ શક્ય છે કે, તમે કોઈ કારણથી પેદા જ ના થયા હોત. કોઇપણ ગૌરવ અને જાત કે બીજા માટેનું જજમેન્ટ અજ્ઞાનતામાંથી આવે છે. પોતાની સાથેના અકસ્માતનું કે યોગાનુયોગનું ગૌરવ કેવી રીતે હોય?
11th July 2020
Morning Mushing: રેલવે સ્ટેશનોની, ખાસ કરીને અંતરિયાળ વિસ્તારોમાં આવેલાં સ્ટેશનોની, સુંદરતા અનોખી હોય છે. એક તો એનો સુનકાર ભર્યો ભર્યો હોય. સવાર-સાંજ એકાદ ટ્રેન માંડ આવતી હોય, પરંતુ સ્ટેશન તૈયાર એવી રીતે બેઠું હોય, જાણે કોઈ એકલું વૃક્ષ વટેમાર્ગુના ઇંતેજારમાં હોય.
મને ગુલઝાર સાહેબ ની એક 32-33 વર્ષ જૂની 'ઇજાજત' ફિલ્મ યાદ આવે છે તેમણે ફિલ્મોમાં એકલવાયાં રેલવે સ્ટેશનોને ખૂબસૂરતીથી પેશ કર્યા છે. તેમાં ત્રણ મુખ્ય પાત્રો હતાં: રેખા, નસીરુદ્દીન શાહ અને એક અટુલુ રેલવે સ્ટેશન.
દરેકના જીવનમાં આવાં નાનાં સ્ટેશનોની અનોખી કહાનીઓ હોય છે. કેરળના મલાપ્પુરમ જિલ્લામાં ગુલમહોરના ફૂલોથી આચ્છાદિત મેલ્લાતુર રેલવે સ્ટેશન પણ બેહદ ખૂબસૂરત છે, જાણે ફિલ્મના સેટમાંથી બહાર આવ્યું હોય. આ તસવીરો મે મહિનામાં લોકડાઉન વખતે લેવાઈ હતી અને સ્થાનિક સમાચારપત્રોમાં પ્રકાશિત થઈ હતી. આવાં પિક્ચર પોસ્ટકાર્ડ જેવાં રેલવે સ્ટેશન ભારતમાં બહુ જૂજ છે.
12th July 2020
Morning Mushing:નૂરી ઓ નૂરી...
પ્રાણીઓનાં કલોનિંગ અને જીનેટિક્સ પર કામ કરી રહેલા વિશ્વના વૈજ્ઞાનિકો માટે આનાથી મોટા ખુશીના સમાચાર શું હોય!
કાશ્મીરમાં પશ્મિના ઉનના વ્યવસાયમાં ક્રાંતિ લાવવા માટે ક્લોનિંગ કરીને પેદા કરવામાં આવેલી વિશ્વની પ્રથમ પશ્મિના બકરી 'નૂરી' આઠ વર્ષની થઈ છે, અને તેણે ચાર બચ્ચાને જન્મ પણ આપ્યો છે. શ્રીનગરની શેર-એ-કાશ્મીર યુનિવર્સિટી ઓફ એગ્રીકલ્ચર સાયન્સ એન્ડ ટેકનોલોજીના એનિમલ ડિવિઝનના વડા ડો. રિયાઝ શાહ અને તેમની ટીમે બે વર્ષની મહેનત પછી 2012માં ભારતને બીજા ક્લોન પશુ (અને દુનિયાની પહેલી બકરી)ની ભેટ આપી હતી. તેને 'નૂરી' નામ આપવામાં આવ્યું હતું. ભારતની પહેલી ક્લોન ભેંસ 2009માં હરિયાણામાં પેદા થઈ હતી.
"નૂરી તંદુરસ્ત છે. તેણે ચાર સંતાનને જન્મ આપ્યો છે, જેમાં ત્રણ નર છે અને એક માદા છે. તે આઠ વર્ષની થઈ છે. પશમીના બકરીની સામાન્ય ઉંમર આઠથી દસ વર્ષની હોય છે, " એમ ડો. શાહે ધ કાશ્મીર મોનિટર સમાચારપત્રને કહ્યું હતું. નૂરી કેટલું જીવશે? તેનો જવાબ નથી. અહીં, 25 પશ્મિના બકરીઓને ઉછેરવામાં આવી રહી છે, અને 'નૂરી' તેમની વચ્ચે રહે છે. કાશ્મીરમાં, ખાસ કરીને લદાખમાં લોકો માટે પશ્મિના ઉન રોજી-રોટીનું સૌથી મોટું સાધન છે.
2016 મા ફિતુર ફિલ્મ મા એક ગીત હતું પશ્મિના ના ધાગો સે......
1996 ની સાલમાં ડોલી નામની ઘેટી ક્લોન દ્વારા બનાવવામાં આવી હતી. ડોલી દુનિયાની પ્રથમ ઘેટી હતી, જેને સ્કોટલેન્ડમાં એક વયસ્ક સેલમાંથી ક્લોન કરવામાં આવી હતી.
બાકી આમ જોવા જઈએ તો ક્લોન એટલે માણસનું ઈશ્વર બનવા તરફનું પહેલું નાનકડું કદમ!
13th July 2020
Morning Musings...અમેરિકન ગૃહ યુદ્ધવેળા ગ્રેટ બ્રિટનના સમ્રાટ કિંગ જ્યોર્જે તેમના અમેરિકન પેઈન્ટર બેંજામીન વેસ્ટને પૂછ્યું હતું કે સ્વતંત્રતા મળ્યા પછી આ તમારો જયોર્જ વોશિંગ્ટન શું કરશે? ત્યારે વેસ્ટે કહ્યું હતું, "મેં સાંભળ્યું છે કે તે પાછા ખેતી કરવા લાગી જશે." અચંબિત સમ્રાટે કહેલું, "તો તો એ દુનિયામાં મહાન માણસ સાબિત થશે."
સાર: સત્તા સોંપવા માટેનો સૌથી શ્રેષ્ઠ માણસ એ છે, જેને સત્તાની દરકાર ના હોય, પણ સામાજીક જવાબદારીના ભાગ રૂપે લેવા તૈયાર હોય. સૌથી અયોગ્ય એ છે, જે સત્તા માટે મરતો હોય. એટલા માટે રાજકારણમાં ટર્મ મર્યાદા હોવી જોઈએ.
(જયોર્જ વોશિંગ્ટન અમેરિકાના પ્રથમ રાષ્ટ્રપતિ હતા અને તેમણે ઇતિહાસના સૌથી મહાન અને તાકાતવર રાષ્ટ્રનો પાયો નાખ્યો હતો. એ ખેડૂતનું સંતાન હતા અને ઔપચારિક શિક્ષણ પણ મળ્યું ન હતું)
14th July 2020
Morning Musings...જે જોઈતું હોય તે મળી જાય, તેને સમૃદ્ધિ કહેવાય.
જે જોઈએ છે, તે કેમ જોઈએ છે, તેની ખબર પડે, તેને બુદ્ધિ કહેવાય.
જે તમારી પાસે હોય, તેની જ વારંવાર ઈચ્છા થાય, તેને ડહાપણ કહેવાય.
15th July 2020
Morning Musings...જેમ આલ્બર્ટ આઈન્સ્ટાઈનનું યોગદાન એક કામચોર શરાબી માણસ કરતાં લાખ દરજ્જે મૂલ્યવાન ગણાય, અને બંને વ્યક્તિને સમાન મહત્વ આપવું હાસ્યાસ્પદ ગણાય, તેવી જ રીતે એક રાષ્ટ્રની ગણના મહાન વિશ્વ-નેતા તરીકે ત્યારે જ થાય, જ્યારે તેણે માનવ જાતિની પ્રગતિનું નેતૃત્વ કર્યું હોય. જે રાષ્ટ્રએ માનવ વિકાસમાં મામુલી યોગદાન આપ્યું હોય અથવા સદંતર ના આપ્યું હોય, તે માનવ ઇતિહાસમાં એક કામચોરથી વિશેષ ના કહેવાય. એક સફળ કબીલા અને એક મહાન રાષ્ટ્રમાં આ જ ફરક છે. 70,000 વર્ષ જૂના મનુષ્યને આધુનિક અને પ્રગતિશીલ બનાવવામાં યોગદાન આપનારાં ક્યાં રાષ્ટ્રોનાં નામ તમને યાદ આવે છે?
16th July 2020
Morning Mushing:ખુસરોનું સ્વર્ગ કાશ્મીર નહીં, દિલ્હી હતું:
ગર ફિરદૌસ બર રુએ જમીં અસ્ત
હમી અસ્તો, હમી અસ્તો, હમી અસ્ત
(પૃથ્વી પર જો સ્વર્ગ હોય, તો તે અહીં છે, અહીં છે, અહીં છે)
શ્રીનગરના શાલીમાર બાગમાં શ્યામ રંગનું જે પેવેલિયન છે, તેની દિવાલ પર આ પ્રસિદ્ધ ફારસી પંક્તિ લખેલી છે, તેવી પ્રચલિત માન્યતા છે. મુઘલ સમ્રાટ શાહજહાં (અથવા પિતા જહાંગીર)ના સમયમાં આ પેવેલિયન બાંધવામાં આવ્યું હતું, દિલ્હીમાં લાલ કિલ્લામાં પણ એ અંકિત છે, જે શાહજહાંએ બનાવ્યો હતો. એટલે આ પંક્તિની બે કહાની છે. એક કહાની પ્રમાણે શાહજહાં (૧૫૯૨-૧૬૬૬) જયારે પહેલીવાર કાશ્મીર ગયો, ત્યારે તેની સુંદરતા જોઇને આ બોલ્યો હતો. બીજી કહાની એ છે કે દિલ્હીમાં દીવાન-એ-ખાસ (લાલ કિલ્લો) તૈયાર થયો અને તે પહેલીવાર અંદર ગયો, તો આ પંક્તિ અંકિત કરવા સુચના આપી હતી. ગમે તેમ તોય, લાલ કિલ્લો બાગ-બગીચાઓથી સુશોભિત સ્વર્ગ જ હતો! એમ તો એવું પણ કહેવાય છે કે શાહજહાં નહીં, પણ તેના પિતા જહાંગીરે (સલીમે) આ પંક્તિ કોતરાવી હતી.
આ પંક્તિ ફારસી કવિ અમીર ખુસરો (૧૨૫૩-૧૩૨૫)ના નામે બોલે છે. ખુસરો સુફી કવિ હતો. તે ઉત્તરપ્રદેશમાં જન્મ્યો હતો, અને નાની ઉંમરમાં દિલ્હી આવ્યો હતો, જ્યાં તે નિઝામુદ્દીન ઓલિયાનો શાગિર્દ થઇ ગયો હતો. ખુસરો અરબી, ફારસી અને હિન્દુસ્તાની (ઉર્દુ-હિન્દી) મિશ્રિત ભાષામાં લખતો હતો, જે ‘હિન્દવી’ તરીકે જાણીતી થઇ. ખુસરો ‘ભારતના પોપટ’ (તુતી-એ-હિન્દ) તરીકે પણ ઓળખાય છે અને ઉર્દુ સાહિત્યનો એ જન્મદાતા છે. એ આજીવન દિલ્હી સલ્તનતમાં રહ્યો હતો, અને એણે કાશ્મીરની મુલાકાત લીધી હોવાના કોઈ સંદર્ભ નથી. તેના પરથી અમુક અભ્યાસુઓ ‘ગર ફિરદૌસ બર રુએ જમીં અસ્ત’નો લેખક ખુસરો હોવા અંગે શંકા કરે છે.
એમાં લેટેસ્ટ રાના સફ્વી છે. રાના ઇતિહાસકાર તથા લેખક છે અને દિલ્હીની સંસ્કૃતિ પર લોકપ્રિય બ્લોગ ‘હજરત-એ-દિલ્લી’ ચલાવે છે. તેમનું એક તાજું પુસ્તક ‘શાહજહાંનાબાદ’ આ પંક્તિના ઈતિહાસને ઉખેડે છે. અમીર ખુસરો પર અભ્યાસ કરનારા અને બોસ્ટન યુનિવર્સીટીમાં ફારસી સાહિત્યના પ્રો. સુનિલ શર્મા કહે છે કે ખુસરોના કોઈ સંગ્રહ કે કવિતામાં આ પંક્તિ નથી.
રાના સફ્વીએ જાતે શ્રીનગર જઈને શાલીમાર બાગમાં ઉપર-નીચે આ પંક્તિ શોધી હતી. ના મળી. શાલીમાર બાગ પરનાં પુસ્તકોમાં પણ એનો સદર્ભ ન હતો. તો આ જગપ્રચલિત પંક્તિનું ‘જીવનચરિત્ર’ શું છે? રાના સફ્વીએ નીચે પ્રમાણેના થોડાક સંકેતો આપ્યા છે.
ઉર્દુ ઇતિહાસકાર બશીરુદ્દીન અહમદ દેહલવીના ‘વાકીઆત-એ-દારુલ હુમુમત દેહલી’ પુસ્તકમાં લખેલું છે કે આ પંક્તિ સદુલ્લાહ ખાને કોતરેલી છે. સદુલ્લાહ ખાન સમ્રાટ શાહજહાંનો વડાપ્રધાન હતો અને પોતે કવિ અને લેખક હતો. ફારસીના નિષ્ણાત અને દિલ્હીનાં સ્મારકો પર પહેલીવાર લખનારા પ્રો. એસએચ કાસેમીએ દાવો કર્યો હતો કે તેમણે કાશ્મીરના હાકેમ (ગવર્નર) ઝફર ખાનના શાયર પુત્ર મિર્ઝા મુહમ્મદ તાહિર ‘આશના’(૧૬૨૮-૭૧)ના કવિતા સંગ્રહમાં આ પંક્તિ વાંચી હતી.
‘આશના’એ અબ્દુલ હમીદ લાહોરીના ત્રણ ભાગના ‘પાદશાહનામા’ ઈતિહાસની ટૂંકી આવૃત્તિ ‘શાહજહાંનામા’ લખી હતી. ‘પાદશાહનામા’ સમ્રાટ શાહજહાંએ લખાવ્યું હતું. મિર્ઝા મુહમ્મદ તાહિર ‘આશના’એ તેના પિતાની ગેરહાજરીમાં એકવાર કાશ્મીરનો કારભાર પણ સંભાળ્યો હતો. ‘આશના’નો આ કવિતા સંગ્રહ દિલ્હીના રાષ્ટ્રીય સંગ્રહાલયમાં મોજુદ છે. ઝાકીર હુસેન દિલ્હી કોલેજના ફારસી વિભાગના વડા પ્રો. જમીલ-ઉર રહેમાને સુચન કર્યું કે રાષ્ટ્રીય સંગ્રહાલયમાં હસ્તપ્રત જોયા વગર નિષ્કર્ષ પર ન અવાય.
રાના સફ્વી લખે છે કે ૧૮ અપ્રિલ ૧૬૪૮ના રોજ લાલ કિલ્લાના ઉદઘાટનમાં ઘણા બધા શાયરો ભેગા થયા હતા અને તેની ભવ્યતાના ગુણગાન ગાતી શાયરીઓ લખી હતી. એટલે એ શક્ય છે કે કિલ્લાના દિવાન-એ-ખાસમાં અંકિત આ પંક્તિ આમાંથી જ કોઈ એક એવા શાયરની હોય, જે શાહજહાંનો દોસ્ત હોય.
રાના સફ્વીએ દિલ્હીના રાષ્ટ્રીય સંગ્રહાલયના આસિસ્ટન્ટ ક્યુરેટર ખતિબુર રહેમાનની મદદથી ‘આશના’ના જરીપુરાણા સંગ્રહ ‘દિવાન-એ-આશના’માં કાશ્મીરનો ઉલ્લેખ હોય, તેવી પંક્તિઓ શોધી. તેમણે વધુ વિગતવાર પાનાં જોયાં, તો ‘મસાનવી-યે સાકી નામા’ વિભાગમાં ૮૮ નંબરના પાના પર પંક્તિ લખેલી હતી:
ગર ફિરદૌસ બર રુએ જમીં અસ્ત
હમી અસ્તો, હમી અસ્તો, હમી અસ્ત
એ પંક્તિ પછી લખેલું હતું, “ખુસરોએ સૂચક પદ્ય લખ્યાં હતાં, એટલે તમે કહી શકો કે તેણે આ (પંક્તિ) આ જગ્યા માટે લખી હશે.”
રાના લખે છે, “રાષ્ટ્રીય સંગ્રહાલયની એ નાનકડી ઓફીસમાં અમે શાહી પંડિતોની બેશકીમતી હસ્તપ્રતો જોઈ રહ્યા હતા, ત્યારે અમને લાગ્યું કે એ ક્ષણે પૃથ્વી પર સ્વર્ગ હતું.”
ઝાકીર હુસેન દિલ્હી કોલેજના પ્રો. જમીલ-ઉર રહેમાને સમ્રાટ શાહજહાંના અધિકૃત જીવનચરિત્ર ‘શાહજહાંનામા’ના ત્રીજા ભાગમાં જોયું કે પુસ્તકના લેખક મોહમ્મદ સલીહ કમ્બોહે કિલ્લા-એ-મુબારક (ભાગ્યના કિલ્લા)ની ખુબસુરતીનાં બહુ વખાણ કર્યા હતાં. તેણે લખ્યું હતું કે, “તેની સુંદરતા એવી છે કે ડાહ્યા લોકો ગાંડા થઇ જાય, તેની સુંદરતા સ્વર્ગ સમાન છે અથવા સાત સ્વર્ગોના બગીચાઓ કરતાં પણ એ વધુ સ્વર્ગીય છે.” અમીર ખુસરોએ જે લખ્યું હતું, તે આ વર્ણન સાથે મળતું આવતું હતું:
ગર ફિરદૌસ બર રુએ જમીં અસ્ત
હમી અસ્તો, હમી અસ્તો, હમી અસ્ત
અમીર ખુસરો દિલ્હીનો સૌથી લોકપ્રિય કવિ હતો અને તેણે દિલ્હીના વખાણમાં ખુબ લખ્યું હતું. એ સંપૂર્ણપણે શક્ય છે કે આ પંક્તિ દિલ્હીની ખુબસુરતી માટે લખાઈ હોય અને શાહજહાંએ તેને દિવાન-એ-ખાસમાં કોતરાવી હોય. રાના સફ્વી લખે છે, “આ પંક્તિ અમીર ખુસરોની કવિતાઓમાં કેમ નથી અને તેને ક્યા સદર્ભમાં લખવામાં આવી હતી, તેનો કોઈ જવાબ નથી, પણ એક વાત નક્કી છે કે એ કાશ્મીર માટે લખાઈ ન હતી, કારણ કે હજરત અમીર ખુસરોએ ક્યારેય કાશ્મીરની યાત્રા કરી ન હતી. તો તેણે દિલ્હી માટે લખી હતી?”
17th July 2020
Morning Musings...જે દિવસે તમે તમારી પીડાની કહાનીને લાગણીવશ થયા વગર, હમદર્દીની અપેક્ષા વગર કહેવા સક્ષમ થઈ જાઓ, ત્યારે માનવું કે તમારા બધા જ જખ્મ ભરાઈ ગયા છે. તમે જ્યારે સંપૂર્ણ સ્વસ્થતા સાથે તમારી કહાનીનો સ્વીકાર કરીને તેને બોલીને, લખીને કે સર્જન કરીને બીજા સાથે શેઅર કરવાનું શરૂ કરો, ત્યારે તમારા કરતાં તમારી કહાની શક્તિશાળી બની જાય, કારણ કે તે બીજા લોકો માટે મદદરૂપ બને છે. તમારી કહાનીના સ્વીકારમાં તમારી જાતનો સ્વીકાર છે.
18th July 2020
Morning Musings...અંદરથી જખ્મી વ્યક્તિ, તેના રડારમાં આવતી દરેક વ્યક્તિને ચીરા પાડે. જખ્મી વ્યક્તિમાં તેના રોષને નજીકના લોકોમાં ટ્રાન્સફર કરવાની જરૂરિયાત હોય છે. જખ્મી વ્યક્તિ તેના માટે બોલતા દરેક શબ્દ અને દરેક વર્તનને આંતરિક પીડાના પ્રિઝમમાંથી જુવે છે, એટલે સાધારણ અને નિર્દોષ લાગતી વાત પણ તેમના માટે નકારાત્મક પુરવાર થાય છે. જખ્મી વ્યક્તિ તેના વ્યવહારથી લોકોને દૂર ધકેલી દે, અને પછી ખુદ આશ્ચર્ય પામે કે તેની સાથે કોઈ કેમ નથી. જખ્મી વ્યક્તિ એટલી સ્વ-કેન્દ્રિત હોય કે તેને તેની પીડા સિવાય, બીજી વ્યક્તિની કોઈ બાબત નજર ના આવે. જખ્મી લોકો બે જ રીતે તેમની પીડાનો સામનો કરી શકે; ખુદની પર હિંસા કરીને, અથવા બીજાને નિશાન બનાવીને.
19th July 2020
Morning Musings...સત્તાને પચાવવી એટલે શું? સત્તાને પચાવવી એટલે તમારી પીડિત માનસિકતાનું સમાધાન થાય અને તમારી અંદરની અન્યાયની ભાવના દૂર થાય તે. સત્તા અને સફળતા મળ્યા પછી પણ માણસની માનસિકતામાં પરિવર્તન ના આવે, તો સમજી લેવું કે તેનો દુરુપયોગ નિશ્ચિત છે. સત્તા તમારી અંદરનો અંકુશ (આવું કરાય, આવું ના કરાય...આવું બોલાય, આવું ના બોલાય) દૂર કરે છે. સત્તા અને સફળતા તમારી અંદરની અસલી જાતને મુક્ત કરે છે. એ નિરંકુશતામાં, તમે ઉદાર હશો, તો વધુ ઉદારતા બહાર આવશે, અને અસભ્ય હશો, તો વધુ અસભ્યતા બહાર આવશે. દારૂ પીધા પછી પણ એક્ઝેટલી આવું જ થાય છે.
20th July 2020
Morning Musings...તમે કાં'તો ભૂતકાળમાં જીવો છો, અથવા ભવિષ્યકાળમાં, પણ ક્યારેય વર્તમાનમાં નથી હોતા. અન્ય પ્રાણીઓમાં એવું નથી. કારણ એ છે કે આપણમા સ્વ-ચેતના (સેલ્ફ-કોન્સિયસનેસ) હોવાના કારણે સ્મૃતિ સક્રિય હોય છે, અને આપણી પ્રાથમિકતા સર્વાઇવ થવાની છે, એટલે ભવિષ્યની દુઃખદ ચિંતા કરવી કે સુખદ આશા રાખવી એ પણ પ્રાથમિકતામાં આવે છે, અને તેમાં ભૂતકાળના (સારા-નરસા) અનુભવોની સ્મૃતિઓ કામ આવે છે. આ જ કારણથી વર્તમાનમાં ગમે તેટલા સુંદર સુખ કે આનંદનો અહેસાસ થાય, આપણે બહુ ઝડથી ભવિષ્યના દુઃખની ચિંતા લાગી જઈએ છીએ. ક્ષણમાં રહેવું શક્ય છે, જો તમે વિચારોના કન્વેયર બેલ્ટ ઉપરથી ઉતરીને, ટ્રાફિક પોલીસની જેમ, વિચારો રૂપી સુંદર-કદરૂપી, નવી-જૂની મોટરકારોને પસાર થતી જોયા કરો અને ખાલી એનું નિયમન કરો.
21st July 2020
Morning Musings...તમારી ખાનગી જિંદગી અને તમારા બૌદ્ધિક અભિપ્રાયો વચ્ચે ટકરાવ ઉભો થાય, તો એમાં તમારા બૌદ્ધિક અભિપ્રાયો નકલી સાબિત થાય, તમારી અંગત જિંદગી નહીં. તમે જે જીવો છો, એ હંમેશાં સાચું જ હોય, પણ તમારા અભિપ્રાય ખોટા હોઈ શકે. સાદી ભાષામાં કહેવું હોય તો, ચાવવાના દાંત અસલી જ હોય, નકલી તો દેખાડવાના હોય. એટલા માટે જ એવો આગ્રહ રાખવામાં આવે છે કે તમે જે લખો-બોલો છો, એવું જીવો છો ખરા?
22nd July 2020
Morning Musings...શ્રેષ્ઠ સંબંધ એ છે, જ્યાં બંને વ્યક્તિ એકબીજાની સાથે સુખેથી એકલાં રહી શકે. જે લોકો એકલા રહેવા સક્ષમ છે, તે જ બીજી વ્યક્તિના પરાધિન કે આદી થાય વગર તેને પ્રેમ કરવા સક્ષમ હોય છે. "તારા વગર હું મજામાં છું, પણ તારી સાથે આનંદ આવે છે" અને "હું તારા વગર દુઃખી છું, મને તારી જરૂર છે" આ બે વાકયોમાં સંબંધની ગુણવત્તા નક્કી થાય છે. એકમાં તમે સાથે રહીને એકલા હો છો, બીજામાં તમે સાથે રહીને એકાકી હો છો.
23rd July 2020
Morning Musings...Life equations
રચનાત્મકતા+ વિક્રિય= સંપત્તિ
ઈમાનદારી+ સન્માન= સંબંધ
મિત્રતા+ સ્નેહ= પ્રેમ
ઉપવાસ+ કસરત= તંદુરસ્તી
વાંચન+ લેખન= સ્પષ્ટતા
શિસ્ત+ સંઘર્ષ= પ્રતિભા
દ્રષ્ટિ + સાહસ = સફળતા
થિયરી + પ્રેક્ટિસ = નિપુણતા
નિર્લેપતા + વિકાસ = સુખ
પ્રતિભા + પ્રયાસ = કૌશલ્ય
કુશળતા + પ્રયત્ન = સિદ્ધિ
24th July 2020
Morning Musings..ગરિમા (ડિગ્નિટી) અને સન્માન (રિસ્પેક્ટ)માં ફર્ક છે. ગરિમા એટલે ઉદાત્તતા, અને જેની પ્રતિષ્ઠા થતી હોય, તેની અંદરનો એ ગુણ છે. સન્માન દ્રષ્ટિકોણ છે, અને જે પ્રતિષ્ઠા કરે છે, તેની અંદરનો એ ગુણ છે. જે લોકો "મારું સન્માન સચવાતું નથી" કહીને નારાજ થતા રહે છે, તેમને ખબર નથી કે સન્માન તમારા નિયંત્રણમાં ના હોય, તેને મેળવવું પડે, તે બીજા પાસે હોય. તમારી પાસે ગરિમા હોય. તમારે સન્માનીય નહીં, ગરિમાપૂર્ણ રહેવાનું હોય.
25th July 2020
Morning Musings...એવોર્ડથી પુસ્તકની (કે માણસની) ગુણવત્તા બદલાતી નથી. એવાં સેંકડો પુસ્તકો છે, જેને એવોર્ડ મળ્યા હોય, પણ તમે એને ચાર પાનાંથી આગળ વાંચી ના શકો. એવા ઘણા એવોર્ડ વિજેતા લોકો હોય છે, જેની સાથે ભાઈબંધી તો ઠીક, એક-બે વાક્યોની આપ-લે પણ ના કરી શકો.
26th July 2020
Morning Musings...આપણા કરતાં મોટી અને આગલી પેઢીની વ્યક્તિ અને આપણાં કરતાં નાની અને પાછલી પેઢીની વ્યક્તિનાં ગુણગાન ગાવાનું પ્રમાણમાં સરળ પડે, કારણ કે એકના જીવન વિષે આપણને અડધી ખબર નથી અને બીજાનું જીવન હજુ શરૂ થયું નથી. એમાં ન જાણવાનો પૂર્વગ્રહ છે. આપણા સમકાલીન લોકો પ્રત્યે આપણમાં પ્રમાણમાં ટીકા-દ્વેષ અને વાંધા-વચકા વધુ હોય છે, કારણ કે આપણને એમના વિષે વધારે ખબર છે. એ જાણવાનો પૂર્વગ્રહ છે.
27th July 2020
Morning Musings...ગ્લોબલ ડ્રિમ ઇન્ડેક્સનો સર્વે કહે છે કે દુનિયામાં અડધો અડધ સ્ત્રીઓ જાતભાતની બાંધછોડ કરીને કંટાળી જાય છે અને કારકિર્દી છોડી દે છે. ઘણી સ્ત્રીઓને તેમના આજુબાજુના લોકો દ્વારા 'જમીન પર રહેવા અને હવામાં બહુ નહીં ઉડવા'ની સલાહ અપાય છે. મોટાભાગની સ્ત્રીઓ (સામાજિક, આર્થિક, ભાવનાત્મક, શારીરિક) સલામતી ઇચ્છતી હોય છે, એટલે તેના ભોગે કારકિર્દીમાં સફળ થવાનું અને ટોચે જવાનું તેમના માટે અઘરું થઈ જાય છે. સ્ત્રી મુખ્યત્વે ત્રણ કારણોસર કારકિર્દીમાં પાછી પડે છે:
1. પ્રોત્સાહન અને પીઠબળનો અભાવ.
2. પૈસાનો અભાવ અને
3. આત્મવિશ્વાસનો અભાવ.
તમે જો તમારી દીકરીની કારકિર્દીનું સ્વપ્ન જોતા હો, તો આ ત્રણ પરિબળો પર અત્યાર જ કામ કરજો.
સ્ત્રીઓ પણ અવરોધો છતાં કારકિર્દી બનાવે છે. અહીં સમાજમાં પ્રવર્તમાન સામાન્ય સ્થિતિની વાત છે, અપવાદોની નહીં. બાકી, ઘણા ઘરમાં તો સ્ત્રી મુક્ત પણ છે અને સફળ પણ, છતાં મેં અહીં સબ્જેક્ટિવ થઈને નથી લખ્યું. ઓબ્જેક્ટિવ વાત કરી છે.
28th July 2020
Morning Musings...તમે જો પહેલાંના જેવા ના રહ્યા હો, મતલબ કે તમે વધુ સમૃદ્ધ, વધુ સંતુષ્ઠ, વધુ સ્વસ્થ, વધુ સુખી, વધુ શિસ્તબદ્ધ થઈ ગયા હો, તો આળસુ અને બેપરવા લોકો એવી ફરિયાદ કરશે કે તમે બદલાઈ ગયા છો, એટલે તેમને ખરાબ લાગે અને તે તમારાથી દુર થઇ જશે. તે પછી એ લોકો જ તમારા મિત્ર રહેશે, જે દિલચસ્પ છે, સફળ છે અને સુખી છે.
29th July 2020
Morning Musings...તમે જો ખરેખર હોંશિયાર હો, તો તમને સુખના અભાવની ફરિયાદ ના હોવી જોઈએ, કારણ કે સુખ એક વિકલ્પ છે, અને તે વિકલ્પને પસંદ કરતાં તમને અવડવું જોઈએ, પરંતુ હકીકત એ છે કે હોંશિયારમાં હોંશિયાર લોકોને સુખનો વિકલ્પ પસંદ કરતાં નથી આવડતું. સુખી રહેવું એ ફિટ રહેવા જેવું છે. તમારે નિર્ણય કરવો પડે કે મારે શરીરને ચુસ્ત રાખવું છે. પછી તેના વિકલ્પો સમજવા પડે. જીમમાં જવું છે? બગીચામાં ચાલવા જવું છે? યોગ કરવા છે?સાયકલિંગ કરવું છે? આહારનું શુ થઈ શકે? સુખનું પણ તદ્દન આવું જ છે. પહેલાં તમારે નિર્ણય લેવો પડે કે મારે સુખી રહેવું છે. પછી તેના રસ્તા વિચારવા પડે અને પછી તેને દિનચર્યામાં સામેલ કરવા પડે. સુખ અકસ્માત નથી અને તે બીજું કોઈ ના આપે. એ સંપૂર્ણપણે તમારી જવાબદારી છે.
30th July 2020
Morning Musings...
તમને એવા લોકો મળશે, જે તમારી સફળતાની, તમારી સમૃદ્ધિની, તમારી લોકપ્રિયતાની, તમારા હોદ્દાની, તમારા વાંચનની કે તમારા દેખાવની ઈર્ષ્યા કરે, પણ તમારી વિવેકબુદ્ધિની ઈર્ષ્યા કરે, તેવા લોકો ભાગ્યે જ મળશે. એનું કારણ એ છે કે બેવકૂફ પણ પોતાને સૌથી હોંશિયાર સમજતો હોય છે. દરેકને એમ લાગે છે કે મારામાં જન્મજાત પર્યાપ્ત બુદ્ધિ છે. 'મારામાં સમજણ ઓછી છે' એવો એકરાર કરવો, એ જીવનનું સૌથી મોટું સાહસ છે.
31st July 2020
Morning Musings...
આપણે જેને સંગીતના સૂર કહીએ છીએ, તે હકીકતમાં બે સૂરો વચ્ચેની ખાલી જગ્યા છે. આપણે એ ખાલી જગ્યાની કેવી પેટર્ન ઉભી કરીએ છીએ, તે પ્રમાણે સંગીત ઉભું થાય. દરેક સંગીતકાર એ ખાલી જગ્યાને અલગ-અલગ રીતે 'સ્પેસ-આઉટ' કરે છે. એટલા માટે મોઝાર્ટનું સંગીત એ. આર. રહેમાનના સંગીતથી અલગ પડે, અને પિયાનોના સૂર હાર્મોનિયમથી જુદા પડે. એ ખાલી જગ્યા જો આડીઅવળી રીતે સંભળાવા લાગે, તો આપણે તેને ઘોંઘાટ કહીએ છે. આપણે ગધેડાનું હાંચીહાંચી સાંભળી નથી શકતા અને લતા મંગેશકરને કલાકો સુધી સાંભળી શકીએ છે, તેનું કારણ આપણે બે સૂરો વચ્ચેની ખાલી જગ્યાને અમુક રીતે સાંભળતા થઈ ગયા છીએ એટલે. આપણે ઘોંઘાટનો ટેસ્ટ પણ વિકસાવી શકીએ, જો એનો 'રિયાઝ' કરીએ તો!
1st August 2020
Morning Mushing:
25 વર્ષ પહેલાં, ગઈ કાલના દિવસે, ભારતનો પહેલો મોબાઇલ કૉલ કરવામાં આવ્યો, ત્યારે કોઈને અંદાજ ન હતો કે ભારત દુનિયામાં મોબાઈલ ક્રાંતિનું સૌથી મોટું બજાર બની જશે. આજે કોઈને કોલકત્તા યાદ ના આવે, પણ 31 જુલાઈ 1995 ના રોજ પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન જ્યોતિ બસુએ ગ્રાન્ડ હોટલમાંથી દિલ્હીમાં નરસિંહ રાવના તત્કાલીન કેન્દ્રિય સંચાર મંત્રી સુખ રામને પહેલો મોબાઈલ કોલ કર્યો હતો.
બંને પાસે ત્યારે ઈંટ જેવા નોકિયા ફોન હતા. ત્યારે પણ એક મોદી હતા, એ પણ કદાચ આપણને યાદ ના હોય. બસુએ મોદી ટેલસ્ટ્રા કંપનીના ચેરમેન બી. કે. મોદીને સેલ્યુલર નેટવર્ક માટે આમંત્રણ આપ્યું હતું અને આ પહેલો ફોન મોદીની મોબાઈલનેટ સર્વિસ મારફતે થયો હતો, જે એક મિનિટના 8 રૂપિયામાં પડતો હતો.
2nd August 2020
Morning Musings...
વિજ્ઞાન નાનામાં નાના અણુની શોધ કરે છે, જેથી ભ્રહ્માંડની બુનિયાદી રચનાને સમજી શકાય. તે અત્યારે ઈલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન સુધી પહોંચ્યું છે અને હિગ્સ અથવા ગોડ પાર્ટીકલ શોધ્યાનો દાવો કરે છે, પણ વિજ્ઞાન સૌથી નાના અણુને ક્યારેય શોધી નહીં શકે કારણ કે જો અણુ હોય, તો એની અંદર સ્પેસ (અવકાશ)નું બનેલું આંતરિક માળખું પણ હોય, અને સ્પેસનો છેડો શોધવો અશક્ય છે, કારણ કે સ્પેસ અનંત છે.
3rd August 2020
Morning Musings...
આપણે જેને 'પાપી' કામો કહીએ છીએ, તે વાસ્તવમાં આપણી અંદર જે એકલતા છે, તેમાંથી છૂટવા માટેના પ્રયાસો છે. આપણે જેટલું મનોરંજન વર્જિત વૃત્તિઓમાંથી મેળવીયે છીએ, તેટલું સદાચારમાંથી નથી મેળવતા. મનોરંજન આપણને 'વ્યસ્ત' રાખે છે. મનોરંજન આપણને 'આપણા'થી ભુલાવી દે છે. માણસમાં જ્યાં સુધી એકલતા છે, ત્યાં સુધી પૃથ્વી પરથી 'પાપ'નો નાશ નહીં થાય.
4th August 2020
Morning Musings...
પૈસો સુખ જરૂર લાવે છે, પણ એક સીમા સુધી જ. વધુ પૈસો વધુ સુખ ના આપે. તમે એક ચોક્કસ પ્રકારની લાઈફ સ્ટાઇલ જીવવા સક્ષમ થઈ જાવ અને તમારી બુનિયાદી જરૂરિયાતો સંતોષાતી હોય, તે પછી વધારાના પૈસા તે સુખમાં વધારો ના કરે. સુખનો અહેસાસ જરૂરિયાતો સંતોષવા પૂરતો જ હોય છે. એટલા માટે લખપતિમાંથી કરોડપતિ બનેલા માણસનું સુખ 50,000ની નોકરીમાં જીવતા માણસ કરતાં બેવડાઈ ના જાય. જેમ નવી પેન ખરીદો એટલે અક્ષર ના સુધરી જાય, એવી રીતે નવી આકાંક્ષાઓ પુરી કરો, તો સંતોષની માત્રા વધી ના જાય, બલ્કે આકાંક્ષાઓ વધુ ભડકે. એટલે દરેક પૈસાવાળી વ્યક્તિને એક પ્રશ્ન થાય જ છે; "આટલું જ? હવે વધુ શું?"
5th August 2020
Morning Musings...
જે સ્ત્રી-પુરુષોએ બળાત્કારના આરોપીઓની હત્યાથી ખુશ થઈને ચિચિયારીઓ પાડી છે, તે જ સ્ત્રી-પુરૂષો ભવિષ્યમાં 'આપણી ના હોય' તેવી સ્ત્રી પર જ્યારે રેપ થશે, ત્યારે આવી જ ચિચિયારીઓ કરશે. ભીડની ચિચિયારીઓમાં નૈતિકતા નથી હોતી, કારણ કે ભીડમાં માણસ જાનવર બની જાય છે. 1999માં આવી જ ભીડે છાતીઓ કુટીને સરકારને પાકિસ્તાની આતંકીઓ સામે ઘૂંટણ ટેકવા ફરજ પાડી હતી, અને સરકાર પુરા 'સન્માન' સાથે મૌલાના મસુદ અઝહર અને બીજા બેને અફઘાનિસ્તાન મૂકી આવી હતી. આપણે બધા ભીડ છીએ. આ ભીડમાં આપણી સાથે-સાથે સરકાર અને વિરોધ પક્ષ પણ સામેલ થઈ જાય છે. ભીડની હિંસા પ્રત્યે આપણી સહનશીલતા એટલી વધી ગઈ છે કે આપણે રોજ ભીડના હિંસક વિડીઓ જોઈએ છીએ, અને ચિચિયારીઓ પાડીએ છીએ. ક્યારેક આપણે કોઈકની શપથવિધિમાં ચિચિયારીઓ પાડીઓ છીએ, તો ક્યારેક અપરાધિઓના લિંચિંગ માટે ચિચિયારીઓ ફૂટી નીકળે છે. આ જ ભીડ દરેક નાગરિક પાસે પર્સનલ બંધુકો હોય, તેવો 'કાયદો' પસાર કરાવશે, અને આ જ ચિચિયારીઓ આપણને યુદ્ધ પણ કરાવશે.
6th August 2020

Morning Musings...
માઈકલ જોર્ડન નામના અમેરિકન બાસ્કેટબોલ ખેલાડીએ કહ્યું હતું કે તમે કલાકો સુધી ગલત શોટની પ્રેક્ટિસ કરો, તો અંતે તમને બહુ સરસ રીતે ગલત શોટ મારતાં આવડી જાય. તમારો IQ બહુ ઊંચો હોય, તેનો અર્થ એ નથી કે તમે બેવકૂફી ના કરો. તમે જો તમારા કન્ડિશનિંગના ગુલામ હો, તો પછી ગમે તેટલા સ્માર્ટ હો, તો પણ એનો કોઈ અર્થ નથી. બુદ્ધિ તમને વધુ સારા ગુલામ બનાવે એટલું જ. માણસ જો ખુદના વિચાર અને વર્તનની ત્રુટીઓથી જાગૃત ના હોય, તો બુદ્ધિ બેમતલબ બની જાય છે. માણસ જેટલો વધુ બુદ્ધિશાળી હોય, તેની સ્ટુપિડિટીની સંભાવના એટલી જ વધતી જાય. ફરક એટલો જ હોય કે સાધારણ મુરખની સરખામણીમાં તેનામાં સ્ટુપિડિટીનો આત્મવિશ્વાસ ગજબનો હોય.
7th August 2020
Morning Musings...
તમે જીવનમાં સફળ થવા માટે હાથમાં આવેલી તકોનો બને તેટલો ફાયદો ઉઠાવ્યો છે કે નહીં, તેની લોકો દરકાર નથી કરતા. તેમની દરકાર એટલી જ હોય છે કે તમે લક્ષ્યને હાંસલ કરવા માટે સામાજીક રીતે સ્વીકૃત માર્ગને અનુસર્યા છો કે નહીં. તમે ચીલો ચાતરીને કશું કરવા જાવ અને તેમાં સફળ થાવ, તો લોકો તમને પેટ ભરીને ગાળો આપશે, પણ તમે પરંપરાગત રીત અનુસરીને નિષ્ફળ જશો, તો એ તમને દોષ નહીં આપે, ઉલટાની પીઠ થાબડશે કે 'શાબ્બાશ બેટા, સમાજનું ગૌરવ જાળવ્યું.'
8th August 2020
Morning Musings...
સુખી બે રીતે થવાય:
1. જેની ઈચ્છા હોય, તે મેળવવું
2. જે છે, તેની ઈચ્છા કરવી
પહેલામાં, અત્યારે આપણી પાસે જે નથી, તેને પ્રાપ્ત કરવા મહેનત કરવી.
બીજામાં, અત્યારે આપણી પાસે જે છે, તેની મજા લેવી.
9th August 2020
Morning Musings...
પાંચ જૂઠ, જે આપણે નિયમિતપણે જાત સાથે બોલીએ છીએ:
1. મને ખબર છે હું શું કરી રહ્યો/રહી છું.
2. મને કોઈ સમજી નહીં શકે.
3. હું બધાને બહુ સારી રીતે ઓળખું છું.
4. મારામાં જરાય અભિમાન અને ઈર્ષ્યા નથી.
5. મારો હેતુ હંમેશા સારો જ હોય છે.
10th August 2020
Morning Musings...
સુના હૈ દિન કો ઉસે તિતલિયાં સતાતી હૈ
સુના હૈ રાત કો જુગનું ઠહર કે દેખતે હૈ
-અહેમદ ફરાઝ
આ એ વખતની વાત છે, જ્યારે આપણી આજુબાજુ પતંગિયાં ઉડતાં હતાં અને રાતે ઘર પર આગિયા ફરતા હતા. હવે ના એ બગીચા છે કે ના એ રાતો.
હવે પતંગિયાંની જગ્યાએ નોટિફિકેશન છે, અને આગિયાની જગ્યાએ મોબાઈલ સ્ક્રીનનાં અજવાળાં છે. ફરાઝ સાહેબ આજે કઈંક આવું લખે:
સુના હૈ દિન કો ઉસે comment સતાતી હૈ
સુના હૈ રાત કો લોગ Like કરકે દેખતે હૈ
11th August 2020
Morning Musings...
હું મારી વાર્તામાં કોઈને કોઈ દાર્શનિક કે ભાવનાત્મક તથ્યને બતાવતો હોઉં છું. જ્યાં સુધી આ પ્રકારનો કોઈ આધાર ના મળે, ત્યાં સુધી મારી કલમ ચાલતી જ નથી.
-મુન્શી પ્રેમચંદ, 'કલમ કા મજદૂર'માં
દરેક મહાન ચીજ રોટીની મોહતાજ હોય છે. હું એટલા માટે લખું છું કારણ કે મારે કશુંક કહેવાનું છે. હું લખું છું, જેથી થોડુંક કમાઈ શકું અને કશુંક કહેવા માટે કાબેલ રહું. સઆદત હસન મંટો ખુદા જેવડો વાર્તાકાર તો નથી, પણ ખુદની વિવશતા એને લખાવે છે.
-સઆદત હસન મંટો, 'મેં ક્યોં લીખતા હું?'માં
12th August 2020
Morning Musings...
બોલવાનું સ્વભાવથી આવે, મૌન સમજણથી આવે. પૃથ્વી પર તમામ જીવ બોલે છે, કારણ કે બોલવું ઓટોમેટિક શારીરિક ક્રિયા છે. માત્ર માણસે જ શરીર પર મનનું પ્રભુત્વ સ્થાપિત કરીને મૌનનું મહત્વ સાબિત કર્યું છે, કારણ કે માત્ર માણસને જ એ ખબર છે કે બીજી વ્યક્તિને સમજવી હોય, તો મૌન રહીને તેને સાંભળવી જોઈએ. પ્રાણીઓમાં આવી રીતે સાંભળવાની આવડત નથી. પ્રાણીઓ માત્ર 'સાંભળે' છે, કારણ કે તેમાં કાનની ભૂમિકા હોય છે. માણસ 'શ્રવણ' કરે છે, કારણ કે તેમાં મનની ભૂમિકા હોય છે. પ્રાણીઓ સાંભળીને તરત રિએક્ટ કરે છે, માણસ સાંભળીને તરત મનન કરે છે. માણસમાં એક વધારાની 'ક્ષમતા' એવી પણ વિકસી છે કે તે મનમાં બોલીને જાતે જ સાંભળી શકે છે (સેલ્ફ-ટોક). તમે બોલવા માટે સાંભળો છો કે સમજવા માટે સાંભળો છો, તેના પર તમારા સંવાદની ક્વોલિટી નિર્ભર કરે છે.
13th August 2020
Morning Musings...
આપણે એક એવા કોમ્પ્યુટર જેવા છીએ, જે બાળપણમાં ઇન્સ્ટોલ કરવામાં આવેલા સોફ્ટવેર પર ચાલે છે. મોટા થયા પછી એ કોમ્પ્યુટરની સ્પીડ ઓછી થઈ જાય, એપ્લિકેશન્સનો ભેગી થઈ જાય, વાઈ-ફાઈ હોટસ્પોટમાં લોચા ઉભા થાય, મેમરી અને કેશ સ્ટોર થઈ જાય અને ઓપરેટિંગ સિસ્ટમમાં વારંવાર એરર આવે. આવું થાય, ત્યારે સોફ્ટવેરને અપડેટ કરતા રહેવું પડે. આને ફિલોસોફી કહે છે. આમ છતાં અમુક પ્રોબ્લેમ પાછા આવી જ જાય, એટલે તમારું ફેક્ટરી રિસેટિંગ કરવું પડે. આને આધ્યાત્મિકતા કહે છે.
14th August 2020
Morning Musings...
એક જ વાત, અલગ-અલગ વ્યક્તિ, અલગ-અલગ કાળ અને સ્થળમાં કહે, તેને જ્ઞાન કહેવાય:
જિન ઢૂંઢા તિન પાઈયાં, ગહિરે પાની પેઠ
જો બૌરા ડૂબન ડરા, રહા કિનારે બૈઠ
અર્થ: જે પ્રયત્ન કરે છે, તેને કશુંક એવી રીતે મળી જાય છે, જેમ ડૂબકી મારનારો ઊંડા પાણીમાં જાય અને કશુંક લઈને આવે, પરંતુ અમુક બિચારા એવા પણ હોય છે જે ડૂબવાના ડરથી કિનારે બેસી રહે છે અને એમને કશું જ મળતું નથી.
-કબીર (15મી સદી)
પ્રેમપંથ પાવકની જ્વાળા, ભાળી પાછા ભાગે જોને;
માંહી પડ્યા તે મહાસુખ માણે, દેખનહારા દાઝે જોને
-પ્રીતમદાસ (૧૭૧૮-૧૭૯૮)
15th August 2020
Morning Mushing:
તમે ઇમોશલ તંદુરસ્ત છો? 10 સંકેતો:
1. તમે બીજા લોકો સાથે ભલો વ્યવહાર કરતા હો
2. તમે ખુદથી સંતુષ્ટ હો, ગમતી વ્યક્તિ સાથે ખુલ્લા હો
3. તમે દરેક સ્થિતિને અનુકૂળ થઈ જતા હો
4. તમે તમારા સંબંધો પ્રત્યે કૃતજ્ઞતા અનુભવતા હો
5. તમે લાગણીઓને સરસ રીતે પ્રોસેસ કરી શકતા હો
6. તમને જીવનના પ્રયોજનની ઉચિત સ્પષ્ટતા હોય
7. તમે ઉપભોગને બદલે અનુભવને કિંમતી ગણતા હો
8. તમે ખુદની મર્યાદાઓને સુધારવા માટે પ્રયત્નશીલ હો
9. તમે ફરિયાદો ઓછી ને ઉપાયોની વાતો વધુ કરતા હો
10. તમને શરીરની તંદુરસ્તી પ્રત્યે લગાવ હોય
16th August 2020
Morning Musings...
ગ્રીક નાટ્યકાર સોફોક્લેસના નાટક 'એન્ટીગોન'માં, ઓડિપસની પુત્રી એન્ટીગોન થેબેસના સમ્રાટ ક્રેઓનના એ આદેશનું ઉલ્લંઘન કરે છે કે તેના ભાઈ એટીઓક્લેસના હાડપિંજરને પક્ષીઓ અને ગીધોને ખાવા માટે રસ્તામાં રઝડતો મૂકી દેવામાં આવે. ક્રેઓન જ્યારે તેની પર આજ્ઞાભંગનો આરોપ લગાવે છે, ત્યારે એન્ટીગોન કહે છે- "હા, આ આદેશ મને (અકાશદેવ) ઝિયસે નથી આપ્યો. ગાંધર્વોના ન્યાયે પણ આવા કાયદા નથી ઘડ્યા. ના તો આવા આદેશમાં એવી તાકાત છે કે નશ્વર મનુષ્ય સ્વર્ગની વણલખી અને અટલ વ્યવસ્થાઓને કચડી નાખે."
સાર: ઉચિત ન્યાયની નૈતિક સત્તા મનુષ્યમાંથી આવે. અનુચિત ન્યાય હંમેશાં ખુદને જ નૈતિક સત્તા માને. ઉચિત ન્યાય લોકતાંત્રિક હોય, અનુચિત ન્યાય સરમુખત્યાર હોય.
17th August 2020
Morning Musings...
ઇન્ફોર્મેશન ઇકોનોમિક્સ એટલે એવી 'વસ્તુ' જે માણસે હાથેથી બનાવી ન હોય, ફેક્ટરીમાં પેદા કરી ન હોય કે ખેતરમાં ઉગાડી ન હોય. ઇન્ફોર્મેશન ઇકોનોમિક્સ એટલે મેન્યુફેક્ચરિંગ પ્રોડક્ટ્સની જેમ જ વેચી શકાય, ખરીદી શકાય અને જેની આપ-લેથી જીવનને બહેતર બનાવી શકાય તેવું બૌદ્ધિક કૌશલ્ય. એનો બુનિયાદી સિદ્ધાંત એ છે કે, જે ઇન્ફોર્મેશન તમારા આર્થિક નિર્ણયો અને ઇકોનોમિને બદલી ન કરી શકે, તેની ઝીરો વેલ્યુ છે.
આ સિદ્ધાંત જીવનના અન્ય ક્ષેત્રે પણ કામનો છે. તમે જેમાં માનો છો એ ધારણાઓ કે અભિપ્રાયોને સોલિડ બનાવે એ જ વાંચતા ન રહેવું. તમને બદલે કરે, ચેલેન્જ કરે એ ઇન્ફોર્મેશન તમારા માટે ઇકોનોમિકલ છે. એમાં વેલ્યુ છે.
18th August 2020
Morning Mushing:
ભારતમાં પત્રકારત્વ ક્યારેક વ્યવસાય હતું. હવે એ ધંધો બની ગયું છે. સાબુના ઉત્પાદનથી વિશેષ તેનું કોઈ નૌતિક કામ રહ્યું નથી. એ પોતાને જનતાના એક જવાબદાર પ્રતિનિધિ તરીકે ગણતું નથી. કોઈ મંશાનો રંગ ચઢાવ્યા વગર સમાચાર આપવા, જનહિતમાં કોઈ નીતિ અંગે અભિપ્રાય આપવા, ગમે તેટલા ઉચ્ચ પદે બેઠેલા લોકો હોય, તે ખોટો રસ્તો અપનાવે, તો કોઈ ડર વગર તેમને ટકોરવા, એ ભારતમાં પત્રકારત્વની પ્રથમ ફરજ ગણાતી નથી. એ સમાચારની જગ્યાએ સનસનાટી આપે છે, વિવેક બુદ્ધિવાળા અભિપ્રાયને બદલે વિવેકહીન જોશ ભડકાવે છે, જવાબદાર લોકોના મગજને બદલે બેજવાબદાર લોકોની લાગણીઓને ઉશ્કેરે છે,
કોઈને હીરો તરીકે સ્વીકારવો અને તેની ચાટુકારિતા કરવી, તે જ તેનું મુખ્ય કામ રહ્યું છે. વીરપૂજાના ચક્કરમાં આટલી હદે દેશના હિતોનું બલિદાન ક્યારેય આપવામાં આવ્યું નથી. આજે ભારતમાં દેખાય છે તેટલી અંધ વીરપૂજા ક્યારેય ન હતી. અમુક અપવાદ છે, અને અને મને તેનો આનંદ છે, પણ તે જૂજ છે અને તેમનો અવાજ ક્યારેય નથી સંભળાતો.
- ડો. બાબાસાહેબ આંબેડકર, 1943, પ્રકરણ 8, રાનડે, ગાંધી એન્ડ જિન્હા, ગ્રંથ 1, લેખન અને વક્તવ્યો
19th August 2020
Morning Musings...
કોઈ વ્યક્તિમાં કેવું આત્મસન્માન છે, તેનો માપદંડ તેની સફળતાઓની વાતોમાં નથી હોતો, બલ્કે તેનો પુરાવો તે તેની નિષ્ફળતાઓ વિશે કેવું મહેસુસ કરે છે, તેમાં છે. જ્યારે બધું સારું હોય, ત્યારે ખુદના માટે સારું લાગવું તો આસાન છે, પણ આપણી અસલી કસોટી ત્યારે થાય, જ્યારે ત્રુટીઓ અને બેવકૂફીઓની વાર્તા કરવાની આવે. જે મુસીબતોમાંથી અર્થ અને અવસર શોધે છે, તે કિંમતી લોકો છે, બાકી જેને ખુદની અસલિયત પર ઢાંકપીછોડૉ કરવો છે, તે શોભાના ગાંઠિયાથી વિશેષ કશું નથી.
20th August 2020
Morning Musings...
આસક્તિ એટલે મુઠ્ઠીમાં રેતીને જોરથી પકડી લેવી અને પછી આંગળીઓ વચ્ચેથી લપસી જતા એક એક કણને જોઈને રડવું તે. અનાસક્તિ એટલે પગ નીચે પથરાયેલા રેતાળ કિનારાને જોવો તે.
અનાસક્તિ એટલે ઈચ્છાઓનો ત્યાગ નહીં, પણ ઈચ્છાઓ વચ્ચે રહીને પણ ઈચ્છા ના બની જવું તે.
21st August 2020
Morning Musings...
કોઈપણ સંતોષકારક સંબંધની બુનિયાદી જરૂરિયાત એ છે કે આપણામાં સામેની વ્યક્તિની જગ્યાએ ખુદને મૂકીને દુનિયાને જોવાની ક્ષમતા હોવી જોઈએ. બે વ્યક્તિ જ્યારે એકબીજાની દ્રષ્ટિએ ચીજ-વસ્તુઓને જુવે અને સમજે એને જ એમ્પેથેટિક (હમદર્દી) સંબંધ કહે છે. મધુર સંબંધ એટલે એકબીજાની દ્રષ્ટિ અને સમજણની જુગલબંધીમાંથી પેદા થતું સંગીત. સંબંધના વાજિંત્રમાંથી સૂર પણ નીકળે, અને શોર પણ નીકળે. બે વ્યક્તિ કઈ અને કેવી રીતે વાજિંત્રો ની ચાંપો દબાવે છે, તેના પર આનો આધાર હોય છે.
22nd August 2020
Morning Musings...
ઇમોશનલ ઇન્ટેલિજન્સ એટલે આપણને રસ્તામાં કોઈ વ્યક્તિ મળી જાય, અને તે આપણી ઓળખાણ કાઢે, અથવા પરિચિતતા કેળવવાનો પ્રયાસ કરે, ત્યારે તેને બધી રીતે માપી-તોલીને આપણે વાતમાં આગળ વધીએ, અથવા તેની ઉપેક્ષા કરીને આપણા રસ્તે આગળ વધી જઈએ તે. લાગણીઓનું પણ એવું જ હોય છે. તે આપણને અચાનક અટકાવીને ઓળખાણ કાઢે છે, પરંતુ કઈ લાગણીને પૂરતું એટેન્શન આપીને ઉચિત પ્રતિભાવ આપવા જેવો છે અને કઈ લાગણીની હાજરીની નોંધ લઈને કોઈ પ્રતિક્રિયા આપ્યા વગર શાંતિથી તેને દરવાજો બતાવવા જેવો છે, તેનું નામ ઇમોશનલ ઇન્ટેલિજન્સ.
23rd August 2020
Morning Musings...
આખી જિંદગી સાથે રહ્યા હોય, અને છતાં ય બે વ્યક્તિ એકબીજાથી જોજનો દૂર હોય. બીજી બે વ્યક્તિ જિંદગીના એક સંક્ષિપ્ત પડાવ પર ભેગી થઈ હોય અને છતાં આખી જિંદગી જીવી લીધી હોય. સાથે સમય ગાળવો એ સંબંધનો માપદંડ નથી. એ સમયમાં એકબીજા સાથે કેટલા જોડાવ છો અથવા અલગ રહો છો, તે તેની નિશાની છે. માણસ સાથે હોય અને માનસિક રીતે ઉપલબ્ધ ના હોય તેવું બને અને દૂર હોવા છતાં વધુ નજીક હોય તેવું ય બને. સોફામાં જોડે બેસીને ટીવી જોવું એ ઉત્તમ સંબંધનો પુરાવો નથી. સંબંધ સહિયારા (સારા-નરસા) અનુભવો, ઊંડો લગાવ, પારદર્શકતા અને વિશ્વાસ પર બને છે. એ સિવાયના તમામ સંબંધો લેવડદેવડની વ્યવસ્થા છે.
24th August 2020
Morning Musings...
વાંચવાની કળા:
ઔસત વ્યક્તિ વાંચે, ત્યારે તે અંદરથી બોલ-બોલ કરતી હોય, અભિપ્રાય બાંધતી હોય, લખાણ સાથે સહમત-અસમત થતી હોય અને ફટાફટ 'વાંચી કાઢતી' હોય.
શિક્ષિત વ્યક્તિ વાંચે, ત્યારે જુની માન્યતાઓને કોરાણે મૂકે, નવા દ્રષ્ટિકોણને સમજવા પ્રયાસ કરે, સારું લાગે અથવા ન સમજાય તો ફરીથી વાંચે, ધીમેથી વાંચે, વાંચેલું આત્મસાત કરે અને વ્યવહારમાં મૂકે.
ઔસત વ્યક્તિ ઝાડ ગણે (એટલે કે શબ્દો વાંચે).
શિક્ષિત વ્યક્તિ જંગલ જુવે (એટલે કે આઈડિયા વાંચે).
25th August 2020
Morning Musings...
સ્કૂલ તમને આ દસ બાબતો નથી શીખવાડતી:
-જીવનલક્ષી પ્રશ્નો કેવી રીતે પૂછવા
-પોષણ શું કહેવાય
-ઈચ્છાઓ-વિચારો સામે જાગૃત કેમ રહેવાય
-સંબંધો કેવી રીતે બનાવાય
-તંદુરસ્ત આદતો કેવી રીતે વિકસાવાય
-લેખન-વાંચનનો પ્રેમ કેવી રીતે ખીલવી શકાય
-આર્થિક વિચારો કેવી રીતે કરી શકાય
-લાગણીઓ પર નિયંત્રણ કેવી રીતે મૂકી શકાય
-દીર્ઘદ્રષ્ટિ કેવી રીતે વિકસાવાય
-સંવાદ કેવી રીતે કરી શકાય
26th August 2020
Morning Mushing:
જેમ 1922માં અમદાવાદના બ્રિટિશ ન્યાયાધીશે મહાત્મા ગાંધીને 'યંગ ઇન્ડિયા'માં ડિસ્ટ્રીક મેજિસ્ટ્રેટનો એક પત્ર છાપવા બદલ અપરાધી ઠેરવ્યા હતા અને મહાત્માએ માફી માંગવાને બદલે જેલમાં જવાનું પસંદ કર્યું હતું, તેવી રીતે 60 વર્ષ પહેલાં, 'કેરળ પ્રકાશમ' નામના માલયમ દૈનિકના તંત્રી મથાઈ મંજૂરનને, સત્તાધારી કોમ્યુનિસ્ટ કાર્યકરોના હાથે માર્યા ગયેલા છ કોંગ્રેસ કાર્યકરોના સમાચાર બાબતે કેરળ હાઇકોર્ટે અદાલતની માનહાની બદલ દોષી ઠેરવીને 100 રૂપિયાનો દંડ કર્યો હતો. મથાઈએ દંડ ભરવાને બદલે ત્રિસુર જેલ જવાનું પસંદ કર્યું હતું, કારણ કે એમાં પ્રશ્ન અનુચિત કાનૂનનો અને લાખો લોકોની અભિવ્યક્તિની આઝાદીનો હતો. મથાઈ સજા ભોગવીને બહાર આવ્યા, ત્યારે તેમનું ઠેરઠેર જોશભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. અદાલતની માનહાનીના કાનૂનની એમાં જીત નહીં, હાર હતી. અમદાવાદની કોર્ટમાં મહાત્માએ કહ્યું હતું, "પત્રકાર તરીકે મેં જે કર્યું છે તે જનહિતમાં છે અને મેં કોઈ નૈતિકતા કે કાનૂનનો ભંગ નથી કર્યો. હું માફી નહીં માંગુ. માનનીય ન્યાયાધીશ મને જે સજા કરશે, તે હું હસતા મોઢે સ્વીકારીશ." 'માનનીય ન્યાયાધીશે' મહાત્માને સજા કરવાનું ટાળી દીધું અને મૌખિક ઠપકો આપીને છોડી મુક્યા!
27th August 2020
Morning Musings...
આપણી 99 ટકા ફિસિયારીઓ, ચિંતાઓ અને મગજમારીઓ બેકાર અને બકવાસ હોય છે, પણ આપણે સ્વાસ્થ્યના ગંભીર સંકટમાં ના સપડાઈએ, ત્યાં સુધી આ સાદી વાત સમજાતી પણ નથી. ઘણીવાર આપણી પ્રાથમિકતાઓ ખોટી હોય છે, અમે એ સમજાય ત્યારે મોડું થઈ ગયું હોય છે. મૃત્યુદંડની સજા પામેલા માણસને એટલે જ તેની છેલ્લી ઈચ્છા પૂછવામાં આવે છે. માણસ તેની છેલ્લી ઇચ્છામાં સૌથી ઈમાનદાર અને સમજદાર હોય છે.
2011માં, એપલના સહ-સ્થાપક સ્ટીવ જોબ્સનું અવસાન થયું, તે પછી કથિત રીતે તેમનું એક વિધાન લોકપ્રિય થયું હતું; " આ ક્ષણે, પથારીમાં બીમાર પડીને હું મારા જીવનને યાદ કરું છું, તો સમજાય છે કે મારી ઓળખાણ અને સમૃદ્ધિનો મને જે ફાંકો હતો, તે માથા પર આવેલા મોતની સામે ફિક્કો અને વ્યર્થ સાબિત થયો છે."
28th August 2020
Morning Musings...
તંદુરસ્ત શરીર હોય, રોટી-કપડાં-મકાન હોય, સંતોષજનક સંબંધો હોય અને થોડો ખાલી સમય હોય, તો ફરિયાદ કરવાનું કોઈ જ કારણ ના રહે. આપણી મુશ્કેલી એ છે કે આપણે કાલ્પનિક અસંતોષ અને કાલ્પનિક પીડાઓથી દુઃખી થઈને ફરિયાદો કરતા રહીએ છે.
29th August 2020
Morning Musings...
મોટાભાગના લોકો સુખી હોવાનો ડોળ કરે છે. સેલ્ફીની લોકપ્રિયતાનું આ સૌથી મોટું કારણ છે. એ તમને સકારાત્મક રૂપમાં પેશ કરે છે અને બીજા લોકોની સરાહના મેળવી આપે છે. આપણે અત્યંત જજમેન્ટલ સમાજમાં રહીએ છીએ. જો કોઈ દુઃખી નજર આવે, તો આપણે કારણો શોધવા લાગી જઈએ છીએ અને તેમના વિશે ધારણાઓ બનાવીએ છીએ. લોકો આપણને જજ ન કરે અને આપણી સાથે આપણી પીડાની ઉપરછલ્લી વાતો ના કરે તે માટે આપણે સુખી હોવાનું મહોરું પહેરી લઈએ છીએ. બીજું એ કે સમાજ 'સુખી અને સફળ' લોકોને વધુ માર્ક્સ આપે છે, અને દુઃખી લોકોને 'નકામા' ગણીને ઉપેક્ષા કરે છે. આવી રીતે 'નાતબહાર' ના મુકાવું પડે એટલે આપણે સમાજની ચીયરલીડર ગેંગમાં સામેલ થઇ જઈએ છીએ. છેલ્લા ૫૦ વર્ષમાં પોઝિટિવ સાઈકોલોજીએ 'બધાએ સુખી રહેવું જોઈએ અને બધું બરાબર હોવું જોઈએ'નો જે પ્રોપેગેન્ડા ચલાવ્યો છે, એનાથી દંભી સમાજનું નિર્માણ થયું છે. એટલા માટે સુખની સહિયારી પાર્ટીઓ અને સેલ્ફીઓ હોય છે, પણ ડિપ્રેસનની એકલતા અને ગુમનામી હોય છે.
30th August 2020
Morning Musings...
અજાણ્યા દુઃખ કરતાં પરિચિત દુઃખ સારું. માણસોની આ એક બુનિયાદી વૃત્તિ છે. પરિચિતતા સલામતીનો અહેસાસ કરાવે, પણ જે અજ્ઞાત છે તે બેચેની પેદા કરે. ઇન્ફલુએન્જામાં સૌથી વધુ માણસો મરતા હોવા છતાં કોવિડ-19થી લોકો બધું ગભરાય છે તેનું કારણ એ છે કે ઇન્ફલુએન્જાને આપણે સારી રીતે ઓળખીએ છીએ, જ્યારે કોરોના અજનબી છે. ઉત્ક્રાંતિક દ્રષ્ટિકોણથી કોઈપણ બાબતથી હેવાયા થવું હિતકારી છે, જેથી તે જીવતા રહેવાની પ્રક્રિયનો હિસ્સો બની જાય. આકર્ષણની પૂર્વશરત પરિચિતતા છે, એટલે લોકોને જાણીતી પીડા પણ 'આકર્ષક' લાગવા માંડે છે. એટલા માટે જ, એક પીડાદાયક સંબંધમાં લોકો લાંબો સમય ગુજારી નાખે છે, કારણ કે તેમને નવા સંબંધનો ડર વર્તમાન પીડા કરતાં મોટો લાગે છે.
31st August 2020
Morning Musings...
બીજા સાથે બોલવાની જરૂરિયાત જાત સાથે બોલ-બોલ કરવાની મજબૂરીમાંથી આવે છે. આપણને બાળપણમાં જ દરેક વસ્તુઓનાં નામ શીખવાડી દેવામાં આવે છે. તમે ક્યારેય વિચાર્યું છે કે જો 'નામકરણ' (naming) ના હોય, તો બોલવાનું શક્ય નથી! બહારથી કોઈ જરૂરિયાત ફરજ પાડે કે ના પાડે, પણ આપણે બાળપણથી જ આંતરિક સંવાદ કરતા રહીએ છીએ. દાખલા તરીકે કોઈ પૂછે કે 'કેમ છો?' તો તેની પ્રતિક્રિયામાં 'સારું નથી' એવો જવાબ આવે, પણ આપણે એવી કોઈ જરૂરિયાતની ગેરહાજરીમાં પણ જાતને કહેતા રહીએ છીએ કે 'હું દુઃખી છું' અથવા 'હું સુખી છું' અથવા 'જીવનનો શું અર્થ હશે?' આપણે સ્કૂલમાં એક ખૂણામાં બેસીને જાતને કહેતા, 'પેલો કે પેલી મારી વાતો કરે છે!' મોટા થઈને પણ આપણે આ જ કરીએ છીએ. આ નિરંતર આંતરિક ડાયલોગ જો ના હોય, તો તમને બીજી વ્યક્તિ સાથે વાત કરવાની કોઈ જરૂરિયાત જ મહેસુસ ના થાય. તમે બીજી વ્યક્તિ સાથે સંવાદ જ એટલા માટે કરો છો, જેથી તમારી આંતરિક સ્વગતોક્તિ ચાલુ રહે. એટલે ઇફેક્ટિવલી, તમે જાત સાથે જ સંવાદ કરો છો, બીજી વ્યક્તિ સાથે નહીં. બીજી વ્યક્તિ તો માધ્યમ પૂરું પાડે છે. એક ડાહ્યા અને ગાંડા માણસ વચ્ચે વાળદોરાનો જ ફરક છે; ડાહ્યો કોઈને સંભળાય નહીં તેમ મનમાં બોલે છે, જ્યારે ગાંડો જોર જોરથી બોલે છે એટલું જ.
1st September 2020
Morning Musings...
દરેક માનવીય પ્રવૃત્તિનું મૂળ તૃષ્ણા (ડિજાયર)માં છે
-બટ્રેન્ડ રસેલ, 1950
कामस्तदग्रे समवर्तताधि मनसो रेतः प्रथमं यदासीत्
(એટલે પ્રારંભે તૃષ્ણા જાગૃત થઈ, જે આત્માનું આદિમ બીજ અને અંકુર હતું)
-ઋગ્વેદ
Desire: લેટિનમાં ડેસીડેરારે, એટલે 'તરસવું, ઈચ્છવું,' જે મૂળ 'ડે સીડેરે' પરથી આવે છે, જેનો અર્થ થાય છે 'તારાઓમાંથી,' અર્થાત 'તારાઓ શું લાવે છે તેની પ્રતિક્ષા.'
2nd September 2020
Morning Musings...
લેખક બનવા માટે એક જ શાનદાર પુસ્તક લખાવું જોઈએ.
ગાયક બનવા માટે એક જ શાનદાર ગીત ગવાવું જોઈએ.
એક્ટર બનવા માટે એક જ શાનનદાર ફિલ્મની જરુંર પડે.
પત્રકાર બનવા માટે એક જ શાનદાર સ્ટોરી કરવી પડે.
વિજ્ઞાની બનવા માટે એક જ શાનદાર શોધ થવી જોઇએ
પ્રેમમાં પડવા માટે એક જ શાનદાર સાથીદારની જરૂર પડે
જીવનમાં એક જ કાફી છે. પછીનો રસ્તો આસાન છે.
બસ, શાનદાર હોવું જોઈએ.
3rd September 2020
ચીનની યાત્રા દરમિયાન રવીન્દ્રનાથ ટાગોર. જમણે યુવાન ચાઈનીઝ કવિ શુ ઝીમો છે, જે ટાગોરનો દુભાષિઓ અને ગાઈડ હતો. ઝીમો ટાગોરનો ચાહક હતો, જે પાછળથી ચીનનો સૌથી લોકપ્રિય આધુનિક કવિ બન્યો હતો. ડાબે લિન હુઈન નામની આર્કિટેક્ટ છે, જે ચીનની પહેલી આધુનિક મહિલા આર્કિટેક્ટ કહેવાય છે. ટાગોર 63 વર્ષના હતા, ત્યારે 1924માં, પહેલીવાર (અને 1928માં બીજીવાર) ચીનની મુલાકાતે ગયા હતા. ચીનમાં ત્યારે સાંસ્કૃતિક અને રાજકીય ઉથલપાથલ થઈ રહી હતી, અને ટાગોર તેમના 'આધ્યાત્મિક' અભિગમને લઈને ત્યાં ટીકાનું પાત્ર બન્યા હતા. 2009માં, ચાઈનીઝ સરકારી સમાચારપત્ર ધ ગ્લોબલ ટાઈમ્સના એક સર્વેક્ષણમાં, ચીન પર પ્રભાવ છોડી જનારી 60 વિદેશી પ્રતિભાઓમાં ટાગોર 11માં ક્રમે હતા.
4th September 2020
Morning Musings...
તમે જો દરેક વાતને તમારી પર લેશો અને દરેક બાબતને માત્ર તમારા ચશ્માંમાંથી જોશો, તો પ્રામાણિક માણસો સાથે દોસ્તી નહીં કરી શકો. પ્રમાણિક લોકો દંભી રમતોથી જલ્દી ઉબાઈ જાય છે. ખુદને વધારે પડતી ગંભીરતાથી લેતા લોકો એકલા અને દુઃખી રહી જાય છે. તમે જો અસલમાં દોસ્તો સાથે લગાવ રાખવા માંગતા હો, તો એ જે કહે તે સંભળજો અને સ્વીકારજો. તમારી અંદર પરિવર્તન લાવવા માટેના જરૂરી ફીડબેક દોસ્તોની વાતોમાં હોય છે. તમે જો એનો વિરોધ કરશો અથવા ખંડન કરશો, તો તમને વિજય તો મળશે, પણ એ ઠાલો વિજય હશે, કારણ કે પછી અજુબાજુમાં લોકો જ નહીં હોય.
5th September 2020
Morning Musings...
દરેકને સુખી થવું છે. દરેકને ચિંતા વગરનું, સરળ જીવન જીવવું છે. દરેકને ખૂબ પૈસા કમાવા છે. દરેકને શાનદાર સંબંધો બાંધવા છે અને નામ કમાવું છે. પણ તમે મને પૂછો કે આ બધું કરવા માટે હું કેટલી તકલીફ ભોગવવા તૈયાર છું, કેટલા સંઘર્ષમાંથી પસાર થવા તૈયાર છું, તો મારી પાસે તેનો જવાબ નહીં હોય. બધાને મસ્ત પૈસા અને મસ્ત પ્રેમ તો જોઈએ છીએ, પણ રોજના 10 કલાક કામ નથી કરવું, ઓફીસનો સ્ટ્રેસ નથી લેવો અથવા સંબંધોની પીડાઓ સહન નથી કરવી. સુખ અને સફળતાનો આધાર તમે કેટલો સંઘર્ષ ઉઠાવવા સક્ષમ છો, તેના પર છે. જીવનની ગુણવત્તાનો આધાર સકારાત્મક અનુભવ નહીં, પણ સંઘર્ષપૂર્ણ અનુભવોની ગુણવત્તા પર છે. જીવનમાં પ્લેઝર નહીં, પેઈન કેવું પસંદ કરો છો, તેના પરથી સફળતા આવે છે.6th September 2020
Morning Musings...
તમે જે પણ કામ કરતા હો, તે જો મિનિંગફૂલ હશે અને તમે તેના આનંદમાં વ્યસ્ત હશો, તો તમને બીજા લોકોની ટીકા કરવાનો સમય નહી મળે. ગુજરાતીમાં એના માટે 'નવરા' શબ્દ છે. જે લોકો બોરિંગ કામ કરે છે અથવા નવરા છે, તેમને સતત બીજા લોકોમાં ઝાંખવાની અને તેમની ટીકા કરવાની ટેવ પડી જાય છે. એ રીતે એ પોતાનો 'મિનિંગ' શોધે છે. તમારું કામ જો મિનિંગફૂલ હશે, તો આપોઆપ તમને જીવનની બીજી તમામ બાબતોમાં મિનિંગ દેખાવા લાગશે, પણ એનાથી જો ઊંધું હોય, તો તમને દરેક બાબતમાં દોષ દેખાવા લાગશે. ટૂંકમાં, જેની પાસે રોજ કોઈક સાર્થક ઉદેશ્ય છે, તેને આસપાસના બકવાસમાં રસ ના પડે.
7th September 2020
Morning Musings...
"નોલેજ પાવર છે તે ખરું, પણ જ્ઞાનની અસલી કસોટી એ નથી કે એ સાચું છે કે નહીં. કસોટી એ છે કે તે આપણને જીવનમાં સમર્થ બનાવે છે કે નહીં. કોઈ પણ સિદ્ધાંત ૧૦૦ ટકા સાચો નથી હોતો. સત્યતા જ્ઞાનની કમજોર કસોટી છે. જ્ઞાનની ખરી કસોટી એ સાચું છે કે નહીં તે નહીં, પણ ઉપયોગી છે કે નહીં તે છે. જે સિદ્ધાંત આપણને નવું કશું કરવા માટે સક્ષમ બનાવે, તે જ્ઞાન કહેવાય." -યુવલ નોઆ હરારી, 'સેપિયન્સ'માં.
આગ લાગે, ત્યારે પાણી ક્યાંથી લાવવું, એ જો ખબર હોય, તો તે જ્ઞાન ઉપયોગી કહેવાય. વિજ્ઞાનની શોધખોળથી માનવજાતિની પ્રગતિ થઈ છે, તે જ્ઞાનનો અસલી પાવર છે. પુસ્તકો વાંચીને આપણે તેને આત્મસાત ન કરીએ, આપણા વિચાર અને વર્તનમાં તે બુનિયાદી પરિવર્તન ન લાવે, જીવનમાં તેનો અમલ ન કરીએ, તો તેની વેલ્યુ મનોરંજનથી વિશેષ નથી. 'ખબર હોવા'નો મતલબ જ એ થયો કે આપણે બદલાઈ ગયા છીએ, પહેલાંના જેવા રહ્યા નથી. માણસની ટ્રેજેડી એ પણ છે કે તેણે એ જ જ્ઞાનમાંથી આગ કેવી રીતે લાગે, તે પણ શોધ્યું છે. જ્ઞાન બે ધારી તલવાર છે. જ્ઞાન પાવર છે કે નહી, તેની કસોટી એ વાતમાં છે કે તે આપણને બહેતર બનાવે છે કે નહીં.
8th September 2020
Morning Musings...
આપણામાં મોટિવેશનની નહીં શિસ્તની કમી હોય છે. મોટિવેશન તો ખાલી એક તણખો છે, જે લાગીને બુઝાઈ જાય. શિસ્ત ઓક્સિજન છે, જે આગ ભડકાવી રાખે. શિસ્તની ગેરહાજરીનાં ઘણાં કારણો હોય, પણ સોથી મહત્વનું કારણ તાકીદનો અભાવ. કશું પણ લક્ષ્ય પાર પાડવા માટે, કશું શીખવા માટે કે કોઈ પ્રોજેક્ટ પૂરો કરવા માટે કાં તો ઉતાવળ હોય અથવા આપણને એવું લાગે કે ઉતાવળ નથી. ગમે તેટલું મોટિવેશન હોય, 'પછી કરીશ'ની ભાવના જ્યાં સુધી હોય, ત્યાં સુધી અનુશાસન આવતું નથી. મૂળભૂત રીતે આપણે આળસુ છીએ, જેનું બીજું નામ આદત છે. જ્યાં સુધી કોઈ બાબતનો તકાજો ન હોય, ત્યાં સુધી આપણે તેને ઠેલતા જઈએ છીએ. પુરા જીવન દરમિયાન આ આદત કામ કરતી હોય છે. આદતો બદલવાનું આસાન નથી હોતું કારણ કે આપણું મન એવું સમજાવે છે કે "ખરાબ આદતનું નુકસાન કે સારી આદતનો ફાયદો તો ભવિષ્યમાં થશે ને, અત્યારે શું છે? જે ચાલે છે તે ભલે ચાલે ને!" જ્યાં સુધી નુકસાન કે ફાયદો તાત્કાલિક ન દેખાય, ત્યાં સુધી આપણને કોઈ મોટિવેશન પર કામ કરવાની શિસ્ત નથી આવતી.
9th September 2020
Morning Musings...
આખી દુનિયા અભિપ્રાયો પર ચાલે છે. પૃથ્વી પર જેટલા લોકો છે, તેટલા અભિપ્રાયો છે. દરેકને દરેક વસ્તુઓ અને દરેક વ્યક્તિઓ વિશે અભિપ્રાયો છે. અભિપ્રાયો ધારણાઓ અને પૂર્વગ્રહો પેદા કરે છે અને આપણને એક પરપોટામાં કેદ કરે છે. દરેક વિશે અભિપ્રાયો હોવા અને બધું કેમ ચાલે છે તે જાણવું અનિવાર્ય નથી. બહુ જાણીએ એટલે બહુ સમજણ આવે એવું નથી. ઘણીવાર કશું ન જાણવાનું પણ મહત્વનું હોય છે. અસલમાં જાણકાર માણસને ખબર છે કે શું જાણવું જરૂરી છે અને શું બિનજરૂરી. ગણિતમાં કહે છે કે variables (સંખ્યા, તત્વો) જો અનંત હોય, તો પ્રોબ્લેમ સોલ્વ જ ન થાય. જો મર્યાદિત અને સૂચક variables હોય, તો જ દાખલો સોલ્વ થાય. તેવી રીતે આપણામાં જો અનંત અભિપ્રાયો હોય, તો તે અંતત: નિરર્થક સાબિત થાય છે, કારણ તેથી નિર્ણય પર આવવાનું મુશ્કેલ થઈ જાય છે. સોશ્યલ મીડિયા તેનું સૌથી હાથવગું ઉદાહરણ છે. અભિપ્રાયોમાંથી આઝાદી એ સુપરપાવર છે.
10th September 2020
Morning Musings...
બીજા લોકો આપણી જેમ ના વિચારતા હોય, તો આપણને માઠું ના લાગવું જોઈએ. 'મારી વાત માનો' એવો આગ્રહ બાલિશતા છે. બધા જો આપણા જેવું જ વિચારતા હોય, તો બે કારણથી આપણે ચેતવું જોઈએ-
1. બધા તમારા જેવા જ છે- અર્થાત તમારા કામના નથી.
2. તમે બધા જેવા જ છો- અર્થાત તમે ઘેટાંનો હિસ્સો છો.
બંને સ્થિતિ તમારા માટે સારી નથી.
તમને બીજા લોકો તેમનો હિસ્સો ના માનતા હોય, તો તેમાં ખુશ થવા જેવું છે કારણ કે તમારા જેવી સ્કિલ અને ક્વોલિટી તેમની પાસે નથી.
11th September 2020
Morning Musings...
યે દિલ માંગે મોર યાદ છે? એ એક દિલચસ્પ માનવીય હકીકત છે કે આપણે સતત એવો અહેસાસ કરતા રહીએ છીએ કે આપણામાં કશુંક ખૂટે છે. એટલે આપણે સતત આપણી અંદર કશુક ઉમેરતા જઈએ છીએ; સલામતી, પ્રેમ, પહેચાન, આત્મવિશ્વાસ, ગૌરવ, પદ-પ્રતિષ્ઠા, પ્રશંસા, સુંદરતા કે ભૌતિક સમૃદ્ધિ. છતાં, આ બધું દરિયાના ખારા પાણીની જેમ તરસ સંતોષવાને બદલે તરસ ભડકાવે છે. આપણે મોટાભાગે જિંદગીમાં એક પછી એક બધું ઉમેરતા જઈએ છીએ પણ બહુ છેલ્લે સમજ આવે છે કે અસલી શાંતિ ઉમેરવામાં નહીં, પણ છોડવામાં છે. આપણને અંતે સમજાય છે કે અસલામતી દુર કરવા માટે સલામતીની નહીં, પણ અસલામતીના ભાવના વિસર્જનની જરૂર છે. અંતે તો એ જ સમજવાનું આવે છે કે શું ઉમેરવાની જરૂર છે તેમ નહીં, શું છોડવાની જરૂર છે.
12th September 2020
Morning Musings...
થિયેટરમાં સિનેમા જોતી વખતે આપણે પડદા પરના મોટા પિક્ચરમાં એટલા મશગુલ હોઈએ છીએ કે આજુબાજુમાં નાનાં-નાનાં પિક્ચરોને ઉપેક્ષા કરીએ છીએ અથવા બહુ ખલેલ પડે તો 'ઓ બહેન, બચ્ચાને લઈને બહાર જાવ' અથવા 'ઓ ભાઈ, બહાર જઈને ઝઘડો' એવી બૂમ પાડીએ છીએ. અસલી જીવનમાં આપણે ઘણીવાર ઊંધું કરીએ છીએ; જીવનના મોટા પિક્ચરને બાજુએ મૂકીને નગણ્ય અને નાનાં પિક્ચરોમાં વ્યસ્ત રહીએ છીએ. જે બાબતો થોડી મિનિટો પછી કે થોડા દિવસો પછી આપણને ફાલતું લાગવાની છે, તે આપણો એટલો સમય અને ઉર્જા લઈ લે છે કે આપણે જીવનના અસલી અને મોટા પિક્ચર માટે તૈયાર જ હોતા નથી.
નકામા ડ્રામામાં જાતને ઉલઝાવીને કશું મહાન થઈ રહ્યું હોવાનો ભ્રમ પેદા થાય, તે પહેલાં જાતને આ બે સવાલ પૂછવા જોઈએ:
1. હું જે કરું છું, તેનું એક વર્ષ પછી કોઈ મહત્વ હશે? (ચીજોને પરિપ્રેક્ષ્યમાં જોવી)
2. અત્યારે ધ્યાન આપવા જેવી કઇ ચીજ અગત્યની છે?
(પગ જમીન પર જડાયેલા રાખવા)
આ બે અભિગમનું કોમ્બિનેશન કિલર સાબિત થાય છે. આપણે જે ચીજ પર વધુ ફોકસ કરીએ, તે વધુ સ્પષ્ટ અને મહત્વની બનતી જાય. ફાલતુ બાબતો પણ આપણને તત્ક્ષણ અગત્યની લાગે છે, તેનું કારણ આપણું તેમાં વ્યસ્ત રહેવું છે. ગટરમાં પડેલી વ્યક્તિને આકાશમાં તારાઓ ખૂબસૂરત લાગે, પણ એથી ગટર ખૂબસૂરત ના થઇ જાય.
13th September 2020
Morning Musings...
આપણે જો મોટા થતી વખતે નવા પ્રોબ્લેમ્સનો સામનો કરતા હોઈએ, તો એનો અર્થ એ થયો કે આપણે સાચી દિશામાં છીએ. નવા પ્રોબ્લેમ્સ પ્રગતિનો સંકેત છે. પ્રોબ્લેમ્સ વગરનું જીવન અસંભવ છે, પણ અગત્યની વાત એ છે કે આપણે કેવા પ્રોબ્લેમ્સથી ઘેરાયેલા છીએ. આપણને આજે જો એ જ પ્રોબ્લેમ્સ હોય, જે 15 કે 25 વર્ષની વયે હતા, તો તેનો મતલબ એ થયો કે આપણે ત્યાંથી આગળ નથી વધ્યા. આપણે જેમ મોટા થઈએ, તેમ આપણા પ્રોબ્લેમ્સ પણ ઉચ્ચતર થવા જોઈએ. આપણા પ્રોબ્લેમ્સની કવોલિટી પરથી આપણી કવોલિટી નક્કી થાય છે. સ્કૂલમાં હતા ત્યારે "પેલો કે પેલી મારી સાથે નથી બોલતા" અથવા "એ મારા વિશે વાત કરે છે" અથવા "પેલા/પેલી ને એકલા પાડી દઈ ને આપણે ટીમ બનાવીએ" એ પ્રોબ્લેમ 35/40 વર્ષે પણ જો હોય, તો આપણે હજુ સ્કૂલ લેવલેથી આગળ નથી ગયા.
14th September 2020
Morning Musings...
આપણે બે સ્તર પર જીવીએ છીએ, શારીરિક અને માનસિક. શારીરિક જિંદગી લાંબી જીવવી હોય, તો જન્મ અને મૃત્યુ વચ્ચેનો સમયગાળો વધારવો પડે. માનસિક જિંદગી લાંબી જીવવી હોય, તો શરીરનું જેટલું આયુષ્ય છે, તેની સીમામાં ઘણી બધી જિંદગીઓ જીવી લેવી પડે. મર્યાદિત સમયમાં ઘણું બધું કેવી રીતે જીવાય?
-એક સમયે એક જ ચીજને જીવો
-એ એક ચીજને ભરપૂર જીવો
-જુનૂનથી જીવો. જાતને એમાં ડુબાડી દો
-ભૂલો કરો, એમાંથી શીખો અને સુધારો
-બહુ આગળ નીકળી જાવ, પછી અટકી જાવ
- જેમ જેમ અનુભવ આવતા જશે, તેમ તેમ તમે સરળ જીવવા લાગશો
ટૂંકમાં, દરેક દાયકામાં એક જિંદગી જીવવી. શરીરનો સમય સમાપ્ત થવા પર આવશે, ત્યારે તમને ઘણી જિંદગી જીવ્યાનો સંતોષ હશે.
15th September 2020
Morning Musings...
આપણે એક એવા સમયમાં જીવે છીએ, જયાં શરીર કુપોષિત રહી જાય છે અને મગજ અતિ વિકસિત છે. આપણે મગજ પાસે જેટલી મહેનત કરાવીએ છીએ (મોટાભાગે બિનજરૂરી), તેની સરખામણીમાં શરીર આળસુ થઈ ગયાં છે. આપણે એક હકીકત ભૂલી જઈએ છીએ કે મનની તંદુરસ્તીનો આધાર શરીરની તંદુરસ્તી પર છે. આપણે છાસવારે જે ગોળીઓનો ખાઈએ છીએ, તેની સરખામણીમાં રોજીની 30 મિનિટની નક્કર એક્સરસાઇઝમાંથી શરીરમાં જે પ્રાકૃતિક હોર્મોન પેદા થાય છે, તે વધુ તાકતવર અને તંદુરસ્ત હોય છે. નિયમિત નક્કર એક્સરસાઇઝથી આપણું મગજ નવા સેલ્સ બનાવે છે, જેને ન્યુરોજેનેસિસ કહે છે. પેટમાં જ્યારે ગર્ભનો વિકાસ થતો હોય, ત્યારે મગજના ડેવલપમેન્ટમાં આ ન્યુરોજેનેસિસની ભૂમિકા મહત્વની હોય છે. એક્સરસાઇઝથી એ જ પ્રક્રિયા રિપીટ થાય છે.
તમને જો આ વાતમાં શંકા હોય, તો એક-બે મહિના સુધી તંદુરસ્ત પોષણક્ષમ ખાવાનું ખાઈને અને નક્કર એક્સરસાઇઝ કરીને જંક ફૂડ ખાવાનું ચાલુ કરી દેજો અને શરીરને કોઈ પરિશ્રમ આપ્યા વગર આખો દિવસ ટીવી કે સોશ્યલ મીડિયામાં ગાળી જો જો. મગજની ક્વોલિટીનો ફરક દેખાઈ જશે.
16th September 2020
Morning Mushing:
વિનસ એટલે કે શુક્રના ગ્રહ પર જીવન મળ્યું? બહુ શરુઆતના ડેટા પ્રમાણે, વૈજ્ઞાનિકોએ વિનસનાં વાદળોમાં phosphine કેમિકલની હાજરી નોંધી છે. ગંધાતો અને જ્વલનશીલ Phosphine ગેસ પૃથ્વી પર જીવંત તત્વોમાંથી બને છે- ચાહે માણસો હોય કે પછી કિટાણુઓ. પ્રથમ વિશ્વ યુદ્ધમાં આ કેમિકલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને તે આજે પણ કિટ નાશક તરીકે ખેતરોમાં અને સેમી કંડકટર ઉદ્યોગમાં વપરાય છે. Phosphine ઓક્સિજન વગરની જગ્યાઓમાં રહેતા અમુક બેક્ટેરિયામાં અને પ્રાણીઓના આંતરડામાં પણ પ્રાકૃતિક રીતે બને છે.
આ વર્ષની શરૂઆતમાં, સંશોધકો એવા નિષ્કર્ષ પર પહોંચ્યા હતા કે બીજા ગ્રહો પર આ કેમિકલ મળે, તો જીવન હોવાના સંકેત મળે. તે માટે તેમણે વધુ પાવરફુલ ટેલિસ્કોપનું સૂચન કર્યું હતું, જે ગ્રહોના વાતાવરણમાં ગેસની તપાસ કરી શકે.
હવે, નેચર એસ્ટ્રોનોમી જર્નલમાં પ્રકાશિત અહેવાલ પ્રમાણે વૈજ્ઞાનિકોએ વિનસના વાતાવરણમાં આ ગેસની હાજરીને પકડી છે. Phosphine વિનસ પર બને તે અઘરું છે. તેના વાદળોમાં જે કેમિકલ છે, તે Phosphineના મોલેકયુલ ગંઠાય તે પહેલાં તેને ખતમ કરી નાખે. છતાં, વૈજ્ઞાનિકો વિનસ પર 'દેખાયેલા' વિચિત્ર ગેસની છનબીન કરી રહ્યા છે.
https://www.nationalgeographic.com/science/2020/09/possible-sign-of-life-found-on-venus-phosphine-gas/?fbclid=IwAR3AUZa6F6zzKMrhgPawl1K0CPgSMPcTcbIrxdEHlItpjwMhHb82K3kfAkY
17th September 2020
Morning Musings...
વિચારોમાં નકારાત્મકતા કે સકારાત્મકતા કેવી રીતે આવે?
સિગારેટ પીવાની કે કસરત કરવાની તલપ કેવી રીતે લાગે?
કવિતાઓ લખવાની કે સંગીતના સૂર ગાવાની ટેવ કેવી રીતે પડે?
તેનો જવાબ મગજનાં ન્યૂરલ કનેક્શન્સમાં છે. યુનિવર્સીટી ઓફ કેલીફોર્નીયામાં ન્યુરોસાયન્સના પ્રોફેસર માઈકલ મેર્ઝેનિશ ‘ધ બ્રેઈન ધેટ ચેન્જીસ ઈટ સેલ્ફ’માં લખે છે કે, “યોગ્ય કેળવણી વડે નવી આદત પાડવાથી મગજમાં ન્યુરલ ચીલાઓ પડે છે અને તેમાં નર્વ સેલ્સ વચ્ચે લાખો-કરોડો નવાં કનેકશન વિકસે છે. માણસનું મગજ અંદાજે ૧૦,૦૦૦ કરોડ ન્યુરોન્સનું બનેલું છે અને તેમાંથી કુલ ૧૦૦ ટ્રિલિયન ન્યુરલ કનેક્શન બને છે."
આપણને મજા આવે તેવી પ્રવૃત્તિથી મગજના ડાબા હિસ્સામાં, જેને પ્રિફ્રન્ટલ કોર્ટેક્સ કહે છે, સળવળાટ વધે છે. આપણ મજાને રિપીટ કરીએ, તેમ તેમ આ સળવળાટ વધુ નક્કર થાય અને ત્યાં ચીલો પડે. આને ન્યુરલ પ્લાસ્ટીસિટી કહે છે. આદતો આ રીતે બને છે. તમે પ્લાસ્ટિકની બોટલને ગેસની આગ પર ધરો, ત્યારે એ પ્લાસ્ટિક કેવી રીતે ઓગળીને વળવા લાગે છે! બસ, આ રીતે જ મગજની ન્યુરલ પ્લાસ્ટીસિટી કામ કરે છે.
ન્યુરલ પ્લાસ્ટીસિટીએ ડિપ્રેસન અને એન્ગઝાઈટી (ઉદ્વેગ) જેવી માનસિક બીમારીઓને ઠીક કરવાનો અને નુકશાનકારક આદતોને બદલવાનો રસ્તો ખોલ્યો છે. મગજને નવેસરથી ઘડી શકાય? ન્યુરલ પ્લાસ્ટીસિટી કહે છે, હા. આપણા વિચારો પર નિયંત્રણ કરીને અને નવેસરથી વિચારવાનું શીખીને આપણે મગજમાં પડેલા ચીલાઓ પરના નર્વ સેલ્સને નવેસરથી આકાર આપી શકીએ છીએ અને મગજની પ્રક્રિયાને બદલી શકીએ છે. આ પ્લાસ્ટિકની જૂની બોટલને ઓગાળીને નવી બનાવવા જેવું છે.
નીચે યુ ટ્યૂબ ની લિંક માં, મગજમાં કેવી રીતે ન્યુરોન્સ બને છે અને તે આપસમાં કેવી રીતે કનેક્શન બનાવે છે, તેનું અદભૂત ફુટેજ છે.
(આ ફૂટેજ ટાઈમ્સ-લેપ્સ ટેકનિકથી બનાવવામાં આવ્યું છે, જેમાં અત્યંત ધીમી ક્રિયાઓનાં અમુક સમય સુધી અનેક પિકચર્સ લઈને તેને એ રીતે જોડવામાં આવે જાણે ઝડપથી ક્રિયા થતી હોય)
18th September 2020
Morning Musings...
"મારાથી ટીકા સહન નથી થતી. બહુ ડિસ્ટર્બ થઈ જાવ છું."
"વખાણ ગમે છે?"
"કેવી વાત કરો છો! વખાણ તો કોને ના ગમે!"
"જે દિવસે વખાણ સાંભળીને ખુશ થઈ જવાનું બંધ થઈ જશે, ત્યારે ટીકા આસાન થઈ જશે."
The day u stop getting affected by criticism, u’ve conquered the world. The day u stop getting affected by praise, u’ve conquered urself
એવરેસ્ટ ચઢવો એ સાહસ નથી. આપણી કથિત મહાનતામાંથી નીચે ઉતારવું એ અસલી સાહસ છે.
19th September 2020
Morning Musings...
Part-1
એક જાપાનીઝ ગામમાં એક સ્ત્રી મરી રહી હતી. તે ઘડીકમાં આંખો ખોલે અને ઘડીકમાં હોશ ગુમાવી દે. એવી અવસ્થામાં તેને મહેસૂસ થયું કે તેનો આત્મા તેના શરીરમાંથી બહાર નીકળીને તેના પૂર્વજોના આત્માઓ સામે પ્રગટ થયો છે. પૂર્વજોમાંથી એક આત્માએ જોરથી તેને પૂછ્યું : “તું કોણ છે?”
સ્ત્રીએ જવાબ આપ્યો, “હું મેયરની પત્ની છું.”
“હું તને એમ નથી પૂછતો કે તારો પતિ કોણ છે. હું પૂછું છું તું કોણ છે?”
“હું ચાર બાળકોની માતા છું. હું એક સ્કૂલમાં શિક્ષક છું.”
“મેં તને એવું ક્યાં પૂછ્યું કે તારાં બાળકો કેટલાં છે કે તું ક્યાં કામ કરે છે!”
સ્ત્રી અલગ-અલગ રીતે તેની ઓળખ આપતી રહી અને પૂર્વજ આત્માઓ એનો એ જ સવાલ પૂછતા રહ્યા. છેલ્લે કોઈ સંદર્ભ ન રહ્યા એટલે એ બોલી :
“હું એ સ્ત્રી છું, જે પરિવારને મદદ કરવા માટે અને સ્કૂલમાં બાળકોને ભણાવવા માટે રોજ સવારે ઊઠે છે.”
આ જવાબ સાંભળીને આત્માઓને સંતોષ થયો. એમણે તેને આશીર્વાદ આપ્યા. સ્ત્રીનો આત્મા તેના શરીરમાં પાછો આવી ગયો અને તેની બીમારી ભાગી ગઈ.
એ સ્ત્રીને તેની ઇકિગાઈ મળી ગઈ. ઈકીગાઈ એટલે લાંબા અને સુખી જીવન નું જાપાનીઝ રહસ્ય
20th September 2020
Morning Mushing:
Part 2
જાપાનમાં ઓકિનાવા ટાપુ પર 'ઓગિમી' નામનું એક ગામ છે. દુનિયામાં તેને 'સૌથી લાંબી ઉંમર'ના ગામ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાં ૩૧૦૩ લોકો રહે છે, અને તેમાંથી ૧૪ રહેવાસીઓ ૧૦૦ વર્ષથી ઉપરની ઉંમરના છે. ૯૦ વર્ષની સીમા પકડીએ, તો એવા રહીશોની વસ્તી ૧૫૮ છે. ૧૯૭૦ સુધી ત્યાં એકપણ દવાખાનું ન હતું, કારણ કે ગામલોકો ભાગ્યે જ બીમાર પડતા હતા.
જાપાનના આ લોકો પાસે એવું કઈ જડીબુટ્ટી છે, જે તેમને આટલી લાંબી અને સુખી જીંદગી આપે છે?
તે જડીબુટ્ટીનું નામ છે 'ઇકિગાઈ.'
મૂળ જાપાનીઝ શબ્દ ‘ઇકી’ એટલે જીવન અને ‘ગાઈ’ એટલે ઉદેશ્યને ભેગા કરો એટલે બને `ઇકિગાઈ’. ઇકિગાઈને ત્રણ રીતે સમજી શકાય:
૧. જીવનનો હેતુ
૨. સવારે જાગવાનો ઉદેશ્ય
૩. વ્યસ્ત રહેવાનું સુખ
ઓકિનાવાના લોકોની આ જીવન રીત છે.
તમને ૧૯૮૦માં આવેલી પદ્મિની કોલ્હાપુરેની ફિલ્મ 'આહિસ્તા આહિસ્તા' ફિલ્મમાં ભુપીન્દરે ગાયેલી મશહુર ગઝલ યાદ હશે:
કભી કિસી કો મુક્કમલ જહાં નહીં મિલતા
કહીં જમીન તો કહીં આસમાન નહીં મિલતા
આપણા જીવનમાં કોઈને કોઈ બાબત એવી હોય છે, જેનાથી આપણે ખુશ નથી હોતા. નોકરીમાં પૈસા સરસ છે, તો કામ ગમતું નથી. કામ પસંદગીનું છે, તો પૈસા ઓછા છે. કામ પણ ગમતું છે અને પૈસા પણ સરસ છે, તો પરિવાર માટે સમય નથી. બધું જ મળી જાય છે, તો અંદર દબાઈને પડેલી કોઈ અધુરી ઈચ્છાનો ડંખ પજવ્યા કરે છે.
'ઇકિગાઈ' એક પેશન છે, જે આપણને આ તમામ પરિસ્થિતિઓમાં ઉદેશ્યનું આસમાન અને સુખની જમીન પૂરી પાડે છે.
દિવસની શરૂઆત આપણે ગમતા, ઉપયોગી અને લાભદાયી કામથી કરીએ, તે આપણી ઇકિગાઈ.
21st September 2020
Morning Musings...
એવા લોકો સાથે ટાઈમ ના બગાડવો, જેમનામાં ભિન્ન દ્રષ્ટિકોણ સ્વીકારવા માટે જરૂરી કલ્પનાશક્તિનો અભાવ હોય. તમે તેમની સાથે ગમે તેટલી ચર્ચા કરો, એ કાયમ 'સાચા' જ રહેવાના. તેમને તમારી વાતમાં ત્યાં સુધી જ રસ પડે, જ્યાં સુધી તે તેમને તેમની 'સચ્ચાઈ' કહેવાનો (અને તમને જુઠા સાબિત કરવાનો) મોકો પૂરો પાડે. બુદ્ધિશાળી વ્યક્તિની અસલી કસોટી એ પોતાની ભૂલ કે ગેરમાન્યતા સ્વીકારવા માટે કેટલી સક્ષમ છે, તેમાં છે. પોતાના વિચારો પ્રત્યે ઈમોશનલ ઓબ્સેસન ના હોય, તેવા લોકો સાથે સંવાદ કરવો એ જીવનનો સૌથી સુખદ અનુભવ છે. ઓપન માઈન્ડ એટલે કોઈપણ વિચાર કરવાની ક્ષમતા નહીં, બલ્કે કોઇપણ પ્રતિવિચારને સ્વીકારવાની તૈયારી.
22nd September 2020
Mornings Musings...
નેગેટિવ માનસિકતાવાળા લોકોની દસ ઓળખાણ:
1. સ્વકેન્દ્રિત હોય; કોઇપણ બાબતમાં 'હું' આવે જ.
2. ક્યારેય ભૂલ ના સ્વીકારે, બીજાની અચૂક કાઢે
3. બહુ તમાશો કરે, શાંત પાણીમાં પથરા નાખે
4. અત્યંત સરળતાથી જૂઠ બોલી શકે
5. બીજા લોકો વિશે સારું ના બોલી શકે
6. તોછડાઈ ભારોભાર હોય
7. તમારે શું કરવું જોઈએ તેની સલાહ આપતા રહે
8. દરેક બાબતમાં ફરિયાદો કરે
9. 'પણ' શબ્દનો બહુ જ ઉપયોગ કરે
10. સકારાત્મક વાતમાંથી પણ ભુલ કાઢે..
23rd September 2020
Morning Musings...
Talking with someone: જ્યાં આઈડિયાનું આદાનપ્રદાન થાય.
Talking at someone: જ્યાં ઈગોની આપલે થાય.
કોઈની 'સાથે' બોલવાનો મતલબ એ કે અરસપરસ એકબીજાની વાતો અને વિચારોને સાંભળવામાં આવે છે, સમજવામાં આવે છે અને તેમાંથી જીવનપયોગી કોઈ બહેતર નિષ્કર્ષ કાઢવામાં આવે છે. એમાં બોલવાનું ઓછું, અને સાંભળવાનું વધુ હોય છે.
કોઈની 'સામે' બોલવાનો મતલબ એ કે બંને બોલે છે, પણ સાંભળવાનું અને સમજવાનું બંધ છે. એમાં ખાલી કહેવાનું જ છે, સાંભળવાનું નથી.
24th September 2020
Morning Musings...
અસલમાં સફળ અને સુખી લોકો આટલું ના કરે:
1. ફરિયાદો અને હતાશ વાતો
2. દોષારોપણ અને ટીકાઓ
3. વાદવિવાદ અને ઝઘડા
4. બડાઈખોરી અને 'હું'પણું
5. ચીડ અને ચીસાચીસ
6. બોલબોલ અને ભૂલો શોધવાનું
7. હસ્તક્ષેપ અને અવરોધ
8. અપેક્ષાઓ અને માલિકીપણું
9. કુથલી અને કટાક્ષ
10. છેતરપીંડી અને જૂઠ
25th September 2020
Morning Musings...
લાગણીસભર ચર્ચા અને બુદ્ધિસભર ચર્ચામાં તફાવત એ છે કે લાગણીસભર ચર્ચામાં તમે પહેલેથી નક્કી કરી દો છો કે તમારી લાગણી કયા પક્ષે છે, અને તે પ્રમાણે ચર્ચામાં ઝુકાવો છો. તાત્વિક ચર્ચામાં તમે પહેલાં બૌદ્ધિક ચર્ચા કરો છો અને પછી નક્કી કરો છો કે કયા પક્ષે રહેવું.
26th September 2020
Morning Musings...
સકારાત્મક હોવું એટલે શું? સકારાત્મકતા એટલે નકારાત્મકતાની ગેરહાજરી નહીં, પણ નકારાત્મકતાનો સામનો કરવાની ક્ષમતા. પીડાઓ, મુસીબતો અને ફરિયાદો ન હોય તેને સકારાત્મક ન કહેવાય. મુસીબતોની પેલે પાર જોવાની નજરને સકારાત્મકતા કહેવાય. સકારાત્મકતા એટલે સતત હસતા રહેવું તે નહીં, પણ પોતાના પ્રત્યે સંપૂર્ણ જાગરૂકતા રાખવી અને અંદરથી આવતી દરેક લાગણીની જવાબદારી સ્વીકારવી તે. સકારાત્મકતા પેઈન-કિલર છે, પણ તે પેઈનને ખતમ નથી કરતી, તે પેઈનનો અનુભવ કરવાની ક્ષમતાને ખતમ કરે છે.
27th September 2020
Morning Musings...
પ્રત્યેક વ્યક્તિની અંદર તેની બૌદ્ધિક ક્ષમતા અને ભાવનાત્મક આવેગને કોઈને કોઈ રચનાત્મકતા પ્રવૃત્તિમાં વ્યક્ત કરવાની અનિવાર્ય જરૂર હોય છે. કોઈ કવિતા કરે કે કોઈ ઓફીસમાં હિસાબ કરે. બૌદ્ધિકતા અને ભાવનાત્મકતા એક સહજ ઉર્જા છે. એ જો શરીરમાં દબાઈને રહે, તો તે ડિપ્રેશન, ઉદ્વેગ (એન્ગઝાઈટી) અથવા હિંસક વિચાર કે વર્તનમાં તબદીલ થઈ જાય. માણસો પાગલ નથી થઈ જતા તેનું સૌથી મોટું કારણ એ છે કે આપણે કોઈને કોઈ રીતે રચનાત્મક વ્યસ્તતા જાળવી રાખીએ છીએ.
28th September 2020
Morning Musings...
યાદગાર ચીજો બોરિંગ રૂટિનમાંથી આવે છે. ગોલ્ડ મેડલ અને નોબેલ પારિતોષિક એમાંથી જ જીતાય છે. દિલચસ્પ પડદા પાછળનો સીન બોરિંગ હોય છે.
જીમનું રૂટિન બોરિંગ હોય છે.
એક ફકરો ફરી લખવો બોરિંગ હોય છે.
ખુદના જ વિચારોને જોવા બોરિંગ હોય છે.
રોજ એકનું એક પૌષ્ટિક ખાવું બોરિંગ હોય છે.
ઉત્તેજિત થયા વગર જીવવું બોરિંગ હોય છે.
પાયાની વાતો શીખવી બોરિંગ હોય છે.
વિજ્ઞાન શાળાના પ્રયોગો બોરિંગ હોય છે.
શિસ્ત બોરિંગ હોય છે, કારણ કે એમાં લાંબા ગાળાનું વિચારવું પડે છે. માણસો સ્વભાવથી ટૂંકા ગાળાના વિચારોને જ 'એન્જોય' કરતા હોય છે, પણ જે બોરિંગ છે, એમાંથી જ દિલચસ્પ જીવન આવે છે.
29th September 2020
Morning Musings...
ફેસબુક દોસ્તીનું અને ડેટિંગનું પ્લેટફોર્મ હતું. એના બદલે તે અહંકારની કુસ્તીનો અખાડો કેવી રીતે બની ગયું?
નેટફ્લિક્સ પર આવેલી ‘ધ સોશ્યલ ડિલેમા’ નામની અત્યંત અર્થગંભીર ડોક્યુમેન્ટરી આ પ્રશ્નનો જવાબ આપવા પ્રયાસ કરે છે.
ભાઈબંધીઓ કે બહેનપણાના નામે સોશ્યલ મીડિયા પર જે ગદંકી થઇ છે, તેને આ ડોક્યુમેન્ટરી ‘માનવતાના અસ્તિત્વ સામે સૌથી મોટો ખતરો’ ગણાવે છે. જેફ ઓર્લોવસ્કી નામના અમેરિકન ફિલ્મમેકરે બનાવેલી આ ડોકયુમેન્ટરીમાં ટેકનોલોજી કંપનીઓના માધાંતાઓ સ્વીકારે છે કે લોકો ડોળા ઘાલી રાખે તેવા કોમ્પ્યુટર કોડ્સ અને પ્રોગ્રામ બનાવીને તેમણે એક એવા રાક્ષસને જન્મ આપ્યો છે, જે હવે તેમના હાથમાં રહ્યો નથી.
અગાઉ ગૂગલમાં કામ કરી ચુકેલા અને સિલિકોન વેલીનો ડાહ્યો અવાજ કહેવાતા ટ્રીસ્ટાન હેરીસ આ ડોકયુમેન્ટરીમાં કહે છે, “ટેકનોલોજીએ આપણા પર ધાક જમાવી છે. સોશ્યલ મીડિયા એપ્સ લોકોની અંદરનું સારાપણું અને જે વિકૃતિ બંને બહાર લાવે છે. એપ્સની પ્રોડક્ટ ફ્રી છે, તેનો અર્થ એ થયો કે તમે જ પ્રોડક્ટ બની ગયા છો અને અલગોરિધમ તમને વાપરી રહ્યું છે. આપણું એટેન્શન એક પ્રોડક્ટ છે અને વિજ્ઞાપનદાતાઓને તે વેચવામાં આવી રહ્યું છે. આપણે કોણ છીએ, શું કરીએ છીએ અને શું વિચારીએ છીએ તેને ટેકનોલોજી સતત બદલી રહી છે."
ડોકયુમેન્ટરીની શરૂઆત ગ્રીક નાટ્યકાર સોફોક્લેસના વિધાનથી થાય છે; nothing vast enters the life of mortals without a curse- માનવજીવનમાં કોઈ મોટી ક્રાન્તિ આવે ત્યારે સાથે અભિશાપ લઈને આવે છે.
સોશ્યલ મીડિયા ૨૧મી સદીની ક્રાંતિ બનીએ આવ્યું હતું, પણ એ સાથે જ એ રાજકારણનું, સામાજિક વિભાજનનું અને એકબીજાને નીચા પાડવાનું હથિયાર પણ બની ગયું છે, જ્યાં દુસ્પ્રચાર, ફેક ન્યૂઝ, ટ્રોલિંગ, હિંસા તેનાં મહત્વનાં પાસાં છે. દસ વર્ષ પહેલાં આપણે વિચાર્યું પણ ન હતું કે જે સાઈટ્સ ખોવાયેલા દોસ્તોને પાછા મેળવવાનું કામ કરે છે, તેનો જ ઉપયોગ કરીને આપણે દોસ્તો ના સાચા ખોટા વિચારો નું પણ જ્ઞાન થાય છે..
સોશીયલ મિડીયા આપણા મનનું પ્રગટ સ્વરૂપ છે. અને એને મફતમાં પ્રગટાવી શકાય છે. એને હરાવનારા જીતશે. આવું લખાણ પણ એ રાક્ષસની મદદ વગર ક્યાં ફેલાવી શકાય છે? ટેકનોલોજી એકવાર આવી જાય, પછી જતી નથી. એને સારી દિશામાં વાળવી પડે. રેડીઓની શોધ યુદ્ધમાં અસરકારક રીતે મેસેજની આપલે કરવા થઈ હતી, પછી તે જ ટેકનોલોજી સામાજિક ઐક્યનું સાધન બની હતી. આવા લખાણ માટે જ આ રાક્ષસનો ઉપયોગ કરવો જોઈએ.
30th September 2020
Morning Musings...
કોઈ વ્યક્તિ તમારાથી ખિન્ન હોય, અને તેણે તમારા વિશે ઉતરતો અભિપ્રાય બાંધી દીધો હોય, તો તેનામાં એક એવી આવડત વિકસી જાય કે તમારી કોઈપણ વાતમાંથી તે એક શબ્દને પકડીને અલગ તારવે, અને પછી તેને ટ્વિસ્ટ કરીને, તેમાં (ખુદને માટે) જરૂરી હોય તેવા સંદર્ભો સાથે જોડીને તત્કાળ તમારી સામે એક વધુ પુરાવો ધરી દે કે તેને કેમ તમારાથી નફરત છે. ખિન્ન વ્યક્તિને સચ્ચાઈ કે તર્કમાં રસ નથી હોતો; તેની એક માત્ર જરૂરિયાત તેની ખિન્નતાને ઉચિત ઠેરવવાની હોય છે.


















































































































































































No comments:
Post a Comment